shikh-a-gujarati-short-story

1. શીખ ! 

1. શીખ !

સવારથી જ હું થોડો ગુસ્સામાં હતો. આમ તો હું કોઈ કારણ વગર ગુસ્સો કરતો નથી પણ સવારે ઉઠતાની સાથે જ ચા ન મળે તો ગુસ્સો આવી જ જાય ! ચા એટલે મારા માટે અમૃત !!!!!

સવારે ન્હાયો તૈયાર થયો પણ ઘરમાં બધા કોઈ કામમાં હતા એટલે મારા ઉપર કોઈનું ધ્યાન ગયું નહિ. કોઈએ મને ચા આપી નહિ અને મારો ઘડીકિયો સ્વભાવ બગડ્યો તરત ચાવી ઉઠાવી અને બાઇક લઈને ઉપડી પડ્યો.

નવું નવું બસ સ્ટેશન બન્યું હતું ત્યાં સારી ચા મળતી હતી. એક બે વાર મેં રાહુલ સાથે ત્યાં ચા પીધી હતી એટલે મારુ બાઇક એ તરફ આપમેળે જ દોડી ગયું ! ઘડીક કાચમાં મારો ચહેરો જોતો તો ઘડીક આગળ ચાલતા વાહનો ઉપર ધ્યાન આપતો હું બસ સ્ટેશન પહોંચ્યો. ચાલુ બાઈકે વાળમાં હાથ ફેરવવાની મને આદત.

મૂડ તો ઓફ હતો જ એટલે બાઇક વ્યવસ્થિત પાર્ક કરવાને બદલે વચ્ચે જ મૂકી દીધું.

“એ ભાઈ એ બાપાનું છે?” ગુજરાતી ફિલ્મોની સીડી અને હિન્દી ફિલ્મો તેમ જ બ્લુ ફિલ્મોની પાયરેટેડ સીડીઓ વેચવાવાળા દુકાનદારે અવાજ લગાવી.

મેં ચાવી નીકાળી અને એની તરફ જોયું. હાફ સ્લીવની કોલરવાળી ટી – શર્ટ એના જીન્સ પેન્ટના બકલ સુધી પહોંચતી નહોતી. ટી શર્ટ તો એલ. સાઈજની હતી પણ એનું પેટ એટલું મોટું હતું કે ટી – શર્ટ ફાટુ ફાટુ થતી હતી અને એના પેટના વળ દેખાતા હતા. કેમ ન વધે? કમાણી હરામની જ હતી ને?

પોતાના ડાલા જેવા માથા ઉપર અર્ધા સફેદ થયેલા વાળમાં હાથ ફેરવતો એ મારી નજીક આવવા લાગ્યો. આમ તો હું કોઈને તું કહેતો નથી પણ બાપ સુધી બોલી જાય તો પછી હું મારા સંસ્કાર બાજુ પર મૂકી દઉં છું !!!!!

“બાપાનું છે અલ્યા? એક વાર કીધું સમજાતું નથી?” મારી સાવ નજીક આવીને એ ઉભો રહ્યો પણ હું કઈ બોલ્યો નહિ કેમ કે મારો મૂડ સાવ ઓફ હતો અને સવાર સવારથી કોઈ જોડે બાજીને મારે દિવસ ખરાબ નહોતો કરવો.

“ચલ બાઇક હટાવ જલ્દી……” એણે મોઢામાં ભરેલા મસાલાની પિચકારી મારીને કહ્યું.

આમ તો મારી ભૂલ હતી, પણ એ બાપ સુધી બોલી ગયો એટલે મેં કહ્યું, “આ બાઇક તો અહીં જ રહેશે ઉખડે તો ઉખાડી લે..!!!”

પોતે કોઈ મોટો ડોન હોય અને એક છોકરે અપમાન કરી દીધું હોય એમ તાજુબથી એ મને જોઈ રહ્યો પણ હું એની બાજુવાળી ચાની સ્ટોલ આગળ ગોઠવેલા ટેબલ પાસે ગયો, એના ઉપર ધ્યાન આપ્યા વગર જ! કદાચ એના લીધે એનો વધારે ઈગો હર્ટ થયો હશે.

મેં ખુરશી ખેંચી અને આરામથી બેઠો, મને હતું કે પેલો કહેવાતો ડોન એનું નામ જે હોય તે હમણાં અહીં આવશે અને આજે છુટ્ટા હાથે મારા મારી થઈ જશે.! જે પિતાજીના અપમાન ખાતર મેં ખોટી રીતે બાઇક ન હટાવ્યું એ જ મારા પિતાજીની આબરૂ ઓછી થશે.

સાંજ સુધી તો વાતો થવા લાગશે ‘ફલાણાના છોકરે બસ સ્ટેશનમાં દારૂ પી ને ઝઘડો કર્યો…!!!”

હા લોકો વાત ને જુદી જ રીતે રજૂ કરે છે. અહીં મને ચા નથી મળી છતાં એ લોકો આ આખીયે વાતમાં દારૂ લાવીને આબરૂના ધજાગરા કરશે…!!

મને ઘડી ભર અફસોસ થયો કે મેં ભૂલ કરી છે. કદાચ એ બાપ સુધી બોલ્યો એમાં માત્ર બે ચાર માણસોએ જ સાંભળ્યું હશે પણ હવે જે થશે એમાં આખા ગામમાં મારા પિતાજીની અલગ અલગ વાતો ઉડશે!

મેં આડી નજરે જોયું તો પેલો મારા તરફ આવવાને બદલે એની દુકાનમાં જતો રહ્યો. મને હાશકારો થયો, ઘડીભર તો થયું ઉઠીને ચાલ્યો જાઉં રખેને ફરી એનો ઈગો સળવળાટ કરે અને ઝઘડવા આવી જાય તો….  પણ બીજી તરફ મારો ઈગો પણ મારા પગ અને જમીન વચ્ચે સાંકળ બનીને બંધાઈ ગયો હતો. હવે એમ ઉઠીને જઈશ તો બધા સમજશે તું ડરપોક છે! અને છેવટે મારે ત્યાં જ બેસવું પડ્યું.

“બોલો શેઠ…..” કહેતો એક છોકરો આગળ આવીને ઉભો રહ્યો. કદાચ એ પણ આ બધું જોતો હશે અને વિચારતો હશે કે પેલો અહીં આવીને ઝઘડો ન કરે તો જ ઓર્ડર લેવા જાઉં.

“એક પારલે અને આખી ચા….” મેં કહ્યું અને એ માથું હલાવીને ચાલ્યો ગયો.

મેં પેલાની દુકાન તરફ એક નજર કરી ફરી જોયું તો એ એના ગ્રાહકો સાથે વ્યસ્ત હતો. પણ ત્યાં મારી નજર એક મેલા ફાટેલા કપડાંવાળી નાનકડી બારેક વર્ષની છોકરી ઉપર ગઈ.

“સાહેબ આપોને! સવારનું કાઈ ખાધું નથી..!!!” દયા આવી જાય એવા અવાજે એ પેટ ઉપર હાથ મૂકીને ભીખ માંગતી હતી.

“જા ને યાર… મગજ ખરાબ ના કર…..” એક યુવાનીયા છોકરાએ એને મો બગાડી કહ્યું અને ફરી સીડીઓ જોવા લાગ્યો.

“સાહેબ આપો ને….” ફરી પેલી એ જ વાક્ય બોલી. આ વખતે એ એક ત્રીસેક વર્ષના માણસ સામે જોઇને બોલી હતી.

દુકાનવાળાને પૈસા ચૂકવી પોતાની પેન ડ્રાઇવ લેતા એણે પણ મો  બગાડીને ચાલતી પકડી.

પેલી એમને એમ ત્યાં બધાના ચહેરા સામે તાકતી ઉભી રહી, ત્યાં પેલો દુકાનવાળો જે મને બાપ સુધી બોલ્યો હતો એણે કહ્યું, “તું જાય છે કે લાવું અંદરથી સોટી? ગરાગ (ગ્રાહક) ને હેરાન મત કર….. કેટલી વાર કીધું છે તને…..?!!!”

છોકરી પેલાને જાણે ઓળખતી હોય એમ ડરી ગઈ અને ત્યાંથી આઘી ખસી ગઈ. મને એક વિચાર આવ્યો ફિલ્મોની સીડી ખરીદવાવાળા તો ઠીક પણ પેલી પેન ડ્રાઇવમાં બ્લુ ફિલ્મ માટે સો બસો રૂપિયા ખર્ચી નાખતા માણસોએ પણ એને કાઈ ન આપ્યું? ખેર કોઈને બદલવું તો આપણા હાથમાં નથી એ વિચાર ઉપર અટકી મેં એ છોકરી તરફ ઈશારો કરી એને બોલાવી.

એ છોકરી ત્યાં આવી ત્યાં સુધી પેલો ચા વાળો પણ પારલે અને ચા મૂકી ગયો.

મને ખબર હતી કે પોતાના કપમાં એ ચા પેલી છોકરીને આપવી આ હોટેલવાળાને પણ નહિ ગમે એટલે મેં એને બૂમ લગાવી રોક્યો.  “પ્લાસ્ટિક કપ લાવ ભાઈ…..”

પેલો ફરી યંત્રવત માથું હલાવી અંદરથી પ્લાસ્ટિકનો એક કપ લઈ આવ્યો. મેં એ કપમાં ચા રેડી અને પારલે ખોલીને પેલી છોકરીને આપ્યા.

હું એ બધું કરતો હતો કદાચ ત્યારે એ નાનકડી છોકરી બધું સમજી ગઈ હતી કે આ બધું મને આપશે એટલે એના ચહેરાના ભાવ બદલાઈ રહ્યા હતા. છેવટે એ બધું મેં એને આપ્યું ત્યારે જાણે કરોડો રૂપિયાની લોટરી લાગતા માણસને જે આનંદ થાય એવો રાજીપો એના ચહેરા ઉપર છવાઈ ગયો, મેં જોયો!

સ્ટેશનમાં બસ ઉભી રહે અને દુકાન વચ્ચે એક પાળી બનાવેલી છે ત્યાં જઈને એ બેસી ગઈ અને બિસ્કિટ ખાવા લાગી. કદાચ આગળની રાતે એને કઈ મળ્યું નહિ હોય એવું લાગતું હતું, કેમ કે એ જરા ઉતાવળમાં ખાતી હતી.

હું રડી લઉં એ પહેલાં મેં એના પરથી નજર હટાવી લીધી અને ખિસ્સામાં હાથ નાખી પૈસા જોયા તો અંદરથી વિસ જ નીકળ્યા. સવારે ગુસ્સામાં હું પૈસા લેવાનું પણ ભૂલી ગયો હતો, અથવા કદાચ યાદ હતું પણ ઘરે માંગવા ગમ્યા નહિ હોય!

બીજી ચા કે બિસ્કિટ મંગાવી શકાય એટલા રૂપિયા નહોતા એટલે મેં ચા વાળાને આગળનું બિલ ચૂકવી અને પાંચ રૂપિયા પાછા લીધા. કપમાં હજુ ચા વધી હતી એ લઈને પેલી છોકરીના કપમાં ઉમેરી ત્યારે પણ એ મને જોઈ રહી હતી, ચા વાળી આંગળીઓ મોઢામાં મૂકીને એ મને જોઈ રહી હતી, કદાચ એ ગભરાતી હશે કદાચ એને ખુશી વ્યક્ત કરતા નહિ આવડતું હોય કે પછી કદાચ એને પણ મારી જેમ રડવું આવતું હશે ?!!!

જે હોય તે પણ એ બિચારી વધુ સમય મૂંઝાઈને મને જોઈ રહે એ પહેલાં મેં કપ ખાલી કરી અને ટેબલ ઉપર મુક્યો અને મારા બાઇક તરફ રવાના થઈ ગયો.

ચાવી ભરાવી સેલ લગાવી અને એન્જીન ધ્રુજયું ત્યાં ફરી મને એ છોકરીને ચા મા પલાળેલા બિસ્કિટ ખાતી જોવાની ઈચ્છા થઈ આવી અને મેં એમ કર્યું. એક પ્રસન્નતા મળી અને થોડો અફસોસ થયો.

સવારે ચા ન મળે તો આમ કોઈને કહ્યા વગર જ હું ચાલ્યો જતો એ મારી આદત હતી. એકવાર પણ કોઈને ચા બનાવી આપવા હું રિકવેસ્ટ ન કરતો મને મારા ઘરમાં જ કોઈ આગળ કઈ મંગવામાં શરમ આવતી, એટલે જ તો પૈસા પણ નહોતા માંગ્યા! એ બાબત ને પહેલા તો હું સ્વમાન સમજતો પણ આ કિસ્સો જોયા પછી મને સમજાયું કે એ તો ઘમંડ હતો નર્યો ઘમંડ જ ! ઘરમાં વળી કેવું સ્વમાન?

મેં બાઇક ઘર તરફ દોર્યું પણ રોજની જેમ એ દિવસે મને કાચમાં જોઈ મારા વાળ સરખા કરવાની જરાય ઈચ્છા ન થઈ, મને એવું યાદ જ ન આવ્યું !હું બસ વિચારતો રહ્યો આ નાનકડી છોકરીને સવારથી સો માણસોના કડવા ઝેર જેવા શબ્દો સાંભળવા પડે છે, અજાણ્યા આગળ હાથ ફેલાવીને ભીખ માંગવી પડે છે છતાં એ માંગે છે!!! અને હું ? હું મારા પોતાના ઘરમાં જ નથી માંગતો કઈ? એક ચા બનાવી આપવા માટે કોઈને કહેવામાં પણ મને શરમ આવે છે ? એ તે કેવો મારો સ્વભાવ? ને એક અફસોસ અને લાગણી યુક્ત આંસુ ખરી પડ્યું…!!

ઘર આગળ બાઇક ઉભું રહ્યું ત્યાં જ ઘરમાંથી દોડતી મમ્મી આવી, “કહ્યા વગર ક્યાં ગયો હતો? મોબાઈલ પણ મૂકીને ગયો છે તને થયું છે શું?”

“અરે મમ્મી દર્શન કરવા ગયો હતો મંદિરે….” મેં હસીને કહ્યું. કદાચ પહેલી જ વાર હું પોતાની મા સાથે હસીને બોલ્યો હોઈશ અને એની નવાઈ મારી મમ્મીના ચહેરા ઉપર મને દેખાઈ. પણ આ નવાઈ મેં ક્યાંક જોઈ હોય એમ લાગ્યું અને ફરી એ દ્રશ્ય મને દેખાયું, મેં જ્યારે એ છોકરીના ખાલી થયેલા કપમાં ફરી એકવાર ચા રેડી ત્યારે એ છોકરીના ચહેરા ઉપર પણ એવા જ ભાવ હતા…

“મમ્મી ચા બનાવ જલ્દી….” મેં કહ્યું અને મમ્મી કોઈ આઘાત લાવ્યો હોય (ખુશીનો આઘાત) એમ મારી સામે જોતી રસોડામાં ચાલી ગઈ…..

એક નાનકડી બાળકીએ મને સાવ બદલી દીધો….. બેહદ…. એમ.બી.એ. કર્યું પણ આ બી.ઇ. તો આજે એક જ દિવસમાં આવડી ગયું બેચલર ઓફ ઇમોશન…..!!!!!

વિકી ત્રિવેદી “ઉપેક્ષિત”  # મારી કલ્પનાની ડાયરી # 2 #

 

2. પ્રકૃતિ – (અ)જાણ્યી છોકરી !

ખળખળ વહેતા નદીના પાણીમાં એકલો ઉભો હું પગ બોળતો હતો ! ત્યાં હાજર લગભગ બધા મારાથી કઈક અલગ જ હતા, કમસેકમ બે બે ની જોડીમાં તો હતા જ. માત્ર હું એકલો હતો ! હું હમેશા નદી કિનારે એકલો જ જતો.

પ્રકૃતિને માણવી એ મારો ગજબનો પ્રાથમિક હેતુ કહી શકાય ! છતાં એ અનુભવ મને વિચલિત કરી ગયો..!!!

ઠંડા પાણીમાં પગ બોળતા બોળતા ક્યારે મારી નજર સામેના કિનારે ગઈ અને ત્યાં ચોંટી ગઈ એ મને યાદ નથી પણ એવું પહેલી વાર જ બનવા પામ્યું હતું કે હું પ્રકૃતિને માણવા ગયો હોવ અને મારી નજર ક્યાંક બીજે જ વ્યસ્ત થઈ જાય !

સામેના કિનારે એક મારી જ ઉંમરની ચોવીસેક વર્ષની યુવતી (છોકરી) ભીની રેતીમાં બેઠી હતી. આમ તો મને એ રીતે કોઈ છોકરી સામે જોવું ગમે નહિ ! હું છેક જ સંસ્કારી ઘરનો છોકરો હતો પણ એ છોકરી જરાક જુદી જ લાગી !

અમારી વચ્ચે અંતર ખાસ્સું એવું હતું, લગભગ મારા શ્વાસમાં આવતી હવા એના ઉચ્છવાસની નહી જ હોય એની ખાતરી આપી શકાય એટલું અંતર તો હતું જ હતું. તેમ છતાં મને ખાસ્સું એવું સ્પષ્ટ દેખાતું હતું કેમ કે સૂર્ય મારી પાછળ હતો એટલે એના ચહેરા ઉપર પ્રકાશ પડતો હતો જેના લીધે એની આંખો જરાક જીણી થતી હતી ! હા સૂર્ય હોય કે ચંદ્ર પ્રકૃતિએ મને હમેશા સાથ આપ્યો છે એ જરૂર કહેવું પડશે….!

એના ચહેરા ઉપર કોલેજમાં લાલ કે ગુલાબી રંગના ભપકાદાર હોઠ લઈને ફરતી છોકરીઓ જેવી લિપસ્ટિક મને દેખાઈ નહિ અને કદાચ એટલે જ મારી નજર એના ઉપર સ્થિર થઈ હતી !

એના ચહેરા ઉપર કોઈ દાગ હશે કે કેમ એ તો કહેવું મુશ્કેલ છે કેમ કે અંતર ખાસ્સું હતું પણ જો હું સાચો હોવ તો એના ચહેરા ઉપર કોઈ મેક અપ નહિ જ હોય ! એનો અંદાજ મને આવ્યો એનું પણ લોજીક છે કેમ કે એક તો પ્રાકૃતિક વસ્તુઓ જોઈને જ મને એને ઓળખી લેવાનો પામી જવાનો બહોળો અનુભવ હતો અને બીજું એ કે સૂરજના કિરણો એના ચહેરા ઉપર પડતા હોવા છતાં એ જરાક શ્યામ દેખાતી હતી જે સાબિત કરતું હતું કે એના ચહેરા ઉપર કોઈ મેક અપ નહિ જ હોય !

એના કપડામાં આછા ગુલાબી જેવો પંજાબી ડ્રેસ હતો. દુપટ્ટો ગળે વીંટાળેલ હતો. ઊંધા પગ વાળી એ બેઠી હતી, આજુબાજુની રેતીમાંથી શોધીને નાના નાના પથ્થર એ નદીના પાણીમાં નાખીને એની અસર જોતી હતી. એક હાથ જમીન ઉપર ટેકવી એ હાથ ઉપર શરીરનું બધું ભાર આપી બીજા હાથને પથ્થર શોધવામાં અને ફેંકવામાં મુક્ત રાખ્યો હતો. ખુલ્લા મેદાન જેવા કિનારે એના ચહેરા ઉપર એકાદ બે છુટ્ટા પડેલા વાળ ઉડતા હતા પણ આંખે આખી લટ તો નતી જ! એ પરથી એના સ્વભાવનો પાંચેક ટકા અણસાર મને આવ્યો અને થોડો વધારે રસ પડ્યો. હા કારણ અત્યારે આવી યુવતી ભાગ્યે જ જોવા મળે છે.!

હું એને પામી રહ્યો હતો ત્યાં જ અચાનક એની પાસે એક આધેડ સ્ત્રી, સાડીમાં સજ્જ એવી આવીને ઊભી રહી, પેલી પથ્થર ફેંકતી છોકરી એકદમ ઝબકી ત્યારે હું પણ ઝબકયો. મને ખ્યાલ આવ્યો કે હું લગાતાર દસેક મિનિટથી એ તરફ, ખરું કહું તો એને જ જોઈ રહ્યો હતો!

ફરી આમ તેમ મેં નજર કરી, બધા પોત પોતાનામાં વ્યસ્ત હતા એટલે ફરી મેં એ તરફ ધ્યાન આપ્યું પણ એ છોકરી પેલા સાડી વાળા મહિલા સાથે જતી હતી, મને બસ એ જતા જોવા મળી…!! સાચવીને રેતીમાં કદમ મુક્તી એ જોત જોતામાં તો ખાસ્સી આગળ નીકળી ગઈ અને દ્રશ્ય ઝાંખું થઈ ગયું…..

એ દિવસે પહેલીવાર મને થયું કે કાસ આ નદીનું વહેણ નાનું હોત તો એને નજીકથી જોઈ શકોત! મેં હમેશા પ્રકૃતિને માણી હતી, ભરી ભરીને માણી હતી, કોઈ પણ નદી જોતા જ મને એમ થતું કાસ આ નદી થોડી વધારે મોટી હોત, કાસ આ પર્વત થોડો વધારે ઊંચો હોત, કાસ આ ઉડતા પક્ષીઓનું ટોળું થોડું મોટું હોત તો મજા આવત! પણ એ દિવસે પહેલીવાર મને એમ થયું કે કાસ આ નદી નાની હોત !!!!!

એ પછી મારી આદત મુજબ બેય હાથ ખિસ્સામાં નાખી હું ભીની રેતી ખૂંદતો ઘર તરફ રવાના થયો. મને થયું કાસ એનું નામ  જાણવા મળ્યું હોત પણ પછી મેં જ એના માટે નામ પાડી લેવાનો નિર્ણય કર્યો કેમ કે મને ડાયરી લખવાનો શોખ હતો, હું રોજની ઘટનાઓ રોજ લખી નાખતો. એમાં હું દરેક સારા ખરાબ અરે ગાંડા જેવા અનુભવો પણ લખી નાખતો ! એટલે મેં એનું નામ વિચાર્યું.
શુ નામ રાખું ? સરિતા રાખું ? નદીના કિનારે મળી છે તો સરિતા બરાબર જ છે ને? પણ પછી થયું ના! ના! નદી તો વહેતી રહે છે, બદલાતી રહે છે, એ છોકરી તો જરૂર કાયમ એક જ જેવી હશે એટલે સરિતા નામ ઠીક નથી.

એકાએક મને ઝબકારો થયો જેના માટે પહેલીવાર મેં પ્રકૃતિને માણવાનો સમય ખર્ચયો એ મારા માટે તો પ્રકૃતિ જ કહેવાય ને ? અને મેં એનું નામ પ્રકૃતિ રાખ્યું…!!

આમ પણ પ્રકૃતિ હમેશા સાદી અને સરળ હોય છે, એ હમેશા જોનારની નજરમાં વસી જાય છે, પછી એ પર્વત હોય, નદી હોય, સુંદર સરોવર હોય કે પછી આપણે ધારીએ, જેવી કલ્પના કરી હોય એવી કોઈ છોકરી હોય…!!

વિકી ત્રિવેદી “ઉપેક્ષિત”  # મારી કલ્પનાની ડાયરી # 1 #

 

2 Replies to “1. શીખ ! ”

Comment here