safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -8)

હપ્તો 1…..      હપ્તો 2…..     હપ્તો ૩…..     હપ્તો 4…..     હપ્તો 5…..     હપ્તો6…..     હપ્તો 7…..

તુષાર લગભગ મોટાભાગનું પેકિંગ કામ પતાવી રહ્યો હતો, બસ હવે છેલ્લે કેટલાક પુસ્તકોને હમેશની માફક એક રેડ ટ્રાવેલિંગ બેગમાં પેક કરવાના હતા. શહેર છોડીને જતા પહેલા તુષારે એક છેલ્લી વાર કવિતા સાથે વાત કરવાનું વિચાર્યું. તેણે પોતાના જીન્સના પોકેટમાંથી મોબાઈલ નીકાળ્યો અને કવિતાનો નંબર ડાયલ કર્યો.

“હલો, શું હું કવિતા ગાલાથી વાત કરી રહ્યો છું?”

“હા, હું કવિતા બોલી રહી છું અને તમે?” સામે છેડેથી કવિતાએ ઉદાસ સ્વરમાં કહ્યું.

“હું તુષાર.”

“ઓહ!! તુષાર હાઉ આર યુ?”

“આઈ એમ ફાઈન. બુટ વાય યોર વોઈસ ઈઝ સેડ?”

“નથીંગ. મારી તબિયત જરાક સારી નથી.” કવિતાએ તતકાળ જવાબ શોધી લીધો.

“ના,ના કઈક તો છે! તારો અવાજ કહી રહ્યો છે કે કઈક અલગ જ બાબત છે.” તુષાર અવાજની ગંભીરતા પારખી ગયો હતો.

“મારો ભાઈ સંદીપ એકાએક ગાયબ થઇ ગયો છે.” કવિતાએ કહ્યું.

“ગાયબ થઇ ગયો છે મતલબ?”

“મતલબ અમે એને હોસ્પીટલમાં દાખલ કર્યો હતો અને હોસ્પીટલમાંથી ભાનમાં આવ્યા બાદ એકાએક તે ક્યાંક ચાલ્યો ગયો છે.”

“તમને હોસ્પિટલ સ્ટાફ કે ડોક્ટર પર કોઈ શક નથી? કેમકે કોઈ વ્યક્તિ હોસ્પીટલમાંથી કેમ ભાગી જાય?”

“ના, એમનો કોઈ વાંક નથી. અમે સી.સી.ટી.વી. ફૂટેજ જોયા હતા તે પોતાની મરજીથી ત્યાંથી ભાગી ગયો છે.”

“પણ કેમ તમને એનું કોઈ કારણ જણાય છે?”

“ના, પણ વરસો પહેલા એક દુર્ઘટનામાં એની યાદદાસ્ત ચાલી ગઈ હતી કદાચ ફરી તે પોતાની સ્મરણ શક્તિ ખોઈ બેઠો હોય અને એને કાઈ યાદ ન હોવાને લીધે ગભરાઈને હોસ્પિટલ છોડી ચાલ્યો ગયો હોય.. બાય ધ વે કાઈ કામથી ફોન કર્યો હતો?”

“હા, અમે આ શહેર છોડીને જઈ રહ્યા છીએ એટલે છેલ્લીવાર તારી સાથે વાત કરવા માટે ફોન કર્યો હતો.”

“કેમ છેલ્લીવાર? આપણી પાસે એકબીજાના કોન્ટેક્ટ નંબર તો છે જ ને?”

“હા, પણ આ શહેર છોડતા જ મારે મારો ફોન અને મારી ઓળખ આપતી દરેક ચીજ છોડી દેવી પડશે અને શહેર બહાર નીકળતાજ પપ્પા મને એક નવી ઓળખ એક નવું નામ આપશે અને એ નવા વ્યક્તિને તુષાર સાથે કોઈ લેવા દેવા નહી હોય.” તુષાર પણ ઉદાસ હતો.

“તુષાર સાથે લેવા દેવા નહિ હોય મતલબ??”

“મતલબ એજ કે મને કોઈ જુના પરિચિત મિત્રોને ફોન કરવાની કે મળવાની પરવાનગી નહિ મળે. ફરી આપણે ક્યારેય વાત નહિ કરી શકીએ.”

“શું તું મારા ઘરે આવી શકે? હું તારાથી કઈક ખાસ વાત કરવા માંગું છું. તે મને એકવાર પૂછ્યું હતુંને કે શું હું સુપર નેચરલ અને પેરાનોર્મલ ચીજોમાં વિશ્વાસ કરું છું ત્યારે મેં ના કહી હતી પણ હવે મારો જવાબ બદલાઈ ચુક્યો છે હવે હું એ દરેક ચીજમાં માનું છું મને એ બધી ચીજોમાં હવે વિશ્વાસ છે અને એ જ બાબતમાં હું તારાથી કઈક વાત કરવા માંગું છું.”

“હું વચન તો નથી આપતો પણ પપ્પા પરવાનગી આપશે તો ચોક્કસ હું જતા પહેલા તને એકવાર મળીને જ જઈશ. ચલ બાય હવે મારે પેકિંગ કરવાનું છું.”

“બાય. તુષાર.” કહી સામે છેડેથી કવિતાએ ફોન મૂકી દીધો.

તુષાર ફરી પેકીંગમાં વ્યસ્ત થઇ ગયો એનું મન જરા પણ પેકિંગ કરવામાં કે એ શહેર છોડી જવા તૈયાર ન હતું પણ એણે આજ સુધી ક્યારેય પપ્પાની વાત ન માની હોય તેવું પણ ન હોતું કર્યું. કદાચ એને એવું ક્યારેય લાગ્યું પણ ન હતું કે તે પપ્પાની વાતનો વિરોધ પણ કરી શકે.

પોતાની રેડ ટ્રાવેલિંગ બેગમાં તે એક બાદ એક પોતાના કપડા અને અન્ય જરૂરી ચીજો ભરવા લાગ્યો. પણ તેને એકાએક કઈક યાદ આવ્યું હોય તેમ તે લાયબ્રેરી હોલમાં ગયો. લાયબ્રેરી હોલમાં તે દસેક મિનીટ બેસી કઈક વિચારતો રહ્યો અને પછી કઈક નક્કી કરી લીધું હોય તેમ તે લાયબ્રેરી હોલ છોડી જવા તૈયાર થયો.

એ લાયબ્રેરી હોલમાંથી બહારના પેસેજમાં આવ્યો. કદાચ એને પોતાને સમજાઈ ન હતું રહ્યું તે શું કરવા જઇ રહ્યો હતો. તેનું મન એક જ ગડમથલમાં હતું કે શું પપ્પાની વાત ન માનવી યોગ્ય છે??? શું પપ્પાને જાણ કર્યા વિના કવિતાને મળવા જવું વાજબી ગણાય??

તેના વિચારોને લીધે કદાચ તેના કદમ મજબુત ન હતા પણ છતાય તે બહારની તરફ જઈ રહ્યો હતો કદાચ આજે તે રુલ નંબર વન તોડવા જઇ રહ્યો હતો. એકાએક એને લાગ્યું કે કદાચ લાયબ્રેરીમાં પોતે એકલો નથી. કદાચ લાયબ્રેરીમાં કોઈ અન્ય માણસ છે. તે જલદીથી પેસેજ છોડી બાજુના રૂમના દરવાજાની આડશે છુપાઈ ગયો.

જાણે તેની છઠ્ઠી ઇન્દ્રિય કામે લાગી ગઈ હોય તેમ તુષાર ઝડપી નિર્ણય લઇ રહ્યો હતો અને એ મુજબની ગણતરી કરવા માંડ્યો. તેને જાણ હતી કે એ સ્થળ તેના અને પપ્પા સિવાયના અન્ય કોઈ પણ માણસ માટે પ્રતિબંધિત હતું. કદાચ કવિતા હોઈ શકે પણ કવિતાને તો તે પોતે જ મળવા જઇ રહ્યો હતો અને એની સાથે હમણા જ ફોન પર વાત થઇ હતી માટે કવિતા પણ ન જ હોઈ શકે તેવું તેને લાગ્યું. રુલ નંબર વન મુજબ કોઈ પણ ખતરાના સમયે પોતાની જાતને કોઈ સલામત સ્થળે છુપાવી દેવાનું કામ તેણે કર્યું પણ દુર્ભાગ્યે એ દરવાજો ખાસ સલામત સ્થળ ગણી શકાય તેમ ન હતો. પપ્પાએ શિખવેલ બીજો નિયમ- દુશ્મનની શક્તિ અને સંખ્યાનો અંદાજ લગાવ્યા વિના ક્યારેય તેમનો સામનો કરવા ન જવું.

તુષારે અનુભવ્યું કે કદાચ લાયબ્રેરી હોલમાં બે વ્યક્તિઓ છે. કદાચ તેઓ તેને જ શોધી રહ્યા હતા. કદાચ જરાક અજીબ લાગશે પણ જાણે તુષાર એમના શ્વાસથી અજાણી બની ગયેલ હોય તેવી હવાને એ લાયબ્રેરી હોલમાંથી બહાર આવતી અનુભવી રહ્યો હતો. કદાચ હવામાં એક વિચિત્ર વાસ ફેલાઈ ગઈ હતી, એ બેમાંથી એકાદ વ્યક્તિ કોઈ એવું અલગ પડતું સેન્ટ વાપરતો હશે તુષારે અંદાજ લાગાવ્યો.

અલાર્મ કેમ ન વાગ્યું??? તુષારના મનમાં એકાએક વિચાર જબક્યો. રિશી કુમાર તેઓ જે સ્થળે રહે તે સ્થળે વાયર અને કેટલીક ખાસ તકનીકોની મદદથી અલાર્મ ગોઠવતા કે જેથી ઘરમાં કોઈ દાખલ થવાનો પ્રયાસ કરે તો ખયાલ આવી જાય. એલાર્મ ગોઠવવાની એ તકનીક તેઓ ક્યાંથી શીખ્યા હતા એ તો તુષારને પણ જાણ ન હતી બસ તે એમના માટે જરૂરી હતું એટલું જ તે જાણતો હતો. પણ એલાર્મ કેમ ન વાગ્યું??? કદાચ આવનાર લોકોએ સાવચેતી પૂર્વક વાયરો ઓળંગ્યા હશે અથવા તો એલાર્મને નકામું કરી નાખ્યું હશે. તુષાર જાણતો હતો કે એમને નવા સ્થળે આવ્યાને હજુ એક અઠવાડિયું પણ ન હતું થયું અને એટલા ટૂંકા ગાળામાં જો કોઈ એમનું લોકેશન શોધી એમના સુધી પહોચી શક્યું હોય તો આવનાર મહેમાન કોઈ સામાન્ય વ્યક્તિ તો નહિ જ હોય…!!

તેઓ શું શોધવા ત્યાં આવ્યા હતા એની તુષારને જાણ ન હતી પણ તે અઢાર વર્ષનો થઇ ચુક્યો હતો અને સારી રીતે જાણતો હતો કે એ રીતે ચોરી છુપીથી ઘરમાં પ્રવેશનાર વ્યક્તિના ઈરાદા સારા તો ન જ હોય.

તેઓ અંદર કઈ રીતે આવ્યા??? મુખ્ય દરવાજો તો હમેશા બંધ જ હોય છે?? કદાચ આજે એ સ્થળ છોડીને જવાના તણાવ અને કવિતાથી દુર જવાના વિચારોમાં મગ્ન તુષાર દરવાજો બંધ કરવાનું બાકી રહી ગયું હતું.?? કદાચ તે ભૂલી ગયો હતો, દરવાજો બંધ કરવાનું ભૂલી જવું એ કોઈ મોટી બાબત નથી પણ માત્ર સામાન્ય માણસો માટે, પણ તુષાર અને રિશી કુમાર માટે એ સૌથી મહત્વની ચીજ હતી તેમના નિયમોના લીસ્ટમાં દરવાજો બંધ કરવાનું ન ભૂલવું એ સૌથી ઉપરની યાદીમાં સમાવેશ કરાયેલ બાબત હતી.

તુષારે દરવાજાથી જરાક ડોકિયું કર્યું. એ બે માંથી એક વ્યક્તિ રીડીંગ ડેસ્ક પર પડેલ પુસ્તકોને જોઈ રહ્યો હતો જયારે બીજો એક વ્યક્તિ વોર્ડરોબ ચેક કરી રહ્યો હતો.

શું તેઓ કોઈ ચોર હશે??? તુષારના મનમાં એક પળ માટે થયું પણ બીજી જ પળે તેને જવાબ મળી ગયો કે ચોર ક્યારેય લાયબ્રેરીમાં ચોરી કરવા આવતા નથી એ પણ એવી લાયબ્રેરી જ્યાં માત્ર બીમાર અને માંદા પુસ્તકો જ હોય મોટા ભાગના એવા પુસ્તકો જેનો વાંચવામાં ભાગ્યે જ ઉપયોગ થઇ શકે તેમ હોય!!!

બીજો વ્યક્તિ જુવાન જેવો લાગી રહ્યો હતો. તેનો ચહેરો જ કહી રહ્યો હતો કે તે કોઈ ચોર ન હતો. તેના ડાબા ગાલ પર આંખના ખૂણેથી લઈને હોઠ સુધી આવતો જુનો ઘા જાણે બુમો પાડીને કહી રહ્યો હતો કે હું ચોર નહિ હું ક્રિમીનલ છું હું ખૂની છું હું હત્યારો છું…!!!!!

બીજી જ પળે તુષારનું ધ્યાન એ પહેલા વ્યક્તિ તરફ ગયું. એના હાથમાં પ્લાસ્ટીકના મોજાં પહેરેલ હતા. એના હાથમાં એ મોજા જોઈ તુષારનું હ્રદય એક પળ માટે ધબકારો ચુકી ગયું. એ મોજા જાણે એને કહી રહ્યા હતા કે આવનાર વ્યક્તિ પૂરી તૈયારી અને સોલીડ પ્લાન સાથે આવેલ હતો. આવનાર વ્યક્તિ સારી પેઠે જાણતો હતો કે તે જે કામ કરવા જઈ રહ્યો છે તે કાયદાકીય અને ન્યાયિક બંને રીતે અયોગ્ય છે અને એથી જ પોતાના આંગળાની છાપ છુપાવવા માટે હાથમાં પ્લાસ્ટિક ગ્લોવ્ઝ પહેરેલ હતા.

તુષારે નિયમ નંબર એક મુજબ દુશ્મનનું અવલોકન શરુ કર્યું. પ્લાસ્ટીકના મોજા પહેરેલ એ વ્યક્તિની ઉંચાઈ છ એક ફૂટ જેટલી હતી પણ એ ઉમરમાં પચાસેકનો હોય તેમ લાગી રહ્યું હતું માટે તેની ઉમર જોતા તેના મજબુત બાંધા છતાં તુષારને એનાથી ખાસ ડરવા જેવું ન લાગત જો એ વ્યક્તિના હાથમાં ૫૦ કેલીબર પિસ્તલ ન હોત તો!!!

બીજો વ્યક્તિ લગભગ ઊંચાઈમાં તુષાર જેટલો જ એટલે કે પાંચ ફૂટ પાંચ ઇંચ હતો પણ એની કાળી ટી- શર્ટમાંથી દેખાતા એના મસલ્સ કહી રહ્યા હતા કે તે તુષારને આસાનીથી પછાડી શકે તેમ હતો.

આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ??? તુષારે વિચાર્યું. નિયમ નંબર ચાર – ‘બ’ મુજબ એને તાત્કાલિક ત્યાંથી ભાગી જવું જોઈએ. કોઈ સામાન્ય સંજોગોમાં તો તુષાર ત્યાંથી ભાગી જવાનું જ વિચારત પણ એ વખતે તેને કઈક અલગ જ વિચાર્યું હોય તેમ લાગી રહ્યું હતું.

યુવાન વયનો જે વ્યક્તિ તુષારને આસાનીથી પછાડી શકે તેમ દેખાઈ રહ્યો હતો એ ધીમે ધીમે એ રૂમ તરફ આગળ વધી રહ્યો હતો જ્યાં તુષાર છુપાયેલ હતો. તુષારે પણ એ વાત નોધી લીધી હતી બસ સદ નસીબે એ યુવાન વયના વ્યક્તિને પોતાના મસલ્સ પર વધુ ભરોષો હોય તેમ તેના હાથ ખાલી હતા, તેની પાસે ગન ન હતી, કમસેકમ તેના હાથમાં તો નહિ જ. કદાચ તેના જાકીટમાં છુપાવેલ હોય તો કઈ કહી શકાય તેમ ન હતું પણ તુષારને પોતાની જાત પર જાણે ભરોષો હતો કે તે એને જાકીટમાંથી ગન બહાર નીકાળવાનો મોકો જ નહી આપે એમ તે પોતાની જગ્યાએથી એક પણ ઇંચ ખસ્યા વિના ત્યા જ ઉભો રહ્યો.

કદાચ પોતે પોતાની જાત પર વધુ પડતો ભરોષો તો નથી કરી રહ્યોને??? તુષારને થયું. આવનાર યુવાન વયની વ્યક્તિના હાથમાં ગન નથી પણ તેના સાથી પાસે તો છે જ ને? અને પોતાના સાથીને તેની સાથે લડતો જોઈ એ વ્યક્તિ તેની મદદે આવશે જ. તુષારને એક પળ માટે થયું કે તેની પાસે પણ કોઈ હથિયાર હોવું જ જોઈએ.

એકાએક તેને યાદ આવ્યું, આજે સવારે જ પપ્પા સાથે પ્રેકટીસ કર્યા બાદ તેને પોતાની રેવગર દેલક્ષ કાળી એસકરીમાં સ્ટીક એજ રૂમમાં ટેબલ પર છોડી હતી. તેને તેની બાજુમાં રહેલ ટેબલ તરફ નજર દોડાવી. થેંક ગોડ!!! તેની સ્ટીલમાંથી બનેલ એસકરીમાં સ્ટીક એ ટેબલ પર જાણે તેની રાહ જોઈ રહી હતી.

તુષારે પોતાનો જમણો હાથ લંબાવ્યો અને ટેબલની ડાબી તરફને ખૂણે રહેલ એસકરીમાંથી સ્ટીક ઉઠાવી. તેને એ સ્ટીક પોતાના ડાબા હાથમાં સરકાવી અને જમણો હાથ ફરી તે સ્ટીકની સાથી સ્ટીકને શોધવા લાગ્યો. આમતો તે એક સ્ટીક વડે પણ લડી શકે તેમ હતો, રિશી કુમાર યોગના નિષ્ણાત હતા અને સાથે સાથે તેમને માર્શલ આર્ટસનું પણ જ્ઞાન હતું તેઓ માનતા હતા કે ખરેખર માર્શલ આર્ટ એ ચીની નહિ પણ ભારતીય કળા છે. તેઓ માર્શલ આર્ટસને કલારીપુકામ નામની કોઈ પ્રાચીન ભારતીય કળા તરીકે બિરદાવતા હતા અને એમને તુષાર જયારે આઠ વર્ષનો હતો ત્યારથી જ તેને એ કળા શીખવવાનું શરુ કરી નાખ્યું હતું. તુષારમાં વાંચન અને અન્ય બાબતોમાં શીખવાની જેટલી ધગસ હતી તેનાથી પણ વધુ ધગસ એ પ્રાચીન યુદ્ધ કળા શીખવામાં હતી એટલે જ તે એક એસકરીમાં સ્ટીક સાથે પણ લડી શકે તેમ હતો. પણ તેના પપ્પાનું માનવું હતું કે તે બે સ્ટીક સાથે બહુ સારી રીતે લડી શકતો હતો એને ઘણી વાર રીશીકુમાંરને પણ બે સ્ટીકની લડાઈમાં મત આપી હતી. તેથી તેને બંને સ્ટીક ઉપાડી લીધી.

યુવાન વયના વ્યક્તિને દરવાજાની અંદર આવતો જોયો, દરવાજામાં દાખલ થયો ત્યાં સુધી એ વ્યક્તિને જરાય અંદાજ પણ ન હતો આવ્યો કે દરવાજાની આડસમાં કોઈ તેની રાહ જોઈ રહ્યું હતું અને જયારે તેને એ અંદાજ આવ્યો ત્યારે બહુ મોડું થઇ ચુક્યું હતું. તેનો જમણો હાથ પોતાની બેક તરફ ગયો પણ એ હાથ પિસ્તલ સુધી પહોચી શકે તે પહેલા રીઅલ સ્ટીલમાંથી બનેલ બે ફૂટ લંબાઈની એસકરીમાં સ્ટીક તેની કોણી સાથે અથડાઈ. તેના મો માંથી એક ચીસ નીકળી ગઈ, તેને લાગ્યું જાણે તેની કોણીના હાડકાના ટુકડા થઇ ગયા હતા. તેની ચીસ જાણે ચીસો પાડીને કહી રહી હતી કે તેને કાળી વેદના થઈ રહી હતી. સત્તર ઇંચના બાયસેપ વાળા મજબુત હાથનો ફટકો કોઈ પણ માણસને માત આપી શકે એમાં કઈ નવાઈ નથી…!!

તે પોતાના હાથનું હાડકું તૂટવાની વેદનામાં વ્યસ્ત હતો ત્યાજ તેના પગ સાથે જાણે કોઈએ ધગધગતા લોખંડનો સળીયો ચાંપી દીધો હોય તેવી વેદના થઇ અને એને તુષારના ડાબા હાથમાં રહેલ એસ્ક્રીમાં સ્ટીકને એના ઘૂંટણ સાથે અથડાઈ પાછી ફરતી જોઈ. એ તેના ઘૂંટણને બેન્ડ થતા રોકી શક્યો નહિ. એ વ્યક્તિ ત્યાં જ બેસી પડ્યો. અને તુષારની એસકરીમાં સ્ટીક ફરી એક વાર વીજળી વેગે જબકી અને તે વ્યક્તિના માથાના પાછળના ભાગે અથડાઈ અને એ સાથે જ એ વ્યક્તિ માટે દુનિયા માત્ર અંધકાર બની ગઈ હોય તેમ તે બેભાન થઇ ઢળી પડ્યો.

એ વ્યક્તિ માત્ર બેભાન જ થયો હતો તેની તુષારને ખાતરી હતી કેમકે તેને છેલ્લા ઘા વખતે પોતાનું અડધું જોર પણ ન હતું લગાવ્યું અને તેનું માત્ર એક જ કારણ હતું કે તે જાણતો ન હતો કે આવનાર વ્યક્તિ કોણ હતો? કદાચ એ કોઈ સામાન્ય ચોર હોય અને ખોટા સમયે ખોટા સ્થળે આવી પહોચ્યો હોય તો!!

તુષારે લાયબ્રેરી હોલમાં રહેલ વ્યક્તિના મોમાંથી નીકળેલ ગંદી ગાળ સાંભળી અને ત્યારબાદ ભારે પગલાનો અવાજ રૂમ તરફ આવતો સાંભળ્યો.

તે ફરી એજ દરવાજાની આડશે છુપાઈ ગયો. એકાદ પળ બાદ પિસ્તલ પકડેલ મજબુત હાથને તુષારે દરવાજાની અંદર દાખલ થતા જોયો અને એ હાથ કોનો છે અને એ વ્યક્તિ કોણ છે તે જાણવા તેને પૂરો અંદર આવવા દેવાની રાહ જોયા વિના જ તેણે એસકરીમાં સ્ટીક વીંઝી….. જે આવનાર હાથ સાથે ટકરાઈ અને એજ પળે એક થડ અવાજ થયો. એ બોદા આવાજ પરથી તુષાર સમજી ગયો કે પોતે ચુકી ગયો હતો સ્ટીક હાથને બદલે પિસ્ટલ સાથે ટકરાઈ હતી. જોકે એનાથી પણ મોટાભાગનું કામ તમામ થઇ ગયું હતું આવનાર વ્યક્તિના મોજા પહેરેલ હાથ હવે બિલકુલ ખાલી હતા જયારે તુષારના હાથમા, બંને હાથમાં એક એક એસકરીમાં સ્ટીક હતી.

તુષાર દરવાજાની આડસ છોડી બહાર આવ્યો. હવે લડવું તેના માટે સામાન્ય ચીજ હતી. પણ એવું માત્ર એને જ લાગી રહ્યું હતું. એણે કોઈ ન જોવાની ચીજ જોઈ લીધી હોય તેમ તે હેબતાઈ ગયો તે મોજા પહેરેલ વ્યક્તિ તરફ જવાનો પ્રયાસ કરવા લાગ્યો પણ જાણે કોઈ અદશ્ય શકતી તેને રોકી રહી હોય તેમ તેને લાગ્યું. તુષારને એ સમજતા વાર ન લાગી કે તે વ્યક્તિ પણ રિશી કુમાર અને પોતાની જેમ સ્તંભન શક્તિ ધરાવતો હતો. તેણે પોતાના નોન ફીઝીક્સ ફોર્સની મદદથી પોતાને દુર રોકી રાખ્યો હતો એ તુષારને સમજાઈ ચુક્યું હતું અને એનો અર્થ એ જાણતો હતો. તુષાર જાણતો હતો કે આવનાર વ્યક્તિ કોઈ સામાન્ય ચોર કે ક્રિમીનલ નહિ પણ જેનાથી તેઓ વર્ષોથી બચવા ભાગી રહ્યા છે તે વ્યક્તિઓમાંનો એક હતો.

તેને રીશીકુમારે કહેલ નિયમ યાદ હતા અને તે જાણતો હતો કે કદાચ કોઈ વાર પપ્પાની ગેરહાજરીમાં તેનો સામનો એવા વ્યક્તિઓમાંથી એક સાથે થઇ જાય તો તેને માત્ર ભાગી જવાનો અને પોતાની જાતને બચાવાવનો પ્રયાસ કરવો. એ લોકો સાથે લડવાનો પ્રયાસ ન કરવાની કડક સુચના તેને રિશી કુમાર તરફથી મળેલ હતી. પોતે એ સ્થળ છોડી કોઈ સલામત સ્થળે ચાલ્યો જાય તેમ તે ઈચ્છતો હતો પણ એ માટે પણ તેને પોતાની જાતને એ સ્તભનમાંથી મુકત કરવી જરૂરી હતી.

તુષારે પોતાના હાથમાં રહેલ એસકરીમાં સ્ટીકનો પેલા વ્યક્તિ તરફ છૂટ્ટો ઘા કર્યો. એ એસકરીમાં સ્ટીકને પેલા વ્યક્તિએ પોતાની તરફ આવતા નોધી. બંને સમજી ચુક્યા હતા કે એ સ્ટીક એ મોજા પહેરેલ વ્યક્તિના ચહેરા સાથે અથડાય તેમ હતી પણ બીજી જ પળે એ વ્યક્તિએ પોતાનો હાથ આગળ કર્યો અને એ સ્ટીક હવામાં અધ્ધર એના ચેહરાથી દુર રોકાઈ ગઈ. તે એ સ્ટીકને રોકવામાં સફળ રહ્યો હતો.

તેણે સ્ટીકને રોકી લીધી એજ સમયે તુષાર તેના સાથે અથડાયો અને બંને એક સાથે જમીન દોસ્ત થઇ ગયા. માત્ર ત્યારે એ વ્યક્તિને સમજાયું કે જયારે એણે સ્ટીકને રોકવા પોતાની ટેલેકાઈનેસીસ પાવરનો ઉપયોગ કર્યો એ સમયે તુષાર તેના એન.પી.એફ.માંથી મુકત થઇ ગયો હતો અને એ દોડીને તેના સુધી પહોચી પણ ગયો હતો.

તે વ્યક્તિને પોતાની જાત પર ગુસ્સો આવ્યો, એક સતર અઢાર વરસનો બીનઅનુભવી છોકરો તેને પોતાની જાળમાં ફસાવી ગયો હતો. પોતે વર્ષોનો અનુભવી હોવા છતાં એક નાનકડા છોકરાની ચાલમાં આવી ગયો હતો.

તે ઉભો થયો અને દુર પડેલ પોતાની ગન ઉઠાવી ચારે તરફ જોવા લાગ્યો. પણ તુષાર ત્યાં ન હતો. તે ભાગવામાં સફળ રહ્યો હતો. કદાચ આવનાર વ્યક્તિઓ રિશી કુમારની ગેરહાજરીમાં એક છોકરાની શક્તિને અન્ડરએસ્ટીમેટ કરી બેઠા હતા…..

લેખક : મહેન્દ્ર ત્રિવેદી (દેવ) અને વિકી ત્રિવેદી (ઉપેક્ષિત)

Comment here