safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -6)

હપ્તો 1  હપ્તો 2  હપ્તો ૩   હપ્તો 4   હપ્તો 5

કવિતા અને સંગીતાબેન બંને ફોયરમાં સોફા પર બેઠેલ હતા, તેમના ચહેરા પર છવાયેલ વિષાદના વાદળો તેમની માનસિક પરિસ્થિતિનો ખ્યાલ આપી રહ્યા હતા. એકાદ કલાક સુધી એકબીજા સાથે કઈજ વાતચીત કર્યા વિના ચુપ ચાપ બેસી રહ્યા બાદ એ ચૂપકીદીને તોડવા માંગતી હોય તેમ કવિતાએ પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને તેના પપ્પાનો નંબર ડાયલ કર્યો.

બે ત્રણ વાર પ્રયાસ કરવા છતાં નંબર લાગ્યો નહી.

“મમ્મી, પપ્પાનો નંબર નથી લાગી રહ્યો. આપણે હોસ્પિટલ જઈએ તો?”

“પણ….?”

“પણ શું મમ્મી??? આપણે હોસ્પિટલ નહિ જઈએ તો પપ્પા કઈ ખાશે પણ નહિ, તેમના માટે ટીફીન બનાવીને લઇ જઈએ અને એ બહાને સંદીપને પણ જોઈ આવીશું.”

સંગીતા બેન જાણતા હતા કે રાકેશભાઈને બહારનું ખાવાની આદત નથી તે ક્યારેય બહાર લોજ હોટલમાં જમતા નહિ માટે તેમને કવિતાની વાત યોગ્ય લાગી. વળી તે પોતે પણ સંદીપને મળવા જવા અધીરા જ હતા પણ બસ તે હોસ્પીટલના નિયમોનું માન જાળવી રહ્યા હતા. તે નહોતી ઇચ્છતી કે તેઓ વારવાર હોસ્પિટલ જઈ ડોક્ટર અને અન્ય સ્ટાફને ડીસ્ટર્બ કરે. પણ જયારે ટીફીન લઈને જવાનું બહાનું ધ્યાનમાં આવ્યું તે પોતાની જાતને રોકી શકે તેમ નહોતા.

“હા, હું જમવાનું બનાવી ટીફીનમાં પેક કરી લઉં.” કહી સંગીતાબેન રસોઈઘરમાં ચાલ્યા ગયા.

લગભગ અગિયારેક વાગ્યે ટીફીનના ડબ્બામાં ચાર રોટલીઓ અને બીજા ડબ્બામાં શાક પેક કર્યું. કવિતાએ ઇનકાર કર્યો પણ જયારે સંગીતાબેને ખુબ જીદ કરી તે ખાવા તૈયાર થઇ પણ એ શરત પર કે મમ્મી પણ તેની સાથે થોડુક ખાશે.

બંને મા – દીકરીએ ભગ્ન હૃદયે જે ભાવ્યું તે ખાઈ લીધું. કદાચ કોળિયા તેમના માટે મીઠા અને સ્વાદિષ્ટ નહી પણ  કડવા અને પેઈનફુલ લાગી રહ્યા હતા.

સાડા અગિયાર વાગ્યે કવિતાએ પોતાની એવીએટરને કિક મારી. તેના પપ્પાએ ગયા વર્ષે જ નવી એવીએટર લાવી હતી. સંગીતાબેન હાથમાં ટીફીન સાથે પાછળની સીટ પર ગોઠવાઈ ગયા.

લગભગ પંદરેક મીનીટ જેટલો સમય એવીએટરને હોસ્પિટલ પહોચતા લાગ્યો.

તે શહેરની નામાંકિત હોસ્પિટલ હતી એટલે હમેશા તેની બહાર લોકોની ભીડ જોવા મળતી હોય તે સામાન્ય હતું પણ જયારે કવિતા અને સંગીતાબેન હોસ્પીટલ પહોચ્યા ત્યાં રોજની સામાન્ય ભીડ કરતા કઈક વધુ જ લોકો એકઠા થયેલ હતા.

અડધા ડઝન જેટલી કાર અને પંદર વીસ જેટલા ટુ વિલર બહારના ભાગમાં પાર્ક કરેલ હતા. તે વાહનોથી થોડેક દુર હોસ્પીટલની એમ્બ્યુલન્સ પાર્ક કરેલ હતી અને એની નજીકમાં જ પોલીશની થાર ડી.આઈ. જીપ પાર્ક કરેલ હતી. પોલીસ વિહિકલની બાજુમાં રાકેશ ગાલા ડોક્ટર સાથે ગુસ્સાથી વાતો કરી રહ્યા હતા.

કવિતાએ પોતાની મોપેડ પાર્ક કરી અને તે દોડીને એ તરફ ગઈ. સંગીતાબેન પણ ઉતાવળે તેની પાછળ ગયા.

“શું થયું પપ્પા?” રાકેશભાઈની નજીક પહોચતા જ તેણીએ પૂછ્યું.

રાકેશ ગાલા કઈ જ બોલ્યા નહિ, સાયલન્ટ રહ્યા અને કવિતાનો પ્રશ્ન જવાબ મેળવી શક્યો નહિ.

“પપ્પા, શું થયું?” કવિતાએ ચીસ જેવા અવાજે કહ્યું. તેના પપ્પા કોઈ જવાબ ન હતા આપી રહ્યા તે પરથી તે સમજી ગઈ હતી કે જરૂર કઈક અજુગતું બન્યું હતું.

“તમે અહી??? તમે અહી કેમ આવ્યા છો??” રાકેશભાઈએ કવિતા અને સંગીતાબેન તરફ નજર કરતા કહ્યું.

“સંદીપને જોવા અને તમારા માટે ટીફીન લાવ્યા છીએ.” કવિતાએ કહ્યું.

“પણ આ સમયે અહી આવવાની શું જરૂર હતી?”

“કાઈ નહિ પપ્પા, પણ શું થયું છે એનો જવાબ તમે કેમ નથી આપતા? સંદીપને કઈક થયું છે?” કવિતાએ બેબાકળી બની પૂછ્યું.

“ના, ના..એવું કાઈ નથી.” રાકેશભાઈ કઈક છુપાવી રહ્યા હતા એ તેમના ચહેરા અને બોલવા પરથી ચોખ્ખું વર્તાઈ આવતું હતું.

ત્યાં સુધીમાં સંગીતાબેન હોસ્પીટલમાં દાખલ થઇ ગયા હતા. હોસ્પિટલ સ્ટાફમાંથી કોઈની એમને અટકાવવાની હિંમત જ ન હોય તેમ દરવાજા પર ઉભેલ માણસે તેમની પાસે અંદર જવા માટે આઈ.ડી. પણ ન માંગ્યું. કદાચ ખરેખર સ્ટાફના માણસો ગભરાયેલ હતા કે પછી તે ક્યારે અંદર પ્રવેશ્યા એ એમના ધ્યાનમાં ન હતું રહ્યું.

રાકેશભાઈનું ધ્યાન એકાએક એ તરફ ગયું. તે સંગીતબેનને અંદર જતા અટકાવવા માટે એ તરફ જવા લાગ્યા, ચાલવાની ઝડપ પરથી એમ લાગી રહ્યું હતું જાણે એ ચાલી નહિ દોડી રહ્યા હતા. છતાં તેમની ઝડપ ઓછી પડી હોય તેમ સંગીતાબેન હોસ્પિટલમાં પ્રવેશી ચુકયા હતા. હોસ્પીટલમાં પ્રવેશ્યા બાદ સંગીતાબેન સીધા જ સંદીપ જે રૂમમાં ભરતી હતો એ રૂમમાં ધસી ગયા. તેમના પાછળ જ રાકેશભાઈ દાખલ થયા અને ત્યારબાદ કવિતા પણ દોડતી એ રૂમમાં દાખલ થઇ, એક પછી એક ત્રણેય એ રૂમમાં દાખલ થયા.

રૂમમાં પહોચતા જ જાણે કવિતા ડઘાઈ ગઈ હોય તેમ તેના પગ દરવાજા પાસે જ ચોટી ગયા તે ત્યાજ ઉભી રહી ગઈ.

રૂમની બારીના કાચ ટુકડે ટુકડા થઇ અહી અને ત્યાં પુરા રૂમમાં વેરણ છેરણ થયેલ હતા. રૂમમાં રહેલ ટેબલ ઊંધું વળી ગયેલ હતું. રૂમમાં સ્વાસ્થ્યને લગતી સાવધાનીઓ દર્શાવતા ફોટા લગાવેલ હતા તે બધા ફ્લોર પર હતા અને તેમની ફ્રેમ તથા કાચના ટુકડા અહી ત્યાં વેરાયેલ હતા. આખા રૂમની ચીજો અહી અને ત્યાં વેરણ છેરણ થયેલ હતી.

હોસ્પિટલનો એ રૂમ જોતા જ કવિતાને માતૃછાયાના બંગલાનું એ બેઝમેન્ટ યાદ આવી ગયું જ્યાંથી સંદીપ એમને મળ્યો હતો. અહી પણ દરેક ચીજ એ બેઝમેન્ટની જેમ અસ્તવ્યસ્ત અને વેરણ છેરણ હતી…!! એમ લાગી રહ્યું હતું જાણે એ રૂમમાંથી કોઈ ભયંકર તુફાન પસાર થયું હોય અને દરેક ચીજને તેના સ્થળેથી ખસેડીને ચાલ્યું ગયું હોય.

“સંદીપ ક્યાં છે?” સંગીતાબેનના ગળામાંથી શબ્દો માંડ નીકળી રહ્યા હતા.

પણ તેમના પ્રશ્નનો કોઈ જવાબ ન મળ્યો.

“મારો દીકરો ક્યા છે?? મારો સંદીપ ક્યા છે?” સંગીતાબેને રાકેશભાઈ તરફ જોઈ ફરી એજ પ્રશ્નો ઉચાર્યા.

પણ રાકેશ ગાલા ચુપ હતા. જાણે કે તેમનામાં જવાબ આપવાની હિમ્મત ન હોય!!! કદાચ ખરેખર પણ તેમનામાં શું થયું છે તે કહેવાની હિમ્મત ન હતી.

તેજ સમયે ડોકટર રૂમમાં દાખલ થયા.

“મારો ભાઈ ક્યાં છે? સંદીપ ક્યાં છે? અહી શું થયું હતું?” કવિતાએ ડોક્ટરને જોતા જ તેમની સામે અનેક સવાલો ધરી દીધા.

“હું સમજાવી નહિ શકું. મેં તારા પપ્પાને એ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ મારી વાત સમજી શક્યા નથી તો હું તમને કઈ રીતે સમજાવી શકીશ.?” ડોકટરે કહ્યું.

રાકેશ ગાલાએ ફરી પોતાનો મિજાજ ગુમાવી નાખ્યો હોય તેમ ડોક્ટર તરફ ધસ્યા અને તેમને કોલારથી પકડી લીધા.

“હું કઈ રીતે માની શકું??? તમે જે કહી રહ્યા છો તે હું કઈ રીતે માની શકું?? હું તો શું આ દુનિયાનો કોઈ વ્યક્તિ તમે જે કહી રહ્યા છો તે માનવા તૈયાર નહિ થાય. શું તમે મને મુર્ખ સમજો છો?” રાકેશ ગાલા પોતાના ગુસ્સા પર કાબુ રાખવા અસમર્થ હોય તેમ લાગી રહ્યું હતું.

ડોકટર તેની લાગણીઓને સમજી શકતો હતો. તે તેના હૃદયની તકલીફ સમજી શકે તેમ હતો.

“વર્ષો પહેલા જ્યારે તમે સંદીપને મારી પાસે લઈને આવ્યા હતા અને લાંબો સમય કોમામાં રહ્યા બાદ જયારે એ ઠીક થયો ત્યારે તમે મને ભગવાનનો દરજ્જો આપ્યો હતો, એ સમયે તમે મારી સામે બે હાથ જોડીને ઉભા રહ્યા હતા અને મારો ઉપકાર ક્યારેય નહિ ભૂલી શકો એમ કહી રહ્યા હતા અને આજે એજ હાથ જે મને ભગવાન સમજી જોડાયા હતા એજ હાથ તમે મારા પર ઉપાડી રહ્યા છો.????” ડોકટરે રાકેશ ગાલાને શાંત કરવા માટે તેમને ભૂતકાળની યાદ અપાવવાનો પ્રયાસ કર્યો, “મિસ્ટર ગાલા પ્લીઝ મને સમજવાનો પ્રયાસ કરો.”

એકાએક રાકેશભાઈને ભૂતકાળની ઘટનાઓ તાજી થઇ ગઈ હોય અને સંદીપના ઠીક થયા બાદ ખરેખર તેમને ડોકટર ભગવાન સમાન લાગ્યો હતો એ યાદ આવી ગયું હોય તેમ ડોકટરનો કોલાર છોડી દીધો.

“તમે આજે પણ અમારા માટે ભગવાન બરાબર છો માટે જ અમે સંદીપને અહી તમારી પાસે લાવ્યા હતા.” જરા નજર બીજી તરફ રાખી રાકેશ ગાલા એ કહ્યું.

“હું સમજી શકું છું મિસ્ટર ગાલા. હું પણ ડોકટર હોવા સાથે એક પિતા પણ છું. આ રૂમમાં સી.સી.ટી.વી. કેમેરો લાગેલ છે તમે ચાહો તો તે જોઈ શકો છો.” ડોકટરે કહ્યું.

“તો તમે પોલીસ ને કેમ ન જણાવ્યું કે રૂમમાં સી.સી.ટી.વી. છે?” રાકેશભાઈએ ઠંડા પડતા કહ્યું.

“તમે એક વાર ફૂટેજ જોઈ લો ત્યારબાદ તમને એમ લાગે કે તમારે એ બાબત પોલીસને જણાવવી જોઈએ તો તમારી મરજી મને એ બધું પોલીશને જણાવવામાં કોઈ જ વાંધો નથી.” ડોકટરે કહ્યું.

“ઠીક છે, પહેલા એ ફૂટેજ જોઈ લઈએ. શું સત્ય છે એ સામે આવી જશે.” રાકેશભાઈએ કહ્યું અને તેઓ ત્રણેય ડોક્ટરની સાથે ડોક્ટરની કન્સલ્ટીંગ રૂમમાં ગયા.

રૂમમાં જઇ ડોકટરે કોમ્પ્યુટરની સ્વીચ દબાવી. વિન્ડો સેવનને લોડ થતા ખાસ વાર ન લાગી. ડોકટરે ઝડપથી બે ત્રણ બટનો કી પેડ પરના દબાવ્યા અને ત્યારબાદ માઉસ પર ફોકસ કર્યું. ડોકટરે એક ફોલ્ડર ખોલ્યું અને તેનામાં રહેલ એક એમ.કે.વી. ફાઈલ પર ડબલ કલીક કર્યું.

વિડીઓ સ્ટાર્ટ થયો. ડોક્ટર અને ગાલા પરિવાર કોમ્યુટર સ્ક્રીનને તાકી રહ્યા.

વીડિઓમાં ઉપરના જમણી તરફને ખૂણે આગિયાર વાગ્યાનો સમય દેખાઈ રહ્યો હતો. મિસ્ટર ગાલા જેવા રૂમ છોડીને બહાર ગયા બીજી જ પળે સંદીપ પોતાના બેડ પર બેઠો થઇ ગયો. તે એક પળ સુધી પોતાની આસપાસની દરેક ચીજને જોતો રહ્યો. તેના ચહેરા પરના ભાવ સતત બદલાઈ જતા હતા. એકાએક તે બેડ પરથી કુદીને નીચે આવી ગયો અને દરવાજા તરફ જવા લાગ્યો દરવાજા પાસે જઈ તેણે બંધ દરવાજાની બેક સાઈડ પર લાગેલ મિરરમાં પોતાનો ચહેરો જોયો અને બીજી જ પળે કોઈ ભારે આઘાત લાગ્યો હોય તેમ એ નીચે બેસી ગયો.

પોતાની બંને હથેળીઓમાં પોતાનો ચહેરો ઢાકી દીધો પછી પોતાના હાથની બંને મુઠ્ઠીઓ બંધ કરી અને જમીન પર પછાડી. તે પોતાના મન સાથે કોઈ લડાઈ લડી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. તેણે જમીન પર મુઠ્ઠીઓ પછાડી એ સાથે જ આખા રૂમ પર તેની અસર થઇ હોય તેમ બારીઓ ધ્રુજવા લાગી. એકાએક તેને મુઠ્ઠી ખોલી નાખી અને જમીન પર સુઈ ગયો એ સાથે ફરી બારીઓની ધ્રુજારી બંધ થઈ ગઈ. બધું શાંત થઇ ગયું એમ લાગી રહ્યું હતું કે તે બેભાન થઇ જમીન પર સુઈ રહ્યો છે પણ ફરી તે બેઠો થઇ ગયો અને પોતાની મુઠ્ઠીઓને સજ્જડ બંધ કરી જમીન પર પછાડી એ સાથે જ રૂમમાં કોઈ ભયંકર તુફાન આવ્યું હોય તેવું વાતાવરણ થઇ ગયું. બારીઓ એટલી હદ સુધી ધ્રુજવા લાગી કે કોઈ હેવી રેક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હોય અને એ સાથે જ ધડાકા સાથે બધી જ બારીઓના કાચ તૂટી જમીન ઉપર ચારે તરફ વેરાઈ ગયા પણ એવું લાગી રહ્યું હતું જાણે સંદીપને ખબર જ ન હોય કે તેની આસપાસ શું થઇ રહ્યું છે? તે હજુ પણ જમીન પર પોતાની મુઠ્ઠીઓ પછાડી રહ્યો હતો. રૂમમાં રહેલ ટેબલને કોઈ એ ઊંચું કરી ઊંધું વાળી દીધું હોય તેમ તે ઊંધું પડી ગયું. દીવાલો પર લાગેલ ફોટા અને ફ્રેમ નીચે પડી ગયા અને તેના કાચ ચારે તરફ વેરાઈ ગયા.

એ અવાજ સાંભળી બહારથી બે સ્ટાફના માણસો અંદર દોડી આવ્યા. પણ તેઓ કઈ સમજી શક્ય નહિ કે શું થઇ રહ્યું હતું…!! તેઓ જયારે અંદર આવ્યા રૂમની મોટાભાગની ચીજો હવામાં અધ્ધર ઉચાકાયેલ હતી. ભારે વજનનો હોસ્પીટલનો બેડ પણ હવામાં એકાદ ફૂટ જેટલો અધ્ધર લટકી રહ્યો હતો. તેઓ બંને માણસો એકદમ ડરી ગયા હોય તેમ બુમો પાડી બીજા માણસોને બોલાવવા લાગ્યા.

તેમના અવાજે સંદીપને ડીસ્ટર્બ કર્યો હોય તેમ સંદીપે તેમની તરફ જોયું અને એ સાથે જ તેઓ બંને રૂમની બહાર ફેકાઈ ગયા. એની પાછળ રૂમનો દરવાજો એક ધડાકા સાથે બંધ થઇ ગયો. સંદીપનું ધ્યાન તે બંને માણસો અને દરવાજાને બંધ કરવામાં રહ્યું તે સમય દરમિયાન રૂમની હવામાં ચડી ગયેલ, અધ્ધર ઊંચકાઈ ગયેલ દરેક ચીજ એકદમ નીચે પડી ગઈ અને આખા રૂમમાંથી કોઈ તુફાન પસાર થઇ ગયું હોય તેવી રૂમની હાલત થઇ ગઈ.

વીડિઓમાં જમણી તરફ ઉપરને ખૂણે 11:૦5 નો સમય દેખાઈ રહ્યો હતો. સંદીપે એકાએક સી.સી.ટી.વી. તરફ નજર કરી અને એ સાથે જ વીડિઓ કોમ્યુટરની સ્ક્રીન પર ક્રસ થઇ ગયો.

એ વિડિઓ ગાલા પરિવાર માટે એટલો આઘાત જનક હતો કે વિડિઓ પૂરો થઇ ગયા પછી પણ તેઓ સત્બ્ધ બનીને કોમ્પ્યુટર સ્ક્રીનને નિહાળી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે ત્રણેય પથ્થરની મૂર્તિ બની ગયા હતા.

“મિસ્ટર ગાલા.” ડોકટરે કહ્યું.

“મિસ્ટર ગાલા પ્લીઝ લીસન ટુ મી.” ડોકટરે ફરી કહ્યું. આ વખતે તેઓ બોલ્યા નહિ પણ રીતસર એમણે ચીસ પાડી હતી છતાં એવું લાગી રહ્યું હતું જાણે તેમના અવાજની ગાલા પરિવાર પર કોઈ જ અસર ન હતી થઇ રહી. પરહેપ્સ ધેય વેર ઇન ગ્રેટ શોક!!!

“લૂક એટ મી, મિસ્ટર ગાલા, મિસ. ગાલા.”

ડોકટરના અવાજની તેમના પર કોઈ અસર ન થતા આખરે ડોકટરે પોતાના ટેબલ પર પડેલ એક પુસ્તક ઉઠાવી એને જોરથી ટેબલ સાથે અથડાવ્યું.

બૂક સ્લેમ થવાના અવાજ સાથે ગાલા પરિવાર એકાએક કોઈ બીજી દુનિયામાંથી બહર નીકળી આવ્યા હોય તેમ ડોક્ટર તરફ જોવા લાગ્યા.

“જયારે આ ઘટના થઇ હું અહી મારા કન્સલ્ટીંગ રૂમમાં હતો. ફૂટેજ જોઈ હું પણ તમારી જેમ એકદમ આઘાતમાં મુકાઈ ગયો હતો. હું સીધો જ સંદીપના રૂમમાં ગયો, ત્યાં જઈ મેં જોયું તો સી.સી.ટી.વી. કેમેરાના ટુકડા થઇ ગયેલ હતા. એમ લાગી રહ્યું હતું કોઈએ બુલેટથી એ કેમેરાને શૂટ કર્યો હોય. હું એ રૂમમાંની ચીજોને અને વીડિઓ જોઇને બધુ જ સમજી ગયો હતો કે શું થયું હતું મેં સ્ટાફના દરેક માણસને સુચના આપી દીધી કે બધાએ એવું વર્તન કરવાનું છે કે કઈ થયુ જ ન હોય. પણ તમે મારી કોઈ વાત સાંભળવા તૈયાર ન થયા અને ગુસ્સામાં આવી તમે પોલીસ બોલાવી લીધી. હું તમને હજુ પણ વિનંતી કરું છું કે તમે પોલીસ અને પબ્લિક બંનેથી આ ઘટનાને છુપાવી રાખો.” ડોકટર એકી શ્વાશે ઘણું બધું બોલી ગયા.

“પણ કેમ??? કેમ આપણે આ ઘટના પોલીસથી છુપાવવી જોઈએ?? શું તેઓ સંદીપને શોધવામાં મદદ રૂપ નહિ થાય?” ગાલા પરિવારે આતુર બની કહ્યું.

“એક સાયકોલોજીસ્ટ હોવાને લીધે મેં ગવર્મેન્ટ સાયકોલોજી ડીપાર્ટમેન્ટમા કામ કરેલ છે માટે હું તમને એમ ન કરવાની સલાહ આપું છું. હું સરકાર દ્વારા ચાલતા કેટલાય ખુફિયા એક્ષપાયરીમેન્ટ અને કોન્ફીડેન્ટલ ગવર્મેન્ટ પ્રોજેક્ટ વિશે જાણું છું જે પ્રોયોગોમાં ઉપયોગમાં લેવાતા સબજેક્ટનું જીવન નરક સમાન બની જાય છે.” ડોક્ટર ગંભીર બની બોલવા લાગ્યા, “જો આ વીડિઓ પોલીસ કે પબ્લિકમાં વાયરલ થઇ ગયો તો લોકો તો એને એકવાર જોઇને ભૂલી જશે પણ સિક્રેટ એજન્સી અને પેરાનોર્મલ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન અને સાયકોલોજી ડીપાર્ટમેન્ટ સંદીપને શોધી લેશે. એવી એજન્સીના શાર્પ એજન્ટ્સ માટે સંદીપને પાતાળમાંથી પણ શોધી કાઢવો મુશ્કેલ કામ નથી. એ કામ માટે તેમને ટ્રેન્ડ કરવામાં આવેલ હોય છે. અને જો એવું થશે તો તમે તમારા પુત્રને કાયમ માટે ગુમાવી નાખશો કેમકે સંદીપ તેમના હાથમાં આવી જશે તો પણ તેઓ જાહેર નહિ કરે કે સંદીપ તેમને મળી ગયો છે ક્યાંક દુર હિમાલયની પહાડીઓમાં આવેલ સિક્રેટ લેબમાં તેઓ સંદીપને પોતાની રીસર્ચનો સબજેકટ બનાવી ગોંધી રાખશે. જ્યાં એ જીવિત રહેશે પણ માત્ર એક લાશ બનીને, માત્ર કોઈ એક પ્રયોગ માટેનું સાધન બનીને.”

ગાલા પરિવાર આંખો ફાડીને ડોક્ટર સામે જોઈ રહ્યો. શું કહેવું શું કરવું કાઈ સમજાયું નહિ.

“માફ કરજો મિસ્ટર ગાલા પણ આ એકવીસમી સદી છે અને અત્યારે માત્ર ગવર્મેન્ટ જ નહિ પણ કેટલાય એવા પાગલ વેજ્ઞાનિકો પણ છે જેઓ કરોડોની સંપતિ ધરાવે છે અને આપણે અંદાજ પણ ન લગાવી શકીએ તેટલું મોટું નેટવર્ક ધરાવે છે. એ પોતાની સંપત્તિ અને પહોચ બંનેનો ઉપયોગ માત્ર આવા પ્રયોગો કરવા માટે જ વાપરે છે કેમકે આજના યુગમાં અનેક પાગલ અને સનકી લોકો સુપરનેચરલ પાવર મેળવવા પાગલ બનેલ છે. એવી કેટલીયે મેડીકલ રીસર્ચ કંપનીઓ છે જે સુપરનેચરલનો અંદાજ મેળવી તેને આધારે વિજ્ઞાનના વણ ઉકેલાયેલા કોયડાઓનો તાગ મેળવવા માગે છે અને જયારે તેમને ખબર પડશે કે સંદીપ પાસે કોઈ પેરા-નોર્મલ પાવર છે તેઓ તેની હન્ટની તૈયારીઓ શરુ કરી દેશે. તેઓ તેને મારશે નહિ પણ તેને મૃત્યુ કરતા પણ વસમી હાલાતમાં રાખશે.” ડોકટરે કદાચ એ બાબત ગાલા પરિવારને જણાવી હતી જે બાબત તેને હજુ સુધી કોઈની આગળ ન હતી કહી, તે પોતે પહેલા ગવર્મેન્ટ રિસર્ચર તરીકે કામ કરી ચૂકેલ હતો જેને લીધે તેની પાસે કેટલીક ટોપ સિક્રેટ માહિતી હતી.

“આભાર ડોક્ટર. અમને ચેતવવા બદલ આભાર.” ગાલા પરિવારે કૃતધ્નતા દર્શાવતા કહ્યું. ખરેખર તેમને મળેલ માહિતી ખુબ જ ફાયદાકારક હતી, એ માહિતીના અભાવમાં તેઓ તેમના પોતાના પુત્રનું જીવન જોખમમાં મૂકી શકે તેમ હતા.

“મારા પેસ્ન્ટને બચાવવો એ મારી ફરજ છે એમાં માત્ર બીમારીથી જ નહિ મને દેખાતા દરેક જોખમથી એને દુર રાખવો એ મારી ફરજ છે તે ઉપરાંત સંદીપ સાથે શું થયું, એના પર શું વીતી છે અને એને ભૂતકાળમાં શું ભોગવ્યું છે તે બધું જ હું જાણું છું અને હું ઈચ્છું છું કે એનું ભવિષ્ય સુખમય વીતે.” ડોકટરે કહ્યું. તેના અવાજમાં સંદીપ માટે વેલ વીશીશ વર્તાઈ રહી હતી.

કવિતા અને તેના મમ્મી પપ્પા માટે આ હકીકત દિલ દહેલાવી દેનાર હતી. ગવર્મેન્ટ, વૈજ્ઞાનિક, અને પ્રાઈવેટ કંપનીઝ કે જે કેવા કોમો કરતી હોય છે તેનાથી તે બિલકુલ અજાણ હતા. પરંતુ એ ફૂટેજ જોયા બાદ અને ડોક્ટર પાસેથી માહિતી મેળવ્યા બાદ રાકેશ ગાલાને સમજાઈ ગયું કે તે પોલીશમાં એ બાબત જાહેર કરીને કેટલી મોટી ભૂલ કરી રહ્યા હતા.

ડોકટરે તે વિડિઓ ડીલેટ કરી નાખ્યો અને રીસાયકલ બિન પણ એમ્પ્ટી કરી નાખ્યું. ક્યારેય એ ફૂટેજનું શૂટિંગ થયું જ ન હોય તેવી સ્થિતિ ઉભી કરી દીધી. તેમણે પોલીશને પણ આડા અવળી વાતોમાં ગૂંચવી સંદીપ મેન્ટલી વીક હતો આથી એકાએક હોસ્પિટલમાંથી ભાગી ગયો છે એમ કહી પાછી મોકલી દીધી.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’ અને મહેન્દ્ર ત્રિવેદી ‘દેવ’

ક્રમશ: આવતી કાલે સવારે 9 વાગ્યે…..

Comment here