safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -14)

લગભગ સાંજના પાંચેક વાગ્યે રાકેશ ગાલા, રીશીકુમાર તથા કેટલાક પડોશીઓ ભગ્ન હૃદયે સંદીપના ક્રીમશન બાદ પાછા ફર્યા. રાકેશ ગાલાના ચહેરા પર એક પુત્રને અગ્નિદાહ આપીને આવ્યાનું દુ:ખ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું.

દસેક મિનીટ જેટલો સમય પડોશના લોકોએ તેમના ઘરે વિતાવ્યો ત્યારબાદ તેમણે એક એક કરી રજા લેવા માંડી. સંગીતાબેન અને રાકેશભાઈ સમજતા હતા કે બહારના લોકોં કેટલો સમય સાથ આપી શકે બસ તેઓ તો આટલા વરસો બાદ પણ સંદીપના મમ્મી પપ્પાના સારા સ્વભાવને ભૂલ્યા ન હતા અને સંદીપના અગ્નિ સંસ્કારમાં જોડાયા એ જ મહત્વનું હતું બાકી આજકાલ તો શહેરમાં નજીકના સગા ન હોય તો દુરના રીલેશનવાળા લોકોય બહાના બનાવી જતા હોય છે.

“આપણે પણ હવે નીકળવું જોઈએ?” બધા પડોશીઓના ગયા પછી સંગીતાબેને રાકેશભાઈ તરફ જોઈ કહ્યું.

“હા, મને પણ નથી લાગતું કે હું પણ આ ઘરમાં ઊંઘી શકીશ, મીનાબેન અને સુરેશભાઈના ચહેરા મારી આંખ સામે તરવરે છે! જાણે તેઓ મને પૂછી રહ્યા છે કે અમે તારી દીકરીની આટલી કાળજી લીધી હતી ને તું અમારા દીકરાને સાચવી ન શક્યો ને?” રાકેશ ગાલાએ ક્યારનાય દબાવી રાખેલ આંસુઓ બહાર આવી ગયા.

“હા, પણ જતા પહેલા હું એકવાર મીનાબેન અને સંદીપનો રૂમ જોવા માંગું છું…..” રીશીકુમારે વાતને બીજી તરફ લઇ જતા કહ્યું.

“પપ્પા, અમે એ બંને રૂમને ધ્યાનપૂર્વક જોઈ લીધા છે અને ત્યાંથી જે માહિતી મળી તે લઇ લીધી છે.”  તુષારે પોતાના હાથમાં રહેલ એક કાળા રંગની લેધર બેગમાંથી બે ત્રણ ફોલ્ડર બહાર કાઢી બતાવતા કહ્યું.

રીશીકુમારે એ કાગળો હાથમાં લીધા, તેઓ એ પહેલા ફેઈલ્ડ આર્ટીકલ્સ ફોલ્ડર જોયું અને ત્યારબાદ તુષારે ડસ્ટબિનમાંથી એકઠા કરેલ કાગળોનું ફોલ્ડર તપાસવા લાગ્યા.

“મિસ્ટર રાકેશ ગાલા, મામલો બહુ ગંભીર છે! મને નથી લાગતું આમાં પોલીસ તમારી મદદ કરી શકે…!!” રીશીકુમારે ફોલ્ડરમાંથી બહાર નજર કરતા કહ્યું.

“શું મામલો છે? કોણ કાતિલ છે?”

“કાતિલ કોણ છે એ હું બહુ જલ્દી પતો લગાવી દઈશ પણ હાલ પુરતું તો તમારે પ્રોટેકશનની જરૂર છે. તમારે મદદની જરૂર છે.”

“પ્રોટેકશનની જરૂર?”

“હા, મારે તમને કહેવું તો ન જોઈએ પણ કહીશ નહિ તો પણ જોખમ છે માટે કહી રહ્યો છું. જેમણે આ ત્રણ હત્યાઓ કરી છે એ લોકો કવિતાની શોધમાં જરૂર આવશે. એ લોકો ભૂત જેવા છે કોઈ ચીજનો પીછો કરે ત્યારબાદ કયારેય એનો પીછો છોડતા નથી! તેઓ હમેશા તમારી પાછળ હતા! અમદાવાદમાં એક એક દિવસની તમારી એક એક વિગત એમની પાસે હતી! બસ તેઓ સંદીપની યાદદાસ્ત પાછી આવવાની રાહ જોઈ રહ્યા હતા અને જેવી તેની યાદદાસ્ત પાછી આવી તેની હત્યા કરી નાખી.”

“પણ કોઈ સંદીપને મારતા પહેલા તેને બધું યાદ આવી જાય તેની રાહ કેમ જુવે? મને કાઈ સમજાઈ નથી રહ્યું.” સંગીતાબેને કહ્યું.

“મમ્મી, મને બધું સમજાઈ ગયું છે મીનાબેન એક ચીજ પર રીસર્ચ કરતા હતા, એમણે યોગની મદદથી મને પણ ફોટોક્રેમિક મેમરી આપી હતી અને એવી ઘણી બાબતો તેઓ જાણતા હતા જે આજના યુગમાં માત્ર રહસ્ય સમાન છે! કોઈ એમની એક થીયરી ચોરી લેવા માટે તેમને મારી નાખે છે પણ એમને એ થીયરી મળતી નથી અને એટલે જ તે થીયરી વિશે કદાચ સંદીપને ખબર હશે તેમ માની એમણે સંદીપને મારતા પહેલા તેની યાદદાસ્ત પાછી આવે તેની રાહ જોઈ.” કવિતાએ સમજાવતા કહ્યું.

“હા, કવિતાની વાત અક્ષરસ સાચી છે પણ અધુરી છે….. સંદીપ બાદ હવે તેઓ કવિતાને પોતાનું લક્ષ બનાવશે કેમકે તેમને ખબર છે કે મીનાબેન માટે કવિતા કેટલી ખાસ હતી તેમને શક હશે જ કે કદાચ કવિતા એ થીયરી વિશે કાઈક જાણે છે માટે આપણે કવિતાને સલામત રાખવી જરૂરી છે.” રીશીકુમારે કહ્યું.

“તો હવે શું કરવું જોઈએ? એવા કાતીલો કે જેમને આપણે જોયા નથી, એવા દુશ્મનો કે જેમને આપણે જાણતા નથી એમનાથી મારી દીકરીને કઈ રીતે બચાવવી?” રાકેશ ગાલાએ ચિંતાતુર થઇ ગયા.

“હા, અમે સામાન્ય માણસો છીએ, અમે તો આ બધું કાઈ જાણતા પણ નથી અને અમારી મદદ કરે તેવું આ દુનિયામાં મીનાબેન અને સુરેશભાઈ બાદ હવે કોઈ નથી.” સંગીતાબેન પણ બોલ્યા.

“પણ હું સામાન્ય માણસ નથી, હું એ જ થીયરી પર કામ કરું છું જેના પર કદાચ મીનાબેન કામ કરતા હતા અને રહી વાત કવિતાને બચાવવાની તો હું તુષારની મમ્મીની હત્યા થઇ ત્યારથી લઈને આજ સુધી તુષારને એમનાથી બચાવી રહ્યો છું. એ સમયે તુષાર માત્ર આઠ વરસનો હતો અને આજે અઢાર વરસનો થઇ ગયો છે દસ વર્ષથી હું મારા દીકરાને એમનાથી બચાવી રહ્યો છું તો કવિતાને કેમ નહિ બચાવી શકાય? અત્યાર સુધી તો હું એકલો હતો, હવે તો તમે પણ મારી સાથે છો અને મને લાગે ત્યાં સુધી આપણે હવે ઘણા દિવસ સુધી એમનાથી બચવાની જરૂર પણ નહિ રહે. આપણે રહસ્યની બહુ નજીક પહોચી ગયા છીએ, બસ હવે કોઈ રીતે એમના ચહેરા સામે લાવવાના છે.” રીશીકુમારે કહ્યું.

“પણ એ ચહેરાઓને આપણે કઈ રીતે સામે લાવીશું?” રાકેશ ગાલાએ સવાલ કર્યો.

“એ ચહેરા વારંવાર મારી સામે આવતા રહે છે બસ હું એમને ટાળતો રહું છું જો આપણી પાસે એમનો સામનો કરવાની તૈયારી હશે તો એમને ખુલ્લામાં સામે લાવતા વાર નહિ લાગે.” રીશીકુમારે કહ્યું.

“એ માટે આપણે શું કરવું પડશે?” રાકેશ ગાલા ઉતાવળા થઇ ગયા, એમનામાં તેમના વહાલસોયા દીકરાના કાતીલોને મારવાનો કીડો સળવળવા લાગ્યો.

“સૌથી પહેલા તો આપણે અમદાવાદ જવું જોઈએ. ત્યાં ગયા બાદ જેટલા મિત્રોની મદદ મળી શકે તેમ હોય તેટલા મિત્રોને હું એકઠા કરી લઈશ. હવે આપણે શિકાર કરવા છટકું ગોઠવીશું.” રીશીકુમારે કહ્યું.

લગભગ બધા રીશીકુમાંરની વાત સાથે સહમત હતા, કદાચ સંગીતાબેન એ લડાઈ અને ઝઘડાની વાતમાં સહમત ન થાત પણ સંદીપના મૃત્યુ બાદ તેમનામાં પણ બદલાની ભાવના જાગી ગઈ હતી! બાકી તે દિવસ સુધીમાં ક્યારેય સંગીતાબેને કોઈને નફરત કરી ન હતી પણ કદાચ એ ઘટના બાદ તેઓ કોઈકને એટલી હદે નફરત કરવા લાગ્યા હતા કે તેમને ન ગમતી પ્રવૃત્તિ લડાઈ અને ઝઘડામાં પણ તેઓ સાથ આપી રહ્યા હતા.

રાકેશ ગાલા પણ એક સજ્જન વ્યક્તિ હતા કોઈની સાથે વેર ઝેર રાખવું કે બદલો લેવાની ભાવના સેવવું તેમના સ્વભાવમાં ન હતું પણ તેઓ જાણી ચુક્યા હતા કે જો તેઓ કાઈ નહિ કરે, હાથ પર હાથ ધરી બેસી રહેશે તો પણ ખૂનીઓ ચુપ નહિ બેસે…. તેઓ કવિતા માટે આવશે અને હવે તેમની પાસે ખોવા માટે કવિતા સિવાય કાઈ ન હતું! બાકીનું બધું તો તેઓ ખોઈ ચુક્યા હતા એટલે પરિસ્થિતિને જોતા આંખને બદલે આંખનો નિયમ આખી દુનિયાને આંધળી બનાવી દેશે જેવા સીધ્ધાતમાં માનનારા રાકેશ ગાલા અને સંગીતાબેન જેવા સિધ્ધાંતવાદી માણસો પણ શ્રીમદ ભગવદ ગીતાના એક શ્લોક મુજબ બદલો એ એક શ્રેષ્ઠ ભાવના છે એમાં કોઈ જ જાતની લાલચ લોભ કે પ્રલોભન નથી હોતું તે અન્ય માટે કરાયેલ નિસ્વાર્થ કામ છે એમાં માનવા લાગ્યા હતા.

રાકેશ ગાલા અને સંગીતાબેન પોતાની ફીયાટમાં ગોઠવાયા અને કવિતા રીશીકુમાર તેમજ તુષાર સાથે તેમની અમેઝ્માં બેઠી જેથી તેઓ રસ્તામાં વધુ ચર્ચા કરી શકે.

“તુષાર તું કાર ચલાવ, હું પાછળ બેસી આ બધા ફોલ્ડરના કાગળોને તપાસી જોઉં. કદાચ કોઈ રીતે ડેસીફર થઇ શકે તો અને કોડ ડેસીફર ન થાય તો પણ પી.એસ.આઈ. લેન્ગવેજ તો હું સમજી જ શકું છુ ને?” કહેતા રીશીકુમાર કારની પાછળની સીટ પર ગોઠવાયા.

તુષાર અને કવિતા કારમાં આગળની સીટો પર ગોઠવાયા. તુષાર ડ્રાયવર સીટ પર અને કવિતા તેની બાજુની સીટ પર. બંને કાર લગભગ વીશેક મિનીટ બાદ શહેર બહારના મુખ્ય હાઈવે પર ચડી ગઈ હતી.

રીશીકુમાર ક્યારનાય એ કાગળોને જોઈ રહ્યા હતા પણ કદાચ તેમને કોઈ તાગ મળી રહ્યો ન હતો. શિયાળાનો સમય અને બહાર ઠંડુ વાતાવરણ હોવા છતાં તેમને જાણે અકળામણ થઇ રહી હોય તેમ લાગી રહ્યું હતું! કારનો વિન્ડો ગ્લાસ નીચો ઉતાર્યો અને ઠંડી હવાની લહેરખી તેમના ચહેરા સાથે અથડાઈ પસાર થઇ ગઈ. તે હવા પણ તેમને ઠુંઠી અને અકળાવનાર લાગી રહી હતી! આમ પણ આસપાસ સુકા ખેતરો અને માટી પથ્થર અને રેત સિવાય કશું જ ન હતું….. કોઈ જીવંત સુવાસ આવવાનો તો કોઈ સવાલ જ ન હતો. બસ ચારે તરફ કુદરતે બનાવેલ સનાતન ચીજો સિવાય કઈ જ દેખાઈ ન હતું રહ્યું.

“પપ્પા કઈ સમજાઈ રહ્યું છે?” તુષારે પાછળ નજર કર્યા વિના જ પૂછ્યું.

“હા, બસ એક સુરક્ષિત સ્થળ મળી જાય એટલે બધું સમજાઈ જશે.”

“શું એમાં ત્રીજા પ્રકરણ વિશે કાઈ છે?” કવિતાએ પૂછ્યું.

“ત્રીજા પ્રકરણના એક સ્થળે આછા ઉલ્લેખ સિવાય તેના વિશે કશું નથી પણ આપણે તેની જરૂર નથી પડે તેમ, આ આર્ટીકલમાં જે છે તે પણ પુરતું જ છે….!”

“મતલબ?”

“મતલબ કે…” રીશીકુમાર તેમનું વાક્ય પૂરું કરે એ પહેલા જ તેમને એક ધડાકો સંભળાયો.

ત્રણેએ પાછળ નજર કરી કેમકે અવાજ પાછળની તરફથી આવ્યો હતો. પાછળનું દર્શ્ય જોતા જ તુષારનો પગ આપમેળે બ્રેક પર દબાઈ ગયો અને કદાચ એટલા જોરથી દબાઈ ગયો હતો કે કારના ટાયરની તીણી ચિચિયારી સંભળાઈ અને એમની કાર રસ્તામાં એક તરફ ખેચાઈને ઉભી રહી ગઈ સારું થયું કે ત્યારે આસપાસ કોઈ વાહન ન હતું નહીતર એ વાહન સાથે અથડામણ નિશ્ચિત હતી.

રીશીકુમાર પાછળની સીટ પર બેઠા હતા માટે તેમને પાછળનું દ્રશ્ય બેક વિન્ડોમાંથી એકદમ ક્લીયર દેખાયું હતું. તેમણે રાકેશ ગાલાની કાર સાથે એક કાળા રંગની એન્ડેવરને અથડાતા જોઈ… તેમણે જોયું કે ફિયાટ જેવી નાનકડી કાર માટે એ લોંગ એસ.યુ.વી. સાથે અથડાવું કોઈ મોટા ટ્રક સાથેની અથડામણ કરતા કમ ન હતું. કારનું એક તરફનું પડખું એવી રીતે અંદર દબાઈ ગયું હતું કે એ કાર લોખંડના પતરામાંથી નહિ પણ કાગળની બનેલ હોય. જોનારને એક જ નજરે ખયાલ આવી જાય તેમ હતો કે કારમાં બેઠેલ લોકોની શું હાલત થઇ હશે.

રીશીકુમાર કારમાંથી નીચે ઉતર્યા અને એ સાથે જ તુષાર અને કવિતા પણ બહાર આવ્યા….. કવિતા દોડીને ફિયાટ તરફ જવા માંગતી હતી પણ રીશીકુમારે તેનો હાથ પકડીને તેને અટકાવી લીધી. કવિતા એ તરફ જવા માંગતી હતી કેમકે તેણીએ ગભરાહટમાં એ ચીજ નોધી નહી જે રીશીકુમાર અને તુષારની આંખોએ નોધી લીધી હતી.

અથડામણ બાદ એન્ડેવરના ચાલકે પોતાની કારને રીવર્ષમાં પાછી લીધી હતી અને તે કારમાંથી બહાર આવવાને બદલે કારને થોડીક દુર જ ઉભી રાખી કઈક રાહ જોઈ રહ્યો હતો. રીશીકુમાર જેવા ચાલક વ્યક્તિને એ સમજતા વાર ન લાગી કે એ અથડામણ જાણી જોઇને કરવામાં આવી હતી…!! જો એ અથડામણ ઈરાદાપૂર્વકની ન કરવામાં આવી હોય તો કારનો ડ્રાયવર નીચે ઉતરી ફીયાટમાં બેઠેલ લોકોની મદદે આવ્યો હોત અથવા તે ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હોત પણ તે પોતાની ગાડીને રીવર્સ લઇ ત્યા જ ઉભો હતો એનો શું અર્થ હતો એ સમજવા માટે કદાચ કવિતા બીન અનુભાવી હતી પણ રીશીકુમાર કે તુષાર બેમાંથી એકેય એટલા નાદાન ન હતા કે એ વાતને સમજી ન શકે. જો કદાચ તેઓ એટલા નાસમજ હોત તો એ દિવસ સુધી જીવિત રહેવાનો મોકો એમને ન જ મળ્યો હોત!!!

તુષારે એક નજર ફિયાટ તરફ દોડાવી, રાકેશ ગાલાની કારના અથડામણ સાથે જ એમની કારની એર બેગ ખુલી ગઈ હતી પણ એ ધક્કાને લીધે બાજુની તરફ એમના ચહેરા અથડાઈ ગયા હતા અને અથડામણ થઇ તેની વિરુધ્ધના દરવાજા સાથે તેઓ અથડાયા હતા. તેઓ જીવિત હતા કે નહિ તે નક્કી કહી શકાય તેમ ન હતું પણ એક વાત તો નક્કી હતી કે રાકેશભાઈ અને સંગીતાબેન બંને બેહોશ થઇ ગયા હતા.

ફિયાટ હવે એક તરફથી કાર નહિ પણ માત્ર કોઈ કારના કાટમાળ જેવી દેખાઈ રહી હતી, કોઈ સામાન્ય મકાન પર ઉલ્કાસિલા આવીને અથડાઈ જાય તો તેની જેવી હાલત થાય તેવી હાલત ફીયાટની એ રાક્ષસી કદની એસ.યુ.વી. સાથેની અથડામણ બાદ થઇ હતી. ચારે તરફ વિન્ડો ગ્લાસના ટુકડા, મેટલ અને પ્લાસ્ટિકની ચીજો વિખેરાઈ ગઈ હતી.

કવિતાની આંખો કારને થયેલ નુકશાન જોઇને જ ફાટી ગઈ હતી! તેનું અંતર સમજી ચુક્યું હતું કે તેના મમ્મી પપ્પાનું શું થયું હશે. બસ તેને એ સમજાયુ નહી કે પેલી ગાડી હજુ ત્યાજ કેમ ઉભી હતી????? આ બધું મીનીટોમાં બની ગયું હતું. લખતા કે વાંચતા જેટલો સમય લાગે કદાચ એના કરતા પણ ઝડપી બધું બની ગયું હતું…..!!!!!

“તુષાર કવિતાને લઈને કારમાંજા.” રીશીકુમારે બુમ પાડી અને પોતાના કોટના ખિસ્સામાં હાથ સરકાવ્યો જયારે તેમનો હાથ બહાર આવ્યો ત્યારે તેમાં 50 કેલીબરની અંગ્રેજી બનાવટની પિસ્તલ હતી.

“પપ્પા તમે?” તુષારે સમો સવાલ કર્યો.

“તું નિયમો ભૂલી ગયો લાગે છે? જે કહ્યું તે કર.” રીશીકુમાંરી કહ્યું. રિશી કુમારનું આ સ્વરૂપ પહેલી જ વાર નજરે જોયું હતું.

તુષાર સમજી ગયો હતો કે તેને એ સ્થિતિમાં શું કરવું જોઈએ. તેણે કવિતાનો હાથ પકડ્યો અને તે કવિતાને કાર તરફ ખેચી જવા લાગ્યો. કવિતા તુષાર સાથે અમેઝ તરફ ખેંચાઈ રહી હતી પણ તેની નજર હજુ ફિયાટ અને તેનાથી થોડેક દુર કોઈ માતા આખલા જેમ ઉભેલ કાળી એન્ડેવર પર હતી અને તેની આંખોએ એ જોયું જે કદાચ તેણીએ કલ્પના પણ નહી કરી હોય. એન્ડેવર પૂરી ગતિથી ફરી ફિયાટ તરફ ધસી અને બીજી પળે ફિયાટ અને એ માતેલા સાંઢ જેવી કાર વચ્ચે અથડામણ થઇ! જાણે બે રેલ્વે એન્જીન અક્શ્માંતે ભેગા થઇ ગયા હોય તેવો ધડાકો થયો… જાણે ભૂકંપમાં કોઈ પહાડ પરની ભેખડ ધસીને નીચે પડી ગઈ હોય તેવો એ અવાજ હતો…!!! તે અથડામણ કેટલી તીવ્ર હતી તેનો અંદાજ લગાવવો તો મુશ્કેલ હતો પણ કવિતાને એમ લાગ્યું જાણે કોઈએ મજબુત હાથથી તેની છાતી પર હથોડો જીંકી દીધો હોય… એના હ્રદયે એટલું દુખ અનુભવ્યું જાણે એ સ્લેજ હેમર જેવો ઘા ફીયાટમાં કેદ તેના મમ્મી પપ્પા પર નહિ પણ તેના હ્રદય પર કરવામાં આવ્યો હોય!!! કવિતાએ ફીયાટને રોડ પરથી દુર ફંગોળાઈ નીચે જતા જોઈ અને ત્યારબાદ શું થયું તે એ જોઈ શકી નહિ કેમકે તેની આંખો માત્ર અંધકાર જ અનુભવી રહી હતી… તેની ચારે તરફ અંધકાર ઘેરાઈ વળ્યો…. તે બેભાન થઇ ગઈ…. કદાચ તુષાર તેની બાજુમાં જ તેનો હાથ પકડીને ન ઉભેલ હોત તો એ જમીન પર ફસડાઈ ગઈ હોત પણ તુષારે તેને ઝીલી લીધી. તુષારે તેને પોતાના મજબુત હાથમાં ઊંચકી કાર તરફ લઇ ગયો અને તેને કારની બેક સીટમાં સુવાડી દીધી. કારની બેક ડીકી ખોલી તેમાંથી પાણીની બોટલ લઇ પૂરી બોટલ કવિતાના ચહેરા પર ઉધી વાળી દીધી.

તુષાર કવિતાને હોશમાં લાવવા વ્યસ્ત હતો તે સમયે તે કાળી એન્ડેવર તેમની અમેઝ તરફ ધસી રહી હતી….. કદાચ તેને આમ ધ્યાન થઇ કવિતાની કાળજી લેવી મોધી પડી ગઈ હોત પણ તે નિશ્ચિત હતો કેમકે તે જાણતો હતો કે તેની અને એ કારની વચ્ચે એક પહાડ સમાન વ્યક્તિ ઉભેલ હતો – રીશીકુમાર…!! અને એ પણ પોતાની 50 કેલીબર પિસ્તલ સાથે!!

રીશીકુમારે પોતાનો ગન વાળો હાથ ઉઠાવ્યો અને નિશાન સાધ્યું. લગભગ એન્ડેવર તેમનાથી વીશેક યાર્ડ દુર હશે એ સમયે તેમની આંગળી ટ્રીગર પર દબાઈ અને એક ધડાકો થયો. ધડાકાનો અવાજ સાંભળી તુષારનું ધ્યાન એ તરફ ગયું તેણે પાછળ નજર કરી અને એ એન્ડેવરને કોઈ સુખુ પત્તું તૂફાનમાં ફેકાઈ જાય તેમ ફગોલાઈ જતા જોઈ! રીશીકુમાંરનું નિશાન અચૂક હતું! બુલેટ સીધી જ કારના ફ્રન્ટ ટાયરમાં ઉતરી ગઈ હતી અને ટાયર ધડાકા સાથે ફાટી ગયું હતું. ગાડી એટલી હદે ફંગોળાઈ ગઈ હતી કે ગમે તેવો અનુભવી ડ્રાઈવર પણ તેને સમતોલનમાં લાવી કાબુ કરી શકે તેમ ન હતો! કદાચ એ ગાડી હાકાનાર ડ્રાઈવર પણ અનુભવી હતો માટે તેણે ગાડીને કાબુમાં લેવા કરતા ઓછામાં ઓછું નુકશાન થાય તેમ નુકશાનને ખાળવા ગાડીને એક તરફ ખેંચાઈ જવા દીધી. ગાડી એક તરફ નમી પલટી મારી ઉંધી થઇ ગઈ.

ગાડીનો દરવાજો ખોલી બહાર આવનાર પ્રથમ વ્યક્તિનો ચહેરો રીશીકુમાર માટે અજાણ્યો હતો પણ તુષારે નોધ્યું કે તે ચહેરો એ જ હતો જેણે તેના પર લાયબ્રેરીમાં હુમલો કર્યો હતો. તેની પાછળ બીજો દરવાજો પણ ખુલ્યો અને બીજો વ્યક્તિ જેણે ટેલર સુટ પહેરેલ હતો તે ભાંખોડિયા ભેર બહાર આવ્યો. ટેલર સુટ આસપાસ શું થઇ રહ્યું છે એ સમજે એ પહેલા જ રીશીકુમાંરની ગનમાંથી નીકળેલ બુલેટે તેના સાથીને વીંધી નાખ્યો હતો. એણે ભાગવાની નિષ્ફળ કોશિશ કરી પણ ત્રણેક ડગલા પણ તે ગાડીથી દુર પહોચે તે પહેલા એક બુલેટ તેની સાથળમાં કાણું પાડી પસાર થઇ ગઈ. કદાચ રીશીકુમાર તેને મારવા માંગતા ન હતા. તેઓ તેને જીવતો હાથમાં પકડવા માંગતા હતા.

એ વ્યક્તિ પોતાની સાથળ પર હાથ મૂકી ત્યાજ જમીન પર બેસી ગયો. કદાચ તે વહી જતા લોહીને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો પણ તે પોતેય જાણતો હતો કે અંગ્રેજી બનાવટની પિસ્તલમાંથી નીકળેલ બુલેટથી પડેલ કાણામાંથી વહી જતા લોહીને રોકવું શક્ય ન હતું! કમસેકમ ડોક્ટરની મદદ વગર તો નહિ જ.!!! રીશીકુમાર એ તરફ જવા લાગ્યા.

“શું થયું છે? આપણે ક્યા…?” કવિતા પણ ઠંડા પાણીની અસર અને બુલેટના ધડાકાઓ સાંભળી હોશમાં આવી ગઈ હતી પણ તેણીએ તેનું વાક્ય અધૂરું છોડી દીધું કેમકે ભાનમાં આવ્યાના એકાદ પળમાં જ તેના માનસપટલ પર એ તસ્વીરો તાજી થઇ ગઈ જે તેણીએ ચેતના ગુમાવતા પહેલા જોઈ હતી.

“મમ્મી.. પપ્પા..” તે બેબાકળી થઇ ગઈ.

તેણીએ ડામરથી બનેલ એ રોડ પર ફીયાટને શોધવા નજર દોડાવી પણ તેને તે ક્યાય ન દેખાઈ. તેણીએ રીશીકુમાંરને એન્ડેવર તરફ જતા જોયા….. તેમના હાથમાંની ગન હજુ પેલા જમીન પર કણસતા વ્યક્તિ તરફ એન થયેલ હતી, તે કોઈ હાઈલી ટ્રેન્ડ કમાન્ડોની જેમ સાવચેતીથી આગળ વધી રહ્યા હતા…. એ જ સમયે એન્ડેવરનો દરવાજો ધડાકાભેર ઉછળ્યો અને રીશીકુમાંરના પગથી થોડેક દુર આવી પડ્યો.

રીશીકુમાર આગળ વધવાને બદલે પાછા પગે પાછળ હટવા લાગ્યા… હવે તેમની ગન એ જમીન પર પડી કણસતા વ્યક્તિને બદલે એન્ડેવરનો દરવાજો જ્યાંથી ઉખડી ગયો હતો અને એક મોટી ગેપ હતી એ તરફ હતું.

તેઓ એ તરફ નજર અને નિશાન બંને લગાવી ઉતાવળે પગલે પાછળ ખસતા રહ્યા. તેઓ અંદરથી બહાર કોણ આવે છે તે જોવા માંગતા હતા પણ તેઓ છેક તેમની અમેઝ્ની નજીક પહોચી ગયા ત્યાં સુધી કોઈ બહાર આવ્યું નહિ.

“ગેટ ઇન ધ કાર.” તેમણે નજર એ વ્યક્તિ તરફ રાખીને જ તુષાર અને કવિતાને કહ્યું પણ કોઈ જવાબ ન મળ્યો. તેમણે નજર પાછળ ફેરવી.

તુષાર કારની ડ્રાયવર સીટ પર  ન હતો, કવિતા પણ ન હતી. “વોટ ધ હેલ ધે આર યુ ડુઈંગ!!!” રીશીકુમારના મોમાંથી વાક્ય નીકળી ગયું. કદાચ એ પ્રથમવાર બન્યું હતું જયારે તુષારે તેમણે શિખવેલ નિયમોને તોડ્યા હતા, તેમના કહ્યા મુજબ તે કારમાં સવાર ન થયો.

કવિતા?? કવિતા પણ કારમાં ન હતી. તે ક્યા ગઈ?? વોટ ધ કીડ આર થીંકીંગ ધેમ સેલ્ફ? રીશીકુમાંરનું મન ઉકલી ઉઠ્યું. તેમણે ચારે તરફ નજર દોડાવી.

ફીયાટ રોડની બાજુમાં બનેલ ઢાળવાળા ભાગમાં જઈને પડી હતી. તેના એક બાજુના વિલ પણ તૂટીને આગળ થઇ ગયા હતા અને તેની છત એવી રીતે કચડાઈ ગઈ હતી જાણે તેને ક્રેનમાં ક્રશ કરવામાં આવી હોય. પુરા ઢાળ પર કારના તૂટેલા કાચના અને પ્લાસ્ટીકના ટુકડા વિખેરાયેલ હતા અને એ ટુકડાઓને ધ્યાનમાં લીધા વિના જ કવિતા ઢાળ ઉતરી એ કાર તરફ જઇ રહી હતી.

કદાચ મમ્મી પપ્પા જીવિત હશે??? કદાચ તેમને કાઈ નહિ થયું હોય??? તેઓ જીવિત હોઈ શકે તેનું મન તેને ખોટી આશાઓ બંધાવી રહ્યું હતું. તેના હ્રદયના ધબકારા વધી ગયેલ હતા અને તે બહુ લાંબુ દોડીને આવી હોય તેમ હાંફી રહી હતી. તેના વિખેરાયેલ વાળ અને ચહેરા પરના ચિંતાના ભાવ જોઈ કોઈ રીતે તે કવિતા ગાલા લાગતી જ ન હતી! તે ઢાળ ઉતરીને કાર પાસે ગઈ. તેને કઈક અવાજ સંભળાયો. તેના મનમાં આશાનું એક કિરણ જાગ્યું! મમ્મી પપ્પા જીવતા છે. હું હમણાં એમને કારમાંથી બહાર કાઢીશ અને બધું ઠીક થઇ જશે! બરાબર પાંચ મિનીટ પહેલા જેમ હતું તેમ જ બધું બરાબર થઇ જશે. કવિતાના મનમાં આ એક જ મંત્રનું રટણ ચાલતું હતું. ભગવાન મારી સાથે આવું નહિ થવાદે, એ મારી પાસેથી બધું તો છીનવી ચુક્યો છે હવે મારા મમ્મી પાપા પણ.. .ના, ના, એ એવું ન કરી શકે. વિચારો તેના મનમાં વીજળીની ગતિએ દોડી રહ્યા હતા.

તેણીએ કારમાં ડોકિયું કર્યું, કદાચ તેને બહારથી જ સમજી જવું જોઈતું હતું કે એ અક્ષમાંતમાં કોઈ બચી શકે તેમ ન હતું. કારની એક્શલ બેંટ થઇ ગઈ હતી, એન્જીનના હમીન્ગનો અવાજ હજુ આવી રહ્યો હતો અને કારના કચડાઈ ગયેલા બોનેટ પર ઠેર ઠેર ઓઇલના છાટા ઉડેલ હતા. આગળનો કાચ અંદરના ભાગેથી લોહીથી ખરડાયેલ દેખાઈ રહ્યો હતો. જોનારને એક જ નજરે ખયાલ આવી જાય તેમ હતું કે એ અક્શ્માંતમાં મરવું તો સહેલું હતું પણ બચવું મુશ્કેલ જ નહિ અશક્ય જેવું લાગી રહ્યું હતું. ચારે તરફ પેટ્રોલ અને ઓઈલની વાસ ફેલાયેલ હતી. તેને ટેપિંગ જેવો અવાજ સંભળાઈ રહ્યો હતો. કારમાં કોઈક તો જીવિત હતું એમ તેને લાગી રહ્યું હતું.

“મમ્મી… પપ્પા..” કવિતાએ કારમાં ડોકિયું કરતા કહ્યું.

તેના પપ્પા કારની ડ્રાયવર સીટ પર પાછળની તરફ નમેલ હતા. તેમની આંખો ખુલ્લી હતી અને આગળના કાચને અનિમેષ પણે જોઈ રહી હતી. તેમની આંખોમાં અંતિમ સમયે અનુભવેલ ડર એક જેવો દેખાઈ રહ્યો હતો. તેમના કપાળ પર પડેલ લાંબા ઘામાંથી લોહી વહીને તેમના ચહેરાને રંગી રહ્યું હતું.

“પપ્પા..” કવિતાના ગળામાંથી એક રાડ નીકળી ગઈ. તેણીએ રાકેશ ગાલાને ખભા પાસેથી અડકી જગાડવાનો પ્રયાસ કર્યો પણ તેઓ બાજુની સીટ પર ઢળી પડ્યા, કદાચ હવે કવિતાને પણ સમજાઈ ગયું હતું કે તેઓ ઊંઘ્યા ન હતા કે તે તેમને જગાડી શકે તેઓ ખુલ્લી આંખે ઊંઘી ગયા હતા અને કદાચ એ પણ ફરી ક્યારેય ન ઉઠવા માટે!!!

પપ્પા નથી રહ્યા એ વાત સમજતા જ કવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા છતાં તેના હ્રદયમાં એક ઊંડી લાગણી હતી કે મમ્મી… કદાચ મમ્મી પાછળની સીટ પર હતી એને કાઈ નહિ થયું હોય???

તેણીએ કારમાં જરા માથું અંદર સુધી લઇ જઇ પાછળની સીટ પર ડોકિયું કર્યું. તેની મમ્મી પાછળની સીટમાં જાણે આરામથી સુતી હોય તેમ લાગી રહ્યું હતું પણ તેમની મરડાઈ ગયેલ ગરદન અને માથાના ભાગ પર જામીને ઘટ્ટ થઇ ગયેલ લોહી ચાડી ખાઈ રહ્યું હતું કે હવે તેઓ પણ ફરી ક્યારેય નથી ઉઠવાના….!

કવિતા તેની મમ્મીને જોઈ રહી….. તેને ખયાલ જ ન હતો કે આસપાસ શું થઇ રહ્યું છે? તેનો હાથ કારના કાચ તૂટેલા દરવાજા પર બળ પૂર્વક દબાયેલ હતો, કાચ તૂટ્યા બાદ તેનો બાકી રહેલ ભાગ જે હજુ કારના ડોરમાં ચીપકેલ હતો તે તેના હાથમાં ઉતરી રહ્યો હતો અને એની આખી હથેળી લોહીથી ભીની થઇ ગઈ હતી છતાં એને એ બાબતનો ખયાલ જ ન હતો તો પોતાની આસપાસ શું થઇ રહ્યું છે એનો ખયાલ આવવાનો તો પ્રશ્ન જ ન હતો. કદાચ એણીએ જોયું હોત કે તેની આસપાસ શું થઇ રહ્યું છે તો તે ત્યાં સમય વ્યસ્ત ન કરત.

રીશીકુમાર કવિતાને જોઈ રહ્યા હતા અને એ સમયે કારમાંથી બહાર નીકળેલ કાળા રંગના સૂટમાં સજ્જ વ્યક્તિ તેમની તરફ આગળ વધી રહ્યો હતો પણ રીશીકુમાંરની નજર ત્યાં જ એ દ્રશ્ય પર સ્થિર થયેલ હતી.

“મમ્મી, પ્લીઝ, ઉઠ મમ્મી.” કવિતાએ તેની મમ્મીની હથેળી પોતાના હાથમાં લેતા કહ્યું, “મમ્મી પ્લીઝ તું અને પપ્પા બંને આમ મને એક સાથે છોડીને કઈ રીતે જઈ શકો?”

કવિતા ઇચ્છતી હતી કે તેની મમ્મી જાગે, તેને જવાબ આપે, તે કોઈ હલન ચલન બતાવે, “મમ્મી પ્લીઝ બધા મને એકલી છોડીને ન જાઓ પહેલા સંદીપના મમ્મી પપ્પા, સંદીપ અને હવે….” કવિતા એ પોતાનું વાક્ય અધૂરું છોડ્યું. તેણીએ પોતાનું વાક્ય પૂરું ન કર્યું પણ કેમ???

તેના ધ્યાનમાં કઈક આવ્યું જેથી એ સમજી ગઈ કે તેના વાક્યનો કોઈ અર્થ ન હતો, તેનું ધ્યાન તેની મમ્મીની હથેળી ના તાપમાન પર ગયું. હથેળી એકદમ ઠંડી પડી ગઈ હતી! તેનું તાપમાન એકદમ નીચું જતું રહ્યું હતું અને ભૌતિક વિજ્ઞાનની વિધાર્થીની હોવાને લીધે એને એ સમજતા વાર ન લાગી કે એ તાપમાન કહી રહ્યું હતું કે તેની મમ્મી હવે જીવિત ન હતી. કવિતાના પુરા શરીરમાંથી જાણે એ ઠડી હથેળીમાં રહેલ ઠંડક વ્યાપી ગઈ હોય તેમ તેનું શરીર ધ્રુજવા લાગ્યું.

કોઈ નાનકડી અથડામણના અવાજે રીશીકુમાંરનું ધ્યાન તેઓ જે જોઈ રહ્યા હતા તે તરફથી દુર કર્યું. તેમણે કવિતા તરફ જોવાને બદલે જે તરફથી અવાજ આવ્યો હતો તે તરફ જોયું. અવાજ તેમની એકદમ નજીકથી જ આવ્યો હોય તેમ લાગતું હતું.

રીશીકુમારે તુષાર અને પેલા કાળા સુટ ધારી વ્યક્તિને એકસાથે જમીન પર પડતા જોયા. તેમને એ સમજતા વાર ન લાગી કે જયારે તેમનું ધ્યાન કવિતા તરફ હતું એ સમયે એ વ્યક્તિ તેમની એકદમ નજીક આવી ગયો હશે. તેઓ બેધ્યાન હતા પણ તુષારને એ સમજતા વાર નહી લાગી હોય કે કદાચ એ વ્યક્તિએ પપ્પાના ગનવાળા હાથ પર ઓચિંતાનો હુમલો કરી નાખ્યો તો આખી બાજી તેના હાથમાં જતી રહેશે.

તુષાર અને કાળા સુટવાળો વ્યક્તિ બંને ઉભા થઇ ગયા હતા પણ કદાચ તુષાર તેના કરતા પહેલો ઉભો થઇ ગયો હતો. એને એના જુવાન શરીરનો લાભ મળી રહ્યો હતો જયારે હુમલાખોરને તેના વધુ પડતા વજનને લીધે કદાચ ઉભા થવામાં વાર થઇ હતી. તુષાર એ અવસરને જવાદે તેવો કાચો ન હતો, તેણે ઉભા થવાની તૈયારીમાં રહેલ એ આગંતુક તરફ દોટ લગાવી અને એ સંપૂર્ણ ઉભો થઇ શકે તે પહેલા ફરી વાર બંને એકબીજા સાથે અથડાયા, પણ આ વખતે આગન્તુક માટે આ અથડામણ અંદાજ બહારની હતી અને હજુ તેણે પુરતું સંતુલન પણ ન હતું મેળવેલ તેથી એ લગભગ ખાસ્સો એવો દુર ફેકાઈ ગયો.

“ઉભો થવાનો પ્રયાસ ન કરીશ, નહિતર તારા ગંદા દિમાગમાં કાણું પાડતા મને ખાસ વાર નહિ લાગે.” ભાંખોડિયાભેર ઉભા થવાનો પ્રયાસ કરતા એ વ્યક્તિ તરફ જોઈ રીશી કુમારે ત્રાડ પાડી.

પેલો વ્યક્તિ પણ સમજી ગયો હતો કે ફરી બાજી રીશીકુમાંરના હાથમાં આવી ગઈ હતી માટે તેની પાસે એમની વાત માનવા સિવાય કોઈ છૂટકો ન હતો. તે જમીન પર એમ જ બેસી રહ્યો.

“તુષાર, જા કવિતાને લઇ આવ.” રીશીકુમારે આ વખતે પોતાની નજર દુશ્મન પરથી હટાવ્યા વિના જ કહ્યું.

તુષાર રોડની પેલી તરફ જવા લાગ્યો, દોડવા લાગ્યો…..

“કોણ છે તું? અને કોના કહેવાથી તે અમારા પર હુમલો કર્યો? આ બધું કોણ કરી રહ્યું છે?” રીશીકુમારે તે વ્યક્તિ તરફ કરડી આંખ કરી એક સાથે બધા સવાલો કર્યા.

“આ બહુ મોટી રમત છે રીશીકુમાર એ તમને ક્યારેય નહિ સમજાય. એના પાછળ કોણ છે એ જાણતા પહેલા તમારે મરવું પડશે.” પેલાએ ખંધુ હસીને જવાબ આપ્યો.

“હમણાં તો મારા હાથમાં ગન છે માટે કદાચ મરવાનો વારો મારો નહિ પણ તારો છે અને જો તે તારું મોઢું ન ખોલ્યું તો તારે મરવું પડશે એમાં કોઈ બે મત નથી.” રીશીકુમારે પણ એને એજ ઠંડા કલેજે જવાબ આપ્યો. તેઓ જાણતા હતા કે હવે ઉકળવાનો કોઈ અર્થ ન હતો, તે વ્યક્તિને ડરાવીને તેની પાસેથી કદાચ કોઈ માહિતી મળી જાય તેમ લાગતું હતું.

“મને ખબર છે મારા મરવાનો સમય આવી ગયો છે પણ એનાથી ડરીને હું સ્વામી સાથે દગો નહિ કરું.” કાળા સુટ ધારી વ્યક્તિએ કહ્યું અને બીજી જ પળે તેણે પોતાના બંને હાથથી પોતાની ગરદનને જાટકો આપી તોડી નાખી.

રીશીકુમાર એક પળ માટે સ્તબ્ધ બની ગયા! થોડીક વાર બાદ હોશ આવ્યો હોય તેમ તેની નજીક જઈ તેની ગરદન પર હાથ મૂકી નાડ તપાસી, તે વ્યક્તિ દુનિયા છોડી ચુક્યો હતો.

“શું થયું પપ્પા?” ત્યાં સુધીમાં તુષાર પણ કવિતાને લઈને પાછો આવી ગયો હતો, જોકે કવિતા તેની મમ્મી પપ્પાની હાલત જોયા બાદ બેહોશ થઇ ગઈ હતી માટે તે હજુ તેના હાથમાં હતી. તે તેને પોતાના બંને હાથ પર ઉઠાવીને લાવ્યો હતો. કદાચ એ ઢાળ તે આટલા વજન સાથે ચડ્યો એટલે જ તે જરાક હાંફી પણ રહ્યો હતો.

“કાઈ નહિ એણે કોઈ જવાબ આપવાને બદલે મરવાનું પસંદ કર્યું?” રીશીકુમારે પેલાની ડેડ બોડી ઉપર દાંત ભીંસીને લાત ઠોકી.

“તમે એને મારી નાખ્યો?” તુષારે સ્તબ્ધ બની કહ્યું.

“ના, એણે જાતે જ એ નિર્ણય લીધો હતો. એ જવાદે કવિતાને શું થયું?”

“એ બેહોશ થઇ ગઈ છે એના મમ્મી પપ્પા નથી રહ્યા.” તુષારે ઉદાસ સ્વરે કહ્યું.

“જાણું છું, મેં અક્સમાત થતા જોયો ત્યારે જ હું સમજી ગયો હતો કે તેઓ નહિ બચ્યા હોય.” રીશીકુમારે કાર તરફ જતા કહ્યું.

“ક્યા જઇ રહ્યા છો પપ્પા? કવિતાના મમ્મી પપ્પા?” તુષારે કહ્યું.

“એમને હવે કોઈ કઈ નુકશાન કરી શકે તેમ નથી.”

“પણ આપણે એમને આ હાલતમાં કઈ રીતે છોડીને જઈ શકીએ? કવિતા ભાનમાં આવશે ત્યારે તેને શું જવાબ આપીશું?” તુષારે વિરોધ દર્શાવતા કહ્યું.

“એના ભાનમાં આવવા અને સવાલ પુછવા માટે એનું જીવતા રહેવું જરૂરી છે.” રીશીકુમારે કહ્યું.

“મતલબ?”

“મતલબ એ જ કે આ લોકો જેવા અનેક છે, તેઓ હવે કવિતાનો પીછો ક્યારેય નહિ છોડે.”

“તો આપણે શું કરવું જોઈએ?” તુષારના અવાજમાં ગભરાહટ હતી.

“તેને કોઈ સુરક્ષિત સ્થળે લઇ જવી જોઈએ?”

“અને એવું સ્થળ કયુ છે?’’

“બધી વાત બહાર કરવી જરૂરી છે? કારમાં બેસ હું તને બધું સમજાવીશ.” રીશીકુમારે કહ્યું અને કાર તરફ જવા લાગ્યા. તુષારને પણ એમની વાત યોગ્ય લાગી હોય તેમ તે પણ તેમની પાછળ ગયો, કવિતાને કારની પાછળની સીટ પર સુવડાવી અને પોતે રીશીકુમારની બાજુમાં ગોઠવાયો. ફરી એકવાર અમેઝ હાઈવે પર પુરપાટ ઝડપે દોડવા લાગી જાણે એને ક્યાંક પહોચવાની બહુ ઉતાવળ હોય.

એકાદ પળમાં કાર ઘટના સ્થળ પરથી અદશ્ય થઇ ગઈ, ક્રશ થયેલ ફીયાટમાં રાકેશ ગાલા અને સંગીતાબેન ખુલ્લી આંખે સુતા હતા. કદાચ તેઓ એ જોઇને સંતોષ પામ્યા હતા કે કમસેકમ કવિતા તો સલામત હતી! તેમના ગયા બાદ પણ કોઈ એવું હતું જે તેનો ખયાલ રાખે તેમ હતું. કદાચ તેમને ભરોષો હતો કે તુષાર કવિતાને સાચવશે, તેને સલામત રાખશે અને તેની કાળજી લેશે…..!!!!!

લેખક : મહેન્દ્ર ત્રિવેદી અને વિકી ત્રિવેદી…..

ક્રમશ: વધુ આવતી કાલે…..

Comment here