safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -12)

હપ્તો -1     હપ્તો -2     હપ્તો -3     હપ્તો -4     હપ્તો -5     હપ્તો -6     હપ્તો -7     હપ્તો -8     હપ્તો -9     હપ્તો -10     હપ્તો -11

 

રાકેશ ગાલા, સંગીતાબેન અને ડીટેક્ટીવ શર્મા કવિતા, રીશીકુમાર અને તુષારની પહેલા ઘરના ફોયરમાં પ્રવેશી ચુક્યા હતા.

એ પછી કવિતા, રિશી કુમાર અને તુષાર અંદર દાખલ થયા. ફોયરમાં પ્રવેશતા જ કવિતાની નજર દીવાલ પર લાગેલ સંદીપના ફેમીલી ફોટો પર પડી જેમાં સંદીપે વાદળી રંગની અડધી બાયની ટી-શર્ટ પહેરેલ હતી. તેના પાપા તેની બાજુમાં કાળા સૂટમાં ઉભેલ હતા જ્યારે જમણી તરફ મીના બેન પિંક સાડીમાં હતા.

કવિતાને યાદ હતું કે એ ફેમીલી ફોટો સંદીપના એક જનમ દિવસ પર ખેચવામાં આવ્યો હતો. સંદીપ માટે મીનાબેન સાથે ટી- શર્ટ ખરીદવા એ પોતે  જીદ કરીને ગઈ હતી અને પોતાની પસંદગીના વાદળી રંગનું ટી-શર્ટ ખરીદાવ્યું હતું.

કવિતા સોફામાં બેસી ગઈ, તેને એમ લાગી રહ્યું હતું જાણે કે તેના પગમાં ઉભા રહેવાની શક્તિ હતી જ નહિ! તે વિચારી રહી હતી કે તે ત્રણેય વ્યક્તિઓ હવે માત્ર ફોટામાં જ રહ્યા હતા. તેની નજર સામે એક આખો પરિવાર ખતમ થઇ ગયો હતો અને એ એમના માટે કશુ જ કરી શકી ન હતી!

તુષાર જાણે કવિતાના મનની વ્યથા સમજી ગયો હોય તેમ તેની બાજુમાં બેસી ગયો.

“તો હવે આપણે પોલીસ સ્ટેશન જવું જોઈએ, ફોર્માંલીટીઝ પૂરી થઇ જાય એટલે હું તમને ડેડબોડીનો હવાલો આપી દઉં જેથી તેની અંતિમ વિધિ યોગ્ય રીતે થઇ શકે.” ડીટેકટીવ શર્માએ કહ્યું.

“હા, હું તમારી સાથે આવું છું અને પરિવારના લોકોને અહી જ રહેવા દઈએ.” રાકેશ ગાલાએ કહ્યું.

“હા, એમ જ યોગ્ય રહેશે.” શર્માએ કહ્યું.

“હું પણ તમારી સાથે આવીશ, પાછા ફરતી વખતે તમે એકલા હશો મને નથી લાગતું કોઈ વ્યક્તિએ આવા સમયે એકલા હોવું જોઈએ.” રીશીકુમારે રાકેશ ગાલા તરફ જોઈ કહ્યું.

“ભલે જેમ તમને યોગ્ય લાગે મિસ્ટર રીશીકુમાર.” તેમને જવાબ આપ્યો અને ત્રણેય ગાલા, રીશીકુમાર અને શર્મા ફોયર છોડી બહાર નીકળી ગયા.

તેમના જવાની રાહ જોઈ રહી હોય તેમ તેમની કાર સ્ટાર્ટ થવાનો અવાજ સાંભળતા જ કવિતાએ પોતાના હ્રદયની વ્યથાને પોતાની આંખોમાંથી બહાર આવવાની પરવાનગી આપી દીધી! આમે કદાચ આંસુઓને ટાઈમિંગની જાણકારી હોય છે! કહે છે ને કે ટીયર્સ નો ટાઈમિંગ. એ મુજબ તે રડવા લાગી.

“કવિતા, યુ શૂડ બી સ્ટ્રોંગ, ઇફ યુ વિલ લુઝ હાર્ટ હાઉ વિલ યોર મોમ વિથ સ્ટેન્ડ ઓલ ધીસ?” તુષારે તેને આશ્વાશન આપવાનો પ્રયાસ કરતા કહ્યું.

“હા, બેટા હવે મજબુત બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી.” સંગીતાબેને પણ કાળજું કઠn કરી કવિતાને કોન્સોલેશન આપ્યું.

“છે, આપણી પાસે બીજો રસ્તો છે.” સંગીતાબેનના શબ્દો તેને શુથ કરવામાં સફળ રહ્યા હોય તેમ કવિતાએ પોતાના આંસુઓ લુછી નાખ્યા, “ચલ તુષાર હું તને સંદીપનો રૂમ બતાવું, આપણને ત્યાંથી કઈક ને કઈક મળી રહશે.”

“હા.” તુષારે ટૂંકો જવાબ આપ્યો.

સંગીતાબેનને કઈ સમજાઈ ન હતું રહ્યું પણ તેઓ બસ એટલું જાણતા હતા કે કવિતા જે પણ કઈ કરી રહી હશે તે યોગ્ય જ હશે કેમકે તે વિચાર્યા વગર ક્યારેય કોઈ કામ ન હતી કરતી. આમેય તેમને જરાક શાંતિ હતી કે કદાચ સંદીપના જતા પહેલા જ ભગવાને કોઈને મુક્યું હતું જે સંદીપની ખોટ પૂરી કરી શકે અને કદાચ તે તુષાર હતો એમ સંગીતાબેનને લાગ્યું જયારે તેમણે કવિતા અને તુષારને એક સાથે સીડીઓ ચડીને ઉપર જતા જોયા.

કવિતાએ ઉપરના ફ્લોર પર ડાબી તરફના પહેલા રૂમનો દરવાજો ખોલ્યો અને રૂમમાં દાખલ થઇ. તુષાર પણ તેની પાછળ રૂમમાં દાખલ થયો. એ એક ભવ્ય રૂમ હતો અને લગભગ આખો રૂમ રોઝવુડના લાકડામાંથી બનેલ રાચરચીલાથી સુશોભિત કરેલ હતો. રૂમ જોતા જ એક નજરે ખયાલ આવી જાય તેમ હતો કે વર્ષોથી એ રૂમ બંધ જ હશે.

કવિતાએ ત્યાં રહેલ લાકડાની અલમારી પરથી સફેદ પડદો હટાવ્યો અને તેમાં રહેલી ચીજોને ફંફોસવા માંડી. કદાચ કોઈ સુરાગ મળી જાય??? તેને હજુ એજ ન હતું સમજાઈ રહ્યું કે સંદીપ અહી કઈ રીતે આવ્યો હશે?? સંદીપની યાદશક્તિ તો જતી રહી હતી એને પોતાના વતનનું ઘર કઈ રીતે યાદ હોઈ શકે??

અલમારીમાંથી કેટલાક પુસ્તકો અને અન્ય ચીજો તથા સંદીપના જુના કપડા સિવાય તેને કાંઈજ હાથ ન લાગ્યું પણ જાણે તેણીએ હિમ્મત ન હારવાનું નક્કી કરી લીધું હોય તેમ તે ખૂણામાં રહેલ લાકડાના ટેબલના એક એક ડ્રોઅરને ચેક કરવા લાગી.

“મને લાગે ત્યાં સુધી આપણે તેનો બેડ ચેક કરવો જોઈએ?” તુષારે લાકડાની ખુરશીમાંથી ઉભા થતા કહ્યું.

“કેમ?”

“કેમકે કોઈ પણ વ્યક્તિ પોતાની અગત્યની ચીજો પોતાના બેડમાં છુપાવે છે હું પણ મમ્મીના ફોટા મારા બેડમાં છુપાવીને રાખું છું જેથી તે પપ્પાની નજરમાં ન આવે અને તેઓ એ ફોટા દેખીને દુખી ન થાય. મારે એ ફોટા જયારે જોવા હોય ત્યારે હું એ જોઈ શકું. બેડમાં તેઓ સલામત રહે છે મારી ગેરહાજરીમાં પણ અને મને લાગે દરેક છોકરો એ જ કરતો હશે. પોતાના માટે અગત્યની ચીજ હોય અને અન્યથી છુપાવીને રાખવા માંગતો વ્યક્તિ તે ચીજ પોતાના બેડમાં જ રાખે.” તુષારે કહ્યું.

તુષાર અને કવિતાએ ભેગા મળી બેડ પરથી મેટ્રેસ હટાવી, લગભગ મેટ્રેસ છ એક ઇંચ કરતા વધુ જાડાઈની હોવાથી તે ભારે હતી, કદાચ કવિતા માટે એકલા હાથે તે મેટ્રેસ ઉઠાવવી મુશ્કેલ હતી.

મેટ્રેસ બાજુ પર મૂકી તુષાર અને કવિતા અંદરની ચીજોને ફેદવા લાગ્યા. એક બાદ એક કવિતાના હાથમાં એ ચીજો આવતી ગઈ જે તેને ભૂતકાળમાં ખેચી રહી હતી અને તેની આંખોમાં પાણી લાવી રહી હતી. સંદીપનું ફેવરીટ જેકેટ, તેં દસેક વરસનો હતો ત્યારે તેણે લાવેલ રંગીન કાચના ચશ્માં, તેના મમ્મી પપ્પાના અને તેના કેટલાક ફોટા, એક નાનકડી ડાયરી જેમાં તે શાળાનું હોમવર્ક લખતો હતો, અને એવી કેટલીયે ચીજો જે સંદીપ અને કવિતાના ભૂતકાળને એકબીજા સાથે જોડતી હતી, એવી કેટલીયે ચીજો જે કવિતાને સંદીપ અને પોતે સાથે જીવેલા દિવસોની યાદ અપાવી રહી હતી! જીવનનું સૌથી કપરું કામ એજ હોય છે મૃત્યુ પામેલ વ્યક્તિની વસ્તુઓ તપાસવી કે પછી એને ફેંકી દેવી એ કામ તો જેણે કર્યું હોય એને જ ખબર હોય કે આખોય ભૂતકાળ કેવો છાતીએ આવીને ભરાઈ જાય છે??? ડૂમો ભરાઈને ડુસકા નીકળી પડે છે!!!!!

“પેલા સ્કેચ શેના છે.” બેડના તળિયે રહેલ કેટલાક સ્કેચ પેપર પર નજર પડતા તુષારે કહ્યું.

“ખબર નથી, સંદીપ ક્યારેય સ્કેચ બનાવતો હોય તેવું તો મને યાદ નથી.” કવિતાએ કહ્યું અને હાથ લંબાવી એ સ્કેચને બેડમાંથી બહાર નીકાળ્યા.

તુષાર એક બાદ એક એ સ્કેચમાં બનાવેલ ડ્રોઈંગને જોવા લાગ્યો એ દરેક સ્કેચ પર અલગ અલગ તારીખ દર્શાવેલ હતી. તુષારે એ સ્કેચને તારીખ મુજબ ગોઠવ્યા.

કવિતા હજુ સત્બધ બની એ ડ્રોઈંગને જોઈ રહી હતી! તેને સમજાઈ ન હતું રહ્યું કે સંદીપે એ બધા સ્કેચ કેમ બનાવ્યા હશે અને એને એ ડ્રોઈંગ બનાવતા કઈ રીતે આવડ્યું હશે? એ ક્યાં કોઈ ચિત્રકાર હતો?

તુષારે તારીખ મુજબ સ્કેચને ગોઠવ્યા બાદ તે એક એક કરીને સ્કેચને નિહાળવા લાગ્યો. એણે પ્રથમ સ્કેચ જમીન પર ગોઠવ્યું જેમાં એક રૂમના અંદરના ભાગનું ચિત્ર હતું અને એ રૂમમાં બે વ્યક્તિઓના શબ પડેલ હતા પણ એ સ્થળ કયું છે કે એ શબ કોણ છે એ જરાય અંદાજ આવી શકે તેમ ન હતું. બધું જ ઝાંખું હતું. ચિત્રની કોઈ જ માહિતી સંપૂર્ણ ન હતી.

તેણે ત્યાર બાદની તારીખ દર્શાવતું બીજું સ્કેચ જમીન પર મુક્યું અને ધ્યાન પૂર્વક જોવા લાગ્યો. તેમાં ચિત્ર જરાક ચોખ્ખું દેખાઈ રહ્યું હતું એ રૂમ નહિ પણ કોઈ ઘરનો મુખ્ય ખંડ હોય તેમ લાગી રહ્યું હતું કારણ કે તે જગ્યા કોઈ સામાન્ય રૂમ કરતા વધુ મોટી દેખાઈ રહી હતી અને તેની લંબાઈ પહોળાઈ જોતા પણ ખયાલ આવી જાય તેમ હતો કે તે કોઈ મોટા ઘરનો મુખ્ય ખંડ હતો પણ બાકીની વિગતો એવી જ બલર હતી. કોઈ જ વિગત ક્લીયર ન હતી જેથી કોઈ અંદાજ મેળવી શકાય.

તુષારે ત્રીજું ચિત્ર જમીન પર ગોઠવ્યું અને તેને ધ્યાન પૂર્વક નિહાળવા લાગ્યો. ત્રીજા ચિત્રમાં કેટલીક વધુ વિગતો સ્પષ્ટ થયેલ હતી તેમાં જે બે લાશો દેખાઈ રહી હતી તેનો વધુ ક્લીયર વ્યુ મળી રહ્યો હતો. તેઓ કોણ છે એટલું ક્લીયર તો નહિ જ પણ કમસેકમ એટલો તો અંદાજ આવી જ શકતો હતો કે તેમાંથી એક લાશ કોઈ સ્ત્રીની હતી અને બીજી કોઈ પુરુષની. એના સિવાય કોઈ વિગત મળી શકી ન હતી…..

“તું શું કરી રહ્યો છે? આપણે અહી કોઈ સુરાગ મેળવવા માટે છીએ, તુષાર તું આ ચિત્રોને જોવામાં સમય કેમ બરબાદ કરી રહ્યો છે.”

“સમય બરબાદ?” તુષારે નવાઈથી કહ્યું.

“હા, સમય બરબાદ કેમકે સંદીપને શાળામાં ચિત્ર બુકમાં પણ સારા ચિત્ર દોરતા ન હતું આવડતું એ મોટા ભાગે મારી પાસે જ એની ચિત્રની બૂક પૂરી કરાવતો હતો તો આ બધા ચિત્રો એણે કઈ રીતે દોરેલા હોઈ શકે? અને જો એ ચિત્રો એણે દોરેલા ન હોય તો એ જોવાનો કોઈ અર્થ નથી…..”

“પણ મને લાગે ત્યાં સુધી એણે જ આ ચિત્રો દોરેલા છે.” તુષારે કહ્યું.

“તને કેમ એવું લાગી રહ્યું છે?”

“કેમકે મને એવી લાગણી થઇ રહી છે અને મને મારા સિક્ષથ સેન્સ પર પૂરો વિશ્વાસ છે. જો તું એ જાણે છે કે એને ચિત્રો દોરતા ન હતું આવડતુ, તે કહ્યું તે મુજબ એ બધા ચિત્રો તારી પાસે જ દોરાવતો હતો એનો અર્થ એ કે તમે બંને ભેગા મળીને તમારું શાળાનું ગૃહકાર્ય પણ કરતા હશો?” તુષારે કહ્યું.

“હા, ચોક્કસ. અમે ઘણીવાર ભેગા મળીને ગૃહકાર્ય કરતા હું ભણવામાં હોશિયાર ન હતી એટલે સંદીપ જ મોટે ભાગે મને ગૃહકાર્યમાં મદદ કરતો.”

“તો તું એની હેન્ડ રાઈટીંગ તો ઓળખતી જ હોઈશ ને?”

“હા…..”

“તો સ્કેચ પર લખેલ તારીખના અક્ષરો જોઇને તું અંદાજ લગાવી શકે ને કે એ સંદીપે લખેલ છે કે નહિ?”

“હા.” કહી કવિતા એ સ્કેચ પરની તારીખના અક્ષરો તપાસવા લાગી, તેને થયું કે તે પોતે કેટલી મુર્ખ છે જ્યાં સુધી તુષારે અક્ષરોની વાત ન કહી ત્યાં સુધી એને પોતાને એ યાદ કેમ ન આવ્યું?

“શું એ અક્ષરો સંદીપના છે?” કવિતાને વિચારોમાં ડૂબી ગયેલ જોઇને તુષારે કહ્યું.

“હા, એ અક્ષરો સંદીપના જ છે તેના એક અને છ નંબર લખવાની સ્ટાઈલ મને હજુ યાદ છે. આ અક્ષરો તેના જ છે.” કવિતાએ કહ્યું, “પણ મને સમજાઈ નથી રહ્યું કે તે આવા સ્કેચ કઈ રીતે બનાવી શકે? અને તેને એ સ્કેચ કેમ બનાવ્યા?”

“એ પણ સમજાઈ જશે બસ આપણે એ સ્કેચને ઝીણવટ પૂર્વક તપાસવા પડશે. કદાચ એવું પણ બની શકે કે એને એ સ્કેચમાં કોઈ સંકેત છોડ્યો હોય અને તે લેવા માટે તે અહી આવ્યો હોય અને તે કોઈ સબુત મેળવી શકે તે પહેલા જ તેની હત્યા થઇ ગઈ હોય.”

“હા, પણ તેની યાદદાસ્ત તેના મમ્મી પપ્પાના મૃત્યુ બાદ જતી રહી હતી એને યાદ જ ન‘તું કે તે પોતે કોણ છે તો એને કઈ રીતે યાદ હોય કે વરસો પહેલા કોઈ સ્થળે કોઈ સબુત છોડેલ છે.??”

“કેમકે તે કહ્યું હતું કે તે ઘટના બાદ તે તમને આ ઘરના ભોયારામાંથી મળ્યો હતો અને એની યાદદાસ્ત ચાલી ગયેલ હતી, તે તમારી સાથે રહ્યો ત્યાં સુધી તેને કાંઈજ યાદ ન હોય પણ એકાએક વર્ષો બાદ તે બેભાન થઇ જાય છે તમે તેને દવાખાને લઇ જાઓ. તે હોસ્પિટલથી એકાએક ગાયબ થઇ જાય છે મતલબ કે કદાચ હોસ્પીટલમાં ભાનમાં આવ્યા બાદ તેને એકાએક બધું યાદ આવી ગયું હોય? તેને યાદ આવી ગયું હોય કે તેના મમ્મી પપ્પાની હત્યા થઇ હતી, તેને યાદ આવી ગયું હોય કે તેની પાસે તેની મમ્મી પપ્પાની હત્યાનું કોઈ સબુત અકબંધ રાખેલ છે અને એ લેવા માટે તે હોસ્પીટલથી ભાગીને સીધો જ અહી આવી ગયો હોય.” તુષારે કહ્યું.

“હા પણ તેને બધું યાદ આવી ગયું હોય તો પણ તે એમ ભાગી કેમ જાય તેને અમે તો યાદ હોઈએ ને તે અમને જણાવીને કે અમને સાથે લઈને પણ અહી આવી શકતો હતો ને?” કવિતા મૂંઝાઈ ગઈ હતી…..

“એવું પણ બની શકે કે જેમ તેને પ્રથમ દુર્ઘટના વખતે પોતાની બાળપણની યાદો ગુમાવી હતી તેમ બીજા અક્ષમત વખતે તેણે બાળપણની યાદો પાછી મેળવી લીધી હોય અને યુવાનીની, તમારી સાથે વિતાવેલ સમયની યાદો ખોઈ નાખી હોય. કદાચ એમ પણ બની શકે તે કે એ હોસ્પીટલમાં જાગ્યો હોય ત્યારે એને યાદ જ ન હોય કે તેને કોણ ત્યાં લાવ્યું હતું??”

“હા, એ પણ બની શકે? પણ તે અહી આવ્યો છે એની યાદદાસ્ત પાછી આવી ગઈ છે એની ખબર કાતીલોને કઈ રીતે પડે? એ પણ એટલા ટૂંકા સમયગાળામાં એની યાદદાસ્ત પાછી આવી એ જ દિવસે એ અહી આવ્યો હોય અને એજ દિવસે કાતીલોને ખબર પડી જાય તેવું કઈ રીતે શક્ય છે?”

“એનો જવાબ મારી પાસે નથી પણ કદાચ એવું બની શકે કે તેઓ તમારો પીછો કરતા હોય અને સંદીપની યાદદાસ્ત પાછી આવવાની રાહ જોઈ રહ્યા હોય?”

“પણ કેમ કોઈ એને મારી નાખવા માંગતું હોય તો એની યાદદાસ્ત પાછી આવવાની રાહ કેમ જુવે?”

“એ ચોક્કસ તો નથી સમજાઈ રહ્યું પણ કદાચ એવું બની શકે કે સંદીપના મમ્મી પપ્પાની હત્યા કર્યા બાદ પણ કાતીલોને એ ચીજ ન મળી હોય જેની શોધમાં તેઓ હોય અને એટલે એ ચીજ એટલે કે ત્રીજા પ્રકરણ વિશેની માહિતી સંદીપને હશે અને જયારે એની યાદદાસ્ત પાછી આવે ત્યારે તેની પાસેથી એ માહિતી મેળવી લેવા માટે તેની યાદદાસ્ત પાછી આવવાની તેઓ રાહ જોઈ રહ્યા હોય??” તુષારે કહ્યું.

“મતલબ કે અમે એવું માની રહ્યા હતા કે અમે સંદીપને એ શહેરથી દુર લઇ આવ્યા છીએ માટે તે સુરક્ષિત છે પણ તેના મમ્મી પપ્પાના ખૂનીઓ હમેશા અમારી પાછળ હતા!!!! તેનું જીવન હમેશા જોખમમાં હતું અને અમને એનો અંદાજ પણ ન આવ્યો.” કવિતાએ ઉદાસ થઇ કહ્યું ફરી તેની આંખો સજળ બની ગઈ. તેણીએ મહામહેનતે પોતાની જાતને રડતા રોકી રાખી.

“શું થયું હશે એનો માત્ર આપણે અંદાજ જ લગાવી શકીએ છીએ. ખરેખર શું થયું હશે એ કહેવું મુશ્કેલ છે પણ એ જાણવા માટે આપણે એ ચિત્રોનો અભ્યાસ કરવો જોઈએ, મને લાગે છે કે તેમાંથી આપણને જરૂર કોઈને કોઈ માહિતી મળી રહેશે. મને પપ્પાના શબ્દો પર વિશ્વાસ છે કે કોઈ પણ ગુનેગાર તેના કામમાં ગુડ હોઈ શકે પણ તે ગોડ ન હોઈ શકે તે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ભૂલ તો કરે જ છે.” તુષારે કહ્યું અને એ ઉભો થઇ ગયો. એની આંખોમાં જોશ સ્પસ્ટ દેખાતો હતો.

“હા, ભગવાન કરે ગુનેગારે કોઈ ભૂલ કરી હોય અથવા તો સંદીપે આપણા માટે કોઈ નાનકડો પણ સંકેત છોડ્યો હોય જેથી આપણે એ ગુનેગારો સુધી પહોચી શકીએ.” કવિતાએ પોતાના જમણા હાથની હથેળીના પાછલના છેડા વડે પોતાની આંખો લૂછતાં કહ્યું.

“હું પણ એ જ ઈચ્છું છું.” તુષારે કહ્યું અને બંને ફરી આગળના ચિત્રોનો અભ્યાસ કરવા લાગ્યા.

તુષારે ત્યારબાદની તારીખ દર્શાવતા સ્કેચને જમીન પર પાથર્યું. તેને ધ્યાનથી જોયાબાદ તેને સમજાવા લાગ્યું હતું કે તે ચિત્રમાં કોઈ અન્ય સ્થળ ન હતું પણ સંદીપના પોતાના ઘરનો મુખ્ય ખંડ હતો અને જેમ જેમ તેઓ એક બાદ એક ચિત્રોને તપાસતા ગયા તેમને ચિત્રમાં વધુને વધુ વિગતો સ્પસ્ટ થતી ગઈ.

લગભગ વીશેક ચિત્રો બાદના સ્કેચને જમીન પર પાથર્યા બાદ તુષાર તેને જોઈ રહ્યો હતો ત્યારે કવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કેમકે એ સ્કેચમાં રહેલ બંને લાશોના ચહેરા ચોખ્ખા દેખાઈ રહ્યા હતા, તે એ ચહેરાને ઓળખતી હતી તે ચિત્રમાં મીનાબેન અને સુરેશભાઈ ફોયરમાં જડ બનીને સુતેલા હતા….!!!!!

“શું થયું?” તુષારે તેની તરફ જોતા કહ્યું.

“આ સંદીપના મમ્મી પપ્પા છે, સંદીપે તેના મમ્મી પપ્પાની હત્યા થઇ એ પહેલા જ તેના સ્કેચ બનાવી દીધા હતા.” કવિતાએ રડતા રડતા કહ્યું.

“મતલબ કે આ બધા ચિત્રો સાબિત કરે છે કે પ્રથમ અક્ષમાત પહેલા સંદીપ પાસે પ્રી-કોગ્નીઝેશન પાવર હતી.” તુષારના રુવાડા ઉભા થઇ ગયા…..

“પ્રી-કોગ્નીઝેશન પાવર?” કવિતાના ચહેરા ઉપર પણ ગજબ નવાઈના ભાવ આવી ગયા.

“હા, પ્રી-કોગ્નીઝેશન પાવર એ એક એવી શક્તિ છે જેની મદદથી વ્યક્તિ પોતાની સાથે કે કોઈ અન્યની સાથે ભવિષ્યમાં થનાર ઘટનાઓને પહેલેથી જ જાણી કે જોઈ શકે છે. કદાચ સંદીપે પણ એ શક્તિની મદદથી આ બધા સ્કેચ બનાવ્યા હશે માટે જ તેને સ્કેચ બનાવતા ન આવડતું હોવા છતાં, ચિત્ર દોરતા શીખેલ ન હોવા છતાં તે આ બધા સ્કેચ બનાવી શક્યો હશે.”

“પણ એણે આટલા બધા ચિત્રો કેમ બનાવ્યા? તે એક ચિત્ર પણ બનાવી શકતો હતો?” કવિતાએ પોતાની શંકા વ્યક્ત કરી.

“જો હું ખોટો ન હોઉં તો સંદીપ પાસે સંપૂર્ણ પ્રી-કોગ્નીઝેશન શક્તિ ન હતી તે માત્ર ભવિષ્યની કેટલીક ઘટનાઓને ટુકડામાં જોઈ શકતો હતો અને એ પણ ચોખ્ખી નહી, કદાચ તેને જેમ જેમ ઘટનાઓનો ભાષ થતો ગયો તેમ તેમ તે ચિત્ર બનાવતો ગયો, કદાચ તેનામાં એ શક્તિ કુદરતી રીતે જ હશે કેમકે એટલી નાની ઉમરમાં એટલી મોટી શક્તિ માટે કોઈને ટ્રેન્ડ કરી શકાતું નથી પણ પોતાની એ કુદરતી રીતે મળેલ શક્તિ પર તેનો સંપૂર્ણ કાબુ નહિ હોય માટે જ તેને એક બાદ એક જેમ જેમ ઘટનાઓ ક્લીયર દેખાતી ગઈ તેમ તેમ તે વધુ વિગતો સાથેના સ્કેચ બનાવતો ગયો અને આખરી સ્કેચમાં એણે જાણી લીધું કે તેના મમ્મી પપ્પા સાથે શું થવાનું છે.” તુષારે બધું સમજાવતા કહ્યું.

“પરંતુ આ ચિત્રોનું શું?” કવિતાની નજર એકદમ બીજા સ્કેચ તરફ ગઈ જેમાના બે ચિત્રો એકદમ જુદા જ હતા.

તુષારે એ બંને ચિત્રોનો અભ્યાસ કરવાનું શરુ કર્યું. તે તે ચિત્રોની જીણવટ પૂર્વક તપાસ કરવા લાગ્યો. તેમાના એક ચિત્ર પર ૨૦૨૪ના વર્ષની તારીખ લખેલ હતી જે એક્જેકટ સંદીપના મૃત્યુનો દિવસ બતાવી રહી હતી જયારે બીજા ચિત્રમાં ૨૦૩૬ના વર્ષની તારીખ હતી અને એ ચિત્રમાં સંદીપ કવિતા સાથે રસ્તાની બાજુ પર ઉભેલ હતો અને તેમની સામે જ પોળ પર એક રેડ કલરની ઈલેન્ટ્રા પાર્ક કરેલ હતી, એ કારના કાચ ડાર્ક હતા માટે તેમાં કોણ હશે તે દેખાઈ ન હતું રહ્યું.

“આ કઈ રીતે શક્ય છે બંને સ્કેચ પરસ્પર વિરોધાભાસી છે એક ચિત્ર ૨૦૨૪ માં સંદીપનું મૃત્યુ બતાવે છે જયારે બીજું ચિત્ર ૨૦૩૬ માં એને મારી સાથે ઉભેલ બતાવે છે. ૨૦૨૪ માં મૃત્યુ પામેલ કોઈ વ્યક્તિ ૨૦૩૬માં જીવિત કઈ રીતે હોઈ શકે?” કવિતાએ નવાઈ પામી કહ્યું.

“મને પણ નવાઈ લાગી રહી છે કે એવું કઈ રીતે બની શકે? કદાચ પપ્પાને કઈક સમજાશે આપણે આ ચિત્રો પપ્પાને બતાવવા જોઈએ?” તુષારે કહ્યું.

“કદાચ એવું ન બની શકે કે તારીખ લખવામાં કોઈ ભૂલ થઇ હોઈ?” કવિતાએ સંભાવના દર્શાવી.

“ના, એ શક્ય નથી, પ્રી- કોગ્નીઝેશન ધરાવનાર વ્યક્તિ ક્યારેય ભૂલ ન કરે કેમકે….”

“તુષાર? તારા ધ્યાનમાં આવ્યું?” કવિતાએ એને વચ્ચે જ અટકાવતા કહ્યું.

“શું?”

“આ બંને સ્કેચ અને સંદીપના મમ્મી પપ્પાની હત્યા થઇ એ સ્કેચીસમાં ફરક છે?”

“શું?”

“તે જ તો મને શીખવ્યું હતું ને કે કાગળ, કાગળ કહીદે છે કે બૂક ખરેખર કેટલી જૂની છે. આ બંને સ્કેચનું કાગળ તો જુના સ્કેચ જેટલું જ જુનું છે પણ તેના પર દોરાયેલ સ્કેચ ઝાંખા નથી થયેલ જયારે સંદીપના મમ્મી પપ્પાની અસેસીનેશન દર્શાવતા સ્કેચ ઝાંખા થઇ ગયેલ છે.” કવિતાએ એકઝાઈટેદ થઇ કહ્યું.

તુષારે એ બંને સ્કેચ અને સંદીપના મમ્મી પપ્પાનું અસેસીનેશન(ખૂન) દર્શાવતા સ્કેચને ધ્યાનથી જોયા અને તેને પણ લાગ્યું કે ખરેખર તે બંને ચિત્રો એકદમ નવા હતા હજુ આજ કાલ જ દોરાયેલ હોય તેટલા નવા, તેમના પરનું શેડિંગ જરાય ઝાંખું ન હતું થયું.

“હા, મેં જે તને શીખવાડ્યું એ જ મારા ધ્યાનમાં ન આવ્યું. આ ચિત્રો જુના નથી.” તુષારે કહ્યું.

“કદાચ એ બંને ચિત્રોની ગુંચ સમજવામાં તારું મન વ્યસ્ત હતું એટલે તારા ધ્યાનમાં ન આવ્યું.”

“હા, પણ હવે મને બધું સમજાઈ રહ્યું છે?”

“શું? શું સમજાઈ રહ્યું છે?”

“એજ કે સંદીપને પહેલા માત્ર તેના મમ્મી પપ્પાની હત્યાની જ જાણ હતી તેને એ જાણ ન હતી કે તેની પોતાની પણ હત્યા થવાની છે પણ જયારે તેની યાદદાસ્ત પાછી આવી ગઈ તેની ભૂતકાળની શક્તિઓ પણ તેનામાં પાછી આવી ગઈ, જોકે તે શક્તિ તો હંમેશાથી એનામાં હતી જ બસ યાદદાસ્ત ચાલી જવાને લીધે એને યાદ ન હતું કે તે પોતે કઈ શક્તિઓનો માલિક છે. તે અહી આવ્યો હશે અને ત્યારબાદ ફરી તેણે એજ ચિત્રો જોયા હશે જેમાં તેને તેના મમ્મી પપ્પાની હત્યા થતી દર્શાવી હતી એ ચિત્રો જોતી વખતે ફરી તેને ભવિષ્યની કોઈ ઘટનાનો ભાસ થયો હશે અને એને એ મુજબ ચિત્ર બનાવ્યું હશે જેમાં એણે પોતાનું મૃત્યુ થતું જોયું હશે પણ એને પુરતી વિગત નહી મળી હોય….. ફરી  કોઈ વિજન જોઈ હશે અને ફરી ચિત્ર બનાવ્યું હશે જેમાં તેને પોતાની જાતને ૨૦૩૬માં જીવિત જોઈ હશે માટે એ બંને ચિત્રોને બેડમાં છુપાવીને મૂકી દીધા હશે જેથી કદાચ જો તે ૨૦૩૬માં જીવિત બચી જાય તો તે ફરી અહી આવે ત્યારે એ ચિત્રો જોઈ શકે.” તુષારે કહ્યું.

“પણ જો એને આ ચિત્રો ગઈ કાલે અહી આવી બનાવ્યા હોય તો એક વાત મને ગૂંચવી રહી છે?”

“કઈ વાત?” તુષારે ફરી ટીપાય પરથી પાણીની બોટલ હાથમાં લેતા કહ્યું.

“એ જ કે એને ૨૦૩૬ના ચિત્રમાં મને એની સાથે દર્શાવી છે એનો અર્થ એ કે તે મને જાણતો હતો, હું તેને યાદ હતી તો તેણે મને મળવાનો પ્રયાસ કેમ ન કર્યો? એ ઘરે કેમ ન આવ્યો? કમસેકમ એ ફોન તો કરી જ શકતો હતોને?” કવિતાએ કહ્યું.

તુષારે બોટલમાં બચેલ પાણી પૂરું કર્યું અને ખાલી બોટલને બેડની બાજુમાં જમીન પર ટેકવતા કહ્યું, “હા, એ તને ફોન કરત, તને મળવા ઘરે પણ આવત પણ તું એને યાદ ન  હતી એ તને જાણતો જ ન હતો.”

“એવું કઈ રીતે શક્ય છે? એણે સ્કેચમાં મને તેની બાજુમાં ઉભેલ બતાવી છે?” કવિતાએ દલીલ કરતા કહ્યું.

“એને જે વિજન જોઈ હતી એ મુજબ સ્કેચ બનાવ્યું હશે તેને વિજનમાં પોતાની સાથે કોઈ યુવતી ને જોઈ હશે અને એ મુજબ સ્કેચમાં તે યુવતી બનાવી હશે એને તારું સ્કેચ બનાવતી વખતે ખબર પણ નહી હોય કે તું કોણ છે અને પોતે કોનું સ્કેચ બનાવી રહ્યો છે.” તુષારે કહ્યું.

“મતલબ, હું વિજનમાં એના માટે એક અજાણી યુવતી હતી?” કવિતાએ ચોકીને કહ્યું.

“સોરી બટ યસ. તેને પોતાના ૨૦૩૬ના સ્કેચમાં એક રેડ કલરની કાર પણ દર્શાવી છે એનો અર્થ એ નથી કે એ કાર કોની છે તે એને ખયાલ હોય બસ તેને પોતાના વિજનમાં જોયેલ ચીજોને પોતાના સ્કેચમાં દર્શાવી જેથી તેને પુરતી વિગતો મળી શકે.” તુષારે કહ્યું.

નીચેના ફોયારમાંથી કોઈના બોલવાના અવાજ સંભળાતા કવિતા અને તુષારને અંદાજ આવી ગયો કે રીશીકુમાર અને રાકેશ ગાલા સંદીપની ડેડબોડી મેળવવા માટેની ફોર્માલીટી પતાવી પાછા આવી ગયા છે માટે તેઓ ચીજો બેડમાં પાછી મૂકી નીચે જવાની તૈયારી કરવા લાગ્યા.

“હવે તારે હિમ્મતથી કામ લેવાનો સમય આવી ગયો છે, કવિતા?” તુષારે મેટ્રેસ ફરીથી બેડ પર ગોઠવતા કહ્યું.

“હા, જાણું છું, હવે મારે કઈ ચીજનો સામનો કરવાનો છે, સંદીપની ડેડબોડી.” કવિતાએ ઉદાસ અવાજે કહ્યું.

“હા, અને એ દરમિયાન તારે માત્ર હિમ્મત જ નથી રાખવાની પણ તારા મમ્મી પપ્પાને હિમ્મત પણ આપવાની છે જેથી તેઓ એ કપરી પરિસ્થિતિનો સામનો કરી શકે.”

“હા, હું એ બધું કરી શકીશ કેમકે તું મારી સાથે છે.” કવિતાએ તેની તરફ જોઈ કહ્યું.

તુષારે કવિતાના ખભા પર હળવેથી હાથ મુક્યો અને એકાદ મિનીટ સુધી એજ રીતે બંન્ને એકબીજાને જોતા ઉભા રહ્યા ને પછી રૂમ બહાર નીકળી દરવાજો બંધ કરી સીડીઓ ઉતારવા લાગ્યા.

લેખક : વિકી ત્રિવેદી “ઉપેક્ષિત”

ક્રમશ: વધુ આવતી કાલે…..

Comment here