safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -10)

હપ્તો 1     હપ્તો 2      હપ્તો ૩    હપ્તો 4    હપ્તો 5     હપ્તો 6    હપ્તો 7      હપ્તો 8      હપ્તો 9

“તારી પાસે વિહિકલ છે?” આર્ટ ગેલેરીમાંથી બહાર નીકળતા જ તુષારે કવિતાને પૂછ્યું કેમકે તે કવિતાને કાઈ કહી નહોતો રહ્યો પણ કવિતાને ફોન પર વાત કરતા સાંભળ્યા બાદ આફતના એધાણ એને પણ મળી ગયા હતા. તે સમજી શકતો હતો કે જો સંદીપ હેમખેમ પાછો આવ્યો હોત કે તેના વિશે કોઈ સારા સમાચાર મળ્યા હોત તો જરૂર કવિતાની મમ્મીએ ફોન કર્યો હોત કેમકે સારા સમાચાર આપવા માનું હ્રદય ઉતાવળું થઇ જાય છે પણ કદાચ ત્યાં હાલત કઈક એમ હશે કે મા શોક મનાવવામાં વ્યસ્ત હશે અને એટલે જ તેના પપ્પાએ ફોન કર્યો હશે! તે જાણતો હતો કે કવિતાને કોઈ એવા વ્યક્તિની જરૂર છે જે એને દુઃખમાં સાત્વના આપી શકે તે માટે જ તે કવિતા સાથે તેના ઘરે જઈ રહ્યો હતો.

“ના, હું ઓટોમાં આવી હતી.” કવિતાએ મંદ અવાજે કહ્યું.

“હું પણ ઓટોમાં જ આવ્યો છું કાર પપ્પા લઇ ગયા છે માટે આપણે ઓટોમાં જ જવું પડશે.”

“હા, વાંધો નહિ અહીંથી ઓટો સરતાથી મળી જાય છે. બસ પેલા સર્કલ સુધી ચાલતા જવું પડશે.” કવિતાએ ફાટક તરફ આંગળી ચીંધી અને તુષારે એ તરફ જોયું.

“હા, હું એ સર્કલ પર જ ઉતર્યો હતો, મને ઓટોએ ત્યાં જ ઉતાર્યો હતો. ખાસ દુર નથી ચાલતા જવામાં કોઈ વાંધો નથી.”

“હા, મને તો આદત છે હું લગભગ રોજ ત્યાં સુધી ચાલીને જ જાઉં છું.” કવિતાએ કહ્યું. તે પોતાના અવાજને શાંત રાખવાનો પ્રયાસ કરી રહી હતી પણ તેનો ચહેરો તેની વ્યાકુળતાને છતી કરી રહ્યો હતો.

“શું તને ખબર છે સમય યાત્રાનો સૌથી જુનો કિસ્સો ક્યાં નોધાયો હતો?” તુષારે ચાલતા ચાલતા જ પૂછ્યું.

“ના, કદાચ વેસ્ટમાં.”

“ના, વેસ્ટમાં નહિ. સૌથી જુનો સમય યાત્રાનો કિસ્સો પ્રાચીન ભારતમાં નોધાયેલ છે.”

“પ્રાચીન ભારતમાં??”

“હા, મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે.”

“પણ તું એ મને અત્યારે કેમ કહી રહ્યો છે?”

“કેમકે મને એવું લાગી રહ્યું છે કે તારે હવે એ જાણી લેવાની જરૂર છે.” તુષારે થોડું ઝડપી ચાલવું પડતું હતું કેમ કે કવિતા અત્યારે ઝપાટા ભેર ચાલતી હતી, ક્લાદાચ એને વાતોમાં રસ નહી હોય.

“કેમ?”

“એ તને હું પછી સમજાવીશ. બસ અત્યારે તારે એ કિસ્સો જાણી લેવો જોઈએ જેના અનેક પુરાવા મહાભારતમાં આપેલા છે. એ કિસ્સો એટલો જુનો છે કે જે સમયે વેસ્ટના લોકો કલ્પના પણ ન હતા કરી શકતા કે સમય યાત્રા એટલે શું.”

“હા.” કવિતાએ ટૂંકમાં જ કહ્યું.

“સમયયાત્રાનો સૌથી પહેલી વાત જો ઈતિહાસમાં નોધાઇ હોય તો તે છે ભારતીય એપિક મહાભારતમાં. કહેવાય છે તે ઈશુના જન્મ પહેલા ૪૦૦ માં લખી હતી. તેમાં એક રાજા પોતાની પુત્રી માટે પરફેક્ટ સુઈટરની શોધમાં સમય યાત્રા કરે છે.”

“પોતાની પુત્રીના લગન માટે સમય યાત્રા?” કવિતાને જરાક નવાઈ થઇ.

“હા. અને મને લાગે સ્ટેન્ડ આવી ગયું આગળની વાત ઓટોમાં કરીશું.” કહેતા તુષારે ત્યાં પાર્ક કરેલ એક ઓટો ડ્રાયવરને પૂછ્યું, “ચાંદખેડા?”

“ચાલો સાબ. પચાસ રુપયે લગેગે.”

“કોઈ બાત નહિ.”

“બંને ઓટોમાં ગોઠવાયા અને ઓટો ચાંદખેડા તરફ જવા રવાના થઇ. કવિતાએ રીક્ષા સ્ટેન્ડ આવી ગયું એ પણ ધ્યાનમાં ન હતું લીધું કે ઓટોમાં પણ જાણે કોઈ પુતળું ઉભું કરી દીધું હોય તેમ બેઠેલ હતી એ જોઈ તુષાર સમજી ગયો હતો કે તે બહુ ઉદાસ અને વ્યાકુળ છે પણ પોતે જે કહી રહ્યો હતો એ કહેવાનો સમય આવી ગયો હતો કવિતાએ ઘરે જતા પહેલા એ સાંભળી લેવું જરૂરી હતું.

“હા, તો આપણે ક્યાં હતા, કવિતા?”

“રાજા અને તેની પુત્રી.”

“હા, રાજા કુકુમ્બીને એક માત્ર પુત્રી હતી જેનું નામ રેવતી હતું. રાજા કુકુબ્મી મહાન રજાઓમાં નામના ધરાવતો હતો. તેની પાસે મોટાભાગના રાજાઓ કરતા વિશાળ શૈન્ય અને ખજાનો હતો. તે પોતાની પુત્રી રેવતીના લગ્નને લઈને ચિંતિત હતો કેમકે તેને એમ લાગી રહ્યું હતું કે પૃથ્વી પર એવું કોઈ હતું જ નહિ જે તેની પુત્રી માટે યોગ્ય હોય.માટે તે રેવતીને પોતાની સાથે લઇ લોર્ડ ભ્રહ્માને મળવા માટે બ્રહ્મલોકમાં ગયો.

તેને બ્રહ્મા પાસે જઈ પોતાની પુત્રી માટે યોગ્ય પતિ માટે સુચન માંગ્યું. તેનો સવાલ સાંભળવા છતાં બ્રહ્મા પોતાના વિચારોમાં જ વ્યસ્ત બેસી રહ્યા ત્યારે તેણે ફરી વિનંતી કરી ઓ બ્રહ્મા! હું તમને મારી પુત્રીના લગન કોની સાથે કરવા જોઈએ એ પૂછવા આવ્યો છું કેમકે ઘણી તપાસ કરી છે, હું કેટલાય રાજકુમારોને મળ્યો છું પણ મને મારી પુત્રી રેવતી માટે લાયક ગણી શકાય તેવો કોઈ રાજ કુમાર દેખાતો નથી. મારું મન અશાંત છે પ્રભુ મારી આ સમસ્યાનું સમાધાન લાવો.” કહી તુષારે દોડીજતી દુકાનોની હારમાળ તરફ એક નજર નાખી.

કવિતાએ તુષાર તરફ જોયું. એને કદાચ થોડો રસ પડવા લાગ્યો હતો. ઓટો વાળો તો આ બંનેને મુર્ખ સમજતો હોય એમ હોઠના એક ખૂણે જરાક હસ્યો, કટાક્ષમાં! એ બધું તુષારે પણ મિરરમાં જોયું પણ એના ઉપર ધ્યાન ન આપી તુષારે આગળ કહ્યું.

“બ્રહ્મા રાજાની મૂર્ખતા પર હસ્યા અને કહ્યું હે રાજા! તે જે રાજકુમારોને રેવતી માટે જોયા હતા એ બધા તો ક્યારનાય મૃત્યુ પામ્યા છે એમના પુત્રો અને એમના પરપુત્રો પણ મૃત્યુ પામ્યા છે. તે સમયની સફર કરી છે.”

“તો પછી શું થયું?” કવિતાએ નવાઈથી ફરી પૂછ્યું.

“રાજા એ કહ્યું એવું કઈ રીતે શક્ય છે હું તો હજુ હમણાં જ તમને મળવા અને સલાહ લેવા આવ્યો છું. બ્રહ્મા એ તેને સમજાવતા કહ્યું હે રાજન! અલગ અલગ દુનિયામાં સમય પણ અલગ અલગ હોય છે તેની ગતી પણ અલગ અલગ હોય છે તમે મારો જવાબ સંભાળવા માટે બ્રહ્મલોકમાં રોકાયા એટલા સમયમાં પૃથ્વી લોક પર ૨૭ ચતુર યુગ પુરા થઇ ચુક્યા છે. હવે તમે જે જાણો છો જે લોકોને ઓળખો છો, તમારા મિત્રો, તમારા સગા વહાલા લોકો, તમારું રાજ પાટ બધું જ સમયની સાથે નાશ પામ્યું છે!”

“રાજા બહુ ઉદાસ થઇ ગયો અને રેવતી પણ બહુ દુખી થઇ ગઈ કેમકે તેને લાગ્યું કે તેના લીધે જ એ બધું થયું છે ત્યારે ભ્રહ્માએ કહ્યું કે તમારે ઉદાસ કે દુ:ખી થવાની જરૂર નથી કેમકે હવે જ પૃથ્વી પર કોઈ એવો વ્યક્તિ છે રેવતી માટે યોગ્ય છે. એ કોણ છે એમ રાજાએ પૂછ્યું ત્યારે બ્રહ્માએ જણાવ્યું કે એ શ્રી કૃષ્ણનો ભાઈ બલરામ છે. ત્યારબાદ પૃથ્વી પર આવી રાજાએ પોતાની પુત્રી રેવતીના લગન બલરામ સાથે કરાવ્યા.”

“હા, પણ શું તને આ બધી લોક વાયકાઓમાં વિશ્વાસ છે?” તુષારે વાત પૂરી કરી ત્યાં જ કવિતા પૂછી બેઠી.

“હા, મને છે. કેમકે એ લોક વાયકાઓ નથી. જ્યાં સુધી લોકો કોઈ વાતને સાયન્ટીફીક રીતે સમજી શકતા નથી એને દંતકથા માને છે. આપણી આ કહાનીને દંતકથા માનનારા લોકો આઇસ્તાઇનની થીયરી ઓફ રીલેટીવીટીને સાચી માને છે કેમકે એ વિજ્ઞાનિક રીતે સમજાવાઈ છે પણ શું તે આપણી આજ દંતકથાના આધારે નથી બનેલ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે સમય પર અસર થાય છે અને તેથી સ્પેસ કરતા પૃથ્વી પર સમયની ગતી ધીમી બની જાય છે. જે બાબત આજે સ્પેસ ટાઈમ, થીયરી ઓફ રીલેટીવીટી અને ક્વોનટમ ફીઝીકસને નામે ઓળખવામાં આવે છે તે બધીજ ચીજની જાણકારી આજથી હજારો વર્ષો પહેલા ભારતીય ઋષીઓ અને જ્યોતિષીઓને હતી અને કદાચ એટલે જ તેઓ કોઈ પણ યંત્ર કે ખગોળીય દૂરબીન વિના ગ્રહો અને તેના ગતિના નિયમો જાણતા હતા. વેદોમાં સમયને લગતી એવી માહિતી છુપાયેલ છે જે કદાચ ડેસીફર કરવામાં સફળતા મળે તો સમય યાત્રાનો ભેદ ઉકેલી શકાય તેમ છે.”

તુષારે એક જ શ્વાસે કહ્યું, કવિતા એ બધું સમજી પણ ઓટો વાળાને એ બધું હવામાં ગયું હતું.

“હા, પણ એને એ પુસ્તક સાથે શું લેવા દેવા હોય?”

“એ બધીજ માહિતી કોઈએ ડેસીફર કરી હતી અને એ શ્લોકોને પી.એસ.આઈ. કોડ લેન્ગ્વેજમાં એ પુસ્તકના ત્રીજા પ્રકરણમાં સાચવીને રાખવામાં આવેલ છે બસ એ ત્રીજું પ્રકરણ હાથ લાગી જાય તો આપણી દરેક સમસ્યાનું સમાધાન એમાંથી મળી રહે તેમ છે. સંદીપના મમ્મી પપ્પાની હત્યા કેમ થઇ અને મારી મમ્મીની હત્યા કોણે અને કયા હેતુથી કરી એ જાણવાનો એક માત્ર માર્ગ એ પુસ્તકનું ત્રીજું પ્રકરણ છે.”

“સાબ, ચાંદખેડા સર્કલ આ ગયા.”  ઓટો ડ્રાયવરના શબ્દોએ કવિતાને અને તુષારને મહાભારત અને પ્રાચીન ગ્રંથોની ચર્ચામાંથી બહાર લાવી દીધા હોય તેમ તેઓ જબકી ગયા.

“હા, ખબર છે.” ઓટોમાંથી ઉતરી ડ્રાયવરના હાથમાં પચાસની નોટ આપતા તુષારે કહ્યું.

ઓટોમાંથી ઉતરી તેઓ સર્કલથી કવિતાના ઘર સુધી ચાલતા ગયા. સર્કલ સેવન હાઈટ્સની બાજુમાં જ હતું એટલે એમને ત્યાં સુધી પહોચતા પાંચેક મિનિટથી વધુ સમય ન લાગ્યો.

“કઈક અજુગતું થયું છે.” કવિતાએ તુષાર તરફ નજર કરી કહ્યું.

“અંદર તો ચાલ કઈ નહિ થયું હોય. આમ પહેલેથી જ અમંગળ શંકાઓ કરવાનો શું અર્થ?” તુષારે એને સાંત્વના આપવા પ્રયત્ન કર્યો.

“હા, પણ બહાર પોલીસની કાર કેમ છે?”

તુષાર કશું જ બોલ્યો નહી કેમકે તે પણ જાણી ચુક્યો હતો કે કઈક તો થયું જ છે. કવિતાની પાછળ પાછળ એ પણ પોર્ચ સુધી ગયો. કવિતાએ ઘરનો પોલીશ કરેલ લાકડાનો દરવાજો હળવેથી ખોલ્યો.

ફોયરમાંનું દ્રશ્ય જોઈ જાણે કવિતાનું દિલ બેસી ગયું. તેની મમ્મી ફર્શ પર કોચ પાસે બેસી વિલાપ કરી રહી હતી, આંશુઓ તેના ગાલ પરથી વહીને આરસની ફર્શને મળી રહ્યા હતા. રાકેશ ગાલા તેની પાસે ઉભા હતા, તેમના ચહેરાના રંગો પણ એકદમ ફીકા પડી ગયેલ હતા. જીગર હલાવી નાખે તેવું દ્રશ્ય હતું! જોનારને એક જ નજરે ખયાલ આવી જાય તેમ હતો કે તેઓ મુશ્કેલ માનસિક પરીશ્થીતીનો સામનો કરી રહ્યા હતા. ગાલાની બાજુમાં ડીટેક્ટીવ શર્મા પણ ઉભેલ હતા.

“શું થયું પપ્પા?” ઘરમાં પ્રવેશતા જ કવિતાએ તેના પપ્પા તરફ જોઈ ચિંતાતુર અવાજે પૂછ્યું.

રાકેશ ગાલા જાણે કોઈ પુતળું બની ગયા હોય તેમ ચુપચાપ ઉભા રહ્યા, તેમણે કવિતાના પ્રશ્નનો કોઈ જ જવાબ આપ્યો નહિ, આપી શક્યા નહિ.

“પપ્પા? સંદીપ ક્યાં છે?” કવિતાએ ફરી રડમસ અવાજે કહ્યું.

“આજે સવારે અમને સંદીપની ડેડબોડી તેના રાયગઢવાળા બંગલા પરથી મળી છે. એજ સ્થળ જ્યાંથી એના મમ્મી પપ્પાના કોર્પસ મળ્યા હતા.” રાકેશભાઈ કોઈ જવાબ આપી નહિ શકે તેમ લાગતા ડીટેક્તીવ શર્માએ કહ્યું.

ડીટેક્ટીવ શર્માના શબ્દો કવિતા માટે કોઈ ભૂકંપથી કમ ન હતા, તેને એમ લાગ્યું, તેના પગ નીચેની જમીન ખસી ગઈ હોય. તેના આંશુઓ તેના કહ્યામાં ન હોય તેમ તેના ગાલ પરથી વહીને જમીનને મળવા લાગ્યા. તે ચીસ પાડી રડવા માંગતી હતી પણ એને એમ લાગી રહ્યું હતું જાણે એરેનામાં કોઈ રેસ્લરે તેનું ગળું ચોક એન નોકની તરકીબ અજમાવી દબાવી દીધું હોય! તેનું ગળું રૂંધાઇ ગયું હતું તેમાંથી અવાજ બહાર નીકળી શકે તેમ ન હતો. બસ તેના ગાલ પરથી વહેતા તેના આંસુઓ જ તેના હ્રદયના દુઃખનું વર્ણન કરી રહ્યા હતા.

કવિતા ત્યાજ બેસી પડી, તેના માટે એ આઘાત સહન કરવો મુશ્કેલ હતો.

“કવિતા આ સમય નિરાશ થઇ ભાંગી પાડવાનો નથી હિમ્મતથી કામ લેવાનો છે. તારા મમ્મી પપ્પા માટે તારે હિમ્મત બનવું જોઈએ, જો તુજ આમ ભાંગી પડીશ તો એમનું શું થશે? તારી મમ્મી તરફ જો એમના આંશુઓ તો અટકવાનું નામ જ નથી લઇ રહ્યા તારે એ રોકવાના છે. તારે એમની હિમ્મત બનવાનું છે. હું આ સમયમાંથી પસર થયો છું અને હું જાણું છું કે એ કેટલું મુશ્કેલ છે પણ એ તારે કરવું જ રહ્યું.” તુષારે કવિતાની પાસે જમીન પર જ બેસી જઈ ધીમેથી કહ્યું.

કવિતા જરાક હોશમાં આવી, તેણીએ પોતાની જમણી હથેળીના પાછલા ભાગ વડે પોતાના આંશુઓ લૂછ્યા. કદાચ ત્યાં તુષાર હાજર ન હોત તો અન્ય કોઈ વ્યક્તિ તેને સમજાવવામાં સફળ ન રહ્યું હોત.

“માફ કરજો પણ તમારે મારી સાથે રાયગઢ આવવું પડશે. કેટલીક કાનૂની વિધિ અને ફોર્મ ભરવાના છે. કેટલીક સરકારી ફોર્માલીટી પતાવ્યા બાદ તમને ડેડબોડીનો કબજો મળી જશે. તમે સમજી શકતા હશો કે એ સરકારી નિયમો છે નહિતર હું આવા સમયે તમને જરાય અગવડ ન કરું.” ડીટેક્ટીવ શર્મા એ શાંત અવાજે કહ્યું. આમ તો ડીટેક્તીવ હજારો લાશ જોઈ ચુક્યો હોય પણ એમાં કોઈ યુવાન છોકરો તો ન જ હોય ને? એ પણ એવો છોકરો જેને યાદ દાસ્ત પણ ન હોય.

“હા, હું સમજી શકું છું. સરકારી નિયમો કેટલા મહત્વના છે પોલીસે પોલીસનું કામ તો કરવું જ પડે ને? ભલે પોલીસ બે વરસ બાદ પણ મીનાબેન અને સુરેશભાઈની હત્યાનું કારણ કે તેમના હત્યારાને શોધવામાં નિષ્ફળ રહી હોય સરકારી ફોર્માલીટી તો જરૂરી જ છે ને? આમેય પોલીસ ફોર્માલીટી સિવાય કરે પણ શું છે?” રાકેશ ગાલા જાણે સ્વગત બબડી રહ્યા હતા.

“સોરી, મિસ્ટર ગાલા. હું એ કાતીલોને નથી શોધી શક્યો એનો મને ખેદ છે, મેં હજુ એ ફાઈલ બંધ નથી થવા દીધી પણ કોઈ જ સુરાગ નથી મળ્યું કે તેમની હત્યા કોણે કરી હશે માટે એમના કાતીલોને પકડવા મુશ્કેલ છે.” ડીટેક્ટીવ પોતાની નબળાઈ માટે જરાક ભોઠા પડ્યા.

“અને આ વખતે, એના મમ્મી પપ્પાના કાતીલોને ભલે તમે ન શોધી શકયા પણ શું સંદીપની હત્યા કોણે કરી એ જાણવામાં પોલીસ સફળ રહી છે?”

“સોરી, મિસ્ટર ગાલા પુરા ઘરમાંથી માત્ર સંદીપ સિવાય કોઈના આંગળાની છાપ નથી મળી કે નથી કોઈ હથિયાર મળ્યું. કોઈ આ હત્યાઓ કઈ રીતે કરી રહ્યું છે એજ નથી સમજાયું. મને તો આ હત્યાઓ કરતા આત્મહત્યાનો મામલો હોય તેમ લાગી રહ્યું છે.” શર્માએ આખરે પોતાના મનમાં ચાલી રહેલ કહી જ દીધું.

“મતલબ તમે પોલીસની નિષ્ફળતાને છુપાવવા હત્યાના મામલાને આત્મહત્યા નામ આપવા માંગો છો?” રાકેશ ગાલા ભડક્યા, બે ડગલા આગળ ચાલી શર્મા આગળ જઈ ઉભા રહ્યા. “તમારાથી નથી બન્યું એટલે એને આત્મહત્યા સાબિત કરી દેવાની? સંદીપ શું કામ આત્મહત્યા કરે? સંદીપ માનસિક બીમાર હતો પણ એના મા બાપ? એ શું કામ આત્મહત્યા કરે?” રાકેશ ગાલા સદાયના શાંત માણસ હતા પણ આ બાબતે એ ઉશ્કેરાઈ ગયા.

“એવું નથી પણ હત્યાના મામલા સાથે કેશ ફાઈલ કરીએ તો પણ કાંઈજ નથી વળે તે,મ કેમકે કોઈ સબુત કે નિશાન નથી, અરે પુરા ઘરમાં ક્યાંક હત્યા થઇ હોય એવો નાનકડો ટ્રેસ પણ નથી મળી રહ્યો. સોરી, પણ મને નથી લાગતું કે કાતિલ વિશે કોઈ માહિતી મળે.”

“કેમ નહિ? કાતિલ વિશે માહીતિ જરૂર મળી રહેશે.” દરવાજામાંથી ઘરમાં પ્રવેશતા એક અજાણ્યા માણસે કહ્યું.

“તમે કોણ?” શર્માએ પૂછ્યું.

રાકેશ ગાલાની આંખોમાં પણ એજ પ્રશ્ન હતો બસ એમને એ પ્રશ્નને હજુ હોઠ સુધી નહોતો લાવ્યો.

“એ મિસ્ટર રીશીકુમાર છે હું જે આર્ટ ગેલેરીમાં કામ કરું તે ગેલેરીના માલીકના મિત્ર છે.” કવિતાએ ઉભા થતા કહ્યું.

“તમેં કઈ રીતે કહી શકો કે હત્યારા મળી જશે?” શર્માએ રીશીકુમાર તરફ જોઈ વેધક સવાલ કર્યો.

“કેમકે કોઈ અપરાધી તેના કામમાં ગુડ હોઈ શકે પણ એ ગોડ ન હોઈ શકે. મોટામાં મોટો ગુનેગાર પણ નાનામાં નાની ભૂલ કરી બેસે છે અને એજ ભૂલ આ વખતે પણ થઇ છે.” કોટના ખિસ્સામાંથી સિગારેટ અને જૂની બનાબટનું લાઈટર બહાર કાઢતા કહ્યું અને એક સિગારેટ સળગાવી પેકેટ શર્મા તરફ લંબાવ્યું.

“અને એ ભૂલ શું છે?” શર્માએ પેકેટમાંથી સિગારેટ લઇ પેકેટ રિશી કુમારને હેન્ડ ઓવર કર્યું.

“સંદીપની હત્યા થઇ એ રાત્રે જ એને કોઈ અજાણ્યા માણસ સાથે લડાઈ થઇ હતી જેનો વિડીઓ કોઈ વ્યક્તિએ ઉતારી લીધો છે અને એને યુ ટ્યુબ પર ચડાવી દીધો છે માટે હવે એ કાતિલને શોધવો મુશ્કેલ નહિ પડે.” રીશીકુમારે પેલું પેકેટ કોટના એ જ ખીસ્સામાં સરકાવ્યું જ્યાંથી નીકાલ્યું હતું.

“હા, પણ તમે સંદીપને કઈ રીતે ઓળખો અને તમને એના વિશે આટલી માહિતી કઈ રીતે છે?” રાકેશ ગાલાએ કહ્યું. શર્મા, કવિતા અને તુષાર ત્રણેય રીશીકુમાર તરફ જોવા લાગ્યા કેમકે રાકેશ ગાલાનો પ્રશ્ન વાજબી હતો.

“હા, એનો જવાબ મારી પાસે છે. હું હમેશા યુ ટ્યુબ પર અપલોડ થતા વિડીઓને ચેક કરતો રહું છું, ખાસ કરીને એ જાણવા માટે કે કોઈ પેરા નોર્મલ એક્ટીવીટીનું સબુત આપતો વીડિઓ મને મળી જાય. આજે સવારે પણ મને યુ ટ્યુબ પર એક નવો વીડિઓ મળ્યો જે ગઈ રાત્રે જ અપલોડ થયેલ હતો અને એમાં એક પેરા નોર્મલ એક્ટીવીટી દેખાઈ રહી હતી. મેં એ વીડીઓમાં જોયું કે એક યુવક પોતાની અગમ્ય શક્તિઓ વડે બીજા એક યુવાનને હવામાં અધ્ધર ઉછાળી ત્યાંથી ચાલ્યો જાય છે મને લાગ્યું કે તે યુવકની સલામતી માટે એ વીડિઓ યુ ટ્યુબ પરથી હટાવી નાખવો જોઈએ માટે મેં એ ક્યાંથી અને કોણે અપલોડ કર્યો છે એ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે તે રાયગઢથી અપલોડ થયેલ છે. અને ત્યારબાદ મેં રાયગઢની લોકલ ન્યુઝ ચેનલના લાઈવ સમાચાર જોવાનું નક્કી કર્યું જેથી ખબર પડે કે એ વિડીઓની જાણ પોલીસને છે કે નહી. હું મામલો પોલીસમાં જાય અને વધુ ચગે એ પહેલા જ એ વિડીયોને ત્યાંથી હટાવી દેવા માંગતો હતો.”

“હા, પણ કેમ તમે એ વીડિઓ હટાવી દેવા માંગતા હતા.” શર્માએ પૂછ્યું, ખુદ જાસુસ હોવા છતાં એ મૂંઝાઈ ગયો હતો.

“કેમકે આવા વિડીઓ જ આવા નાદાન યુવકોની હત્યનું કારણ બને છે.”

“એ કઈ રીતે?” શર્માએ કહ્યું.

“તમે પોલીસના માણસ છો કમસેકમ તમને તો ખબર હોવી જ જોઈએ.” રિશી કુમારે સિગારેટનો કસ ખેંચવા પ્રયાસ કર્યો પણ ઉપરના મોટા વાક્યોમાં એ ડેડ થઇ ગઈ હતી. સિગારેટ રી લાઈટ કરતા તેમણે કહ્યું.

“શેની ખબર? મને કઈ સમજાઈ નથી રહ્યું.” શર્માએ કહ્યું.

“એજ કે કેટલાક પાગલ અને સનકી માણસો એવા લોકો કે જેમનામાં આવી અલગ તાકાત હોય તેને કુદરતી નિયમોને તોડવાની કડી સમજી તેમને મારવા કે કેદ કરવાનું વલણ ધરાવે છે.” રીશીકુમારે તેને સમજાવતા કહ્યું.

રાકેશ ગાલા અને તેના પરિવાર માટે આ વાત નવી કે અજાણી ન હતી કેમકે તેમને આજ વાત ડોક્ટર પાસેથી સાંભળી હતી અને એમને એ વાત પર વિશ્વાસ હતો. શર્મા પોતે પણ ડીટેક્ટીવ હતો અને આવા કેટલાય રહસ્યો તે જાણતો હતો પણ તેને નવાઈ લાગી રહી હતી કે એક સામાન્ય માણસ એ વાત કઈ રીતે જાણી શકે..???

“તમે કયા ડીપાર્ટમેન્ટથી છો મિસ્ટર રીશીકુમાર?” શર્માએ પોતાની આતુરતા સંતોષવા પૂછ્યું.

“હું બૂક બાઈન્ડર છું. હા, જો તમે મને કોઈ ડીપાર્ટમેન્ટ સાથે જોડવા માંગતા હોવ તો રેસ્ક્યુ ટીમ સાથે જોડી શકો છો કેમકે હું બીમાર અને ઘવાયેલા પુસ્તકોને બચાવું છું.” રીશીકુમારે વળતો જવાબ આપ્યો.

“વોટ? એક બૂક બાઈન્ડર એ વાત કઈ રીતે જાણી શકે? એક પચાસ વરસના પુસ્તક બાંધનારા વ્યક્તિને આધુનિક ટેકનોલોજીનું એટલું જ્ઞાન કઈ રીતે હોઈ શકે કે તે ગમે ત્યાંથી અપલોડ થયેલ વિડીઓને ડીલીટ કરી શકે અને લોકલ ટીવી ચેનલની સાઈટ હેક કરી શકે?”

રિશી કુમાર નીરુતર રહ્યા, કદાચ તેમની પાસે કોઈ જવાબ ન હતો અથવા તેઓ કોઈ જવાબ આપવા માંગતા ન હતા.

“કે પછી તમે એ હત્યારાઓમાંથી એક તો નથી ને જેને બધી માહિતી હોય પેરા નોર્મલ અને ઓકાલ્ટ ચીજો વિશે?” રીશીકુમારને નીરુતર જોઈ શર્માએ વેધક સવાલ આગળ કરી દીધો. પોલીસનું કામ જ એવું હોય છે.

“ડીટેક્ટીવ! હાઉ ડેર યુ ટુ એક્યુઝ માય ફાધર?” ક્યારનાય ચુપ ઉભેલા તુષારથી જાણે એ સહન ન થઇ શક્યું.

“આઈ કેન ડેર. યસ આઈ કેન ડેર. યુ નો વાય? કોઝ આઈ એમ ડીટેક્ટીવ, ડેમન હોમીસાઈડ ડીટેક્તીવ.” શર્માએ પણ એટલા જ જોરથી ચિલ્લાઈને જવાબ આપ્યો.

“તુષાર, કામ ડાઉન. લૂક વેર વી આર? હિયર વી આર ફોર સમવન્સ કોન્સોલેશન નોટ ફોર ક્વોરલ.” રીશીકુમારે તેને ઠંડો પાડતા કહ્યું.

“હવે તમે મને સમજાવી શકશો કે તમે આ બધું કઈ રીતે જણો છો?” શર્માએ ફરી એજ સવાલ આગળ ધરી દીધો.

“લાગે તમને હોમીસાઈડ ડીપાર્ટમેન્ટમાં કોઈ લાગવગને લીધે મુકવામાં આવ્યા છે કેમકે તમને કાતિલને પકડવા કરતા અન્ય ચીજો જાણવામાં રસ છે પણ જો તમે સાંભળવા જ માંગતા હોવ તો, હું એ બધું જાણું છું કેમકે જે વ્યક્તિઓ કે સંગઠને સંદીપની હત્યા કરી છે એ જ સંગઠને કે એવા જ કોઈ સનકી વ્યક્તિએ વર્ષો પહેલા મારી પત્નીની હત્યા કરી હતી અને ત્યારે મને પણ તમારા જેવા જ એક હોમીસાઈડ ડીટેક્ટીવે સાંત્વના આપી હતી કે તે કાતીલોને શોધીને જ રહેશે પણ એ પોતાનું કામ કરવામાં નિષ્ફળ રહ્યો એટલે હું આ બધું જાણું છું કેમકે છેલ્લા દસ વરસથી હું એમને શોધી રહ્યો છું. બસ એની સાથે થયું તે અન્ય કોઈ વ્યક્તિ સાથે ન થાય તે માટે હું આ બધું કરી રહ્યો છું.” રિશી કુમારે પણ પોતાની ભડાસ કાઢી.

“આઈ એમ સોરી બટ દરેક પર શક કરવો એ ડીટેક્ટીવ માટે જરૂરી છે.” શર્માએ માફી માંગતા કહ્યું. “શું હું એ વીડિઓ જોઈ શકું છું?”

“કેમ નહિ?” રીશીકુમારે પોતાના ફોન પર ડાઉનલોડ કરેલ એ વીડિઓ પ્લે કર્યો, વીડિઓ જોયાબાદ જાણે ખુદ શર્માના હોશ પણ ઉડી ગયા હોય તેમ તેના ચહેરા પરથી લાગી રહ્યું હતું.

“શું થયું?” રીશીકુમારે પૂછ્યું.

“વીડીઓમાં જે માણસના હાથમાં ગન છે એ શહેરના વોન્ટેડ ગુન્ડાના લીસ્ટમાં સૌથી મોખરે હોય તે વ્યક્તિ છે અને છતાં એ સંદીપથી આટલો ડરી કેમ રહ્યો છે એ સમજાઈ નથી રહ્યું અને એક વાત એ કે જો સંદીપ આવા ખુખાર ગુંડાના હાથમાં પિસ્તલ હોય અને પોતે ખાલી હાથ હોવા છતાં તેને ચિત કરીને નીકળી શકતો હોય તો એવું કોણ હશે જે એને એના ઘરમાં ઘૂસીને મારી શકે અને એ પણ કોઈ જ ટ્રેસ છોડ્યા વિના!!” શર્માએ નવાઈ લાગી હોય તેમ કહ્યું.

“એતો ખબર નથી પણ કોઈક એવું છે જે ટ્રેસ ન છોડવા માટે ટ્રેન્ડ કરવામાં આવેલ હોય કેમકે અન્ય કેટલા લોકોને એણે માર્યા હશે એની તો ખાતરી નથી પણ સંદીપના મમ્મી પપ્પા, મારી પત્ની અને સંદીપ આ ચાર હત્યાઓ બાદ આપણને કોઈ જ ટ્રેસ નથી મળ્યો એ જોતા એટલું તો ચોક્કસ પણે કહી શકાય તેમ છે કે જે પણ વ્યક્તિ છે તે કોઈ હાઈલી ટ્રેન્ડ વ્યક્તિ છે અથવા તો કોઈ એવી પરામાનસ શક્તિ ધરાવે છે જેના લીધે તે આ બધું કરવા અને એ બધું કરવા છતાં ન પકડવા માં સફળ રહ્યો છે.” રિશી કુમારે રડતી સંગીતા બેન તરફ એક નજર કરી પણ એને અત્યારે રડી લેવા દેવી યોગ્ય લાગતા નજર ફેરવી લીધી. એ જાણતા હતા સ્ત્રી પુરુષની જેમ મજબુત નથી એને રડી લેવાથી કદાચ શાંતિ મળે કેમ કે જે સ્ત્રી રડતી નથી એ ઘણી વાર અંદરને અંદર ડૂમાઈ જતા આઘાતથી મૃત્યુ પામે છે.

“પણ એમણે એક ભૂલ ફરી કરી છે.” તુષારે કહ્યું.

“તેમણે લાયબ્રેરી પર હુમલો કર્યો હતો જ્યાંથી હું ભાગવામાં સફળ થયો છું અને ત્યાં મારા પર હુમલો કરનાર લોકોમાંથી એક વ્યક્તિને મેં ઘાયલ કર્યો હતો જેના ડી.એન.એ.ના ટ્રેસ મારી એસકરીમાં સ્ટિક પરથી આપણને મળી રહેશે.”

“શું તારા પર હુમલો થયો હતો?” શર્મા એ પૂછ્યું.

“હા, અને એ પણ કોઈ એવા વ્યક્તિ દ્વારા જેનામાં સંદીપ જેવી જ અલોકિક શકતી હતી જેનાથી એણે મેં એની તરફ ફેકેલ એસકરીમાં સ્ટીકને હવામાં અધવચ્ચે જ રોકી લીધી હતી એ વ્યક્તિ પાસે કોઈ નોન ફીજીક્સ પાવર હતી જેની મદદથી એ પી.એસ.આઈ. પાવરનો ઉપયોગ કરી શકતો હતો.” તુષારે સમજાવ્યું.

“તમે પોલીસને જાણ કરી?” શર્માએ કહ્યું.

“ના.”

“કેમ?”

“કેમકે પોલીસ ગુનેગારને પકડવા કરતા વધુ ધ્યાન એ મામલાને ચગાવવામાં આપે છે અને અમે નથી ઇચ્છતા કે અમે ટીવી ન્યુઝમાં આવી અને એવા બધા લોકોને જણાવીએ કે અમે ક્યાં છુપાઈને રહીએ છીએ.” રીશીકુમારે કહ્યું.

“મતલબ?”

“મતલબ એ કે હું મારા પુત્રને એ લોકોથી બચાવવા માટે સમયાંતરે લોકેશન બદલતો રહું છું અને મને નથી લાગતું કે પોલીસ એમાં મારી કોઈ મદદ કરી શકે તેમ છે.” રીશીકુમારે જવાબ આપ્યો.

“હવે એવું નહિ થાય એની હું ખાતરી આપું છું. હું મારા બે માણસોને લાયબ્રેરી મોકલી દઉં છું જે બ્રશમાં માહિર છે જેથી જે ટ્રેસ મળે તે મેળવી લે અને મને લાગે હવે આપણે સંદીપના અંતિમ વિધિ માટે રાયગઢ જવું જોઈએ.” શર્માએ કહ્યું.

“હા.” રીશીકુમારે કહ્યું, અને તેમણે રાકેશ ગાલા તરફ જોયું, “હું તમારા દુઃખને ઓછું તો નથી કરી શકું તેમ પણ શું હું તમારા દુઃખમાં સહભાગી થઇ શકું છું? કવિતા મારા માટે મારી દીકરી સમાન છે શું હું તમારી સાથે સંદીપના ફ્યુંનારલમાં આવી શકું?”

“હા, અને એ સ્થળ જોઈ તમને કદાચ કઈક વધુ અંદાજ પણ આવે, બાકી તમે તો એ વિડીઓ ડીલીટ કરી સંદીપને બચાવવાનો પ્રયાસ કર્યો જ હતો એ બદલ હું તમારો આભાર માનું છું.” રાકેશ ગાલાએ કહ્યું.

“એમાં આભાર માનવા જેવું કશું જ નથી, એક માણસ બીજા માણસને કામ નહી આવે તો કોણ આવશે? જયારે મેં વિડીઓ ડીલીટ કરવનો પ્રયાસ કર્યો ત્યારે તો મને ખબર પણ ન હતી કે તે કવિતાનો ભાઈ છે મને ખયાલ જ ન હતો કે એ મારા કોઈ પરિચિત વ્યક્તિના પરિવારમાંથી છે બસ મેં એને બચાવાવનો પ્રયાસ કર્યો હતો જે હું એવા દરેક માટે કરું છું જેમનું જીવન જોખમમાં હોય.” રિશી કુમારે કહ્યું.

ડિટેક્ટીવ શર્મા રીશીકુમાર તરફ વેધક નજરે જોઈ રહ્યો હતો, તેને કદાચ એમ લાગી રહ્યું હતું કે તે ઘટના સ્થળે સાથે આવી કઈક જાણકારી મેળવવા માંગે છે, તે નહોતો ઈચ્છતો કે કોઈ સામાન્ય વ્યક્તિ પોલીસ અને ડીટેક્ટીવની ટીમ પહેલા એ રહસ્ય પરથી પરદો ઉઠાવે પણ જયારે રાકેશ ગાલાએ તેમને સાથે આવવાની પરવાનગી આપી દીધી હતી ત્યારે તેને વચ્ચે બોલવું હિતાવહ કે યોગ્ય બેમાંથી એકેય ન દેખાયું.

લેખક : મહેન્દ્ર ત્રિવેદી અને વિકી ત્રિવેદી….

ક્રમશ: વધુ આવતી કાલે…..

Comment here