safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -1)

ચાંદખેડામાં એ એક આહલાદક અને અનન્ય આનંદ આપનાર સવાર હતી. સેવેન હાઈટ નામની એક બહુમાળી ઈમારતની નજીક ઉભી કારાયેલ એક નાનકડી કોલોનીમાં એક મકાન અલાયદું દેખાઈ રહ્યું હતું.

સવારના સુરજના કિરણો પૂરી કોલોની પર વર્ષી રહ્યા હતા અને જાણે બધાને એક નવીન ઉર્જા આપી રહ્યા હતા. શિયાળાનો સમય હતો અને ઠંડી હવા પોતાની સાથે એક અલગ જ મસ્તી અને ઉત્સાહ લઈને ફરી રહી હોય એમ લાગી રહ્યું હતું. કોલીનીની અંદર અને બહારના ભાગમાં ઉભેલા અડીખમ વ્રુક્ષો એ ઠંડા પવનમાં મજા માણી રહ્યા હોય એમ પવનની દિશાના વહેણ મુજબ પોતાની પાતળી ડાળીઓને આમ તેમ નમાવી નાચી રહ્યા હતા.

શહેરના લોકોના શોખ અજીબ અને નવાઈ પમાડે તેવા હોય છે એ કહેવત મુજબ એ ઉત્સાહિત સવારમાં કેટલાક લોકો પોતાના લેબ્રા ડોગ, બુલ ડોગ અને જર્મન શેપર્ડ સાથે જોગીંગ કરી રહ્યા હતા. હું એમના શોખને અજબ એમ કહું છું કે જ્યાં ગળીના કુતરા શિયાળાની ઠાઠમાં ઠુંઠવાઈને ભૂખ્યા પડ્યા હોય ત્યાં કોઈ એમને અડધો રોટલો પણ નાખવાની દરકાર નથી કરતુ અને એજ અમીર માણસો પોતાનું સ્ટેટ્સ ઊંચું દેખાડવા વિદેશી નશલના લાખોની કિમતના કુતરા ખરીદી એમની પાછળ સવારથી જ દોડતા જોવા મળે છે.

કેટલાક યુવાનીયા જેમના શોખમાં ગાંડપણ ઓછું હતું તે પોતાની ગીયરવાળી મોઘીદાટ સાયકલો પર સવારથી રાઈડીંગ પર નીકળેલ હતા. તેમનો શોખ તો તોયે વાજબી કહી શકાય તેમ હતો.

કેટલાક છોકરા છોકરીઓ શાળા તરફ તો કોઈ કોઈ ટ્યુશન કે કોચિંગ કલાસ તરફ બેગ લઈને રવાના થયેલ હતા. ટૂંકમાં સુરજના કિરણો નીકળતા જ જાણે આખી કોલોની જીવંત થઇ ગઈ હોય એમ લાગતું હતું.

શિયાળાની લાંબી રાતમાં ભૂખથી ઠુંઠવાઈ પડી રહેલા ગળીના કુતરા અને રખડતી ગાયો સવારથી જ ખોરાકની શોધમાં નીકળેલ હતા. અને કોઈ મધ્યમ વર્ગીય મહિલાએ છાડીમાં રાતની વધેલ વાસી રોટલી કે જે હાથ લાગે તે ખાઈ પેટ ભરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સેવન હાઈટ નામની બહુમાળી ઈમારતની બાજુમાં એક નાનકડો બંગલો પોતાના આગળ સારી રીતે માવજત કરી શોભાયમાન થતા બગીચા પર અભિમાન કરી રહ્યો હતો. એ ઘરમાં રહેલ બગીચાના નાના નાના છોડવા ડીસેમ્બર મહિનાની ઠંડી લહેરખીઓમાં હરખાઇ રહ્યા હતા અને પોતે આવી કાતિલ ઠંડીમાં પણ હજુ જીવિત છે એટલે કોઈ એમની કેટલી કાળજી લઇ રહ્યું છે એ બુમો પાડીને કહી રહ્યા હતા.

ચમને પોતાની સાયકલ એ બંગલાના દરવાજા આગળ ઉભી રાખી, એક નજર બાગમાં ખીલેલા હસતા ફૂલો તરફ કરી અને એમની સામે વળતો સ્મિત આપતો હોય એમ એના હોઠ મલકયા અને બીજી જ પળે એણે સાયકલની કેરિયરમાં ભરાવેલ છાપાની થપ્પીમાંથી એક સંદેશની કોપી બહાર કાઢી એ બંગલાની પરસાળમાં ફેકી.

નિશાન બાજીમાં અવ્વલ નંબર મેળવેલ હોય તેમ એણે ઘડી વાળીને ફેકેલ એ ન્યુઝપેપર બંગલાના પોલીશ કરેલા લાકડાના વિશાળ દરવાજા સાથે અથડાયું એ જોવા પણ રહ્યા વગર ચમને ફરી પોતાની સાયકલ મારી મૂકી.

કોઈ એ બંગલામાં દરવાજા સાથે વર્તમાન પત્ર અથડાવાના અવાજની રાહ જોઇને જ બેઠું હોય એમ એ ભવ્ય બંગલાનો દરવાજો ખુલ્યો અને એમાંથી એક આધેડ વયની સ્ત્રી બહાર આવી. તેણીએ આછા પીળા રંગની સાડી પહેરેલ હતી અને એ રંગ એના પર મેચ કરે તેવો એનો ગોરો વાન હતો.

એ મહિલાએ પેપર ઉઠાવી એક નજર બહાર કરી અને ઘરના મુખ્ય ફોયરમાં ચાલી ગઈ. એ ફોયરમાં સોફા પર બેસી છાપા પર નજર નાખવા લાગી. તેની ઉમર પાંત્રીસેક જેટલી લાગી રહી હતી પણ તેની આંખ નીચે રહેલ કાળા કુંડાળા કહી રહ્યા હતા કે તે સતત કોઈ વાતથી ચિંતિત હતી. કદાચ વરસોની ચિંતાને લીધે એની આંખ નીચે એ કુંડાળા પડી ગયેલ હતા. જો એની આંખ નીચે એ કળા કુંડાળા ન પડેલ હોય તો એ ત્રીસ અંદરની દેખાય તેમ હતી.

આજે સંદીપનો જનમ દિવસ હતો. આજે તે એકવીસ વર્ષનો થઇ રહ્યો હતો. સંદીપ ખુશ મિજાજ અને દયાળુ સ્વભાવનો યુવક હતો. બાહ્ય દેખાવમાં એ એકી નજરે કોઈનું ધ્યાન ખેચે તેવો ન હતો. સાદા અને સરળ પાથી પાડીને ઓળેલા વાળ અને સફેદ લીનનના શર્ટ નીચે પહેરેલ ચોકલેટ કલરનું કોટન પેન્ટ એની ખાસ નિશાની હતી એમ કહી શકાય ટૂંકમાં સંદીપનું માત્ર નામ જ નવા જમાનાનું હતું બાકી હજુ તે તેના પિતાને શોભે તેવા ફોર્મલ કપડા પહેરતો હતો. તેની બહેન કવિતા અને તેની મમ્મી સંગીતાબેન તેને ખુબ જ ચાહતા હતા. તેમના પ્રેમનું એક ખાસ કારણ હતું કેટલાક સમય પહેલા એક અકસ્માતમાં સંદીપ પોતાની યાદદાસ્ત ગુમાવી ચુક્યો હતો અને તે પોતાના પરિવાર વચ્ચે પણ કોઈ અજાણ્યો હોય એમ રહેતો હતો એટલે બંને સંગીતાબેન અને કવિતા તેને બની શકે તેટલું વધુ વહાલ કરતા જેથી તેના જીવનમાં આવી પડેલ અણધારી મુશ્કેલી તેને ખાસ અસર ન કરી શકે.

સંગીતાબેન એ દિવસે પોતાના પુત્રને જનમ દિવસની સરપ્રાઈઝ આપવા માગતા હતા. કેમ ન આપે?? એમના એકના એક લાડકવાયાનો જનમ દિવસ હતો.

“કવિતા???ક્યા છે તું?” રસોઈ ઘરમાં ચા બનાવી રહેલ સંગીતાબેનનો અવાજ સંભળાયો.

“અહી છું, મમ્મી ઉપરને માળે.” કવિતાએ મમ્મીને જવાબ આપ્યો, કવિતાનો અવાજ પણ તેની મમ્મી જેમ સુરીલો હતો.

“નીચે આવ બેટા.”

“આવી મમ્મી.” કહેતા બ્લોન્ડ ચહેરા અને કાળા ભમ્મર વાળ વાળી વીશેક વર્ષની કવિતા સીડીઓથી ઉતરીને મુખ્ય ફોયરમાં આવી. તેના હોઠ પર સ્મિત તો હંમેશા સજાવેલ જ રહેતું હોય તેમ લાગી રહ્યું હતું અને તેની ઊંચાઈ ભગવાને તેના રૂપને નિખારવા માટે આપી હોય તેવી હતી. વળી મા તરફથી મળેલ ગોરો વાન અને મીઠો અવાજ તેનામાં ચાર ચાંદ લગાવતા હતા. કવિતાને જોયા બાદ કોઈ એમ કહે કે સોનામાં સુગંધ ન હોય એ કહેવત ખોટી છે તો નવાઈ ન કહી શકાય.

“તે બધી તૈયારી કરી લીધી છે?” સંગીતાબેને અધીરા બની પૂછ્યું.

“હા, મમ્મી. તને દેખાઈ નથી રહ્યું.?” કવિતાએ પોતાના કપડા પર નજર કરતા કહ્યું. તેણીએ ગોળ ગળાની પિંક કલરની જરશી અને નેવી બ્લુ રંગનું જીન્સ પહેરેલ હતું. એ કપડા તેણીએ ગયા મહીને જ બીગ બજારમાંથી લાવ્યા હતા. બીગ બજાર એ અમદાવાદમાં કોઈ પણ વસ્તુ ખરીદવા માટેનું સારું સ્થળ છે એમ કહી શકાય. તેણીએ મહિનાથી એ જોડ સાચવીને રાખી હતી તેનો ઈરાદો એ કપડાની જોડ સંદીપના જનમ દિવસે જ પહેરવાનો હતો. એના દરેક વર્તનમાં પોતાના ભાઈ તરફનો પ્રેમ છલકાઈ રહ્યો હતો.

કવિતા ગાલા અને તેનો પરિવાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા હતા. અમદાવાદ એટલે ગુજરાતનું એક પ્રગતિશીલ શહેર કહી શકાય. બહુ માળી ઈમારતો, મોટા કારખાના, અવનવા ધંધા, રીવર ફ્રન્ટ, કાંકરિયા અમદાવાદમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જે તમને ગુજરાતના અન્ય કોઈ સ્થળે જોવા ન મળે.

એ બહુમાળી ઈમારતોના જંગલ જેવા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એમનું મકાન નાનું કહી શકાય તેમ ન હતું તો ધનાઢ્ય લોકોની સરખામણીમાં કઈ મોટું પણ ગણી શકાય તેમ ન હતું.

“કવિતા, બેટા જા, તારા ભાઈને જગાડ.”

“ભલે ને સુતો મમ્મી એને રોજ નવેક વાગ્યે ઉઠવાની ટેવ છે.” ભાઈનું ઉપરાણું લેતા કવિતાએ રમુજી છટામાં કહ્યું.

“પણ બેટા આજે એનો જનમ દિવસ છે આજે એને વહેલા ઉઠવું જોઈએ.”

“ભલે મમ્મી.”

કવિતા સંદીપના રૂમમાં ગઈ. સંદીપનો રૂમ નીચેના માળે જ મમ્મી પપ્પાના રૂમની જોડે જ હતો. રૂમના અધખુલ્લા દરવાજામાંથી એ રૂમમાં દાખલ થઈ અને  સંદીપના બેડ પાસે જઈ ઉભી રહી. ઘરમાં કોઈના બેડ પર ન હતી એવડી જાડી અને મોઘી મેટ્રેસ સંદીપના બેડ પર હતી.

“સંદીપ, ઉઠ.” કહેતા કવિતાએ સંદીપના માથા પર ઓઢેલ કાશ્મીરી બ્લેન્કેટ ખેચી. સંદીપ માટે દરેક ચીજનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું સંગીતાબેને પોતાના વહાલસોયા માટે શિયાળો હજુ બેઠોય ન હતો ને રૂપિયા પુરા બે હજાર આપીને કાશ્મીરી બ્લેન્કેટ ખરીદી હતી જયારે ઘરમાં બીજા બધા સસ્તી સાતસોથી આઠસોની કિમતની બ્લેન્કેટ ઓઢતા.

“ઉઠ, સંદીપ.”

“મને ઊંઘવાદે ને કવિતા.” તેને પોતાની આંખો પણ ખોલ્યા વગર કહ્યું.

“પણ સવાર થઇ ગઈ છે?”

સંદીપે આંખો ખોલી અને ખૂણામાં રહેલ ડેસ્ક પર પડેલ એલાર્મ કલોક તરફ જોયું, એ એલાર્મ ઘડિયાળ હતી પણ ખરીદ્યા પછી હજુ સુધી ક્યારેય સંદીપે એનો એલાર્મ કલોક તરીકે ઉપયોગ ન હતો કર્યો.

ઘડિયાળ સવારના નવ વાગ્યાનો સમય બતાવી રહી હતી. સંદીપ હજુ સુઈ રહેવા માંગતો હતો પણ નવ વાગી ગયા હતા એટલે હવે કોઈ બહાના બાજી કરી શકાય તેમ ન હતી. તે પલંગમાંથી ઉભો થઇ નીચે ઉતર્યો.

“ગૂડ મોર્નિંગ કેયા.”

“મને કેયા ન બોલાવ, મને ટૂંકા નામ નથી ગમતા.” કવિતાએ ખોટું મોઢું ચડાવતા કહ્યું. કોઈ ટીવી સીરીયલમાં કેયા નામ કોઈ બુધ્ધુ છોકરી નું હતું એ સીરીયલ જોયા બાદ સંદીપ એને ચીડવવા માટે કેયા કહી એને બોલાવતો. એ બંનેને એકબીજાને ચીડવતા જોઈએ કે એકબીજા સાથે દલીલ કરતા જોઈએ તો એમ લાગે જાણે હજુ બંને પ્રાથમિક શાળામાં ભણતા બાળકો ન હોય!

“ઓકે. આઈ એમ સોરી.” કહી સંદીપ વોશરૂમ તરફ રવાના થયો. ગરમ પાણીનો નળ ચાલુ કરી પોતાના ચહેરા પર છાંટ્યું. એકાદ ખોબા પાણીમાં કોઈ અજબ શકતી છુપાયેલ હોય એમ તેના પુરા શરીરમાંથી ઊંઘ ઉડી ગઈ.

“તારી ચા તૈયાર છે. નીચે આવી અમારી સાથે નાસ્તામાં જોડાઈ જા.” કહી કવિતા રૂમમાંથી બહાર નીકળી ગઈ.

“ભલે બોસ.” સંદીપે ફરી મજાક ભર્યા અવાજે કહ્યું.

બ્રશ અને નહાવાનું પતાવી એ વોશ રૂમમાંથી બહાર આવ્યો, પોતાની રોજની આદત મુજબ એને પોતાના વોર્ડરોબમાંથી સફેદ શર્ટ અને કોટન પેન્ટ બહાર કાઢ્યા.

થોડાક સમય બાદ સંદીપ ડાઈનીગ ટેબલ પર કવિતા અને મમ્મી સાથે પોતાની સવારની ચા લઇ રહ્યો હતો. જયારે ગાલા પરિવારના ત્રણ સભ્યો ડાયનીંગ ટેબલ પર બેસી સવારની ચા સાથે નાસ્તો લઇ રહ્યા હતા. એ ભવ્ય બંગલો બહારથી જેટલો સુંદર દેખાઈ રહ્યો હતો એનાથી પણ વધુ અદભુત અંદરથી દેખાઈ રહ્યો હતો. એક ભવ્ય ઘરને શોભે તેવું પોલીશ કરેલ લાકડાનું ફર્નીચર પુરા ફોયરને ચમકાવી રહ્યું હતું.

કદાચ ગાલા પરિવારને લાકડાની ચીજો વધુ પસંદ હશે કેમકે ઘરમાં ક્યાય સ્ટીલ ફર્નીચર ન હતું. રોઝવુડથી બનાવેલ ડાયનીંગ ટેબલ, લાકડાની ખુરશીઓ, પ્યોર સાગના સોફાઓ, ચાલીશ ઈંચની એલ ઈ ડી ને દીપાવી દે તેવું લાકડાનું એલ ઈ ડી શો કેશ, અને એવી દરેક વસ્તુઓ જે એક સારા ઘરમાં હોવી જોઈએ એ બધું જ એ બંગલાના ફોયરમાં હાજર હતું.

ઘરમાં જનારને ફોયર પરથી જ એ પરિવારનો લાકડા પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવે તેમ હતો અને એમાય એ લોકોને ખાસ એન્ટીક રાચરચીલું પસંદ હોય તેમ લાગતું હતું.

ડાયનીંગ એરિયા પણ ખાસ્સો એવો મોટો હતો, લગભગ આઠ બાય ચારનું ડાયનીંગ ટેબલ અને છ લાકડાની સુંદર ખુરસીઓ સમાવ્યા બાદ પણ ગમે તે બાજુથી ઉભા થઇ ચાલી શકાય તેટલી જગ્યા આરામથી બચતી હતી. સંદીપ અને કવિતા સામસામેની ખુરસીઓ પર ગોઠવાયેલ હતા જયારે સંગીતાબેન મુખ્ય ખુરશી પર બેઠા હતા.

“લૂકિંગ ગૂડ.” કવિતાએ સંદીપ તરફ જોઈ કહ્યું.

“થેન્ક્સ, કેયા.”

“મમ્મી, પ્લીઝ આને કહેને મને કેયા કહી ન બોલાવે. મારું નામ કવિતા છે કવિતા ગાલા.”

“સંદીપ બેટા, એની ચીડવ નહિ.” સંગીતાબેને ફેક એન્ગર બતાવતા કહ્યું.

“હા, મમ્મી પણ નકામી ગુસ્સે થવાનો ટ્રાય ન કર તારો ગુસ્સો નકલી છે એ દેખાઈ આવે છે કોઈ તને ફિલ્મમાં તો શું સીરીયલમાં પણ રોલ ન આપે જો તું આવી એક્ટિંગ કરે તો.” સંદીપે કહ્યું અને ત્રણે જણ હસવા લાગ્યા.

સંદીપની વાત પણ સાચી હતી સંગીતાબેન દયાળુ અને શાંત સ્વભાવના હતા સાચું ગુસ્સે થવું તો દૂરની વાત હતી એને તો ગુસ્સે થવાનો અભિનય કરતા પણ નહોતું આવડતું. આજ સુધી કોઈ પાડોશીઓએ પણ સંગીતબેનને ગુસ્સે થયેલ કે પોતાના બાળકો સાથે ઊંચા અવાજે વાત કરતા સાંભળ્યા જ નહોતા.

ચા નાસ્તો પતાવ્યા બાદ સંદીપ ડાયનીંગ ટેબલ છોડી કોચ પર જઈ ગોઠવાયો અને ટીવીનું રીમોટ હાથમાં લીધું. એ એનો રોજનો ક્રમ હતો. એને ચા નાસ્તા બાદ ટી વી પર સમાચાર સાંભળવાનું પસંદ હતું. એમાય ખાસ લોકલ ન્યુઝ ચેનલ પરના સમાચારો જેથી પોતાના આસપાસના વર્તમાનનો ખયાલ રહે.

“સંદીપ ચાલ મારા રૂમમાં.” કવિતાએ એના હાથમાંથી રીમોટ લઇ લેતા કહ્યું.

“હું તારા રૂમમાં આવી સવારથી બોર થવા નથી માંગતો તું ફરી મને ક્યાંક તારા ભૌતિક વિજ્ઞાનના પ્રયોગો બતાવીશ અને એનાથી હું કંટાળી જાઉં છું.” કવિતા કેમ ઉપરના રૂમમાં જવાનું કહે છે એનું કારણ જાણ્યા વિના જ સંદીપે કહ્યું.

“મને ચીડવ નહિ, અને ભૌતિક વિજ્ઞાનના પ્રયોગ વિશે વાત નથી.”

“તો તે બનાવેલ નવા કોઈ મોડેલ વિશે હશે?”

“આઈ પ્રોમિસ કઈક અલગ જ છે કઈક ખાસ છે.”

“પણ હું નથી જોવા માંગતો.”

“ચાલને હવે વધારે નાટક કાર્ય વગર.” કવિતા તેના શર્ટની બાય પકડી જીદ કરવા લાગી.

“ઓકે. હું આવું છું ઇસ્ત્રી ના બગાડ.” સંદીપે પોતાના શર્ટની બાય કવિતાના હાથમાંથી છોડાવતા કહ્યું.

કવિતાએ બાય છોડી દીધી અને તે ઉપર જવા માટેની સીડીઓ તરફ ચાલવા લાગી. સંદીપ પણ તેની પાછળ જવા લાગ્યો. બંને કવિતાની રૂમના દરવાજે પહોચ્યા. દરવાજો બહારથી બંધ કરેલ હતો.

ઉપરના મળે પણ બે રૂમ હતા જેમાંના એક રૂમમાં કવિતા રહેતી અને બીજા રૂમનો ઉપયોગ સ્ટોર રૂમ તરીકે થતો, કવિતાએ બનાવેલ મોટાભાગના મોડેલો એ રૂમમાં જ પડ્યા રહેતા.

“તારી આંખો બંધ કર.” કવિતાએ કહ્યું.

“હવે આ વળી શું નવું નીકાળ્યું છે? કવિતા હવે આપણે નાના બાળકો નથી. કમ ઓન થોડુક મોટાની જેમ બિહેવ કર.” સંદીપે તેનો ઉપહાસ કરતા કહ્યું.

“જસ્ટ ડુ ઈટ પ્લીઝ.”

“બટ વાય?”

“પ્રશ્નો ન પૂછ, તને બધું સમજાઈ જશે.” કવિતાએ પોતાના નિર્દોષ ચહેરાની વધુ નિર્દોષ અને ભોળો બનાવતા કહ્યું.

“હવે શું?” સંદીપે પોતાની આંખો બંધ કરી કહ્યું.

“એક મિનીટ રાહ જો આંખો બંધ જ રાખજે હું કહું પછી જ ખોલજે.”

કવિતાએ હળવેથી દરવાજાનું હેન્ડલ ફેરવી દરવાજો ખોલ્યો, સંદીપનો હાથ પકડી તેને અંદર દોરી ગઈ.

“હવે તું આંખો ખોલી શકે છે.” કવિતાના અવાજમાં ખુશીનો ભાવ હતો.

કવિતાએ વહેલી સવારે ઉઠીને જ પુરા રૂમને શણગારી દીધો હતો, એ માટે તે વહેલી ચાર વાગે ઉઠી હતી અને બે ત્રણ કલાક જેટલું મથી હતી. આર કે ગીફ્ટ એન્ડ આર્ટીકલ્સમાંથી લાવેલા વિવિધ રંગના અને વિવિધ કદના ફુગ્ગા, અને દીવાલો પર લટકતી તેવીજ વિવીધ રંગની રીબીનો રૂમને આકર્ષક બનાવી રહી હતી. રૂમ ખાસ મોટો તો ન હતો અને એમાય ઉપરને માળે હોવાથી એમાં એક વોર્ડરોબ શિવાય ખાસ કોઈ ફર્નીચર પણ ન હતું. માત્ર કવિતાનો બેડ અને એ વોર્ડરોબ બે જ લાકડાની ચીજો એ રૂમમાં હતી એમ કહો તો ચાલે પણ કવિતા એ કરીલા ડેકોરેશને રૂમની સુંદરતામાં ચાર ચંદ લગાવી દીધા હતા. કોઈ સામાન્ય દિવસે એ રૂમ જેટલો સુંદર દેખાય એના કરતા અનેક ગણો વધારે સુંદર દેખાઈ રહ્યો હતો. બેડ નાની- મોટી સાઈઝના વિવિધ ફૂગ્ગાથી પેક થયેલ હતો. અને દીવાલો પર રીબોનો અને ટેપની મદદથી ઠેર ઠેર ફૂલો લગાવેલ હતા, રૂમની અંદરનું દ્રશ્ય કોઇ પણ ને સરપ્રાઈઝ આપવા માટે પુરતું હતું.

સંદીપે પોતાની આંખો ખોલી અને રૂમના ડેકોરેશનને જોઈ એકદમ નવાઈ પામ્યો.

“હેપી બર્થ ડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ ડીયર બ્રધર.” કવિતાએ પોતાના મધુર અવાજમાં ગાવાનું શરુ કર્યું.

પણ એવું લાગી રહ્યું હતું જાણે સંદીપને એ બધું સંભળાતું જ નહોતું…! એ ફાટી નજરે રૂમને જોઈ રહ્યો હતો. કવિતાને હતું કે સંદીપને નવાઈ લાગશે એ એને સરપ્રાઈઝ આપવા માંગતી હતી પણ એણીએ ધાર્યું હતું એનાથી વધુ નવાઈ પામી સંદીપ રૂમને જોઈ રહ્યો હતો, એવું લાગી રહ્યું હતું જાણે એ રૂમ જોઈ ડઘાઈ ગયો હતો.

“હેય, સંદીપ.”

કોઈ જવાબ ન આવ્યો.

“સંદીપ.”

સંદીપ તરફથી કોઈ વળતો જવાબ ન મળ્યો, એ હજુ રૂમને ફાટી આંખે જોઈ રહ્યો હતો.

“ભાઈ.”

સ્તીલ નો આન્સર.

એકાએક સંદીપે પોતાના હાથની બંને હથેળીઓને પોતાના લમણા પર ભેરવી દીધી એ ને ચક્કર આવવા લાગ્યા હોય તેમ એ નીચે બેસી ગયો. કવિતા પણ એની પાસે બેસી ગઈ અને એની તરફ જોઈ રહી. સંદીપની આંખો ચકળ વકળ થઇ એ રૂમને જોઈ રહી હતી. એને જમીન પર બેસી પોતાના બંને ઘૂંટણ વાળીને પોતાની છાતીને અડકાડી દીધા અને પોતાના બંને હાથને તેના ફરતે વીંટાળી દીધા જાણે કોઈ બાળક અંધારાથી ડરીને કોઈ ખૂણામાં લપાઈને બેસી રહેવા માંગતું હોય પણ હવે તે ક્યા બાળક હતો એ તરકીબ પણ જાણે નિષ્ફળ નીવડી રહી હોય તેમ હજુ તેની આંખો તેના હ્રદયની ગભરાહટ વર્ણવી રહી હતી.

એની એ હાલત જોઈ કવિતા એકદમ ગભરાઈ ગઈ. તે સમજી શકતી ન હતી કે સંદીપને શું થઇ રહ્યું છે? તેને એ પણ સમજાઈ ન હતું રહ્યું કે એ પરિસ્થિતિ દરમિયાન પોતે શું કરવું જોઈએ. તેનું મન કોઈ પણ નિર્ણય લેવા માટે અસમર્થ હતું. તે કાઈ ન કરી શકતા બુમ પાડી, “મમ્મી.”

તેના અવાજમાં ડરની ધ્રુજારી દેખાઈ રહી હતી.

અને ફરી, “મમ્મી.. મમ્મી” બુમો લગાવી, એજ ડર એના અવાજમાં વર્તાઈ રહ્યો હતો.

સંગીતાબેને એ અવાજ રસોઈઘરમાં સાંભળ્યો હશે તે પોતાના ઘરકામના પરચુરણ કામોમાં વ્યસ્ત હતી એ કામ છોડી ઉપરની સીડીઓ તરફ દોડી.

રૂમમાં આવતા જ સંદીપને જમીન પર એ રીતે ગભરાયેલ હાલતમાં બેઠેલ જોઈ એ પોતે પણ ડઘાઈ ગઈ. તેના ચહેરા પર સંદીપના ચહેરા કરતા પણ વધુ નવાઈ અને ડરના ભાવ હતા છતા ગમે તેમ તોય એ એક ઘડાઈ ચૂકેલ સ્ત્રી હતી.

“કવિતા, શું થયું?”

“ખબર નથી એકાએક એ આમ નીચે બેસી ગયો.”

“જા, ફટાફટ ફ્રિજમાંથી ઠંડા પાણીનો બાટલો લઇ આવ.”

કવિતા દોડતી સીડીઓ ઉતરી ગઈ અને ફ્રિજમાંથી ઠંડા પાણીની બોટલ લીધા બાદ દરવાજો પણ બંધ કરવા રહ્યા વિના તે જેટલી ઝડપથી સીડીઓ ઉતરી હતી તેટલી જ ઝડપથી સીડીઓ ચડી રૂમમાં પહોચી.

“સંગીતાબેને તેના હાથમાંથી પાણીની બોટલ લઇ સંદીપના માથા પર એ બોટલ ઉંધી વાળી દીધી. ઠંડુ પાણી માથા પર પડવાથી એકદમ ઊંઘમાંથી સફાળો જાગ્યો હોય એમ તે ઉછળ્યો.

“શું થયું બેટા?” સંગીતાબેને પોતાનો હાથ તેના માથા પર મૂકી તેના બાજુમાં બેસતા કહ્યું.

તેની મમ્મીના ચહેરાને જોયા બાદ તેની ગભરાહટ જરાક ઓછી થઇ હોય એમ લાગી રહ્યું તે પોતાની આંખ પલાકાવ્યા વિના ઘડીક તેની મમ્મીને તો ઘડીક કવિતાને જોઈ રહ્યો.

“શું થયું હતું બેટા?”

“જ્યારે મને કવિતા રૂમમાં લઇ આવી અને આંખ ખોલવાનું કહ્યું હું રૂમની સજાવટ જોઈ ખુશીથી નાચી ઉઠ્યો પણ બીજી પળે મારું મન કોઈ જાદુગર હોય તેમ રૂમના અંદરની બધી વાસ્તવિકતાને બદલવા લાગ્યું. બેડ પર પડેલ નાના નાના ફુગ્ગા મોટા થઇ ગયા અને અંદર ગેસ ભરેલ હોય તેમ બધા છતને જઈને ચોટી ગયા. તેમના રંગ પણ બદલાઈ ગયા તેઓ રંગીન ન હતા રહ્યા પણ જાણે કે કાળા અને ધોળા માત્ર બે જ રંગ બતાવી રહ્યા હતા.”

બોલતી વખતે પણ સંદીપ બેબાકળો થઇ રહ્યો.

“ધીરેથી કહે બેટા, ગભરાઈશ નહિ.”

“દીવાલ પર રહેલ કવિતાનો ફોટો જાંખો બનવા લાગ્યો અને ફોટોફ્રેમમાંથી જાણે કે એ ગાયબ થઇ ગઈ એને બદલી કોઈ બે અજાણ્યા ચહેરા ત્યાં ફોટામાં ઉદભવ્યા, તેમનો એક ચહેરો પુરુષનો અને બીજો કોઈ મહિલાનો હતો મેં એ ચહેરાઓને ક્યારેય જોયેલ નથી છતાં મને એમ લાગી રહ્યું હતું કે જાણે હું તેમને ઓળખતો હોઉં, એ બંને જાણે મને જ ધારી ધારી ને જોઈ રહ્યા હોય. અહી જ્યાં કોઈ કબાટ નથી ત્યાં દીવાલો પર બધે કબાટ હતા અને આખો રૂમ સુંદર ફર્નીચરથી સજાવેલ હોય તેમ દેખાવા માંડ્યું.”

સંદીપ એક પળ માટે શ્વાસ લેવા રોકાયો.

“એ બધું એટલું વાસ્તવિક લાગી રહ્યું હતું કે મારું મન વાસ્તવિકતા અને ભ્રમણા વચ્ચેનો ભેદ સમજી શકવા અસમર્થ હતું. હું જાણતો હતો કે એ બધું વાસ્તવિક ન હતું પણ એમાંનું શું વાસ્તવિક હતું અને શું મારા મનનો ભ્રમ હતો એ મને સમજાઈ ન હતું રહ્યું. દસથી બાર વરસની ઉમરના સાત આઠ છોકરા છોકરીઓ આ રૂમમાં નાચી અને ગાઈ રહ્યા હતા, બેડ પર બેઠેલ એક તેમની જ ઉમરના છોકરાનો જનમ દિવસ મનાવી રહ્યા હતા, એ છોકરો મારી સામે જ બેડ પર બેઠેલ હતો પણ એ બેડ અલગ હતો, એ કવિતાનો બેડ ન હતો. મને ઈલ્યુશન અને રીયાલીટી વચ્ચેનો તફાવત ભુલાઈ રહ્યો હતો. પેલા ખૂણામાં હમણા કશુ જ નથી ત્યાં એક મોટું ટેબલ પડ્યું હતુ અને તેના પર વિવિધ ગીફ્ટોના બોક્ષ રાખેલા હતા.”

“શાંત થઈ બોલ, તારા શ્વાસ ઝડપી ચાલી રહ્યા છે.” સંગીતાબેને તેને ફરી રોકતા કહ્યું.

“હું શાંત જ છું મમ્મી પણ જ્યારે મને કવિતાનો અવાજ સંભળાયો હેપી બર્થડે ટુ યુ…. એ અવાજ ત્યાં રહેલ દરેક બાળકે પણ સાંભળ્યો હોય એમ લાગ્યું, એ અવાજ સાંભળતાજ એ બધા એકદમ ગભરાઈ ગયા હોય તેમ એકબાદ એક મારી તરફ જોઈ ગાયબ થવા લાગ્યા અને છેલ્લે પેલો છોકરો જે બેડ પર બેઠો હતો એણે પણ મારી સામે જોયું અને પાતળી હવામાં ગાયબ થઇ ગયો. એમના જવા સાથે જ જાણે એ રૂમની દરેક ચીજ આપમેળે ઠીક થવા લાગી. દીવાલોમાં લાગેલ દરેક ટેબલ એક પછી એક અદશ્ય થવા લાગ્યું અને પેલા ખુલામાં જ્યાં મોટું ટેબલ હતું તે ત્યાં ન રહ્યું તે ખૂણાએ પોતાનો ખાલીપો પાછો મેળવી લીધો હતો.” સંદીપ હાથના ઈશારા કરતો બોલી રહ્યો, “એક પછી એક ફુગ્ગો ઉપરથી નીચે આવવા લાગ્યો, તેમના કદ હતા એટલા નાના થઇ ગયા અને તેમના અસલ રંગમાં આવી ગયા. લાકડાનું બધુજ ફર્નીચર ગાયબ થઇ ગયું. મેં કવિતાના ફોટા તરફ જોયું, હજુ ત્યાં પેલા અજાણ્યા ચહેરાઓ હતા પણ પહેલા જેવા નહિ તેઓ આછા દેખાઈ રહ્યા હતા, મેં એમની તરફ જોયું એ એમને ન ગમ્યું હોય તેમ તેઓ વધુને વધુ આછા થવા લાગ્યા અને તેમના પાછળ કવિતાનો ઝાંખો ચહેરો દેખાવા લાગ્યો, એ ઝાંખો ચહેરો ધીમે ધીમે સ્વસ્થ થવા માંડ્યો અને આખરે પેલા અજાણ્યા ચહેરા એ ફોટો ફ્રેમમાંથી ગાયબ થઇ ગયા અને કવિતાએ એ ફોટો ફ્રેમમાં પોતાનું સ્થાન પાછું મેળવી લીધું. આ બધું શું હતું મમ્મી આ બધું કેમ થયું??”

સંદ્દીપ એકી શ્વાશે ઘણું બાધુ બોલી ગયો. તેનો અવાજ ડરને લીધે ભાંગી પડેલ અને તૂટેલ વ્યક્તિ જેવો હતો.

“બે વરસ પહેલા તારા બાઈકનો રોડ અકસ્માત થયો હતો. એ બહુ ગંભીર અકસ્માત હતો તને એની અસરમાંથી બહાર આવતા પૂરું એક વર્ષ થયું હતું. તારા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને એક વરસની સારવાર બાદ તને ઠીક થયેલ જોઈ, તારા જીવનને જોખમમાંથી બહાર આવેલ જોઈ અમે બહુ ખુસ થયા હતા પણ એ સાથે જ અમારે એ સત્ય પણ સ્વીકારવું પડ્યું કે તું તારી યાદદાસ્ત ગુમાવી બેઠો હતો. તને તારા ભૂતકાળ વિશે કાંઈજ યાદ ન હતું ત્યાં સુધી કે તું અમને પણ ભૂલી ગયો હતો તને ઇવેન તારું પોતાનું નામ પણ યાદ ન હતું રહ્યું. તારા મગજમાં અઢાર વરસનો એક લાંબો વાઈટ આઉટ છે મને લાગે કદાચ આ એની અસર હોઈ શકે જયારે તે કવિતાએ શાજાવેલ રૂમ જોયો એની તારા અસ્થાયી અમનેસિઆ પર અસર થઇ હશે.” સંગીતાબેને તેને સમજાવતા કહ્યું.

“કદાચ સરપ્રાઈઝને લીધે તારા સુસુપ્ત મન પર એક આંચકો લાગ્યો હશે અને કેટલાક એવા ન્યુરોન્સ જે આજ સુધી કામ ન હતા કરી રહ્યા એ કામ કરવા લાગ્યા હશે અને તું તારા ભૂતકાળના એકાદ જનમ દિવસને યાદ કરવામાં સફળ રહ્યો હોઈશ. તે તારા એકાદ જન્મદિવસનું ઝાંખું ચિત્ર જોયું હશે એમ મને લાગે છે.” કવિતાએ પણ એને સમજાવવા પ્રયત્ન કર્યો.

“પણ કેમ?” વારાફરતી બંને તરફ જોઈ સંદીપે સવાલ કર્યો.

“કેમ એતો ખબર નથી પણ તે એક સારી નિશાની છે એટલું હું કહી શકું, ડોક્ટરોએ કહ્યું હતું કે એ રીટરોગેટીવ એમ્નેસીયા હતો એટલે ધીમે ધીમે તારી યાદદાસ્ત પાછી આવવાની શક્યતા હતી. કદાચ તારા મને ફ્લેશબેક મેળવવાનું શરુ કરી દીધું છે ડોક્ટરોના માનવા મુજબ એ એક સારી નિશાની છે.”

“શું હું બધું યાદ કરી શકીશ?”

“હા, બેટા…મને આશા છે તું એકદિવસ બધું યાદ કરી શકીશ.” સંગીતાબેને તેના તરફ જોયા વિના કહ્યું. કદાચ એને ડર હતો કે એની આંખો કહી દેશે કે એ પોતાના દીકરા સામે જ જુઠ્ઠું બોલી રહી છે, એને ડર હતો કદાચ સંદીપ એના ચહેરા પરથી જાણી જશે કે તે નથી ઇચ્છતી કે સંદીપ ક્યારેય પોતાની મેમરી પાછી મેળવી શકે.

“બેટા કવિતા મારા અને સંદીપ માટે ચા બનાવ.” સંદીપ વધુ કાઈ સવાલ જવાબ કરે તે પહેલા સંગીતાબેને કવિતા તરફ જોઈ કહ્યું.

કવિતા, સંદીપ અને સંગીતાબેન ત્રેણેય નીચે આવ્યા. કવિતા કિચનમાં ચા બનાવવા ગઈ અને સંદીપ તથા સંગીતાબેન ફોયરમાં સોફા પર ગોઠવાયા.

સંગીતાબેને ટીવી ચાલુ કર્યું અને ત્રણેયે ટીવી સાથે ચા લીધી.

થોડાક સમય બાદ સંગીતાબેન ઘરના પરચુરણ કામમાં વ્યસ્ત થઇ ગયા. કવિતા પોતાના રૂમમાં પોતાના ભૌતિક વિજ્ઞાનના પ્રયોગોમાં ખોવાઈ ગઈ. તે પોતાના પુસ્તકો સાથે વ્યસ્ત બની ગઈ. બસ સંદીપ પાસે વિચારવા સિવાય કોઈ કામ ન હતું. તે પોતાના મન સાથે સવાલ જવાબ કરવામાં વ્યસ્ત હતો. તે પોતાના મનના વિચારોમાં ગુંચવાયેલ હતો. ભલે તમારી યાદદાસ્ત ચાલી જાય પણ એનાથી તમે સ્ટુપીડ તો નથી જ બની જતા જો તમે તમારી યાદ શકતી ગુમાવ્યા પહેલા સ્ટુપીડ ન હોવ અને સદભાગ્યે સંદીપ તેના મેમરી લોસ પહેલા સ્ટુપીડ ન હતો.

“હું શા માટે કઈ જ યાદ કરી શકતો નથી? જો હું મારા ઘણા વરસો પહેલાના જનમ દિવસને યાદ કરી શકતો હોઉં તો મારા નજીકના ભૂતકાળને કેમ યાદ નથી કરી શકતો? મને કેમ યાદ નથી કે કવિતા મારી બહેન છે? મને કેમ યાદ નથી કે હું જે સત્રીને મા કહી સંબોધું છું એ મારી મા છે? મને મારા પિતા કેમ યાદ નથી? મારા જનમ દિવસ પર મમ્મી પપ્પા કેમ ન હતા? કવિતા ત્યાં કેમ ન હતી?

મેં જોયેલ બે અજાણ્યા ચહેરા કોના હતા?

તેના મનમાં અનેક સવાલો હતા જેના જવાબો તેની પાસે ન હતા. એક ઊંડો શ્વાસ લીધો. તેના મનને શાંત કરવાનો પ્રયાસ કર્યો પણ એ નિષ્ફળ રહ્યો વિચારો એના મનમાં વીજળીની જેમ દોડી રહ્યા હતા.

તે પોતાના રૂમમાંથી બહાર નીકળી સીડીઓ ચડવા લાગ્યો.

જયારે તે કવિતાના રૂમમાં પહોચ્યો કવિતા યોગની પ્રેકટીસમાં વ્યસ્ત હટી. સેમના ફૂટ સ્ટેપ્સ સંભાળતા જ તેણીએ પોતાની આંખો ખોલી અને તેની તરફ જોઈ સ્મિત વેર્યું.

“હવે તને કેમ છે?”

“પહેલા કરતા સારું.” સંદીપ કવિતાના બેડની કિનાર પર ગોઠવાયો અને કહ્યું, “હું તને કઈક પૂછવા માંગું છું.”

“શું?” કવિતા એ ચોકીને કહ્યું, તેના ચહેરા પરના ભાવ કળી ન શકાય તેવા હતા, સામાન્ય રીતે જોઈએ તો એ સવાલ કાઈ એટલો ચોકવા જેવો ન હતો.

“મને મારા ભૂતકાળ વિશે બધું કહે. હું મારા વિશે જાણવા માંગું છું.”

કવિતાના ચહેરા પરનું સ્મિત ક્યાંક અદશ્ય થઇ ગયું. તે નક્કી ન કરી શકી શું કહેવું જોઈએ. તેણીએ પોતાના મનનો ડર તેના ચહેરા પર ન દેખાઈ આવે એનું ધ્યાન રાખતા કહ્યું, “તારો ભૂતકાળ તો અઢાર વર્ષનો છે હું તને પાંચ કે દસ મીનીટમાં કઈ રીતે કહી શકું? તારા કોઈ ખાસ ચીજ વિશે જાણવું હોય તો પૂછ હું તને કહી શકું.”

“ઓકે. મને મારા અકસ્માત વિશે કહે.”

“આપણે ધાનેરામાં રહેતા હતા ત્રણ વર્ષ પહેલાની વાત છે. આપણે એક જ શાળામાં હતા અને આપણી સાથે ઘણા મિત્રો હતા જયારે નાના હતા તું ભણવામાં ખુબ જ હોશિયાર હતો. સંત અન્ના હાઈ સ્કુલમાં ભણતા હતા બંને.”

“શું આપણે જુડવા છીએ?”

“હા પણ હું તારાથી એક મિનીટ મોટી છું.”

“મારો અકસ્માત ક્યાં થયો હતો?”

“ધાનેરામાં… એક ઓવરસ્પીડ કારે તારા બાઈકને પાછળથી ટક્કર મારી હતી. તારો અકસ્માત ત્રણ વર્ષ પહેલા ગ્રીન પાર્ક સોસાયટી પાસે થયો હતો.”

કવિતા સંદીપને ખોટી કહાની બનાવી સંભળાવી રહી કેમકે તે એને તેના દર્દનાક ભૂતકાળથી દુર રાખવા માંગતી હતી. હા, જોકે તે સંપૂર્ણ પણે ખોટું નહોતી બોલી રહી બસ જરૂર જેવું લાગે ત્યાં થોડા ઘણા ફેરફાર કરી રહી હતી.

“પપ્પાને ત્યાં પણ ધડીયાળની દુકાન હતી?”

“ના, પપ્પા ત્યાં એક ઘડીયાળની કંપનીમાં કામ કરતા હતા.”

“તો આપણે એ શહેર છોડી કેમ અમદાવાદ આવ્યા?”

“પપ્પા જે કંપનીમાં કામ કરતા હતા એ કંપનીના માલીક પપ્પા પર પૂરો વિશ્વાસ કરતા હતા પણ કંપની માલીકનું એક દુર્ઘટનામાં કરુણ અવશાન થયા બાદ કંપનીનો મેનેજર પપ્પાને કનડગત કરવા લાગ્યો. એ કંપનીના રૂપિયા પચાવી પાડવા માંગતો હતો જેમાં એને પપ્પાની વફાદારી નડતી હતી માટે તે તેમને અલગ અલગ રીતે હેરાન કરવા લાગ્યો અને અંતે પપ્પાએ કંટાળીને રાજીનામું આપી દેવું પડ્યું. એ શહેરમાં નાની દુકાનના ધંધામાં હરીફાઈ બહુ હતી અને પપ્પાને ઘડિયાળના દરેક કામની સુજ મળી ચુકી હતી એટલે આપણે અમદાવાદ આવી નશીબ અજમાવવાનું નક્કી કર્યું.”

“ઓકે, મારું માથું થોડુક ભારે છે હું જાઉં છું મને આરામની જરૂર હોય એમ લાગી રહ્યું છે.”

“ઓકે ભાઈ.. તું બહુ વિચારીશ નહી એનાથી તારું માથું દુ:ખતું હશે બસ તું એટલું યાદ રાખજે કે મમ્મી પપ્પા અને હું તને ખુબજ પ્રેમ કરીએ છીએ અને એક દિવસ જરૂર તને બધું યાદ આવી જશે.”

“હા, હું જાણું છું અને હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું. ભલે મને યાદ ન હોય પણ તમે મારા પરિવારના સભ્યો છો.” સંદીપે રૂમ છોડતા પહેલા કહ્યું.

થોડાક સમયબાદ કવિતા પણ તૈયાર થઇ ચાંદખેડા આર્ટ ગેલેરી તરફ રવાના થઇ, તે અવારનવાર નવાર એ ગેલેરી અને તેની પાસે રહેલ લાયબ્રેરીની મુલાકાત લેતી.

લેખક : મહેન્દ્ર ત્રિવેદી (દેવ) તથા વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

ક્રમશ: વધુ આવતી કાલે સવારે 9 વાગ્યે…..

3 Replies to “સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -1)”

Comment here