safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -1૩)

તુષાર અને કવિતા જયારે નીચે આવ્યા ત્યારે રિશી કુમાર અને રાકેશ ગાલા પૂતળાની જેમ મુખ્ય ખંડમાં ઉભા હતા. કદાચ એમણે સાંભળ્યો તે રીશીકુમાર અને રાકેશ ગળાના બોલવાનો નહિ પણ આસપાસમાંથી કેટલાક પડોસીઓ ત્યાં ભેગા થયા હતા એમનો અવાજ હશે.

તુષાર અને કવિતા પણ નીચે આવી તેમની સાથે મૂંગા બની ઉભા રહ્યા. કોઈની કશું બોલવાની હિમ્મત ન હતી. કોની હિમ્મત ચાલે એક મા ને કહેવાની કે તારા દીકરાનો ચહેરો છેલ્લી વાર જોઇલે ત્યારબાદ હવે તને એ ચહેરો ક્યારેય જોવા નહિ મળે? સંગીતા બેન માટે સંદીપ દીકરા સમાન જ હતો!

“રાકેશ ગાલા હવે તૈયારી કરો બપોરનો સમય તો થઇ ગયો છે સાંજ પહેલા અગ્નિસંસ્કાર કરવા જરૂરી છે.” બધાને મૂંગા બની ઉભેલ જોઈ શર્માને લાગ્યું કે કદાચ તેના સિવાય કોઈ એ વાત નહિ બોલી શકે.

“હા, બસ હવે નીકળવું જ પડશે, જે હતું તે તો બધું પૂરું થઇ ગયું.” રાકેશભાઈ નિશ્વાસ સાથે બોલ્યા અને શર્મા સાથે દરવાજા તરફ જવા લાગ્યા.

“મને એક વાર મારા દીકરાને જોવા દો! પછી તમારે એને જ્યાં લઇ જવો હોય ત્યાં લઇ જાઓ.” સંગીતાબેને રડતા રડતા કહ્યું.

શર્મા અને રાકેશ ગાલા બંને દરવાજા પાસે જ અટકી ગયા. સંગીતાબેન તેમની જગ્યાએથી ઉભા થયા અને તેમની સાથે તેમની આસપાસ બેઠેલ આડોસ પાડોસની જે સ્ત્રીઓ તેમને દિલાશો આપવા માટે આવી હતી તે પણ ઉભી થઇ. તેઓ બધા મુખ્ય દરવાજાની બહાર આવ્યા.

માની આંખોમાંથી આપમેળે જ આંસુઓ વહી રહ્યા હતા, કવિતા હજુ દરવાજા પાસે જ ઉભી હતી. કદાચ તેના પગ સામે પાર્ક કરેલ એમ્બ્યુલન્સ તરફ જવા ન હતા માંગતા. કદાચ તેનામાં સંદીપને છેલ્લીવાર જોવાની હિમ્મત ન હતી. તેની આંખોમાંથી પણ આંસુઓ ઓવરફલો થઇ રહ્યા હતા અને તેના ડમ્પ ગાલ પરથી વહી નીચે જમીન પર પડી રહ્યા હતા. તેની આંખોમાં દેખાઈ રહેલું દુ:ખ જોનારના હ્રદયને પણ પીગાળીદે તેવું હતું. તે હળવેથી રડી રહી હતી, કદાચ તેને ડર હતો કે પોતાને જોરથી રડતી જોશે તો મમ્મી પણ પોતાની જાત પરનો કાબુ ગુમાવી નાખશે.

તુષાર તેની બાજુમાં ઉભો હતો. તેને હજુ મમ્મીને અંતિમ વખત જોઈ એ યાદ હતું. તેને એ દુ:ખ યાદ હતું પણ કદાચ અત્યારે તેને લાગી રહ્યું હતું કે કવિતાની આંખોમાંથી ટપકી રહેલ દુ:ખ એના દુ:ખ કરતા પણ વધુ હતું. તુષાર માટે કવિતાને એ હાલતમાં જોવી પેઈનફુલ હતું. કદાચ તેને કવિતા પ્રત્યે વધુને વધુ લાગણી થઇ રહી હતી કેમકે કવિતા એ વ્યક્તિ માટે રડી રહી હતી, તે માત્ર હૃદયની સગાઇ માટે રડી રહી હતી, કદાચ તુષારે જીવનમાં પહેલીવાર કોઈને લોહીની સગાઇ માટે નહી પણ પ્રેમની સગાઇ માટે આટલું દુ:ખી થતા જોયું હતું બાકી તો માત્ર તેને પુસ્તકોમાં જ એવા સારા હૃદયના માણસો વિશે સાંભળ્યું હતું પણ એ સમયે તુષારને લાગી રહ્યું હતું જાણે તેની સામે ઉભેલ કવિતા આ દુનિયાની છોકરી હતી જ નહિ પણ કોઈ લેખકે પોતાની કલ્પનાથી બનાવેલ કોઈ કહાનીનું પાત્ર હતી જેનામાં લેખકે દરેક ઉમદા ગુણો મન મુકીને ભર્યા હતા.

કવિતા હળવું રડી રહી હતી પણ તેની આંખોમાંથી વહેતા આંસુઓ તેમાં છુપાયેલ અનંત વેદનાને છતી કરી રહ્યા હતા. તુષારે તેના ખભા પર હાથ મુક્યો અને એ સાથે જ કવિતા તેને બાજી પડી અને ડૂસકે ડૂસકે રડવા લાગી. તુષાર એમ જ ઉભો રહી ગયો કદાચ કવિતાને સાત્વના આપવા માટે શું કરવું તે તેને સમજાઈ ન હતું રહ્યું. તે કવિતાના સુકા આંસુઓને તેના સફેદ લીનન શર્ટમાં શોષાતા જોઈ રહ્યો, તેના આંસુ પરથી તેને લાગી રહ્યું હતું જાણે કે તે અલગ જ આંસુ હતા, તે જેમ પુસ્તકને ઓળખતો હતો તેટલી જ સારી રીતે વ્યક્તિના આંસુઓને પણ ઓળખી શકતો હતો અને તેને લાગી રહ્યું હતું કે એ આંસુ કેટલા અલગ હતા, એ સુકા આંસુઓ હ્રદયમાં સળગતી વેદનાની ભઠ્ઠી પર તપીને ગરમ થઈને આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું. તેણે કવિતાને પોતાના આંસુઓ સાથે સંઘર્ષ કરતી અનુભવી, તે સમજી શકતો હતો કે કવિતા પોતાના આંસુઓને રોકી રાખવા ખુદ સાથે લડાઈ કરી રહી હતી પણ તે એનો નિષ્ફળ પ્રયાસ હતો. તે તેના આંસુ રોકવાના દરેક પ્રયાસ સાથે ગુંગળામણ અનુભવી રહી હતી, દુ:ખ તેની છાતીમાં પથ્થર બનીને બેસી ગયું હોય તેમ લાગી રહ્યું હતું.

તુષારે તેના માથા પર હાથ મૂકી કહ્યું, “કવિતા બધું ઠીક કરી દઈશું.” કદાચ તેને લાગી રહ્યું હતું કે તેના શબ્દો કવિતાના પોતાના મન અને આંસુઓ સાથે ચાલી રહેલા યુધ્ધને શાંત કરી શકશે.

બીજી તરફ માતાના હર્દયમાં પણ એ જ આગ સળગી રહી હતી જે આગમાં કવિતા સેકાઈ રહી હતી, રાકેશ ગાલા મહામહેનતે તેને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આખરે જયારે સંગીતાબેન એમ્બ્યુલન્સ પાસે પહોચ્યા અને સંદીપનો ચહેરો અંતિમ વખત જોયો ત્યારે તેમના ગળામાંથી એક ચીસ નીકળી ગઈ….. તે એક નિર્જીવ ચીસ હતી….. તેમની આંખોમાંથી વહી રહેલા આંસુઓ પણ નિર્જીવ હતા….. તેઓ પોતે પણ લાઈફ લેસ લાગી રહ્યા હતા….. કદાચ એ આંસુ અને એ પોક માત્ર પોતાના કોઈ વહાલસોયાના મ્રત્યુ સમયે મા ના મુખેથી જ નીકળતી હોય છે અને કદાચ દુનિયામાં કોઈની એ રડતી મા ને શાંત કરવાની હિંમત હોય તો તે પિતાની હોય છે.

રાકેશ ગાલાએ સંગીતાબેનને શાંત કરવાનો પ્રયાસ કરતા તે તેમને બાજી પડી અને રડવા લાગી.

“સંગીતા ખુદને સંભાળ, સમજ આપણા નશીબમાં પુત્ર પ્રેમ હતો જ નહિ તો એ આપણી પાસે ક્યાંથી રહે? કદાચ એ જેમનો હતો એમની પાસે ચાલ્યો ગયો અને કદાચ એ ત્યાં એમની સાથે અહી કરતા પણ ખુસ રહેશે.” ગાલાએ ઉપર આકાશ તરફ જોતા કહ્યું.

“હા, પણ એ પોતાના પાસે અલગ રીતે પણ જઈ શકતો હતોને? આટલા દુખ અને દર્દ ભોગવીને કેમ?” સંગીતા બહેનના મોમાંથી સુકા શબ્દો બહાર આવ્યા.

મોટા ભાગના આસપાસના લોકો સફેદ કપડામાં આવેલ હતા, કેટલાક લોકો ત્યાં ઉભેલ સોસયટીના એક સમાજ સેવક તરીકે કામ કરતા મહિલા ચારૂબેનના હાથમાં સંદીપના નામ પર ગાયો માટે ઘાસચારો નાખવા દાન ફાળો આપી રહ્યા હતા. એકંદરે વાતાવરણ શોક અને દુખની ઘેરી છાયામાં ઘેરાયેલું હતું.

આખરે ભારે હ્રદયે કવિતા પણ એમ્બ્યુલન્સ તરફ જવા લાગી. તુષાર પણ તેની સાથે એ તરફ જવા લાગ્યો. કવિતા જયારે એમ્બ્યુલન્સ પાસે પહોચી ત્યારે તેની શાળાની એક બે છોકરીઓ અને છોકરાઓ જે તેમની અને સંદીપની સાથે હતા અને એમના જ વિસ્તારમાં રહેતા હતા તે ત્યાં એકઠા થઇ ગયા હતા. નરેન્દ્રભાઈ અને પુરોહિત સર જે તેમની શાળાના શિક્ષકો હતા તેમને પણ સંદીપ વિશે સાંભળ્યું હશે એટલે ત્યાં આવી પહોચ્યા હતા. શહેર ખાસ મોટું ન હતું એટલે કોઈને કોઈએ તેમના સુધી એ સમાચાર પહોચાડી દીધા હતા.

કવિતાએ બધા તરફ એક નજર કરી. શાળાના મિત્રો પોતાનું મો પોતાના હાથમાં છુપાવીને રડી રહ્યા હતા. કવિતાને યાદ હતું કે સંદીપ શાળામાં બધા માટે કેટલો માનીતો હતો. શિક્ષકોની આંખોમાં પણ આંસુ હતા. કદાચ બધાને ખબર ન હતી નહીતર શાળામાં કોઈ એવું ન હોત કે જે સંદીપને છેલ્લીવાર જોવા ન આવ્યું હોત. સંદીપ હતો જ બધા માટે એટલો સારો ને !!!

કવિતા એમ્બ્યુલન્સની એકદમ નજીક ગઈ, તેણીએ સંદીપના કપાળને ચૂમ્યું, તેની આંખોમાંથી આંસુઓ વહીને સંદીપના ચહેરાને મળી રહ્યા હતા, “આઈ એમ સોરી.” તે સંદીપની ડેડબોડી સાથે વાત કરી રહી હતી. “આઈ એમ સોરી, સંદીપ.” તે જરાક અટકી, તેણીએ પોતાના ગાળામાં આવેલ ડૂમાને પોતાના કાબુમાં કરતા કહ્યું, “આઈ એમ સોરી, જે થયું તે ક્યારેય ધાર્યું ન હતું, તને એકલો છોડવા બદલ મને માફ કરજે, હું તારી કાળજી ન રાખી શકી એ બદલ મને માફ કરીદે સંદીપ.” તે કદાચ સંદીપ કઈક જવાબ આપશે તેની રાહ જોઈ રહી હતી, પણ સંદીપે કાઈ જવાબ ન આપ્યો એટલે તે જ આગળ બોલવા લાગી, “જો મમ્મી રડી રહી છે, સંદીપ તું તો ક્યારેય મમ્મીને રડાવતો નહિ? તે આવું કેમ કર્યું સંદીપ? તું અમને કેમ છોડી ગયો? શું અમે તને તારા મમ્મી પપ્પા જેટલો પ્રેમ ન’તા કરતા? શું મારા પ્રેમમાં તને સગી બહેનનો પ્રેમ ન’તો દેખાતો?”

તુષારે તેને સાત્વના આપવા માંગતો હતો પણ તે પોતે પણ લાગણીઓમાં તણાઈ રહ્યો હતો. તે બોલવા માંગતો હતો પણ બોલી શક્યો નહિ કેમકે તે જાણતો હતો કે જો પોતે બોલવા જશે તો ગળા સુધી ભરાઈ આવેલ દુખ મોમાંથી આહ બની બહાર આવ્યા વિના નહિ રહે અને પોતાને આમ ભાંગી પડેલ જોયા બાદ તો કવિતામાં રહેલ રહીસહી હિંમત પણ ચાલી જશે.

કવિતાએ પોતાનું માથું જરાક હલાવ્યું. પોતાની જાતને કહી રહી હતી ના, કવિતા ના, આ રડવાનો સમય નથી. તે ફરી સંદીપ તરફ જોઈ રહી. તેનું હ્રદય કહી રહ્યું હતું કે સંદીપ તારે જવું ન હતું જોઈતું. અમે તને બહુ મિસ કરીશું, મમ્મી તારા વિના જીવી કેમ શકશે? તે કઈક બોલી પણ તેનો અવાજ હિસ્ટેરીઆને લીધે ચોક થઇ ગયેલ હતો એટલે શું બોલી એ તેને પોતાને પણ સમજાઈ ન હતું રહ્યું.

સંગીતા બહેન પણ કવિતાને ઘણા સમય સુધી ત્યાં ઉભી રહી રડતી જોઈ ત્યાં આવી ગયા હતા, બંને માં- દીકરી એકબીજાને ગળે મળી રડવા લાગ્યા.

“આ શું થઇ ગયું, કવિતા સંદીપ આપણાથી કેમ રિસાઈ ગયો? તે આપણને છોડીને કેમ ચાલ્યો ગયો?” સંગીતાબેન બિલકુલ બ્રોકેન વોઈસમાં બોલ્યા.

“સંદીપ ક્યાય નથી જઈ રહ્યો, હું તેને પાછો લાવીશ.” કવિતાએ મમ્મીથી અલગ થતા કહ્યું, “કોણે કહ્યું સંદીપ આપણને છોડીને જઈ રહ્યો છે? ના, તે ક્યાય નથી જઈ રહ્યો, હું તેને પાછો લાવીશ, એ પાછો નહિ આવે તો હું પોતે પણ એની સાથે રહેવા ત્યાં જતી રહીશ.” કહેતા તેણીએ ઉપર તરફ જોયું.

તુષારે કવિતાના ખભા પર હાથ મુક્યો, “કવિતા સંભાળ તારી જાતને, તું શું કરી રહી છે મમ્મીને હિંમત આપવાને બદલે તું એમની હિંમત તોડી રહી છે.”

કવિતાએ આંસુ લૂછ્યા, “હું હિંમત રાખીશ.” તેણીએ મમ્મી તરફ જોયું અને મમ્મીનો હાથ પકડી ઘર તરફ ચાલવા લાગી, સંગીતાબેનને પણ લાગ્યું કે હવે હ્રદયનું દુખ હ્રદયમાં જ રાખવું જોઈએ કેમકે જો તેઓ તેમના દુખને વ્યક્ત થવા દેશે તો કવિતા એકદમ ભાંગી પડશે, કવિતાના શબ્દો પરથી એમને ડર પણ લાગવા માંડ્યો હતો કે ક્યાંક કવિતા પોતાનું માનસિક સંતુલન ગુમાવી ન નાખે. જયારે કવિતા મમ્મીને હિંમત મળી રહે તે માટે પોતાના દુઃખને અંદરને અંદર પી રહી હતી.

કદાચ પોતાના લોકોને ગુમાવ્યા બાદ દરેક પરિવાર આ રીતે જ જીવી લેતો હશે કે જે તે નહિ જીવે તો પરિવારના અન્ય લોકો પણ નહિ જીવી શકે. કદાચ ભગવાને દરેકને બીજાની કાળજી લેવા માટે બનાવેલ છે એ વાત કોઈના ફ્યુંનરલ વખતે સૌથી શ્રેષ્ઠ રીતે જોવા મળે છે. એમ્બ્યુલન્સથી દુર ઉભેલ રાકેશભાઈ અત્યારે એજ કરી રહ્યા હતા. કવિતા અને તેની મમ્મીને હિંમત આપવા માટે તેમણે હજુ સુધી પોતાના આંસુઓને બહાર આવવા દીધા નહોતા.

તુષાર હજુ એમ્બ્યુલન્સ પાસે જ ઉભો હતો. તેણે એક નજર સંદીપ તરફ કરી. તે સંદીપના ચહેરાને જોઈ રહ્યો તેને લાગી રહ્યું હતું જાણે કે તે હમણાં બોલી ઉઠશે, તે સંદીપના ચહેરા પરના દુઃખને પણ જોઈ શકતો હતો, કદાચ એ બધાને કહી શકે તેમ ન હતો કે હું તો ન હતો જવા માંગતો પણ શું કરું મારે જવું પડ્યું.

રીશીકુમારે આવી સંદીપના ચહેરા પર ફરી કપડું ઓઢાડી દીધું, તેમણે તુષાર તરફ જોઈ કહ્યું, “તું અહી જ કવિતા અને તેની મમ્મી પાસે રહે એમનો ખયાલ રાખજે, અમે આવીએ છીએ.”

તુષારે માત્ર હકારમાં માથું ધુણાવ્યું. રાકેશ ગાલા અને રીશીકુમાર ગાલાની કારમાં ગોઠવાયા. અન્ય જે લોકો પોતાના વિહિકલ લઈને આવ્યા હતા તે બધા પોતાના વિહિકલ પર ગોઠવાયા અને જે વિહિકલ વિના આવ્યા હતા એ લોકોમાંથી કેટલાક એમ્બ્યુલન્સમાં તો કેટલાક શર્માના પોલીસ વિહીકલમાં ગોઠવાયા. બધા સ્મસાન તરફ જવા રવાના થયા. તુષાર ઘડીભર તેમને જોઈ રહ્યો ત્યારબાદ તેણે માતૃછ્યામાં જવા પોતાના પગ ઉપાડ્યા.

***

તુષાર હોલમાં પાછો આવ્યો ત્યારે કવિતા તેની મમ્મી પાસે નિસ્તેજ ચહેરે કોચ પર ગોઠવાયેલ હતી. તુષાર પણ કશુ જ બોલ્યા વિના તેમની સામેના કોચ પર ગોઠવાયો. કદાચ કવિતા અને સંગીતાબેનની ચુપકીદીએ તેને પણ ઘેરી લીધો હતો.

“હું સંદીપના કમરામાંથી કેટલીક ચીજો લેવા માંગું છું અને એની બાકીની ચીજોને પેક કરવા માગું છું.” કવિતાએ દસેક મિનીટ બાદ ચુપકીદી તોડતા કહ્યું.

“હા, મને લાગે એ ઠીક રહેશે, એનામાં સમય પણ જશે અને કામમાં વ્યસ્ત હોઈશ તો મન વિચારોથી પણ દુર રહેશે.” સંગીતાબેને કહ્યું, “દીકરા તું પણ કેમ નથી જતો? કવિતાને પેકીંગમાં મદદ કરજે, તું સાથે હોઈશ તો એને એકલું નહિ લાગે નહિતર સંદીપનો રૂમ ખાવા દોડશે.” સંગીતાબેને તુષાર તરફ જોઈ પોતાનું વાક્ય પૂરું કર્યું.

“હા, ચોક્કસ. મને આમ પણ પેકિંગનો સારો એવો અનુભવ છે. અમે વાર વાર પેકિંગ કરતા રહીએ છીએ.” તુષારે સોફા પરથી ઉભા થતા કહ્યું અને તે કવિતા સાથે ઉપર સંદીપના રૂમમાં જવા સીડીઓ તરફ જવા લાગ્યો.

“મને લાગે આપણે હવે સંદીપની મમ્મીનો રૂમ તપાસવો જોઈએ ત્યાંથી કઈક વધુ જાણકારી મળી શકે.” તુષારે સીડીઓ ચડતા કહ્યું.

“પણ એ તો નીચે છે.” કવિતાએ જવાબ આપ્યો, “એ માટે આપણે નીચે જવું પડશે.”

“હા, તો કાઈ વાંધો નહિ, મમ્મીને કહીદે કે પહેલા તારે મીનાબેનના રૂમમાંથી કેટલીક ચીજો લેવી છે તેમની યાદ રૂપે.” તુષારે કહ્યું.

“હા.” કવિતાએ હકારમાં જવાબ આપતા કહ્યું, “આપણે એમ જ કરવું જોઈએ.”

તેઓ બંને સીડીઓ ઉતરીને નીચે આવ્યા અને મીનાબેનના રૂમ તરફ જવા લાગ્યા, તેમને સંગીતાબેનને કાંઈ જ કહેવાની જરૂર ન પડી કેમકે સંગીતાબેને તેમને કાઈ પૂછ્યું જ નહિ કે તેઓ કેમ પાછા આવ્યા, કદાચ તેઓ કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલ હતા.

તુષાર અને કવિતા બંને મીનાબેનના રૂમમાં આવ્યા. રૂમનો દરવાજો ખોલી એમાં પગ મુક્ત જ જાણે એ રૂમમાં ક્યારનીયે છુપાઈને બેઠેલ હોય અને કવિતાની જ રાહ જોઈ રહી હોય તેમ જૂની યાદો આવીને કવિતાને વીંટળાઈ ગઈ. કવિતા પણ એ યાદોને જોઈ શકતી હોય, તેમની સાથે ગળે મળતી પોતાની જાતને અનુભવી શકતી હોય તેમ એની સાથે લપેટાઈને આંખો ભીંજવવા લાગી.

કવિતાની નજર સામે જાણે ભૂતકાળ તાજો થઇ રહ્યો હતો વહેલી સવારે તે મીનાબેન પાસે યોગ શીખવા માટે આવતી અને યોગ શીખવા તેઓ આજ રૂમમાં બેસતા. કેટલા પ્રેમથી મીનાબેન તેને અને સંદીપને સંસ્કૃતના શ્લોકો શીખવતા અને કેવી રીતે તેમણે કવિતા નામની એક સામાન્ય અને ભણવામાં બિલકુલ ઠોઠ છોકરીને ધ્યાન અને મેડીટેશન દ્વારા કોઈ પણ ચીજ પર ધ્યાન કેન્દ્રિત કરતા, કોઈ પણ લક્ષ પર કોન્સનટ્રેશન કરતા અને કોઈ પણ ચીજને સહેલાઈથી શીખી લેતા શીખવ્યું હતું.

કવિતાને એ દરેક દિવસ યાદ હતો જયારે તે ઉદાસ આંખે અહી આવી હોય અને મીનાબેનની સલાહ અને સુચન તેમના પ્રેમની છાયા મેળવી માતૃછાયામાંથી હસતા ચહેરે ઘરે ગઈ હોય.

“શું થયું કવિતા? આમ શૂન્ય બનીને કેમ ઉભી છે?” તુષારે તેને વીચારોમાં ખોવાયેલ જોઈ કહ્યું.

“તુષાર, તે સાંભળ્યું છે ને કે ભગવાન કૃષ્ણને બે મા હતી, તેમને જનમ આપનાર એક અને તેમનું પાલન કરનાર બીજી.” કવિતાએ ઉદાસ અવાજે કહ્યું.

“હા, પણ તને ખબર છે હું એમનાથી પણ નસીબદાર હતી, ભગવાનની પાસે તો એકસાથે બંને મા ન હતી એમની જનમ આપનાર મા તેમની પાલન કરી શકે તેમ ન હતી એટલે તેમનો ભેટો પાલન કરનાર બીજી મા સાથે થયો હતો પણ મને તો…. મને તો એકસાથે બે મા મળી હતી! જનમ આપનાર અને પાલન પોષણ કરનાર મને પથ્થરમાંથી સોનું બનાવનાર અને કદાચ મને જનમ આપનાર મા કરતા પણ પાલન કરનાર મા વધુ પ્રેમ કરતી હતી.”

“હા, તારી આંખોમાં મને દેખાઈ રહ્યું છે, મેં મીનાબેનને જોયા તો નથી પણ તું જે કહે છે એ જોતા તેમનામાં અને એક દેવી મા ખાસ ફરક નહિ હોય.” તુષારે ગળગળા અવાજે કહ્યું.

“ફરક હતો, તુષાર. દેવી તો ત્યારે પ્રશન્ન થાય છે જયારે તમે તેની સેવા પૂજા કરો, તેના ગુણગાન કરો, તેની ભક્તિ કરો પણ મીનાબેન એ તો હમેશા મારા ઉપર પ્રશન્ન રહેતા! તેમણે ક્યારેય મને એવું લાગવા દીધું જ નહી કે સંદીપ અને મારા વચ્ચે કોઈ ફેર છે. તેઓ જે ચીજ લાવતા મારા અને સંદીપ બંને માટે હોતી! તેઓ જેટલી ધૂમધામથી પોતાના સગા દીકરાનો જનમ દિવસ મનાવતા તેટલી જ ધમાલ તેઓ મારા જનમ દિવસ પર પણ કરતા! તેઓ જેટલા ચિંતિત સંદીપના અભ્યાસ માટે હતા તેટલા જ બેબાકળા તે મારું ખરાબ પરિણામ જોઇને થતા! અને જોને છેલ્લે પણ એમણે એ જ કર્યું મને અને સંદીપને એમનો પ્રેમ ઓછા વધતો ન મળે એ માટે અમને બંનેને  એક સાથે છોડીને ચાલ્યા ગયા.” કવિતાની આંખોમાં ફરી આંસુ હતા.

“હમમમ…” સંદીપે માત્ર હકારમાં માથું હલાવ્યું કેમકે તેની પાસે બોલવા માટે કોઈ શબ્દો તો હતા જ ક્યા???

“પણ સંદીપ મને છેતરી ગયો, તેણે મારાથી ટ્રેચરી કરી, તે મને અહી એકલી મુકીને મમ્મીનો પ્રેમ મેળવવા તેની પાસે સ્વર્ગમાં જતો રહ્યો. તે મને લઇ જવાનું ભૂલી ગયો! તુષાર, તે મને લઇ જવાનું ભૂલી ગયો.” કહેતા કવિતા ડુસકા ભરવા લાગી.

“કવિતા, તારી જાતને સંભાળ.” કહેતા તુષારે તેના ખભા પર હાથ મુક્યો, “આમ હિમ્મત હારી જવાથી કાઈ નહિ મળે, તે સાંભળ્યું છે ને કે સતી સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિને પાછો લઈ આવી હતી તેમ આપણે પણ સંદીપને, એના મમ્મીને પાછા લાવીશું. હમમ.. કેમ નહિ આપે એ શું પતિ પત્નીનો પ્રેમ જ તે માન્ય રાખે છે? શું એક દીકરાનો એની મા પ્રત્યેનો પ્રેમ એના માટે કોઈ મહત્વ નથી ધરાવતો? શું એક બહેનનો તેના ભાઈ માટેનો પ્રેમ તેને નાનો દેખાય છે? શું એ માત્ર લોહીના સંબંધને જ વાજબી ઠેરવે છે? અને જો એવું હોય તો પતિ પત્ની વચ્ચે ક્યાં લોહીનો સંબંધ હોય છે? ભલે તારા અને મીનાબેન વચ્ચે લોહીનો સંબંધ નથી, તારા અને સંદીપ વચ્ચે લોહીનો સંબંધ નથી, પ્રેમનો સંબંધ તો છે ને? એ જ તો કહે છે કે મારા માટે દરેક સંબંધથી પ્રેમનો સંબંધ મહત્વનો છે? તે શાસ્ત્રો નથી વાંચ્યા?” તુષાર જાણે તેના હ્રદયની વેદનાને વાચા આપી રહ્યો હતો.

“હા, આપણે તેમને પાછા લાવીશું, બસ એ ત્રીજું પ્રકરણ શોધવું પડશે. આપણે એ શોધીશું! સમયને હરાવીશું! બધું ઠીક કરી દઈશું.” કવિતાએ પોતાના આંસુઓ લુછી નાખ્યા અને બંને મીનાબેનના રૂમની એક એક ચીજને ધ્યાનપૂર્વક તપાસવા લાગ્યા. તેમનો બેડ, એ રૂમમાંના એકે એક વોર્ડરોબને, રૂમના ક્લોસેટને, તેમાં રહેલ એટીકને, દરેકે દરેક ચીજને તેઓ ફેદી વળ્યા.

“ક્યાંય કોઈ ચીજ નથી મળી રહી? શું એમણે કોઈ ચીજ આપણા માટે નહિ છોડી હોય?” કવિતાએ વોર્ડરોબના છેલ્લા ડ્રોઅરને તપાસી લીધા બાદ કહ્યું.

“ના, એવું શક્ય નથી! તેમને જાણ હતી કે આપણે અહીં આવીશું અને તપાસ કરીશું.” તુષારે કહ્યું, “તે કહ્યું હતું કે સંદીપ ઘરના ભોયારામાંથી મળ્યો હતો એ ભોયરું ક્યા છે? અને મેનાબેન રિસર્ચર હતા તો તેમના બધા આર્ટીકલ્સ કેમ ક્યાય નથી દેખાતા?”

“એ ભોયરું અહી છે આ દરવાજાની પાછળ.” કવિતાએ મીનાબેનના રૂમના પાછળના દરવાજાને ખોલતા કહ્યું.

કવિતા અને તુષાર બંને ભોયરામાં જવાની લાકડાની લેડર ઉતર્યા.

લેડર ઉતરી નીચે આવતા તુષારે જોયું કે બેઝમેન્ટ ધાર્યું હતું તેના કરતા પણ વધુ મોટું હતું. તેઓ બેઝમેન્ટના પેસેજમાં દાખલ થયા.

“સંદીપ કયા રૂમમાંથી મળ્યો હતો?” તુષારે કવિતા તરફ જોઈ કહ્યું.

“બીજા નંબરના.” કવિતાએ એક દરવાજા તરફ આંગળી ચીંધતા કહ્યું.

“આપણે ત્યાં પહેલા તપાસ કરાવી જોઈએ કેમકે મીનાબેનને ખાતરી હતી કે એ રૂમમાં કોઈ નહિ જાય, કમસેકમ તેમના પર હુમલો કરી તેમનો જીવ લેનાર લોકો તો નહિ જ માટે જ તેમણે સંદીપને એ રૂમમાં બંધ કરી રાખ્યો હતો. જો કોઈ માહિતી સાચવવી હશે તો તે પણ એ જ રૂમમાં રાખી હશે.” તુષારે એ દરવાજા તરફ જોઈ કહ્યું.

કવિતા અને તુષાર એ વરસોથી બંધ રહેલ દરવાજાને ખોલીને અંદર ગયા. એ રૂમ હજુ વર્ષો પહેલા કવિતા જે હાલતમાં છોડીને ગઈ હતી તે જ હાલતમાં હતો. લગભગ રૂમની દરેક ચીજ અસ્તવ્યસ્ત પડેલ હતી. દીવાલ પર લાગેલા હોવા જોઈએ એ બધા ફોટા તૂટેલી ફ્રેમ સાથે જમીન પર પડ્યા કોઈ આવી તેમને તેમની યોગ્ય જગ્યાએ ગોઠવે તેની રાહ જોઈ રહ્યા હતા પણ કદાચ એ દિવસની જેમ આજે પણ કવિતા એટલી ઉતાવળમાં હતી કે તેણીએ એ ફ્રેમ કે ફોટોની દરકાર ન કરી અને ત્યાં રહેલ લાકડાના ટેબલના ડ્રોઅર ખોલી એક બાદ એક તેમને તપાસવા લાગી.

“આ કાગળો, મને કેટલાક કાગળો મળ્યા છે કદાચ એ આપણા કામના હોઈ શકે?” કવિતાએ તુષાર તરફ જોતા કહ્યું.

તુષાર હજુ સત્બ્ધ બની એ રૂમને જોઈ રહ્યો હતો, તેણે કદાચ કવિતાએ શું કહ્યું એ સાંભળ્યું પણ ન હતું.

“શું થયું તુષાર?” કવિતાએ તેની પાસે જતા કહ્યું, “તું આમ આ સ્થળને કેમ જોઈ રહ્યો છે?”

“શું સંદીપ આજ કમરામાંથી મળ્યો હતો?” તુષારે તેની વાતનો જવાબ આપવાને બદલે સવાલ કર્યો.

“હા, કેમ?”

“શું રૂમનો દરવાજો બહારથી બંધ હતો?” ફરી તુષારે કવિતાને કેમનો જવાબ આપ્યા વિના કહ્યું.

“હા, રૂમનો દરવાજો બહારથી બંધ હતો. પણ તું આ બધું મને અત્યારે કેમ પૂછી રહ્યો છે? આપણે અહી મીનાબેને કોઈ ચીજ છોડી હોય તો એ તપાસવા આવ્યા છીએને?”

“કેમકે આ વાત તેનાથી પણ વધુ અગત્યની છે.” તુષાર હજુ રૂમની બારીઓના તૂટેલા કાચને જોઈ રહ્યો હતો. તેની નજરો એ જોઈ લીધું કે ક્યાંક ક્યાંકથી દીવાલો પરનું પ્લાસ્ટર પણ તૂટીને નીચે પડેલ હતું.

“મને કઈ સમજાઈ નથી રહ્યું તુષાર? કઈક સમજ પડે તેમ બોલ.” કવિતા તુષાર શું કહેવા માંગે છે તે સમજી ન શકી.

“સંદીપ ઘરમાં હાજર હોય ત્યાં સુધી કોઈ તેના મમ્મી પપ્પાની હત્યા કઈ રીતે કરી શકે?”

“મતલબ?”

“મતલબ એ જ કે તેનામાં ટેલીકાઈનેસીસ પાવર હતી અને એ પણ એટલી તીવ્ર માત્રામાં કે જેથી તે થોડે ઘણે અંશે વેધર મેન્યુપ્લેટ પણ કરી શકતો હતો. જો તે આ સ્થળે હાજર હતો છતાં એના મમ્મી પપ્પાને ન બચાવી શક્યો તેનો અર્થ એ છે કે હત્યારાઓ પાસે કોઈ એવી શક્તિ હતી જે યોગની સેકન્ડરી સિધ્ધિઓ કરતા પણ ઉંચી હોય.” એટલું કહેતા બંનેના રુવાડા ઉભા થઇ ગયા.

“યુ મીન ખૂની પાસે યોગની ગૌણ નહિ પણ મુખ્ય સિધ્ધિઓમાની એક સિદ્ધિ હતી?”

“હા, અને એ પણ તેના પર સંપૂર્ણ કાબુ સાથેની સિદ્ધિ અને એનો અર્થ એ છે કે આ બધી હત્યાઓ કોઈ એવા વ્યક્તિ દ્વારા થઇ છે જે મહાન યોગી છે જેની પાસે યોગ અને તેના દરેક અંગનું પુરતું જ્ઞાન છે.”

“તો આપણે હવે શું કરવું જોઈએ?” કવિતાએ તેના તરફ જોઈ કહ્યું.

“હાલ પુરતું તો આપણે જે કામ માટે આવ્યા છીએ એ કામ જ કરવું જોઈએ. બની શકે તેટલી વધુ વિગતો મેળવવી જોઈએ જેથી આપણને ખબર પડે કે આપણો દુશ્મન કોણ છે અથવા કમસેકમ એની પાસે કઈ કઈ શક્તિઓ છે.” તુષારે કહ્યું, તે જરાક અટક્યો, “તને કાગળો મળ્યા તેમાં શું છે?”

“મેં હજુ જોયા નથી મારા હાથમાં કાગળોની ફાઈલ આવી કે મેં તને બોલાવ્યો અને તે ના સાંભળ્યું એટલે મેં તારી તરફ જોયું તો તું સત્બ્ધ બનીને ઉભેલ હતો અને આપણે બીજી વાતચીત પર પહોચી ગયા.” કવિતાએ કહ્યું.

તુષાર એ કાગળો જોવા લાગ્યો.

“શું એમાં ત્રીજા પરાકરણ વિશે કોઈ માહિતી છે?” કવિતા બેબાકળી બની ગઈ હતી.

“બધા આર્ટીકલ્સ પી.એસ.આઈ. કોડ લેન્ગવેજ અને અન્ય પહેલી બનાવવાની પ્રાચીન રીતમાં લખેલ છે માટે હું સમજી શકું તેમ નથી પણ પપ્પા સમજી જશે. બસ આપણે બને તેટલી વધુ ચીજો શોધવી જોઈએ.” તુષારે કહ્યું.

તેઓ ફરી એ કમરાને તપાસવા લાગ્યા.

“તુષાર કોઈ ચીજ નથી મળી રહી બસ આટલા કાગળો જ છે?”

“એવું ના બની શકે?” કહેતા તુષારે ફરી એક નજર રૂમમાં દોડાવી, “આપણાથી કઈક તો છૂટી રહ્યું છે…..!!!!!”

“પણ શું?”

“એ જ શોધી રહ્યો છું.” કહેતા તુષાર ખૂણામાં પડેલ એક લાકડાના બોક્સ તરફ ગયો અને તેમાં રહેલ એક એક ચીજોને બહાર નીકાળવા માંડ્યો.

“તું શું કરી રહ્યો છે તુષાર? એ ડસ્તબિન છે. મીનાબેન તેનો ઉપયોગ નકામા કાગળો નાખવા માટે કરતા હતા.” કવિતાએ કહ્યું.

“હા, પણ તે નથી સાંભળ્યું કે ઘણા સારા સારા પુસ્તકો રદ્દીની દુકાન પર મળી જાય છે?”

“મતલબ?”

“મતલબ કે ઘણીવાર માણસ પોતાની કામની ચીજને નકામી ચીજો વચ્ચે છુપાવી દેતો હોય છે જેથી કદાચ કોઈ ત્યાં સુધી પહોચી જાય તો પણ એ ચીજોને નકામી ગણે અને એ સલામત રહે. હું અને પપ્પા જયારે સુઈગામમાં રહેતા હતા ત્યારે અમે ઘરની ત્રણ ચાવીઓ રાખતા એક એક ચાવી અમારા બંને પાસે રહેતી અને ત્રીજી ચાવી અમે ઘરના બહાર રહેલ એક ફૂલના કુંડાની માટીના તળિયે છુપાવીને રાખતા હતા જેથી ગમે ત્યારે આકસ્મિક જરૂર પડે તો તે મળી રહે અને કોઈ અજાણ્યો માણસ સ્વપ્ને પણ ન વિચારી શકે કે ઘરના તાળાની ચાવી ઘરની સામે જ માટીના કુંડામાં દફન હશે.” તુષારે એ લાકડાના ખોખામાંથી છુટ્ટા કાગળોને એક બાદ એક બહાર નીકાળતા કહ્યું. તેણે લગભગ તેમાંથી મોટા ભાગના કાગળોને અલગ કરી તેની એક થપ્પી કરી અને તે હાથમાં લઇ ઉભો થયો.

“આપણને જેની જરૂર છે તે માહિતી આ કાગળોમાં છે.” તુષારે કવિતા પાસે જતા કહ્યું.

“તું કઈ રીતે કહી શકે કે તે માહિતી એમાં છે અને તે જે કાગળો નથી લીધા એમાં આપણા કામની માહિતી નથી.”

“કેમકે આ દરેક કાગળ પર ફેઈલ એક્સ્પાયરીમેન્ટ એમ લખેલ છે. જરા વિચાર નકામાં કાગળને ફેકી દેતા પહેલા તેના પર ફેઈલ આર્ટીકલ એમ લખવાની શું જરૂર?” તુષારે કાગળની થપ્પી હલાવતા કહ્યું.

“પણ એ તો મને મળી તે ફાઈલ પર પણ લખેલ છે?”

“હા, તેના પર લખેલ છે એ વાત સમજી શકાય છે. કદાચ એ ફાઈલ કામના કાગળોની ફાઈલ ભેગી મુકાઈ જાય તો પણ ખયાલ રહે કે તે નકામા આર્ટીકલની, નિષ્ફળ પ્રયોગોની ફાઈલ છે પણ જે કાગળો ફેકી જ દેવાના છે જેમની જગ્યા ડસ્તબીનમાં છે તેમના પર તે નકામા પ્રયોગો છે તેમ લખવું કેમ પડે?” તુષારે મગજ દોડાવતા કહ્યું.

“તો હવે આપણે શું કરવું જોઈએ?”

“મને લાગે ત્યાં સુધી આપણે મદદની જરૂર છે….”

“કેમ?”

“કેમકે આપણી સામે દુશ્મન કોણ છે એ તો નથી સમજાઈ રહ્યું પણ એ કેટલો શક્તિશાળી છે તે મને સમજાઈ રહ્યું છે.”

“આપણે મદદ મેળવવા શું કરવું જોઈએ?”

“હાલ તો આપણે ઉપર જવું જોઈએ, તારા મમ્મી એકલા બેસી કંટાળી ગયા હશે અને મારા અને તારા પપ્પા આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.” તુષારે કહ્યું અને બંને બેઝમેન્ટમાંથી બહાર આવવાની લાકડાની સીડીઓ ચડવા લાગ્યા.

લેખક : વિકી ત્રિવેદી અને મહેન્દ્ર ત્રિવેદી

ક્રમશ: વધુ આવતી કાલે…..

Comment here