kodiyavalo-gujarati-varta

કોડિયાવાળો

“એ કોડિયા લઈ લ્યો કો…..ડિ…..યા……”

“એ કોડિયા લઈ લ્યો કો…..ડિ…..યા….. દિવાળી માટે કો…..ડિ…..યા……”

ફેરિયાનો અવાજ સંભળાયો ત્યારે રંજનબેન ગઈ કાલે લાવેલ પચીસ હજારનું ઝૂમર ઘરમાં લગાવતા હતા. ઝૂમરનું ફિટિંગ ચાલુ હતું. પતિ અલ્પેશભાઈ અને પુત્ર નિરંજન તો સવારથી ઓફીસ ચાલ્યા ગયા હતા. ઝૂમર લાવીને ઘરે મૂકી દીધું હતું પણ લગાવવા માટે સમય નહોતો. દિવાળીની સીઝનમાં ધન્ધો જ એવો ચાલતો કે ખાવાનોય સમય ન મળે પછી ઝૂમર લગાવવા સમય ક્યાંથી મળે! રંજનબેને સવારે કડક શબ્દોમાં કહ્યું કે મહેમાન આવવાના છે એટલે આ નવું ઝૂમર લગાવવું જ પડશે. મહેમાન ગયા પછી શું કામનું? રંજનબેને ચોખ્ખી વાત કરી એટલે નિરંજને કારીગર મુક્યા હતા.

“જલ્દી કરો, મહેમાન આવતા જ હશે.” રંજનબેને કારીગરોને કહ્યું એટલે કારીગર ઉતાવળે ઝૂમર લગાવવા લાગ્યા.

“એ કોડિયા લઈ લ્યો કો…..ડિ…..યા……”

“એ કોડિયા લઈ લ્યો કો…..ડિ…..યા….. દિવાળી માટે કો…..ડિ…..યા……”

ફરી એજ અવાજ એજ લહેકા સાથે સંભળાયો. આ વખતે અવાજ જરાક નજીકથી આવતો લાગ્યો એટલે રંજનબેન બહાર ગયા.

“એ કોડિયા લઈ લ્યો…….”

“એ કોડિયાવાળા ભાઈ.” રંજનબેને બુમ પાડી, “આ બાજુ આવો.”

“જી બેન બા.” ફેરિયો નજીક આવ્યો. ગ્રાહક મળ્યાની ખુશીમાં ભારે ટોપલો ઉતારીને ઘરના ઓટલા ઉપર મુક્યો.

“કોડિયાની ડિઝાઇન તો સરસ છે.” બે ચાર કોડિયા હાથમાં લઈને રંજનબેન બોલ્યા. “શુ ભાવ છે?”

“દસના ત્રણ બેન. ભેગા લો તો સો રૂપિયાના ચાલીશ.” અંગવસ્ત્રથી મોઢું લૂછતાં ફેરિયો બોલ્યો. એને થયું આ બેન તો પૈસાવાળા લાગે છે. આવડું મોટું ઘર છે, સીડીઓ ઉપર એક એક કોડિયું મૂકે તોય પચાસ કોડિયા આરામથી ખપી જાય! રંજનબેનની ડોકમાં દસ તોલાનો સાચા સોનાનો દોરો લટકતો જોઈને ફેરિયાના ચહેરા ઉપરનો થાક એ અંગવસ્ત્રમાં જાણે લૂછાઇ ન ગયો હોય!

“સો ના પચાસ આપી દે તો લઈ લઉં.” રંજનબેને કહ્યું.

“બેન બા એક કોડીયે એક રૂપિયો મળે છે એમાં શું વ્યાજબી કરું કયો?”

“અરે પણ તમારે ક્યાં એમાં મૂડી રોકવાની છે? બધો નફો જ હોય ને?”

“અરે બેન, અમે નાના એટલે તમને એમ કે અમારે મૂડી ન રોકવાની હોય પણ સાંભળો તળાવથી માટી લાવવા માટે એક ગધેડું જોઈએ એ મૂંગા પ્રાણીને પગાર તો ન હોય પણ ઘાસ તો જોઈએ કે નહીં? હવે જમાનો ક્યાં પહેલા જેવો છે! મારી ઘરવાળી એક ઘાસનો ભારો લેવા જાય તો રૂપિયા બસો રોકડા થાય છે. માટી લાવીને એને બરાબર ખૂંદિને ગળેટ વગરની કરવી પડે એમાં પાણી ભેગો મારો પરસેવોય પડે બેન!”

રંજનબેન બધું ધ્યાનથી સાંભળી રહ્યા.

“પછી એ માટીના લોયા બનાવી કોડિયા ઘડવાના, એને આકાર આપવાનો, પછી એના ઉપર નકશીકામ કરવાનું, પછી એને સેકવાના. શેકવા માટે ભઢ્ઢો જોઈએ. મારા બાપ દાદાના જમાનામાં તો લાકડા મફત મળતા બેન પણ હવે તો લાકડાના ભાવ પણ બાપરે બાપ! ભઠ્ઠામાં કોડિયા શેકાય એ ધ્યાન રાખવા  એની નજીક ઉભા રહેવું પડે. ઉનાળો હોય કે શિયાળો ભઠ્ઠાનો તાપ તો તમને ય ખબર ને બેન?”

“હા ભાઈ, હું તો ગેસ ઉપર રોટલી શેકતાય ઘણીવાર દાઝુ છું.” રંજનબેને હસીને કહ્યું.

“કોડિયા તૈયાર થાય એટલે પછી ગામે ગામે ફરવાનું એનું ભાડું ભતું ય થાય ને બેન?” ભાવ ઓછો ન કરવો પડે એ માટે ફેરિયો કોડિયાના જન્મની આખી કહાની બોલી ગયો.

“હમમ.”

“ને સવારથી સાંજ ભૂખ્યા રહેવાનું એ અલગ. અમારે કાઈ શેઠ જેમ બપોરે ખાવા ઘરે થોડું જવાય!”

“ઓહો તો અંદર આવોને હમણાં જમાડી દઉં.” રંજન બેને કહ્યું.

“ના બેન પછી તમે ભાવ કરાવશો ને મારે શરમના માર્યા ભાવ કરવો પડશે. મારી દીકરી ચકું સાતમીમાં છે એના સાટુ દિવાળી પછી નવા ચોપડા લાવવાના છે. એનો ગણવેશ લાવવાનો છે. એ બધા પૈસા ક્યાંથી લાવું કો!” ફેરિયાએ નિરાશ થઈને કહ્યું.

“અરે ભાવ તમારે જે લેવો હોય એ લેજો તમ તમારે અંદર આવોને જમી લ્યો હાલો. આ કોડિયા લાવો અંદર તમે જમો ત્યાં સુધી હું એ ગણીને લઇ લઉં.”
રંજનબેન અંદર ગયા. પાછળ ફેરિયો પણ ટોપલો લઈને અંદર ગયો. ફેરિયો જઈને રૂમમાં જ્યાં કારીગર કામ કરતા હતા ત્યાં નીચે બેસી ગયો. રંજન બેન મીઠાઈ, પુરી અને બીજી અવનવી સૂકી વાનગીઓ ડિસમાં લઈને આવ્યા.

“અરે તમે નીચે કેમ બેઠા ભાઈ? આ સોફા શુ કામ મુક્યા છે અહીં?” રંજનબેને ટીપોઈ ઉપર ડીસ મુકતા કહ્યું.

“બેન બા મારા લૂગડાં મેલા દાટ છે તમારા સોફા મેલા થાય. એમાંય દિવાળીના તો કવર તમે ધોયેલા છે એ મને દેખાય છે. અમે ઘર દિપાવવા વાળા બેન કોઈનું ઘર અમારાથી મેલું ન થાય!” ફેરિયાએ કહ્યું.

ફેરિયાની વાત રંજનબેનના દિલને સ્પર્શી ગઈ પણ પોતે શુ બોલે? એટલે વાત જ બદલી દીધી, “તમારું નામ શું?”

“મારુ નામ ધનજી પણ બધા ધનો કેય.” ધનજીએ કહ્યું.

“ધનજી ભાઈ તો તમે હવે જમી લ્યો હું કોડિયા વીણી લઉ.” કહી રંજનબેન ટોપલા પાસે બેસી ગયા. કોડિયા જોવા લાગ્યા.

“બેન બા એક છાપાનું કાગળ આપો.” ડિસ ઉપર નજર કરતા ધનજી બોલ્યો.

“કેમ કાગળ?” રંજનબેને નવાઈથી પૂછ્યું.

“બેન મારી ચકું માટે આ મીઠાઈ લઈ જાઉં તો એ રાજી થશે અમારા ઘરે ક્યારે ચણાના લોટ હોય?”

જો કારીગર ન બેઠા હોત તો રંજનબેન લગભગ રડી જ પડ્યા હોત. “અરે તમે એ ખાઈ લ્યો ચકું માટે હું ફરી આપું.” રંજનબેન ઉભા થઇ અવળા ફરી ગયા. કોણ જાણે કેમ? રસોડામાં જવા માટે કે પછી કોઈ ચહેરાના ભાવ ભણી ન જાય એ માટે!

ચકું માટે બીજું મળશે એ સાંભળ્યા પછી તો ધનજી પણ ખાવા લાગ્યો. ભૂખ પણ કકડીને લાગી હતી એટલે જોતજોતામાં ડિસ ખાલી કરી નાખી.

રંજનબેન એક મોટું મીઠાઈનું બોક્સ પ્લાસ્ટિકની સારી થેલીમાં ભરીને લઈ આવ્યા. “લો આ તમારી ચકું માટે.”

પોતાના માટે હોત તો આનાકાની કરોત પણ દીકરી માટે હતું એટલે ધનજીએ તરત રાજી થઈને એ બોક્સ લઈ લીધું.

“ધનજી ભાઈ મને તો હવે ચાળીસ નહિ પણ એસી કોડિયા આપી દ્યો.”

ધનજીએ તરત રાજી થઈને એસી કોડિયા ગણીને આપી દીધા. પેલા ઝૂમરના કારીગરો પણ આ જોઈ અંદરો અંદર વાતો કરીને નજીક આવ્યા.

“ધનજી ભાઈ અમને ચારેય ને દસ દસ કોડિયા આપો ત્યારે.”

ધનજીએ એ બધાને પણ દસ દસ કોડિયા આપ્યા. મજૂરોએ સોની એક નોટ આપી અને રંજનબેને સો સોની બે નોટ આપી.

ધનજીને તો થયું આખો દિવસ આ ટોપલો લઈને ફરોત ત્યારે માંડ અડધા કોડિયા વેચાઓત. આ ભલી બેન મળી ગઈ એટલે મારુ કામ થઈ ગયું. ધનજીએ મીઠાઈ ટોપલામાં મૂકી ઉપર કપડું ઢાંકીને નીકળી પડ્યો.

“આવતી દિવાળીએ આવજો ધનજી ભાઈ!” રંજન બેનનો અવાજ દરવાજે પહોંચતા કાને પડ્યો.

પાછા ફરીને એક નજર કરી, “હા ભલે બેન….. ભગવાન તમારું ભલું કરે.” એક હાથે ટોપલાને ટેકો આપી બીજા હાથે અંગવસ્ત્રથી મોઢું લૂછતાં ધનજીએ કહ્યું.

ઘરની એ.સી.ની. ઠંડકમાં ધનજીને પરસેવો તો ન જ થાય તો પછી એણે મોઢું કેમ લૂછયું? રંજનબેનને મનમાં એક સવાલ થયો અને જવાબ પણ મળી ગયો. ‘કદાચ આંખો લૂછી હશે!’ જવાબ મળતા રંજનબેન પણ પોતાની આંખો લુછી ઘરમાં ચાલ્યા ગયા.

 

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

પિંક સીટી, રાણપુર રોડ,

ડીસા – ૩૮૫૫૩૫

Comment here