કુરબાની…

“ભાભી એક પાંચસો રૂપિયા હશે?” નંદિતાએ આવી સંદીપની વહુ જયાને પૂછ્યું.

“કેમ પાંચસો રૂપિયા જ? આખું ઘર જ લઇ જાઓને, મારે તો ક્યાં છોકરા છે જ તે એમને ખાવા જોઈએ?” જયાએ છણકો કરતા કહ્યું.

“હું એવું નથી કહેતી ભાભી.” નંદિતાએ ઢીલા આવજે કહ્યું, “આતો નેહાને સ્કૂલ યુનિફોર્મ ખરીદવો છે અને ઘરે પૈસા નથી. નેહા જીદ કરીને બેઠી છે કે યુનિફોર્મ લાવો તો જ શાળાએ જાઉં.”

“તે છોકરા જીદ કરેતો બે થપ્પડ લગાવીને મુકીએ. કઈ એમની બધી જીદપૂરી થોડી કરાય? કાલે વળી બીજી જીદ કરશે ને પરમ દીવસે ત્રીજી! બધું લાવવાના પૈસા ક્યાંથી લાવશો?.” જયાએ સલાહ આપતા કહ્યું.

“એમ નથી, પણ એની જીદ ખોટી નથી. બિચારીને શાળામાં યુનીફોર્મ વગર રંગીન કપડામાં જાય તો શિક્ષકો લડે છે.” નંદિતાએ દીકરીનો પક્ષ લેતા કહ્યું.

“ઓહો! તમારી નવ વરસ નેહા ખોટી નથી ને હુ ખોટી એમ?” જયાએ વાતને આડે પાટે ચડાવી દીધી.

“હું ક્યાં એવું કહું છું ભાભી. થાય તો જરાક મદદ કરોને?” નંદિતાએ લડવાનું ટાળતા કહ્યું.

નંદિતાને પરણાવ્યા પછી બીજે જ વર્ષે એનો પતિ એક અકસ્માતમાં ગુજરી ગયો હતો. એને એક દીકરી હતી નેહા. દીકરો તો બિચારીને હતો નહિ. દીકરો હોત તો હજીયે ઠીક પણ દીકરી હતી એટલે પતિ ગુજરી ગયા પછી સાસરે ઠેકાણું ન રહ્યું. સાસુ અને બીજા બધા કહેવા લાગ્યા આ કાળમુખી કયા મુરતની લાવી કે આવતા જ ભોગ લીધો. હવે એની દીકરી મોટી થઇ વળી કોઈ બીજાનો ભોગ લેશે!

નંદિતા પોતાના પર થતાં જુલમ તો સહન કરી લેતી પણ પોતાની દીકરીને એ લોકો પારકી માને છે એ જોયા પછી ત્યાં રેહવું એના માટે શક્ય ન રહ્યું. એને એજ નહોતું સમજાતું કે જો એને દીકરો હોત ને એનો પતિ ગુજરી ગયો હોત તો એજ સાસુ સસરા કહોત, ‘દીકરો ખોયો છે તો શું પાછળ કુળનો દીપક તો દઈને ગયો છે ને! કાલે મોટો થશે ને બધી ખોટ પૂરી કરી નાખશે.’ પણ દીકરી હોય તો કેમ અલગ વર્તન? એવું વર્તન જાણે દીકરી તો માત્ર મા ની જ જવાબદારી હોય એના બાપને એનાથી કંઈ જ લેવાદેવા ન હોય!

નંદિતાને સાસરીયે તો દુખ જ મળ્યું પણ હજુ એને પોતાના પિયરીયા પર ભરોસો હતો. એને એમ હતું કે એનો ભાઈ સંદીપ એને સમજશે, પણ જયારે પિયર આવીને બધી વાત કરી ત્યારે ભાઈ-ભાભીએ પણ કહ્યું કે ‘દીકરીને પરણાવી એટલે પતી ગયું. એનું નસીબ ત્યાં બંધાઈ ગયું, પછી ભલે એ ત્યાં સુખી થાય કે દુઃખી. એના નસીબમાં જે હોય એ એને ભોગવવું જ પડે.’

પિયરમાં પણ કોઈ પોતાનું થયું નહિ. પણ હવે બીજો તો કોઈ રસ્તો બચ્યો નહોતો એટલે નંદિતા પણ અકડી ગઈ. એ ગામમાં જ એક કણબીના ઓરડામાં ભાડે રહેવા માંડી. નંદિતા બારમાં ધોરણ સુધી ભણેલી હતી એટલે ગામના બાળકોને ભણાવી રોટલો રળતી ને પોતાની દીકરીને ઉછેરવા લાગી. ગામ આમેય ભલું  ને એમાયે ગોરની દીકરી પ્રત્યે બધા થોડીક વધારે દયાભાવ દર્શાવતા.

પણ તોયે એકલી સ્ત્રી ગામડા ગામમાં કેટલું કમાઈ શકે? એને છાસવારે પૈસાની ભીડ આવી પડે એટલે એની ભાભી જયા પાસે મદદ માંગવા જવું પડતું. એવુય નહિ કે એ બસ પૈસા લીધે જ રાખે. વળી પંદર દિવસે મહીને બાળકોની ફી કે ખાખરા વણી ને વેચે એના પૈસા આવે એમાંથી જયાનું જે પાંચસો સાતસોનું દેવું ચડ્યું હોય એ ઉતારી નાખે પણ તોયે જયાને એની મદદ કરવી ખારી ઝેર જેવુ લાગતું! કોણ જાણે કેમ કેટલીક સ્ત્રીઓમાં આ ગુણ ક્યાંથી આવી જાય છે કે તેમને પડોશી, દુરના સગા કે પછી બહેનપણીઓની મદદ કરવાનું ગમે છે પણ પોતાના નજીકના સગા ખારા ઝેર લાગે છે.

“ભાભી બસ એક અઠવાડિયાની વાત છે અઠવાડિયે તો પાછા આપી દઈશ.” નંદનીએ કરગરતા કહ્યું.

“પાછા આપી દઈશ તે કઈ ઉપકાર કરવાની છો મારી બેન? લઇ જાય છે એ આપીશ એમાં કઈ દયા ધર્મ તો નથી કરવાનીને?” જયાએ મોઢું બગાડી કહ્યું.

“દયા ધર્મતો કયાથી કરું ભાભી? હું પોતેજ દયા ધર્મના સહારે છું! ને ભલું મારું ગામ તે જીવાય નહીતર કુવો શોધવો પડે!” નંદિતાએ એજ દુખી અવાજે કહ્યું.

“હા, હા હવે જોયા છે આ રૂડા ગામવાળાને. આ ગામવાળાયે કંઈ તારા પર દયા કરીને નથી આપતા. મારો પતિ ગામમાં પંડિત તરીકે પંકાય છે ને છાસવારે ગામના લોકો હાથ બતાવવાને કુંડળી બતાવવા આવી જાય છે. બધાના કામ કરે છે એટલે તારું રાખે છે બધા, બાકી બધા દયાળુ હોય તો રહેવું હતુંને એ શહેરમાં ત્યાય લોકો તો હતા જ ને?”

“આ તમે શું કહો છો ભાભી? હું અહી ઉછરી છું, અહી મોટી થઇ છું. આ મારા બાપનું ગામ છે. આ મારું વતન છે. અહીના માણસો તો શું કુતરા ઉપરે મને ભરોસો હોય. ત્યાં અજાણ્યા શહેમાં હું એકલી મારી દીકરીને મોટી કઈ રીતે કરું?” નંદિતાએ પણ એ દિવસે તો સ્પસ્ટતા કરી જ દીધી.

“હા, હા બસ હવે લો આ પાંચસો રૂપિયા લઇ જાઓ. નહિ આપુ તો વળી ગામના કોઈ માણસ જોડે ભીખ માંગીને મારા પતિનું નાક કપાવશો.” જયાએ પર્સ ખોલ્યું અને પાંચસોની નોટ કાઢી કચવાતા મને નંદિતાના હાથમાં આપી.

“આભાર ભાભી. આવતે અઠવાડિયે જરૂર પાછા આપી દઈશ.” કહી નંદિતાએ પોતાના ઘર ભણી પગ ઉપડ્યા.

“અરે  અઠવાડિયા સુધીમાં તો ફરી ભાઈને લુંટવા ચાલી આવશે.” એમ બબડતી જયા પણ ઘરમાં ગઈ.

નંદિતાએ એના શબ્દો સાંભળ્યા હતા પણ એની પાસે જયાને જવાબ આપવા માટે કોઇ જ શબ્દો નહોતા. એ પાછળ જોયા વગર વણ સાંભળ્યું કરીને ચાલી ગઈ.

ઘરમાં બેઠા બેઠા રેખાબેન એ બધું સંભાળતા હતા. એ પોતાની દીકરીની આ હાલત જોઈ દુખી હતા પણ એમનું ઘરમાં કઈ ચાલતું હોય તો બોલે ને?

રેખાબેન માથે હાથ મુકીને બેસી રહ્યા. પોતાની ભૂલ ઉપર અફસોસ કરવા લાગ્યા. આજે વિધવાના સફેદ કપડામાં ફરતી સુકાઈ ગયેલી નંદિતા એ સમયે સત્તર વરસની એક કોડ ભરી યુવતી હતી. બારમાં ધોરણની પરિક્ષા પાસ કર્યા પછી નંદિતાને આગળ ભણવું હતું. આજે પણ એ દિવસ રેખાબેનને દીવા જેવો યાદ હતું.

“મમ્મી હું કોલેજ જવા ઈચ્છું છું.” નંદિતાએ સોફા પર બેસતા કહ્યું.

“શું કહ્યું તે? કોલેજ?” રેખાબહેને ટીવીનું રીમોટ હાથમાં લેતા કહ્યું.

“કેમ મમ્મી? એમાં ઝટકો લાગે જેવું શું છે? મારી બે ત્રણ બહેનપણીઓ પણ કોલેજ જવાની છે?” નંદિતા એ દલીલ કરતા કહ્યું.

નંદિતા રઘુરામ શાસ્ત્રીની દીકરી હતી. એ જાણતી હતી કે એના પિતાજી ગામના મોટા પંડિત ગણાતા હતા. ધર્મનું પાલન અને નીતિ નિયમો મુજબનું જીવન એ એમના જીવનનું એકમાત્ર લક્ષ હતું. નામાંકિત શાસ્ત્રી હતા એટલે આસપાસના વિસ્તારમાં પણ એમનું નામ હતું. દુર દુર સુધીના લોકો એમને તેડાવતા. પછી ભલે નાનકડી કથા કરવાની હોય કે મોટો ગામશાહી હવન. આસપાસના વિસ્તારમાં થતાં દરેક ધાર્મિક કામમાં એમની હાજરી હોય જ.

નંદની જાણતી હતી કે એના પિતા રૂઢીચુસ્ત માનસ ધરાવે છે ને જુના નિયમોને વળગીને રહેવાવાળા વ્યક્તિ છે. એને ખબર હતી કે એ એની કોલેજ જવાની માંગણીને ક્યારેય નહિ સ્વીકારે એટલે એણીએ વાતની શરૂઆત પોતાની મમ્મીને કહેવાથી શરુ કરી.

“પણ તારા પપ્પાના નિયમો તું નથી જાણતી? ગાંડી થઇ ગઈ છે કે શું?” રેખાબહેને વાતને ગંભીરતાથી લીધી હોય એમ લાગતું હતું. એમણે રિમોટ વડે ટી.વી. બંધ કર્યું અને કહ્યું, “તારો ભાઈ છોકરો હતો તોયે તારા પાપ્પાએ કેટલી આનાકાની કરી હતી?”

“યાદ છે મમ્મી હું નવમામાં હતી ત્યારે ભઈલું કોલેજમાં આવ્યો હતો પણ આખરે પિતાજી માન્યા તો હતાને?” નંદિતાએ કહ્યું.

એ સંદીપને હમેશા ભાઈલું જ કહેતી. જાણેકે એ મોટી બહેન હોય અને સંદીપ એનાથી નાનો હોય! બંને ભાઈ બહેન વચ્ચે પ્રેમજ એવો હતો કે ન પૂછો વાત. સંદીપ કોઈ પણ કામે શહેર જાય નંદુ માટે કઇક ને કઈક લઈનેજ આવે. કોઈવાર કપડાં તો કોઈવાર વાર સેન્ડલ.

ઘણીવાર રેખાબહેન કહેતા પણ ખરા, “આ આમ આખો દિવસ તારી બહેનને નંદુ નંદુ કહી  માથા પર ચડાવી ફરે છે પણ જોઈશું કે બૈરી આયા પછી કેવું રાખે છે બહેનનું.”

“કેમ નહિ રાખું એવું લાગે છે તને?” સંદીપ કહેતો એટલે રેખાબેન કહેતા, “ જોઈશું, બાર મહીને મળવા આવશેને ત્યારે બંગડીયે નહિ લેવા દે તારી ઘરવાળી નંદુ માટે.”

સંદીપ કઈ જવાબ આપે એ પહેલાજ નંદિતા બોલી ઉઠતી, “હું કઈ બીજી બહેનો જેવી નથી. મારે જે જોઈતું હશે એ લેતા પહેલા કોઈનેય પુછીશ નહિ. જો ઘણું ચપડ ચપડ કરશે ને એની ઘરવાળી તો તો કાઢી મુકીશું એને. ફરી પરણાવીશું ભૈલુંને. આવો ગોરો ચમટ છે બીજીવાર છોકરી આપવાનીયે કોણ ના પાડશે?”

“સાસુમા ક્યાં ખોવાઈ ગયા છો તમે?” જયાના અવાજે રેખાબેનને વિચારોમાંથી બહાર લાવ્યા.

“હા ક્યાય નહિ.” તેઓ મંદ અવાજમાં બોલ્યા.

“તો ક્યારનીયે બુમો પાડું છું. સંભાળતા કેમ નથી? હું જરાક દુર્ગાબેનને ત્યાં જઈ આવું છું ત્યાં સુધી કોમલ ઘોડિયામાં છે એનું ધ્યાન રાખજો.”

“એ હા.” કહી રેખાબેન કોમલના ઘોડિયા પાસે જઈ તેને હીંચકા નાખવા મંડ્યા.

કોમલ એમના દીકરા સંદીપની નાની દીકરી હતી અને મેહુલ મોટો છોકરો હતો. મેહુલ સાતમું ભણતો હતો. એ શાળાએ ગયો હતો. સંદીપ અને એના પિતા ક્યાય શાસ્ત્રીની વિધિ કરવા ગયેલ હતા. જયા પણ દુર્ગા બહેનના ઘરે ચાલી ગઈ.

ઘરમાં બસ રેખ બેન અને ઘોડિયામાં સુતેલ કોમલ બે જણ હતા.

“બેટા એ દિવસે મેં મારી દીકરીનો સાથ આપ્યો હોત, પતિ સાથે જીદ કરીને એને કોલેજ ભણાવી હોત  તો એને કોઈ નોકરી મળી હોત. આજે વિધવા બન્યા પછી મારી દીકરીને આ દુ:ખના દિવસો ન આવોત.” રેખાબેને ઘોડિયામાં સુતેલ કોમલ તરફ જોઈ કહ્યું, “પણ તું ચિંતા ન કરતી. તું બારમું ભણી રહે ત્યારે હું જો જીવતી હોઇશને તો જીદ કરીને તને જરૂર કોલેજ ભણવા મુકીશ.”

કોમલ હજુ અગિયાર મહીનાનીજ હતી એ સમજતી ન હતી કે દાદી શું કહે છે પણ બસ એને સંભાળવામાં મજા આવી એટલે એ દાદી તરફ જોઈ ખીલખીલાટ હસી પડી.

રેખાબહેન એ ખીલખીલાટ જોઈ રડી પડ્યા. એમની દીકરીના આંસુએ એમની આંખો ખોલી નાખી. થયું મારી એ દીકરી પણ આ દીકરીની જેમ આજે હસતી હોત જો દીકરીના આંસુ જોયા પહેલા એની ખુશી, એના જીવનની કુરબાનીઓ આપ્યા પહેલા હું એ બધું સમજી ગઈ હોત…… કાસ….. પણ હવે એ ભુતકાળ હતો…. ને એ કાસ રેખાબેનની આંખોથી આંસુ બની વહેવા લાગ્યું….. શું મારી જેમ બધી જ મા આમ દીકરીની ખુશીઓની કુરબાની આપ્યા પછી જ સમજશે? ને ફરી એક નિર્દોષ ખીલખીલાટ કરતી નંદિતા દેખાવા લાગી જે હમણાં જ સુકાયેલું શરીર લઈને અહીંથી ગઈ હતી.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

All rights are reserved. No part of this publication may be reproduced or stored in a retrieval system or transmitted in any form or by any means, electronic, mechanical, photocopying, recording or otherwise, without the written permission of the author.

Comment here