gujarati-varta-zulfa

ઝૂલ્ફાં

થાવર કરીને એક ગામ. ગામ પહાડી વિસ્તારમાં હતું. સુંદર રળિયામણા પહાડ અને જંગલ વચ્ચે આવેલું એ ગામ નાનકડું ને ભવ્ય. ગામમાં બસ્સો જેટલા ઘર ને જાત જાતના લોકો. રબારી, ભરવાડ, પટેલ, ભીલ, હરિજન અને સુથાર એમાં પટેલના ઘર બહુમતીમાં. ગામથી થોડેક બહાર કરીમ ચાચા રહે.  કરીમ ચચાને માટીનો ધંધો એટલે થોડી જગ્યા મોટી જોઈએ એ ખાતર ગામથી દૂર એમના વાડામાં જ છાપરું બાંધીને રહેતા.

ગામના લોકો ત્યાંથી પસાર થાય એટલે કફની અને લેંઘામાં મોઢા ઉપર કરચલી પડેલ, સફેદ લાંબી દાઢીવાળો એક વૃદ્ધ ચહેરો લઈ  ચાકડો ચલાવતા, માટલાં કે કોડિયા ઘડતા કરીમ ચાચા નજરે ચડે. કરીમ ચાચાને ઘરમાં બીજું તો કોઈ નહિ બસ એક એમના ભાઈનો દીકરો સત્તારખાં અને કરીમ ચાચા પોતે.

જુવાનીના દિવસોમાં કરીમ ચાચા માટલાં, કોડિયા, તવા અને ગલ્લા વેચવા આસપાસના ગામમાં જતા પણ જતે દિવસે શરીર થાકયું એટલે એ જવાબદારી સત્તારખાં એ ઉપાડી લીધી હતી.

ગામના લોકો ચાચાને માન આપતા પણ ઘર દૂર હતું અને સત્તારખાં માટલાં વેચવા જતો રહેતો એટલે ચાચાને એકલતા સાલતી. એ એકલતામાં જ ચાચા એમની બકરી અને કુતરી સાથે વાતો કરતા થઈ ગયા હતા. ધીમે ધીમે તો માણસ અને પ્રાણી વચ્ચે એવી મૈત્રી થઈ ગઈ કે ચારેય જીવ એકબીજાની બોલી સમજી લેતા! કરીમ ચાચાને સાઈના,નૂર અને ઝૂલ્ફાં ત્રણેય જાણે દીકરીઓ!

સત્તારખાં આસપાસના ખેતરમાંથી સવાર પડ્યે ભારો લઈ આવે એટલે કરીમ ચાચા રોટલા ટીપી નાખે. સત્તારખાં સાઈના અને નૂરને ઘાસચારો આપે એટલે બકરીઓ બેઠી બેઠી ઓગાળ્યા કરે. સત્તારખાં હાથ મો ધોઈને રોટલા ખાવા બેસે ત્યાં સુધી તો આંગણે બેઠી ઝૂલ્ફાંને કરીમ ચાચા રોટલો ને દૂધ આપી દે. આમ પહેલા ત્રણેય દીકરીઓને જમવાનું આપે પછી જ કરીમ ચાચા અને સત્તારખાં જમે!

જમીને સત્તારખાં સોડલો તૈયાર કરી માટલાં, તવા, ગલ્લા અને ગોળીઓ લઈને કરાધણી કે સુથિયા કે પછી ત્રીજા કોઈ ગામે વેચવા નીકળી પડે.

સત્તારખાં જાય એટલે કરીમ ચચા ચાકડે બેસી જાય. સામે  સાઈના અને નૂર તો ચાચાને ઝીણી આંખે દેખતી ડોકા ઓગાળ્યા કરે ને ઝૂલ્ફાં આંગણેથી ઉભી થઇ ચાકડા નજીક જઈને બેસી જાય. કરીમ ચાચા વાસણ બનાવતા જાય ને ઝુલ્ફા સાથે વાતો કરતા જાય. ઝુલ્ફા પણ ટગર ટગર જોતી બધું સાંભળતી. બપોરે થાકે એટલે ચાચા બકરી દોહી ચા બનાવે અને ઝુલ્ફાને દૂધ પાય. પછી ચપડ ચપડ દૂધ પીતી ઝુલ્ફાના સુવાળા રેશમી વાળમાં વ્હાલથી હાથ ફેરવતા ચા ના ઘૂંટ લીધે જાય.

સાઈના ને નૂર ખાતી ખાતી ઘણીવાર ઉભી થઇ જાય અને શરીર ખંખેરવા શરીરમાં એક ધ્રુજારી લાવે ત્યારે તો સફેદ રૂંવાટીમાં જે દ્રસ્ય ઉપજે એ દેખ્યા જેવું. સાઈના રંગે કાળી પણ નૂર તો એકદમ દૂધ જેવી સફેદ.

કરીમ ચાચા જ્યારે બેય બકરીઓ લઈને આવ્યા હતા ત્યારે નૂરનું નૂર જોઈ સત્તારખાં તો બોલી પડ્યો હતો, “માશા અલ્લાહ, ક્યાં બકરી હૈ ચાચા!”

આમ તો સત્તારખાં ને ચાચા બેય ગુજરાતી જ બોલતા પણ જ્યારે માયલો હરખ કરે ત્યારે હિન્દી બોલાઈ જતું.

સત્તારખાં તો નૂર ઉપર વારી હતો પણ  કરીમ ચાચાને તો બેય બકરીઓ સરખી વ્હાલી. રાતે પોતાનો ખાટલો બકરીઓ પાસે જ રાખે. રખે ને ક્યાંક પેલા પહાડ પરથી જંગલી કુતરા આવી ચડેને બકરીને દબોચી દે તો?

દિવસ રાત કરીમ ચાચા બેય બકરીની રખેવાળી કરતા. સત્તારખાં નું કાઈ નક્કી ન હોય, કોઈ દિવસ વેચતો વેચતો આઘો નીકળી જાય તો કોઈના ઘરે રાતવાસો કરીને બીજે દિવસેય આવે અને પોતે આખા દિવસના ચાકડો ચલાવી થાકેલ હોય એટલે રાતે ઊંઘમાં ધ્યાન ન રહે ઉપરથી જંગલી કુતરા શિકારના ટેવાયેલા હોય એક જ ઝટકે બકરીનું ગળું દબોચી દે એક બેકારો પણ કરવા ન દે. એટલે કરીમ ચાચાએ એક કુતરી પાળી હતી. ઝૂલ્ફાં! રેશમી મુલાયમ સફેદ વાળ અને દેખતા ગમી જાય એવુ ઘાટીદાર ને ભરાવદાર શરીર, શાંત સ્વભાવ પણ લડાઈમાં ભયાનક એવી ઝૂલ્ફાં ગણતરીના દિવસોમાં જ પાલતુ થઈ ગઈ હતી.

કરીમ ચાચા સવાર સાંજ રોટલો ને દૂધ આપતા ને ઝૂલ્ફાં આખો દિવસ ને રાત બકરીઓ સામે બેસી રહેતી. દરવાજે કોઈ માણસ કે પ્રાણી આવે તો ઝૂલ્ફાં દોટ મૂકીને બકરીઓ પાસે પહોંચી જાય.

આમ પ્રાણીઓ સાથેની મૈત્રીમાં કરીમ ચાચાનું જીવન ચાલતું હતું.

દિવાળીના દિવસો હતા અને સત્તારખાં કોડિયા વેચવા ગયો પણ સાંજે આવ્યો ત્યારે તો એનો પગ સુજીને ભમમ થઇ ગયો. આંખે ધેન ચડવા લાગ્યું. અનુભવી કરીમ ચચા સમજી ગયા કે આવતે માર્ગે એરું થઈ ગયું છે.

સવજી પટેલની પીચોટ બોલાવીને સત્તારને શહેરના દવાખાના ભેગો કર્યો. ડોકટરે દવા ચાલુ કરી અને ખતરો ટળી ગયો પણ એરું ભારે થયું હતું એટલે ચાર દિવસનો ખાટલો દવાખાને જ માંડવો પડશે એવું નક્કી થયું.

રાત આખી ચાચાએ જાગતી આંખે કાઢી. સવાર પડ્યે  સત્તારખાં ભાનમાં આવ્યો એટલે રાહત થઈ. તો બીજી ચિંતા થઈ આવી, ગઈ કાલ સાંજની ઝૂલ્ફાં અને બકરીઓ ભૂખી હશે?

સત્તારખાં ને તો ડોકટર રજા આપે એમ નહોતો ને બીજી બાજુ કુતરી ને બકરીઓ ભૂખી હશે. કરીમ ચાચા નિરાશ થઈ ગયા. સવજી પટેલ પણ સવારે વહેલા નીકળી ગયા હતા નઈ તો એમને કો’ત તો પણ એ ઘાસ રોટલી આપી આવોત.

સત્તારખાં એ કહ્યું, “ચાચા તમે જાઓ એ મૂંગા પ્રાણીઓ ભૂખ્યા હશે ને એમ પણ આપણાં ગામમાં કોડિયા આપવાના પણ બાકી છે.”

ડોકટરે કહ્યું હતું કે હવે ખતરો નથી એટલે કરીમ ચાચા ઘરે જવા નીકળ્યા. ઘરે જતા દરવાજો ખોલ્યો ત્યાં તો સાઈના અને નૂર મેં મેં બે બે કરતી કૂદકા મારવા લાગી. ઝૂલ્ફાં દોડતી આવીને કરીમ ચાચાના પગ પાસે બેસી ગઈ.

“ભૂખ લાગી છે ને બેટા?” ત્રણેયને ઉદ્દેશી ને કરીમ ચાચાએ કહ્યું.

ત્રણેયના મોઢા ઉતરેલા જ રહ્યા એટલે કરીમ ચાચાએ ફરી કહ્યું, “હમણાં લાવું છુ હોકે?”

કરીમ ચાચા રાઢવું લઈને મગન પટેલના ખેતરે ગયા. થોડીવારમાં એક મોટો ભારો લઈને આવ્યા. સાઈના અને નૂર આગળ ઘાસ ડોકા નાખ્યા પણ એકેય બકરીએ મોઢું ન ભર્યું. બે રોટલા ઘડીને ઝૂલ્ફાંને આપ્યા પણ એણે ય મોઢું ન ભર્યું. કરીમ ચાચા સમજી ગયા કે આ ત્રણેય કેમ ઉદાસ છે.

“અરે સત્તારખાં ને કાઈ નથી થયું, તમ તમારે ખાઓ.”

ને જાણે કેમ મૂંગા પ્રાણી એ બોલી સમજી ગયા હોય એમ ખાવા મંડ્યા. એ ત્રણેયને ખાતા જોઈ કરીમ ચાચાને રાહત થઈ. ઉભા થઈને સોડલામાં પાકા કોડિયા ભર્યા ને એક ઈંઢોંણી લીધી. ના ના હું જાઉં અને પહાડ બાજુથી જંગલી કુતરા આવે તો? પણ એમતો કાલે આખી રાત હું ક્યાં હતો? તોય કુતરા તો નથી આવ્યા ને! હું નઈ જાઉં તો ગામમાં દિવા કેમ થશે? કોડિયા વગર ગામ કેવું બોખું બોખું લાગશે? આ કોડિયા કાઈ કળશી બાજરી સાટું નથી વેંચતા એ તો અમારા બાપ દાદાનો ધંધો હતો એટલે હવે મારીએ જવાબદારી તો ખરી ને? ગામમાં બીજો કોઈ કુંભાર કે ઘાંચી તો છે નહીં ગામવાળા બિચારા ક્યાં જશે?

કરીમ ચાચા સોડલો લઈને ઉપડી ગયા. ગામમાં ઘરે ઘરે જઈને કોડિયા આપી દીધા. વર્ષોથી સત્તાર એ કામ કરતો એટલે  કરીમ ચાચા થાકી ગયા. ગામના ગુંદરે સોડલો ઉતારી થાક ખાવા બેઠા. દમ ચડી ગયો. પગમાં કળતર થવા લાગી. પણ બેઠે તો કામ નઈ આવે હજુ સાંજનું ઘાસ રોટલો આપીને દવાખાને જવું પડશે.

ફરી કરીમ ચાચા ઉભા થઇ ગયા. સોડલો ઉપાડી ઘર તરફ ચાલવા લાગ્યા. સવજી પટેલનું ઘર વટાવી સામે પોતાનો વાડો દૂર દૂર દેખાયો એટલે ફરી જોશ આવ્યો બસ હમણાં પૂગી જવાનો.

મોટા શ્વાસ ને પગમાં કળતર સાથે દરવાજે પહોંચી ઓગળો ખોલ્યો ને જેવી નજર ખૂંટે ગઈ ત્યાં તો માથા પરથી સોડલો ધડ કરતો નીચે પડી ગયો…..

સાઈના અને નૂર બે બે મેં મેં કરતી હિલોળે ચડી ગઈ. કરીમ ચાચાની નજર ત્યાં ને ત્યાં જ ચોંટી ગઈ. દ્રશ્ય પણ કેવું લોહિયાળ હતું? ત્રણ કુતરા અધમૂઆ કે પછી મરેલા પડ્યા હતા. આંગણું આખું લોહીથી ખરડાયેલું પડ્યું હતું. ત્રણ ભયાનક શિકારી કુતરાની પાસે અધ ખુલ્લી આંખે ઝૂલ્ફાં પડી હતી. એમાં થોડો થોડો જીવ હજુએ હતો….

બકરીના ખૂંટા અને પેલા કૂતરાની વચ્ચે ઝૂલ્ફાંને જોઈ કરીમ ચાચા સમજી ગયા કે શું થયુ છે!

કરીમ ચાચાને દેખી ઝૂલ્ફાંએ ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ જેવી ઉભી થઇ કે છાતીએ દબાવેલો મોટો ઘા ઉઘાડો થઈને દડદડાટ કરતું લોહી વહેવા માંડ્યું. ઝુલ્ફા ફરી ઢળી પડી. કરીમ ચાચા ઉતાવળે પગલે જઈને ઝૂલ્ફાંને ખોળામાં લઈ લીધી. જે રેશમી સુંવાળા સફેદ વાળમાં કરીમ ચાચા વ્હાલથી હાથ ફેરવતા એ સફેદ મટીને લાલ થઈ ગયા હતા. ઠેર ઠેર પેલા ભેડિયાઓના જંગલી દાંતના નિશાન દેખાતા હતા.

ફરી એક નજર સાઈના ને નૂર તરફ કરી. બે માંથી એકેય ને એક ખરોચ પણ નહોતી આવી. કરીમ ચાચાની આંખમાંથી આંસુ વહેતા રહ્યા ને માલીકના ખોળામાં ઝૂલ્ફાંએ જીવન ટુંકાવી દીધું.

સાઈના અને નૂર ધમપછાડા કરતી હતી. કરીમ ચાચાએ ઉભા થઇ બન્નેને ખૂટેથી છોડી કે તરત બન્ને જઈને ઝૂલ્ફાં પાસે બેસી ગઈ. કરીમ ચાચા પણ ફરી ઝૂલ્ફાંના શરીર પાસે બેઠા. નૂર અને સાઈનાએ કરીમ ચાચાના ખોળામાં માથું મૂકી દીધું. જાણે બન્ને કહેતી હતી, “કરીમ ચાચા, ઝૂલ્ફાં ખૂબ લડી, એકેય શિકારી કૂતરાને અમારી નજીક ફરકવા નથી દીધો ન તો એકેય ને જીવતા જવા દીધા…..”

કરીમ ચાચા નૂર અને સાઈનાના માથે હાથ ફેરવી બોલ્યા, “આખા ગામમાં ઘરે ઘરે નૂર (રોશની) થશે એ ખાતર હું ગયો ને મારા જ ઘરની રોશની ઓલવાઈ ગઈ….”

ક્યાંય સુધી કરીમ ચાચા, સાઈના અને નૂર એમ જ બેઠા બેઠા ઝૂલ્ફાંને દેખતા આંસુ ખેરવતા રહ્યા…..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

પિંકસીટી, રાણપુર રોડ,

ડીસા – ૩૮૫૫૩૫ 

One Reply to “ઝૂલ્ફાં”

Comment here