gujarati-varta-when-love-happens-second-time

વેન લવ હેપન્સ સેકંડ ટાઈમ..!

અમે એકબીજાથી અલગ થઇ જવાનો ફેસલો લઇ લીધો હતો. કદાચ અમારે એકબીજાના જીવનમાં આવવું જ નહોતું જોઈતું. અમે એકબીજાથી કેટલા અલગ હતા.

હું દીપ દિવસ હતો તો જ્યોતિ રાત.

કદાચ ફિલ્મો અને સીરીયલમાં દીપ અને જ્યોતિ બેસ્ટ જોડી બતાવતા હશે પણ અમારા જીવનમાં એવું કાઈ ન હતું. અમારા લગ્નને ચાર વર્ષ થઇ ગયા હતા અને છેલ્લા છ મહિનાથી તો અમે એકબીજાથી અલગ પણ રહેતા હતા. આજે સવારે જ જ્યોતિ એ મને ડાયવોર્સ પેપર સાઈન કરવા કોલ કર્યો હતો. એના વિચારો પણ કેટલા અજીબ હતા.

“દીપ, શું તું ડાયવોર્સ પેપર પર સાઈન કરીશ?” મેં ફોન ઉપાડ્યો એ સાથે જ કોલ હેલો હાય કે કોઈ પણ ગ્રીટીંગસ વિના એ બોલી.

મને ખબર હતી એ હમેશની એવી જ હતી. એને ક્યારેય કોઈ દિવસ મારા પર વિશ્વાસ હતો જ નહિ. એને આજે પણ ભરોષો ન હતો કે હું એને ડાયવોર્સ પેપર પર સાઈન કરી આપીશ. એને ડર હતો કે એણીએ કોર્ટનો દરવાજો ખાખડાવવો પડશે.

હું એના કરતા કેટલો અલગ હતો. મને પ્રેમમાં વિશ્વાસ હતો. હંમેશાથી…… જયારે મને ત્રેવીસ વરસ થયા ત્યારથી જ હું મારા જીવનના સ્ટારની શોધમાં લાગી ગયો હતો અને મને સ્ટારને બદલે જ્યોતિમાં આખી ગેલેક્ષી દેખાઈ હતી.

જ્યોતિને પહેલીવાર જોઈ ત્યારે મને એમ લાગ્યું હતું જાણે જ્યોતિ એ સ્ટાર હતી જે મારા જીવનમાં ઉજાસ કરવા માટે હતી. મેં જે યુવતીને ચાહવાના સપના જોયા હતા એ જ્યોતિ જ હતી. હું જે પ્રેમની કિતાબ વાંચવા માંગતો હતો એ જ્યોતિ જ હતી. એ કિતાબ જે ખાસ મારા માટે લખાયેલ હોય અને જે વાંચતા હું ક્યારેય થાકું નહિ….. જે વાંચતા હું ક્યારેય કાંટાળું નહિ….. જે વાંચતા હું ક્યારેય ન વિચારું કે એ ક્યારેય પૂરી પણ થાય…..

હું જ્યોતિને મારી નેવર એન્ડીંગ બૂક સમજવા લાગ્યો હતો. એક એવી બૂક જેની શરૂઆત થાય પણ એનો અંત ક્યાય મળે જ નહિ. એક એન્ડલેસ કહાની… એક અનંત લાગણી..!!

હું આજે પણ મનોમન એને ચાહું છું. એ જ ચાહત જે મેં એને પહેલા દિવસે જોઈ ત્યારે હતી….. એ જ ચાહત જે અમારી પ્રથમ મુલાકાત વખતે મને એની આંખોમાં દેખાઈ હતી… મારી આંખોમાં હજુ એ જ ચાહત હતી પણ હું જાણતો હતો કે જો તમે કોઈને સાચો પ્રેમ કરતા હો તો એને આઝાદ કરતા પણ ખચકાવું ન જોઈએ કેમકે સાચો પ્રેમ હમેશા કુરબાની માંગે છે.

ઇફ યુ લવ સમવન મેક હર ફ્રી… ફ્રીડમ ઇઝ અનધર ફોર્મ ઓફ લવ. હું જીવનમાં એ સુત્રને માનતો હતો અને છતાં જયોતિને વિશ્વાસ ન હતો કે હું એને ડાઈવોર્સ પેપર પર સાઈન કરી આપીશ.

“હા, હું પેપર સાઈન કરવા તૈયાર છું.” મેં જવાબ આપ્યો.

“તું મને લાયબ્રેરી મળીશ? આપણે જ્યાં પહેલીવાર મળ્યા હતા એ સ્થળે… હું ઈચ્છું છું કે આપણી છેલ્લી મુલાકાત પણ એ જ સ્થળે રહે.”

“હા..” મેં માત્ર ટૂંકો જવાબ આપ્યો અને ફોન ડીસ્કનેક્ટ કરી જીન્સના પાકીટમાં સરકાવ્યો.

અમારા વચ્ચે કેટલો તફાવત હતો? કદાચ દુનિયામાં એકબીજાથી બિલકુલ અલગ હોય અને એકબીજા સાથે પ્રેમમાં પડ્યા હોય એનો ખિતાબ અમને સહેલાઈથી મળી શકે તેમ હતો.

હું લાયબ્રેરી તરફ જવા મારી કાર દોડાવવા લાગ્યો..

જ્યોતિ એકદમ સ્ટ્રેન્જ હતી એ હમેશા અજીબ વાતો કરતી. જયારે હું એકદમ સરળ વાતો કરતો. એ ઇગર થીન્કર હતી અને હું સીમ્પ્લેટોન.

એ હમેશા ઘરમાં જ રહેવાનું પસંદ કરતી અને મને બહાર ફરવું ગમતું. એને ફિકશન અને કાલ્પનિક કહાનીઓ પસંદ હતી જયારે મને વાસ્તવિકતા દર્શાવતી વાર્તાઓ ગમતી.

એ માત્ર બે જ ભાષાઓ જાણતી હતી પણ એ બંને એને ફ્લુઅન્ટ આવડતી હતી જયારે હું ચાર ભાષાઓ જાણતો હતો પણ બધી અધકચરી.

એને ઘરની દરેક ચીજ એની જગ્યા પર અને વ્યવસ્થિત મુકાયેલ જોવાની આદત હતી અને હું ક્યારેય સુજ પણ પહેરીને સુઈ જતો હતો. મારા ટુવાલ અને સોક્સ ક્યાં પડ્યા હોય એની મને ક્યારેય ખબર ન હતી.

તે કોઈ કાઈ કહે તો ઇગ્નોર કરવાનું પસંદ કરતી જયારે હું ઝઘડો કરવા તૈયાર થઇ જતો.

એ જોક્સ સાંભળીને ખુબ હસતી જયારે મને જોક્સ સાંભળવા ગમતા જ નહિ. એને ઇન્ડોર ગેમ પસંદ હતી મને આઉટડોર. એને કાર્ટુન પસંદ હતા મને એક્શન. એને સીરીયલ પસંદ હતી મને ફિલ્મો.

કદાચ અમારા વચ્ચે એવા તો કેટલાય તફાવત હતા કે જે ગણાવી પણ શકાય એમ નથી. મને યાદ પણ નથી કે અમારા વચ્ચે કેટલા તફાવત હતા. બસ એ તફાવતને લીધે અમારા વચ્ચે સતત તણાવ અને સંઘર્ષ જેવી સ્થિતિ રહેતી અને આખરે જ્યોતિએ મારાથી અલગ થવાનો નિર્ણય લઇ લીધો. એ એના પિયર ચાલી ગઈ અને આજે ચાર મહિના બાદ એનો ફોન આવ્યો એ પણ ડાયવોર્સ પેપેર સાઈન કરવા માટે.

મેં કાર લાયબ્રેરીના ગેટથી જરાક દુર પાર્ક કરી અને લાયબ્રેરીમાં દાખલ થયો. એ ખૂણા પરના ટેબલ પર  બેઠેલ હતી… અમે બંને પહેલીવાર મળ્યા ત્યારે પણ એ જ ટેબલ પર હતા. હું કાઈ પણ બોલ્યા વિના એના સામેના ટેબલ પર ગોઠવાયો.

જ્યોતિએ એવો જ પિંક ડ્રેસ પહેરેલ હતો જે રંગના ડ્રેસમાં મેં એને પહેલી વખત જોઈ હતી. મને ખબર હતી હવે ફરી ક્યારેય એ મને એ ડ્રેસમાં જોવા મળવાની ન હતી. એ ડ્રેસમાં શું કોઈ પણ ડ્રેસમાં એ મને જોવા મળવાની ન હતી.

હું જાણતો હતો અમે એકબીજાથી અલગ થઇ શકવાના હતા પણ અમારા જીવનમાં કોઈ ક્યારેય આવી શકે તેમ ન હતું. એકબીજાના ગયા બાદ હ્રદયના જે ખૂણામાં ગેપ થવાની હતી એ ગેપ ક્યારેય ભરવાની ન હતી.

અમે બંને જાણતા હતા કે અમે કોઈ ડેટિંગ પરના કોલેજીયન યુવક યુવતી ન હતા કે એકબીજા સાથે મેળ ન આવ્યો તો ફરી ડેટિંગ માટે નવો પાર્ટનર શોધી લઈએ. અમે ક્યારેય કોઈ બીજો પાર્ટનર શોધી શકવાના ન હતા. અને એ છતાં હકીકત એ હતી કે અમે એકબીજા સાથે પણ રહી શકીએ તેમ ન હતા.

અમે બંને કદાચ એક જ ચીજ વિચારી રહ્યા હતા. અમે જીવનમાં ફરી ક્યારેય ભેગા ન થઈએ. ક્યાય અજાણ્યે પણ એકબીજાથી ન ભટકાઈએ ન કોઈ બૂક સ્ટોરમાં ન કોઈ પુસ્તકાલયમાં.

અમે બંને એ ચીજ અનુભવી રહ્યા હતા કે પ્રેમમાં પડવું કેટલું સહેલું છે પણ…???

હાઉ ઇઝી એન્ડ મેજિકલ ઈટ ઈઝ ટુ ફોલ ઇન લવ વિથ સમવન બટ હાઉ હાર્ડ ઇટ ઇઝ ટુ ફોલ આઉટ ઓફ લવ વિથ સમવન…???

જ્યોતિએ કાંઈજ બોલ્યા વિના તેના પાસે રહેલ પર્સમાંથી કાગળ નીકાળી ટેબલ પર મુક્યા. મારા માટે જાણે આખું યુનિવર્સ એક પળ માટે થંભી ગયું હતું… મારો સ્ટાર મારી ગેલેક્ષી મારાથી દુર થઇ રહી હતી.

મેં કાગળ મારા તરફ ખસાવી, ખિસ્સામાંથી પેન નીકાળી તેના પર સાઈન કરી.

“હું આપણા સંબંધમાં ક્યારેય ખુશ નથી રહી શકી દીપ, તને ખબર છે કેમ??” જ્યોતિના શબ્દો સાંભળી મેં કાગળમાંથી નજર હટાવી એના તરફ જોયું અને નકારમાં માથું હલાવ્યું.

“કેમકે મને પહેલા દિવસથી ડર હતી કે આ થશે.”

મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા. હું ચુપચાપ એની તરફ જોઈ રહ્યો.

“હું જયારે પણ ખુશ થતી ત્યારે મને એ ડર રહેતો જ કે આ ખુશી કેટલી ટકશે?”

કદાચ એ સાચી હતી મેં એને ખાસ ક્યારેય ખુશ જોઈ ન હતી અને એટલે જ કાદાચ હું એને એ કાગળો પર સાઈન કરી આપવા તૈયાર હતો કેમકે લવ ઈઝ ફ્રીડમમાં હું માનતો હતો.. ઇફ યુ લવ સમવન મેક હીમ ફ્રી…..

“મને હમેશા ડર રહેતો કે આપણે અલગ થઇ જઈશું.. એ માટે નહિ કે તને કોઈ અન્ય મળી જશે એ માટે નહિ કે તું કોઈ અન્યને ચાહવા લાગીશ પણ એ માટે કે આપણા વચ્ચે જે મેજિક હતું એ એક દિવસ ઓછું થઇ જશે.. આપણા વચ્ચે જે પ્રેમ હતો એ એક દિવસ ભુલાઈ જશે.. હું ફરી તને મળી એ પહેલા જે એકલતા જીવનમાં અનુભવતી હતી એ જ એકલતા અનુભવવા લાગીશ… મને ખબર હતી કે તું મને ક્યારેય દગો નહિ કરે પણ મને હમેશા એ ડર હતી કે તારી આંખોમાં જે પ્રેમ છે એ એક દિવસ ઓછો થઇ જશે… તારી આંખો એ લવ ફિલ્ટર વિના મને જોવા લાગશે અને હું તને એ સુંદર યુવતી નહિ દેખાઉં જે તને પહેલીવાર દેખાઈ હતી જયારે આપણે આ જ સ્થળે મળ્યા હતા.”

“તને ખબર છે જ્યોતિ તું ફિકશન વાંચે છે અને કલ્પનાઓ કરી શકે છે અને કદાચ એ બધી કલ્પનાઓએ જ તને ક્યારેય મારા સાથે સેટ નથી થવા દીધી.. કદાચ મારો પ્રેમ એક દિવસ ઓછો થઇ જશે એ ડરે તને મારો પ્રેમ ક્યારેય દેખાવા જ નથી દીધો.” મેં કહ્યું, “મેં તારા જેમ પુસ્તકો નથી વાંચ્યા હું તો એ દિવસે પહેલીવાર લાયબ્રેરીમાં એક ફ્રેન્ડે ફોર્સ કર્યો એટલે આવ્યો હતો અને આજે તે બોલાવ્યો એટલે આવ્યો છું… મને પ્રેમ કઈ રીતે વ્યક્ત કરાય એ ખબર નથી કેમકે મને કલ્પના નહિ વાસ્તવિકતા ગમે છે…  મને હકીકત ગમે છે, તું મારી હકીકત હતી અને છે… હું આ કાગળ પર સાઈન કરી રહ્યો છું કેમકે એ પણ એક હકીકત છે કેમકે તું એ ચાહે છે.”

“આપણે એકબીજાથી એકદમ અલગ છીએ.. આપણા વિચારો પણ અલગ છે તો આપણે મળ્યા જ કેમ?” જયોતિએ આંખના ખૂણા લૂછતાં કહ્યું.

“મને ખબર નથી… કદાચ એને જ નિયતિ કે ભાગ્ય કહેવાતું હશે.” મેં કહ્યું.

“હું નશીબમાં નથી માનતી ભાગ્ય નામની કોઈ ચીજ હોતી જ નથી..” જ્યોતિએ કહ્યું.

“એ જ તો ચીજ છે જ્યોતિ… તું ભાગ્યમાં નથી માનતી, હું માનુ છું.. તું ઇગર થીન્કર છે અને હું સીમ્પ્લેટોન. તને હમેશા ઘરમાં જ રહેવાનું પસંદ છે અને મને બહાર ફરવું. તને ફિકશન અને કાલ્પનિક કહાનીઓ પસંદ છે જયારે મને વાસ્તવિકતા દર્શાવતી વાર્તાઓ. તું માત્ર બે જ ભાષાઓ જાણે છે પણ એ બંને  ફ્લુઅન્ટ.. તને પરફેકશન પસંદ છે જયારે હું ચાર ભાષાઓ જાણું છું પણ બધી અધકચરી. મને પરફેક્શન સાથે કોઈ જ લેવા દેવા નથી. તને ઘરની દરેક ચીજ એની જગ્યા પર અને વ્યવસ્થિત મુકાયેલ જોવાની આદત છે અને હું ક્યારેય સુજ પણ પહેરીને સુઈ જઉ છું. મારા ટુવાલ અને સોક્સ ક્યાં પડ્યા હોય એની મને ક્યારેય ખબર નથી હોતી. તું કોઈ કાઈ કહે તો ઇગ્નોર કરવાનું પસંદ કરે છે  જયારે હું ઝઘડો કરવા તૈયાર થઇ જઉ છું. તને જોક્સ સાંભળવા ગમે છે જયારે મને જોક્સ સાંભળવા ગમતા જ નથી. તને ઇન્ડોર ગેમ પસંદ છે મને આઉટડોર. તને કાર્ટુન પસંદ છે મને એક્શન. તને સીરીયલ પસંદ છે મને ફિલ્મો….”

“બસ…” જ્યોતિએ કહ્યું.

હું ચુપ થઇ ગયો. એ બસ કહે ત્યારે હું હમેશા ચુપ થઇ જતો.

“બસ..” “જ્યોતિએ કહ્યું, “એવા તો લાખ તફાવત છે આપણા વચ્ચે… તને બહુ બોલવું પસંદ છે અને મને ઓછું બોલવું, તને આડોસ પડોસના લોકો સાથે હળવું મળવું પસંદ નથી અને મને મિત્રો બનવવા પસંદ છે પણ તને ખબર છે આપણા વચ્ચે સૌથી મોટો તફાવત કયો છે?”

મેં નકારમાં માથું હલાવ્યું.

“મને ખબર જ હતી… એ તને ખબર નહિ જ હોય..” જ્યોતિએ કહ્યું, “એ તફાવત છે… આપણા વચ્ચેનો સૌથી મોટો તફાવત કે તું મને ચાહે છે અને હું તને… આપણે પ્રેમ પણ અલગ અલગ વ્યક્તિને કરીએ છીએ.. તને મારો ચહેરો જોવો પસંદ છે અને મને તારો… મને તારા વિના રહેવું જરાય પસંદ નથી અને તને મારા વિના રહેવામાં જરાય મજા નથી આવતી..”

હું એને બોલતી જોઈ રહ્યો. એણીએ ટેબલ પરથી લઇ એ કાગળો ફાડી નાખ્યા… એ બોલ્યે જ ગઈ… હું સાંભળતો જ રહ્યો… હું એને જોતો જ રહ્યો… પહેલા દિવસની જેમ જયારે મને એ પહેલીવાર મળી હતી… મને સેકંડ ટાઈમ લવ થયો એ જ સ્થળે અને એજ વ્યક્તિ સાથે… મેં જ્યોતિનો હાથ પકડ્યો અને અમે બંને કાર તરફ જવા લાગ્યા… ભલે રોજ મને બહુ બોલવાની આદત હતી પણ આજે એ બહુ બોલી રહી હતી અને હું સાંભળી રહ્યો હતો…

મેં મારી જાતને બદલી લેવાનું નક્કી કર્યું કદાચ એણીએ વધારે બોલવાની શરુઆત કરીને પોતાની જાતને બદલવાની શરુઆત કરી હશે…??

વિકી ત્રિવેદી ‘ધ અર્બન રાઈટર’

2 Replies to “વેન લવ હેપન્સ સેકંડ ટાઈમ..!”

Comment here