gujarati-varta-vrudhashram

વૃદ્ધાશ્રમ 

“પપ્પા તમે કર્યું જ શુ છે?” ભાર્ગવ છંછેડાઈને બોલ્યો.

રમણભાઈ ચૂપચાપ સોફા ઉપર બેસી રહ્યા. શુ બોલે?

“પપ્પા તમારે તો જ્યારે ને ત્યારે બસ ઘરમાં આમ કરવા જોઈએ ઘડીક તેમ કરવા જોઈએ. અમારે જીવવાનું કે નઈ?” ભાર્ગવની પત્નિ રેખાએ પણ જંપલાવ્યું.

“હા. ને પપ્પા તમે તો રામાયણ જોવા બેસી જાઓ તો અમારે ફિલ્મો ક્યારે જોવાની? આખો દિવસ ઓફિસથી કંટાળીને ઘરે આવીએ એટલે જરાક તો ટીવી જોઈએ કે નહીં?” ભાર્ગવે કહ્યું.

“આપણે એમને કાઈ કહેતા નથી એટલે પપ્પાને એમ કે બસ એ લોકોને પૈસા કમાય એટલે બધું મળી ગયું. આપણે તો બીજી કોઈ ઈચ્છા હોય જ નહીં. હમણાં ગઈ દિવાળીએ બજારથી તૈયાર પાઉભજી લાવી તો કે ના મને આ બધું ન ભાવે મારા માટે તો ભજીયા બનાવો એ પણ ઘરના. બિચારી હેતલને દિવાળીના દિવસે ભજીયા કરવા બેસવું પડ્યું.” કેતુલ પણ ચર્ચામાં ઉમેરાઈ ગયો.

“સાચું કહ્યું તમે. આજે તમે કહ્યું એટલે હું પણ કહી દઉં. એક રવિવારના દિવસે હોટેલમાં ખાવા જઈએ એ દિવસે મને આરામ મળે તો ત્યારે પપ્પાને પેટની તકલીફ થઈ જાય હોટલનું ન રજે. મારે તો રવિવારે પણ ઘરે લોટ ચૂંથવાના.” હેતલ પણ કપાળે હાથ કુટીને આવી ગઈ.

રમણભાઈ હજુ પણ ચૂપચાપ બેસી જ રહ્યા. વિશાળ બંગલો પોતાનો હતો જ નહીં જાણે! નોકર પણ બોલી શકે ત્યાં એ એક શબ્દ ન બોલી શક્યા. આંખમાંથી ભીનાશ તરવરવા લાવી. હૃદયમાંથી એક આહ નીકળવા લાગી. તપેલી ધરતી ઉપર ઉઘાડા પગે ચાલતા જે બળતર થાય એથી વિશેષ એક બળતર હ્ર્દયમાં થવા લાગી. આ શું? જીવનભર જે મારુ મારુ કરીને ભેગું કર્યું એ બધું આ ખાતર જ ભેગું કર્યું હતું? ભીનાશ આખરે ટીપાં બની ખરવા લાગી.

“બસ….. જરાક કોઈ કાઈ કહે એટલે એક જ નાટક કરી દેવાનું ચાલુ. રડવાનું.” ભાર્ગવ દાંત ભીંસીને બોલ્યો. “પપ્પા હવે આ બધું નહીં ચાલે. એક જ રસ્તો છે જો અમારે સુખી થવું હોય તો તમને હવે આશ્રમમાં જ મુકવા પડશે એવું અમે બધાએ નક્કી કર્યું છે.”
થોડીવાર રમનભાઈનો જવાબ સાંભળવા એના હોઠ અટક્યા પણ કોઈ જવાબ વળ્યો નહિ એટલે ફરી ઉમેર્યું, “આજે સાંજે હું ઓફિસથી વહેલો આવીશ. તમારો સામાન તૈયાર રાખજો.”

રમણભાઈ ત્યાં જ બેસી રહ્યા બીજા બધા પોત પોતાના કામે લાગી ગયા.
“ના દીકરા તારે મુકવા આવવાની જરૂર નથી, હજુ મારા પગ આશ્રમ સુધી તો પહોંચી જશે.” મનોમન કહી રમણભાઈ ઉભા થઇ ગયા.

રૂમમાં જઈને એક બેગ લીધી. માળીયા ઉપરથી એક ચાદર ઉતારીને ઘડીભર એ ચાદર જોઈ. સાવિત્રી એ પિયરથી લાવી હતી આ ચાદર. એ વખતે મને એક તાવ શુ આવ્યો હતો સાવિત્રી ઘડી ઘડી આ ચાદર ઊંચી કરીને મારુ મોઢું જોતી. અરે ! ગાંડી તને ક્યાં ખબર હતી કે હું એમ નથી મરવાનો મારા કર્મોમાં તો આ બધું લખ્યું છે. રમણભાઈએ યાદોને ચાદરમાં સંકેલીને બેગમાં ભરી દીધી. બે જોડી કપડાં લઈ બેગમાં ભર્યા.

પોતાનો સામાન ભરી એ નીકળ્યા. ઘરમાં બધા પોત પોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈ ખાવામાં તો કોઈ ટીવીમાં લાગેલા હતા. કોઈની નજર રમણભાઈ ઉપર ગઈ નહિ.

દરવાજા બહાર જઇ રમણભાઈએ એક નજર ઘર તરફ કરી. સવિત્રીની આછી છબી નજરે ચડી. એ સમયે તો આ બે માળનું ઘર ક્યાં પાકું હતું? બે ઓરડા હતા. ભાર્ગવ એ સમયે નવ મહિનાનો હતો. પોતે એને તેડીને ઓરડામાં લગાવેલ ખાટ ઉપર બેસી હિંચકા ખાતા હોય એ દ્રશ્ય નજરે થયું અને ફરી એકવાર આસું આવી ગયા. દીકરાને જેટલા હેતથી ઉછેર્યો દિકરે એવા જ ઘા કર્યા.

કોઈ દેખે અને ફરી બે શબ્દો સંભળાવે એ પહેલાં નીકળી જાઉં. પગ ફરી ચાલવા લાગ્યા. રસ્તો લાંબો હતો પણ આજે શાનો થાક લાગે? અને વજન પણ ક્યાં હતું ઘણું? બસ એક ચાદર ને બે જોડી કપડાં. યાદોનું ભાર તો સામ સામે કપાઈ ગયું હતું. સાહિઠ વર્ષની મીઠી યાદો સામે છેલ્લા ત્રણેક વર્ષની યાદો ને શબ્દો ભૂતકાળની સ્લેટને ભૂંસી ગઈ હતી! વધ્યું હતું બસ સવિત્રીનું ભાર!

પત્નીને યાદ કરતા એ ચાલતા રહ્યા. શિવની આરાધના કરતી સાવિત્રી ઘડીક નજરે ચડતી તો ઘડીક એની ફરિયાદ સંભળાતી હતી. “તમે આ રીતે બાપુજીને ન મુકો, જે કરશો એ ભોગવવું જ પડશે.”

“મેં ફેંસલો કરી લીધો છે સાવિત્રી. હવે હું એજ કરીશ.”

ત્યારે તો મારો અવાજ પણ ભાર્ગવ જેવો જ કઠોર અને નિર્દય હતો. મનમાં ફરી જુવાનીના દિવસો યાદ આવી ગયા.

“ભલે કરી લો તમારી મરજી પુરી. પણ ભગવાન આપણને સુખી નઈ થવા દે જોજો….”

સાવિત્રીએ રડી રડીને કહ્યું હતું પણ હું એકનો બે ન થયો તે ન જ થયો. ખરેખર પણ હું સુખી ન જ થયો ને. સાવિત્રી પણ એ પછી તો ગુજરી ગઈ. ભાર્ગવ અને કેતુલ બંને નાના નાના હતા ઉછેરવા કઈ રીતે ? ધંધો કરવો કે ઘરે રહેવું? બાપુજી પાસે તો ક્યાં મોઢે જાઉં હું? ને પછી તો જે હાલત થઈ હતી મારી એ જીવ જાણે છે. સાવિત્રી કેમ જાણે નસીબવાળી હતી કે મરીને બચી ગઈ!

રમણભાઈ ચાલતા હતા અને એક પછી એક એમ દ્રશ્યો આંખ સામે નાટકની જેમ ભજવાતા હતા. શુ આ જીવન પણ એક નાટક જ નથી?

આખરે વૃદ્ધાશ્રમની દીવાલ દેખાઈ. હા એ જ છે. દૂર થી જ રમણભાઈ દીવાલો ઓળખી ગયા. આંખો હજુ નબળી નહોતી પડી કે પછી જીવન ભર પશ્ચાતાપમાં જે દીવાલો નજરે ચડતી હતી એની અસર હતી?

વૃદ્ધાશ્રમમાં દાખલ થયા. એજ દીવાલ, એજ છાપરું, સામે દેખાતું એજ રસોઇ ઘર, એવા જ ચહેરા લઈને બેઠા વૃદ્ધ માણસો, કોઈ કોઈનો ચહેરો એવોજ લાગતો હતો…. કોઈની આખો ઉદાસ હતી તો કોઈ હસીને વાતો કરતા હતા. દીવાલો એજ હતી પણ પહેલા જેવી મજબૂત નહોતી એમાં તિરાડ આવેલ હતી કદાચ કોઈની આહ એ દીવાલ સાથે અથડાઇ હશે!

હા આહ….. મારા બાપુની આહ! આજ વૃદ્ધાશ્રમમાં હું મારા બાપુને મૂકી ગયો હતો. સાવિત્રીએ હાથ જોડીને કહ્યું હતું, “મત કરો આ પાપ…. મત કરો….” હું ન જ માન્યો.  ના આ દીવાલો ઘસાઈને જૂની થઈને નથી ચિરાઈ આ તિરાડો બધા વૃદ્ધની છે! એમાં એકાદ તિરાડ મારા બાપુની પણ છે જે મારા ઘર સુધી પહોંચી ગઈ….

રમણભાઈની આંખમાંથી ફરી આંસુ આવી ગયા. આંખો લૂછીને બધી કાર્યવાહી કરી. ફોર્મ ભરાઈ ગયું એટલે એક યુવાન એક રૂમ બતાવી ગયો. રૂમમાં બેગ મૂકી પેલી સવિત્રીના પિયરની ચાદર પાથરી બેગનું ઓશીકું બનાવી રમણભાઈ સુઈ ગયા. બાપુ મને મારી સજા મળી ગઈ. પણ હું ભાર્ગવને શ્રાપ નહિ આપું કેમ કે મને મારી સજા મળી છે એ તો નિર્દોષ છે….. રમણભાઈ સવિત્રીની યાદો સાથે વિચારોમાં સુઈ ગયા…..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’
પિંક સીટી, રાણપુર રોડ,
ડીસા – 385535.

Comment here