gujarati-varta-virasat

વિરાસત

“પિતાજી, આજે તમારા આત્માને શાંતિ મળશે. મને માફ કરી દેજો પણ આજે તમારા આત્માને અફસોસ નહિ રહે.” પિતાજીના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા સામેં હું સોફા પર બેઠો હતો. ફોટા પરનું નામ આજે પણ મને ગર્વનો અનુભવ કરાવી રહ્યું હતું.

પ્રીતમસિંહ હેમસિંહ રાજપૂત!

મારા પિતાજીનું નામ મારા માટે ગર્વની નિશાની છે. આજે પણ દુરદુરથી ગઢવી, ચારણ કે કોઈ બ્રાહ્મણ મારી હવેલીએ આવી ચડે છે એનું કારણ જ મારા પિતાજીનું નામ. આજે પણ રાયગઢમાં કોઈ આવે તો મારું નામ નથી પૂછતું, મારા પિતાજીનું નામ પૂછતો પૂછતો મારી હવેલીએ આવે છે. આ હવેલીએ હમેશા તપતા સુરજને જ જોયો હતો પણ સમય સાથે બધું બદલાઈ ગયું. પિતાજીના જનમ સમયે દેશ આઝાદ થઇ ગયો, રજવાડા ચાલ્યા ગયા પણ મારા દાદાજી કે પિતાજી એકેયને ક્યારેય એવું નથી લાગ્યું કે એમનું રજવાડું ગયું હોય. ગામની પ્રજા તો આજે પણ અમને જ રાજા માને છે. નોટ બીકોઝ ઓફ ફીઅર બટ બીકોજ ઓફ લવ ટુવાર્ડ માય ફાધર. નવાઈ પામી ગયા તમે!

રાજસ્થાની પહેરણમાં, માથે આછી કેસરી પાઘડીવાળો અંગ્રેજી બોલે એટલે તમને નવાઈ નહિ પણ ચમત્કાર લાગે. હું લંડનમાં ભણેલો છું. ગ્રેજુએશન મેં કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં કરેલું. આજાદી પછી જીવ્યા ત્યાં સુધી મારા દાદાજી સરપંચ રહ્યા. પછી પિતાજી, એ પણ બિનહરીફ. ગામમાં કોઈ સામે ઉભું રહેતું નહિ. પણ હું કંટાળી ગયો ગામ લોકો ઘણું મથ્યા પણ હું સરપંચ ન બન્યો. ગામમાંથી જેને સરપંચ બનાવવો હોય એને બનાવો.

હું વિદેશમાં ભણતો હતો પછી એક દિવસ અચાનક પત્ર મળ્યો કે પિતાજીની તબિયત સારી નથી અટેલે ભારતમાં આવ્યો. આવીને મેં હોટલનો બીઝનેસ ચાલુ કર્યો. જયપુરમાં એક અને દિલ્હીમાં બે હોટેલ. ગામમાં પાંચસો વીઘા જમીન અને હવેલી. સોના ચાંદી બધું હતું અમારી જોડે. આ ધંધો તો બસ સમય પસાર કરવા. હોટેલના બહાને જયપુર- દિલ્હી જવાય. જયપુર હોટેલના કામકાજે અઠવાડિયામાં એકાદ વાર તો જવાનું થાય.

હોટેલ મેનેજરે એક રીશીપ્નીસ્ટ છોકરી રાખેલ. હું શનિવારે સાંજે ગયો જયપુર ત્યારે મેં એને જોઈ. તે પચ્ચીસેક વર્ષની હશે. શરીર પર ખાસ ચરબી નહિ પણ સાવ સોટા જેવી પણ નહિ. કદાચ પૂરી છ ફૂટ હાઈટને કારણે એના શરીર પર ચરબી દેખાતી નહિ હોય. તેણીએ પહેરેલા વસ્ત્રો એકદમ ચુસ્ત ન હતા છતાં પણ તેના અંગોને ચોટીને એકદમ અલગ રીતે તેના શરીર પર શોભી રહ્યા હતા. કેડ સુધી આવતા તેના  બ્રાઉન વાળ અને એવી જ બ્રાઉન આંખો. એ ગોરેવાને તો ન હતી પણ વ્હાઈટ ડ્રેસ અને વ્હાઈટ પાયજામામાં પણ શ્યામ તો ન લાગતી એટલું હું શકું. મેનેજરે મને એનો પરિચય કરાવ્યો. એનું નામ મીરા હતું. મેં પૂછ્યું, “મીરા…”

એ સમજી ગઈ હોય એમ બોલી, “મીરાં રાજપૂત”

“રાજપૂત થઈને તમે નોકરી કરો છો?” મારાથી અનાયાસે જ બોલી જવાયું કેમ કે એ જમાનામાં રાજપૂત છોકરી નોકરી કરે એ નવાઈ જ ગણાય.

“મારા પિતા રાજપૂત હતા અને મારી મમ્મી અન્ય જાતની. ગોવામાં મારા ડેડી ફરવા આવ્યા હશે ને મારી મમ્મી સાથે ઓળખાણ થઇ હશે અને એ ઓળખાણ પ્રેમમાં પરિણમી હશે. એનું હું પરિણામ છું.” એ આછું હસી.

“અહી જયપુરમાં કેવી રીતે? અને તમે કહ્યું કે મારા પિતા રાજપૂત હતા એટલે?”

“પિતાજી મમ્મીને પત્નીનો દરજ્જો ન આપી શક્યા. ગોવાની મુલાકાત બાદ વળતા રસ્તામાં જ કર કર અકસ્માતમાં….મમ્મીને એ સમાચાર મળ્યા છતાં એનીએ એમના પ્રેમની નિશાની એટલે કે મને જનમ આપ્યો. મમ્મી એમના ઘરાના વિશે જાણતી હતી પણ એ બીજી જાતની હતી એટલે ક્યારેય ત્યાં જવાની હિંમત ન કરી શકી. કોલેજ પૂરી થઇ ત્યાં મમ્મી પણ મને છોડીને ચાલી ગઈ” મીરાએ આખા જીવનનો સાર ટૂંકમાં કહી દીધો.

“આઈ એમ સોરી.” હું બોલ્યો.

“ઇટ્સ ઓકે. મને પિતાજી એટલા બધા યાદ નથી. બસ તસ્વીરોમાં જ જોયા છે એમ સમજો. પણ મમ્મી મને ખુબ યાદ આવે છે.”

આ હતી અમારી પહેલી મુલાકાત. મને આજે પણ ખબર નથી પડતી કે મીરાંમાં એવું શું આકર્ષણ હતું કે એ રાત્રે હું એના વિશે જ વિચારતો રહ્યો. રવિવારે આખો દિવસ હું એના જોડે જ વાતો કરતો રહ્યો. લંડનમાં પણ કોઈ છોકરીમાં મને આટલો રસ પડ્યો ન હતો. ધીરે ધીરે હું રાજગઢ કરતા જયપુર વધારે રહેવા લાગ્યો.

હું એક અઠવાડિયાથી રાજગઠમાં હતો. પિતાજીની તબિયત સારી ન હતી. હું મીરાના વિચારોમાં ખોવાયેલ હતો ત્યાજ પિતાજી બોલ્યા, “કુંવરજી, હવે આપશ્રીએ લગ્ન કરી નાખવા જોઈએ. તમારા મામાશ્રી જાલમસિંહે એક કન્યા જોઈ છે. કન્યા સારી છે.”

મારી માતા તો હું નાનો હતો ત્યારે જ આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. પણ મારા મામાને મારા ઉપર ઘણી લાગણી રહેતી.

“જી શા.” મેં ડરતા ડરતા કહ્યું.

“બોલો.” પિતાજીએ પૂછ્યું.

મેં એમને મીરાની વાત કરી. પિતાજી ગુસ્સે થઇ ગયા.

“એની માં રાજપૂત નથી. એનો બાપ સંસ્કાર વગરનો રાજપૂત. અને આ છોકરી નોકરીઓ કરે. આપણી હવેલીમાં તમે એને લાવશો કુવર?”

“પણ મીર રાજપૂત છે.” હું એટલું જ બોલ્યો.

“રાજપૂત નું ખૂન છે, પણ એના સંસ્કારો તો એ બીજી ઔરતના જ ને? હોટેલમાં નોકરી કરતી એક છોકરીને તમે રાજપૂત માનો છો? તમે રાજપૂત શબ્દનું અપમાન કરો છો.”

મેં પીતાજીને ઘણું સમજાવ્યા પણ એ એકના બે ન થયા.

મેં મીરાને બધી વાત કરી. મીરાએ કહ્યું, “હું તમને તમારા પિતાજીથી અલગ કરવા માગતી નથી. પિતાજી વગર રહેવામાં કેટલું દર્દ છે એ મને ખબર છે. પણ હું રાજપૂતાણી છું. હવે આ ભવમાં તો મારા દિલમાં તમારા સિવાય બીજા કોઈને હું સમાવી શકીશ નહિ.”

હું લાગણીઓમાં ખેચાતો હતો. મેં મારા હાથની વીંટી ઉતારીને મીરાને પહેરાવી. મીરાએ પણ એની વીંટી મને પહેરાવી. મીરા રડતા રડતા બોલી, “એક મારી છેલ્લી ઈચ્છા પૂરી કરશો?”

“શું?”

“તમે તમારા પિતાજીની મરજી મુજબ લગ્ન કરી નાખજો. હું હવે જૈપુર છોડી દઈશ. હું ગોવા ચાલી જઈશ. હું ક્યારેય તમારા જીવનમાં આવીશ નહિ.”

મેં ચેકબુક કાઢી. એને એક લાખનો ચેક આપ્યો, “પ્લીઝ, ઇનકાર ન કરતી.”

એના ચહેરા પરની રાજપૂતી ખુમારી જોઇને હું એને એમ ન કહી શક્યો કે તું બીજા લગ્ન કરી નાખજે. ચેક લઈને એ નીકળી. હું હોટેલના દરવાજા સુધી ગયો. એને જતી જોઈ રહ્યો પણ એણીએ એકવાર પણ પાછી નજર પણ ન કરી.

મને ખબર હતી કે પિતાજી અસલી રાજપૂત પોતાની હઠ નહી છોડે અને મીરાને કદી આ હવેલીમાં નહિ સ્વીકારે. મેં પણ પિતાજીને કહી દીધું કે હું તમારી જીદ પૂરી કરું છું પણ હવે મને લગ્ન કરવાનું ન કહેતા. પિતાજી પણ મારી જીદ જાણતા હતા. એ પછી મારી અને પિતાજી વિશે કામ સિવાય કોઈ વાતો થતી નહિ. વર્ષો વીતી ગયા. હું અને પિતાજી આમજ ઉદાસ જીવન વિતાવી રહ્યા હતા. ધીરે ધીરે પિતાજીની તબિયત વધુ બગડવા લાગી. એક સાંજે પિતાજીએ મને બોલાવ્યો.

“કુંવર, તમે મારી ખુબ સેવા કરી છે. પણ મને એક વાતનું દુ:ખ છે.”

હું જાણતો હતો કે પિતાજીને કઈ વાતનું દુ:ખ હતું. છતાં મેં પૂછ્યું, “શું?”

પિતાજી બોલ્યા, “તમે જીદ ન છોડી. તમે લગ્ન ન કર્યા. તમે મારા વંશનો નાશ કર્યો. તારા દાદાએ અને મેં આ બધી મિલકત શું વિચારીની ભેગી કરી હતી? આપણો આ વારસો હવે કોઈ બીજા ખાશે. મને મરતા મરતા આ અફસોસ રહી જશે. વારસાને કોઈ સંભાળનાર નથી અને આપણો વંશ હવે ખતમ થશે. હું આ વારસો દાન પણ કરી શકતો હતો પણ મેં એમ નથી કર્યું. કેમ કે આ વરસો હું તમને આપીને જાઉં છું એટલે મને અફસોસ ઓછો છે પણ તમે પણ મરતા સમયે મારા કરતા વધુ અફસોસ કરતા રહેશો.” આટલું કહીને એમણે આંખો મીંચી તે મીંચી. એમણે આંખો ન ખોલી.

પિતાજીની પાછળ બધી વિધિ પતાવી. પણ હવે મને અફ્સોસો થતો હતો. પણ હું શું કરી શકું તેમ હતો? હું મારી જગ્યાએ સાચો જ હતો. મને પિતાજીના એ શબ્દો વારે ઘડીએ યાદ આવતા હતા- આપણો વંશ અહી ખતમ થશે. આ વારસો હવે બીજા ભોગવશે. સવારે ઉઠું ત્યારથી આ શબ્દો મારા દિલો દિમાગમાં ફરતા રહેતા. રાત્રે ઊંઘું ત્યારે એક જ વિચાર આવતો- કાલે હું નહિ ઉઠું. મારી અંખ નહિ ખુલે અને આ વારસો…

હવે તો રાત્રે આંખ મીચવામાં પણ ડર લાગવા માંડ્યો હતો. આવી રીતે એક દુઃખી અને અફસોસભરી જીંદગી હું જીવી રહ્યો હતો ત્યાજ એક દિવસ ચમત્કાર થયો. કોલેજ પૂરી કરીને ભારત આવ્યા પછી હું અંગ્રેજી છાપું શોખ ખાતર વાંચતો પણ એ શોખ ધીરે ધીરે આદત અને હવે તો વ્યસન બની ગયો હતો. એ સવારે પણ મેં રાબેતા મુજબ ધ હિંદુ હાથમાં લીધું. અંદરના પાને છપાયેલ એક યુવાનનો ફોટો જોઇને હું સ્તબ્ધ બની ગયો. એક કોલેજીયન યુવકે ડબલ ટ્રેપ શૂટિંગમાં યુનીવર્સીટીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ યુવાન જાણે કે મારો હમશકલ હોય એવો લાગતો હતો. બસ આંખો મારા જેવી ન હતી. પણ એ આંખો પણ પરિચિત હતી.

મીરાની આંખો અને મારી શકલ… મેં ફોટો નીચેની વિગત વાંચવા માડી. યુંવનું નામ હતું- હર્ષ મીરા રાજપૂત.. મારું મગજ ગોળ ગોળ ફરવા લાગ્યું. જયારે મીરા અને હું અલગ પડ્યા ત્યારે શું મીરા પ્રેગ્નન્ટ હશે? હા, એટલે તો એણીએ બિચારીએ ચેક લઇ લીધો હતો. મેં તરત જ યુનીવર્સીટીમાં ફોન કર્યો. એ યુવકનો નંબર લીધો. મેં તરત જ ફોન જોડ્યો. “હર્ષ રાજપૂત.” મેં એકદમ આતુરતાથી પૂછ્યું.

“હા, હર્ષ મીરા રાજપૂત.” જવાબ સાંભળી મને એજ ઝટકો લાગ્યો પણ હું બોલ્યો, “હું રાજગઢથી મનહરસિંહ રાજપૂત બોલું છું. હું તમને મળવા માગું છું.”

“નમસ્કાર! પણ તમે મને કેમ મળવા માંગો છો?” એણે પૂછ્યું.

મને કઈ જવાબ ન સુજ્યો એટલે બોલી ગયો, “હું મીરા વિશે તમારી સાથે વાત કરવા માગું છું.”

મારો જવાબ સાંભળી એ પણ વિસ્મય પામશે એમ મેં ધાર્ય હતું પણ એ બોલ્યો, “મને પણ તમને મળવું ગમશે. બોલો ક્યારે આવું?”

“તમને ક્યારે સ્યુટ આવશે?” હું ખુસીથી બોલ્યો.

“આવતા રવિવારે ચાલશે?” એ બોલ્યો.

“બેશક.” મારાથી બોલાઈ ગયું. અને એણે ફોન કાપી નાખ્યો. એની વાત ઉપરથી મને એટલું તો સમજાઈ ગયુ હતું કે એ મને ઓળખતો હતો. એને મારા અને મીરાના સંબધની ખબર હશે.

આજે એ આવી રહ્યો હતો. હું એની પ્રતીક્ષામાં બેઠો હતો. આજે પિતાજીના આત્મને શાંતિ થશે અને મને પણ. કેમકે હવે વારસો સાચવનાર મળી ગયો હતો. અમારો વંશ ખતમ નથી થવાનો.

હજુ હું બાપુ સાથે વાત કરતો હતો ત્યાં જ મારી હવેલીનો નોકર રામપાલ આવીને બોલ્યો, “બાપુ, કોઈ યુવક આપને મળવા આવ્યો છે.”

મેં તરત જ કહ્યું, “એને અંદર લાવ.”

હું તરત જ એને આવકારવા દરવાજે પહોચી ગયો. હર્ષ ઉભો હતો. બ્લુ જીન્સ અને ચેકસ શર્ટમાં.. ફોટો કરતા એ રૂબરૂ વધુ મોહક લાગતો હતો. મૂછનો દોરો હજી ફૂટ્યો હશે. વીશેક વર્ષ એની ઉમર હશે. મને થયું એને ગળે લગાડી લઉં પણ મેં મારી લાગણીઓ ઉપર કાબુ રાખ્યો. મેં એના અભિવાદનમાં હાથ લંબાવ્યો પણ એ તો મારા પગે જ પડી ગયો.

અમે અંદર આવ્યા. મેં રામપાલને કહ્યું કે ચા-પાણી લાવો.

હું સોફા પર બેઠો. એ મારી સામે બેઠો. થોડીવાર અમે ચુપ બેઠા રહ્યા એટલામાં ચા આવી ગઈ.

ચા પિતા પિતા મેં શરુ કર્યું, “હર્ષ કુમાર, વાત ક્યાંથી ચાલુ કરવી એ મને સમજાતું નથી.”

એ આછું હસ્યો અને બોલ્યો, “મમ્મીએ મને બધી વાત કરેલી છે. મમ્મીની ઈચ્છા ન હતી કે હું તમને મળું. પણ તમે મને સામેથી જ ફોન કર્યો એટલે….”

“મીરાં કેમ છે?” મેં એને અટકાવી પૂછ્યું.

“કેમ, તમને મારી મમ્મીની એટલા વર્ષો પછી ચિંતા થાય છે?” એ વ્યંગમાં બોલ્યો.

“બેટા…..” હું ખચકાઈ ગયો , “સોર્રી, હર્ષ કુમાર.”

મારો ખચકાટ જોઈ એ બોલ્યો, “બેટા કહેશો તો મને ગમશે. મને તમારા પ્રત્યે કોઈ વેરભાવ નથી.”

મેં તારા દાદાજીના અવસાન પછી મીરાની તપાસ કરી હતી પણ કોઈ પત્તો મને મળ્યો ન હતો. એ ગોવા જશે એમ એણીએ કહ્યું હતું. મેં ગોવામાં ઘણી તપાસ કરી અને કરાવી પણ મીરા વિશે કોઈ ખબર ન મળી.”

“મમ્મી તો ગોવા ના બદલે દિલ્હીમાં સેટ થઇ ગઈ હતી. તમે પૈસા આપ્યા હતા. મમ્મીએ એક બેંકમાં નોકરી લીધી હતી મારા જન્મ પછી.”

“પણ મીરાએ મને કોઈ વાત કેમ ન કરી કે એ…” હું બોલવા જતો હતો ત્યાજ એ બોલ્યો, ‘મમ્મી તમને વધારે વિવશ કરવા માગતી ન હતી એટલે.”

“બેટા, હું હવે જેના માટે તમને બોલાવ્યો છે એ વાત કરી શકું?” મારાથી અનાયાસે જ બેટા બોલી જવાતું હતું.

“બોલો.”

મેં એને આખી વાત કરી- હું અને મીરા કઈ રીતે મળ્યા હતા. કેમ અલગ પડ્યા. મારા પિતાજીએ મરતા મરતા જે અફસોસ વ્યક્ત કર્યો હતો એ પણ મેં કહ્યું. અંતે મેં એને મારી આખરી વાત કહી.

“હું બધી મિલકત તમને આપવા માંગું છું. આટલા વષોથી આ હવેલી, વારસો બધાની ચોકી કરી કરીને હું થાકી હયો છું બેટા.” મેં બે હાથ જોડ્યા.

“માફ કરજો પિતાજી. મને તમારા પ્રત્યે કોઈ વેરભાવ નથી. મમ્મીએ પણ કયારેય તમને દોષ આપ્યો નથી. મને તમારા પ્રત્યે ખુબ માન છે પણ હું તમારો વરસો લઇ શકું એમ નથી.”

“પણ કેમ બેટા? હું દુનિયા સામે તને મારા પુત્ર તરીકે સ્વીકારવા તૈયાર છું.”

“એજ તો તકલીફ છે. આટલા વર્ષો સુધી હું હર્ષ મીરા રાજપૂત તરીકે જીવ્યો છું. સ્કુલમાં, કોલેજમાં મારા નામ પાછળ મીરા સંભાળીને બધા હસતા હતા. શિક્ષકો મને એક અલગ દ્રષ્ટીથી જોતા હતા. દરેક જગ્યાએ હું અપમાનિત થતો હતો મારા નામની પાછળ મીરા લાગેલ હતું એટલે. પણ જેમ જેમ હું મોટો થયો એમ મમ્મીએ મને સમજાવ્યું કે આપણે રાજપૂત છીએ. મમ્મીને હું બંને કમનસીબ રાજપુતન સંતાનો છીએ. પણ મમ્મીએ તમને વચન આપ્યું હતું કે એ તમારી જીંદગીમાં નહિ આવે એટલે મમ્મીએ મારા નામની પાછળ તમારા નામની જગ્યાએ મીરાં લખાવવાનું પસંદ કર્યું હતું. હવે વારસા માટે હું મારી મમ્મીનું નામ મારા નામથી અલગ કરવા માંગતો નથી.”

“બેટા, તે અને મીરાએ ઘણી પીડાઓ ભોગવી છે એના માટે હું જવાબદાર પણ છું પણ હવે જુનું બધું યાદ કરવાનો શો ફાયદો?”

“મને તમારા વારસાની કોઈ લાલચ નથી. મમ્મીએ વિચાર્યું હતી કે તમે લગ્ન કર્યા હશે. તમારે બાળકો હશે. એ તમારા જીવનમાં કોઈ ઉપાધી નાખવા માગતી ન હતી પણ તમારો ફોન આવ્યો એટલે મેં મમ્મીને વાત કરી. પ્રથમ તો મમ્મીએ ના જ પાડી પણ પછી કહ્યું કે જા મળી આવ. તારા પિતાજીને મળી આવ અને જોઈ પણ આવ કે એમની જિંદગી કેવી છે. કોઈ દુઃખ તો નથીને. અને કોઈને ખબર ન પડવા દેતો નહીતર એમની ફજેતી થશે.” એણે કહ્યું.

“વારસાની મને પણ લાલચ નથી બેટા, પણ મારા પિતાજીના આત્માને શાંતિ મળે કે વારસો નાશ નથી પામ્યો.” મેં વિનવણી કરી.

“હું મમ્મીના નામને મારા નામથી અલગ કરવા માંગતો નથી. અને રહી વાત દાદાજીની તો દાદાજીની આત્માને શાંતિ ક્યારનીયે મળી ગઈ હશે. દાદાજી જીદ્દી અને સ્વમાની હતા. તમે પણ જીદ્દી અને સ્વમાની અને હું પણ જીદ્દી અને સ્વમાની. હું વારસો લઈને દાદાજીની વિરાસત જવા દેવા માંગતો નથી. દાદાજીનો વારસો ભલે મારી જોડે નથી પણ દાદાજીની વિરાસત મારી જોડે છે… રાજપૂત ક્યારેય પોતાની જીદ નથી છોડતો પિતાજી. દાદાજીએ, તમે, અને મમ્મીએ કોઈએ પોતાની જીદ નથી છોડી તો હું કઈ રીતે છોડી શકું?. આપણો વારસો અકબંધ જ છે.”

“મીરાના નામને હું તારાથી અલગ કરવા હવે નથી માંગતો. પણ તમે અને મીરા અહી આવી જાઓ. મને તારા નામ પાછળ મારું નામ લાગે એનો મોહ પણ નથી કેમકે નામ ભલેને મીરાનું રહ્યું વંશ અને વિરાસત તો રહેવાની ને મારી. મીરાને લઈને તમે આહી આવી જાઓ, પ્લીઝ.” મેં દર્દભર્યા અવાજે કહ્યું.

“પિતાજી, એક રાજપુતાણી સામે ચાલીને સાસરે ગઈ સાંભળી છે ક્યારેય?” એ ગર્વભેર બોલ્યો.

મેં પિતાજીના ફોટા સામે જોયું. ફોટામાંથી મલકતાં મલકતાં એ જાણે કહેતા હતા, “બેટા, આજે મારા આત્માને શાંતિ મળી ગઈ કેમ કે મારી વિરાસત અક્બધ છે”

“બેટા, હું તમારી સાથે આવું છું મીરાને લેવા સન્માનભેર…..” એ મારા છેલ્લા શબ્દો હતા અમારી ચર્ચાના.

અમે બંને ઉઠ્યા.

2 Replies to “વિરાસત”

Comment here