gujarati-varta-the-last-case-a-love-story

ધ લાસ્ટ કેસ – એ લવ સ્ટોરી !

બોરીવલીથી અંધેરીની મારી મુસાફરી રોજની ! પ્લેટફોર્મ નંબર 27 ઉપર સવારે નવ વાગ્યે સફેદ શર્ટ, બ્લેક પેન્ટ અને એવા જ બ્લેક કોટ અને બુટ સાથે હું પહોંચું.

નાના સરખા વાળ, થોડોક શ્યામ અને આછી દાઢી અને મૂછોવાળો મારો હસમુખ ચહેરો લઈ હું ટ્રેક ઉપર આમ તેમ જોતો હાથમાં એવી જ કાળી બેગ લઈને ઉભો હોવ ! એ દ્રશ્ય રોજનું ! મારા જીવનમાં તકલીફો કાઈ કમ ન હોતી પણ ઈશ્વરે મને હસમુખ ચહેરો આપ્યો હતો !

સુરતથી મેં એલ.એલ.બી. કર્યું એ પછી મુંબઈમાં હું વસ્યો. વકીલ તો હું બની ગયો પણ મને દાવ પેચ ન આવડતા ! સુરતમાં ઉપરા ઉપર છ કેસ હું હાર્યો એ પછી મારે સુરતથી હાથ ધોઈ નાખવા પડ્યા !

મુંબઈમાં બોરીવલીમાં એક મિત્રને ત્યાં જ હું છ મહિનાથી રહેતો હતો. હજુ હું અપરિણીત હતો પણ મારું કેરેકટર સારું હતું એટલે વિમલના ઘરમાં બે જુવાન બહેનો હોવા છતાં પણ એણે મને રાખ્યો હતો !

હું પણ એટલો જ સ્વચ્છ રહેતો. નિધિ અને શ્રુતિ મારા માટે પણ બહેનો જેવી જ હતી ! પણ વિમલની કઝીન ધારા ઉર્ફ ધારીકા કદાચ મને પસંદ કરવા લાગી હતી કે પછી એ શરમાળ હશે એટલે મારી જોડે એ રીતે બોલતી હશે એ હું નક્કી ન કરી શક્યો ! હું ક્યારેય મારા મનનું માનતો નહિ, જ્યાં સુધી કોઈ પ્રુફ ન મળે ત્યાં સુધી હું મારા મનની ધારણાને સત્ય ઠેરવતો નહિ જ એમાંય છોકરીની બાબતમાં હું છેક જ કાળજી લેતો.

ઘણા છોકરાઓ કહી દે છે પેલી નિત્યા મારા ઉપર મરે છે ! કુસુમ મને લાઇન આપે છે કે નીરજા મને આડી નજરે ક્લાસમાં દેખતી હોય છે !

આ કોઈ રીત છે ? મને એવા લોકોથી સુગ થાય ! આમ તે વળી કોઈ છોકરી ઉપર દાગ લગાવી દેવો ક્યાં વ્યાજબી છે ? કદાચ છોકરી કઈક બીજું જોતી હોય ! અથવા એ શરમાળ હોય તો એવી રીતે પણ બોલે ! શક્યતાઓ માત્ર એટ્રેકશન કે પ્રેમ પૂરતી જ કેમ બાંધી લેવી ? ખેર એ મારા વિચાર છે હું જેમ માનું છું એમ દુનિયા નથી માનવાની. કદાચ છોકરીઓ પણ એ માટે જવાબદાર તો છે જ ! ક્યારેય મારા જેવા સીધા સાદા છોકરાને એ નથી પસંદ કરતી ! નહિ મને તો ભણવામાં રસ હતો એ સમયે પણ વાત કરું છું રાજની. એ બિચારો હનીને સતત ત્રણ ત્રણ વર્ષ મનોમન ચાહતો રહ્યો ! પણ હની એક ની બે ન જ થઈ ! એ તો સ્ટાઈલ્સ નિકુળ સાથે ગોઠવાઈ ગઈ. ગોઠવાઈ ગઈ એટલા માટે કેમ કે નિકુળને કોલેજમાં આગળ પણ બીજા બે અફેર્સ હતા !

જોકે મને તો ક્યારેય પ્રેમ થયો જ ન’તો એટલે એ બધી પરિસ્થિતિમાંથી હું નીકળ્યો નથી પણ આજુબાજુનું અવલકોન હું હમેશા કરતો રહેતો એટલે મને આવી બધી બાબતો ધ્યાનમાં આવી જતી. જો હું ન હોત તો કદાચ રાજ આજે ન હોત ! હની માટે એ કોલેજની બિલ્ડીંગ ઉપરથી જંપ લગાવવાનો હતો ! એ તો હું હતો કે એ બચી ગયો નહિતર ઈશ્વર જાણે શુ થાત એનું ?

ધક ધક ધક કરતી ટ્રેન આવીને ઉભી રહી. એના પૈડાં સ્લોવ મોશનમાં ફરતા હોય એમ મને દેખાયા. ધકાકામુક્કી થવા લાગી ! ત્યાં એકાએક એક કાકાનો હાથ એક જુવાનીયાનાના ચહેરા ઉપર અથડાયો !

“તેરી આઈ ચા….” મરાઠીમાં એ યુવક ગાળો દેવા માંડ્યો.

હું મનોમન હસ્યો ! આ સુધરેલા ભણેલા ! હવે તો ગુજરાતમાં પણ આ બધું બંધ થઈ ગયું છે ને આ લોકોની રેકર્ડ હજુ અહીં જ અટકી છે  “તારી માને….” “તારી બેનને…..”

એટલે જ હું ઉતાવળ કરીને ચડ્યો નહિ. કારણ કે આપણાથી એવી ગાળ સહન ન થાય !

હું રોજ છેલ્લે જ ટ્રેનમાં ચડતો. એ મુજબ જ ભીડ ઓછી થઈ એટલે હું ચડ્યો. અંદર ખાસ્સી ભીડ હતી. બારણાં પાસે જ મારે ઉભા રહેવું પડયું ! અંદર પણ કોઈના પગ ઉપર પગ આવી જાય તો ધક્કા મુક્કી થઈ જાય અને ચાલુ ટ્રેને બહાર ફેંકાઈ જવાય એટલે હું કઈક પકડીને જ ઉભો રહેતો !

સ્ટેશન આવ્યું અને હું પહેલો જ ઉતર્યો ! ટ્રેનમાં ઘોઘાટમાં જ મને માથું ચડી જતું. અંધેરી ઉતરતા જ મારે ચા પીવી પડતી. હું જઈને સ્ટોલના બાંકડે બેઠો.

થોડીવારમાં રોજની જેમ વેઈટર ચા લઈ આવ્યો. મેં ચા પીધી અને ફ્રેશ થઈ ગયો. ફરી એક વાર વ્યસ્ત જીવનને ધક્કો આપી કામે લાગવા હું ઉભો થયો ત્યાં મારી સામે એક યુવાન છોકરી આવીને ઉભી રહી ગઈ !

“વેફર ચીક્કી ચણા……” ની બુમો પાડતી એ ઉભી રહી. એ બીજા પણ કંઈક એવા નામ બોલતી હતી જે મુંબઈમાં લોકોને ખબર હશે પણ હું ક્યારેય બહારનું કઈ ખાતો નહીં એટલે મને એ નામ યાદ નથી !

આમ તો અંધેરી સ્ટેશન ઉપર મને એવી વેફર ને બીજી ચીઝ વસ્તુઓ વેચવા વાળી ઘણી છોકરીઓ છોકરાઓ મળતા પણ આ છોકરી અલગ જ હતી ! એના કપડાં ફાટેલા નહોતા , શરીર ઉપર ક્યાંય મેલ નહિ ! અલબત્ત કોઈ કોલેજમાં આવતી છોકરી જેમ અપ ટુ ડેટ હતી ! વાદળી જીન્સ અને લાઈટ પર્પલ લુઝ ટી શર્ટ ! માથાના વાળ બરાબર બાંધેલા એટલે એની આંખો મોટી દેખાતી હતી ! રંગે પણ એ મારા જેમ શ્યામ ન હતી !

“ક્યાં હુવા જી ?” એ બોલી ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે એ છોકરીને હું છેલ્લી બે ત્રણ મિનિટોથી જોઈ રહ્યો હતો !

“કુછ નહિ.. ” તરત સ્વસ્થ થઈ મેં કહ્યું અને હું શું જોતો હતો એ ખુલ્લું ન પડે એ માટે થોડું કઈક વિચારતો હોવ એમ ડોળ કરીને ઉમેર્યું, “યે વેફર દે દો….. ”

“યે લો….” કહી એણીએ વેફરનું એક પેકેટ મને આપ્યું અને મારા હાથમાંથી મેં ખિસ્સામાંથી હમણાં જ કાઢેલી દસની નોટ લઈને ચાલતી થઈ !

“કિતના સોચતા હે ! એક વેફર

ખરીદનેમે કોઈ ઇતના સોચતા હે ક્યાં ? લડકી દેખને જાયે તો પતા નહિ ક્યાં.. ઓ મેરે ખુદાયા…..” એ જતા જતા મારા વિશે એકલી એકલી ગનગણતી હતી એ મેં સાંભળ્યું.

હું થોડો મલકયો અને પછી ઓફીસ તરફ જવા લાગ્યો. મારી હજુ પોતાની ઓફીસ હતી જ નહીં ! હું મુંબઈના એક વિખ્યાત વકીલ અશોક ત્રિપાઠી સાથે કામ કરતો હતો !

મુંબઈમાં નવા લોયર માટે કેસ મેળવવા મુશ્કેલ છે કારણ કે મોટા વકીલોને બધી વગ હોય છે એટલે શરૂઆતમાં એમના હાથ નીચે કામ કરવું જ પડે ! જોકે મને અહીં પણ નસીબ સાંપડ્યું ન હતું ! વકીલો કેસ જીતે પણ એ હોશીયારીથી નહિ બલકી લાગવગ અને દાવ પેચથી ! કોર્ટમાં વકીલના કપડાં કાળા કેમ હોય છે કારણ કે એમને બધા કાળા કામ જ કરવાના હોય છે ! મર્ડર હોય કે રેપ વકીલોને જીતવાની જ પડી હોય ન્યાય કે અન્યાયની નહિ ! મને એ બધું ન આવડતું – મારે શીખવું જ ન હતું એટલે હું કેસ હારી જતો ! વહી મુંબઈમાં પણ મેં ઉપરા ઉપરી બે કેસ હાર્યા !

મને અફસોસ થતો કે હું ક્રિમિનલ લોયર કેમ બન્યો ? કોર્પોરેટ બન્યો હોત કે ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ બન્યો હોત તો આજે હું પણ આલીશાન ઓફિસમાં ને ગાડીમાં હોત ! ખેર જેવા નસીબ હવે આ ઘસરડા કરીને જીવન પૂરું કરી લઈશ મારે આમેય આગળ પાછળ છે જ કોણ ? એમ વિચારે હું જીવનને ધક્કો માર્યે જતો હતો !

એ આખો દિવસ મેં કામ કર્યું પણ વારંવાર એ વેફર વાળી છોકરીનો ચહેરો મારી નજર સામે આવતો રહ્યો.

કોણ હશે એ ? એને જોતા લાગતું તો નથી કે એ જન્મથી જ આ ધંધો કરીને ઉછરી હોય ! મારા મનમાં એવા કેટલાય સવાલ થયા જેના જવાબ માત્ર એ છોકરી પાસે જ હતા !

સાંજ સુધી હું એ વિચારોમાં હતો. સાંજે આશોક ત્રિપાઠી આવ્યા અને સીધી જ વાત નીકાળી કેસની.

“તું આ કેસ પણ હારી ગયો ? તને સો વાર કહ્યું કે કોર્ટમાં સત્ય નહિ સબૂત જોઈએ. તારે તારા ફ્યુચરની ન પડી હોય તો કઈ નહિ પણ મને મારા નામની પડી છે હવેથી ઓફીસ ન આવતો.”

મારે કોઈ દલીલ કરવાની હતી જ નહીં કારણ કે મારાથી એ બધું થઈ શકે એમ જ ન હતું. હું ઉભો થઇ ગયો.

“કાલે સવારે હું ઓફીસ આવવાનો છું તારો હિસાબ લઈ જજે.” કહી ત્રિપાઠીએ મો ફેરવી લીધું. ઓફિસની બહાર દેખાતી અલીસાન બિલ્ડીંગો ઉપર નજર ફેરવવા લાગ્યા.

“જી સર…..” કહી હું મારો કોટ લઈ નીકળ્યો.

એ દિવસે અંધેરી સ્ટેશન પર ગયો ત્યારે સાંજે પણ એ જ છોકરી ત્યાં હતી. મને ખાતરી હતી કે આ છોકરી ક્યારેય પહેલા અહીં હતી નહિ જ ! હું છ મહિનાથી આ રૂટ ઉપર હતો મને એ ક્યારેય દેખાઈ ન હતી તો એકાએક બાવીસ ચોવીસ વર્ષની છોકરી ક્યાંથી આવી ગઈ આ સ્ટેશન પર ?

મારી ઉત્સુકતા વધવા લાગી. એ બધા મુસાફરોને વેફર અને બીજી વસ્તુઓ વેચતી હતી. એણીએ મને જોયો ખરા પણ સવાર જેમ હું ફરી પૂતળું બની એની સામે જાડાઈ જઈશ કદાચ એમ વિચારી મારી નજીક આવી નહિ.

આખરે મેં જ એને ઈશારો કરી બોલાવી. એ એની કમમર ઉપર ટી શર્ટ ઉપર વીંટાળેલું શર્ટ હલાવતી મારી પાસે આવીને ઉભી રહી, “બોલો ક્યાં ચાહિયે ?”

“ચાય લેંગી ?” મેં પૂછ્યું.

“ક્યાં?”

“જી સહી સુના મેં બાત કરના ચાહતા હું.” મેં સ્પષ્ટ કહ્યું.

“ઠીક હે લેકિન બિલ અપને પે નહિ ફટેગા…..” એને જાણે માણસ જાતથી જ નફરત હોય એમ એ બોલી અને મારી બાજુમાં બેઠી.

મેં બે ચા મંગાવી. વેઈટર બે મગ લઈ આવ્યો એટલે મેં એક એને આપ્યો.

“બોલો ક્યાં બાત હે ? અપને કો અભી સારા માલ બેચના હે !” ફિલ્મી અદામાં ચા ની ચૂસકીઓ લેતી બોલી.

“મુજે સમજમે નહિ આતા તેરે જેસી ખુબસુરત લડકી યહાઁ ક્યાં કર રહી હે ? કેસે યહાઁ પહોંચી ?” મેં પણ બે ત્રણ ઘૂંટડા ચા પીને વાત આગળ વધારી.

“ઓહ ! એસા ક્યાં ? અપન ખુબસુરત દિખતી ઓર અપન કો પતાઈંચ નહિ !” એ વ્યંગમાં હસી.

“તું જો યે ભાષા બોલ રહી હે યે તેરી અસલી પહેચાન નહિ હે લડકી, મુજે લગતા હે તું એક્ટિંગ કર રહી હે તાકી તું યહાકી લગે, ઓર બુરી ભી !”

મારુ એ વાક્ય સાંભળતા જ જાણે એના ગળામાં ચા અટકી ગઈ. એ ખાંસી અને એનો ચહેરો સાવ બદલાઈ ગયો.

“મેં નાગપુરકી હું લેકિન પઢી લિખિ નહિ હું….” એણીએ થોડી ભાષાનો ટોન બદલતા કહ્યું.

“લેકિન યે…..”

“મેં અચ્છે ઘરકી દિખતી હું ફિર યે કામ કયું કર રહી હું વહીના ?”

“હા…. વહી વહી પૂછના ચાહતથા મેં.” મેં અધીરા બની કહ્યું.

“સુનો ફિર. મેંરે પિતાજી વેફર બેચા કરતેથે. મા બચપન મેં ચલ બસીથી. ઓર એક દિન પિતાજી ભી…….” એ જરાક અટકી એટલે મેં એને બેગમાંથી પાણીની બોટલ આપી.

“શુક્રિયા….” બોટલ ખોલી એણીએ પાણી પીધું.

“ફિર મેરે ચાચા લોગ ઓર ચાચી લોગ મુજે પેસે લેકર શરાબી કે સાથ સાદી બનાના ચાહતે થે લેકિન મેં હિંમત કરકે ભાગ ગઈ. ભાગતો ગઈ લેકિન પઢી લિખિ નહીથી ઇશી લિયે પિતાજીકા વહી કામ મેને કર લિયા.”

“સો સોરી ફોર ધેટ….” અંગ્રેજી એને સમજ નહિ આવે એટલે મેં ઉમેર્યું, “જાનકે બહુત દુઃખ હુવા.”

“યે તું પહેલા હે જીસે દુઃખ હુવા હો.” એણીએ પણ મારો સ્વભાવ જાણી લીધો હોય એમ મને તું કહેવા લાગી. મને ગમ્યું !

“લેકિન તું રાત કો કિધર રહેતી હે ?” મનેય હિન્દીમાં થોડો વાંધો તો હતો જ. જોકે કોર્ટમાં તો અંગ્રેજી બોલતો એટલે વાંધો ન આવતો.

“ઇધર એક હોટેલ હે, સબ સાથમે રહેતા ! વેશે તો યે સબ કામ કરને વાલોકો કોઈ રખતા નહિ લેકિન મેં ક્યાં કામ કરતી હું યે દેખકે કોઈ પતા નહિ લગા શકતા. દસ દીનો સે હોટેલમે ઠહેરી હું, પહેલે પાસ વાલે સ્ટેશનપે બેચતીથી પન વહાસે હોટલકી મેનજર ( મેનેજર ) ગુજરતી દેખી તો આજસે ઇધર આ ગઈ.” એણીએ હોટેલ કહી પણ એ પી.જી.માં હતી એ મને સમજાયું.

હું ઘણું બધું પૂછવા માંગતો હતો પણ એ એકાએક બોલી, “ક્યાં યાર તું ભી ગજબ હે ! એક ઘંટા નિકલ ગયા હોગા અભી રાત હોને કો હે હોટેલ પહોંચના પડેગા, આજ કા યે બચા માલ મેં હોટેલ મેં ભી નહિ લે જા શકતી.” કહી એ એની વસ્તુઓ લઈ ચાલવા લાગી.

મારે એને રોકીને એ બધી વસ્તુઓ લઈને એને પૈસા ચૂકવી દેવા હતા પણ એ તો દોડતા પગે નીકળી ગઈ. હું જાણતો હતો કે આ બધું એ પી.જી.માં લઈ જાય તો પી.જી.માંથી એને મજૂર સમજીને બહાર કાઢી મૂકે. જોકે એની સિકલ સુરત જોતા એવું કોઈ વિચારે તો નહીં એટલે મને શાંતિ થઈ.

હું બિલ ચૂકવી ટ્રેનની રાહ જોવા લાગ્યો ! ક્યારે ટ્રેન આવી અને ક્યારે હું ઘરે પહોંચ્યો એ પણ મને ખ્યાલ ન રહ્યો હું એટલો એ છોકરીમાં ખોવાઈ ગયો હતો. ખેર એ તો ઠીક પણ હું એનું નામ પૂછવાનું પણ ભૂલી ગયો !

બીજા દિવસે સવારે હું એજ ભીડમાં બોરીવલીથી અંધેરી પહોંચ્યો.

અંધેરી ઉતરતા જ મારી નજર એ છોકરીને શોધવા લાગી અને એ સફળ રહી ! આજે એ પિંક

ટી શર્ટ અને એ જ વાદળી પેન્ટમાં હતી !

હું એનું નામ પૂછવા એના તરફ જવા લાગ્યો ત્યાં એની નજર પણ મારા ઉપર પડી અને એ મને ઓળખી ગઈ. એના ચહેરા ઉપર કોઈ વર્ષોના જુના ઓળખાણ વાળા મિત્ર જેવી સ્માઈલ આવી ગઈ !

“કેસા હે ?”

“ઠીક હું. તું કેસી હે?”

“મસ્ત…. બહોત માલ બીકતા હે, અગર એસાહિ ચલા તો એકદીન તેરે જેસા શૂટ બુટમેં યે પગલી ભી જચેગી !” એ હસતી હસતી બોલતી હતી પણ એને ક્યાં ખબર હતી કે આ શૂટ બુટ આજ પૂરતા જ છે ! કાલથી તો હું પણ એના જેવો જ !

“પાગલ હો ગઈ હે ક્યાં ? યે સબ બેચકે તું અમીર બનને કે ખ્વાબ દેખને લગી હે ?”

“અરે મુજે પતા થા તું નહિ માનેગા, લેકિન યે સચ હે દેખ યે સબ મર્દ લોગ હે ના સારે કે સારે મેરી કમમર ઓર ચહેરા દેખતે હે… વેફર લેની હે યા નહિ યે કોઈ નહિ સોચતા !” કહી એ વ્યંગમાં હસી ત્યારે એકપળ તો મને થયું કે કદાચ એ મારા વિશે પણ એવું જ વિચારતી હશે ને ? પણ બીજી પળે થયું તો એ મારી સામે એવું બોલત જ નહીં.

“ઠીક હે….. ઠીક હે….. ઓર યે લે કલકા તેરા જો નુકશાન હુવા ઉશકે લિયે….” કહી મેં એને પંચસોની એક નોટ આપી.

“ક્યાં યાર તું ભી ? અપને બાપકી બચ્ચી હું નુકશાન થોડી હોને દેતી !”

એ એવી રીતે ડાયલોગ મારતી હતી જાણે બીજા લોકો તો પોતાના બાપના હોય જ નહીં !

“તો ફિર ?”

“ફિર ક્યાં ? ઉધર વો દેખ…..” કહી એણીએ આંગળીથી ઈશારો કરીને એક દુકાન તરફ જોયું, મેં પણ એ તરફ જોયું.

“ઉસકો સારા માલ પકડા દિયા ફિર હોટેલ પે ગઈ, કોઈ નુકશાન હુવા હી નહિ.”

મેં પંચસોની નોટ વાળો હાથ ખિસ્સા તરફ વાળ્યો, વાળવો પડ્યો !

“તેરા નામ ક્યાં હે ?” મેં એને પૂછ્યું.

“છંછન…..”

“છંછન ? યે ક્યાં નામ હુવા ?” મને નવાઈ લાગી.

“છંછન મતલબ છંછન બાબા ને રખાથા નામ અબ મેં થોડી પઢી લિખિ હું કી ઇશકા મતલબ સમજા પાઉ !” કહી એ ફરી હસી અને પૂછ્યું, “વેશે તેરા ક્યાં નામ હે ?”

“કશ્યપ….. કશ્યપ પટેલ.” મેં કહ્યું.

“અચ્છા નામ હે.” એ જ મોહક સ્મિત સાથે એ બોલી. મારી નજર એના એ માસૂમ ચહેરા ઉપર હતી ત્યારે જ મને સમજાયું કે હું કેમ એની સાથે વાતો કરતો હતો. કદાચ મને એનું રૂપ ગમ્યું ? કે મને પ્રેમ થઇ ગયો ? કે પછી એ મારા જેવી જ દુઃખી હતી અને બહારથી હસતી હતી એટલે મને ગમી ? જે હોય તે પણ આઈ વોઝ ફોલિંગ ઇન હર ડીપ આઇઝ !

અમે એ દિવસે પણ ચા પીધી. કદાચ એ ચા એકાદ કલાક લાંબી ચાલી હતી. મેં પણ એને મારા જીવનની કહાની કહી ત્યારે એ ભાવુક બનીને સાંભળી રહી. એણીએ પણ મને બીજી વાતો સેર કરી. અંતે મેં કહ્યું.

“છંછન હમ ફિર કભી મિલને વાલે નહિ હે! મેં સુરત વાપસ જા રહા હું.”

એ કઈ બોલી નહિ પણ એની આંખોમાં મને એક ઉદાસી દેખાઈ.

મેં ઉભા થઇ જવા માટે હાથ હલાવ્યો ત્યારે એ બોલી.

“જીન્દગીમે એક દોસ્ત મિલા વો ભી સિર્ફ દો દિન કે લિયે…..!”

હું કઈ બોલ્યો નહિ એટલે એ બોલી, “સાલા અપન ભી ના ક્યાં તેરે જેસે બંદે કો યે સબ બોલ રહી હું. ખેર છોડ આજકા બિલ અપન કે નામ કા ફટેગા તું નહિ દેગા.”

હું એક તરફ હોઠ ખેંચી પરાણે હસ્યો.

“તું ભી યાદ કરેગા છંછન ભી અપને બાપકી બચ્ચીથી !” કહી એ સ્ટોલ તરફ ફરીને ચાલવા લાગી. મેં એને બિલ ચૂકવવા માટે કોઈ રકઝક ન કરી કેમ કે મને એ અંદર સુધી ઊંડું ઊંડું ગમ્યું હતું !

જ્યારે હું ઓફીસ પહોંચ્યો ત્યારે ત્રિપાઠી તો હાજર ન હતા પણ રઘુવીર નામના એક બીજા વકીલને એ મારો હિસાબ અને સર્ટિફિકેટ આપીને ગયા હતા.

ઓફિસે જતા જ રઘુવીરે મને હાથમાં પૈસા અને કાગળ પકડાવી દીધા. રોજ જ્યારે હું જતો ત્યારે રઘુવીર મારા માટે ચા મંગાવતો પણ આજે એણે કોઈ ગજબ રીતે મોઢું ચડાવેલું હતું !

મને ચા પીવાનો કોઈ મોહ ન હતો પણ જ્યાં સુધી મારી જરૂર હતી ત્યાં સુધી ચા મંગાવતો હસીને ને આજે હું જવાનો છું એટલે પાંચ રૂપિયાની ચા પણ મોંઘી લાગવા લાગી ? આ તે કેવા સબંધ ?

એકાએક મને યાદ આવ્યું , ” તું ભી યાદ કરેગા છંછન અપને બાપ કી બચ્ચીથી !”

મને એ છોકરીના એ ડાયલોગ ઉપર હસવું આવતું પણ ત્યારે મને એ ડાયલોગમાં સમાયેલું દુનિયાનું સૌથી મોટું સત્ય સમજાયું. એક તરફ હું જવાનો છું એ સાંભળી મને ઓફિસમાં કોઈએ ચા પણ ન પાઈ જ્યારે છંછન તો હું જવાનો છું એ સાંભળી ને જ ચા નું બિલ ચૂકવવા તતપર થઈ હતી ! છોકરીએ નિઃસ્વાર્થ ચા પાઇ હતી !

સભળવામાં એક ચા મામુલી લાગે પણ તમારા જીવનમાં આવી ઘટના થાય તો એનું મહત્વ સમજાય. મોટી બિલ્ડીંગોમાં ઘણા ઇનવાઇટેશનમાં જાય છે માણસો પણ ત્યાંથી આમંત્રણ ત્યાં સુધી જ મળે જ્યાં સુધી તમારું સ્ટેટ્સ હોય ! જો કોઈ બિઝનેશ મેન નાદાર જાહેર થાય તો કોઈ એને ઇનવાઇટેશન નથી આપતું પછી !

પણ છંછન…..?

મેં તરત પગ ઉપાડ્યા. અંધેરીના સ્ટેશન ઉપર કોઈ ગજબ તલાવેલીથી મેં ટ્રેનની ચાતક ડોળે રાહ જોઈ એ મને યાદ છે ! ટ્રેન આવતા જ મેં ભીડમાં મારી જાતને ધકેલી કેમ કે ટ્રેન મિસ થાય એ મને પોસાય એમ ન હતું !

જીવનમાં ક્યારેય મેં એ વાહિયાત લોકો જે અપશબ્દો બોલતા વાર નથી લગાવતા એવા લોકોના ટોળામાં ક્યારેય સામીલ થવાની તૈયારી નહોતી બતાવી. પણ એ દિવસે હું એ માણસોના ટોળામાં ઘૂસ્યો ! કેટલાયના હાથ મને વાગ્યા. કેટલાયના પગ નીચે મારા પગનો અંગૂઠો કચડાયો ! હું ધુવા પુવા થઈ ઉઠ્યો પણ અંતે મને અંદર ચડવામાં સફળતા મળી.

ઘડીભર તો થયું કે આ લોકો ઢોર છે ! પણ બીજી જ પળે થયું કે ના ના એ મારી ગેરસમજ છે. જેમ આજે હું ઉતાવળમાં છું એમ એ લોકો બિચારા રોજ ઉતાવળા હોય છે ! આજે મારા માટે કોઈ મહત્વનું છે એટલે હું ઉતાવળ કરી રહ્યો છું એમ એમના માટે તો રોજ એમનો પરિવાર મા બાપ ભાઈ બહેન પત્ની બાળકો રાહ જોતા હોય છે ! મને તો એય ખબર નથી કે છંછન મને માત્ર મિત્ર સમજીને કે એક સારો માણસ સમજીને ભાવુક થઈ હતી કે કેમ? પણ એ લોકોને તો ખબર હોય છે કે અમારા ઘરે અમારા માટે કોઈ રાહ દેખે છે ! એ લોકો ઉતાવળ કેમ ન કરે ?

એક જ દિવસમાં જાણે મારુ જીવન મારુ મન બદલાઈ ગયું. ક્યારેય ઉતાવળ કરીને ભીડમાં ઘૂસવાની કલ્પના માત્ર ન કરતો એ કશ્યપ ટોળામાં કેટલાય ઘુસા ખાઈને ટ્રેનમાં ચડ્યો ! ધક્કા મુક્કી કરતા માણસોને નફરત કરતો કશ્યપ એકાએક એમને ચાહવા લાગ્યો ! એ બધાની લાગણીઓ – ઘરે વહેલા પહોંચવાની લાગણીઓ સમજવા લાગ્યો ! મને શું થયું એ મને કંઈ સમજાયું નહીં !

જાણે હું ટ્રેનમાં નહિ હવામાં હતો ! મને પાંખો હતી અને હું ઉડતો હતો !

એકાએક મને એક જુવાનીયાનો ધક્કો વાગ્યો અને હું બીજા ઉપર જઈને પડ્યો. અમે બેય પડતા પડતા બચ્યા..

“તેરી આઇચા…….” એ બોલ્યો અને અટકી ગયો….

મેં પણ એની સામે જોયું. એ છોકરો મારા જેવડો જ હતો. અને એ એ જ હતો જે પેલા કાકાને ગાળો બોલતો હતો. પણ મને એના માટે નફરત ન થઈ ! કારણકે એના હાથમાં એક ઢીંગલી હતી. કદાચ એની નાનકડી દીકરી માટે લઈ જતો હશે ! એ પણ આગળ ગાળ ન બોલી શક્યો કેમ કે જ્યારે એ “તેરી આઇચા…” બોલ્યો ત્યારે પણ મારા ચહેરા ઉપર કોઈ ગજબ સ્મિત હતું. એને પણ નવાઈ લાગી હશે !

હું છેક બોરીવલી ઉતર્યો ત્યાં સુધી એ મને આડી નજરે જોતો હતો.

બોરીવલી ઉતરતા જ મેં નજર ફેરવી ! બેલાશક મારી

નજર એને જ શોધતી હતી – છંછન ને !

મેં આમ તેમ જોયું પણ એ મને ક્યાંય દેખાઈ નહિ. મારો હસતો ચહેરો પહેલીવાર ઝાંખો પડી ગયો હોય એમ મને લાગ્યું ! મને લાગ્યું જાણે આખું સ્ટેશન રણ છે ! હવે મને સમજાયું કે પ્રેમ શુ છે ?

ત્યાં જ મારી નજર સ્ટોલ ઉપર ગઈ. સ્ટોલના બાંકડે છંછન બેઠી હતી – હાથમાં ચા હતી.

હું ઝડપથી એની નજીક ગયો. એ કોઈ ગજબ વિચારોમાં મગ્ન હતી. એનો સામાન એમનો એમ હતો જેવો બે કલાક પહેલાં હતો. એનો અર્થ એ જ હતો કે મારા ગયા પછી એણીએ કોઈને એ માલ વેચ્યો નથી !

“છંછન…..” મેં બે વાર કહ્યું ત્યારે ઝબકીને એણીએ ઊંચું જોયું.

“કશ્યપ તું ?” એ નવાઈથી બોલી.

“હા મેં. મેરે સાથ સુરત ચલેગી ?”

“તું જે ક્યાં લગતા હે ?” એણીએ મારા ઉપર જ બધુ ઢોળી દીધું પણ મને ગમ્યું.

અમે ત્યાંથી સીધા જ કોર્ટમાં ગયા. લવ મેરેજ માટેની પ્રોસેસ પુરી કરી અને સીધા જ સુરત મારા નાનકડા ઘરમાં ગયા. છછન એ દિવસે જેટલી ખુશ હતી એના કરતાં કદાચ હું વધારે ખુશ હતો ! અને હા કોર્ટમાં એ મારો પહેલો અને છેલ્લો કેસ હતો જે હું જીત્યો હતો – ધ લાસ્ટ કેસ ઓફ માય લાઈફ !

સુરતમાં અમે નમકીનની નાનકડી દુકાન ચાલુ કરી. અલબત્ત મારા ઘરમાં જ આગળના દરવાજે મેં દુકાન કરી. ધીમે ધીમેં છંછન ગુજરાતી પણ શીખી ગઈ. હમણાં જ એ મને ચા આપીને ગઈ છે !

આમ તો એ મારી સાથે દુકાને બેસીને જ ચા પીવે છે પણ અંદરના રૂમમાં નિશાનો રડવાનો અવાજ આવ્યો એટલે એને જવું પડ્યું ! હા નિશા મારી ફર્સ્ટ બેબી – અમારી, મારી અને છંછનની ! છંછન મને ક્યારેય નિશાને લઈને દુકાને નથી બેસવા દેતી !

હવે તો એ ગુજરાતીમાં કહે છે ‘કોઈની નજર લાગી જાય…..’

એ ગુજરાતે બોલે ત્યારે હું એનો જ ડાયલોગ હિન્દીમાં બોલું “અપને બાપકી બચ્ચી હે નજર કેસે લગેગી…..?”

વિકી ત્રિવેદી ” ઉપેક્ષિત ” ધ અર્બન રાઇટર

3 Replies to “ધ લાસ્ટ કેસ – એ લવ સ્ટોરી !”

  1. અદભુત વાર્તા છે.
    પણ વિકિભાઈ છંછંન તો અંધેરી સ્ટેશન પર વેફર વહેંચતી હતી તો પછી અંતમાં કશ્યપ એને પ્રપોઝ કરવા ગયો ત્યારે એ બોરીવલી કેમ હતી?

Comment here