gujarati-varta-suku-gulab

સુકું ગુલાબ.!

જો તુમ્હારી નીંદ ઉડાયે ખ્વાબ સચ્ચા વહી!

જો તુમ્હારી નીંદમે આયે, ખ્વાબ સચ્ચા નહિ!

 

એક સપનું જે એણે ક્યારેય જોયું જ ન હતું. એક લાગણી જે એણે ક્યારેય નોધી જ ન હતી. છતાં કેટલાક સપના સાચા થઇ જતા હોય છે. કેટલાક સપના આપણે પુરા નથી કરતા… આપને જોતા નથી… છતાં પુરા થઇ જતા હોય છે. પણ જયારે એ સપનું જીવનમાં આવી ચડે છે ત્યાર બાદ એ ઈચ્છા બની જાય છે અને એ ઈચ્છા જીવન બની જાય છે. ત્યારબાદ જીવન, સપનું અને ઈચ્છા એ ત્રણેય ચીજ એકબીજામાં એમ ભળી જાય છે કે તેમને અલગ અલગ દેખવા અશક્ય બની જાય છે. એની સાથે પણ કાંઈક એવું જ થયું હતું.

એ કે જેના વિના એનું જીવન પાંદડા અને ડાળીઓ વિનાના ઝાડ જેવું છે એ કે જેના વિના એ જીવી શકે તેમ નથી અને છતાં હકીકત એ છે કે એ ક્યાં છે એ એને ખબર નથી.

ડ્રીમ્સ..! કેટલો સુંદર શબ્દ છે? એક એવી ચીજ જે ક્યારે તમને કોઈ બીજી દુનિયામાં તાણી જાય છે. એ ખયાલ પણ નથી રહેતો. આ રાત્રે દેખાતા સપનાઓની વાત નથી… એ સપના તો બિચારા બસ એક બીજી દુનિયાની સફર કરાવી પાછા ઘડીભરમાં તમે જ્યાં હતા ત્યાં છોડી જાય છે પણ એ સપનાઓની વાત છે જે એકવાર જીવનમાં આવે છે ત્યારબાદ ક્યારેય એમનાથી પીછો છોડાવી શકાતો નથી! એ સપના જે તમારી રાતોની નીંદ હરામ કરી નાખે છે! એ સપના જે એક પળની ખુશી આપી બધું જ લઈને જતા રહે છે!

અને કદાચ એ સપનું પ્રેમ સાથે જોડાયેલ હોય તો?

તો જયારે એ તૂટે ત્યારે જીવવું અશક્ય બની જાય છે…. અન્ય કોઈ સપનું જોવું અશક્ય બની જાય છે….

અને જયારે એ પ્રેમનું સપનું દેખાવા લાગે છે ત્યારે ક્યારે કોણ હ્રદયના કિંગડમની કવીન કે કિંગ બની જાય ખયાલ નથી રહેતો. ક્યારે કોણ મનના આકાશમાં ચમકતો સુરજ કે પૂનમની રાતે દેખાતો પૂરો ચાંદ બની જાય ખયાલ નથી રહેતો.. ક્યારે કોણ હ્રદયની વિણાનો સુર કે એનો તાર બની જાય ખયાલ નથી રહેતો… ક્યારે તમે એને ચાહવા લાગો અને એ તમને ખયાલ નથી રહેતો… ક્યારે એને કહેવાઈ જાય કે એને કહ્યા વિના જ સમજાઈ જાય એ ખયાલ નથી રહેતો.

તું મારા માટે સર્વ છો કહેવાઈ જાય ક્યારે ખયાલ નથી રહેતો…. હું તને ક્યારેય ઉદાસ નહિ જોઈ શકું એવું વચન અપાઈ જાય ખયાલ નથી રહેતો… કોઈ જીવનમાં આવી જીવન બની જાય ખયાલ નથી રહેતો પણ…. પણ કદાચ એ બધું એક સપનું હોય છે.. કદાચ એ બધું…..

વેલેનટાઈન ડે બે દિવસ દુર હતો અને છતાં કોલેજમાં બધા એની સુવાસ મહેસુસ કરી રહ્યા હતા. કદાચ કોલેજનો સમય જ એવો હોય છે કે એમાં હગ ડે, ચોકલેટ ડે, ફ્રેન્ડશીપ ડે અને વેલેનટાઈન ડે જેવા દિવસોની હુંફ એક બે દિવસ આગાઉથી મહેસુસ થવા લાગે છે. પણ એના માટે એ હુંફ ક્યારેય ન હતી. એણે ક્યારેય એ દિવસો ઉજવવામાં રસ લીધો જ ન હતો. એ ક્યાં એનું સપનું હતું જ. એ તો માત્ર એ કોલેજમાં ભણવા માટે હતો. કઈક બનવા માટે હતો. એણે પ્રેમ મહોબત અને ઈશ્ક એ જે હોય તે એ શબ્દો તરફ ખાસ ધ્યાન આપ્યું જ ક્યાં હતું. અને એનું એક કારણ પણ હતું કે એણે જીવનમાં એક જ ચીજ શીખી હતી કે એ બધી ચીજો અમીરો માટે છે! એ બધી ચીજો નસીબદાર લોકો માટે છે અને એ પોતાને એ નશીબદારોમાનો એક સમજતો ન હતો.

એના પપ્પા એ જ કોલેજમાં પ્યુન હતા જે કોલેજમાં એને ભણાવીને પપ્પા એક દિવસ એને પ્રોફેસર બનાવવાનું સપનું જોતા હતા. ફરી અહી સપનું આવી ગયું, આ દિવસે દેખાતા સપના ક્યારે કોના મનમાં ઘર કરી નાખે છે ખબરેય નથી પડવા દેતા.!

માટે એ દિવસ એના માટે ન હતો. આખી કોલેજ જે દિવસની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહી હતી એ દિવસ એના માટે ન હતો. બધા જ છોકરા છોકરીઓ ટેલમી યોર ડ્રીમ્સ-આઈ વિલ મેક ધેમ લાઈવ અને યુ આર માય ડ્રીમ જેવા ફિલ્મી શબ્દોને ગોખી રહ્યા હતા. એ સમયે એ એની ફીઝીક્સની બૂક સાથે વ્યસ્ત હતો. એ જીવનભર બૂક સાથે જ બીઝી રહ્યો હતો અને કદાચ એટલે જ એને દુનિયાદારીની ખાસ સમજ ન હતી.

બાધાને એ દિવસે કોઈ સ્પેસીઅલ મળી જવાની આશા હતી. કેટલાક ગીફ્ટ ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા તો કેટલાક પોતાના વેલેન્ટાઈનને શું ગીફ્ટ કરવી? એને કયા ફલોવરની બકેટ આપીશ તો એને ખુશી થશે? ક્યાં રંગનો શર્ટ પહેરવો અને કયા રંગની જીન્સ પહેરવી વગેરે વગેરે ચીજો પર બધા ધ્યાન આપી રહ્યા હતા. છોકરીઓ પણ એટલી જ ઉત્સાહમાં હતી. કેચ મી ઇફ યુ કેન જેવી ફિલિંગ લઈને યુવતીઓ કેમ્પસમાં આંટા મારી રહી હતી.

એ વેલેન્ટાઈનને દિવસે પણ એના વિચારોમાં વ્યસ્ત કોલેજ કેમ્પસમાં ઉભો હતો. એ કોલેજ કેમ્પસને નિહાળી રહ્યો હતો.

કેવું ગજબનું વાતાવરણ હતું ત્યાં?

દરેકનું હ્રદય ફૂલોની સુવાસ લઈને ફરી રહ્યું હતું અને દરેકના ચહેરા પર આનંદ અને ઉત્સાહ હતો. દરેકની આંખો કોઈકને શોધી રહી હતી – કોઈક જાણીતા તો કોઈક અજાણ્યાની શોધ એ આંખોમાં હતી.

સમવન સ્પેસીઅલ ફોર યુ. એણે ક્યાંક વાંચેલ વાક્ય એને યાદ આવ્યું. કદાચ દરેકના હ્રદયમાં એ જ વાક્ય રમી રહ્યું હતું.

સૂર્ય હજુ ક્ષિતિજ પર ઉગી રહ્યો હતો અને તેના કુણા કિરણો દરેક સુંદર ચહેરાઓને વધુ સુંદર બનાવી રહ્યા હતા.

“હેવ યુ પ્રપોઝડ એનીવન?” એને અવાજ સંભળાયો. ચાંદીની ઘંટડીના રણકાર જેવો એ અવાજ સાંભળવા એણે પાછળ જોયું. એ દિવ્યા હતી – કોલેજની સૌથી સુંદર છોકરી.

જરૂર મારી ખીલ્લી ઉડાવવા આવી હશે. એને થયું. પણ એને એનાથી કોઈ ફરક પડે તેમ ન હતો કેમકે એને અંદાજ હતો જે કોલેજમાં મિત્રો એની ખીલ્લી ઉડાવશે. એવું દરેક સ્પીસીઅલ દિવસ પર થતું પછી એ રોજ ડે હોય કે ચોકલેટ ડે, હગ ડે હોય કે વેલેન્ટાઈન ડે.

“ના.” એણે ટૂંકો જવાબ આપ્યો.

દિવ્યા એના જવાબ પર હળવું હસી. એ સ્મિત અદભુત હતું કાદાચ એ સ્મિત આજે પણ જયારે યાદ આવે ત્યારે એ યુવકનો ચહેરોખીલી ઉઠે છે.

“કેમ તને કોઇથી પ્રેમ નથી થયો? તું બે વરસથી આ કોલેજમાં છે તને કોઈ સમવન સ્પેસીઅલ જેવું ફિલ નથી થયું?”

“એ બધું મારા માટે નથી.. હું એમાં રસ નથી લેતો.” એણે કહ્યું.

“કેમ?” દિવ્યાએ ચહેરા પર નવાઈના ભાવ લાવતા કહ્યું.

“કેમકે..” એણે કહેવાની શરૂઆત કરી પણ એને કાઈ સુજ્યું નહિ એટલે કહ્યું, “બધા કેમનો જવાબ નથી હોતો.”

“તો પણ કઈક કારણ તો હશે જ ને?”

“હા છે પણ તને વાજબી નહિ લાગે.”

“તો પણ મારે સંભાળવું છે.” દિવ્યાએ કહ્યું.

“કેમકે આ વેલેન્ટાઈન ડે હગ ડે આ બધું નર્યો બકવાસ છે.” એણે કહ્યું.

“વોટ..? મનીષ તને આ દિવસ બકવાસ લાગે છે??? જે દિવસની આખી દુનિયાના યુવક યુવતીઓ બેસબરીથી રાહ જોઈ રહ્યા હોય અને તને આ દિવસ બકવાસ લાગે છે?” દિવ્યાની આંખો નવાઈથી પહોળી થઇ ગઈ.

“હા, મને બકવાસ લાગે છે.” મનીષે કહ્યું.

“કારણ?” દિવ્યાએ ટૂંકો સવાલ કર્યો.

“કારણ એ જ કે આ કહેવાતા વેલેન્ટાઈન ડે પર શું દરેક વ્યક્તિ પોતાના હૃદય વાત કહી શકે છે? ના, માત્ર કોલેજમાં કે ગમે તે સ્થળે આગળ પડતા યુવક યુવતીઓ જ આ દિવસ મનાવે છે! શું કોઈ સામાન્ય દેખાવવાળી યુવતીને આ દિવસ કોઈ ખુશી આપે છે? ના તેને નથી આપતો. શું કોઈ સામાન્ય દેખાવવાળા કે સામાન્ય પરિવારના છોકરાને આ દિવસ ખુશી આપે છે? ના, તે નથી આપતો. દરેકને આ દિવસે એ લોકો પાસેથી જ સાંભળવું છે જે તેમને પહેલેથી ગમે છે… જો તેમણે ધારેલા વ્યક્તિ સિવાય કોઈ પ્રેમ દર્શાવે તો મોટો હોબાળો ખડો થઇ જાય છે. ખબર છે ગયા વર્ષે નિધિએ જે છોકરાને કોલેજમાંથી રસ્ટીગેટ કરાવ્યો હતો એ સૌથી સીધો છોકરો હતો. બસ એને એમ લાગ્યુ કે આ સાચો વેલેન્ટાઈન ડે છે અને પોતાની મરજી એણે નિધિને કહી અને નિધિએ તેને જવાબ આપવાને બદલે કોલેજમાંથી એલ.સી. જ હાથમાં અપાવી દીધું.” મનીષે કહ્યું.

“પણ હું એવી નથી? દરેક છોકરી એવી નથી હોતી.” દિવ્યાએ કહ્યું.

“હું માત્ર છોકરીઓની જ વાત નથી કરી રહ્યો… છોકરાઓ પણ સામાન્ય દેખાવવાળી કે સિમ્પલ રહેતી છોકરીને ઘણીવાર ઈન્સલ્ટેડ કરતા હોય છે – ખાસ કરીને મોટા ઘરના છોકરાઓ.” મનીષે કહ્યું.

“હા તું સાચો છે. એ બધું જવાદે.. હું કેવી દેખાઉં છું?” દિવ્યાના બીજા પ્રશ્ને એને ચોકાવી નાખ્યો. દિવ્યા કોલેજની સૌથી સુંદર છોકરી હતી. એ સામાન્ય કપડામાં તૈયાર થયા વિના આવે તો પણ સારી જ દેખાય તો વેલેન્ટાઈનના દિવસે એ તૈયાર થઇ આવી હોય ત્યારબાદ હું કેવી દેખાઉં છું એ પૂછવું નરી મૂર્ખાઈ સિવાય કાઈ જ ન હતું.

“હમમ.. ઓકે! નોટ બેડ.” મનીષે એને ઇન્ગ્નોર કરતો જવાબ આપ્યો કેમકે એ જાણતો હતો કે એ અંતમાં એની મજાક ઉડાવવાની જ હતી.

દિવ્યાએ એને એક સ્નોરી લૂક આપ્યો. મનીષને એ લૂકની આશા હતી જ એને અંદાજ હતો જ કે દિવ્યા ગુસ્સે થશે. કોઈ પણ છોકરી વેલેન્ટાઈન પર તૈયાર થઈને આવેલ હોય અને તમે એને વોવ! લૂકિંગ નાઈસ ને બદલે હમમમ.. ઓકે! નોટ બેડ! જેવા શબ્દો સંભળાવો તો એ ગુસ્સે થાય જ.

“વિલ યુ બી માય વેલેન્ટાઈન??” દિવ્યાએ કહ્યું. કદાચ દિવ્યાએ આ શબ્દો કોલેજના કોઈ બીજા છોકરાને કહ્યા હોત તો સ્યોર એ ખુશીથી પાગલ થઇ ગયો હોત.. કદાચ ખુશીના ઓવરડોઝથી બેભાન થઇ ગયો હોત અને 108નો નબર ડાયલ કરવો પડ્યો હોત પણ માનીષ જાણતો હતો કે દિવ્યા એની ખીલ્લી ઉડાવી રહી હતી.. એની સાથે મજાક કરી રહી હતી એટલે એના ચહેરા પરના ભાવમાં કોઈ ફેર ન આવ્યો.

“કેમ તને હું પસંદ નથી? હું સુંદર નથી?” દિવ્યાએ તેના ચહેરા તરફ તાકી રહેતા કહ્યું.

“બસ… દિવ્યા ડોન્ટ કટ યોર જોક્સ ટુ ફાર… મને ખબર છે તું મારી મજાક ઉડાવી રહી છે.” મનીષે કહ્યું.

“ના, હું સીરીયસ છું મનીષ.” દિવ્યાએ ગળગળા અવાજે કહ્યું, “આઈ એમ ઇન લવ વિથ યુ રીયલી.. મેં નોધ્યું છે કે કોલેજના દરેક છોકરા મને જોઈ રહે છે પણ તું ક્યારેય નથી જોતો.. પણ તું બીજી કોઈ છોકરી તરફ પણ નથી જોતો જયારે મને જોનારા એ બધા મારા ગયા પછી જે ત્યાંથી પસાર થાય એને પણ જોતા જ હોય છે. આઈ રીયલી લાઈક યુ.”

“તું દુનિયાની સૌથી સુંદર છોકરી છે પણ આપણો મેળ નથી દિવ્યા… તારા અને મારા વચ્ચે બહુ મોટો તફાવત છે.” મનીષે કહ્યું.

“તફાવત છે એમ કહે ને પ્રેમ નથી કરતો એમ કેમ કહે છે?” દિવ્યાએ ચિડાઈ જતા કહ્યું.

“બંનેનો એક જ અર્થ છે એ તફાવત બાદ પ્રેમ કરતો હોઉં કે ન કરતો હોઉં કોઈ ફરક પડતો નથી. હું તને એ ખુશી ક્યારેય ન આપી શકું જે તને જોનાર આ દરેક છોકરા આપી શકે તેમ છે.” મનીષે કહ્યું.

“હા, પણ તું જે સાચો પ્રેમ આપી શકે તેમ છે એ પ્રેમ એ લોકો ક્યારેય આપી શકે તેમ નથી… મારે વેલેન્ટાઈનની મોઘી ગિફ્ટો નથી જોઈતી… સામે કોલેજના ગાર્ડનમાં રહેલ રોઝ પ્લાન્ટ પરથી તોડીને તું એક ગુલાબ પણ મને ભેટ આપી દઈશ તો એ મારા માટે અમુલ્ય ભેટ હશે..” દિવ્યાએ કહ્યું, “ગુલાબ એ કોઈ કીમતી કે મોઘી ભેટ નથી પણ સાચા પ્રેમને મોઘી કે કીમતી ભેટની જરૂર પણ નથી હોતી બસ એને જરૂર હોય છે બે સાચા હ્રદયની અને એમાનું એક મારી પાસે છે અને એક તારી પાસે.”

મનીષ સ્તબ્ધ બની એ સાંભળી રહ્યો.. કેટલો ગલત હતો એ દિવ્યા વિશે? એને થયું. એ સામેના ગાર્ડનમાંથી રોઝ પ્લાન્ટ પરથી એક સુંદર ગુલાબ તોડી લાવ્યો અને દિવ્યાના હાથમાં આપ્યું.. દિવ્યાએ એ ગુલાબ કોઈ અમુલ્ય ચીજની જેમ પોતાના હ્રદય સાથે ચાંપી દીધું.. કદાચ જેને સાચો વેલેન્ટાઈન કહી શકાય એ કોલેજમાં ઉજવાઈ ગયો હતો. મનીષ અને દિવ્યાના હ્રદયમાં એ ઉત્સવ ઉજવાઈ ગયો હતો.

એ વાતને આજે એક વર્ષ થઇ ગયું છે. આજે બધું બદલાઈ ચુક્યું છે. દિવ્યા એ શહેર છોડીને ક્યાંક ચાલી ગઈ છે.. કોઈ મિસકોન્સેપશન નહિ કોઈ બ્રેકઅપ નહિ છતાં બધું બદલાઈ ગયું છે… દિવ્યા મનીષ સાથે નથી એ એનાથી ક્યાંક દુર છે પણ મનીષ સાથે છે જેને ક્યારેય ન ભૂલી શકાય તેવી યાદો.. ક્યારેય પીછો ન છોડે તેવું એ સપનું.. પણ મનીષને વેર સી વેન્ટ એવી કોઈ ફરિયાદ નથી કેમકે એને એના પ્રેમ પર ભરોષો છે.

એ શહેરથી ત્રણસો કિલોમીટર દુર:

દિવ્યા હોસ્પીટલના બેડ પર સુતેલ છે. એના પાસે બેઠેલ એની મમ્મી આંસુ ભરી આંખે એને જોઈ રહી છે.

“મમ્મી તું ઉદાસ કેમ છે?”

“કેમકે..” એ કાઈ બોલી શકતી નથી એને ગળે ડૂમો ભરાઈ જાય છે.

“કેમકે હું હવે જવાની છું.” દિવ્યાએ કહ્યું, “એ ડોકટરે કહ્યું કે હું હવે જવાની છું ત્યારે એણે આઈ એમ સોરી કહ્યું હતું કેમકે કદાચ એને એમ હશે કે આટલી નાની ઉમરે પણ મમ્મી મને જીવનમાં બધું મળી ચુક્યું છે સાચો પ્રેમ પણ.. હવે મને અહીંથી જવામાં શું તકલીફ હોઈ શકે.”

“પણ બેટા..”

“બસ.. મમ્મી.. આંસુ ન વહાવીશ. મને વિદાય કરતી વખતે તું આંસુ વહાવીશ નહિ એવું તે મને વચન આપ્યું હતું… તું કહેતી કે બધા દીકરીને વિદાય કરે ત્યારે રડે છે પણ હું નહિ રડું.”

“એ તો તને તારા પતિના ઘરે વિદાય કરતી વખતની વાત હતી એના ઘરે મુકતા વખતે જે તને મારાથી પણ વધુ ચાહતો હોય…”

“તને ખબર છે મમ્મી…” દિવ્યાએ પોતાની પાસે રહેલ એક ડાયરીમાંથી સુકાઈ ગયેલું ગુલાબ બહાર નીકાળ્યું. એ કદાચ મનીષે આપેલ એ જ ગુલાબ જે એને પ્રેમની પ્રથમ ભેટ સ્વરૂપ મળ્યું હતું, “મમ્મી આ મને મનીષે આપ્યું હતું ગયા વેલેન્ટાઈન પર અને આ વેલેન્ટાઈન પર પણ હું એના દિલમાં હોઈશ જ.. હું ક્યારેય આ દુનિયા છોડી નહિ જાઉં કેમકે મનીષનું હ્રદય મને એમ કરવાની પરવાનગી નહિ આપે… મનીષ મને એમ કરવાની પરવાનગી નહિ આપે… હું જીવીશ મનીષના હ્રદયમાં હું જીવીશ મનીષના સપનાઓમાં.. હું જીવીશ એની યાદોમાં હું… મને ઇફ આઈ સ્ટેની કોઈ ફરિયાદ નથી, મમ્મી કેમકે મને મારા પ્રેમ પર ભરોષો છે.”

“પણ બેટા કદાચ એ ગલતફેમીમાં કૈક બીજુ જ સમજી બેઠો હશે તો? મને એકવાર એને ફોન કરવાની હા કહે હું એને બોલાવું…”

“પણ મમ્મી હું એને ઉદાસ જોઈ નથી જોવા માંગતી.” દિવ્યાએ કહ્યું.

“પ્રેમનો સાચો અર્થ સાથે જીવવું જ નથી હોતો દિવ્યા…. ક્યારેક એનો સાચો અર્થ પ્રિય પાત્રની બાહોમાં દમ તોડવો પણ હોય છે.” મમ્મીના બહુ સમજાવ્યા બાદ દિવ્યાએ મમ્મીને ફોન કરવાની હા પડી.

ફોન બાદ થોડાક કલાકોમાં મનીષ હોસ્પીટલમાં દિવ્યાના બેડ પાસે ઉભો હતો.. તેના હાથમાં દિવ્યા માટે એક ગુલાબનું ફૂલ હતું – કદાચ એ હોસ્પીટલના ગાર્ડનમાંથી જ તોડીને લાવ્યો હતો અને દિવ્યાના હાથમાં મનીષને આપવા માટે પોતાના જીવન જેવું જ એક સુકું ગુલાબ હતું – કદાચ એ જ ગુલાબ જે ગયા વેલેન્ટાઈન પર મનીષે તેને આપ્યું હતું. કદાચ એને જ સાચો પ્રેમ કહેવાતો હશે… સાચો વેલેન્ટાઈન કહેવાતો હશે…???

ઘણીવાર એવું બને છે કેટલીક મજબુરીઓ એકબીજાથી દુર કરી નાખે છે પણ છતાય એકબીજાના હ્રદયમાં એકબીજાના સપનાઓમાં એકબીજાની યાદોમાં જીવવાની ઉમ્મીદ હોય છે… સાચો પ્રેમ એ જ છે જે પોતાના પ્રિય પાત્રને ફરિયાદોમાં નહી પણ યાદોમાં જીવિત રાખે છે.. એમાં વેર સી વેન્ટ કે ઇફ આઈ સ્ટે જેવા શબ્દો ક્યારેય આવતા જ નથી.

ના ઉસને ધોખા દિયા, ન ઉસને બેવફાઈ કી!

જમાને મેં ઔર ભી ગમ હે મહોબત કે સિવા!

વિકી ત્રીવેદી ‘ધ અર્બન રાઈટર’

Comment here