gujarati-varta-stri

સ્ત્રી ?

“ડોન્ટ વરી મમ્મી, આઈ એમ જસ્ટ કમીંગ.” કહીંને મેં ફોન કાપ્યો.

મેં મારું લેપટોપ બંધ કર્યું અને લેપટોપ બેગમાં મુક્યું. હાથ જાણે કંપવા માંડ્યા હતા. એકાએક શું થઇ ગયું? કેમ મને એ વ્યક્તિ પ્રત્યે લાગણી થવા લાગી જેનાથી મેં જીવનભર નફરત કરી હતી! શું લોહીના સંબંધોને આટલી આસાનીથી ભુલાવી નહિ શકાતા હોય? શું વર્ષોની નફરત પણ એ સગાઈને તોડી નહી શકતી હોય?

બપોરથી જ મૌસમ કઈક બરાબર ન હતું. કાફી તેજ હવા ચાલી રહી હતી. વરસાદ પણ તેજ હતો. હમણાં થોડાક જ સમય પહેલા વીજળીના તેજ લીશોટા અને વાદળોના કર્ણભેદી અવાજો સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

હું ઓફિસમાં હતી. તેજ હવાને લીધે ઓફીસના કાચ પણ ધ્રુજી રહ્યા હતા. વરસાદ પણ મુસળધાર હતો એટલે ખુદ ડ્રાઈવ કરીને જવામાં પણ મને ચિંતા થઈ રહી હતી. મારી પાસે કાર હતી પણ મને હજુ ડ્રાઈવિંગનો એટલો બધો અનુભવ ન’તો. મમ્મીએ જે હોસ્પિટલ આવવાનું કહ્યું હતું એ બહુ દુર હતી અને આ તુફાની સાંજે અને વરસાદવાળા વાતાવરણમાં ત્યાં સુધી જાતે ડ્રાઈવ કરવું મને મુશ્કેલ લાગી રહ્યું હતું.

ભાઈને પણ લઈને જ જવાનું હતુંને? મને એકાએક યાદ આવ્યું. અમે બે ભાઈ બહેન હતા, હું મોનિકા અને મારો ભાઈ આલોક. મમ્મીએ અમને બંનેને ભણાવવા માટે ખુબ જ મહેનત કરી હતી. મમ્મી વિશે કહેવા બેસું તો મમ્મીના જીવનની કહાની એક અદભુત નારીના જીવનસંઘર્ષની ગાથા કહી શકાય તેમ છે. મમ્મી એક શશક્ત સ્ત્રી હતી જેણીએ એકલા હાથે તેના બંને બાળકોનો ઉછેર કર્યો હતો. ભાઈને આઈ.આઈ.ટી. અમદાવાદમાં ભણાવી એક સારો ઈજનેર બનાવ્યો હતો. મારી પાછળ પણ મમ્મીએ એટલીજ મહેનત અને ખર્ચ કર્યો હતો. મને સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગમાંથી સોફ્ટવેર એન્જીનીયર બનાવી હતી. મમ્મીએ અમારા માટે એટલી મહેનત કઈ રીતે કરી એ મને નવાઈ લગતી હતી? કદાચ પપ્પા છોડીને ગયા બાદ મમ્મીએ અમને ભણાવીને કઈક બનાવવા એજ જીવનનું લક્ષ બનાવી નાખ્યું હતું અને કહે છે ને કે સ્ત્રી જયારે જીવનમાં કોઈ ચીજને પોતાનું લક્ષ બનાવી લે ત્યારબાદ એને એ મેળવતા કોઈ રોકી શકતું નથી!

મમ્મી એ બધું કરી શકી એ એક ચમત્કારથી કમ ન કહી શકાય. પણ મમ્મીએ દઢ સંકલ્પ, સાચી લગન, કડી મહેનત અને આત્મવિશ્વાસની મદદથી એ ચમત્કાર કરી બતાવ્યો હતો. એ પ્રકારે મમ્મીએ સમાજની અન્ય સ્ત્રીઓ માટે એક અભૂતપૂર્વ ઉદાહરણ પૂરું પડ્યું હતું. પણ સ્ત્રી ગમે તેટલી મહેનત કરે ગમે તેટલું મહાન કાર્ય કરે તેના કામ કે કહેનતનું લેખ જોખું ક્યા કરવામાં આવે જ છે? અને આમેય સ્ત્રીઓ મહાન થવાથી માઈલો દુર રહે છે કેમકે એમને જાણ છે કે જો મહિલાઓ મહત્વકાક્ષી બનીને પોતાનું નામ મહાન વ્યક્તિઓની યાદીમાં સમાવવા બેસી જશે તો દુનિયાભરની શાહી અને કાગળ ઓછા પડી જશે એમના નામની યાદી તૈયાર કરવામાં. મારા માટે તો એ યાદીમાં દુનિયાની દરેક મહિલાનું નામ લખવું પડે કેમકે દરેક સ્ત્રી બાળકને નવ મહિના પોતાના પેટમાં રાખવાનું અને અનેક તકલીફો વેઠી તેને જન્મ આપવાનું મહાન કાર્ય કરે છે, ત્યારબાદ તેના ઉછેર માટે અનેક મુશ્કેલીઓ ઉઠાવે છે કદાચ જે પુરુષોના નામ મહાન વ્યક્તીઓની યાદીમાં સમાવવામાં આવ્યા છે એમણે મેળવેલ ઉપલબ્ધિઓ કરતા આ એક ઉપલબ્ધીથી જ સ્ત્રીઓનું પલ્લું ભારે થઇ જાય તેમ છે!

મેં આલોકને ફોન લગાવ્યો.

“હલો, આલોક ક્યા છે તું?”

“ઈન્ફોસીસ ઓફિસમાં, કેમ?”

“મમ્મીનો ફોન આવ્યો હતો, તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવવાનું કહ્યું છે?”

“કેમ શું થયું છે?” આલોકના અવાજમાં ચિંતાના ભાવ હતા.

“એ હું બધું તને રસ્તામાં કહીશ. હું ત્યાં આવું છું. આપણે સાથે સાથે હોસ્પિટલ જઈશું.” કહી મેં ફોન ડીસકનેકટ કર્યો.

હું ઓફિસમાંથી બહાર આવી, લીફ્ટમાં નીચે ગઈ. પાર્કિંગ લોટમાં ખાસ કારો ન હતી એટલે મારી કાર રીવર્સમાં બહાર લેવામાં મને ખાસ તકલીફ ન પડી. સર્વિસ લેન પાર કરી મેં હાઈવે પર કાર લીધી. વરસાદને લીધે મને આગળ જોવામાં મુશ્કેલી પડી રહી હતી. મોટાભાગની સ્ટ્રીટ લાઈટ પણ બંધ હતી અને અંધારું પણ એટલું હતું કે કારની હેડલાઈટ પણ ખાસ કામ ન’તી કરતી. એકવાર તો મનમાં થયું કે કાર રોડની બાજુ પર પાર્ક કરી ઉભી રહી જાઉં અને વરસાદ બંધ થવાની રાહ જોઉં પણ પછી થયું કે ઈન્ફોસીસ આગળ આલોક અને હોસ્પીટલમાં મમ્મી મારી રાહ જોઈ રહ્યા હતા.

*

લગભગ પંદરેક મિનીટ બાદ આલોક કાર ચલાવી રહ્યો હતો અને હું ડ્રાયવર સીટની બાજુમાં એની પાસે બેઠી હતી. રસ્તા પર વરસાદને લીધે પાણી ભરાયેલ હતું અને વરસાદને લીધે પૂરી સાઈટ બલર થયેલ હતી પણ આલોકને કાર ચલાવવાનો સારો એવો અનુભવ હતો એટલે એના માટે એ કામ ખાસ મુશ્કેલ ન હતું.

“શું થયું છે?” આલોકે પૂછ્યું.

“પપ્પાનો અક્ષમાત થયો છે?”

“તો એનાથી આપણને શું? તને યાદ નથી એમના લીધે આપણે કેટલું ભોગવ્યું છે?” આલોક તેનો ગુસ્સો બતાવી રહ્યો હતો પણ મને એની આંખમાં રહેલ ઝળઝળીયા કહી રહ્યા હતા કે તે જેટલો ગુસ્સામાં હતો તેટલો જ દુ:ખી પણ હતો.

“હા, મને યાદ છે પપ્પા મમ્મીને છોડીને ચાલ્યા ગયા હતા અને આપણને પણ. એમણે કોઈ બીજી સ્ત્રી સાથે લગન કરી લીધા હતા.”

“બસ, તને એટલુજ યાદ છે? એમના લીધે આપણું પળેપળે થયેલ અપમાન તને યાદ નથી, શાળામાં બાળકો આપણને ખીજવતા કે આમના પપ્પા કોઈ સ્ત્રી માટે આમને છોડીને જતા રહ્યા છે. મમ્મીને એકલા હાથે આપણને ઉછેરવામાં પડેલી તકલીફો તને યાદ નથી?”

“મને યાદ છે, કેમ ન હોય? કદાચ તને તો જુવાન થયા બાદ એ મહેણા ટોણા કોઈએ નહી સંભળાવ્યા હોય પણ મેં તો જીવનના દરેક દિવસે એ શબ્દો સાંભળ્યા છે. મને તો એ પણ યાદ છે જયારે નરોતમ દાસે મમ્મીને કહ્યું હતું કે હું મારી દીકરીનો હાથ તમારા દીકરાના હાથમાં ન આપી શકું કેમકે એનામાં પણ એના બાપ જેમ કાલે ઉઠી બીજી કોઈ છોકરી સાથે નાશી જવાના ગુણ હોય તો?”

“તો પછી એ માણસ માટે હોસ્પિટલ જવાની શી જરૂર છે?” આલોકના અવાજમાં રોષ હતો.

“કેમ કે હવે એ દુનિયામાં નથી રહ્યા. અને જે વ્યક્તિ આ દુનિયા છોડી ગયો હોય એ વ્યક્તિ ભલે આપણને પણ ક્યારેક છોડી ગયો હોય એ બાબતનો રોષ રાખવો યોગ્ય નથી.” મેં આલોકને સમજાવતા કહ્યું.

“શું થયું હતું?” આલોકનો અવાજ એકદમ નીચો બેસી ગયો.

“કાર અક્શ્માંતમાં પપ્પા અને તેમને જે સ્ત્રી સાથે ફરી લગન કર્યા હતા એ બંને મૃત્યુ પામ્યા છે.”

મારો જવાબ સાંભળ્યા બાદ આલોક કશુ જ બોલી શક્યો નહિ. તે ચુપચાપ કાર ચલાવતો રહ્યો. કદાચ એ વિચારોમાં ખોવાઈ ગયો હશે કે માનવની એક ભૂલ માનવને ક્યાંથી ક્યા પહોચાડીદે છે. મને હજુ પણ યાદ છે હું દસ અગિયાર વરસની હતી જયારે પપ્પા અમને છોડીને ગયા. મને એમના સાથે જીવેલ દિવસો પણ યાદ હતા. પપ્પા અમને કેટલું ચાહતા હતા એ પણ મને યાદ હતું. મારા માટે બેબી બાઝાર માંથી લાવેલ રમકડા, સાયકલ અને એવી કેટલીય ચીજો મને યાદ હતી પણ ન જાણે એકાએક શું થઇ ગયું કે તેમનો અમારા પ્રત્યેનો બધો પ્રેમ કયાંક ચાલ્યો ગયો, તેઓ અમારા કરતા કોઈ બહારના વ્યક્તિને વધુ ચાહવા લાગ્યા અને અમને દર દરની ઠોકરો ખાવા માટે છોડી દીધા.

સારું હતું કે મમ્મી બાર પાસ હતી, એ ભણેલ હતી એટલે નોકરી કરી અમારું પૂરું કરી શકી હતી પણ જો અમારી પાસે મમ્મીના શિક્ષણનો સહારો ન હોત તો? તો અમારી પાસે ભીખ માંગી ખાવા સિવાય કોઈ રસ્તો ન બચત!!!

કેટલું અજીબ છે જેને બધી રીતે મહાન ગણી શકાય તેવી સ્ત્રી જ બીજી સ્ત્રીના સંસારમાં આગ લગાવીદે છે. ચળકાટ તારો એજ પણ તું જ ખૂન ની તલવાર છો. કલાપીના એ શબ્દો મુજબ બાળકને જનમ આપી તેને જીવન આપી તેનો ઉછેર કરવા સક્ષમ સ્ત્રી ક્યારેક અન્ય સ્ત્રીના બાળકને રોડ પર રજળતા કરી દેવામાં પણ મહારથ ધરાવતી હોય છે!!! સ્ત્રી જેટલી ઉંચી છે એટલી જ નિમ્ન પણ થઇ જાય છે ક્યારેક એ કડવું સત્ય સ્વીકારવા કોઈ તૈયાર નથી પણ છે તો એ સત્ય.

*

લગભગ રાતના નવેક વાગ્યે કાર હોસ્પીટલના દરવાજે ઉભી રહી. અમે બંને ભાઈ બહેન અંદર ગયા. અમે કાઉન્ટર ઉપર પુછતાછ કરી વોર્ડ બેતાલીસમાં પહોચ્યા.

પપ્પા અને સ્ટેપ મધરના ડેડબોડી સ્ટ્રેચર પર સફેદ ચાદર ઓઢીને સુતા હતા. કોણ જાણે કેમ? જે પિતાને મેં વર્ષોથી જોયા ન હતા એમના માટે પણ મારી આંખો ચૂવા લાગી. કદાચ હું એક દીકરી હતી એ માટે? પણ ના એવું ન હતું આલોકની આંખો પણ એજ સ્થિતિમાં હતી. કદાચ આ માનવ હ્રદયની કમજોરી હોય છે તમે જેની સાથે લોહીના સંબંધો હોય તેની સાથે નફરત તો કરી શકો છો પણ તેને મરતા જોઈ શકતા નથી.

ફર્શ પર બેઠેલ મમ્મીને પાસે જઈ હું ગોઠવાઈ.

થોડીકવાર બાદ એક નર્સ દાખલ થઇ એની સાથે એક બારેક વર્ષની છોકરી હતી. એ છોકરીની આખો સુજી ગયેલ હતી. કદાચ એના ડુસકા હવે સમી ગયા હતા પણ એની આંખોએ મને કહી આપ્યું કે જે સ્ટ્રેચર પર સફેદ ચાદર નીચે ચિર નિંદ્રામાં સુતા હતા એ તેના મમ્મી પપ્પા હતા.

“તમે આ છોકરીને સાથે લઇ જવા માંગો છો કે એને લઇ જવા માટે અમે કોઈ સેવાભાવી સંસ્થાનો સંપર્ક કરીએ?” નર્સે અમારા તરફ જોઈ સવાલ કર્યો.

“કેમ?” મારા મો માંથી શબ્દો સારી પડ્યા.

“કેમકે હવે વિધિની કાળજી લે તેવું કોઈ આ દુનિયામાં રહ્યું નથી.” નર્સનો જવાબ સાંભળ્યા બાદ મને યાદ આવ્યું કે મમ્મીએ એક બે વાર કહ્યું હતું કે જે સ્ત્રી સાથે પપ્પાએ ફરીથી લગન કર્યા હતા એનું કોઈ ન હતું.

મેં આલોક તરફ જોયું, પણ એની આંખોમાં પણ એજ સવાલ હતો જે મારી આંખોમાં હતો. એની આંખો પણ જાણે પૂછી રહી હતી શું કરવું?

અમેં બંનેએ મમ્મી તરફ જોયું.

મમ્મી અમારી આંખોમાં રહેલ સવાલને કળી ગઈ હોય તેમ બોલી, “તમારા બંનેનો જે ભૂતકાળ છે એ એનું ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે. બસ તમારા પાસે મમ્મી હતી પણ એની પાસે એય નથી.”

મમ્મી એ હકાર કે નકાર બે માંથી એકેય જવાબ ન હતો આપ્યો પણ અમારી આંખ સામે એ છોકરીએ કઈ કઈ અને કેટલી તકલીફો સહન કરવી પડશે એ ધરી દીધું હતું.

હું મમ્મીનો જવાબ સમજી ગઈ. હું એ છોકરી પાસે ગઈ, એણીએ પિંક રંગનું સ્કર્ટ અને વાદળી રંગનું ટોપ પહેરેલ હતું. મને યાદ આવ્યું પપ્પાના આ ફેવરીટ રંગો હતા. તેઓ મારા અને આલોક માટે પણ ખાસ આજ રંગના કપડા લાવતા!

હું એની પાસે જઈ ઉભી રહી, મારો હાથ આપમેળે એના માથા પર મુકાઈ ગયો અને “અમે એને લઇ જઈશું એ અમારા ઘરની સભ્ય છે” એ શબ્દો મારા મો માંથી સરી પડ્યા.

એ છોકરી મને જોઈ રહી, કદાચ એ વિચારતી હશે કે એ અમારા ઘરની સભ્ય કઈ રીતે હોઈ શકે? એ ક્યા એટલું સમજતી કે જાણતી હોય કે કુદરત કેવા કેવા ખેલ ખેલે છે ક્યારે કોને હસતો ખેલતો પરિવાર આપી દે છે તો ક્યારે કોની પાસેથી બધું જ છીનવી લે છે.?

એ ન જાણતી હોય એમાં નવાઈ પણ શું હતી? એની ઉમરે હું પણ ક્યા જાણતી હતી? પણ હવે હું જાણતી હતી અને વિધિને વિધિની વક્રતાને સહારે છોડીને જવાની મારામાં હિમ્મત ન હતી, અમારામાંથી કોઈની હિમ્મત ન હતી. ફરી એક વાર મેં અને મારી મમ્મીએ સાબિત કરી દીધું કે સ્ત્રી મહાન છે.

 

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here