gujarati-varta-shikari

શિકારી

એનું જીવન. એના જીવનમાંથી કશુ જ શીખવા કે સમજવા મળે તેમ નથી સિવાય કે એક ચીજ – જો તમે તમારા અંદરના રાક્ષસ સામે લડી નથી શકતા તો એ તમને સહેલાઇથી નર્ક સુધી લઇ જઇ શકે છે. પછી ભલેને તમે ગમે તે હો એનાથી કોઈ જ ફરક પડતો નથી.

એ શિકારી હતો. કોઈ સામાન્ય શિકારી નહિ – એક અસામાન્ય શિકારી. કદાચ એ પોતાની જાતને સર્વશ્રેષ્ઠ શિકારી કહે તો કોઈ વાંધો ઉઠાવી શકે તેમ ન હતું. પોતાના કામમાં હંમેશાથી માહિર, ચાલાક અને બાજ જેવી નજર – ભવાન બેદી. શિકારીની જમાતમાં કોઈ નાના બાળકને પૂછો તો એ પણ કહી દે કે ભવાન બેદીની સરખામણીમાં મૂકી શકાય એવો શિકારી કોઈ ન હતો.

તમે શેતાનને શોધવા નીકળો છો અને એની તપાસ કરતા કરતા એક દિવસ તમે ખુદ જ શેતાન બની જાઓ છો. આ કહેવત સાચી છે  કદાચ ભવાન સાથે પણ એ જ થયું. એ એક ભૂલ કરી બેઠો. એક ડાર્ક મેમરી જેવી ભૂલ. શિકારીના જીવનમાં એક ભૂલ એટલે બધું ખતમ. શિકાર અને શિકારી શબ્દો વચ્ચે જાજુ અંતર છે જ ક્યાં? ભૂલ ન કરે એ શિકારી અને ભૂલ કરી નાખે એ શિકાર!!!

એ જંગલના રસ્તે ઘર તરફ જઇ રહ્યો હતો. હા, જંગલના રસ્તે. એના જેવા એક શિકારી માટે જંગલના રસ્તેથી ઘરે જવું કોઈ અસામાન્ય વાત ન હતી. જંગલમાં રહેવું, ચાલવું, હરવું, ફરવું એ બધું એના માટે સામાન્ય કહી શક્ય તેવી ચીજો હતી.

રાત્રીના નવેક વાગ્યા હતા એટલે અંધકાર ઘેરો છવાઈ ગયેલ હતો. અંધકાર આસપાસના દેરક ઝાડને પોતાનામાં સમાવી રહ્યો હોય તેમ એકાદ બે નજીકના ઝાડ દેખાઈ રહ્યા હતા પણ એનાથી આગળ કશુ જ દેખાઈ ન હતું રહ્યું. એણે એનો હોલ્ડ ઓન ઉતારી હાથમાં લીધો અને તેમાંથી એક ટોર્ચ નીકાળી. સ્ટીલમાંથી બનેલ એ ટોર્ચ ખાસ્સો એવો પ્રકાશ આપવા માટે સક્ષમ હતી. બાકી એ અંધકાર થોડાક સુધી ગયા બાદ તો એ ટોર્ચની રોશનીને પણ ગળી જતો હતો.

કદાચ એ દિવસે કાળી રોશનીનું સામ્રાજ્ય હતું. ભવાન પણ સંભાળી સંભાળીને ડગલા ભરી રહ્યો હતો. એના બે કારણ હતા એક તો એ કાળી રોશની શિકારીની જેમ ગમે તેને ભરખી જવા બેઠી હતી અને બીજું એ દિવસે અમાવસ્યા હતી.

એણે એક નજર કાંડા ઘડિયાળ તરફ કરી સવા નવ વાગ્યા હતા. એને ઉતાવળ કરવી જોઈએ. એણે એની જાતને કહ્યું. એ અમાવસની રાત હતી. મોડું થઇ જાય તો એ ટોર્ચ પણ એને અજવાળું આપી શકે તેમ ન હતી. એ જંગલના જીવનથી ટેવાયેલ હતો એટલે એને એ ખબર હતી કે અમાવસના દિવસે એ જંગલમાં કાળા સિવાય કોઈ અન્ય રંગ દેખવા મળતો નથી.

એકાએક એની ટોર્ચની લાઈટમાં એણે અન્ય કોઈ રંગ જોયો હોય એમ એને લાગ્યું. એણે ટોર્ચને આમ તેમ ખસાવી એમાંથી નીકળતા પ્રકાશ પુંજને એ સ્થળે રોક્યો જ્યાં એને કાળા સિવાય કોઈ રંગ દેખાયો હતો. એને લાલ રંગ દેખાયો. એ કોઈ સ્ત્રી હતી. ના, એ કોઈ યુવતી હતી. તેનું સુંદર અને પાતળું શરીર લાલ રંગની ચુંદડીમાં શોભી રહ્યું હતું.

“તું કોણ છે?” એણે એ યુવતી તરફ એકાદ બે ડગલા આગળ જઇ પૂછ્યું.

તે યુવતીએ કોઈ જવાબ ન આપ્યો. એના મોમાં જીભ ન હોય એમ તે ચુપચાપ ઉભી રહી.

એણે એના જીન્સની ગરડલમાં છુપાવેલ 9 એમ એમ બુલેટ છોડતી સ્વીડીશ બનાવટની પિસ્તોલ નીકાળી તે યુવતી તરફ તાકી.

“મને મારશો નહિ.” તેનો આવાજ એને સંભળાયો.

શિકારી એ યુવતી તરફ નિશાન તાકીને જ આગળ વધ્યો. લગભગ ટોર્ચનો બની શકે તેટલો વધુ પ્રકાશ એણે એ યુવતીના ચહેરા પર ફેક્યો. યુવતી કદાચ એ શિકારીથી કે પછી એ ગનથી ડરી રહી હતી. તે વધુ પડતા ડરને લીધે ધ્રુજી રહી હતી. તેનો ચહેરો એકદમ સુંદર હતો પણ જરાક ફિક્કો પડી ગયેલ હતો. તે એકદમ મોહક લાગતી હતી. એનું રૂપ ભલભલાને છળી જાય તેવું હતું. પણ એક ચીજ સમજાય ન તેવી હતી. તેનું આખું શરીર ભીંજાયેલ હતું. એના વાળ, એના કપડા અને એની ચુંદડી પણ. અશક્ય… એ અંધારી અને ઠડી રાતમાં કોઈ યુવતી ભીના કપડે એવા અંધારિયા જંગલમાં કેમ હોય? અને આમ પણ કદાચ એ કોઈ જંગલી કે આદિવાસી યુવતી હોત તો શિકારીને નવાઈ ન લાગત પણ એ કોઈ શહેરી યુવતી હતી. એના ચહેરાની સુંદરતા એક પળમાં છતું કરી દેતી હતી કે એ શહેરી યુવતી હતી.

“તારા વાળ કેમ ભીના છે? તારી ચુંદડી કેમ ભીંજાયેલ છે?” શિકારીએ કઠોર અને કર્કશ અવાજે પૂછ્યું.

“હા, એ લોકો મને મારી નાખશે મને બચાવી લો.” શિકારીના પ્રશ્નનો જવાબ આપવાને બદલે એ ન સમજાય તેવું બબડવા લાગી.

“કોણ તને મારી નાખશે?” ભવાન બેદીએ ગન એમ જ તાકી રાખીને ફરી એની એ જ કડકાઈથી પૂછ્યું. કદાચ શિકારી હોવાને લીધે એ કઠોરતા એનો જન્મજાત ગુણ હશે નહિતર એ કોમળ ફૂલ જેવી લાગતી યુવતી સાથે કોઈ એટલું કઠોર કઈ રીતે બની શકે?

“એ કોણ છે મને ખબર નથી.” યુવતીના હોઠની સાથે બોલતી વખતે એનું પૂરું શરીર ધ્રુજતું હતું. એ ભીંજાયેલા શરીરે ગજબની સુંદર લાગી રહી હતી. ફરીસ્તાને પણ ગુલામ બનાવી નાખે તેવું રૂપ!!!

“એ કોણ છે એ તને ખબર નહિ હોય પણ તું કોણ છો એ તો તને ખબર હશે જ ને?” શિકારીએ ફરી પ્રશ્ન કર્યો. શિકારી એને નખ શીખ સુધી નિહાળી રહ્યો હતો.

“વોટ..? હું કોણ છું?” એકપળ માટે એ જરાક ગભરાઈ ગઈ. કદાચ શિકારી આટલા સવાલ પૂછશે એમ એ યુવતીએ ધાર્યું નહિ હોય.

“હા, તું કોણ છો? મેં એ જ પૂછ્યું છે.” શિકારીએ  ફરી પોતાના કર્કશ અવાજે કહ્યું.

“હું સાયા..” એ અટકી ગઈ.

“સાયા કોણ?”

“સાયા… મલીક.. હું પાસેના શહેરમાં રહું છું.. મતલબ હું ત્યાં પીજીમાં રહી જોબ કરું છું. હું જંગલને રસ્તે ઘરે જઇ રહી હતી ત્યાં એકાએક ત્રણ સ્ત્રીઓ મને રસ્તામાં દેખાઈ. એક સ્ત્રીને ડીલીવરી હોય તેમ મને લાગ્યું. તેમના માટે મેં કાર રોકી અને તેમણે મને બંદી બનાવી લીધી.”

“વોટ?? તે જંગલના રસ્તે કોઈના માટે કાર રોકી?” શિકારીએ નવાઈ પામી કહ્યું.

“એ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય તેમ લાગી રહ્યું હતું. મને શું ખબર કે એ ચાલબાજ ઢોગ કરી રહી હતી અને મને કેદ કરવા માંગતી હતી. તેઓ મને કેદ કરી અહી જંગલ લઇ આવ્યા. અહીથી થોડેક દુર એક ઝુંપડી છે ત્યાં તે સ્ત્રીઓ મને લઇ ગઈ. ત્યાં લઇ જઇ મારા પર અબીલ ગુલાલ કંકુ વગેરે નાખી કઈક વિધિ કરી.. એ કોઈ પાગલ સ્ત્રીઓ હતી. તેમણે મને ઝુંપડીની બહાર રહેલ એક પાણીના કુંડમાં નવડાવી… મારા કપડા કાઢી લઇ મને ખુલ્લામાં નહાવા મજબુર કરી અને ત્યારબાદ મને આ અજીબ ગામઠી કપડા પહેરાવ્યા.” તેણીએ પોતાની ચોળીને હાથમાં લઈ કહ્યું.

કોઈ પણ શહેરી છોકરીને એ કપડા અજીબ લાગે તેમાં નવાઈ ન હતી.

“તને ખબર છે છોકરી આજે કયો દિવસ છે?” ભવાન શિકારીએ કહ્યું.

“હા, સંડે.. 12 જુન.” એ યુવતીએ જવાબ આપ્યો. એ શહેરી લહેકામાં બોલી રહી હતી.

“અને ગુજરાતી પંચાંગ મુજબ..”

“વોટ..? ગુજરાતી પંચાંગને અત્યારે કોણ ધ્યાનમાં લે છે.” યુવતીએ કહ્યું, એની વાત પણ સાચી હતી શહેરમાં ગુજરાતી પંચાંગને કોણ ધ્યાનમાં લે છે.

“આજે અમાવશ છે.. આજે ડાકણો શિકાર કરે છે. એ સ્ત્રીઓ ડાકણ હતી.. તેમણે પેતરો રચી તને ફસાવી.. એ લોકો દર અમાવશે કોઈકને કોઈક વ્યક્તિને પેતરો રચી ફસાવે છે. તેઓ તારા પર વિધિ કર્યા બાદ તને મારી નાખત અને તારું લોહી પી ને જવાન બનત..” શિકારીએ કહ્યું. શિકારી બોલવાનું પૂરું કરું એ પહેલા એ દોડીને એને ચોટી ગઈ. એના આલિંગનમાં એક અજબ ચીજ હતી.

“તું ડરીશ નહિ.. હું એ ડાકણનો શિકાર કરવા જ નીકળેલ છું.. છેલ્લા પંદર દિવસથી હું એમને શોધી રહ્યો છું બસ એ મને મળી જાય એટલી વાર છે.” શિકારીએ કહ્યું. શિકારી ડાકણ વિશે જ્ઞાન જરૂર ધરાવતો હતો પણ એ કોઈ ડાકણનો શિકાર કરનાર શિકારી ન હતો. માત્ર યુવતી પર પ્રભાવ જમાવવા એણે પોતાની જાતને ડાકણના શિકારી તરીકે રજુ કરી. એણે ડાકણ વિશે જે માહિતી એ યુવતીને આપી હતી એ તો જંગલમાં રહેતા દરેક વ્યક્તિને ખબર હતી. કદાચ એ યુવતી શહેરી હતી માટે એ હકીકતથી અજાણ હતી.

“મતલબ.. તમે મને સલામત રાખશો..” એ યુવતી હજુ શિકારીને વળગેલી જ હતી.

“હા.” શિકારીએ જવાબ આપ્યો અને એ સાથે જ શિકારીના મનમાં એક નવો જ શિકાર કરવાનો એક ગંદો વિચાર ઉદભવ્યો, “તું ખુલ્લામાં કપડા કાઢી નહાવા કેમ તૈયાર થઇ હતી?” શિકારીને પોતાના શિકાર સાથે રમવાની અને તેને ઝાળમાં ફસાવવાની આદત હતી. તેણે શબ્દો વડે એ યુવતીને પોતાની ઝાળમાં ફસાવવાનું શરુ કરી નાખ્યું હતું.

“મૃત્યુનો ડર… ગમે તેની પાસે ગમે તે કરાવી શકે છે..” યુવતીએ કહ્યું.

“મતલબ મોતથી બચવા તું ગમે તે કરી શકે છે?” શિકારીએ પૂછ્યું, “મારે માટે પણ તું ગમે તે કરીશ જો હું તને એમનાથી બચાવું તો?”

“હા.. જો તમે મને એમનાથી બચાવો તો એ જ કામ હું તમારા માટે પણ કરી શકું છું જે મેં મોતના ડરથી એમના કહેવાથી કર્યું હતું..” સાયાએ કહ્યું.

શિકારીના બિહામણા ચહેરા પર એક દુષ્ટ હાસ્ય ફરી વળ્યું. એના હોઠ એક ક્રુઅલ હાસ્યમાં મલક્યા અને એને પોતાને જ ખબર ન રહી કે એ ક્યારે એની અંદરના શેતાન સામે હારી ગયો હતો. જયારે શિકારી નાનો હતો ત્યારે એના પિતાજી હમેશા કહેતા માણસના નખ અને વાળ હજુ વધે છે જે માણસને યાદ અપાવે છે કે ક્યારેક એ પણ ઘાતકી પ્રાણી હતો જે બીજા પ્રાણીઓને મારીને ખાઈ જતો હતો અને હજુ સુધી પણ એ પ્રાણી જ રહ્યો છે કેમકે એ પોતાની પશુતાને હજુ સુધી પુરેપુરી માત કરી શક્યો નથી. પણ એ સમયે એ શિકારીને એ વાત યાદ ન આવી.

“હું તમારી સાથે તમારા ઘરમાં આજે રહી શકું? હું વહેલી સવારે ચાલી જઈશ.” સાયાએ ધ્રુજતા અવાજે કહ્યું.

“કેમ નહિ?” શિકારી માટે જે જોઈતું હતું એ શહેરી યુવતી સામે ચાલીને બોલી રહી હતી. કદાચ એ શહેરી યુવતી જંગલ અને એ જંગલના નિયમોથી અજાણ હતી.

શિકારી એને એના જંગલમાંના ઘર સુધી લઇ ગયો. જ્યાં એ ટેન્ટ લગાવીને રહેતો હતો. એ હમેશા જંગલ વિસ્તારમાં રહેતો પણ એ એનું જંગલ ન હતું.. એ માત્ર ત્યાં અમુક સમય માટે જ આવેલ હતો. એટલે ત્યાં એની ઝુંપડી ન હતી, ન ખાસ સામાન હતો, ન અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે  હતી. એ બધાને બદલે માત્ર બે ટેન્ટ બાંધેલ હતા.

“તું બાજુના ટેન્ટમાં જઇ મારા કપડા પહેરી લે. આ ભીના કપડામાં તું બીમાર થઇ જઈશ.” શિકારીએ તેની આંખોમાં દુષ્ટતાની ચમક સાથે કહ્યું.

તેણીએ માત્ર શિકારી તરફ જોયું અને સ્મિત કર્યું.  શિકારીને કોઈ જ જવાબ આપ્યા વિના એ ટેન્ટ તરફ જવા લાગી.

શિકારીએ પોતાનો કોટ ઉતર્યો અને તેના સુવાના જમીન પર પાથરેલ મેટ્રેસ પર ઓસીકાની જેમ વાળીને મુક્યો. એણે પોતાની સ્પેનીશ બનાવટની પિસ્તલ પણ એ કોટથી બનાવેલ કામચલાઉ તકિયા નીચે સરકાવી. એણે એક પળ માટે એનો ભૂતકાળ યાદ કર્યો. એણે એ ગન કેટલી વખત વાપરી હતી – એને પોતાને જ યાદ ન હતું. કદાચ એ 9 એમ.એમ.ની બુલેટમાં રહેલ ગન પાવડર સિવાય અન્ય કોઈ ચીજ એના માટે એટલી પરિચિત ન હતી કે એ તેના ભરોશે રહી શકે… એક શિકારીને બીજી કઈ ચીજ કામ પણ આવી શકે તેમ હતી.? પણ આજે તેને એ ગનની જરૂર ન હતી આજે તેને એક અલગ જ શિકાર કરવો હતો. એનું દુષ્ટ મન એક અલગ જ યોજના બનાવી રહ્યું હતું.

એ એના ટેન્ટમાંથી બહાર આવ્યો. સાયા બહાર ઉભી હતી. શિકારીના લાંબા કોટમાં તે બહાર ઉભી હતી. તેના કાળા ભીના વાળ ટેન્ટ બહાર સળગતી ફાનસના અજવાળામાં ચમકી રહ્યા હતા. એના માટે એ કોટ ટોપ અને શોર્ટ બંનેનું કામ કરી રહ્યો હતો. એના વાળ કોટના છેડા સુધી પહોચતા હતા. એના વાળ વધુ લાંબા હતા કે એ કોટ એને ટૂંકો પડી રહ્યો હતો. પણ શિકારીએ એ તરફ ખાસ ધ્યાન ન આપ્યું. એને એ ચીજથી કોઈ મતલબ ન હતો. એના મનમાં કોઈ અલગ જ યોજના આકાર લઇ રહી હતી.

“તો તમે એક શિકારી છો?” તેણીએ વાતની શરૂઆત કરી.

“હા, હું શિકારી છું.” ભવાન બેદીએ કહ્યું.

“કોનો શિકાર કરો છો?” સાયાએ ફરી પૂછ્યું.

“ખાસ કરીને જંગલી પ્રાણીઓનો.” શિકારીએ કહ્યું અને એની નજીક ગયો, “ક્યારેક ક્યારેક કોઈ શહેરી મળી જાય તો એનો પણ.” એ એનું ખંધુ હાસ્ય હસ્યો જેમાંથી શિયાળ કરતા પણ વધુ  લુચ્ચાઈ નીતરી રહી હતી.

“હું તમારા માટે જમવાનું બનાવું?” યુવતીએ વાતનો મુદ્દો બદલવા કહ્યું.

“ના, મને ભૂખ નથી.” શિકારીએ કહ્યું.

“પણ તમને થોડીક વારમાં લાગશે.” એ યુવતીએ કહ્યું.

“એવું તું કઈ રીતે કહી શકે કે મને ભૂખ લાગશે?” શિકારીએ નવાઈ પામી પૂછ્યું.

“કેમકે ઠંડીમાં તમે આખો દિવસ જંગલમાં રખડ્યા હશો મને આટલું થયા બાદ પણ ભૂખ લાગી છે તો તમને કેમ ન લાગે.”  સાયાએ કહ્યું.

“તને ભૂખ લાગી છે?” શિકારીએ તેની તરફ બનાવટી દયા દાખવતા પૂછ્યું.

“હા.” સાયાએ હકારમાં માથું ધુણાવ્યું.

“તો તું તારા માટે જમવાનું બનાવી શકે છે. મારી પાસે ટેન્ટમાં બધું જ રાશન છે.” શિકારીએ કહ્યું.

“ના, હું હજુ મોડે ખાઇશ…” તે યુવતીએ કહ્યું.

શિકારીએ એને વધુ ફોર્સ ન કર્યો. એને એ યુવતીને ખવડાવવામાં આમ પણ ખાસ રસ ન હતો. એને કદાચ એની ભૂખ સંતોષવામાં વધુ રસ હતો.

“જેવી તારી મરજી.” કહેતા એણે ટેન્ટ આગળ રહેલ ત્રિકોણ આકારે ગોઠવેલ લાકડાના ઢગને સળગાવ્યો. ભવાન અને સાયા બંને એ વુડ ફાયર પાસે બેસી હાથ શેકવા લાગ્યા. સાયાને વુડ ફાયર પાસે બહુ સંભાળીને બેસવું પડ્યું કેમકે એ કોટ એના માટે બહુ ટૂંકો હતો.

“આજે ગુજરાતી કેલેન્ડર મુજબ કઈ રાત છે?” સાયાએ એકાએક પૂછ્યું.

ભવાનને નવાઈ લાગી. એણે હમણા જ તો એ યુવતીને કહ્યું કતું કે આજે અમાવાશની રાત છે. કદાચ શહેરી લોકોને એ નામ ક્યાં યાદ રહે..?? એ લોકોએ અમાવશ શબ્દ સાંભળ્યો જ કેટલી વાર હોય છે? એણે વિચાર્યું.

“કેમ મેં તને હમણાં જ કહ્યું હતું કે આજે અમાવશ છે અને આટલામાં ભૂલી ગઈ?” શિકારીએ સાયા તરફ જોઈ કહ્યું.

“ના, નથી ભૂલી.” સાયાએ કહ્યું. એ જરાક ન સમજાય તેમ બોલી રહી હતી પણ એનો અવાજ વધુને વધુ કોમળ અને મીઠો બન્યે જતો હતો. એના અવાજમાં કોઈ માદકતા કે ઘેન હોય એમ લાગી રહ્યું હતું. શિકારીના ટેન્ટમાં રહેલ સ્કોચની આખી બોટલ કરતા પણ વધુ નશો તેના અવાજ અને આંખોમાં હતો. શિકારી એ યુવતીને જોઈ રહ્યો.

“તમારે એ વાત ન ભૂલવી જોઈએ કે આજે આમાંવશ છે કેમકે તમે એક શિકારી છો. હું તો એક સામાન્ય શહેરી છોકરી છું. મેં કેટલી વાર આ શબ્દ સંભાળેલ જ હોય?” સાયાના શબ્દો શિકારીના કાન સાથે અથડાયા એ સાથે જ એના પર ચડેલું એના રૂપનું ઘેન ઉતરી ગયું.

એ શિકારી શું વિચારી રહ્યો હતો એ જાણતી હતી. એ કોઈ શહેરી યુંવતી ન હતી. એ ડાકણ હતી… એ સાયા જ હતી જે લોકોને અમાવશની રાતે ઝાળમાં ફસાવતી હતી…. શિકારી ખુદ એના છટકામાં ફસાઈ ગયો હતો. એ પોતે જ શિકાર બની ચુક્યો હતો.

“ડાકણ છટકા ગોઠવે.. એ પણ ખાસ અમાવશની રાતે.. તે જ હમણાં આ શહેરી છોકરીને કહ્યું હતું ને શિકારી?” સાયાએ કહ્યું અને બીજી જ પળે તે એક આધેડ વયની સ્ત્રી બની ગઈ. પચાસેકની ઉંમરની. હવે તેના ચહેરા પર એ સુંદરતા એ રૂપ ન હતું. એને બદલે ત્યાં નિર્દયતા અને દુષ્ટતા હતા જે થોડાક સમય પહેલા શિકારીના ચહેરા પર એક માશુમ યુવતીને જંગલમાં એકલી જોઈ દેખાયા હતા.

સાયાના હોઠો પર એ જ ઘાતકી સ્મિત હતુ. એના હોઠ પણ શિકારીની જેમ એ જ ક્રુરતામાં મલક્યા. એ સાથે જ જાણે ત્યાં વહેતા ઠંડા પવનમાં એક અલગ જ ઠંડક ફેલાઈ ગઈ – એક શેતાની ઠંડક.

શિકારીએ ઉભા થવાનો પ્રયાસ કર્યો પણ વ્યર્થ હતું. એનો કોટ એ યુવતીના શરીર પર હતો અને એણે જ એ તેને આપ્યો હતો. એ એના કોટને એને પપેટ બનાવવા માટે વાપરી રહી હતી. શિકારી એ યુવતીની મરજી વિના ત્યાંથી ઉભો થઇ શકે તેમ ન હતો. એના આખા શરીરમાંથી ડરનું લખલખું પસાર થઇ ગયું. એણે  થુંક પણ મહામહેનતે ગળા નીચે ઉતાર્યું. એના શ્વાસ રૂંધાઇ રહ્યા હતા કેમકે હવામાં ચારે તરફ રોટન એગ્ઝ જેવી વાસ ફેલાઈ ગઈ હતી. સ્મેલ ઓફ રોટન એગ્ઝ એન્ડ ચીલ ઓફ એવીલ…!!

“તારો આ કોટ તારો જીવ બચાવી શકે એમ હતો જો તું વાસનામાં અંધ ન બનેલ હોત શિકારી.” સાયાએ કહ્યું.

“મતલબ.”

“આ તારા ટૂંકા કોટમાં મારા પગ એકદમ ખુલ્લા હતા અને એમને ઉલટા પડતા તું જોઈ શકતો હતો પણ તારી પાસે મારા શરીરને મોહક બનાવતા અંગો સિવાય બીજું કાઈ જોવાનો સમય જ ક્યાં હતો?” સાયાએ કહ્યું અને એ હસી.

એ સાચી પણ હતી. શિકારી એની સુંદરતામાં જ ડૂબેલ રહ્યો એના પગ તરફ કેમ એનું ધ્યાન ન ગયું. એણે એના પગ જોવા જોઈતા હતા. એ ઉલટા પડે એ શિકારી જાણતો હતો. એ ભૂલી કઈ રીતે શકે. શિકારીએ વિચાર્યું પણ હવે એ વિચારવાનો કોઈ અર્થ ન હતો.

“અમે લોકોને અંધ બનાવી શકીએ છીએ બસ શેતાન અમારી મદદ કરવો જોઈએ. અને તારા હ્રદયમાં રહેલ શેતાને મારી મદદ કરી.. અમે જેને પણ શિકાર બનાવીએ છીએ તેનામાં રહેલ શેતાન તેના અંદરનો જાનવર અમને હમેશા મદદ કરે છે.” સાયાએ કહ્યું અને તેના ખિસ્સામાંથી એક ડોલ બહાર કાઢી.

“એ કોણ છે?” શિકારીએ પૂછ્યું.

“એ તું છો શિકારી?” મેં તારા ટેન્ટમાં કપડા બદલતી વખતે તારા કોટમાંથી તારું પપેટ બનાવ્યું હતું.” સાયાએ કહ્યું.

શિકારીએ એના બંને પગને નકામા થઇ જતા અનુભવ્યા. એના પગ એના કહ્યામાં ન હતા. જાણે એના પગને લકવો મારી ગયો હોય કે પછી એની રીડની હડ્ડી તૂટી ગઈ હોય તેમ એને લાગ્યું. એણે પગમાં થતી પારાવાર વેદનાને સહન કરતા સાયા તરફ જોયું. તેના હાથમાં રહેલ પપેટના બંને પગ સાયાએ તોડી નાખ્યા હતા. શિકારીને ખબર હતી કે એક ડાકણ શું કરી શકે છે? અને છતાં એણે પોતાના સગા હાથે જ તે યુવતીને પપેટ બનાવવા માટે પોતાની ચીજો આપી દીધી હતી. ખરેખર બહારના શેતાન સાથે લડવા કરતા પણ અંદરના શેતાન સાથે લડવું બહુ મુશ્કેલ છે.

“તું હવે મારી સાથે શું કરીશ?” શિકારીએ સાયા તરફ જોઈ કહ્યું. એને બોલવામાં તકલીફ પડી રહી હતી.

“એ જ જે તું મારી સાથે કરવા માંગતો હતો… શિકારી.. મેં તને કહ્યું હતું કે મને ભૂખ લાગી છે અને હું મોડે ખાઇશ..” સાયાના શબ્દો શિકારીના કાન સાથે અથડાયા. એણે સાયાને એના હાથમાં રહેલ એના કોટમાંથી બનેલ પપેટની ગરદન મરડી નાખતા જોઈ અને શિકારીની આંખો બંધ થઇ ગઈ. ખરેખર એના પિતાજી સાચા હતા માણસના નખ અને વાળ વધે છે કેમકે માણસ હજુ જાનવર છે અને તે હજુ સુધી તેની પશુતાને છોડી શક્યો નથી કદાચ આ એક જ શીખ એ શિકારીના જીવનમાંથી મળી શકે તેમ છે.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here