gujarati-varta-sejal

સેજલ

મારા જીવનનો સૌથી ઉદાસ દિવસ આજે હતો અને છતાં હું આઈના સામે ઉભો રહી તૈયાર થઇ રહ્યો હતો. હું પોતાની જાતને તૈયાર કરી રહ્યો હતો કેમકે આજે સેજલની સગાઇ હતી.

સેજલ મારી બાળપણની મિત્ર… મારું સપનું… મારું અસતિત્વ… મારી લાગણીઓ… મારું જીવન… મારું હ્રદય…. મારી આત્મા… મારો પ્રેમ… કદાચ મારો ક્યારેય પૂરો ન થઇ શકે એવો પ્રેમ… હું મારા આંસુઓને રોકી શકું તેમ ન હતો.. સેજલની સગાઇ હતી. તેણીએ મને સગાઈમાં આવવા માટે એના હાથે જેના પર મારું નામ લખેલ હોય તેવું ઇન્વાઇટેશન કાર્ડ મુક્યું હતું. હું ત્યાં જવા ન હતો માંગતો.. હું મારા જીવન મારા અસ્તિત્વને મારાથી દુર થતું જોવા ન હતો માંગતો.. પણ હું મારી જાતને રોકી શકું તેમ પણ ન હતો.

હું મારી જાતને એની સગાઈમાં જતા કઈ રીતે રોકું??? મને યાદ છે એના પાંચમા જન્મદિવસથી લઈને એકવીસમાં જનમ દિવસ સુધીમાં એક પણ ફંક્શન એવું ન હતું ગયું કે એમાં હું ન હોઉં… મેં એને મારા હાથથી કાપીને કેક ન ખવડાવી હોય.. એવી કોઈ પાર્ટી ન હતી જે સેજલે મનાવી હોય ને એમાં  હું ન હોઉં.. તો હું એની સગાઈ એના જીવનના એટલે મોટા ફંકશનમાં ગેરહાજર કઈ રીતે રહી શકું? એને કેટલું દુ:ખ લાગે? એને શું મને પોતાને કેટલું દુ:ખ લાગે? હવે સેજલ આમ પણ મારા જીવનથી દુર જઈ રહી હતી અને હું એના જીવનથી દુર થઇ રહ્યો હતો…

 

મારી પાસે સેજલના જીવનમાં જવાના માત્ર બે જ ફંકશન બચ્યા હતા એક એની સગાઈ જે આજે હતી અને બીજું એના લગ્ન – પણ કદાચ એ દિવસ સુધી હું એના વિના શ્વાસ લેતો હોઈશ કે નહિ એ મને ખબર ન હતી.. કદાચ મારો જવાબ ‘ના’ હતો.

અમારી મુલાકાત બાળપણમાં થઇ હતી જયારે અમે પ્રાયમરીમાં હતા.. અમે સારા પાડોશી હતા.. અમે સાથે શાળાએ જતા અને સાથે શાળાએથી આવતા.. હાઈસ્કુલ સુધી અમે સારા મિત્રો રહ્યા હતા. સેજલ મારા માટે ગમે તેની સાથે ઝઘડવા પણ તૈયાર થઇ જતી.. શાળામાં કેટલીક વાર હું રડ્યો હોઈશ પણ મેં સેજલને ક્યારેય રડતા ન હતી જોઈ.. છેક કોલેજના પહેલા વરસ સુધી..

એ કોલેજનો સમય હતો જયારે હું સેજલને ચાહવા લાગ્યો હતો.. મારા માટે એ મિત્રતા ક્યારે આગળ વધીને ચાહતમાં પરિણમી ગઈ હતી એ માત્ર મને જ ખબર હતી. મારા સિવાય મેં ક્યારેય મારી લાગણીઓ કોઈની સામે છતી ન હતી કરી.

હું સેજલ સાથે દરેક ચીજ શેર કરતો.. મેં એ લાગણીઓ પણ સેજલ સાથે સેર કરી હોત જો એ દિવસે મેં એને ગાર્ડનમાં રડતી જોઈ ન હોત.

એ ગાર્ડનમાં બેઠેલ હતી. એ અમારા જ વિસ્તારનો ગાર્ડન હતો અને મને ખબર હતી કે દરેક સંડેની સાંજે સેજલ એ ગાર્ડનમાં આવતી. હું પણ જતો અમે વાતો કરતા.. બેસતા.. અને કુદરતે છુટ્ટા હાથે એ બાગમાં વેરેલી સુંદરતાને માણતા.. હું એ બાગ કરતા પણ વધુ સુંદરતા ભગવાને જ્યાં વેરી હતી એવા સેજલના ચહેરાને જોતો. હું એ બાગ કરતા આ બાગને જોવા માટે જ ત્યાં જતો કહું તો એ સાચું રહેશે.

એ દિવસે સેજલ ગાર્ડનમાં બેઠી હતી. મેં એને દુરથી જોઈ.. એ મારા તરફ જોઈ હસી નહી.. તે કેમ ન હસી? તેણીએ કેમ સ્માઈલ ન આપી? મારું હ્રદય એક ધબકારો ચુકી ગયું.

શું થયું હશે? એ જાણવા હું એની પાસે ગયો. એ રડી રહી હતી.. આંસુઓ એના ગાલ પરથી વહી એના દુપટ્ટાને ભીંજવી રહ્યા હતા.

“શું થયું?” મારા માટે સેજલને રડતી જોવી એ એક સરપ્રાઈઝ કરતા કમ ન હતું. મેં ક્યારેય એને રડતા જોઈ ન હતી, મેં શું કદાચ એના મમ્મી પપ્પાએ એ નાની હશે ત્યારે રડતા જોઈ હશે બાકી કોઈએ એને રડતા જોઈ હશે એમ મને નથી લાગતું.

“શું થયું?” મેં ફરી પૂછ્યું. તે એકદમ ખોવાયેલ હોય તેમ લાગતી હતી.

“તું કશું બોલતી કેમ નથી સેજલ?” મેં પૂછ્યું.

“કાઈ નહિ.”

“કાઈ નહિ? તું રડે છે અને એ પણ કોઈ કારણ વિના? એ શક્ય જ નથી.” મેં કહ્યું.

“તું જાણીને શું કરીશ?”

“કેમ એ કારણને ફરી તારી નજીક નહિ આવવા દઉં.” મેં કહ્યું. મને ક્યાં ખબર હતી કે હું એને કઈક એવું વચન આપી રહ્યો હતો જે મને મારી સેજાલથી બહુ દુર લઈને જશે.

“મારા બેસ્ટ ફ્રેન્ડે મને પ્રપોઝ કર્યો… યુ નો મેહુલ.. હું એને કેટલો સારો મિત્ર સમજતી હતી અને એણે મને પ્રપોઝ કર્યો.. એને મિત્રતાનો મિસયુઝ કર્યો.” સેજલે કહ્યું.

એ દિવસ હમેશા માટે મારું મો બંધ કરી ગયો.. એક કોલેજમાં સાથે ભણતા મિત્રે એને પ્રપોઝ કર્યો એ બદલ એને એટલું દુ:ખ થયું હતું તો જો એ મને માત્ર મિત્ર જ સમજતી હોય અને હું એને પ્રપોઝ કરું તો???

ના, ના, એનું હ્રદય તૂટી જાય. એ ફરી એ જ બાગમાં જઇ રડવા લાગે જ્યાં પથ્થરની બેંચ  પર બેસી મેં એને વચન આપ્યું હતું કે હું ફરી એ કારણને તારી નજીક નહિ આવવા દઉં. એને ચુપ કરાવવાવાળું પણ કોઈ નહિ હોય? કેમકે એના બેસ્ટ ફ્રેન્ડે જ એને ચોટ પહોચાડી હશે.

મેં મારા આંસુ લૂછ્યા અને ફરી ચહેરો ધોયો.. સફેદ શર્ટ પર બ્લેક બ્લેઝર પહેર્યું અને મોટર સાયકલની ચાવી ટેબલ પરથી ઉઠાવી.

હું ઘર બહાર નીકળ્યો. બાઈક પર બેસી બાઈક સ્ટાર્ટ કર્યું અને હોટલ અનંતરા પહોચ્યો.. સગીનું ફંક્શન એ હોટલમાં રાખેલ હતું. મેં હોટલના પાર્કિંગ લોટમાં બાઈક પાર્ક કર્યું અને કોઈ યંત્રની માફક પાર્ટી હોલમાં દાખલ થયો.

હા, હું યંત્રની જેમ દાખલ થયો કેમકે મારી આત્મા મારું અસતિત્વ સેજલ હવે મારી સાથે ન હતી.. એ મારાથી દુર જઇ રહી હતી. સેજલ મારા હ્રદય માટે કેટલી ખાસ હતી તેણીએ એક વાર કહ્યું હતું કે તેને ફ્રેન્ડશીપનો મિસયુઝ કરનારા લોકો પસંદ નથી.. બસ એટલે જ હું ક્યારેય એને ન કહી શક્યો કે હું એને ચાહું છું.. એ શબ્દો.. બાગમાં આપાયેલ એ વચન મને હમેશા રોકતા રહ્યા અને અંતે એ દિવસ આવી ગયો જ્યારી હું સેજલને મારા જીવનમાંથી જતી રોકવામાં નિષ્ફળ રહ્યો.

હું મારા એક સપનાને કુરબાન કરવા હસતા ચહેરે સગાઈના ફંકશનમાં દાખલ થયો.

પાર્ટીમાં સૌથી બેવકૂફ વ્યક્તિ સોંગ સિલેક્ટ કરવાવાળો હોય છે એમ મને લાગ્યું કેમકે એ ક્યારેય કોઈ ખુશીની પાર્ટીમાં દુ:ખના ગીત વગાડ્યા વિના રહેતો જ નથી. અને એના જેવા જ બેવકૂફ લોકો એ ગીત પર ઉછળી ઉછળીને નાચતા હોય છે. ત્યાં પણ પાર્ટીમાં એ જ વાતાવરણ હતું. હું જયારે ફંકશનમાં દાખલ થયો એ જ સમયે ડિસ્ક જોકીએ ડિસ્કને હાથ વડે ફેરવી અને કોઈ ગીતના શબ્દો દરેક ખૂણે લાગેલા સ્પીકરને ચીરતા બહાર આવ્યા, “મેરા જો સનમ હે બડા બે રહેમ હે દેકે મુજે વો દર્દ મુશકરાયેગા.. દિલ કો એસે દિલબરપે નાજ હોતા હે.. હો.. હો.. હો… કિસીસે તુમ પ્યાર કરો તો ફિર ઇજહાર કરો.. કહીં ના ફિર દેર હો જાયે.. કહીં ના ફિર દેર હો જાએ..”

એ શબ્દો સ્પીકરને ચીરીને પણ સંતોષ પામ્યા ન હોય એમ મારા હ્રદય સોસરવા કોઈ તીરની માફક નીકળી ગયા. એક પળ માટે મને થયું કે પાછો વળી જાઉં પણ ત્યાં જ મારી નજર સેજલ પર ગઈ… એ કેટલી ખુશ હતી??? એના હોઠ એક ગજબ સ્મિતમાં મલકી રહ્યા હતા.. કદાચ એ ગીતના શબ્દો સાચા જ હતા. મેરા જો સનમ હે બડા બેરહેમ હે દેકે મુજે વો દર્દ મુશકરાયેગા.

“હેય! મેહુલ. તું આવી ગયો.. યુ નો તું આવ્યો નહિ ત્યાં સુધી મને મારી પાર્ટી અધુરી લાગી રહી હતી.” સેજલે આગળ આવી કહ્યું.

“હા..”મેં ફિક્કા અવાજે કહ્યું.

“આજે મારી સગાઇ છે અને તું ઓફ છે મેહુલ.” સેજલે કહ્યું, “શું વાત છે?”

એક પળમાં જાણે હું કોઈ ફિલ્મ અભિનેતા હોઉં એમ મેં મારા ચહેરા પર સ્મિતને એ રીતે સજાવી દીધું કે મારા હ્રદયમાં રેહેલ ઉદાસી સેજલ જોઈ ન શકે.. કદાચ સાચું જ કહ્યું છે કે ઈશ્ક ગજબની ચીજ છે કોઈને કવિ કોઈને કલાકાર તો કોઈને કંગાળ કરી નાખે છે અને અફસોસ કે એ મને ત્રણેય કરી ગઈ હતી.

“વેર ઈઝ યોર ફિયાન્સ?” મેં બનાવટી સ્મિત જાળવી રાખતા પૂછ્યું.

“હી ઈઝ ઓલરેડી હિયર.” સેજલે કહ્યું.

“ક્યાં છે મને એની સાથે પરિચય નહિ કરાવે?” મેં કહ્યું, હું પણ એ નશીબદાર વ્યક્તિને જોવા માંગતો હતો જેના કપાળ પર મારા કરતા વધુ સારી રેખાઓ હતી અને જેની હથેળીની રેખાઓ તેના માટે સેજલનો પ્રેમ એને આપી શકી હતી.

“હા, કેમ નહિ?” કહેતા સેજલે મારો હાથ પકડ્યો અને મને સ્ટેજના ડાબી તરફના ટેબલ તરફ લઇ જવા લાગી. ત્યાં ત્રણ ચાર યુવાનો સાથે એક સૂટમાં સજ્જ વ્યક્તિ વાતચીત કરી રહ્યો હતો. હું સમજી ગયો એ જ સેજલનો ફિયાન્સ હશે.

મને એક પળ માટે એની ઈર્ષા થઇ આવી પણ પછી થયું કદાચ એ સેજલ માટે મારા કરતા વધુ યોગ્ય હશે તેથી કુદરતે મારા હ્રદયમાં રહેલ સેજલના અપાર પ્રેમને જાણતી હોવા છતાં સેજલનો સાથ એના હાથમાં સોપ્યો હતો.

હું એ નશીબદાર વ્યક્તિના વિચારોમાં ડૂબેલ હતો ત્યાં સુધીમાં મને સેજલ એ વ્યક્તિ કરતા આગળ ખેચી ગઈ હતી.. મને થયું એ વ્યક્તિ ન હતો? તો કોણ? મેં આસપાસ નજર દોડાવી. બધા સુટ બુટ અને બ્લેઝરમાં સજ્જ થઈને આવ્યા હતા એટલે સેજલ મારો પરિચય એના ફીયાન્સથી ન કરાવે ત્યાં સુધી કોઈ અંદાજ લગાવી શકાય તેમ ન હતું.

સેજલે એકાએક પોતાનું પર્સ ખોલ્યું. એમાં રહેલ મારી ડાયરી જોઈ હું સ્તબ્ધ બની ત્યાં જ ઉભો રહી ગયો. સેજલે પોતાના હાથમાં રહેલ રેડ પર્સમાંથી મારી ડાયરી બહાર નીકળી અને તેનું એક પેજ ખોલ્યું, “સેજલ હું તને ચાહું છું પણ હું તને ક્યારેય કહી નહિ શકું કેમકે મેં તને એ બાગમાં એ પથ્થરની બેંચ નીચે વચન આપ્યું હતું કે ફરી તારી આંખમાં આંસુ આવે એવું કોઈ કારણ તારી નજીક નહિ આવવા દઉં.. હું તને ક્યારેય પ્રપોઝ નહિ કરું.. હું ક્યારેય મિત્રતાનો મિસયુઝ નહિ કરું.”

હું કશું બોલી ન શક્યો. કેવી રીતે એના હાથમાં એ ડાયરી આવી. એ તો મેં મારા ટેબલના ડ્રોવરમાં છુપાવેલ હતી.

“મારી પાસે આ ડાયરી ક્યાંથી આવી એમ જ વિચારે છે ને?” સેજલે કહ્યું, “હું મારી બુક લેવા તારા ઘરે આવી હતી પણ તું હાજર ન હતો અને આન્ટીએ મને કહ્યું કે એના રૂમમાંથી લઈલે ત્યારે મને તારા ડ્રોવરમાંથી આ ડાયરી મળી.. આપણે મિત્રો હતા તો તે મને..”

“સેજલ હું તને ક્યારેય એ કહેવાનો ન હતો.. મને ખબર છે કોઈ મિત્રતાનો મિસયુઝ કરે એ તને પસંદ નથી.. બસ મેં મારા દિલની લાગણીઓ એ કાગળોમાં ઉતારી હતી. હું એ તને કહી ક્યારેય તારું દિલ તોડવા ઈચ્છતો ન હતો.” સેજલને વધુ ગેરસમજ થાય એ પહેલા મેં કહ્યું.

“કેમ? તું રાજા રામચંદ્ર છે.. પ્રાણ જાય પણ વચન ન જાય એ તારો નિયમ છે.. તું તો વચન માટે પ્રાણ નહિ પણ પ્રેમને જતો કરવા તૈયાર હતો… એ પણ અજાણે અપાયેલ એક વચન માટે..” સેજલે કહ્યું.

શું બોલવું મને કાઈ સમજાઈ ન હતું રહ્યું.

“તે મને કહ્યું કેમ ન કે તું મને ચાહે છે??” સેજલે આંસુ ભરી આંખે કહ્યું.

“કેમકે તે કહ્યું હતું કે કોઈ મિત્રતાનો મિસ યુઝ કરે એ તને પસંદ નથી.” મેં પણ એ જ આંસુઓ સાથે કહ્યું.

“હા, મને શું પસંદ નથી એ સમજી ગયો અને મને શું પસંદ છે એ ન સમજી શક્યો?” સેજલે કહ્યું.

“તને શું પસંદ છે?” મેં એની તરફ જઇ કહ્યું.

“મને તું પસંદ છે.. મને મારો બેસ્ટ ફ્રેન્ડ પસંદ છે.”  સેજલ મને ભેટી પડી અને મારા જીવનનો એ સૌથી ઉદાસ દિવસ સૌથી ખુશીના દિવસમાં ફેરવાઈ ગયો. હજુ ડિસ્ક જોકી એજ સોંગ વગાડી રહ્યો હતો પણ હવે એ મને બેવકૂફ ન હતો લાગી રહ્યો! ન એ ગીત પર ઉછળી ઉછળીને નાચનારા લોકો મને બેવકૂફ લાગી રહ્યા હતા! બસ મને હું પોતે જ બેવકૂફ લાગી રહ્યો હતો કેમકે મારી બેસ્ટ ફ્રેન્ડના હ્રદયમાં શું છે એને શું પસંદ છે એ હું સમજી શક્યો ન હતો.

વિકી ત્રિવેદી ‘ધ અર્બન રાઈટર’

Comment here