gujarati-varta-sambhav-asambhav

સંભવ-અસંભવ

વાદળ રહિત આકાશમાં એનો મૂળ આસમાની રંગ સ્પષ્ટ નીરખી શકાય એવો હતો. ધીમે ધીમે ક્ષિતિજ તરફ આસમાની રંગ ઉપર આછા પીળા અને લાલ રંગની પીંછી ફરતી હોય એમ તાજા કોમળ કિરણો પાછળ સૂર્ય બપોર સુધી આકાશના મધ્ય ભાગે પહોંચી જવા ઉતાવળા બાળક જેમ પ્રયાણ કરતો હતો. ચી ચી, કી કી ના અલગ અવાજો પાછળ સરતું પક્ષીઓનું એક ટોળું જાણે હજુ સુધી ઊંઘેલા માણસોને જગાડીને જવા માટે અવાજ કરી રહ્યું હતું! પણ હું તો ક્યારનોય જાગીને નહાઈ ધોઈને મારા નાનકડા ઘરના ટચુકડા દસ બાય દસના બગીચામાં મારા પિતાજીની વારસાગત લાકડાની ખુરશીમાં બેઠો ચાની ચૂસકી સાથે સવારના છાપામાંથી કામના એકાદ બે અક્ષરો શોધવા મથી રહ્યો હતો! હા કામના એકાદ બે અક્ષરો મળી જાય તો ય આજકાલના છાપાના પાંચ રૂપિયા વસુલ થઈ જાય એવા જ ખોટા અને નિર્થક સમાચાર અને લેખ આવતા હોય છે. સાચું કહું તો હું ગઈ રાત્રે ઊંઘ્યો જ નહોતો! મારા જીવનમાં એક એવી ઘટના ઘટી હતી કે ઊંઘવું મારા માટે શક્ય નહોતું!

મેં ઘણી મથામણ કરી કઈક સમજવા જેવુ શોધવાનું પણ મારુ મન છાપાની ઘડી કરવાનો નિર્ણય કરે એ પહેલાં મારા હાથ ઉતાવળા બની મારા નાક પરથી ચશ્મા ઉતારી બેઠા!

આખરે મેં એ સુંદર સવાર, સૂર્યની વધામણી, પક્ષીઓનો કલરવ, ખીલતા ફૂલોનો આનંદ લેવાનું વિચાર્યું ! મને પ્રકૃતિ સાથે  લગાવ હતો, એ લગાવનું કારણ કદાચ અંજલી હતી!

શાળામાં અમે રીસેસ સમયે ફરતા. ત્યારે અમારી શાળામાં મહેંદીની વાડ હતી, મેદાનની એક તરફ નાનકડો પણ સુંદર બગીચો હતો. હું ઘણીવાર કોઈ ફૂલ તોડતો કે પછી મહેંદીનું એક પાન સુદ્ધાં તોડી લેતો તો અંજલી ખિજાઈ જતી!

“આકાશ તને આ ફૂલ તોડીને શુ મળે?” એ કહેતી.

હું એને જવાબ આપી શક્યો હોત કેમ કે હું એક સારો વક્તા બાળપણથી જ હતો પણ કોણ જાણે કેમ મેં તોડેલા એ ફુલને અપાર વેદના થઈ હોય અને એના આંસુ સીધા જ અંજલીની આંખમાં આવ્યા હોય! હું એને જવાબ આપું એ પહેલાં જ મારાથી બોલાઈ જતું, “સોરી અંજુ!”

કોણ જાણે કેમ મારા એક સોરીથી એના ગોળ મટોળ, એક ગાલમાં ખંજન પડતા, મોટી આંખોને સમાવતા, એના વાળની છૂટી પડેલી લટને પોતાની ઉપર ઝૂલવાની સ્વતંત્રતા આપતા એ ચહેરા ઉપર હાસ્ય ફરી વળતું!

આ બગીચો પણ આ નાનકડા ઘરમાં બનાવવા માટેની પ્રેરણા અંજલી જ હતી! અંજલી મારી નાનકડી દીકરી. આજે તો એ બાર વર્ષની થઈ ગઈ છે. હા મારા જીવનમાં બે અંજલી છે, એક મારા બાળપણની મિત્ર અને એક મારી દીકરી અંજલિ! પણ હું એ નક્કી નથી કરી શકતો કે બંને અંજલી એક જ છે કે અલગ અલગ!!

આ ઘર લીધું ત્યારે અંજલી છ વર્ષની હતી. ઘરમાં આ ખુલ્લી જમીન જોતા જ એ બોલી ઉઠી હતી, “પપ્પા, અહીં ફૂલો ઉગાડો….” ત્યારે એ વધારે સમજતી નહિ પણ છતાં એના કહેવા મુજબ મેં મારી જિદ્દી ધર્મ પત્ની રેખાની મરજી વિરુદ્ધ આંદોલન કરીને ગાડી પાર્ક કરવાની જગ્યાની કુરબાની આપીને આ નાનકડો બગીચો બનાવ્યો!

જોકે આંદોલનમાં સ્ત્રી શક્તિ સામે હું જીતવા અસમર્થ રહ્યો હોત પણ અંજલીની ભૂખ હડતાળને લીધે મારા ઘરની ગવર્નમેન્ટને અમારા મુદ્દાઓ સ્વીકારી લેવા પડ્યા!

હું જ્યારે પણ આ બગીચામાં બેસું છું, સવારે છાપું વાંચતા વાંચતા મારી નજર ઊંચી થતા છોડને પાણી પાતી અંજલી ઉપર પડે છે ત્યારે એની જ ઉંમરની એ અંજલી મને દેખાય છે જે મારા બાળપણની એકમાત્ર મિત્ર હતી.

અંજલી અમારા પડોશી ધીરજલાલ શાહની દીકરી હતી. એ લોકો જ્યારે રહેવા આવ્યા ત્યારે એમના ઘરમાં આગળ ખુલ્લી જમીન હતી. એ ખુલ્લી જમીનમાં અંજલીએ એક સુંદર બગીચો બનાવ્યો હતો! એમાં જાત જાતના ફૂલ છોડ લાવીને ધીરજલાલે એને સહકાર આપ્યો હતો!

હું જ્યારે સવારે જાગીને જોતો ત્યારે અંજલી મને એ ફૂલ છોડને પાણી પાતી, આછા આછા સ્વરે હિન્દી ગીતો ગાતી સંભળાતી, દેખાતી!

એવું દિવસો સુધી ચાલ્યું અને અંતે એક બીજા સાથે પરિચય થઈ એક નિર્દોષ મૈત્રી બંધાઈ! એ પછી તો હું પણ સવારે વહેલો જાગી અંજલીને મદદે પહોંચી જતો.

અંજલીને લાલ ફૂલ વધારે ગમતા. દેશી અને કશ્મીરી ગુલાબ બંને અંજલીના ફેવરિટ. અંજલીના કપડામાં પણ ક્યાંક ને ક્યાંક લાલ રંગ તો હોય જ હોય! અરે એટલું જ નહીં, અંજલી માટે ધીરજલાલે ઘરમાં સોફાના કવર પણ લાલ રંગના જ બનવડાવ્યા હતા! એકની એક દીકરી હતી કદાચ એટલે જ!

એ પછી તો મારે અને અંજલીને શાળાએ પણ સાથે જ જવાનું,  રમવાનું પણ સાથે જ! ભણવાનું હોય કે લેશન કરવાનું હોય અંજલી અને હું એના ઘરના બગીચામાં સાથે જ જોવા મળીએ!

આજેય મને એ બધું જ યાદ છે. અને જ્યારે જ્યારે હું મારી અંજલીને જોઉં છું મને એ અંજલી સાંભરે છે. એનું કારણ મનેય નથી સમજાતું પણ અંજલી એવા શબ્દો બોલે છે કે જાણે મારી અંજલી એ જ બાળપણની અંજલી હોય!

અમે અહીં રહેવા આવ્યા ત્યારે અંજલીએ પણ એવી જ રીતે આ બગીચો બનાવ્યો હતો જેવી રીતે ધીરજલાલના ઘરમાં એ અંજલીએ બગીચો બનાવ્યો હતો. અંજલી લેશન કરે તો પણ આ બગીચામાં જ કરે છે. સવારે હું જાગુ ત્યારે અંજલી અહીં ફૂલ છોડને પાણી પાતી નજરે ચડે છે!

અંજલી જન્મી ત્યારે મેં એનું નામ માત્ર એ અંજલીના નામ પરથી જ રાખ્યું હતું. ધીરજલાલની અંજલી મારા બાળપણની એવી ખાસ મિત્ર હતી કે એના ગયા પછી ધીરજલાલ અને જમના બેન કરતા હું વધારે એકલો પડી ગયો હતો! હું સવાર સાંજ એના જીવથી પણ વ્હાલા એ બગીચામાં બેસી રહેતો. એ પછી તો ધીરજલાલે એ ઘર છોડી દીધું. એકની એક દીકરી જે ઘરમાં હરતી ફરતી હોય ત્યાં પછી એકલા રહેવું પણ કઈ રીતે? જમના બેન આખો દિવસ અંજલીના એ બગીચા તરફ નજર કરીને બેસી રહેતા, બસ એક જ વાત એ યાદ કર્યા કરતા હતા. અંજલીને સખત તાવ આવ્યો અને એ તાવ એનો જીવ લઈને ગયો. ડોકટરો પાસે ઘણી દવા કરાવી હતી, એક વાર અંજલી થોડી હરતી ફરતી પણ થઈ હતી, એ દિવસે તો ધીરજલાલ એને બજાર લઈ ગયા અને એના ગમતા બધા રમકડાં લઇ આવ્યા હતા. અંજલીએ એ બધા રમકડાં બગીચામાં ફુલના કુંડાઓ પાસે ગોઠવ્યા હતા. ગુલાબના છોડ પાસે બે ઢીંગલીઓ, જાસૂદના છોડ પાસે એક મોર, રાતરાણીની ડાળી ઉપર તો ચકલીનું ઘર….!! કોઈ પ્રોફેશનલ ગાર્ડનર ન ગોઠવી શકે એવી રીતે અંજલીએ ગજબ સલુકાઈથી ગોઠવણી કરી હતી કે બગીચામાં ચાર ચાંદ લાગી ગયા હતા.

એ બધું જોઈને ધીરજલાલ, જમના બેન અને હું તો ખુશ થયા હતા પણ અંજલીનું નસીબ ટૂંકું હતું. ફરી એક વાર એ તાવે ઉથલો માર્યો અને અંજલી બીજા દિવસે સવારે જાગી જ નહીં!

ધીરજલાલ એ ઘર છોડીને ચાલ્યા ગયા એ પછી મેં એ બગીચાની ઘણી સાર સંભાળ લીધી હતી પણ અંજલી જેવી સિફતથી હું એને જાળવી ન શક્યો! એના હાથમાં એક ગજબની આવડત હતી. કમનસીબે એ પછી તો મારા પિતાજીને પણ બદલી થઈ અને અમારે બારડોલીથી રાજકોટ આવવું પડ્યું.

એ પછી મારુ ભણવાનું પૂરું થયું અને હું એક શિક્ષક બન્યો. શિક્ષક બન્યા પછી મારા લગ્ન થયા અને એ પછી બા બાપુ ગુજરી ગયા. એના પછી મારા ઘરે એક દીકરી જન્મી અને એનું નામ મેં અંજલી રાખ્યું! નામ રાખ્યું ત્યારે મને ખબર નહોતી કે અંજલીમાં અંજલીના ગુણ હશે!

જ્યારે મેં આ ઘર લીધું ત્યારે અંજલીએ બગીચો બનાવ્યો એ જોઈ મને નવાઈ થઈ હતી. એ પછી એક એક પછી અંજલી મને ભૂતકાળમાં ડોકિયું કરાવી જતી! અંજલી જ્યારે પણ કપડાં ખરીદે એમાં ક્યાંક લાલ રંગ હોય છે! કશ્મીરી ગુલાબ અંજલીને પણ ખૂબ ગમે છે.

આ બધી સામ્યતાઓ મને પચ્ચીસ વર્ષનો સમયગાળો કુદાવી ભૂતકાળમાં લઈ જાય છે. આ દરેક બાબતે મને થયા કરે છે કે ક્યાંક અંજલી જ તો અંજલી નથી ને!

મારા મનમાં આ સવાલ સતત આવ્યા કરે છે, મેં ક્યાંક પ્રખ્યાત લેખક હરકિશન મહેતાની નવલકથા સંભવ અસંભવના પાનાઓ ઉપર આવી જ પુનર્જન્મની વાત જોઈ હતી! તો શું આ અંજલી…..?????

આ સવાલ મને જ નહીં પણ મારી પત્નીને પણ થતો હતો. મેં લગ્ન વખતે એને અંજલીની વાતો કહી હતી. અને એટલે જ એ આ ઘરમાં બગીચો બનાવવા દેવા નહોતી માંગતી કેમ કે એને કદાચ મારા કરતાં પહેલાં આ બધો અણસાર આવવા પામ્યો હશે.

આ બધા સવાલ દ્વિધામાં હું ગઈ કાલ સુધી હતો પણ ગઈ કાલે  જે થયું એ જોયા પછી તો હવે મને કોઈ દલીલ મળતી જ નથી.

ગઈ કાલે સાંજે અમે ત્રણેય બહાર ગયેલા. રેખાએ એક સાડી લીધી, મેં પણ કપડાં લીધા પણ અંજલીને એમાં રસ જ ન હોય એમ એ સામેની ગિફ્ટ એન્ડ આર્ટિકલ્સની દુકાનના શો પીસમાં લગાવેલા રમકડાં જોઇ રહી હતી. મારુ ધ્યાન એના પર ગયું અને હું એને ત્યાં લઈ ગયો. ત્યાં અંજલીએ રમકડાં ખરીદ્યા. અમે બધા ઘરે આવ્યા ત્યારે રેખાએ અંજલીને કહ્યું કે બધા રમકડાં શો મા ગોઠવી દે. પણ અંજલી તો બધા રમકડાં લઈને બહાર દોડી ગઈ. રેખાને એમ કે એ એના મિત્રોને બતાવવા ગઈ હશે. પણ મારા મનમાં એકાએક ત્યારે જ એ વિચાર આવ્યો હતો કે શું એવું હોઈ શકે? અને એ વિચાર આવતા જ હું કુતૂહલવશ એની પાછળ ગયો.

મેં બહાર જઈને જોયું તો બગીચામાં અંજલી રમકડાં ગોઠવતી હતી…… મારુ મન કઈ સમજી નહોતું રહ્યું! મારી આંખો ચોળી ચોળીને મેં જોયું તો મને ભાન થાય કે એ ભૂતકાળ નહોતો એ વર્તમાન જ હતો. હું કોઈ સપના કે યાદમાં નહોતો હું હકીકત જોઈ રહ્યો હતો!

અંજલીએ બધા રમકડાં બગીચામાં એવી જ રીતે ગોઠવ્યા હતા જાણે એ બધા કુદરતી રીતે જ ત્યાં હોય!

એ પછી હું ઘરમાં ગયો. સાંજે બધા જમ્યા અને સુઈ ગયા પણ મને ઊંઘ ન આવી. શુ અંજલી એ પુનર્જન્મ લઈને આવી હશે? તો પછી અંજલીને ધીરજલાલ કે જમના બેન કેમ યાદ નથી?

આખી રાત મને ઊંઘ ન આવી. સવારે જાગ્યો ત્યારનો બગીચામાં જઈને બેઠો. ગજબ સલુકાઈથી ગોઠવાયેલ એ રમકડાં અને બગીચાની સ્વચ્છતા જોતો હતો – વિચારતો હતો. એ પછી ચા આવી ત્યારે મેં છાપામાં નજર કરવાનો પ્રયત્ન કર્યો પણ મને એમાં મન બેસતું લાગ્યું નહિ.

હજુ હું એ જ વિચારું છું કે શું પુનર્જન્મ શક્ય છે? શું કુદરતની આ ગોઠવણી હશે? તો મારા જ ઘરે કેમ એ જન્મી? પણ એક વિચાર એ પણ છે કે ધીરજલાલ અને જમના બહેન તો હવે દુનિયામાં નથી અને જો એ હોત તો પણ એમના ઘરે દીકરીનું જન્મવું શક્ય નહોતું એટલે અંજલી અહી મારા જ ઘરે જન્મી છે. દરેક તર્ક વિતર્ક જોતા હવે હું પણ એ જ નિર્ણય ઉપર છું કે હા પુનર્જન્મ શક્ય છે…..! કુદરતે ફરી એક વાર મને અંજલી આપી છે. ઈશ્વરે ફરી એક વાર અંજલીને એના ફૂલ છોડ સાથે જીવી લેવા માટે જન્મ આપ્યો છે….

અત્યારે આ લખતી વખતે પણ અંજલી મારી સામે જ પેલા કાશ્મીરી ગુલાબને પાણી આપી રહી છે. સવારનો ઠંડો પવન એના ચહેરા ઉપર એક તાજગી ભરી રહ્યો છે કે પછી એ તાજું ખીલેલું ગુલાબનું ફૂલ જોઈ એના ચહેરા ઉપર આ સ્મિત છે એ હું નથી જાણતો પણ ફરી એક વાર હું મારું બાળપણ જીવી રહ્યો છું…… ફરી એક વાર હું એ જ દ્રશ્યો જોઈ રહ્યો છું જે મેં બાળપણમાં જોયા હતા….!!!! ઈશ્વરે મને બધું બમણું જ આપ્યું છે, બે બાળપણ, બે અંજલી અને બમણી ખુશીઓ..!!! ઈશ્વર દરેકને એક બીજો મોકો આપે છે જીવન જીવવાનો અંજલીને પણ આપ્યો છે….. તમને વિશ્વાસ નહિ આવે પણ જીવનમાં ઘણું એવું છે જે અસંભવ લાગે છે પણ સંભવ હોય છે. હું એ સંભવ અસંભવ ઘટનાઓ વચ્ચે મારું સુખી જીવન એક પિતા અને એક બાળક બનીને જીવી રહ્યો છું દુવા કરજો કે મારી અંજલીને કોઈની નજર ન લાગે..!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “સંભવ-અસંભવ”

Comment here