gujarati-varta-safar

સફર – ઘરથી કબર સુધી…

     “બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું? 

  નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી”
              – બરકત વિરાણી “બેફામ”

 

 

પવન એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતો. પવન એટલે દયાળુ વ્યક્તિત્વ ધરાવનાર પુરુષ. એની પત્ની ચાર્મી પણ એવી જ સરળ અને વ્યવહારુ.  દયા અને પ્રેમ બંનેના મુખ્ય આભૂષણ!

પતિ પત્ની બંને વ્યવહારુ અને ઉમદા વિચારો ધરાવતા હતા એટલે બન્નેનું જીવન સુખમય ચાલતું હતું. પછી તો એક દીકરો જન્મ્યો એટલે ઘર રળિયામણું પણ બની ગયું હતું.

મેનેજરની બઢતી મળ્યા પછી તો એક નાની કાર અને નાનું સુંદર ઘર પણ ખરીદ્યું હતું. નોકરી અને ઘર પછી પવનને એક જ ચિંતા હતી. પવનને એક નાની બહેન હતી ‘અર્પિતા’. અર્પિતા વીસ વર્ષની થઈ ગઈ હતી એટલે હવે એના માટે છોકરો શોધવાની જવાબદારી પતિ પત્ની ઉપર આવી હતી કેમકે પવનને મા બાપ હતા નહીં.

મા બાપ વગર એકલા હાથે પોતાની બહેનને મોટી કરી અને ભણાવી. પોતે છ હજારના પગારથી બાવીસ હજારની નોકરી સુધી, ભાડાના ઘરથી પોતાના ઘર સુધી જે સફર કરી હતી ને એમા કેટકેટલાય દુઃખ તકલીફ ભોગવીને હવે એ સુખી થયો હતો. ઘણા દુઃખ પછી મળેલ સુખનું મહત્વ અલગ જ હોય છે. સુખમાં ઘણી વાર માણસ ભૂતકાળ ભૂલી જાય છે પણ પવન તો નોખો જ હતો! એને ત્રીસ વર્ષની સફરનો એક એક દિવસ યાદ હતો એટલે એ દયા ધર્મ ભુલ્યો નહોતો.

પવન રોજ સવારે હાઇવે ઉપર આવેલ એક મંદિરે માતાજીના દર્શન કરવા જતો. સવારે જાગીને બહેનને કોલેજ મૂકી આવે અને પત્નીના હાથની ચા મળી જાય એટલે ગાડી લઈને હાઇવે પર એ મંદિર જવાનું એ એનો નિત્યક્રમ બની ગયો હતો.

મંદિર આગળ જે દિન દુખિયા બેઠા હોય એમને શક્તિ એવી ભક્તિ દાન પણ કરતો. ઘણી વાર તો ચાર્મી અવનવી વાનગી બનાવીને આપતી અને પવન એ ગરીબોને સવાર સવારથી જ અન્ન દાન કરતો.

છેલ્લા ચાર વર્ષથી પવન એ મંદિરે જતો અને દાન કરતો. એમાં પાછલા બે વર્ષથી મંદિર આગળ એક ગરીબ વૃદ્ધ માજીને એ રોજ વીસ રૂપિયા આપતો અને માજી એને આશીર્વાદ આપતા, “ભગવાન તારૂ ભલું કરે દીકરા.’

પવને એકવાર  હસીને કહેલુ, “માજી, મેં તો સુખ દુઃખ બધું જોયું છે એટલે તમે આશીર્વાદ એવા આપો કે મારો પરિવાર મારી બહેન પત્ની અને દીકરો સદાય સાજા નરવા રહે.”

એ દિવસ પછી એ ગરીબ માજી પણ એને એવા જ આશીર્વાદ આપતા, “બેટા તારો પરિવાર સદાય સાજો નરવો ને હેમખેમ રહે.”

પવન રાજી થઈને ઘણીવાર એ માજીને સો રૂપિયા પણ આપી દેતો.

આ રીતે પવનનો સંસાર ચાલતો હતો. એક દિવસ ઓફિસમાં પવન થોડો ચહેરો ઉતારીને બેઠો હતો. એજ દિવસે કમ્પનીના માલીક અજીત રાય ઓફિસે આવ્યા. સદાય ઉમંગથી કામ કરતા પવનને ઉદાસ જોઈને અજીત રાય પૂછ્યા વગર રહી જ ન શક્યા.

“પવન, બેટા કેમ આમ ઉદાસ છે?”

“અરે! સર તમે? ક્યારે આવ્યા?” ખુરશી પરથી ઉભા થતા પવને હાથ લંબાવ્યો.

“પવન, કેટલી વાર તને કહેવાનું? મેં દસ વાર કહ્યું છે કે મને સર કહેવાનું જ નહીં રાજકોટની આખી ઓફીસ તારા ભરોશે મૂકીને હું અમદાવાદ ચાલ્યો ગયો તો કંઈક તો મને તારા પ્રત્યે લાગણી હશે ને?”

“હા… જી…. તમે જ તો મારું જીવન એટલું સુખી બનાવ્યું છે.”

“તો હવે આમ સર કહીને મારી લાગણીઓને લાત નઈ માર.” અજીત રાય ખુરશીમાં ગોઠવાયા “ને હા આ હું આવું એટલે ઉભા થવાનું જ નઈ. તને હું બેટા કહું છું બીજા કોઈને નહિ સમજ્યો કે?”

“જી હા….” પવને ફરી બેસતા કહ્યું.

“ને આ ચહેરો કેમ સવાર સવારથી ઉતારી લીધો છે ભાઈસાબ?”

“અંકલ…..”

પવનને ખચકાતો જોઈ અજીત રાય બોલ્યા, “બોલ બોલ ગભરાય છે શું કામ? પૈસાની જરૂર હોય તો પણ શરમાતો નહિ. મારે એક દીકરો સૌરભ છે ને બીજો તું.”

“ના ના પૈસાનો પ્રશ્ન નથી પણ મારે એક બહેન છે એના માટે છોકરો શોધવાની જવાબદારી મારા ઉપર છે. સારું ઘર, સારો છોકરો આજના જમાનામાં ક્યાં મળે જ છે? દેખવા જઈએ ત્યારે તો ભોળો બનીને બેસે પણ લગ્ન પછી એના વર્તન અલગ જ હોય એવા કિસ્સા મેં તો ઘણા જોયા છે.” પવને નિરાશ થઈને કહ્યું.

“લે એમાં શુ છે? આજના જમાનામાં તું આ ચિંતા લઈને બેઠો છે. આ તો સરળ કામ છે એકદમ.”

“જી હું સમજ્યો નહિ.” પવને કહ્યું.

“અરે છોકરો મારી નજરમાં જ છે બોલ હવે કાઈ?” અજીત રાય હસીને બોલ્યા પણ પવન કાઈ સમજ્યો નહિ.

“કોણ? અમદાવાદમાં? આપણી જાતનો?” પવન ખુશ થઈ ગયો.

“હા હા આપણી જાતનો જ રાય, અમદાવાદમાં જ.”

“છોકરો અને ઘર બરાબર છે? તમે બરાબર ઓળખો છો?” પવને જરાક આગળ નમીને પૂછ્યું.

“અરે ઘર એટલે સંસ્કારી ને ચોવીસ કલાક મારી ઉઠક બેઠક વાળું ઘર. છોકરાને કોઈ લફરું નથી એની પણ ખાતરી એના બાપે પ્રાઇવેટ જાસૂસ દ્વારા મેળવી લીધી છે.”

અજીત રાયની જ્યાં ઉઠક બેઠક હોય એ ઘર તો કરોડોના માલીક નું જ હોય. ક્યાં એ અને ક્યાં હું? પવનના ચહેરા ઉપરનું સ્મિતાવરણ ફરી ઝાંખું પડી ગયું.

“પણ અંકલ એ લોકો કયાને હું ક્યાં?”

“એની ચિંતા તું શું કામ કરે છે? એ બધું મારા ઉપર બસ.”

“તો છોકરો જોવા ક્યારે જઈએ? તમે વાત કરી દેખો.” કહી પવને પર્સમાંથી અર્પિતાનો ફોટો નીકાળીને આપ્યો.

“છોકરો તે દેખેલો જ છે પવન.” અર્પિતાનો ફોટો જોતા અજીત રાય બોલ્યા, “ને આ બન્નેની જોડી જામશે પણ ખરી.”

“મેં દેખેલ છે?” પવનને ઓર ને ઓર નવાઈ થતી હતી પણ એણે ક્યારેય કલ્પના નહોતી કરી કે એના એ સવાલનો જવાબ અજીત રાય શુ આપશે.

“મારો દીકરો સૌરભ.”

અજીત રાયના એ શબ્દો પવનના અંતરની ભીનાશ આંખોમાં ખેંચી લાવ્યા! પવન ક્યારેય કલ્પના પણ ન કરી શકોત કે અજીત રાય એટલી મોટી મહેરબાની કરશે. આંખમાં આંસુ સાથે પવનના ચહેરા ઉપર જે સ્મિત જે સુખનું વાદળ છવાયું હતું એ રાય જોતા જ રહ્યા.

“તમે આટલી મોટી મહેરબાની…..”

“મહેરબાની તો તે કરી છે પવન. મારા દીકરાને આજના જમાનામાં કોઈ કંપનીના માલિકની દીકરી જોડે પરણાવવો પડોત તો એ કેવી હોત? તને તો ખબર જ છે ને બીજી કંપનીના માલીકના દીકરા દીકરીઓ શુ શુ કરે છે.”

“હા જી બધી ખબર છે.” પવને કહ્યું.

“પણ તું જરાય ચિંતા ન કરતો મારા દયા ધર્મથી મારો દીકરો જરાય આડી લાઈન ઉપર નથી. મેં બધી ખાતરી કરેલી છે.”

પવને હસીને માથું હલાવી ઘંટડી વગાડી. તરત એક પીયૂન અંદર આવ્યો.

“જી સર.”

“ભૂરાભાઈ ચા લાવોને પ્લીઝ.” પવન પીયૂનને પણ માન આપીને જ બોલાવતો.

“ના ના ચા નહિ ચા હવે તારા ઘરે જ પીવાની.” ખુરશીમાંથી ઉભા થઇ રાય બોલ્યા, “ચાલ ઘરે બધાને ખુશ ખબર હમણાં જ આપીએ.”

પવન પણ ખુશ થઈ ગયો. બંને જણ નીકળ્યા. નીકળતા પહેલા રાય સાહેબે પર્સ નીકાળી હજાર હજારની નોટો પીયૂનને પકડાવી કહ્યું, “લહેર કરજો બધા જાઓ.”

પીયૂન રાજીના રેડ થતો ચાલ્યો ગયો.  પવન અને અજીત રાય બેય ઘરે ગયા. ઘરે જઈને ચાર્મીને બધી વાત કરી. ચા પાણી કરીને રાય સાહેબ નીકળી ગયા. એ ગયા પછી ચાર્મીએ સૌ પ્રથમ અર્પિતાને એક રૂમમાં લઈ જઈ પૂછ્યું. અર્પિતા પણ ભાઈના નિર્ણય અને સૌરભનો ફોટો જોઈને ભાભીને ભેટી પડી.

એ દિવસે તો પવનના ઘરે જાણે દિવાળી ન હોય! આખો દિવસ પવન અને ચાર્મીના હોઠ ઉપર સ્મિત જ સ્મિત રેલાતું રહ્યું.

બીજા દિવસે સવારે વહેલા જ રાય સાહેબનો ફોન આવ્યો કે તમે બધા અમદાવાદ આવી જાઓ. પવન અને ચાર્મી તૈયાર થઈ ગયા. અર્પિતાને તો ભાભીએ એવી સજાવી એવી સજાવી કે જાણે સ્વર્ગની અપ્સરા જ જોઈ લ્યો!

સમયનો વિલંબ કર્યા વગર જ પવન બધાને લઈને પોતાની ગાડીમાં નીકળી પડ્યો. અમદાવાદ જવા માટે એ જ હાઇવે પાસેથી પસાર થયા જ્યાં પેલું મન્દિર હતું. પણ એ દિવસે પવન એ મન્દિર આગળ ઉભો રહ્યો નહિ. પોતાની બહેન ને મહેલમાં મુકવાની હતી. દુઃખ અને તકલીફમાં મોટા થયેલ પવન માટે પોતાની બહેનના લગન ‘હેપ્પી હોલી ડે’ ટુર કમ્પનીના માલીક અજીત રાયના એકના એક દીકરા સૌરભ સાથે થાય એ ખુશીમાં જ પવન મંદિર આગળ ઉભા રહી દર્શન કરવાનું ભૂલી ગયો.

ત્રણેય વાતો કરતા કરતા હાઇવે ઉપર જતા હતા. કાર મંદિરથી ત્રીસેક મીટર દૂર ગઈ હશે ત્યાં તો અચાનક એક હરણ દોડતું કાર આડે આવી ગયું! પવને બ્રેક લગાવી પણ કાર સંતુલન ગુમાવી ને બાજુની રિલિંગ સાથે અથડાઈ. સન્નાટો છવાઈ ગયો!

દસેક મિનિટ પછી પવન ઉભો થયો. તૂટેલ દરવાજો ખોલી એ બહાર આવ્યો જાણે એને કાઈ વાગ્યું જ ન હોય ને! બહાર આવી જોયું તો પત્ની, દીકરો અને બહેન એક પુરુષની લાસ ઉપર રડતા હતા. હા પોતે જ….. પવન પોતે જ મૃત્યુ પામ્યો હતો પણ બીજા કોઈને વધારે ઇજા નહોતી થઈ!

પોતાનો મૃતદેહ જોઈ એ સમજી ગયો કે હું હવે આત્મા છું. એ આગળ વધીને રડતા બહેન પત્ની અને દીકરા પાસે ગયો પણ કોઈ એને દેખી ન શક્યું!

અચાનક પવનને યાદ આવ્યું કે આજે હું એ મંદિર આગળ ઉભો ન રહ્યો એટલે અકસ્માત થયો. પવન મંદિર તરફ જવા લાગ્યો. મંદિરે પહોંચીને એ માતાજીની મૂર્તિ આગળ ફરિયાદ કરવા લાગ્યો પણ પથ્થરની મૂર્તિ કાઈ બોલી નહિ.

પવન નિરાશ થઈને બહાર આવ્યો ત્યારે બીજા કોઈ ગરીબ ત્યાં નહોતા પણ પેલા વૃદ્ધ માજી બેઠા હતા. પવનને થયું આ માજી પણ મને મારા ઘરવાળા જેમ જ જોઈ નહીં શકે એટલે એ ચાલવા લાગ્યો.

“કેમ બેટા ઉદાસ છે?” વૃદ્ધ માજીનો અવાજ આવ્યો એટલે પવન થોભી ગયો.

“તમે મને જોઈ શકો છો?”

“હા બેટા.”

“જોયું માજી? આ ભગવાન આ માતાજી બધા કેટલા દયાહીન છે? મેં એટ એટલા વર્ષો સુધી દુઃખમાં પણ એ બધા ઉપર વિશ્વાસ કર્યો એનું મને શું ફળ આપ્યું?” પવન પોતાનું દુઃખ માજીને કહેવા લાગ્યો.

“હા બેટા ચાલ હું તને બતાવું કે ભગવાન માતાજી બધા કેટલા નિર્દય છે.” કહી માજી પવનનો હાથ પકડી ચાલવા લાગ્યા.

પવનને કાઈ સમજાયું નહીં પણ એ માજી સાથે ચાલવા લાગ્યો.  આગળ જતાં પોતાની પત્ની, બહેન અને રડતા દીકરાને જોઈ ફરી પવન ભગવાનને સંભળાવવા લાગ્યો.

માજી કાઈ બોલ્યા વગર જ ચાલતા રહ્યા. થોડેક આગળ જઈને માજી અટક્યા.

ત્યાં કોઈ ડાયવર્જનનું બોર્ડ નહોતું પણ રોડ વચ્ચે એક મોટો ખાડો હતો જ્યાં રિપેરીંગનું કામ ચાલતું હતું. કોઈ માણસ ત્યાં હાજર નહોતું. કદાચ કોઈ કારણ સર એ દિવસે કામ બંધ હશે.

“જો બેટા ભગવાન કેટલો નિર્દય છે?” કહી માજીએ એ તરફ ઈશારો કર્યો.

પવને જોયું પણ એ કઈ સમજ્યો નહિ. “એટલે તમે શું કહેવા માંગો છો?”

“બેટા તારું મૃત્યુ તો કાલે સવારે જ લખેલું હતું. યાદ છે તું કાલે મને અન્ન દાન કરીને નીકળ્યો એટલે તને એક ટ્રક સામે મળી હતી?”

“હા એ ટ્રકવાળો નશાની હાલતમાં હતો હું કાલે માંડ માંડ બચ્યો હતો.”

“તું બચ્યો નહોતો. પણ તારા દયા ધર્મને લીધે તને બચાવ્યો હતો કેમ કે તારી બહેન માટે સારો છોકરો મળે એ પહેલાં તું મૃત્યુ પામે તો તારો જીવ ભટકતો રહે.”

પવન હજુ પણ કાઈ સમજી નહોતો શકતો. એ ચૂપચાપ બધું સાંભળતો હતો.

“તને યાદ છે તે કહ્યું હતું કે મારો પરિવાર હેમખેમ રહે એવા આશીર્વાદ આપો?”

“હા.” પવને આંખમાં આંસુ સાથે કહ્યું.

“તો જો તારા પરિવારમાંથી કોઈને કાઈ થયું? બધા હેમખેમ છે અને અર્પિતા માટે દુનિયાનો સૌથી લાયક છોકરો મોટું ઘર મળી ગયું ને?”

“તારા જીવનની સફરમાં ભગવાને એક દિવસનું જીવનદાન તારી બહેન માટે સારો છોકરો શોધવા જ આપ્યું છે પવન. હવે તારી સફર પુરી થઈ. તું રોજ પરિવાર હેમખેમ રહે એવી દુવા કરતો એવા આશીર્વાદ માંગતો એટલે જ તો ત્રીસ મીટર પહેલા એક્સિડન્ટ થઈ ગયો નહિતર આ ખાડામાં આખો પરિવાર મૃત્યુ પામોત.”

પવને ફરી એક વાર એ તરફ નજર કરી. વીસેક ફૂટ ઊંડો ખાડો હતો અને એમાં પણ પાણી માટેના ભૂંગળા ગોઠવેલા હતા. પવન સમજી ગયો કે આ બધું કેમ થયું. જો હરણ વચ્ચે ન આવ્યું હોત તો શું થાઓત એ એને સમજાઈ ગયું.

એકાએક પવનને થયું આ માજીને આ બધું કઈ રીતે ખબર? પવને પાછળ ફરીને જોયું પણ માજી ગાયબ હતા! પવન સમજી ગયો કે માજી કોણ હતા! આંખમાં આંસુ સાથે એ ફરી કાર જોડે ગયો. એમ્બ્યુલન્સ એના દેહને લઇ જતી હતી. બહેન રડતી હતી અને પત્ની ફોન ઉપર વાત કરતી હતી. સામેથી અવાજ આવતો હતો “તમે બધા હેમખેમ છો ને? અમે તરત જ આવી જઈશું.”

પોતે મૃત્યુ પામ્યા પછી પણ અજીત રાયને એના પરિવારની એટલી જ પરવાહ અને એટલી જ લાગણી હતી. પવનને થયું હવે મારા પરિવારને કોઈ ચિંતા નથી. પરિવાર બચી ગયો એનો આનંદ થવા લાગ્યો જેવા એના ચહેરા ઉપરથી આંસુ અદ્રશ્ય થયા અને એની ઈચ્છા અધુરી ન રહી કે તરત એ ઉપર તરફ જવા લાગ્યો….. દીકરા પત્ની અને બહેન તરફ હાથ હલાવતો એ કહેતો હતો…. “મારી સફર પુરી થઈ….. તમે બધા ખુશ રહેજો…..”

 

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

પિંક સીટી, રાણપુર રોડ,

ડીસા ૩૮૫૫૩૫ 

 

2 Replies to “સફર – ઘરથી કબર સુધી…”

Comment here