“પાયલ…પાયલ…પાયલ…” નીલ જાણે ગાંડો ન થઇ ગયો હોય!!!
“આમ સવારથી શું થયું છે? જાણે પાયલને પહેલી વાર જોઈ હોય એ દિવસની જેમ ખીલી ઉઠ્યા છો.” પાયલે પોતાના ચહેરા પર ખુશીના ભાવ લાવવાનો પ્રયાસ કરતા કહ્યું.
“કેમ ન ખીલી ઉઠું? આજે દિવસ જ એવો છે ને ?” નીલની આંખો પરથી ન હતું દેખાતું કે એના દિલમાં એ શું સંઘરીને બેઠો હતો, દુઃખમાંય ચહેરો હસતો રાખવાની કળા જાણે એને કુદરતે ભેટમાં આપી હતી. એને દુ:ખો એટલા સહ્ય હતા કે હવે એને આદત પડી ગઈ હતી.
“શું છે આજે?” પાયલના ચહેરા પર નવાઈના ભાવ હતા.
“તુજ અંદાજ લગાવ શું હોઈ શકે જેનાથી હું આટલો ખુશ હોઉં?” ખુસ હોઉં બોલતી વખતે એનો અવાજ જરાક ઢીલો પડી ગયો હતો.
“ખુશ છો તો નજર મિલાવીને કહોને કે ખુસી છે આમ આડું જોઇને કેમ?” પાયલે પલંગ પર સુતા સુતા જ કહ્યું.
“હોય કઈ? હું કેમ ચહેરો છુપાવું?”
“ચહેરો નહી પણ આંશુ તો જરૂર છુપાવી રહ્યા છો.”
“તે આજે કયો દિવસ છે એનો તો અંદાજ જ ન લગાવ્યો?” નીલે જાણે પાયલની આંશુ છુપવાવા વાળી વાત સાંભળી જ ન હોય એમ કહ્યું.
“આજે તમારો જનમ દિવસ તો નથી જ કેમકે એ તો હું ક્યારેય ન ભૂલું, આપણા લગનની તારીખ પણ સાત માર્ચ હતી તો આજે શું હોઈ શકે?” પાયલ જરાક ગૂંચવાયેલી લાગતી હતી.
“ખરેખર સાચુ જ છે કે સ્ત્રી પોતાના પરિવાર માટે પોતાની જાતને ભૂલી જાય છે.”
“કેમ?” પાયલે પૂછ્યું.
“કેમકે આજે તારો જનમ દિવસ છે અને તને યાદ પણ નથી… તું બસ મારા જન્મદિવસ વિશે જ વિચારે છે?”
“જેનો મરણ દિવસ નક્કી થઇ ગયો હોય એના જનમ દિવસનું શું મહત્વ હોય..?? હવે મારો જન્મદિવસ આવે તોય શું ને જાય તોય શું?” પાયલે પલંગ પર બેઠા થઇ કહ્યું.
“પાયલ, આમ હિંમત ન હાર તને કાઈ નહી થાય.. ઉપરવાળે મને ઘણા દૂ:ખ દેખાડ્યા છે પણ હવે એ મારી સાથે એવું ન કરી શકે કેમ કે એનેય ખબર છે કે હું આ દુ:ખ જીરવી શકું તેમ નથી…” નીલે એની જોડે પલંગ પર બેસી એનો હાથ હાથમાં લેતા કહ્યું.
“હું કોલેજ કરું ત્યારે દવાખાનામાં પાર્ટ ટાઈમ નર્સ હતી, મને ખબર છે હવે મારી પાસે કેટલો સમય છે.”
“તો એ સમય મારી સાથે હસતા હસતા વિતાવી નાખ કેમકે તારા ગયા પછી આ નીલના હોઠને સ્મિત સાથે વેર બંધાઈ જશે, એને ખુશીથી અણબન થઇ જશે.” નીલની આંખોમાંથી આંશુ વહેવા લાગ્યા.
“બસ તમે મારી એક વાત માની લો પછી મોત સામે આવશે ત્યારેય મારા હોઠો પર સ્મિત હશે.. ને તમેય મને હસતા હસતા વિદાય આપજો આપણે એમ એકબીજા સામે મલકશું કે મોતને એકપળ માટે થઇ જશે કે પાછી ફરું, એનેય થશે ના, ના, આજેતો મારાથી આ કામ નહિ થાય ને એ આપણે દરવાજેથી પાછું વળશે ત્યારે હું એને કહીશ અરે મને લેતુ જા મારે હવે અહી કોઈ કામ નથી મેતો મારી બધી ઈચ્છો પૂરી કરી નાખી છે.”
“બસ તું એ એક જીદ સિવાય કઈ પણ માંગીલે પાયલ..”
“તો તમે જ કહો એવી કઈ ચીજ છે જે મને જોઈતી હોય ને તમે ન આપી હોય તો હુ એ માંગી લઉં?” મને તો કાઈ સુજતુ નથી, મને તો કાઈ યાદ નથી આવતું કે મેં કાઈ માંગ્યું હોય અને તમે એ હાજર ન કર્યું હોય.” પાયલની આંખો પણ ચૂવા લાગી.
“તને યાદ છે પાયલ?” નીલે તેના ગાલ પર વહી જતા મોતીઓને પોતાની હથેળીઓમાં જીલતા કહ્યું.
“શું?”
“આપણા લગન પછી આપણે એકવાર તારા માટે પરફ્યુમ ખરીદવા ગયા હતા અને તને સ્ટ્રોબેરીની બોટલ ગમીને તે ભાવ પૂછ્યો હતો…..”
“હા, અને દુકાનવાળાએ પાંચસો રૂપિયા કહ્યા તે હું જટ દુકાન બહાર નીકળી ગઈ તમેય નવાઈ પામ્યા હતા ને એ દુકાન વાળોય. તમે બહાર આવી પુછ્યુ હતું કે કેમ શું થયું?”
“હા, અને તે કહ્યું હતું કે આટલું મોઘુ તે કાઈ લેવાતું હશે?” નીલે પત્નીનું વાક્ય પૂરું કર્યું.
“ને તમે કહ્યું તું કે તારા જેવી અમુલ્ય માટે આ બોટલ કાઈ મોઘી ન કે’વાય.” પાયલે કહ્યું.
“ને તે કહ્યું હતું કે હું તો મારા નીલ માટે મોઘી છું તો પછી મોઘા અંતર છાંટી ને શું કામ?”
“હા, અને જયારે તમને ખબર પડી કે મારે એ નથી જ લેવું પછી તમે કહ્યું’તું કે મારી પાસે આમેય ચારસો રૂપિયા જ હતા, તે મારી આબરૂ બચાવી લીધી, આપણે પેટ ભરીને હસ્યા હતા.”
“હા આપણા લગનના એકજ અઠવાડિયા પછી…..”
“હા.” ભૂતકાળની એ ખુશીની જલક એકપળ માટે પાયલના ચહેરા પર આવીને પછી જેમ રાત થતા અજવાળું જતું રહે એમ ચાલી ગઈ ફરી એ ચહેરા પર અંધારું છવાઈ ગયું.”
“કાસ!! હું તારા ચહેરા પર જે હમણાં ખુસી હતી એ રાખવામાં સફળ રહેતો હોઉં?” નીલે એના ચહેરા પર ખુશીની વાદળીને બદલે દુઃખનું અંધારું આવતું જોઈ કહ્યું.
“તમે મને હમેશા હસતી રાખી છે બસ હવે આ એક વાત માની જાવ એટલે તમારી પાયલના ચહેરા પર બસ પાયલના રણકાર જેવી જ ખુશી રહેશે.. બસ મને એકવાર એની પાયલનો રણકાર આ ઘરમાં સંભળાવી દો?”
“તું સમજતી કેમ નથી પાયલ હું હવે કોઈની સાથે સંસાર ન માંડી શકું…. આ પાયલ સિવાય કોઈની પાયલ નો રણકાર હવે આ કાનને મીઠો ન લાગે… તારા પ્રેમથી છલોછલ ભરાયેલા આ હ્રદયમાં હવે કોઈ બીજો ચહેરો સમાવી શકું એટલી જાગયા નથી… હું બીજા કોઈને એ પ્રેમ ન કરી શકું જે તને કર્યો છે.. કોઈની જીંદગી જાણી જોઇને ઝેર કેમ કરું..” નીલે પોતાના આંસુઓને નાથવાનો નિષ્ફળ પ્રયાસ કરતા કહ્યું, “તું સમજતી કેમ નથી પાયલ?? મારાથી એ નહીં થાય… હું પોતાની જાતને એક વચન આપી ચુક્યો છું..એક વાયદો કરી ચુક્યો છું કે જીવન તારી યાદોને વાગોળવામાં વિતાવી નાખીશ.” નીલ રડી પડ્યો.
“અને મેં મા ને એક વચન આપ્યું હતું એનું શું?”
“કેવું વચન? તે મા ને શું વચન આપ્યું હતું?
“તમને યાદ છે મા દુનિયા છોડી ગયા ત્યારે તમે ઘરે ન હતા?”
“હા, મને હજી એનો અફસોસ છે… કાસ હું એ દિવસે નોકરી પર ન ગયો હોત? પણ મા ને કાંઈ થાય એવું ક્યાં લાગતુ જ હતું?” નીલની આંખોમાં એક દુઃખ સાથે બીજું ભળ્યું.
“હા, પણ મા એ એ દિવસે મને બોલાવી કહ્યું હતું કે હવે હું જઈ રહી છું પણ મારા નિલને સાચવજે… એને એના બાપનો ચહેરો તો ક્યારેય જોયો નથી… મારા પ્રેમની સજા એણે બાપના નામ વગર જીવીને ભોગવી છે.. પણ તે એનો આ પરિસ્થિતિમાં હાથ પકડ્યો છે બસ ક્યારેય એને એકલો ન છોડતી..”
“અને?”
“અને મેં કહ્યું હતું મા તમને કેમ આવું લાગ્યું કે હું એનો હાથ ક્યારેય છોડી શકું? શુ તમને મારી આંખોમાં એનો પ્રેમ નથી દેખાતો? ને ત્યારે માએ જે કહ્યું એ સાંભળી મારુ કાળજું કંપી ગયું હતું.”
“શુ કહ્યું હતું મા એ?” નિલ મા ના અંતિમ શબ્દો જાણવા અધીરો બન્યો.
“મા એ કહ્યું કે બેટા જ્યારથી એક આંખોએ દગો આપ્યો છે હું આંખો વાંચવાનુ જ ભૂલી ગઈ છું.. કઈ આંખોમાંથી પ્રેમ ક્યારે ખૂટી જાય કોને ખબર? હું મા ના હૃદયનું દર્દ સમજતી હતી પોતાના હૃદયને એક ચોટ લાગ્યા બાદ હવે પ્રેમ પરથી જરાક ભરોસો ઉઠી ગયો હતો એમનો…
પણ મેં એમને વચન આપ્યું કે હું નિલને ક્યારેય એકલો નહિ છોડું અને એમણે પોતાના ચહેરા પર સ્મિત સાથે આ દુનિયા છોડી દીધી.. પોતાનો હાથ કોઈએ અધવચ્ચે છોડી દીધો તો એનું જરાયે દુઃખ એમના ચહેરા પર ન હતું.. હતી તો બસ પોતાની દીકરો પોતાની જેમ ક્યારેય એકલો નહિ પડે એની ખુશી…” જાણે સાસુમા નજરો સામે હોય એમ પાયલની આંખો નમ થઇ ગઈ.
તો તે ક્યાં તારું વચન નથી નિભાવ્યું? તે મને ક્યાં એકલો છોડ્યો છે?”
“હા પણ હવે છોડવાની છું હવે આ પાયલની પાયલનો રણકાર લાંબો ટકી શકે તેમ નથી…”
“પણ જીવન અને મૃત્યુ પર કોનો અધીકાર છે..?? એ કોઈના હાથની વાત નથી… એ વચન ફેર કે વિશ્વાસઘાત નથી…”
“હા, તમારી વાત સાચી છે, જીવન મરણ આપણા હાથની વાત નથી પણ તમને એકલા ન મુકવા તો મારા હાથની વાત છે ને… એકવાર સીમાના સ્મિતને તમારા નામે થતું જોવા દો… મેં એનાથી વાતે કરી લીધી છે અને એ રાજી પણ છે..”
“પણ હું રાજી નથી..” નીલ ઉભો થઇ ગયો. એને ભારોભાર ગુસ્સો આવતો હતો પણ એ એક શબ્દ પણ બોલી શક્યો.
“બસ મને મારુ વચન નિભાવવાદો મને આ જન્મદિવસ પર સીમા ભેટમાં આપી દો…”
નિલે પાયલની નાનામાં નાની ઈચ્છા એ પુરી કરી હતી… તો આતો એની આખરી ઈચ્છા હતી…. નિલે હાર માનવી પડી…
અને જે દિવસે પાયલે નિલના માથા પર ફરી એકવાર એ પાઘડી બાંધી…. નિલ એને જોતો જ રહી ગયો… પાયલની આંખોમાં એજ ખુશી છલકતી હતી જે એણે પાયલને એ વખતે લગ્ન મંડપમાં જોઈ ત્યારે એની આંખોમાં હતી… એના ચહેરા પર જાણે ખુસીની વાદળીઓ ઝરમર ઝરમર વરસી રહી હતી… એ નિલના લગ્નમાં એમ દોડતી રહી જાણે હજી કોઈ કુંવારી કન્યા..!!
આખરી ઈચ્છા પૂરી કાર્ય પછી પાયલ મૃત્યુની રાહ જોતી હતી અને એક દિવસ નિલના જીવનમાં પાયલની વિદાઈનો દિવસ આવી ગયો…
પાયલ પલંગ પર સૂતી હતી અને એની પાસે નિલ અને સીમા બેઠા હતા…
“મને એક વચન આપ.” પાયલે સીમા તરફ જોઈ કહ્યું.
“હા, દીદી?”
“તું મારા નિલને ક્યારેય એકલો નહિ છોડે?”
“હા, દીદી હું એમને ક્યારેય એકલા નહિ છોડું..” સીમાની આંખો આંસુઓથી છલકાઈ રહી હતી. નિલની આંખો પણ સજળ હતી બસ પાયલની આંખોમાં આંસુ ન હતા…. પાયલને સીમાની પાયલ નો રણકાર સાંભળવો હતો અને સીમાની પાયલનો રણકાર સાંભળ્યા બાદ પાયલની.. પાયલની પાયલનો રણકાર બંધ થઈ ગયો… પણ ચહેરા પર સ્મિત સાથે….
નિલ અવાચક બની એને દુનિયા છોડતા જોઈ રહ્યો….. એકાદપળ બાદ કળ વળી હોય એમ સીમા તરફ જોઈ બોલ્યો, “જતા જતા મારાથી એકવાર વાતે ન કરી?”
સીમાએ નિલનો હાથ હાથમાં લઇ કહ્યું, “બચપણથી એને એક જ આદત હતી વચન આપવાનીને લેવાની… એને વચન મળી ગયું એટલે… બસ….. સીમા આગળ કશું બોલી ન શકી એના ગળે ડૂમો ભરાઈ આવ્યો….
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’
biji vakhat fari aa story vanchi…. aapni story varamvaar vanchvi game chhe…