નવેક વર્ષની ઉંમર હતી મારી એટલે એ સમયનું ઘણું યાદ તો નથી. યાદો ઉપર આછી આછી નવી યાદો પથરાઈ ગઈ છે. છતાં ક્યાંક ક્યાંક નવી કડવી યાદોના સ્તરમાં કાણા પડીને એ યાદો દેખાઈ આવે છે.
ભાડાના ઘરમાં અમે રહેતા. ચન્દ્રકાન્ત શેઠ જાતે વાણીયા. એમના ઘરમાં પાછળની રૂમમાં અમને મહિને આઠસો રૂપિયા લેખે પનાહ મળેલી. આઠસો રૂપિયા પણ એ વખતે અમારા માટે મોંઘા હતા. મોટા ભાઈ એ સમયે કોલેજ કરતા ને બે ચાર છોકરાઓને ટ્યુશન આપતા. ટ્યુશનનું બોર્ડ પણ એક ઓળખીતા ચિત્રના શિક્ષક પાસે મફતમાં ચિત્રાવેલુ એવી અમારી પરિસ્થિતિ!
ઘર કહો કે એક રૂમ જે ગણો તે પણ એમાં જ અમારું રસોડું, એમાં જ અમારું બેડરૂમ! ખૂણામાં એક તરફ ગેસને સ્ટવ, બીજા ખૂણામાં ગોદડા, ત્રીજા ખૂણે અમારા ભણતરના ચોપડા પડ્યા હોય ને ચોથે ખૂણે સાવરણી પડી હોય એ દ્રશ્ય મને આજેય હેમખેમ યાદ છે. ગેસનો ભાવ એ વખતે એટલો બધો નહોતો પણ અમને તો એય મૂંઘો જ પડતો. મજબૂરી એ હતી કે પાકા મકાનમાં ચૂલો માંડવાની છૂટ ન મળે એટલે ગેસ લીધેલ! તેમ છતાં ઘણીવાર ઘરના બહારમાં ભાગે ચૂલો માંડીને પાણી ગરમ કરવું પડતું.
ચંદ્રકાન્ત શેઠનો મોન્ટુ પણ મારા જેવડો જ. અમે બેય સાથે જ ભણતા. ભણવામાં એક ઈશ્વરની મહેરબાની હતી એટલે મને આવડતું. મોન્ટુને કાઈ ઝાજુ આવડે નહિ એટલે ગણિતના દાખલા અને અંગ્રેજીની ખાલી જગ્યા મારી પાસે શીખવી પડતી. બસ એ દાખલા અને ખાલી જગ્યા માટે જ મોનટુ મને ટી.વી. જોવા દેતો! પણ માત્ર અર્ધો કલાક. રામ જાણે કેમ પણ એના ઘરની એ ટી.વી. આગળ જઈને હું બેસું કે તરત મોનટુ સ્વીચ પાડી દેતો.
ધીમે ધીમે મેં એમની ટી.વી. જોવાનું જ બંધ કરી દીધું. હાતિમ સિરિયલ છોડવી એ ઘટના મારા માટે ઝેર જેવી હતી. પણ કર્મે લખ્યું જે તે મને મળ્યું! મુજબ હું અશ્વિન અને ચાર્મી જોડે રમવા જતો રહેતો અને પછી ટી.વી. યાદ આવતી એટલે અશ્વિન ને ચાર્મી જોડે રમવાનું. પણ એમાંય મારા નસીબ ફાવ્યા નહિ. અશ્વિન અને ચાર્મી બંને પાસે સાઇકલ હતી મારી પાસે તો મારા હાથ ને પગ! અશ્વિન કોઇ વાર ભાગ્યે જ મને સાઈકલનો એકાદ આંટો આપતો. ચાર્મી આમ દયાળુ હતી. એ મને સાઇકલ આપતી ને હું હરખાતો હરખાતો આંટા મારતો પણ એક બે વાર લતા માસીએ મને રીતસરનું સંભળાય એમ ચારમીને કીધું હતું, “સાઈકલ તોડવા લાવી છે?”
બસ ત્યાર બાદ તો ચાર્મી ને મેં ક્યારેય રમવા બોલાવી જ નઈ. એ બિચારી મારા ઉપર દયા ખાય અને લતા બેન એને મારે એ મને કેમ પોષાય?
એ પછીના દિવસોમાં હું સાવ એકલો જ એકલો હતો. લેશનમાં કે પછી ચિત્ર દોરીને સમય વિતાવતો. કુદરતની મહેરબાનીથી મારી આંગળીઓ સારી એવી મહેંદીની છાપ અને સુગમ ચિત્રકળાના ચિત્રો આબેહૂબ દોરી શક્તી. ગણિતની કોરા કાગળની લીટી વગરની નોટમાં પાછળના ભાગના પાનાઓમાં હું ચિત્રો દોરતો.
મોન્ટુ, અશ્વિન અને ચાર્મીની દોસ્તી ભૂંસાઈ ગયા પછી બસ હું એ રીતે જ મારો સમય નીકાળતો.
એક વાર નવરાત્રીનો સમય હતો અને સારા મુહૂર્તમાં અમારી બાજુના ઘરમાં એક શિક્ષક ભાડે રહેવા આવ્યા. એમનું નામ સુરેશભાઈ અને પત્નીનું નામ માધવી બેન. સુરેશભાઈને મારા જેવડા જ એક છોકરી અને છોકરો હતા. છોકરાનું નામ ધ્રુવ અને છોકરીનું નામ કિંજલ.
એ લોકો રહેવા આવ્યા અને મારા જેવડા જ બે છોકરા જોઈ મને ફરી એક આશા જાગી કે કદાચ અહીં મને રમવા મળશે કેમ કે માધવી માશી પહેલા દિવસથી મારી મમ્મી સાથે ઓળખાણ કરવા લાગ્યા હતા. તેમજ મારી આશા મુજબ જ કિંજલ અને ધ્રુવ ટૂંક સમયમાં જ મારા સારા એવા મિત્રો બની ગયેલા. પછી તો મારું ધામ એમને ત્યાં જ! હાતિમ જોવાનું ફરી શરૂ થઈ ગયું. માત્ર હાતિમ જ નહીં પણ મિકી માઉસ, ટોમ એન્ડ જેરી બધા કાર્ટુન દેખવા કિંજલ મને લઈ જતી!
ઘણીવાર તો મમ્મી અવાજ આપતી જમવા માટે પણ મારા પેટમાં ક્યારનાય માધવી માશીના ભજીયા પહોંચી ગયા હોય પછી હું શાનો ઘરે જાઉં?
નવરાત્રિથી દિવાળી સુધીમાં તો લગભગ ટી.વી.ના બધા જ પાત્રોને હું ઓળખવા લાગ્યો હતો કેમ કે મોન્ટુ કરતા કિંજલ અને ધ્રુવ વિપરીત સ્વભાવના હતા. મોન્ટુ મારા ગયા પછી સ્વીચ બંધ કરતો જ્યારે કિંજલને ધ્રુવ મારા ગયા પછી સ્વીચ ચાલુ કરતા!
એ રીતે અમારા ત્રણની ટુકડી સુખના પથે ચાલતી હતી કે એવામાં દિવાળી આવી પહોંચી. ધન તેરસની રાતથી જ બધાના ઘરે દીવાઓ ઝળહળવા લાગ્યા. મેં પણ એક વાટકી લઈને મને જેવી આવડે એવી દિવેટ વણીને દીવો પ્રગટાવી ઘરના બારણે મુક્યો. એક રૂમના ઘરમાં એક દીવો પણ ઘણો હતો!
દીવો મૂકીને મમ્મીએ બનાવેલી પુરીઓ ખાઈ હું કિંજલને ત્યાં ગયો એટલે ધ્રુવ તો ફટાકડા ફોડતો હતો પણ કિંજલ ડરતી એટલે અંદર ટીવી જોતી હતી. મને પણ ફટકડામાં રસ ઓછો હતો કેમ કે હાતિમનો સમય થઇ ગયો હતો ને! હું અંદર ગયો એટલે કિંજલે કહ્યું, “વીનું ચાલ આપણે રંગોળી બનાવીએ.”
“હાતિમ જોઈને પછી હો કે?” મેં કહ્યું.
“સારું.” બે ચોટલાવાળું માથું ધુણાવતા એ બોલી.
અમે લોકોએ હાતિમ જોઈ લીધું પછી કિંજલ અલગ અલગ રંગોની વટકીઓ લઈ આવી. આંગણે જઈને કિંજલ રંગોળી દોરવા લાગી પણ કાઈ બરાબર દોરાઈ નહિ એટલે ભૂંસી નાખી. બે હાથમાં મોઢું લઈને આંગણે જ એ બેસી ગઈ.
“હું દોરું?” મને તો ચિત્રો આવડતા હતા એટલે મને થયું કે રંગોળી દોરીને કદાચ હું એને રાજી કરી શકું.
“હા તો દોર ને.” વટકીઓ મારા તરફ કરતા એ બોલી.
હું રંગોળી બનાવવા લાગ્યો. મહેંદી અને સુગમ ચિત્રકળાના ચિત્રો જેમ મારી આંગળીઓ રંગોળી પણ એવી જ સુંદર બનાવવા લાગી. જોત જોતામાં તો આંગણું ચમકી ઉઠે એવી રંગોળી બની ગઈ!
“કેવી છે?” મેં કિંજલને પૂછ્યું પણ કિંજલને બદલે માધવી માશીનો અવાજ આવ્યો, “વાહ, આટલી ઉંમરે આવી રંગોળી?”
મારી રંગોળી જોઈને માધવી માસી ખુશ ખુશ થઈ ગયા. કિંજલ પણ તાળીઓ પાડીને નાચી ઉઠી કેમ કે એને તો રંગોળી બહુ જ ગમતી!
એ દિવસે પહેલી જ વાર કિંજલને મેં કૈક આપ્યું હતું પણ એના ચહેરા ઉપર જે રાજીપો હતો એ જોઈ મને થયું જાણે મેં એના જીવનમાં રંગો ભરી ન દીધા હોય?
એ પછી તો કાળી ચૌદશ અને દિવાળીના દિવસે અમે આખો દિવસ ટીવી જોઈ હતી. કિંજલે તો રીમોટ જ મને આપી દીધું હતું!
દિવાળીની રાત્રે બધા ફટાકડા ફોડતા હતા. ધ્રુવ અને સુરેશભાઈ પણ ફટાકડા ફોડતા હતા. હું દરવાજે ઉભો ઉભો એ જોતો હતો. મને જોઈ માધવીબેન ઘરમાં ગયા અને એક થેલીમાં રોકેટ, લક્ષ્મી ટેટા, ટીકડી ને બંદૂક લઈને આવ્યા.
“લે બેટા તું ય ફોડ.” મેં હાથ ન લંબાવ્યો અને ચૂપચાપ ઉભો રહ્યો.
માધવી બેન મને થેલી હાથમાં પકડાવીને જતા રહ્યા કે તરત ભાઈ આવ્યો અને મારા હાથમાં થેલી જોઈને મને પૂછ્યું, “કેમ ફટાકડા?”
મેં બધી વાત કરી એટલે ભાઈ એ ફટાકડા લઈને માધવી માશીને પાછા આપવા ગયો. માધવી માશીને એમ હતું કે મને ફટાકડા માટે ઘરેથી પૈસા નઈ મળ્યા હોય પણ અમારે તો ફટાકડાની બાધા હતી. ભાઈએ માશીને એ બધું કહ્યું એટલે માશીએ ફટાકડા પાછા લઇ લીધા. દિવાળીની રાત્રે મોડા સુધી મેં અને કિંજલે બધાને ફટાકડા ફોડતા જોયા અને લગભગ બે વાગ્યે અમે ઊંઘયા હતા.
બીજા દિવસે હું મોડો મોડો જાગ્યો ત્યારે ભાઈ ઘરનો સામાન પેક કરતો હતો. ઘરમાં શુ ચાલે છે એ હું નાનો હતો એટલે મને કોઈ કહેતું નહિ પણ કોઈ કારણસર અમારે ઘર ખાલી કરીને બીજે ક્યાંક જવાનું હતું એ મને સમજાઈ ગયું.
એ દિવસે સાંજે જ અમારે ઘર ખાલી કરી ગામ છોડીને જવું પડ્યું હતું. અમે જયારે વિદાય લીધી ત્યારે ધ્રુવ અને ખાસ તો કિંજલ સાવ ઉદાસ થઇ ગઈ હતી. જતી વખતે માધવી મશીએ મીઠાઈનું એક પેકેટ પણ આપ્યું હતું.
એકાએક મારા માટે બધું બદલાઈ ગયું! નવું ગામ, નવી શાળા, નવા લોકો મને બધું અજુગતું લાગવા લાગ્યું હતું. આસપાસના લોકો પણ તદ્દન શહેરી હતા. ગલીમાં ન કોઈ મારી ઉંમરના છોકરાઓ. હું સાવ એકલો પડી ગયો! પણ હાથની કોઈ વાત હતી નહિ એટલે ધીમે ધીમે મારે એ વાતાવરણથી અનુકૂળ થવું જ પડ્યું.
આજે તો એ વાતને પંદર વર્ષ થઈ ગયા છે. પંદર નવરાત્રીઓ ને પંદર દિવાળી આવીને ચાલી ગઈ છે. દસ ભાડાના મકાન હું બદલી ચુક્યો છું પણ ક્યાંય મને એવા પડોશી નથી મળ્યા! માધવી માશી કઈ જાતના હતા એ પણ મને તો ખબર નથી બસ એ માણસ ભલા હતા એ જ ખબર છે. જે હોય તે બસ હું એટલું જાણું છું કે એ લોકોએ બે મહિનામાં મારા જીવનમાં હજારો રંગ ભરી દીધા હતા. એ પછી એક બે વાર હું મારા ગામમાં સુરેશભાઈને ઘેર જઈ આવ્યો પણ ત્યાં હવે એ ઘર જ નથી. મકાન તોડીને ચન્દ્રકાન્ત શેઠે મોટો બંગલો બનાવ્યો છે. ખબર નઈ કિંજલ, ધ્રુવ, માધવી માશી અને સુરેશભાઈને એ બધું યાદ હશે કે કેમ? એ બધાના સાચા નામ તો મને આજે યાદ નથી નહિતર ધ્રુવ અને કિંજલના સાચા નામ યાદ હોત તો ફેસબુક ઉપર પણ કોઈ દિવસ મળી જાઓત……….
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’
nice