“રણની રેત દફન થઇ, એ વરસા જૂની વાત,
હવે કોણ કરે વિશ્વાસ, એ રણઘેલા રજપૂતની.
જો રણ ચળાવે રાય, તો ભંડારો ભરાય,
એવી વાતું સુતી માંય, એ રણઘેલા રજપુતની.”
વાત વરસો જૂની છે ને જરાક માન્યામાં આવે એવીયે નથી. હવે આવી વાતોમાં કોણ માને છે? શૂરવીરતા અને વફાદારીના જે કિસ્સાઓ રાજસ્થાનની રેતમાં દફન થઇ ગયા છે એ કિસ્સાઓને જો રેત ફંફોસીને બહાર કાઢવામાં આવે તો લગભગ એક નાનકડું પુસ્તકાલય ભરાઈ જાય પણ આપણે એટલા ઊંડાણ સુધીયે જવાની જરૂર નથી. આઝાદી પછી રાજસ્થાનના એક નાનકડા ગામમાં બનેલી નાનકડી કહાની જે શુરવીરતાનું એક મોટું ઉદાહર પૂરું પાડે તેવી છે.
“પાદરડું પંકાય એમાં ખોબા જેટલા ખોરડા
ભલી ભેસુ ને ભલી ગાય, ભલા રાસુ ને દોરડા
સો ઘર રાજપૂત જાય, બ્રાહ્મણ દરજીને નાઈ
ડાભી દસ, ચાર હરીજન ને મેઘવાળે સમાઈ.”
પદરડું ગામ એટલે ખારી નદીને કિનારે વસેલું ખોબા જેવડું ગામ. નામજ એનું પાદારડું ને હતુયે પાદર જેવડું. માંડ કરીને દોઢ સો એક ઘરની વસ્તી. મોટા ભાગના અસલ રાઠોડી રજપૂતો. લગભગ સો એક ખોરડા રાઠોડી રાજપૂતોના ને બાકી બચ્યા પચાસમાં બ્રાહ્મણ ને બાવા, દરજીને ડાભી, નાઈ ને ભોઈ બધાય આવી ગયા. ગામને છેવાડે ચારેક ઘર હરિજનોના ને ગામ બહાર બે ઘર મેઘવાળના. બસ આટલી માનવમેદની.
ગામ નાનું પણ સુખી. રાજસ્થાનમાં પાણીની તંગી તે એક ઢોર રાખવુંયે મુશ્કેલ પડે. હજુ દેશે આઝાદી જોયાને ઘણો સમય નો’તો થયો. કોઈ નહેરોનો ખાસ વિકાસ પણ નહિ એટલે રણની રેતમાં હાડમારી ભર્યું જીવન લોકોની મજબૂરી હતું. પણ પાદરડું આખા પંથકમાં પંકાય એના ઢોર માટે કરીને. એક એક ઘરે બબ્બે વાંકલા શીગડાવાળી ભેસુ ને એક બે ગોરી કે રાતી ગાય તો બાધેલી જ હોય.
“પાદરડે પેહલા જાગીરદારી ચાલતી, સોમર સરદાર પેઢી તારી માલતી,
આઝાદી ઓળખાય, પણ કોણ થાણે જાય, હજી સરકાર તારી ચાલતી.”
પાદરડા પર આઝાદી પહેલાથી રઠોડોની જાગીરદારી ચાલી આવતી હતી ને આજ દી સુધી લોકો એમનો માન મોભો જાળવી રાખતા. ગામમાં સોમરસિંહનો એ જાગીરદાર ઘરના વારસ તરીકે મોભો હતો. હોય જ ને કેમ ના હોય? ઘણા ને તો હજી ખબરેય ન હતી કે આ પોલીશ શું કે’વાય ને થાણું એટલે શું? ગામમાં કોઈ પણ તકલીફ હોય કે વાદવિવાદ હોય લોકો સોમરસિંહ પાસે પોહચી જાય. અસલ રાઠોડ રાજપૂતનો દીકરો ખાનદાનીમાં પાછો ન પડે. જે સાચો હોય એ ન્યાય સંભળાવે પછી ભલેને પોતાનો સગો દીકરોયે જો વાંકમાં હોય તો એનેય ગામ બા’ર કરી દેતા વાર ના કરે.
“વાણાં માથે વાય, ચાર મહિના ચાળીસ દીના,
આખું ગામ અનાથ એક સોમર તારા વિના.”
દેવ થયો દરબાર, રાખ તારી ઠરી ગઈ
તૂટ્યા સાતે આકાશ લોક આશ મારી ગઈ.”
ગામ આખાને સોમરસિહના ન્યાય પર ભરોસો. પણ છેલાં ચાર મહિનાથી પાદરડાને માથે સાતેય આશમાન તુટી પડ્યા હોય એવું ગામના લોકોને લાગતું હતું. એમના માથેથી છતર છીનવાઈ ગયું હતું. આજે સોમરસીહને દેવ થયાને ચાર ચાર મહિનાના વાણાં વાઈ ગયા હતા. એના સમસાનની રાખ તો ઠરી ગઈ હતી પણ પ્રજાના દિલમાં એટલો પ્રેમ ભરી ગયો હતો એ રાજપૂતનો દીકરો કે ગામ આખાના હૃદયે હજુયે એ આગ ભભુકતી હતી.
સોમરસિહના પત્ની લાડબા પતિના મૃત્યુ બાદ સાવ ભાંગી પડ્યા હતા. ક્ષત્રાણીએ તો જીદ કરેલી કે પતિ પાછળ સતી થશે. પોતે લાકડે ચડશે પણ ગામ આખું હા હા કરતુ આડું પડ્યું તું કે બા આ શું કહો છો તમે?
આપનો જોહર હજી ચૌદ વરસનો છે એના માથેથી કુદરતે બાપનું છત્ર છીનવી લીધું છે ને હવે તમે એના માથા પરથી માની મમતાએ છીનવી લેવા માંગો છો?
“મારો જોહર શુરવીરનો દીકરો છે. એ ચૌદ વરસનો થયો છે હવે એને માની મમતાની નહિ ગામ આખાની જવાબદારી લેવાની જરૂર છે.” લાડબા એ કહેલું.
“પણ બા ગામ આખુય કઈ તમારા જોહરની તોલે નહિ આવે. ગામનું એ છતર ગયુ છે.” એકે કહ્યું.
“ભલા થાવ બા.” એકે વળી પલા પાથર્યા. પણ બા માન્યા નહિ.
“તો હવે અમને સાવ અનાથ કરી દેવા છે?” શંકર ડેરાના બાવે આવી એક સવાલ કર્યો. લાડબાને કોઈ જવાબ ન સુજ્યો. ને આમેય સંસ્કારોમાં સીચાયેલ રાજપૂતાણી પોતાનો ધર્મ જાણતી હતી બાવા, બ્રાહ્મણ કે જતી ને જરૂર હોય તો ય સામો જવાબ ન દેવાય એ રાજપૂતી રીત ચાલી આવતી હતી ને લાડબા જેવા થઇ ગયા એટલે તો એ રીત ચાલતી રહી હતી.
બધાની વાત માની તો ખરી પણ લાડબા જાણે એક તાબૂત જીવતું હોય એમ જીવવા લાગ્યા. ના ખાવામાં, ના પીવામાં, ના બોલવામાં, ના ચાલવામાં, બસ એમ કહો કે એમને હવે જીવનમાંથી રસ જ જતો રહ્યો હતો. પણ કેહવાય છે ને કુદરત આકરી કસોટી જ લેતો હોય છે. આવા દુ:ખના સમયે પાદરડા માથે વળી એક આભ તૂટી પડ્યું.
લગભગ સવારના નવેક વાગ્યા હતા. કુવર જોહર એની ઉમરના છોકરાઓ જોડે ગીલ્લીદંડાની રમત રમતો હતો. રજવાડા ગયા હતા પણ હાજી મેડીઓ પર સરકારે રાજપૂતી કબજો જ રાખેલો.
મહેલના વિશાળ પટઆંગણમાં બધા એક ઉમરના છોકરા રમતા હતા. એવામાં તો ગામના પાંચ પંચોને સરકારી ચોકિયાત ને લાખો ભીલ મારતે ઘોડે આવ્યા. ઘોડા પરથી ઉતર્યા વગર જ લાખાએ હાકો દીધો, “લાડબા.”
લાડબા ફિક્કા ચેહરે બહાર આવ્યા ચાર મહિનામાં તો શરીર સાવ ઉતરી ગયું હતું. હાડખાનો માળો થઇ ગયા હતા. ચાલવાનીયે તાકાત ન હોય એમ ધીમે ધીમે બહાર આવી કહ્યું, “શું થયું પટેલ? આમ સવારથી રાડો કેમ પાડવી પડી?”
“બા વાત જ એવી છે.”
“શું વાત છે?” લાડબાની કોરી આંખોમાં જરાક તેજ આવ્યું.
“મોરણનો લખમણ વેર લેવા આવ્યો છે. ગામના સીમાડે બાર ઘોડા આંટા મારે છે ને કહેવડાવ્યું છે કે આજ એ સોમર ને મળીને જ જશે. બા એ બહારવટીયાને ગામના માથે છતર નથી રહ્યું એ ખબર નથી એટલે ગામ બહાર ઉભો છે પણ જો ખબર પડશે તો આજ ગામ ભાગ્યા વગર પાછો ન જાય.”
“તે એમાં નાહકની ચિંતા શું કામ કરો છો?” કહી લાડબાએ પ્રાંગણમાં રમતા એક છોકરાને હાકલ કરી, “નરસીહ બેટા, જોહરને કે એની મા બોલાવે છે.”
“એ જી બા.” કહેતો એ છોકરો ગયો. થોડેક દુર જોહર બીજા છોકરા ભેગો રમતો હતો એ તરફ ચાલ્યો ગયો.
“પણ જોહર…” પંચના માણસો અંદરો અંદર કૈક ગુપસુપ કરવા લાગ્યા.
ઘડી ભરમાં તો બોલો મા સા કહેતો જોહર આવી પહોચ્યો. હજુ મૂછનો દોરોય ન હતો ફૂટ્યો. ચૌદ વરસનો કાચો જુવાનીયો, પણ એના બાપ ઉપર ગયેલો તે શરીરમાં મજબુત ને દેખાવડો.
“દીકરા તારા બાપને મળવા મેમન આયો છે. બહારવટિયો લખમણ ગામને જાપે ઉભો તારા બાપને હાકલા દે છે,” લાડબા એ એટલું કીધું.
“કુવાર હજી છોકરું કે’વાય બા એને રણે ના મેલાય.” વીરમા પટેલે ઘોડા પરથી ઉતરતા કહ્યું.
“હા બા કુવારને ક્યાંક સંતાડી દો એ લખમણના હાથમાં ન આવે એવું કે’વા અમે આવ્યા’તા.” પના પટેલે કહ્યું. બસ પંચને ગામ ભાંગે એની ચિંતા ન હતી પણ કુવારને આંચ ન આવે એની ચિંતા હતી.
લાડબા એ કશું ઉતર ન વાળ્યો પણ સામો સવાલ કર્યો, “પટેલ, પંચ, તમને આ રેત કેવા રંગની દેખાય છે?”
પટેલે નીચે પગમાં રહેલી રેત તરફ જોઈ કહ્યું, “બા રેત તો રણની છે, એ પીળાસ પડતા સફેદ રંગની જ હોય ને?”
“દીકરા જોહર.”
“હા, મા સા.”
“દીકરા તને આ રેત કેવા રંગની દેખાય છે?”
“લાલ રંગ.”
પટેલ આભા બની ગયા. “અરે કુવર રેત લાલ ન હોય.” રેવા પટેલે ઉતાવળા થઇ કહ્યું.
બસ હવે લાખા ભીલથી ન રેવાયું. આતો ઉમર થઇ સાઈઠ વરસ થયા એટલે ગામની ચોકીએ બેસતો બાકી છેક જોહરના દાદા ભેગો અંગ્રેજો હામોય લાખો ધીંગાણે ગયેલો. “ શાબાશ, સા શાબાશ. પટેલ મોરના ઈંડા ચીતરવા ન પડે. કુવાર એના બાપ જેવા બહાદુર થયા છે. આ રેત તમને લાલ નહિ દેખાય પણ કુવાર ને લાલ દેખાશે કેમકે એના બાપ દાદાએ પોતાનું લોહી અહી રેડ્યું છે. રણને રજપૂતોએ પોતાના લોહીથી સીંચું છે, પછી ભલે સામે મુસલમાનો આવ્યા હોય કે બંદુકો લઇ ને અંગ્રેજો.”
“ગાંડી થઇ શું લાડડી તે ગાંડી કુજ્યે છે ગાલ,
નેરન નોધારા થયા કે પછી ખૂટ્યું તારું વ્હાલ.”
એટલામા તો અંદર થી લાડબાના સાસુ બહાર આવ્યા. એમણે કહ્યું, “દીકરા લાડ ગાંડી થઇ છો કે શું? હજી પતિને હમણા સમશાને વળાવ્યો છે અને હવે દીકરાને મોતના મુખમાં મૂકી રહી છે.”
“દાતા, રાજપૂતનો દીકરો તો રણે શોભે, એ કઈ પટેલ જેમ પંચાતે કે બાવા જેમ ડેરે ન શોભે.” બસ લાડબા એ એટલો ઉતર વાળ્યો ત્યા તો જોહરે માંણકીને સાદ કર્યો.
“ભાગતા હરણ ની ભાળ, લે માણકી ત્રેજી તન્ય,
પેલી, બીજી ને ત્રીજી ફાળ, પહોચી જોહર કન્ય.”
માણકી એટલે ભાગતા હરણનો ભેટો કરે એવી ઘોડી, એક બે ને ત્રીજી ફાળે તો માણકી કુવર આગળ આવીને ઉભી રહી. જોહર છલાંગ લગાવીને માણકી પર સવાર થયો ને માણકીને જરાક એડી મારી એટલે માણકી ધનુષમાંથી તીર છૂટે એમ છૂટી. માણકીની સવારી કરવી એટલે જાણે કે આખા આકાશની સવારી કરવી. અસલ રાઠોડી રાજપુતનું ખૂન જેનામાં વેહ્તું હોય કોક શુરવીર જ રાણકીને રાંગમાં રાખી શકે બાકી તો માણકીને પોતાના ને જમીન વચાળ રાખવાના નિષ્ફળ પ્રયત્નમાં આકાશ ભેગા થઈ જવાય.
“જુવાર સા.” કહી કુવાર પાછળ લાખા એ પોતાના ઘોડાને મારી મુક્યો. લાખો જાતનો ભીલ પણ શુરવીરતામાં રાજપૂતનેય પાછો પાડે એવો. કઈ પ્રતાપે આમજ એમને રાણાની ઉપાધી તો નહિ આપી હોય ને?
પટેલો ત્યાજ મહેલ આગળ ઉભા રહ્યા. અડધોએક કલાક વીત્યો ત્યાં લાખો પાછો આવ્યો. પટેલો પૂછવા લાગ્યા શું થયું લાખા? લાખો ઘોડેથી ઉતરી લાડબા બાજુ જોઈ બોલ્યો, “બા હું મોડો પડ્યો.”
“એ તો હું માણકી પહેલા તારો પવન આવ્યો એટલે સમજી ગઈ’તી પણ એ કે કે એકે વેરી તો જીવતો નથી ગાયોને?” લાડબા એ પુછ્યું.
“હું ઇજ કહું છું બા કે હું મોડો પડ્યો. હું ગોદરે પહોચ્યો ત્યારે તો નવરા ઘોડાજ ઉભા’તા! બારે અશવાર તો લાંબા થઈને સુતા’તા. મને એકે હારે ધીંગાણાનો મોકો જ ન દીધો કુવરે. હું મોડો પડ્યો બા.”
એ દિવસે એ પટેલો તો આભા બની લાખા ભીલ અને લાડબા વચ્ચેનો વાર્તાલાપ સાંભળતા જ રહ્યા.
“પટેલ પંચાતે ભલો ને રણે ભલો રાજપૂત
દરાદસ સુવાડી દૂત પછી સુતો સોમરસુત.”
ને પછી કોઈ ભાટ ચારણે ગાયું કે હે સોમર તું સમસાને આરામથી સુતો રેજે. તારા જોહરે દરવાજે આવેલા દરાદસ એટલેકે બારને સુવાડી દીધા છે ને પછી એ સુતો છે.
Hi dear I read your all post and I like it and I like your interests in history because todays generation is not interests in this thing