gujarati-varta-rahasya

રહસ્ય

“નીરવ, બાળકોની શાળાની ફી નથી ભરી તમે હજુ સુધી?” રેખાએ રૂમમાંથી બહાર આવતા કહ્યું.

નીરવ અને રેખા એક પછાત વિસ્તારમાં નાનકડા મકાનમાં રહેતા હતા. લગભગ એ વિસ્તારમાં મોટા ભાગના લોકો મજુરી કામ કરતા હતા અને નીરવ પણ એમાંનો એક હતો. પણ નીરવ હવે મજુરી કરીને કંટાળી ગયો હતો અને છેલ્લા કેટલાક સમયથી ચોરીના રવાડે ચડી ગયો હતો.

જો અમીરો ન આપે તો એમની પાસેથી છીનવી લો. એણે ક્યાંક સાંભળ્યું હતું અને બસ એ વાક્ય એના મનમાં ઘર કરી ગયું હતું. છેલ્લા એક વર્ષમાં એને આઠથી દસ ઘરફોડ ચોરીઓ કરી હતી અને મજુરી કામ છોડી દીધુ હતું.

“રેખા તને ખબર છે કે મેં હજી બાળકોની ફી નથી ભરી તો તું મને પૂછે જ છે કેમ? મેં ભરી હોત તો આવીને તને કહ્યું ન હોત?” નિરવે મો બગાડતા કહ્યું.

“હા, ખબર છે તમે ફી નથી ભરી પણ હું એ જ પૂછું છું કે કેમ નથી ભરી?” રેખાએ પણ રોષ ઠાલવ્યો.

“કેમ નથી ભરી? કેમ તારા બાપે અહી થાપણ મૂકી છે? ક્યાંથી લાવું રોજ રોજ પૈસા?” નિરવે કહ્યું.

“આખી દુનિયાના મા બાપ કરે છે એ બધું તમારાથી કેમ ન થાય?” રેખા દલીલ કરતી હતી.

“તમે બધા મારી ગયા હોત તો પાર આવત, મને શાંતિથી જીવવા તો મળત.” નિરવે ચીસ પાડીને કહ્યું.

રેખાની આંખોમાં આંસુ આવી ગયા. એ  શબ્દો એની છાતીમાં તીરની જેમ ખૂંચી રહ્યા હતા. નીરવ એ તરફ ધ્યાન આપ્યા વિના જ ઘર બહાર નીકળી ગયો.

રેખા રડતી રહી. એને એ વાતનું દુ:ખ હતું કે કદાચ નીરવને એની પડી ન હતી તો કાઈ નહિ પણ એ બાળકો એ એના બાળકો માટે મરી કેમ ન ગયા જેવા શબ્દો કઈ રીતે વાપરી શકતો હતો? કોઈ વ્યક્તિ પોતાના પરિવાર માટે એ શબ્દો કઈ રીતે વાપરી શકે?

નિરવ ઘર બહાર નીકળ્યો. એના મનમાં વિચારો દોડ્યે જતા હતા. શું કરવું? શું ન કરવું? એણે એક કોલ્ડ સ્ટોરેજ પર મજુર તરીકે કામ કર્યું હતું પણ આખો દિવસ બટાકાના કટ્ટા ઉપડ્યા બાદ પણ એને સાંજે બસો રૂપિયા માંડ મળતા હતા. એ એક દીકરાનો અને એક દીકરીનો બાપ હતો. ઘરના ખર્ચા દિવસે ને દિવસે વધતા ગયા અને એ એને પહોચી વળવા નિષ્ફળ રહ્યો હતો. ચોરીના ધંધે લાગ્યો પણ એમાય હજુ સુધી ખાસ કાઈ હાથ લાગ્યું ન હતું. ક્યારેય મેળ પડે અને એમાય મળી મળીને બે ચાર હજાર હાથ લાગતા. મહિનામાં બે ચાર હજાર મળે એથી શું વળે?

નીરવ છેલ્લા એક અઠવાડિયાથી એક ઘર પર નજર રાખી રહ્યો હતો. એણે બધી માહિતી ભેગી કરી હતી. એ ઘરમાં કોઈ અમીર કપલ રહેવા આવ્યું હતું. એ બંગલો વર્ષોથી બંધ હતો અને એ ખરીદનાર કપલ પાસે ઘણા રૂપિયા હશે જ એમ નીરવને અંદાજ હતો. એણે મોટા ભાગની માહિતી મેળવી લીધી હતી કે એ ઘરમાં માત્ર બે જ વ્યક્તિ હતા. કોઈ ત્રીજું વ્યક્તિ ત્યાં હોવાની શક્યતા જ ન હતી. છેલ્લા એક અઠવાડિયાથી નિરવ એ બંગલા પર નજર રાખતો હતો.

નિરવ આખો દિવસ શહેરમાં આમતેમ ભટકતો ગયો અને લગભગ રાતના દસેક વાગ્યે એ બંગલાથી થોડેક દુરના સ્થળે છુપાઈને એના પર ધ્યાન રાખવા લાગ્યો. આજે એણે એ ઘરમાં ચોરી કરવાનું નક્કી કરી લીધું હતું.

“મારે પકડાવાનું નથી..” બસ એ એક જ વિચાર સાથે એ બંગલાની તમામ લાઈટો બંધ થાય એની રાહ જોઈ રહ્યો હતો. એને છેક ત્રણેક વાગ્યા સુધી લાઈટો બંધ થવા માટે રાહ જોવી પડી એ ક્યારેક પોતાની જાતને તો ક્યારેક પોતાના પરિવારને અને ક્યારેય એ બંગલામાં આવનાર કપલને ગાળો ભાંડતો શિયાળાની ઠંડી રાતમાં ત્રણ વાગ્યા સુધી એક જ સ્થળે છુપાઈ રહી લાઈટો બંધ થવાની રાહ જોતો રહ્યો.

લાઈટ બંધ થયા બાદ પણ એણે અડધો એક કલાક રાહ જોઈ અને ત્યારબાદ બંગલા તરફ આગળ વધ્યો. એણે પોતાના ચહેરાને રૂમાલથી બાંધી લીધો. તે ઘરની આસપાસ રહેલા વૃક્ષોના સહારે લપાતો છુપાતો બંગલા તરફ આગળ વધવા લાગ્યો.

આકાશમાંથી ચંદ્રનું ઝાંખું અજવાળું રેલાઈ રહ્યું હતું પણ એ અજવાળું રાતના અંધકાર સામે કાઈ ન હતું. એ અજવાળું એ ચોરનો પડછાયો રચી શકે એટલું શક્તિશાળી પણ ન હતું. કદાચ એ વૃક્ષોના સહારે આગળ ન વધ્યો હોત તો પણ એને કોઈ જોઈ શકે તેમ ન હતું પણ એ કોઈ જોખમ લેવા માંગતો ન હતો.

શિયાળાની ઠંડી હવા કાતિલ બનીને બહાર ફરી રહી હતી એટલે ક્યાય દુર દુર સુધી પણ કોઈ માણસ ઘરની બહાર હોવાની શક્યતા પણ ન હતી. નીરવ નિશ્ચિત હતો. અંધકાર ઠંડી અને રાત જાણે એના ત્રણ સાથી હોય એમ એની મદદ કરી રહ્યા હતા અને ચોરે એ સાથીઓને કોઈ હિસ્સો પણ આપવાનો ન હતો.

નીરવનું શરીર જરાક ધ્રુજી રહ્યું હતું. કદાચ ઠંડીને લીધે. ના, એ ઠંડીમાં તો આખી રાત ત્યાં બેઠો હતો પણ એ ડર કદાચ કોઈ અજ્ઞાત ડર હતો જેનું નામ માત્ર એ ચોર જ જાણતો હતો – પકડાઈ જવાનો ડર.. જેલના સળિયા પાછળ ધકેલાઈ જવાનો ડર… પોલીસની માર સહન કરવાનો ડર… એવા તો અનેક ડર એના શરીરમાંથી ધ્રુજારી ઉત્પન્ન કરીને જઇ રહ્યા હતા અને છતાં એ પોતાની જાતને ભાંડતો પોતાના પરિવારને ભાંડતો આગળ વધ્યે જઇ રહ્યો હતો. કદાચ એનામાં એક વધુ ડર ભળેલો હતો જેનું નામ એ ચોર જાણતો ન હતો… અનૈતિક કામ કર્યાનો ડર… ગુનો કર્યાનો ડર… ભગવાનનો અપરાધી બન્યાનો ડર પણ એ સમયે એ ચોર માટે એ બધા ડર કોઈ મહત્વ ધરાવતા ન હતા..

એ ડર એના માટે કાઈ મહત્વ ધરાવતા ન હતા કેમકે એની આંખો સામે હતો એક વિશાળ બંગલો જેની આસપાસ રહેલ પાંચેક ફૂટની દીવાલ કુદીને એને એમાં દાખલ થવાનું હતું અને ત્યાર બાદ કોઈ કમજોર હિસ્સો શોધવાનો હતો જ્યાંથી એ બંગલાના મુખ્ય હોલમાં દાખલ થઇ શકે

એ બંગલા બહાર રહેલ પાંચેક ફૂટની દીવાલ કુદીને અંદર પડ્યો. એણે અઠવાડિયાથી નજર રાખી હતી કે એ ઘરમાં કોઈ ચોકિયાત ન હતો એટલે એ ડર ન હતો. ચોકિયાત શું એ ઘરમાં કોઈ કુતરો પણ ચોકી માટે રાખેલ ન હતો. કદાચ બંગલાનો નવો  માલિક એકદમ બેફીકર માણસ હતો. એને કોઈ ડર ન હતો.

કદાચ કોઈ પણ ડર અને કોઈ પણ દુ:ખ વિના જીવવું એ માત્ર આ ખુશનસીબ અમીર માણસો માટે જ છે. ચોરે વિચાર્યું. તેણે બંગલાની ફરતે એક ચક્કર લગાવ્યું. ખરેખર એણે વિચાર્યું હતું એ મુજબ જ એ નવો માલિક એકદમ બે-ફિકર હતો… બંગલાની પાછળની બારી પર લોખંડની જાળી લગાવેલ ન હતી.

ચોર એક પળ માટે ખુશીથી નાચી ઉઠ્યો અને પછી પોતાની જાતને સંભાળતો આગળ વધ્યો. કોઈ લાઈટ ન હતી.. એક ઝાંખો બલ્બ પણ નહિ. ત્યાં માત્ર એ ચોર અને ચંદ્રનું ઝાંખું અજવાળું હતું. બંગલામાં કોઈ જાગતું નહી હોય એની ચોરને ખાતરી હતી.

ફરી ચોરે એ બંગલામાં રહેતા કપલને એક ગાળ ભાંડી… સાલાઓ અડધી રાત સુધી રોમાન્સ કરે છે ને છેક ત્રણ વાગ્યે સુવે છે.. કેવા ખુશનસીબ છે.. અને હું રોજ બૈરી સાથે ઝઘડો ને મારપીટ. ચોરે એક પળ માટે એનું પોતાનું લગ્ન જીવન યાદ કર્યું. એને એ લગ્ન જીવનમાં અને નરકમાં કોઈ ખાસ ફરક ન દેખાયો. એના મનમાં ઘર પત્ની કે પરિવાર પ્રત્યે કોઈ લાગણી ન હતી. એ વિચારી રહ્યો હતો કે એ બધું બસ અમીર વ્યક્તિઓ માટે છે ગરીબ માણસ ક્યારેય પરિવારને સુખ આપી શકતો નથી માટે એને પરિવાર હોય કે ન હોય એનાથી કોઈ ફરક પડતો નથી.

ચોરના વિચારો એ પોતે જે કામ કરવા જઇ રહ્યો હતો એના કરતા પણ ઘટિયા હતા કદાચ એટલે જ એણે ક્યારેય એ ચોરી જેવા નીચ કામને નીચ માન્યું ન હતું.

એ બારી ખોલી ત્યાંથી અંદર દાખલ થયો.. એ અંધારી રાત એ અંધારો બંગલો… કાઈ દેખાય તેમ ન હતું.. ચોરે પોતાની નાનકડી ટોર્ચ લાઈટ નીકાળી અને આમતેમ ફેરવી… ટોર્ચનો પ્રકાશ બારીથી બહાર ન જાય એનું એણે પૂરું ધ્યાન રાખ્યું હતું. જોકે એને ડરવાની જરૂર ન હતી કેમ કે એણે ટોર્ચના બલ્બ પર એક આછું કપડું બાંધેલું હતું જેથી એ ટોર્ચનો પ્રકાશ ઝાંખો બની જાય અને માત્ર તેને જ દેખાય દુરથી કોઈને દેખાય નહી. એ એના પ્રોફેશનમાં હોશિયાર હતો.. કાશ! એણે પોતાની એ હોશિયારી કોઈ અન્ય કામમાં વાપરી હોત! એ કોઈ અન્ય પ્રોફેશનમાં બેસ્ટ બન્યો હોત!!!

ટોર્ચનો પ્રકાશ એકા એક મુખ્યખંડમાં બનાવેલ નાનકડા મંદિર પર પડ્યો.. ચોરને ભગવાનમાં કોઈ રસ ન હતો પણ એની આંખોએ એ મૂર્તિ પર રહેલ સોનું જોઈ લીધું હતું.. એ મૂર્તિ તરફ ગયો… સાચે જ કદાચ એના નશીબ એની સાથે હતા… કદાચ એને જેકપોટ લાગી ગયો હતો… સોના અને ચાંદીના ઘરેણાથી એ મૂર્તિ શોભી રહી હતી…

ચોરના હોઠ જરાક મલક્યા… કદાચ આ જ ભગવાન પણ મને સાથ આપી રહ્યો છે એણે મૂર્તિ તરફ નજર કરી.. એ મૂર્તિને ઓળખતો હતો… એ શિવની મૂર્તિ હતી… એ મહાદેવ હતા.. એ ફરી એકવાર હસ્યો… પોતાને એ સોનું મળ્યું એ માટે નહિ પણ કદાચ આ વખતે એ હાસ્ય કોઈ અન્ય કારણસર હતું – એ શિવની મૂર્તિ પર હસી રહ્યો હતો.. ચોરને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો.. એની મા કમો આવા જ એક બંગલામાં કામ કરતી હતી અને એ બંગલામાં કામ કરવા જતી ત્યારે એ પણ મા સાથે જતો.. બંગલામાં એણે મા સાથે મંદિરની સાફ સફાઈમાં ઘણીવાર મદદ કરી હતી… માએ એને અનેક વખત કહ્યું હતું કે એ ભગવાન શિવ છે, દેવોના દેવ મહાદેવ… એ માગે તે આપી દે છે માટે લોકો એમને ભોલેનાથ પણ કહે છે..

કદાચ ચોરનું એ હાસ્ય એની મા એ કહેલા એ જુઠ્ઠા શબ્દો પર હતું કેમેકે થોડાક દિવસો બાદ એ ઘરમાં ચોરી થઇ.. ના, એ ચોરી આ ચોરે ન હતી કરી.. આપણો આ ચોર એ વખતે માત્ર બાર વરસનો બાળક હતો.. એ ચોરી એની માએ પણ નહોતી કરી કેમકે એ ભગવાનમાં માનનારી અને વિશ્વાસ ધરાવનારી એક સારા સ્વભાવની સ્ત્રી હતી જે લોકોને ઘરે કામ કરીને વિધવા હોવા છતાં પોતાના બાળકને ભણાવવા માંગતી હતી પણ એ ચોરી કોણે કરી હતી એનો પતો ન લાગ્યો અને એ ઇલઝામ એ સ્ત્રી પર આવી ગયો. એ મા પર આવી ગયો જેને મહાદેવ પર વિશ્વાસ હતો.. એને પોલીસમાં સોપી દેવાઈ અને છ મહિના બાદ જયારે એ જેલ બહાર નીકળી ત્યારે એ સજ્જન મા પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો બચ્યો ન હતો કેમકે એને ફરી હવે કોઈ કામ આપે તેમ ન હતું. એનું નામ એક ચોર તરીકે બદનામ થઇ ગયું હતું.

મા ગુમાવ્યા બાદ ચોર એ શહેર છોડી બીજા શહેરમાં ચાલ્યો ગયો, મજુરી કરી રખડ્યો અને પોતાના જેવા જ અભાગી અને મજુર વર્ગના લોકો જ્યાં રહેતા હતા ત્યાં રહેવા લાગ્યો.. ત્યાની એક એવી જ અનાથ યુવતી રેખા સાથે લગન કર્યા અને આખરે આજે બે બાળકોનો પિતા હતો.

એકાએક હોલની લાઈટો ચાલુ થઇ.. ચોર વિચારોમાંથી બહાર આવ્યો. એ એકદમ ડરી ગયો કેમકે સામે બંગલાનો માલિક એની સામે ગન તાકીને ઉભો હતો…

“કોણ છે તું?” બંગલાના માલિકે ગન એની તરફ તાકતા કહ્યું, “તારા ચહેરા પરથી રૂમાલ હટાવ.”

ચોર પોતાનો ચહેરો બતાવવા માંગતો ન હતો પણ સામેવાળાના હાથમાં ગન હતી એનો હુકમ માન્યા સિવાય કોઈ છૂટકો ન હતો.

“મારું નામ નીરવ છે.” ચોરે પોતાના ચહેરા પરથી રૂમાલ હટાવતા કહ્યું.

“શું કરી રહ્યો હતો?”

“ચોરી..” નિરવે કહ્યું કેમકે જુઠ્ઠું બોલવાનો કોઈ અર્થ ન હતો.

“શું થયું? કોણ છે?” અંદરના એક રૂમમાંથી મહિલાનો આવાજ આવ્યો, “શું કોઈ ચોર છે?”

“ના, એક જુનો મિત્ર મળવા આવ્યો છે.. પોલીસને ફોન ન કરીશ.” બંગલાના માલિકે કહ્યું.

નીરવ નવાઈ પામ્યો. કદાચ એ બહુ અજીબ હતું. એને કાઈ સમજાયુ નહિ.

“કેમ ચોરી કરે છે?” બંગલાનો માલિક જાણે કોઈ ઈન્ટરવ્યું લઇ રહ્યો હોય એમ પ્રશ્નો પૂછી રહ્યો હતો, “તને એવા કામ કરતા શરમ નથી આવતી?”

“ના, મને શરમ નથી આવતી… મને પોલીસમાં પકડાવવો હોય તો પકડાવી દો અને ગોળી મારવી હોય તો પણ છૂટ છે કેમકે હું એમ પણ જીવનથી કંટાળેલ છું મને જીવવાનો કોઈ શોખ નથી બસ બૈરી અને છોકરા મરી જાય તો આજે મરી જાઉં પણ એ કમબખ્ત મરતા જ નથી અને એમના પહેલો હું મરું તો મને ખબર છે મારા બાળકોને પણ મારા જેમ ચોર જ બનવું પડે.” નિરવે સામેવાળાના હાથમાં રહેલ ગન કે પોલીસના ડર વિના સંભળાવ્યું.

“તને પોતાનો પરિવાર મરી જાય એવું વિચારતા કાઈ થતું નથી..??? તારી જીભ કપાઈ નથી જતી..???” ગન વાળા માણસે ફરી સવાલ કર્યો.

“ના મને એ બોલતા કાઈ નથી થતું.. તમારા માટે પરિવાર લાગણી હોય છે કેમકે તમારી પાસે પૈસા છે અને તમે એમને ખુશ રાખી શકો છો.. પણ મારા જેવા માણસ માટે પરિવારને ભૂખે મરતા જોવા કે બાળકોને શાળામાંથી ધક્કા મારી બહાર નીકાળી દેતા જોવા કરતા એમના મરી જવા વિશે વિચારવું યોગ્ય છે.” નિરવે કહ્યું, “તમને એ નહિ સમજાય કેમકે તમે ગરીબીનું સાચું ચિત્ર જોયું જ નથી. તમને ખબર જ નથી કે દુ:ખ એ શું છે માટે તમને આ બધી ચીજો શરમરૂપ લાગે છે.”

“તને એમ લાગે છે કે મને ખબર નથી કે દુ:ખ શું છે? હા મને ખબર છે દુ:ખ એ શું છે… તારે જોવું છે?” કહી એ બંગલાનો માલિક ચોરને પોતાના બેડરૂમમાં લઇ ગયો. ત્યાં એ બંગલાના માલિકની પત્ની છેલ્લા શ્વાસ લઇ રહી હોય એવા હાલમાં સુતી હતી.. એ કોઈ ગંભીર બીમારીનો શિકાર હતી.

“શું થયું છે એમને?” ચોરે ફાટી આંખે કહ્યું.

બંગલાના માલિકે એને કાઈ જવાબ ન આપ્યો બસ એને બહાર લઇ આવ્યો. ફરી બંને બંગલાના મુખ્ય ખંડમાં હતા.

“તારે જાણવું છે ને એને શું બીમારી છે?”

“હા.” ચોરે હકારમાં માથું ધુણાવ્યું.

“એને કોઈ બીમારી નથી… જ્યારથી અમારો સાત વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો છે એ પાગલ બની ગઈ છે… ક્યારેક ખાય છે તો ક્યારેક નહિ… એ પોતાનું દુખ ભૂલી જાય એ માટે અમારું શહેર બદલી નાખ્યું… હું એને આ શહેરમાં લઈને આવ્યો છું પણ કોઈ ફરક પડ્યો નથી.. બોલ હવે મારી આ સંપતી, આ નાણા આ સોનું આ ચાંદી કોઈ કામનું છે?”

ચોરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા શું બોલવું એ એને કાઈ સુજી રહ્યું ન હતું.

“હું ફરી ક્યારેય ચોરી નહિ કરું અને પરિવાર એ શું છે એ મને સમજાઈ ગયું છે…. પરિવાર માટે પૈસા કમાઈ શકાય છે પણ પરિવાર વિના પૈસાનો કોઈ અર્થ નથી હોતો.” ચોરની આંખોમાં હજુ આંસુ હતા.

“આ સોનું અને ઘરેણા લઈને તું હવે જઇ શકે છે.” બંગલાના માલિકે કહ્યું.

“ના, હું નહિ લઉં.” ચોરે કહ્યું.

“કેમ?”

“કેમકે મને સમજાઈ ગયું છે કે અમુક વાર ભગવાન તમને ગરીબ બનાવી કોઈ એવી અમુલ્ય ચીજ આપી દે છે જે પૈસાથી ક્યારેય નથી પામી શકાતી.. હું મારા હક વિનાની કોઈ ચીજ નહિ લઉં.”

“તું લઇ શકે છે એમ પણ હું આ બંગલો અને મારી હવેલી દાનમાં આપી દેવાનો છું પણ મને વચન આપ કે તું ફરી ક્યારેય આવું પાપ નહિ કરે કેમકે પાપની સજા અચૂક મળે જ છે.”  બંગલાના માલિકે કહ્યું.

“હું વચન આપું છું કે હું હવે ક્યારેય ચોરી નહિ કરું પણ આ દાગીના કે સોનું હું નહિ લઉં.” કહી એ ચોર ચુપચાપ બંગલા બહાર નીકળી ગયો. એણે જતા પહેલા એક નજર શિવની એ મૂર્તિ તરફ કરી.. એને સમજાયું શિવ માત્ર મૂર્તિમાં જ નથી હોતા ક્યારેક ક્યારેક એ કોઈ બંગલાના માલિક બની હાથમાં ગન લઈને પણ મળે છે…. દર વખતે એમને ઓળખી શકાતા નથી કેમકે તેમને ત્રણ આંખો નથી હોતી પણ એમને ઓળખી શકાય તો એ ઓળખનારની આંખો ખોલી નાખે છે… પોતે ફરી ક્યારેય ચોરી નહ્યી કરે એ નિર્ણય સાથે ચોર ઘર તરફ જવા લાગ્યો.

બંગલાનો માલિક પોતાના બેડરૂમમાં ગયો.

“ફરી કોઈ ચોર હતો?”  પલંગ પર સુતેલ મહિલાએ પૂછ્યું.

“હા.. એ દસ નંબર હતો.. એણે પણ મને વચન આપ્યું છે કે એ ફરી ચોરી નહિ કરે.” બંગલાના માલિકે કહ્યું.

“પણ તમે આમ ચોરોને ક્યાં સુધી સુધારે જશો?” પલંગ પર સુતેલ અર્ધ પાગલ સ્ત્રીએ પૂછ્યું.

“હું ચોરને નથી સુધારી રહ્યો… મારા પરિવારે કરેલ એક ભૂલને સુધારી રહ્યો છું… મારા પિતાજીએ ભૂલમાં અમારા ઘરમાં કામ કરતી એક સ્ત્રીને ચોર સમજી એને જેલ મોકલી હતી અને એ નિર્દોષ સ્ત્રીએ જેલથી છુટ્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી એ પાપની સજા જ આપણે અત્યાર સુધી ભોગવી રહ્યા છીએ… ત્યારથી આજ સુધી હું રોજ આપણા બંગલાની પાછળની બારીને જાળી નથી રાખતો જેથી ચોર ઘરમાં આવી શકે અને જયારે એ આવે ત્યારે હું એમને અમુક રકમ આપી દઉં જેથી એમને ચોરી ન કરવી પડે.. કેમકે ઘણીવાર એ ચોરોએ કરેલી ચોરીની સજા અમારા ઘરમાં કામ કરતા કમો નામના સજ્જન મહિલા જેવા લોકોએ પોતાનો જીવ આપીને ભોગવવી પડે છે. હું હજુ એ ઘટના બદલ પસ્તાવો કરી રહ્યો છું. મારા પિતાજી પણ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમને પસ્તાવો થયો હતો કેમકે એ સ્ત્રી મૃત્યુ પામ્યા બાદ અસલ ચોર પકડાયો હતો અને અમને એની માફી માનવાનો પણ અવસર ન મળ્યો કેમકે એ કમોનો દીકરો પણ શહેર છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો અને એ ક્યા ચાલ્યો ગયો એની કોઈને જાણ ન હતી.” બંગલાના માલિકે કહ્યું.

કેટલું વિચિત્ર હતું જે લોકોના લીધે નીરવનું જીવન બરબાદ થયું હતું અને એ એક ચોર બન્યો હતો એ જ લોકોને લીધે નિરવ સુધરી ગયો હતો અને બંને કામ અજાણતા થયા હતા… એ લોકોને ખબર પણ ન હતી. એ રહસ્ય રહસ્ય જ રહ્યું…..

વિકી ત્રિવેદી ‘ધ અર્બન રાઈટર’

Comment here