gujarati-varta-raat

રાત…..

એ ઉદાસ અને અંધારી રાત હતી. વરસાદે માજા મૂકી દીધી હોય એમ લાગતું હતું. હજુ રાતના બાર જ વાગ્યા હતા પણ વરસાદ, અંધકાર અને ઉદાસીનું સામ્રાજ્ય એવું છવાયેલું હતું કે ક્યાય કોઈ માણસ તો શું રસ્તા પર રખડતું કુતરું કે સ્ટ્રે કેટલ પણ નજરે ન હતું પડતું. બસ એ વરસાદના અવાજમાં ક્યાક ક્યાંક દેડકાનો કર્કશ અવાજ તો ક્યાંક ક્યાંક તમરાનો તીણો અવાજ રાતને વધારે બિહામણી બનાવી રહ્યો હતો.

ધીમે ધીમે વારસાદ નું જોર ઘટ્યું અને આખરે એ તોફાની વરસાદ કોઈ સંસકારી બાળકની જેમ શાંત થઇ ગયો. થોડીક વારમાં જ બધું પહેલા જેવું થઇ ગયું, શાંત અને સ્થિર. પણ એ અંધકાર અને ઉદાસી એમને એમ ઉભા રહ્યા. એ જાણે જવાનુ નામ જ ન હતા લેતા. એમને સાથ આપવા માટે ત્યાં એક અડીખમ બંગલા સિવાય કોઈ ન હતું. એ બંગલામાં પણ એ રાત જેવી જ ઉદાસી ફેલાયેઈ હતી.

બંગલાના એક રૂમ સિવાય બધે એજ અંધકાર અને નીરવતા છવાયેલા હતા. બસ એક રૂમમાં ઉજાસ હતો. એ રૂમમાં ખૂણા પરના ટેબલ પર દારૂની અડધી ખાલી બોટલ, છાપાં, કેટલાક એડલ્ટ મેગેજીન અને એક અધખુલ્લું પુસ્તક અને એવી કેટકેટલીય ચીજો અસ્તવ્યસ્ત પડેલી હતી. રૂમમાની અન્ય ચીજોને જોતા પણ એવું ક્યાય ન હતું લાગતું કે કોઈ કાળજી લેવાઈ હોય. શરાબની અધખુલ્લી બોટલનું ઢાકણ ટીપોયની બાજુમાં ફ્લોર પર હતું અને ટીપોય પર રાતનું વધેલું બાઈટીંગ પણ એમજ એક છાપાના કાગળ પર વિખેરાયેલું પડ્યું હતું.

કોઈ જ ચીજની કાળજી ન લેવાયેલ એ રૂમમાં એક વાતની કાળજી જરૂર લેવાયેલ હતી. રૂમનો દરવાજો અંદરથી બરાબર ધ્યાનપૂર્વક બંધ કરાયેલ હતો. દરવાજાને મજબુત આંગળો લગાવેલો હતો. રૂમની એકમાત્ર બારી પણ અંદરથી મજબુત સ્ટોપર વડે હવાચુસ્ત બંધ કરાયેલી હતી. કદાચ એ એર કંડીશન રૂમ હતો.

અચાનક બહાર ક્યાંક કૂતરાનો રડવાનો અવાજ સંભળાયો અને ત્યારબાદ તેનો પડઘો પાછો આવી એ મોટા બંગલાની જૂની દીવાલો સાથે આથડાયો. એ પડઘો શમે એ પહેલા જ એને અનુસરતા એવાજ છ સાત અવાજો એનામાં ભળી ગયા અને જાણે કે એક રાગમાંથી સાત રાગ થઇ ગયા. એ અંધારી રાતમાં કોઈ બહાર ન હતું નહીતર એ સપ્તરાગી અવાજ સાંભળતા જ એનું કાળજું ફાટી જાય કે હ્રદય ધબકવાનું બંધ કરી નાખે તેવી અસર એ અવાજમાં હતી.

પણ સદનસીબે કોઈ બહાર ન હતું, માત્ર અંધકાર સિવાય. કદાચ એ કાળી રાત કોઈનો જીવ લેવા ન હતી માંગતી. કમસે કમ કોઈ બહાર રહેલ નો તો નહી જ.

એ સાત રંગી અવાજ સાંભળી રુમના એન્ટીક બેડ પર સુતેલ પછીસ છવીસ વરસનો યુવક તેજસ ચૌધરી સફાળો બેઠો થઇ ગયો.

શું એણે કોઈ ખરાબ સ્વપ્ન જોયું હતું?

કદાચ એ પેલા આવજની અસર હતી.

કે પછી એ કાળી રાતને પોતાનો શિકાર મળી ગયો હતો?

તેજસને પોતાના સ્વભાવ અને કર્મોના લીધે ઘણા દુશ્મનો હતા આથી એ હમેશા સચેત રહેતો. એને યાદ હતું એણે દરવાજો અને બારી બરાબર બંધ કરેલા હતા.

રૂમમાં આટલો અંધકાર કેમ? હું તો લાઈટ ચાલુ મુકીને સુતો હતો. એને વિચાર્યું.

એને બરાબર યાદ હતું રાતનો છેલો પેગ લેતા લેતા એ સાડા બારે વધેલું બાઈટીંગ ટીપોય પર અને બલ્બ ઓન છોડીને જ સુઈ ગયો હતો.

બધું બરાબર તો છે ને? એના મનમાં એક જબકારો થયો. તેને કઈક અજુગતું લાગી રહ્યું હતું. કહે છે ને કે આફત પહેલા હમેશા એધાણ આપે છે. કદાચ તેજસ પણ એ આફતનું એધાણ સમજી ગયો હતો પણ એ શું હશે એ એને સમજાઈ ન હતું રહ્યું.

પોતાના બેડમાં થી રોલ કરી એ ઉભો થયો, એ અંધારામાં જ સ્વીચ બોર્ડ તરફ સરક્યો. અંધારા માં પણ વ્યક્તિ પોતે દિવસે જોયેલ વસ્તુ ક્યા છે એ તેને યાદ હોય છે. તેજસને પણ યાદ હતું, દરવાજાથી સહેજ ડાબી તરફ સ્વીચ બોર્ડ હતું. એ ત્યાં સુધી પહોચ્યો, એણે દીવાલ પર હાથ ફેરવ્યો, સ્વીચ બોર્ડ શોધવા એના હાથ અધીરા બન્યા પણ સ્વીચ બોર્ડ ત્યાં ન હતું. હા, દીવાલ પર ક્યાય કોઈ સ્વીચ બોર્ડ ન હતું.

એર કંડીશન રૂમમાં પણ તેજસના કપાળ પર પરસેવો વળી ગયો, તેને સમજાઈ ન હતું રહ્યું, એ કઈ રીતે શક્ય હતું? શું એ પોતાના ઘરને બદલે કોઈ અન્ય સ્થળે હતો?

તેણે રૂમનો દરવાજો ખોલ્યો અને બહાર કોરીડોરમાં આવ્યો. કોરીડોરના બીજી તરફને છેડે ઝીરો વોલ્ટનો બલ્બ વાયરની મદદથી લટકતો હતો.

પણ એ હલી કેમ રહ્યો હતો?

કદાચ પવન ના લીધે.

તેજસે પોતાની જાતને કારણ આપ્યું પણ એ સાથેજ ઠંડી હવાનું એના શરીરને ધ્રુજાવતી ઝડપથી પસાર થઇ ગઈ. તેને પોતાના કોટને હાથથી પકડી પોતાના શરીર પર મજબુત રીતે દબાવ્યો.

જે બલ્બનું અજવાળું કોરીડોરમાંથી અંધકારને ભગાડવા મથી રહ્યું હતું પણ એ ઝાંખા પ્રકાશનું કેટલું ગજું, માંડ મો સુજણું કરવામાંય એ નિષ્ફળ નીવડે તેમ હતો.

તેજસે જોયું એ ઝાંખો પ્રકાશ દીવાલ પરના ભીત ચિત્રો, અસ્ત વ્યસ્ત ગોઠવેલ જુનું રાચરચીલું અને તેના પર ક્યાંક ક્યાંક બાજેલા કરોળિયાના જાળા સિવાય કોઈ ચીજ પર ઉજાસ પાથરવામાં નિષ્ફળ હતો.

પણ આ શું હતું? પોતના કોરીડોરમાં તેજસે આ બધી ચીજો ક્યારેય જોઈ ન હતી. તેજસને ખાતરી થઇ ગઈ એ પોતાના ઘરમાં ન હતો, શું એ ખરેખર અન્ય સ્થળ હતું?

તેના મનમાં એક અજાણ્યો ભય પેદા થવા લાગ્યા. કોરીડોરને અંધકારથી મુક્ત રાખવાની ચળવળના છેલ્લા સાથી જેવો એ બલ્બ પણ ઝબકારા મારવા લાગ્યો અને આખરે બધું અંધકારના હવાલે કરી એ શાંત થઇ ગયો. પેલા ભીત ચિત્રો, જુનું અજાણ્યું રાચરચીલું અને તેના પર બાજેલા કરોળિયાના જળ અંધકારમાં અદશ્ય થઇ ગયા. એવું લાગી રહ્યું હતું જાણે રાત બધું જ ગલી જવા માંગતી હતી, એ વર્ષોની ભૂખી હતી કે કદાચ રોજ રાતે એટલી જ ભૂખી થતી હતી.

તેજસ દોડીને પોતાના રૂમના દરવાજા તરફ જવા લાગ્યો, પણ જેવો તે દરવાજે પહોચ્યો તેનું હ્રદય તેની છાતીના પોલાણમાંથી બહાર આવી ગયું હોય તેમ એને લાગ્યું, એ ચીસ પાડવા ગયો પણ જાણે એનું કાળજું એના મોમાં આવી ગયું હોય તેમ એને લાગ્યું. તે ચીસ પણ ન પાડી શકયો…!!

તેણે દરવાજાને ધકેલ્યો પણ દરવાજો અંદરથી બંધ થઇ ગયો હતો.

અંદરથી એ દરવાજો કોણે બંધ કર્યો?

“કોન્ગ્રેચ્યુલેશન તેજસ.” એના કાન સાથે એક ધીમો પણ ડરાવણો અવાજ અથડાયો.

તેજસ એ અવાજ ઓળખતો હતો. એ એના મિત્રનો અવાજ હતો, એ નીલનો અવાજ હતો.

તેજસ ધ્રુજવા માંડ્યો. તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. એને એવું લાગી રહ્યું હતું જાણે કે એ શ્વાસ લેવાનું ભૂલી રહ્યો હતો.

“કોન્ગ્રેચ્યુલેસન માય ફ્રેન્ડ.” ફરી એજ અવાજ પણ ઉતાવળો અને વધુ ડરાવણો.

નીલ…તેજસ એ અવાજને સારી રીતે ઓળખી ચુક્યો હતો.

પ..પણ..એ કઈ રીતે શક્યું હતું? નીલ તો….? એના વિચારો લથડવા માંડ્યા હતા, કદાચ મગજના ન્યુરોન્સ ને પુરતું લોહી અને ઓકસીઝન ન હતો મળી રહ્યો.

બે મહિના પહેલા જ કોલેજમાં એન્યુઅલ ડાંસ કમ્પીટીશનમાં ફર્સ્ટ આવવા તેજસે નીલની બાઈકનો અક્સમાત કરાવ્યો હતો. તેજસની ઈચ્છા એને મારી નાખવાની ન હતી બસ નીલ એ સ્પર્ધામાં ભાગ ન લઇ શકે એટલું જ તે ઈચ્છતો હતો પણ ઘણીવાર ઘટના પર કોઈનું નિયંત્રણ નથી રહેતું.

તેજસ જાણતો હતો કે નીલ ભાગ લેશે તો  તેના માટે જીતવું અશક્ય હતું. એટલે મામુલી અકસ્માત… પણ એ નીલ નો જીવ લઈ ગયો….!!

“કકક…કોઈ છે?” તેજસે ચીસ પાડી.

“હા, ચોક્કસ.” એજ શાંત પણ ડરાવણો અવાજ એના કાને અથડાયો.

બીજી જ પળે તેજસે પોતાના ખભા પર એક હાથ અનુભવ્યો, તેણે પાછળ નજર ફેરવી પણ ત્યાં કોઈ ન હતું.

તેણે ચારે તરફ નજર ફેરવી પણ કોઈ દેખાયું નહી.

અચાનક એક ઝબકારા સાથે પેલો ઝાંખો બલ્બ ચાલુ થયો, તેના અજવાળામાં તેજસને એક પડછાયો દેખાયો. તે એક યુવક નો પડછાયો હતો. પણ ત્યાં એના સિવાય કોઈ ન હતું. ધીમે ધીમે એ પડછાયો એની નજીક આવવા લાગ્યો.

તેજસ આંખો બંધ કરે એ પહેલા એણે છેલી વસ્તુ જોઈ- એણે એ પડછાયાને પોતાના પર કૂદતો જોયો.

એ પડછાયો તેજસ પર કુધો, એના પર હુમલો કર્યો.

તેજસના ગળામાંથી એક ચીસ નીકળી!

એક અસહાય ચીસ!

એક ડરવાની ચીસ!

એક નિસહાય ચીસ !

એવી જ ચીસો નીલે પણ પાડી હતી જયારે તેના સાઈઠની ઝડપે જતા બાઈકની વચ્ચે અચાનક તેજસે પોતાની થાર જીપ લાવી હતી, જયારે નીલને એ ત્યાજ મરવા છોડીને પોતાની થારને રીવર્સમાં લઈ ચાલ્યો ગયો હતો.

તેજસની ચીસ સમી ગઈ. એની ચીસ એ શાંત વાતાવરણ માં ફેલાય એ પહેલા એ રાતની ઉદાસી એ ચીસને પણ ગળી ગઈ. એ રાત ખરેખર વર્ષોની ભૂખી હતી.

અંધકારે એ અવાજને પોતાનામાં સમાવી લીધો અને ફરી પાછી ચારે બાજુ નીરવતા ફેલાઈ ગઈ…જેવી પહેલા હતી તેવીજ નીરવતા…!

ફરી દુર ક્યાંક કુતરાના રડવાનો અવાજ સંભળાયો, બીજા કેટલાક રાગ એમાં ભળ્યા, એ સાતરાગી અવાજે એ રાતની નીરવતાને હણી નાખી અને વ્યાકુળ થયેલ રાત ફરી કોઈ તેજસની શોધમાં નીકળી પડી.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here