gujarati-varta-pita

પિતા

હું પલક….. કદાચ મારું નામ જ નાજુક અને કોમળ હતું પણ હું બેડ હોરોસ્કોપ સાથે જન્મી હોઈશ એમ મને લાગતું. મેં જે દિવસે આ દુનિયામાં આંખ ખોલી એજ દિવસે મને જન્મ આપનાર મા એ આંખ બંધ કરી નાખી. એ મારો ચહેરો જોવા પણ ન રહી એટલે જ મને લાગે છે કે હું બેડ હોરોસ્કોપ સાથે જન્મી હતી.

મને જન્મ આપતા જ મા છોડીને ચાલી ગઈ. હું મા એ માટે કહું છું કેમકે હું ગામડામાં મોટી થયેલ છું. ના, એવું નથી મને મમ્મી બોલતા આવડે છે પણ પિતાજી જયારે પણ મને મા વિષે કહેતા ત્યારે એ તારી મા આવી હતી તારી મા તેવી હતી, તારી મા હોત તો આમ કરત, તારી મા હોત તો તેમ કરત, તારી મા તને આ કરવાની છૂટ આપોત, તારી મા તને તે કરવાની ના પાડોત, બસ મારા પિતાજી દિવસમાં પચાસ વાર મા નું નામ ન લે ત્યાં સુધી સાંજ ન થતી. એ મારે માટે દરેક કામ કરતા, પણ પોતાના કામને મા હોત તો કેવી રીતે કરોત એ બતાવ્યે જતા અને હમેશા એક ચીજ નોધવા લાયક હોતી. પિતાજી એમ ક્યારેય ન કહેતા કે મારું કામ સારું છે. પિતાજીને પોતાનું કામ પસંદ આવતું જ નહિ. તેઓ બસ એમ જ કહેતા કે તારી મા હોત તો આ કામ આવી રીતે કરોત અને એ કામ ચમકી ઉઠોત.

પિતાજી માટે મા નું નામ ઓક્સીજન કે તેમના શરીરમાં વહેતા લોહી જેટલું જ અગત્યનું હતું માટે આજે પણ હું મમ્મીને યાદ કરું ત્યારે મા શબ્દ જ મને એ લાગણી ફિલ કરાવી શકે છે જે માની પિતાજી હમેશા વાત કરતા રહેતા. મમ્મી શબ્દ ભલે બહુ લોકો બોલતા હશે અને સાંભળવામાં સારો લાગતો હશે પણ મને જે સંભારણું મા શબ્દ આપી શકે છે તે મમ્મી શબ્દ ક્યારેય આપી શકે તેમ નથી. પણ મારી પાસે એ મા કે મમ્મી જે કહો તે હતી જ ક્યાં? નો, પ્રોબ્લેમ. મારી પાસે પિતાજી હતા જે મમ્મી અને પપ્પા બંનેની ફરજ નિભાવી શકવા કાબીલ હતા. જે મા અને પિતાજીની બેવડી ભૂમિકા બખૂબી નિભાવી શકતા હતા.

અમે કશ્મીરના એક નાનકડા ગામડામાં રહેતા. કદાચ જેના પર પાકિસ્તાન અને આતંકવાદની સૌથી વધુ ગહેરી અસર હોય તેવા ગામડામાં. હા, હું મારા ગામની વાત કરી રહી છું. હું તમને ટ્રેન ટુ પાકિસ્તાન નવલકથાનું કોઈ પ્રકરણ નથી સંભળાવી રહી. મેં એ નવલકથા વાંચી છે – ખુસવંત સિંહ… બહુ સારી રીતે એ નવલકથા લખી છે એમણે. પણ એ કથાનક આઝાદી સમયનું હતું માટે એ સમયે જે વાતાવરણ દર્શાવાયું છે એવું વાતાવરણ અમારા ગામમાં ન હતું. ન આજની ફિલ્મોમાં બતાવાય છે એવું વાતાવરણ ત્યાં હતું. અમારા ઘરની નજીક ઇમરાન અલીનું ઘર હતું. તેઓ પપ્પાના સારા મિત્ર હતા અને મને યાદ નથી કે તેમની અને પપ્પા વચ્ચે ક્યારેય નાની ખટપટ પણ થઇ હોય. તેમનો દીકરો સાજીદ મારા સાથે જ ભણતો હતો. અમે બંને પ્રાયમરીમાં સાથે જ ભણ્યા અમે ગવર્મેન્ટ શાળામાં ભણ્યા એમ કહું તો એ મૂર્ખાઈ ભર્યું જ કહેવાશે કેમકે એ શાળા તો વરસમાં ચાલુ જ કેટલા મહિના રહેતી હતી? વધુમાં વધુ ત્રણ મહિના. દિવાળી વેકેશન, રમજાનની રજાઓ, યર્લી હોલીડેઝ, અવાર નવાર થતી હડતાળો, હુલ્લડ- એ હિંદુઓ એ કર્યું હોય કે મુસ્લિમોએ એનાથી કોઈ ફરક ન પડતો બસ એનાથી ફરક પડતો એ શાળામાં ભણવા જતા બાળકોને અને એમાં હિંદુ અને મુસ્લિમ બંનેના બાળકો હોતા.

હું અને સાજીદ પણ એમાં હતા. અમને શાળામાં વર્ષભરમાં ત્રણેક મહિના જેટલું જવા મળતું પણ પિતાજી હમેશાથી ચાહતા હતા કે હું ભણું. તારી મા ઇચ્છતી હતી કે દીકરો જન્મે કે દીકરી આપણે એને ભણાવશું. મેં તારી મા ને વચન આપ્યું છે પણ આ નિશાળ વાળા એ પૂરું કરવાદે એમ લાગતું નથી. તેઓ હસતા અને ચાર નવા શબ્દો ઉમેરતા એમ કાઈ હું ખાધો જાઉં એમ નથી એ શાળા નહિ ખુલે તો હું તને ઘરે જ ભણાવીશ. અને પિતાજીએ એમને આવડતું હતું એ બધું મને શીખવ્યું. પણ તેઓ ક્યાં લાંબુ ભણેલ હતા! માત્ર પાંચ ધોરણ. છતાં મને સાતમાં ધોરણ સુધીનું બધું શીખવી શક્યા પણ આગળ હવે ન ગામમાં નિશાળ હતી કે ન પિતાજી મને ઘરે ભણાવી શકે એમ હતા.

મારે શહેર ભણવા જવું છે એવી મેં માંગણી કરી.

પિતાજીએ મને બાજુના શહેર ભણવા જવાની પરવાનગી આપી પણ જયારે હું હાઈસ્કુલ પૂરી કરી જમ્મુ કોલેજમાં જવા માટે ઇચ્છતી હતી ત્યારે પિતાજી જરાક પાછા પડ્યા.

“પણ આપણો સમાજ.. તને ખબર છે ને અહી વાતાવરણ કેવું છે? કોઈ છોકરીને બહાર ભણવા નથી મૂકતું.” પિતાજીએ કહ્યું.

“પણ મારે જવું છે. મારે પત્રકાર બનવું છે. મારે આપણા જ ગામની પરિસ્થિતિ કેવી છે એ પુરા દેશને બતાવવું છે. મારે બધાને સમજાવવું છે કે આ દુશ્મની, આ દંગા ફસાદ, આ હડતાળ, આ હુલ્લડ કોઈને કશું નથી આપવાના? ત્યાં જે બેઠા છે એ ભલે આપણો દેશ ચલાવવાવાળા હોય છે, આપણો પાડોશી દેશ ચલાવવાવાળા એમણે કહેવું છે કે બંધ કરો આ બધું સરહદ પર જવાન ગોળી ખાય ત્યારે એના બાળકો અનાથ બને છે પછી એ ભલે ભારતનો હોય કે એમના દેશનો, જયારે શાળાઓ મહિનાઓ સુધી બંધ રહે ત્યારે જ્ઞાન મેળવ્યા વિના બાળકો રહે છે એ બાળકો હિંદુ અને મુશાલમાન બંનેના હોય છે. અને જે લોકોના કહેવાથી એ બધા હુલ્લડ હડતાળ થાય છે એ બધું કરાવનાર નેતાઓના બાળકો મોટા શહેરોની મોઘી શાળાઓમાં ભણતા હોય છે – પછી ભલે એ હિંદુ નેતા હોય કે મુસ્લિમ નેતા. એમના બાળકોની શાળા ક્યારેય બંધ નથી રહેતી. એમણે ક્યારેય મહિનાઓ સુધી ઘરે બેસી નથી રહેવું પડતું. એમણે ક્યારેય સરહદ પર છૂટતી ગોળીનો શિકાર નથી થવું પડતું. મેં પિતાજીને સમજાવ્યા.

“તું તારી માં પર ગઈ છે.” પિતાજી દરેક વાતમાં મા ને વચ્ચે લાવી જ દેતા, “એ ય આવી મોટી મોટી વાતો કરતી અને મને કાઈ સમજ ન પડતી, તારે જવુ જ છે તો હું મુકીશ.”

હું ખુશીથી પાગલ થઇ ગઈ. મને આનંદ થતો હતો કે મને એ પિતાજી મળ્યા હતા જે મારી દરેક વાતને માનતા હતા. મેં આસપાસમાં બધે એ સમાચાર વાયુ વેગે ફેલાવી દીધા, “રૂપ કાકી હું કોલેજ કરવા જવાની છું, અબ્દુલ ચાચા હું કોલેજ ભણવા જવાની છું.”

મને ક્યાં ખબર હતી કે એ સમાચાર એ કાનો સુધી પહોચી જશે જે કાન એ સમાચાર સાંભળવા નહોતા માંગતા.

લગભગ સાંજના આઠેક વાગ્યા હતા અને અમારા ઘરનું બારણું ખખડ્યું.

“કોણ?” કહેતા પિતાજી ઉભા થયા અને બારણું ખોલ્યું.

“રૂપા, તારી દીકરી કોલેજ કરવા જવાની છે?” અબ્દુલ કાકા અને વીરજી ભાઈ બારણે ઉભા હતા.

“હા, કેમ?” પિતાજીએ કહ્યું.

“કેમ શું ?તને નથી ખબર તે તારા માથે આફત નોતરી લીધી છે. ગામમાંથી કોઈને આગળ મોટી ડીગ્રી લેવા જવાની મનાઈ છે…” અબ્દુલ કાકાએ કહ્યું.

“પણ કેમ?” પિતાજીએ એ જ સવાલ એમને પૂછ્યો જે મારા મનમાં ઉદભવ્યો હતો.

“કેમકે અહીના લોકો જો ઊંચું શિક્ષણ લે અને સમજદાર થઇ જાય તો ન હિંદુ નેતા એમને ભડકાવી શકે કે ન મુસ્લિમ નેતા એમને ભડકાવી શકે. વારાફરતી સરપંચ બનનારા ઉસ્માન અને નરસિંહ બંને મૂળતો એકના એક જ છે. એક હિન્દુઓને ભાડકાવી તેમના વોટ લે છે અને બીજો મુસ્લિમોને ભડકાવી તેમના વોટ લે છે. પણ મૂળતો એ બંને એક જ છે. જીત્યાના ચાર દિવસ બાદ એ ભેગા મળી શરાબની મેહફીલ માણતા હોય છે. બસ હિન્દુત્વ અને મુસ્લિમને નામે વોટ લઈને એ બેમાંથી એકનું શાશન આવી જાય છે અને કોઈ ત્રીજો હરીફ ઉભો થતો જ નથી. પણ જો ગામના છોકરા છોકરીઓ કોલેજ સુધી ભણે ગણે તો આ વાત સમજી જાય એટલે તેઓ કોઈને આગળ ભણવા દેવા માંગતા નથી. એટલે તને અને તારી દીકરીને મારી નાખવાનું કાવતરું રચી રહ્યા છે.” વિરજીએ કહ્યું.

પિતાજી સમજી ગયા કે હું જે કહેતી હતી એ સાચું હતું.

“તારી મા સાચી હતી. એ પણ એજ કહેતી.” કહીને પપ્પાએ મારો હાથ પકડ્યો અને મને લઈને બહાર જવા લાગ્યા.

“ક્યાં જાય છે રૂડા?” અબ્દુલ કાકાએ પૂછ્યું.

“હજી નવ વાળી ટ્રેન આવવાની બાકી છે. છોકરીને એમાં ચડાવી દઉં પછી કોઈ એનો વાળ પણ વાંકો નહિ કરી શકે.” કહી પિતાજીએ મને સ્કુટર પર બેસાડી અને અમે સ્ટેશને પહોચ્યા.

અમારા નાનકડા સ્ટેશન પર દિવસે પણ ભાગ્યે જ કોઈ હોય એટલે રાત્રે ત્યાં કોઈ હોવાનો સવાલ જ ન હતો. અમે સ્ટેશને પહોચ્યા ત્યારે સ્ટેશન શમશાન જેવું ભયાવહ લાગી રહ્યું હતું. અમે ટ્રેનની રાહ જોવા લાગ્યા. પિતાજીના હાથમાં હથિયારના નામે માત્ર એક લાકડી હતી.

“રૂડા, તે હાથે કરીને મોત નોતર્યું છે?” પ્લેટફોર્મની જમણી તરફથી ધસી આવતા ઉસ્માને કહ્યું.

“હા, પણ મારું નહિ, તારું મોત.” કહેતા પિતાજીએ લાકડી વીંઝી, મેં પિતાજીને ક્યારેય એટલા ગુસ્સામાં કે હિંસક સ્વરૂપે જોયા ન હતા. પણ મને યાદ હતું લોકો કહેતા કે તારા બાપ રૂડે એક વાર બે આતંકીઓને માત્ર લાકડીથી ઢાળી દીધા હતા. અને એ દિવસે પણ એ જ થયું ઉસ્માન એ લાકડીના ઘાને ખાળી ન શક્યો, લમણાના ભાગે અથડાયેલ લાકડી એના માટે જીવલેણ નીકળી. પણ ઉસ્માન એકલો ન હતો એના માંણસો ભેગા નરસિંહના માણસો પણ હતા જે હિંદુઓ હતા પણ મને ખયાલ હતો કે જો તેઓ અમને બાપ દીકરીને એ સ્ટેશન પર દફન કરવામાં સફળ થાયા તો આવતી કાલે સવારે મુસ્લિમોએ બે હિન્દુઓને મારી નાખ્યા કરી એના એ જ ગુનેગારો ગામમાં હડતાળ અને હુલ્લડ કરશે.

“ટ્રેન આવી ગઈ છે પિતાજી..” મેં કહ્યું.

“મેં વિસલ સાંભળી.” કહેતા પિતાજીએ અમારા સુધી આંબવા થયેલ એક જુવાનને પગની હડફેટે ફંગોળી દીધો અને મારો હાથ પકડી મને ટ્રેન તરફ દોરી જવા લાગયા. હું આભી બની ગઈ હતી મેં પિતાજીને એ રૂપમાં ક્યારેય ન હતા જોયા, મને પિતાજી એમના નામ રૂડા મુજબ હમેશા રૂડા લગતા પણ કદાચ એમનામાં રૂડા સાથે રુદ્ર સ્વરૂપ પણ છુપાયેલ હતું જે દીકરીના જીવને જોખમમાં જોતા જ બહાર દેખાવા લાગ્યું હતું.

મને ટ્રેનમાં ચડાવી ત્યારે એમણે જરાક રાહત થઇ. એમણે મારા તરફ હાથ હલાવતા કહ્યું, “હવે પત્રકાર બનીને જ રહેજે..”

“પિતાજી.” મારી રાડ નીકળી ગઈ, પાછળથી આવેલ નાર્સીહના માણસે પિતાજીને બાથમાં પકડી લીધા હતા પણ મારી રાડમાં બીજી જ પળે નરસિંહના એ માણસની રાડ ભળી ગઈ, પિતાજીએ એને ટ્રેનના લોખંડ સાથે અથડાવ્યો હતો.

ટ્રેનના પૈડા ધીમે ધીમે ગતિ પકડવા લાગ્યા.. ટ્રેન આગળ વધવા લાગી… હું બારીમાંથી જોઈ રહી. પિતાજી લાકડી આમ તેમ ફેરવી રહ્યા હતા.. પણ દુશ્મનોની સંખ્યા વધ્યે જતી હતી… મને ધીમે ધીમે એ બધું દેખાતું બંધ થઇ ગયું.

આજે હું પત્રકાર બની ગઈ છુ અને એ જ ટ્રેનમાં ગામ જઈ રહી છું. જયારે પણ હું ટ્રેનમાં બેસું છું અને બારી બહાર જોઉં છું તો મને બહાર મારા માટે લડતા પિતાજી દેખાય છે. કદાચ દરેક દીકરીને એના માટે લડતા પિતાજી દેખાતા હશે. ક્યારેક દુશ્મનોથી, ક્યારેક સમાજથી, ક્યારેક રીતરિવાજથી દીકરીના પિતાએ હમેશા લડતા જ રહેવું પડે છે. હું પણ લડીશ.. એ દુશ્મનો સામે, એ સમાજ સામે, એ રીતરીવાજો સામે એ દરેક ચીજો સામે કેમકે પિતાજી કહેતા કે હું મા જેવી છું અને તારી મા હોત તો પણ એમ જ કરોત.

વિકી ત્રિવેદી ‘the urban writer’

Comment here