gujarati-varta-pasand

પસંદ….?

આજે આદર્શને એકવીસ વર્ષ થયા હતા પણ આ બધું એના ભૂતકાળ સાથે જોડાયેલ હતું. એ દસેક વર્ષનો હતો એ સમય સાથે. કદાચ આ બધું એક નિર્દોષ સવાલથી શરુ થયું હતું એમ કહી શકાય અને એ નિર્દોષ સવાલ હતો- શું તને ખબર છે પ્રેમ શું છે?

એ પ્રશ્ન એની તરફ એકાએક ધસી આવ્યો હતો. તે દસેક વર્ષનો ઇનોસન્ટ બાળક હતો એ સમયે એની સામે ધસી આવેલ એ સવાલ વર્ષો બાદ એના જીવન પર એક અસર છોડી જશે એનો એને અંદાજ નથી હોતો. કાશ! બાળપણની બીજી યાદો જેમ એણે એ સવાલને પણ ભુલાવી નાખ્યો હોત! પણ કેટલીક ચીજો ભુલાઈ જવા માટે હોય છે જયારે કેટલીક યાદો ક્યારેય નથી ભુલાતી.

આદર્શ દસ વર્ષનો હતો જયારે એકવાર એણે એના મોટા ભાઈ સાગરને પોતાના રૂમમાં એકલો બેસી રડતા જોયો હતો. તેને કારણ સમજાઈ શકે તેટલી તેની ઉમર ન હતી. સાગર અઢારેક વર્ષનો હતો પણ પોતાના નાના ભાઈ સાથે હમેશા પ્રેમપૂર્વક વર્તન કરતો આથી આદર્શે નાનો હોવા છતાં સાગરને પૂછી લીધું હતું, “સાગર તું રડી કેમ રહ્યો છે?”

સાગરે તેના હાથમાં રહેલા એક કાગળના ટુકડા કરી જમીન પર ફેક્યા અને કહ્યું, “એ તને નહિ સમજાય. આદર્શ.”

આદર્શને એનો સવાલ મળી ગયો હતો. એ કાગળના ટુકડાઓ પર એની નજર પડી એ સાથે જ એને એના જવાબો મળી ગયા હતા. એ કાગળના એકાદ ટુકડામાં લાલ શાહીથી અક્ષરો લખાયેલ હતા. મને માફ કરજે… તો બીજા ટુકડામાં લખેલ હતું આપણે હવે આ બધાનો અંત લાવવો પડશે… અને એવા કેટલાય ટુકડાઓના કેટલાય સંદેશા બાદ છેલ્લા ટુકડામાં લખેલ હતું તારી સાલું-સલોની.

આદર્શ જાણતો હતો સાગર તેમની સોસાયટીમાં રહેતી સાલું એટલે કે સલોનીને ચાહતો હતો. આમ તો એની ઉમર મુજબ એ કાઈ ખાસ સમજતો ન હતો પણ સાગર સાલુંને કાગળ આપવા તેને મુકતો અને જયારે આદર્શ સાલુંને કાગળ આપતો ત્યારે સાલું તેને ડેરી મિલ્ક અને કેડબરી ચોકલેટ આપતી.. ભાઈ તરફથી પાંચ કે બે નો સિક્કો મળતો એ અલગ.

“શું થયું તારા અને સાલું વચ્ચે?” આદર્શે પૂછ્યું, “તમે ઝઘડ્યા છો?”

“ના, બધું પતિ ગયું.. હું પ્રેમ ખોઈ બેઠો. મને કોઈ પ્રેમ નથી કરતુ.” સાગરે ગુસ્સાથી કહ્યું.

“કેમ હું  મમ્મી પપ્પા બધા તો તને પ્રેમ કરીએ છીએ.” આદર્શે તેનો નિર્દોષ પ્રશ્ન આગળ ધર્યો.

“તને ખબર પણ છે પ્રેમ એટલે શું?” સાગરે કહ્યું, તેની આંખ ભીની થઇ ગઈ હતી.

આદર્શ સામે એ પ્રશ્ન હતો જેનો જવાબ આપવા તે ત્યારે સમર્થ ન હતો. છતાં એણે પ્રયાસ કર્યો, “પ્રેમ એ લાગણી છે.”

“ના, એ કોઈ લાગણી નથી. તું ખોટો છે.” સાગરે તેની તરફ જોઈ કહ્યું. તેના એ જવાબ પર સાગરને હસવું પણ આવી ગયું.

એ વાતને વરસો વીતી ગયા. બાળપણની બધી યાદો ભુલાઈ ગઈ હતી. ઘણી સમૃતિ જૂની થઇ ગઈ હતી પણ એ એક પ્રશ્ન આદર્શ ક્યારેય ન ભૂલ્યો, “પ્રેમ શું એ તને ખબર પણ છે?” એ પ્રશ્ન એના અંતર મનમાં હમેશા ઘૂંટાયા કરતો. તે હમેશા વિચારતો લોકો પ્રેમમાં પડે છે કેમકે તે એક લાગણી છે. પોતાનો જવાબ સાચો હતો પણ જો એનો જવાબ સાચો હતો તો સાગર એ જવાબ સાંભળી હસવા કેમ લાગ્યો હતો?

વરસો બાદ આજે તેને કોઈ એકને જોયું જેની આંખોમાં એજ ઉદાસી હતી.. એ જ દુ:ખ હતું જે તેએણે વરસો પહેલા સાગરની આંખોમાં જોયું હતું. આદર્શ કોલેજથી જરાક દુરના પીકઅપ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહ્યો હતો અને એનાથી થોડેક દુર સ્ટ્રીટલાઈટના થાંભલા નીચે એક વીસેક વર્ષની યુવતી ઉભી હતી. એની ઉદાસી પણ એની સુંદરતાને ઓછી કરવામાં નિષ્ફળ બની રહી હતી એવું એનું રૂપ હતું. કોઈ ચંચળ હરણી જેવી આંખો, નાગિન જેવી ચોટી અને ગોરો ચીમટો વાન. શરીર સાથે ચોટીને રહેલ જાંબલી ચૂડીદાર અને એને મેચિંગ ઓઢણી.

એ ઉદાસ કેમ હતી એ સમજતા આદર્શને વાર ન લાગી. આદર્શે એ ઉદાસીને વરસો પહેલા ઓળખી લીધી હતી. સ્વાનુભાવથી નહિ પણ પરાનુભાવથી.

તેની આંખોમાં એ જ લૂક હતો જે સાગર અને સલોનીની આંખમાં એ દિવસ બાદ જોવા મળતો હતો. આદર્શને લાગ્યું કે કદાચ એ યુવતી માટે તેનું હ્રદય જે લાગણી અનુભવી રહ્યું હતું એ લાગણી જ પ્રેમ હતી પણ સાગરે કેમ કહ્યું હતું કે પ્રેમ એ લાગણી નથી?

વોઝ હી ફોલીંગ ફોર હર? આદર્શના મને તેને ચેતવવા માટે તેની સામે પ્રશ્ન કર્યો પણ આદર્શે એ પ્રશ્નને ગણકાર્યો નહિ કેમકે તેને એ પ્રશ્નનો જવાબ મેળવવો હતો જે પ્રશ્ન એની સામે વર્ષો પહેલા ધસી આવ્યો હતો. અને જેનો જવાબ વરસો પહેલા જ એણે આપી દીધો હતો પણ હજુ સુધી એ સ્યોર ન હતો કે એ જવાબ સાચો હતો કે ખોટો.

“હાય! આઈ એમ આદર્શ. મને લાગે છે આપણે એક જ કલાસમાં છીએ.” આદર્શે તેની પાસે જઇ વાતચીત શરુ કરતા કહ્યું. આદર્શે તેની આંખોમાં જોયું. એ સુંદર આંખો ખાલી હતી એમાં એમ્પ્ટીનેસ સિવાય કાંઈજ ન હતું.

“આઈ એમ નીરજા. નીરજા દવે.” એ યુવતીએ કહ્યું, એનો અવાજ ફિક્કો હતો છતાં એ ટોન મેલોડીયસ હતો. મેલોડીયસ લાઈક અ સિલ્વર બેલ.

શબ્દો પુરા થયા બાદ તેણીએ પોતાના હોઠને ફોર્સ પૂર્વક હસવા મજબુર કર્યા છતાં મજબુરીમાં હસેલ એ હોઠ પણ કોઈને મંત્રમુગ્ધ કરવા માટે પૂરતા હોય એવું એ સ્મિત હતું કેમકે એ જેન્યુઈન હતું.. એ ફેક ન હતું.

“કદાચ વરસાદ આવશે એમ લાગી રહ્યું છે. આપણે પીકઅપ સ્ટેન્ડમાં ઉભા રહેવું જોઈએ.” આદર્શે કહ્યું.

“મને એનાથી કોઈ ફરક પડતો નથી.” નીરજાએ કહ્યું.

“પણ પીકઅપ સ્ટેન્ડમાં ઉભા રહેવામાં વાંધો શું છે?” આદર્શે પૂછ્યું.

“એક્સક્યુઝ મી. યંગમેન.. આ કોઈ ફલર્ટ કરવાની નવી રીત હોય તો કહી દઉં કે મને એ બધામાં કોઈ રસ નથી.”

“સોરી.. મારો એવો કોઈ ઈરાદો નથી અને તમારા મૂડ વિશે તમારો ચહેરો કહી રહ્યો છે તમારે કાઈ કહેવાની જરૂર નથી.” આદર્શે હસીને કહ્યું.

“સોરી. શું આપણે એકબીજાને જાણીએ છીએ? તમે મને ઓળખો છો?” યુવતીએ જરાક નવાઈથી કહ્યું.

“ના, કદાચ નહિ. કદાચ આપણે એક જ કોલેજમાં છીએ બસ.”

“મતલબ તમે માત્ર બસ લેટ છે માટે મારી સાથે ટાઈમપાસ કરી રહ્યા છો? લોકો મારી સાથે એ જ કરે છે.” નીરજનો ચહેરો ફરી ઉદાસીનો રંગ પકડવા લાગ્યો.

“ના, હું ટાઈમપાસ નથી કરી રહ્યો બસ એક પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છું જે સવાલ મને વરસોથી સતાવી રહ્યો છે…..”

“એ પ્રશ્ન શું છે?” યુવતીએ કહ્યું.

“શું તું જાણે છે પ્રેમ શું છે?” આદર્શે કહ્યું.

“આઈ એમ સ્યોર આ ફલર્ટ કરવાની નવી તરકીબ છે.” યુવતીએ કહ્યું, “મિસ્ટર તમે મને ઓળખતા નથી મને એ બધી ચીજોમાં કોઈ રસ નથી.”

“તમને હું શું કોઈ ઓળખી શકે તેમ નથી કેમકે તમે દુનિયાને એમ બતાવવા માંગો છો કે તમે બધાથી અલગ છો… દુનિયામાં માત્ર તમે એકે જ પ્રેમ કર્યો છે.” આદર્શે કહ્યું, “તમે ચહેરા પર ઉદાસીનું મહોરું પહેરી ફર્યા કરો ત્યાં સુધી કોઈ તમને કઈ રીતે ઓળખી શકે?”

“તમને ખબર પણ છે પ્રેમ શું છે?” યુવતીએ સ્ટ્રેન્જ લૂક સાથે કહ્યું. ફરી એજ પ્રશ્ન જે વરસો પહેલા આદર્શ સામે હતો એ જ પ્રશ્ન ધરી દેવાયો.

“ના, મને ખબર નથી પણ શું તમે મને એ સમજાવી શકશો? વરસો પહેલા મેં મારા મોટા ભાઈને તમારી જેમ જ ઉદાસ ચહેરે અને રડતી આંખે આ જ સવાલ મને કરતા જોયો હતો. હું એને પ્રેમ કરતો હતો, મમ્મી પપ્પા એને પ્રેમ કરતા હતા છતાં એ એમ સમજતો હતો કે કોઈ એને પ્રેમ નથી કરતું. ખરેખર હું સમજવા માંગું છું આ પ્રેમ છે શું?”

“પ્રેમ એ એક….” તે યુવતી અટકી ગઈ, “એ એક વમળ છે જેમાંથી ક્યારેય બહાર નીકળી શકાતું નથી. એ એક એવો ભ્રમ છે જે તૂટે ત્યારે જ ખબર પડે છે એ એ ભરમ હતો. એ એક એવું મૃગજળ છે જે ક્યારેય હાથ નથી લાગતું.”

“તમારી આખી વ્યાખ્યા સાચી છે પણ એ પસંદની છે પ્રેમની નહિ. જયારે તમે તમારા પ્રેમને નહિ પણ પસંદગીના પાત્રને મેળવવા ઈચ્છો ત્યારે એ વમળ રચાય છે જેમાંથી ક્યારેય બહાર નીકળી શકાતું નથી કેમકે એ એ પસંદ એક મૃગજળ રચે છે અને એ ભ્રામક મૃગજળની પાછળ તમે એને પ્રેમ સમજી દોડતા રહો છો પણ એ પ્રેમ નથી.” આદર્શે કહ્યું.

“તો વાસ્તવિક પ્રેમ શું છે?” યુવતીએ નવાઈ સાથે પૂછ્યું.

“એ એક લાગણી છે જે તમારા હ્રદયમાં હોઈ જ ન શકે. તમારા માટે પ્રેમની લાગણી તો કોઈ બીજા હ્રદયમાં હોય છે તમારું હ્રદય તો બસ તમે જેને પસંદ કરવા લાગો એ તમને કેમ પ્રેમ નથી કરતુ એ વમળમાં જ અટકેલું રહે છે અને તમને ખયાલ પણ નથી હોતો કે તમને ખરેખર કોણ ચાહે છે.” આદર્શે કહ્યું.

“મતલબ..?”

“મતલબ એ જ કે હમણાં થોડાક સમય સુધી વરસાદ રહેશે પણ ત્યારબાદ સુરજ નીકળશે… પ્રેમ પણ એ સુરજના કુણા કિરણો સમાન છે… એ એક પળ માટે પણ હોઈ શકે અને જીવનભર માટે પણ હોઈ શકે પણ સાચો પ્રેમ એ નથી જે તમને પસંદ છે સાચો પ્રેમ એ છે જેને તમે પસંદ છો. સાચો પ્રેમ તમે કોની કાળજી લો છો એમાં નથી પણ સાચો પ્રેમ તમારી કોણ કાળજી લે છે એ સમજવામાં છે. સાચો પ્રેમ કોઈને ન મેળવી શકવાનું દુઃખ મનાવવામાં નથી પણ સાચો પ્રેમ કોને આપણે મળી જઈએ તો એ જીવનભર ખુશ રહેશે એ સમજવામાં છે.” આદર્શ જે કહી રહ્યો હતો એ યુવતી સ્પિચલેસ બની સાંભળી રહી હતી.

વરસો પહેલા કદાચ આદર્શ નાનો હતો એટલે સાગરને સમજાવી ન હતો શક્યો કે પ્રેમ શું છે અને માટે પોતાનો જવાબ સાચો હતો કે ખોટો એ સમજવા વર્ષો સુધી ભટકતો રહ્યો હતો પણ એ યુવતીના ચહેરા પર એ સમજુતી બાદ ખીલેલા સ્મિતે એને કહી દીધું કે એનો જવાબ સાચો હતો પ્રેમ એ લાગણી છે પસંદગી નહિ અને લોકો પસંદગીને પ્રેમ સમજી દુ:ખી થયા કરે છે.

“તમે કદાચ સાચા છો. હું જેને ચાહું છું એ છોકરાએ કદી મને ચાહી જ નથી…!! અલબત એને કદાચ ખયાલ પણ નહિ હોય કે હું એને ચાહું છું કેમકે એ મૃગજળ છે પણ કોલેજમાં મને કોણ ચાહે છે એ હું જાણું છું એ મિલન છે એ બસ રોજ મને જ જોઈ રહે છે પણ મેં કદી એના પ્રેમ તરફ ધ્યાન નથી આપ્યું કેમકે હું મારી પસંદગીને મારો પ્રેમ સમજી એની પાછળ પાગલ હતી. થેન્ક્સ મને સમજાવવા બદલ કે પ્રેમ ખરેખર શું છે.”

“યુ આર વેલકમ… મને મારો અને તમને તમારો જવાબ મળી ગયો છે અને કદાચ મારી બસ પણ આવી ગઈ છે.” આદર્શે કહ્યું અને પીકઅપ સ્ટેન્ડ આગળ પુલ ઓફ થયેલ બસ તરફ જવા લાગ્યો.

એ બસમાં જઇ બારી પાસેની સીટ પર ગોઠવાયો. એના ચહેરા પર સ્મિત હતું કેમકે એને જવાબ મળી ગયો હતો કે એ સાચો હતો અને એને પીકઅપ સ્ટેન્ડ પાસે નજર કરી તો એ યુવતીના ચહેરા પર પણ સ્મિત હતું કેમકે એને સાચો પ્રેમ મળી ગયો હતો.. કદાચ એ મિલન સાથે મિલનના સપનામાં ખોવાયેલી હતી. હળવો વરસાદ શરુ થઇ ગયો હતો… એ તાજા વરસાદની બુન્દોને જીલતી ઉભી હતી… આદર્શે થોડી વાર એના ગોરા ચહેરા પર પડીને દડદડ કરતા સરી જતા સફેદ બિંદુઓને એની સફેદ ટી શર્ટમાં ભળી જતા જોયા ને પછી બસની બારી ઉપર ટીપાઓ જમા થવા લાગ્યા અને દ્રશ્ય ધૂંધળું થઇ ગયું…..

વિકી ત્રિવેદી ‘ધ અર્બન રાઈટર’

One Reply to “પસંદ….?”

Comment here