gujarati-varta-parixa

પરિક્ષા

  નથી મ્હોબબત કોઈ મેદાન – એ – જંગ
નહિતર અમે ક્યાં સરહદ નથી ગયાં…..?
દોસ્તો જ મારે છે ખંજર પીઠમાં ઉપેક્ષિત
દુશ્મનો હજુ નથી એ હદ સુધી ગયા…..! “

                        – ઉપેક્ષિત

રાજ અને માધવીનો સુખદ પ્રણય આખરે દુઃખ ની નજીક ખસવા લાગ્યો…… કોલેજ ની મૈત્રી ક્યારે પ્રેમમાં પરિણમી અને પ્રેમ ક્યારે જવાબદારી બન્યો એ બધું સમય સાથે ક્યારે બની ગયું એ ખ્યાલ પણ ન રહ્યો……

રાજ અને માધવી નો પ્રેમ ક્યાંય કોલેજના બીજા છોકરા છોકરીઓ જેવો નહોતો….. રાજ એક દુઃખી છોકરો હતો. નાની ઉંમરે જ માં બાપ ગુજરી ગયેલા અને જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એના ઉપર કાકા કાકી નો ત્રાસ વધતો જ ગયો …. આખરે હારી ને રાજ ઘર છોડી ને હોસ્ટેલમાં ચાલ્યો ગયો હતો…. રાજ ને ક્યારેય કોઈ પાત્ર નો પ્રેમ મળ્યો જ નહોતો એટલે માધવી ના સ્નેહથી એનું સમગ્ર અસ્તિત્વ જ પ્રફુલ્લિત થઈ ગયું હતું…. પોતાને ચાહનાર પ્રથમ વ્યક્તિ ને એ દિલો જાન થી ચાહવા લાગ્યો હતો….. કોલેજના દિવસો તો હસી ખુશી માં વીતી ગયા…. પણ કોલેજ પુરી થતા જ માધવીના ઘેર એના માટે છોકરો દેખવાની વાત થવા લાગી…..

એક દિવસ માધવીએ રાજ ને એ બધું કહ્યું. અને ત્યારથી રાજ બસ નોકરી ની તલાશમાં લાગી ગયો….. એમ.સી.એ. ની ડીગ્રી ઉપર એક નોકરી મળી પણ પગાર માત્ર દસ હજાર….. રાજ નિરાશ થઈને પણ એ નોકરી કરવા લાગ્યો અને બીજી નોકરી ની શોધ ચાલુ રાખી….

દિવસો વીતતા ગયા પણ અને માધવી ના ઘેર વાતાવરણ વધારે ગંભીર થવા લાગ્યું…. માધવીએ આખરે પિતા ધનંજય રોય ને રાજ વિશે કહી જ દીધું.

ધનંજય રોય ઉકળી ઉઠ્યા. પણ પત્ની સ્મિતા ના કહેવા થી રાજ ને એકવાર મળી લેવા તૈયાર થયા. માધવીએ રાજી થઈને રાજ ને બોલાવ્યો. રાજ હિંમત કરીને ધનંજય રોય ને મળવા આવ્યો પણ વાતચીત દરમિયાન માધવી ને હાજર રહેવા દીધી નહોતી….

હાથ જોડી પ્રણામ કરી રાજ ઉભો રહ્યો. રાજ મનોમન સમજી જ ગયો હતો કે આ ઘર, ઘરનું રાચ રચિલું જોતા માણસ પૈસાનો માલીક લાગે છે.

” તો રાજ તું શું કરે છે ?”

” જી હું એક પ્રાઇવેટ કંપની માં નોકરી કરું છું. મેં એમ.સી.એ. કર્યું છે….. ”

” વોટ અબાઉટ સેલેરી ?” હોઠ પર હાથ મૂકી ધનંજય રોય બોલ્યા….

” જી દસ હજાર ” રાજની નજર અનાયાસે જ નીચી થઈ ગઈ….

” એટલી સેલેરી હું મારા ડ્રાઇવર ને આપું છું…. ” ઘમંડ બહાર નીકળવા લાગ્યો…

” જી ” નીચી નજરે જ રાજ બોલ્યો.

” તું શુ સમજી ને અહીં આવ્યો હશે રાજ ? મેં આ બધી મિલકત , પૈસો એટલા માટે બનાવ્યો છે કે મારી દીકરી ને હું એક એવા માણસ જોડે પરણાવું જે માંડ બે ટક ના રોટલા નીકાળે છે ?”

“સર માન્યું કે હાલ મારી પાસે કાઈ નથી પણ હું ભણ્યો છું, અને હું મહેનત કરીશ એક દિવસ હું પણ મારી સ્થિતિમાં સુધાર લાવીશ”

” એમ ? તો મેં તને બે વર્ષ નો સમય આપ્યો જા. કૈક કરી બતાવ તો મારી દીકરી નો હાથ તને આપીશ ” ધનંજય રોય ઉભા થઇ ગયા.

રાજ એ દિવસથી મહેનતે લાગી ગયો… બે મહિના ત્રણ મહિના ….. સમય વિતતો ગયો પણ કોઈ સારી દિશા માંથી હાથ ન મળ્યો…. રાજ ની હિંમત અને વિશ્વાસ ધીમે ધીમે તૂટવા લાગ્યા… હિંમત ન રહે ત્યારે માણસ ઈશ્વર ને જ કોશે છે …. રાજ મંદિરે જઇ ઈશ્વર ને કહેવા લાગ્યો…..

“તે મને નાની ઉંમરે જ અનાથ બનાવી દીધો મેં કાઈ ન કહ્યું, કાકા કાકી નો ત્રાસ મળ્યો મેં કાઈ ન કહ્યું, મેં મહેનત કરી સારી ડીગ્રી મેળવી પણ છતાં મને દસ હજાર ની નોકરી મળી તો પણ મેં કાઈ ન કહ્યું મેં વિચાર્યું હું મહેનત કરીશ અને સારી નોકરી મેળવીશ… પણ જે કંપની માં જાઉં છું ત્યાં બધે જ અનુભવ માંગે છે મારા સર્ટિફિકેટ કોઈ જોતું જ નથી….. અને આ નોકરીમા પણ હું તો ખુશ જ છું પણ મને માધવી નહિ મળે….. જીવનમા મારુ કોજ છે જ નહી એક બસ માધવી છે એ પણ તું આમ છીનવી લે તો હું કઈ રીતે ચૂપ રહું ?” રાજ ની આંખો છલકાઈ ગઈ…..

દિવસો સુધી રાજ ઉદાસીમાં જીવતો રહ્યો. માધવી ના ફોનના પણ એ જવાબ ન આપતો. એ મને મળવાની જ નથી તો દૂર રહીને એને ભૂલવાની આદત હમણાં થી જ કેમ ન કરું….. !

એક તરફ માધવી પણ દુઃખી હતી અને બીજી તરફ રાજ હતાશાના વાદળો વચ્ચે સૂરજ ની આશા છોડીને નોકરી કર્યે જતો હતો….. અચાનક એક દિવસ રાજ ને એક એજન્ટ નો ફોન આવ્યો અને રૂબરૂ મુલાકાત માટે એપોઇન્ટમેન્ટ આપી. રાજ આપેલ સમયે એજન્ટ ને મળવા ગયો અને એજન્ટ સાથે વાતચીત કરી એણે સીધો જ માધવી ને ફોન કર્યો…..

” હેલ્લો માધવી….. ”

એકાએક સામેથી રાજનો ફોન આવેલો જોઈ અને એના અવાજ માં રાજીપો જોઈ માધવી પણ ખુશ થઈ ગઈ….

” રાજ આજે ખુશ દેખાય છે શું થયું બોલ ?”

” માધવી મને મારા સર્ટિફિકેટ જોઈને એક ફોરેઇન કમ્પની માં જોબ મળી છે. પાસપોર્ટ વિજા બધું જ એ લોકો એરેન્જ કરશે…. ” રાજ અત્યંત ખુશ હતો…..

” રાજ કોંગ્રેટ્સ યાર હું પપ્પા ને આજે જ કહીશ….. ” માધવી નાચી ઉઠી….

” સારું ચલ ત્યારે મારે બધી તૈયારીઓ કરવી પડશે માધવી હું જતા પહેલા એકવાર તને મળીને જવા માંગુ છું બસ તારા પપ્પા માનશે ને ?”

” અરે કેમ ન માને રાજ મને ખબર છે એ માનશે….”

” સારું ચલ બાય…..”

” બાય ”

દુઃખનું વાતાવરણ એકાએક જ ખસી ગયું. બંને દિલ પ્રસન્ન થઈ ગયા…. આશા ના કિરણો સીધા જ દેખાવા લાગ્યા… રાજ બસ બધી તૈયારીઓ કરવા લાગ્યો. એક બે દિવસમાં એજન્ટ બધી વ્યવસ્થા પણ કરી લીધી….. રાજ નો જવાનો દિવસ પણ નક્કી થઈ ગયો. જતા પહેલા રાજ અને માધવી મળ્યા ત્યારે માધવી એ કહ્યું હતું

” રાજ તું મને ભૂલી તો નઈ જાય ને ?”

” તારા માટે જ તો જાઉં છું માધવી પછી ભૂલવાની વાત જ ક્યાંથી આવે ?” રાજ ભીની આંખે બસ એટલું જ બોલ્યો…
એ દિવસે બંને ખૂબ રડ્યા હતા… હાથ છોડતા તો ઘણો સમય લાગ્યો હતો….

રાજ અમેરિકા પહોંચ્યો અને એજન્ટે કહ્યા મુજબ જ એને ત્રીસ હજાર ની નોકરી મળી ગઈ. ખાવા પીવા અને રહેવાની સુવિધા પણ કંપની તરફથી જ હતી…. મહેનત અને ટેલેન્ટ ને લીધે એને ત્યાં બે મહિના માં જ પદ બઢતી થઈ અને પગાર પીસતાલીસ હજાર થઈ ગયો…. કોઈ ખર્ચ તો હતો જ નહીં અને ઉપરથી એટલો સારો પગાર ….. રાજ ના બેન્ક બેલેન્સમાં ઝડપથી વધારો થવા લાગ્યો….

જેમ જેમ પૈસો વધતો ગાયો તેમ તેમ રાજ ધંધામા ઊંડો ને ઊંડો ઉતરતો ગયો. પોતાની હોશિયારી અને પૂરો ખંત એમાં લગાવી રાજ સિનિયરો કરતા પણ આગળ નીકળી ગયો. એક વર્ષ થતા સુધીમા તો એ ઘણા માણસો માટે રાજ માંથી સર બની ગયો…..
એક દિવસ રાજ ઓફીસમા હતો અને મધવીનો ફોન આવ્યો રાજ એના ધ્યાનમાં જ હતો એણે ફોન તરફ ધ્યાન ન આપ્યું. બીજી વાર ફરી રિંગ વાગવા લાગી રાજે કંટાળી ને ટેબલ ઉપરથી મોબાઈલ ઉઠાવ્યો જોયું તો માધવી હતી…..

” હલ્લો રાજ…. ”

” માધવી હું બહુ જ બીજી છું પ્લીઝ ….”

” રાજ….”

” પ્લીઝ સાંજે કોલ કરીશ … ” માધવીની વાત સાંભળ્યા વગર જ રાજે ફોન મૂકી દીધો….

રાજ એના કામમા ફરી લાગી ગયો…. પણ માધવી ને એક આઘાત લાગ્યો… શુ થયું રાજ ને ? અર્ધી રાતે જે મારો ફોન રિસીવ કરતો એ રાજ આજે બીજી થઈ ગયો……! માધવી ઉદાસ થઈ ગઈ… સાંજે મોબાઈલ ની સ્ક્રીન ને તાકતી માધવી રાતના બાર સુધી બેસી રહી પણ ન કોઈ ફોન આવ્યો ન કોઈ મેસેજ….. રાજે ફોન કેમ ન કર્યો ? એ કોઈ તકલીફમાં તો નઇ હોય ને ? ચિંતા થવા લાગી….. લાવ હું જ કરું…. માધવીએ ફોન લગાવ્યો….

” હલ્લો રાજ… તું ઠીક તો છે ને ?”

” મને શું થાય ? કેમ આવુ પૂછે છે ?”

” તારી તબિયત તો સારી છે ને ? ” માધવી ખરેખર માની નહોતી શકતી કે રાજ કોઇ તકલીફ વગર પણ એને ફોન ન કરે….!

” હા ભાઈ તબિયત સારી જ છે ” રાજ નો મિજાજ જવા લાગ્યો….

” ખા મારી કસમ…. ”

” માધવી ” એકદમ છંછેડાઈને રાજ બોલ્યો ” આખો દિવસ કમ્પની ના માલિક ને, સિનિયરો ને જવાબ આપવાના , જુનિયરોના પ્રશ્નો સોલ્વ કરવા ના અને રાતે તારા આ બધા જવાબ આપવાના હું કંટાળી ગયો છું…”

” સોરી રાજ….. ”

” હું કાલે વાત કરીશ માધવી પ્લીઝ મારુ મગજ હવે કામ નથી કરતું તારે તો ત્યાં બેસવાનું છે આખો દિવસ બાપના પૈસા છે મારે કામ કરવાનું છે ”

” હા રાજ સોરી તને હેરાન કર્યો રાતે મોડા બાય ગુડ નાઈટ ” ઉદાસ થઈ માધવીએ ફોન મૂકી દીધો…

તો આ છે પ્રેમ ….. ? મને ચિંતા થઈ એટલે ફોન કર્યો અને મારા પ્રેમ નો બદલો બસ આવો ? કંપનીના માલીક સાથે સારી વાત કરતો હશે ને રાજ ? તો મારી ઉપર આવું કેમ ? માધવી રડી પડી…..

આવી રીતે દિવસો વીતતા ગયા અને દિવસે દિવસે રાજ બદલાતો ગયો. કોઈ વાર ગુસ્સો કરતો, કોઇ વાર તો અઠવાડિયા સુધી ફોન ન ઉપાડતો તો કોઈ વાર બસ ઉતારી પડતો……

એક દિવસ એવું જ બન્યું હતું…. માધવીએ ફોન કર્યો હતો અને કોઇ મિલા એ ફોન રિસીવ કર્યો હતો. શંકા તો ત્યારે જ ગઈ હતી આખરે સ્ત્રી હ્ર્દય …… ખરાબ વસ્તુ એને દેખાઈ જ જાય ….. સ્ત્રી ના હ્ર્દય ને એના સ્નેહ ને કોઇ દેશની સીમાઓ નથી નડતી…..
એક દિવસ ખાતરી કરવા માધવીએ રાત્રે બાર વાગ્યે ફોન કર્યો અને મિલા એ જ રિસીવ કર્યો. રાત ના બાર વાગ્યે કોઈ સ્ત્રી પારકા પરુષનો ફોન રિસીવ કરે એટલે બધું સ્પષ્ટ જ હોય….. ફોન મૂકી માધવી રડવા લાગી….. કેટલીયે વાર સુધી માધવી રડતી રહી ત્યાં અચાનક ધનંજય રોય એની રૂમમાં આવી ચડ્યા….

” શુ થયું બેટા ?” પોતાની દીકરી આજે પહેલી વાર રડતી હતી એ જોઈ પિતા પણ નવાઈ પામ્યા…

” પપ્પા…. ” કહેતી માધવી ભેંટી પડી….. ધ્રુસકે ધ્રુસકે રડતી માધવી બોલી ” પપ્પા સારું થયુ કે તમે મારા લગન રાજ સાથે એ દિવસે ન કર્યા નહિતર આજે હું ક્યાંય ની ન રહી હોત….”

ઘડીભર દીકરીને અંતરની વેદના ઠાલવવા દીધી… રડતી રડતી માધવી બધું કહી ગઈ….ધનંજય રોય બસ ચૂપ ચાપ એના માથા પર હાથ ફેરવતા એને છાતીએ વળગાડી બેસી રહ્યા…

થોડી વારે પિતાના ખોળામાં દુઃખ ઠાલવી દઈ સાંત્વના મેળવી માધવી શાંત થઈ પછી એ બોલ્યા…. ” બેટા મને તું ઘમંડી સમજતી હતી એટલે જો તને હું સીધો જ ના કહોત તો તું ન માનોત.”

” પપ્પા તમને મારા ઉપર ભરોસો ન હતો ? શુ હું ભાગી જાઓત ?” માધવી પિતાની આંખો માં જોઈ બોલી…..

” મારું ખુન છે મારા સંસ્કાર છે એટલે તું એ કામ ન કરે એતો મને ખબર હતી ” હસીને ધનંજય રોયે કહ્યું…

” તો ?”

” મને બસ ડર એક જ હતો કે તારી અંદર લાગણીઓ તારી માં જેવી છે, તું નરમ હ્ર્દય ની છે ક્યાંક તું આપઘાત કરી લે તો મારું જીવતર ધૂળમાં મળી જાય ને ” ધનંજય રોયની કડક આંખો માંથી એક આંસુ સરી પડ્યું….

” બેટા રાજ નો પ્રેમ એની મજબૂરી હતો…. ”

” એટલે એ પૈસા માટે લગન કરવા માંગતો હતો ?” માધવીએ નવાઈથી પૂછ્યું…

” ના બેટા એ હું ન કહી શકું પણ એનો પ્રેમ એટલા માટે હતો કેમ કે એ દુઃખી હતો, એ એકલો હતો, એની પાસે પૈસા નહોતા એટલે એનું કોઈ હતું જ નહીં અને એ સમયે એ તને મળ્યો એટલે બસ એને તારી મૈત્રી તારા સ્નેહની જરૂર હતી ”

” તમે આ બધું …. ”

” અનુભવ બેટા….. ” માધવીને વચ્ચે જ રોકી લઈ એ બોલ્યા ” એમને એમ હું આટલો મોટો બિઝનેશ મેન નથી બન્યો”
માધવી પપ્પા ને સાંભળતી રહી….

” અને હા રાજ ને નોકરી પણ મેં જ અપાવી હતી માધવી ”

” તમે આ શું કહો છો પપ્પા ?” માધવી ની આંખો પહોળી થઇ ગઇ…

” હા બેટા હું ચાહોત તો એને આપણે ત્યાં જ નોકરી આપી દોત પણ મારી હાજરી માં મારા સહવાસ માં તો રાજ હમેશા રાજ રહોત એ ક્યારેય પોતાની હકીકત છતી ન થવા દોત… એટલે મેં મારા મિત્ર એજન્ટ ને વાત કરી એને એને નોકરી અપાવી ”

” પણ તમે એવું કેમ કર્યુ ? ”

” એનું કારણ છે બેટા એને અનુભવ વધ્યા વગર સીધી જ બઢતી મળે નહીં , અને અનુભવ લેતા એને વર્ષો નીકળી જાય ત્યાં સુધી હું તને અપરિણીત રાખી ન શકું. અને પૈસા , પાવર અને માન ન મળે ત્યાં સુધી માણસ બદલાતો નથી બેટા ”

” રાજ ને કંપની તરફથી ગાડી મળી એટલે એ થોડો સમય તો ફરવામાં વ્યસ્ત રહ્યો, પછી બધા નું માન મળ્યું એટલે એની એકલતા ન રહી અને માણસ ને બીજા નો સાથ મળી જાય પછી એ જુના બધા ને ભૂલવા જ લાગે છે ”

ધંનજય રોય વાક્ય પૂરું કરે એ પહેલાં જ માધવી ભેંટી પડી ” પપ્પા તમે તો મારા જ છો મારા માટે જ તમે બધી પરીક્ષા લીધી અને મને સત્ય સમજાઈ ગયુ….. ” માધવી ફરી રડી પડી……

દીકરીને માથે હાથ ફેરવતા ધંનજય રોય ક્યાંય સુધી એમને એમ બેસી રહ્યા……..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

 

Comment here