gujarati-varta-nasib-apna-apna

નસીબ અપના અપના !

હું ખુબ જ ખુશ હતો. કેમ ખુશ ન હોઉં. આજે હું ત્રણ વર્ષથી જોતો હતો એ સપનું પૂરું થવા જઈ રહ્યું હતું. ગયા રવિવારે જ મારી એન્જલે પાંચ નાના ગલુડિયાઓને જન્મ આપ્યો હતો. સદનસીબે એમાંથી ચાર તો કુતરા હતા અને માત્ર એક જ કુતરી હતી. ના, ના હું જરાપણ પુરુષ-પ્રધાન સમાજની માનસિકતા ધરાવતો નથી. દીકરો દીકરી એક સમાન. પણ આતો ગલુડિયાઓની વાત છે. શું કરું? મારે એક બાઈક લાવવું છે. ના, ના મને બુલેટ કે એવેન્જરનો કોઈ શોખ નથી. પણ આજ કાલ તો પ્લેટીના પણ પ્લેટીનમના ભાવે પહોચી ગયા છે.

ત્રણ વર્ષ પહેલા હું શો-રૂમ પર ગયો હતો. ત્યારે પ્લેટીનાના ભાવ ચાલીસેક હજાર હતા. પપ્પા જોડે એટલા રૂપિયા માંગવાનો કોઈ અર્થ હતો નહિ. પપ્પા ખાનગી બેંકમાં પ્યુનની જોબ કરે છે અને એમનો પગાર માત્ર  આઠ હજાર. એટલામાં ઘર જ માંડ ચાલે. કોલેજના પ્રથમ વર્ષથી જ મને બાઈક લાવવાની એષણા જાગેલી પણ શું કરું? આમ પણ બધાની બધી એષણા ક્યાં પૂરી થતી હોય છે?

કોલેજના  સેકંડ સેમિસ્ટરની એક્ઝામ પતિ ગઈ એટલે ઉનાળાની રજાઓમાં મમ્મી સાથે મામાને ઘરે ગયો. ના, ના મામા મને બાઈક ન અપાવે. કોઈ આશા કે સ્વાર્થ  વગર જ હું મામાને ઘરે ગયો હતો. મામા મને બાઈક આપવા માંગતા હોય તો પણ ન આપી શકે. મામા મને બાઈક તો શું સાઈકલ આપે તો પણ મામાને મહાવીર કે બુદ્ધ જેમ ગૃહત્યાગ કરવો પડે એવી મારી મામી છે!

ભલે મામાને ઘરેથી મને બાઈક ન મળ્યું પણ બાઈક લાવી શકું એવું કઈક મળી ગયું. મામાની છોકરીને પપ્પી બહુ ગમતા. અમૃતાને ગલુડિયા બહુ ગમતા. એણીએ બે-એક વર્ષ પહેલા એક પપ્પી લાવેલું. એ પપ્પી હવે મોટી જર્મન શેપર્ડ બની ગઈ હતી. પણ અમૃતા હવે અમદાવાદ ફેશન ડીઝાઈનીંગનો કોર્સ કરવા જવાની હતી. મામાને પણ કુતરા એટલા બધા ગમતા હતા નહિ.

અમૃતાએ કહ્યું, “આશુ, મારી એન્જલને તું લઇ જા. તું એને સાચવજે. આવતી સાલ તો એ બચ્ચાં પણ આપશે. દરેક બચ્ચું પાંચથી સાત હજારમાં વેચાઈ જશે. તને ફાયદો છે. એન્જલ પણ અત્યારે પચ્ચીસ હજારની ગણાય. જીવનમાં પહેલી વાર મામી ખુશી ખુશી મને એન્જલ આપવા તૈયાર થઇ ગઈ. અઠવાડિયું રોકાણ કરીને હું અને મમ્મી એન્જલ સાથે ઘરે આવ્યા.

એ વાતને દોઢેક વર્ષ થઇ ગયું. એન્જલે પાંચ બચ્ચાંને જન્મ આપ્યો. એક કુતરી અને ચાર કુતરા. અને એમ પણ એક ગલુડિયું તો વ્હાઈટ હતું. હા, આ વ્હાઈટ ગલુડિયું જ મને વીસેક હજાર અપાવશે અને બાકીના ચારના પણ વીસ પચ્ચીસ હજાર આવી જશે. હવે મને બાઈક લાવતા કોઈ રોકી શકે તેમ ન હતું. મેં અમૃતાને ફોન કરીને ખુશ ખબર આપી.

અમૃતાએ કહ્યું, “ આશુ, તું નસીબદર છે. તું કવીકર પર એડ કરી દે. બધા બચ્ચાં તરત જ વેચાઈ જશે. મેં કવીકર પર બચ્ચાંના ફોટા મુક્યા. ચાર બચ્ચાં સારી કિમતે વેચાઈ ગયા હતા. મારી પાસે ચોવીસ હજાર બેલેન્સ થઇ ગયું હતું. હું બાઈકના દિવાસ્વપ્નો જોતો હતો ત્યાજ ફોન આવ્યો.

“હેલ્લો, આશુ પટેલ.” એક મહિલાનો અવાજ સંભળાયો.

“હા, તમે કોણ?” મેં પૂછ્યું.

“કવીકર ઉપર તમારી એડ જોઈ હતી.” મહિલાએ કહ્યું.

“હા, હા બોલો.” હું ખુબ જ ખુશ થઇ ગયો હતો.

“ફોટોમાં દેખાય છે એ વ્હાઈટ બચ્ચું મળી જશે?”

“હા બેન. બધા બચ્ચાં વેચાઈ ગયા છે. આ એક જ હવે છે.” મેં કહ્યું.

“કેટલામાં આપવાનું છે?” પેલી સ્ત્રીએ પૂછ્યું.

“પાંત્રીશ હજાર, બેન.” મેં કહ્યું કેમ કે મારે હજુ ત્રીસ હજારની જરૂર હતી અને જો ત્રીસ કહું તો ત્રીસ ન મળે.

“બેટા, વ્યાજબી કહે. તીસ હજાર ઘણા કહેવાય.”

બેટા શબ્દ સાંભળી મને થયું કે એ મોટી ઉમરના હશે.

“આંટી, મારી જોડે આ એકજ બચ્ચું હવે છે. બાકીના બધા વેચાઈ ગયા છે. આ બચ્ચું વ્હાઈટ છે. આંટી, સોએ એકાદ જર્મન શેપર્ડ વ્હાઈટ જોવા મળે.” મેં ખંધા વેપારીની જેમ કહ્યું.

“બેટા, મને ખબર છે. જર્મન શેપર્ડનું બચ્ચું કાળું હોય તો પાંચથી સાત હજાર ભાવ આવે. વ્હાઈટનો ભાવ વધુ હોય પણ તું કહે છે એટલો ન હોય. બેટા, પંજાબમાં વીસ હજારમાં બચ્ચું મળી જાય.”

“આંટી, પંજાબમાં વીસ હજારમાં મળી જાય તમારી વાત સાચી. પણ પંજાબ જવું પડે, ત્યાં તપાસ કરવી પડે, બચ્ચાંને અહી સુધી સાચવીને લાવવું પડે. તમે એકવાર આવીને બચ્ચાને જોઈ લો. તમેજ કહેશો કે આવું બચ્ચું તો પંજાબના પઠાણકોટમાં પણ ન મળે.”  મારી વાત સાંભળી એ મહિલા થોડી ઠંડી પડી.

“બેટા, જોયા વગર જ કહી દઉં છું, પચ્ચીસ હજાર આપીશ.”

“આંટી, તમે એકવાર આવીને જોઈ લો. હું ત્રીસ હજારમાં એક રૂપિયો પણ ઓછો નહિ કરું.”

“ભલે બેટા, હું આવું છું એકાદ કલાકમાં.”

એકાદ કલાકમાં પેલા બેન આવી ગયા. એમને બચ્ચું બહુજ ગમી ગયું. કેમ ન ગમે? સરસ નાનું બચ્ચું. ચામડી નહિ જાણે રૂપેરી મખમલ. ધ્યાનથી ન જુવો તો તમે સસલાનું બચ્ચું જ સમજી બેસો એટલું રૂપાળું!

એ બેને કહ્યું, “બેટા, હું કાલે લઇ જઈશ. આજે એકટીવા લઈને આવી છું, જોવાજ આવી હતી. લે આ પાંચ હજાર એડવાન્સ.”

“ભલે આંટી, કાલે લઇ જજો. તમારે હવે પચ્ચીસ આપવાના રહ્યા.” મેં પાંચ હજાર ગણ્યા વગર જ ખિસ્સામાં મુકતા કહ્યું.

“તું જીદ નહિ છોડે. પુરા પચ્ચીસ આપી દઈશ બસ. કાલે સવારમાં હું આવી જઈશ.” એણીએ હસીને કહ્યું.

****

સવારના નવ વાગી ગયા હતા. મોડું ન ગણાય પણ મને મોડું થઇ ગયેલું લાગતું હતું. આજે મને પચ્ચીસ હજાર મળવાનાને એટલે. મને ખુબ આતુરતા હતી. મેં ફોન કર્યો.

“હેલ્લો, વિભાવરીબેન બોલો છો?”

“હા, વિભાવરીબેન જ બોલું છું.”

“બેન, તમે આવ્યા નહિ?”

“બેટા, હું આજે બપોરે આવી જઈશ. મારી કારનું ફ્રન્ટ લેફ્ટ વ્હીલ ફ્લેટ હતું સવારમાં ઉઠી ત્યાજ. ડ્રાઈવર હજુ આવ્યો નથી. એ આવે એટલે વ્હીલ ચેન્જ કરશે એટલે હું તરત જ આવી જઈશ.”

“પણ બેન ચોક્કસ. મારે બપોર પછી બહાર જવાનું છે.” મેં કહ્યું. મારે ક્યાય જવાનું તો ન હતું પણ પૈસાની ઉતાવળ હતી.

***

બપોરના ચાર વાગી ગયા હતા. પેલા બેન હજુ આવ્યા ન હતા. મેં ફરીથી એમને ફોન કર્યો.

“બેન, તમે હજુ આવ્યા નહી.”

“બેટા, એક કામ કર. તું આવી જા ને બચ્ચાંને લઈને. હું તને પેમેન્ટ આપી દઈશ મારા ઘરેથી જ.”

“એડ્રેસ લખાવો બેન.” મેં કહ્યું.

“16/1 કુંજ વિહાર

જુની જેલ નજીક,” એણીએ મને એડ્રેસ લખાવ્યું.

એની સોસાયટી મારા ઘરથી માંડ પાંચેક કિલોમીટર દુર હશે. હું બચ્ચાને લઈને નીકળ્યો. રોડ પર આવી મેં એક બે ઓટોને હાથ બતાવ્યો પણ એમણે રોકી નહિ. જોકે એક જૂની ઓટો જેમાં કોઈ સવારી ન હતી એણે મારાથી પાંચેક કદમ આગળ જઇ ઓટો જરાક બાજુમાં પુલ ઓફ કરી. સારા એવા પૈસા મને મળવાના હતા એટલે મેં ભાડું પુછવાની પરવા કાર્ય વગર સીધું જ કહી દીધું, કુંજ વિહાર, જૂની જેલ નજીક.

ઓટો ડ્રાયવર પણ મેં ભાવ નક્કી ન કર્યો એટલે સમજી ગયો કે શેઠને કઈક ઉતાવળ છે એટલે એ મહેસાણાના વ્યસ્ત રોડ પર ઓટોને ટેક્સીની ગતિએ દોડાવવા લાગ્યો. લગભગ દસેક મિનીટમાં એણે મને કુંજ વિહાર ઉતારી દીધો.

હું ઓટો ડ્રાયવરને પચાસની નોટ આપી ૧6/1 વિભાગ તરફ રવાના થયો. એણીએ લખાવેલા એડ્રેસે પહોચ્યો.

એના ઘરે લોકોની ભીડ હતી. શું થયું હશે? હું વિચારતો વિચારતો ઘરમાં પ્રવેશ્યો. મારા હાથમાં પપ્પી હતું પણ કોઈનું ધ્યાન મારા ઉપર કે મારા પપ્પી ઉપર ન ગયું. પેલા બેન બેઠા હતા. બાજુમાં એક નાનું આજે જ જન્મેલ હોય એવું બાળક હતું. મને જોઇને એમણે મને બેસવા કહ્યું.

“હવે શું કરવું આ બાળકનું?” એક વૃધ્ધા બોલી.

“શું કરીએ? તમે જ કહો. કોઈ પોતાનું પાપ મારા ઘરને બારણે મુકીને જતું રહ્યું.” વિભાવરીબેન ગુસ્સાથી બોલ્યા.

“કોણ મૂકી ગયું હશે? હે ભગવાન! કેવો કળયુગ આયો છે! હે ભગવાન હવે તો મને ઉપાડી લે. આ કળયુગ નથી જોવાતો મારાથી.” એક બીજી વૃદ્ધા બોલી.

“શું થયું છે, આંટી?” મેં પૂછ્યું. મને હજી કઈ સમજ પડી ન હતી.

“શું કહું બેટા! બપોરના સમયે કોઈ આ બાળકને મારા ઘરને દરવાજે મુકીને જતું રહ્યું.” વિભાવરીબેન બોલ્યા.

એટલામાં એક બે આઘેડ પુરુષો અને ચાર પાંચ નવજુવાનો પણ આવી ગયા.

બાળકને જોઈને હેબતાઈ ગયો હોય એમ એક યુવક બોલ્યો, “બાળક ઉંચી જાતનું લાગે છે. એનો ચહેરો કેવો તેજવાળો છે!”

“આપણી સોસાયટીમાંથી જ કોઈકનું પાપ હશે.” બીજો યુવક હસતા હસતા બોલ્યો.

“સોસાયટીનું જ કોઈક હશે એટલે વિભાવારીબેનના ઘરના દરવાજે મૂકી દીધું. એને ખબર છે કે વિભાવરીબેન સમાજ સેવિકા છે એટલે બાળકની ક્યાંક વ્યવસ્થા કરી નાખશે.” પહેલો યુવાન બોલ્યો.

“સમાજ સેવિકા છું એટલે લોકોના પાપની વ્યવસ્થા મારે કરવાની?” વિભાવરીબેન ચીડાતા બોલ્યા.

“જે હોય તે હવે આ બાળકનું તમારે જ કઈક કરવું પડશે, ભાભી.” એક આઘેડ બોલ્યો.

“હું શું કરું?” વિભાવરીબેન ચિડાઈને બોલ્યા.

“તમે સમાજ સેવિકા છો.” ટોળામાંથી કોઈક બોલ્યું.

“હું સમાજ સેવિકા છું તે બધી જવાબદારી મારી?” વિભાવરીબેન અકળાઈ ઉઠ્યા.

“પોપટ કાકા, તમે રાખી લો ને આ બાળકને!” પેલા ત્રણમાંથી એક યુવક ટીખળ કરતા બોલ્યો.

“હું શું કામ રાખું?” અત્યાર સુધી ચુપ હતા એવા એક સફેદ ઝભ્ભો-ધોતીવાળા કાકા બરાડ્યા.

“તમારે સંતાન નથી એટલે….” પેલા યુવાને પણ સામે રોકડું પરખાવ્યું.

“મારે સંતાન નથી એટલે શું રસ્તા પર પડેલા બાળકને મારા ઘરે લઇ જવાનું? તને બોલવાનું કઈ ભાન છે?” કાકા બગડ્યા, “આ તારા જેવા કોઈ યુવાનનું જ પાપ છે. તું લઇ જા. શું ખબર તારું પણ હોય?”

પેલો યુવાન ભોઠો પડી ગયો અને બોલ્યો, “કાકા હું એવો માણસ નથી. બેય ટાઈમ ગીતાપાઠ કરું છું.”

“વિભાવરીબેન, તમારા સિવાય આ બાળકની વ્યવસ્થા કોઈ નહિ કરી શકે. બધા સ્વાર્થી છે.” વળી એક બેન બોલ્યા.

“હું શું વ્યવસ્થા કરું? મારા ઘરે તો કઈ ન રાખી શકુને? દીકરો અને દીકરાની વહુ અમેરિકા જતા રહ્યા છે. દીકરી પણ પરણીને અમેરિકા જ સેટ થઇ ગઈ છે. હું અને એના પપ્પા. અમારી પોતાની જાતને જ માંડ સાચવીએ છીએ આ ઉમરે. એમને અને મને સમાજ સેવામાંથી ટાઈમ જ નથી મળતો. તમારા જેમ નવરી હોત તો હું મારા ઘરેજ રાખી લોત.” વિભાવારીબેન ઉદાસી સાથે બોલ્યા.

“તો શું કરીશું?” પેલી મહિલાએ પૂછ્યું.

“મેં પોલીસને ફોન કર્યો છે. પોલીસ આવતી જ હશે. અનાથાશ્રમમાં પણ ફોન કર્યો છે. અનાથાશ્રમવાળા મને ઓળખે છે એટલે આવી જ રહ્યા છે. એ અનાથાશ્રમનું ઓપનીંગ મારા જ હાથે થયું હતું.” વિભાવરીબેન ગર્વ સાથે બોલ્યા.

પોલીસ આવે છે એ સાંભળીનેજ કેટલાકે ચાલવા માંડ્યુ. હું તમાશો જોતો હતો. અનાથાશ્રમવાળા પણ આવી ગયા. અનાથાશ્રમવાળાએ પણ પોલીસને ફોન કર્યો. એકાદ કલાકમાં પોતાના સમય પ્રમાણે સમયસર પોલીસ આવી ગઈ.

પોલીસની ગાડીનું સાયરન સંભળાયું એટલે પેલા ત્રણ યુવાનો પણ ચાલતા થયા. બીજા લોકોએ પણ ચાલતી પકડી. પેલા ત્રણ આઘેડો અને બે વૃદ્ધા બાકી રહ્યા. એમને પોલીસનો કે પોલીસના પ્રશ્નોનો ડર ન હતો. પોલીસ આવી ગઈ. બાળક પણ હવે હાથ પગ હલાવવા લાગ્યું હતું અને રડવા લાગ્યું હતું.

એક લેડી પોલીસે પૂછ્યું, “બાળકને દૂધ બીજું કઈ પાયું છે?” કોઈ કશું બોલ્યું નહિ. લેડી પોલીસ થોડી દયાળુ હતી. એણીએ પચાસની નોટ કાઢીને એક છોકરાને આપી. “દુધની થેલી લેતો આવ.”

પેલો છોકરો દૂધ લઈને આવ્યો ત્યાં સુધીમાં પોલીસે એક ચોપડામાં થોડુક લખ્યું, બધાની સહીઓ લીધી. પેલા આઘેડોમાંથી એકે સહી કરી અને બે એ તો અંગુઠા જ માર્યા. વિભાવારીબેને પણ સહી કરી. લેડી પોલીસ વિભાવરીબેનના રસોડામાં જઈને ચમચી લઇ આવી અને  બાળકને બે ચમચી દૂધ પીવડાવ્યું.

અનાથાશ્રમવાળાએ બાળકને હાથમાં લીધું. લેડી પોલીસે પેલું બાકી વધેલું દૂધ પણ પેલા અનાથાશ્રમવાળા ભાઈને આપી દીધું. પોલીસ અને અનાથાશ્રમવાળા ગયા. બાકીના લોકો પણ મદારીનો ખેલ પૂરો થયો હોય એમ સંતૃષ્ટતાના ભાવ સાથે પોતપોતાના ઘરે ચાલ્યા.

વિભાવરીબેને નિરાંતનો દમ લીધો અને બોલ્યા, “બેટા, પાણી લાઉં? ચા મુકું?”

મેં કહ્યું, “આંટી, મારે મોડું થાય છે.”

વિભાવરીબેન ઘરમાં ગયા. મને પાણી લાવીને આપ્યું. અને બોલ્યા, “બેટા, પપ્પી ભૂખ્યું થયું હશે નહિ? આ તમાશામાં હું ઉભી જ ન થઇ શકી.” એ ફરીથી ઘરમાં ગયા. એક તપેલીમાં દૂધ લઇ આવ્યા. ગલુડિયાને દૂધ પીવરાવવાની ટોટી પણ એમના હાથમાં હતી.

“આંટી, ટોટીની જરૂર નથી. આજે એને અઠવાડિયું થવા આવ્યું. આ તો સીધું જીભથી પી લેશે.” મેં કહ્યું.

મેં બચ્ચાંને નીચે બેસાડ્યું. તપેલી એની સામે મૂકી. તપેલીમાં દૂધ જોતા જ એ પીવા લાગ્યું.

“લે બેટા, આ પચ્ચીસ હજાર.” આન્ટીએ મને પૈસા આપ્યા. પૈસા ખિસ્સામાં મુકીને હું બોલ્યો, “આંટી, પપ્પીને સાચવજો.”

“બેટા, ચિંતા મત કર. મને પપ્પી ખુબ ગમે છે. મને પપ્પીને ઉછેરવાનો ઘણો અનુભવ છે. બે મહિના પેલા જ મેં એક ગોલ્ડન લેબ્રા પપ્પી લીધું હતું. પુરા સોળ હજાર આપ્યા હતા. પણ અઠવાડિયા પેહેલા જ મારા ભાઈની બેબલી રીમા આવી. એને પસંદ પડી ગયું તે લઇ ગઈ. મને પપ્પી વગર ફાવે જ નહિ. પપ્પી વગર મારો દિવસ જ જતો ન હતો.”

“આંટી, હું જાઉં છું.” કહીને હું નીકળ્યો.

ઘરે આવીને પૈસા સંભાળીને કબાટમાં મુક્યા. પછી સીધો ગયો એન્જલ પાસે. એન્જલ પર હાથ ફેરવતા ફેરવતા હું વિચારવા લાગ્યો- કેવી નસીબદાર છે એન્જલ! એના બચ્ચાં તરત જ વેચાઈ ગયા. એ પણ પાછા સારા સારા સુખી ઘરમાં. પેલું બિચારું બાળક… કોઈ પણ શું કરી શકે? લેબ્રા કે જર્મન શેપર્ડનું ગલુડિયું હોત તો લોકો પૈસા આપીને પણ લઇ જવા પડાપડી કરતા હોત!

***

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here