gujarati-varta-musafar

મુસાફર

“ડીસા અમદાવાદ બસ નંબર 3356 પ્લેટફોર્મ નંબર 12 ઉપર….”

“ડીસા અમદાવાદ બસ નંબર 3356 પ્લેટફોર્મ નંબર 12 ઉપર….”

એનાઉન્સરની કેબિનમાંથી અમદાવાદની એક્સપ્રેસ બસ માટે બે વાર એનાઉન્સ કરવામાં આવ્યું. હું મોબાઈલમાં વાંચકો સાથે ફેસબુક ઉપર કોમેન્ટ કોમેન્ટ રમતો હતો. ફટાફટ મોબાઈલ ખિસ્સામાં સરકાવી મારી બેગ લઈ હું પ્લેટફોર્મ આગળ ધક ધક ધક ધક કરતી આવીને હાંફતી લાલ બસ તરફ દોડ્યો. ધક ધક ગર્લ માધુરીની વાત નથી કરી રહ્યો હું બસની વાત કરી રહ્યો છું…!

હું દોડ્યો છતાં થોડો લેટ પડ્યો. રાબેતા મુજબ બસના એકમાત્ર દરવાજે ટોળું થઈ ગયું હતું. ટોળામાં હું ક્યારેય ઘૂસતો નહિ. કારણ આપણું મગજ ગરમ અને ટોળામાં ઘુસા ઘુસી થાય એમાં ક્યાંક ઘુસો પણ લાગી જાય ! ને એમ થાય તો ખોટી બબાલ વ્હોરવી પડે એના કરતાં ભલે સીટ ન મળે તો ઉભા રહેવું પોસાય !

ટોળું ધીમે ધીમે એ લાલ એસ.ટી. બસમાં પુરાઈ ગયું પછી જ હું પાવડી ઉપર પગ મૂકી અંદર ગયો. આગળ બધી જગ્યા પેક થઈ ગઈ હતી. એટલે મેં ચશ્માંના કાચ આરપાર પાછળ નજર કરી. છેક છેલ્લી સીટ સુધી લગભગ ક્યાંય જગ્યા ન દેખાઈ. માત્ર એક છેલ્લી લોન્ગ સીટમાં ત્રણ ચાર જગ્યા દેખાઈ એટલે મેં પગ સાચવીને ઉપાડ્યા. સાચવીને એટલા માટે કે અહીં નજીકના ગામના લોકો બેઠા હોય એટલે વચ્ચે બોરીયા બીસ્તરા અને પોટકા મુકેલા હોય ! રખેને ઠોકર વાગે તો નવા ચશ્માય તૂટે ને બસમાં બેઠી મારી ઉંમરની સુંદરીઓ હસે એ અલગ ! મફતમાં કોઈને મનોરંજન આપવાનો મારો કોઈ ઈરાદો હતો નહિ એટલે મેં સાચવીને પાછળ તરફ પ્રયાણ કર્યું !

હજુ હું સીટ સુધી પહોંચું ત્યાં તો બારી ખુલી અને ધડામ કરતો એક બગલથેલાનો છુટ્ટો ઘા અંદર થયો ! મેં બારી તરફ નજર કરી ત્યાં અવાજ પણ આવ્યો, “મોટા ભાઈ બે જગ્યા રાખજો, આ બેગ કોઈ હલાવે નહિ એ ધ્યાન રાખજો…”

એ કોલેજીયન યુવક હતા. અહીં એ રીતે જ બસમાં જગ્યા મેળવવાની પ્રથા ચાલતી. મેં એની બેગ બરાબર મૂકી અને એક સીટમાં હું ગોઠવાયો. થોડીવારમાં એ બેય કોલેજીયન છોકરા આવ્યા.

“થેંક્યું મોટા ભાઈ…..” કદાચ મારી દાઢીને લીધે મને મોટા ભાઈ કહ્યું બાકી કોલેજીયન ગરમ ખૂન તું તા વાળી જ કરે.

મેં હસીને માથું હલાવ્યું. અને કોઈ વાર્તા મળે તો એ માટે આગળ એક નજર કરી. ખાસ વાર્તા બને એવું કોઈ વાતાવરણ દેખાયું નહિ. ત્રણેક સીટ છોડીને બે હસમુખી કોલેજીયન છોકરીઓ બેઠી હતી. કદાચ વોટ્સએપ જોક વાંચીને કે પછી બોયફ્રેન્ડે વાંદરા જેવા ચહેરા બનાવી મોકલેલી સેલ્ફી જોઈને એ બંને અંદરો અંદર તાળીઓ લઈ દઈ હસતી હતી.

આગળ બધા ગામડાના માણસો હતાં. ડાબી તરફની સીટમાં થોડેક આગળ બારી ખોલીને બેઠેલા કાકાના ફાળિયા (સાફો)નો છેડો હવામાં લહેરાતો હતો.

કંડકટર સાહેબ આગળના ભાગમાં ટિકિટ લેતા હતાં. મેં મારી નજીક ધ્યાન આપ્યું. તો આગળની સીટમાં એક પાંત્રીસેકના કાકા મોબાઈલમાં નજર કરીને બેઠા હતા. પેલા કોલેજીયન યુવકો એમની કોલેજની કોઈ છોકરી વિશે વાતો કરતા હતા જેમાં મને રસ હતો જ નહીં ! કેમ કે એ બધું હું કોલેજમાં કરી ચુક્યો હતો !

મેં ફરી મોબાઈલ નિકાળ્યો અને ફેસબુક ઉપર સ્ટેટ્સ અપડેટ કર્યું. ગોઇંગ ટુ અહેમડાબાદ. અમદાવાદને હવે બધા એ નામથી જ જાણે છે.

થોડીવાર પછી જોયું તો સ્ટેટ્સ ઉપર મારા ખાસ વાંચકોની કોમેન્ટ હતી. અમદાવાદના વાંચકોએ વેલકમ લખ્યું હતું તો અમદાવાદ સિવાયના વાંચકોએ હેપ્પી જર્ની લખ્યું હતું. બધાને આભાર કહી દેવામાં મેં પાંચેક મિનિટ લીધી ને ફરી એક સ્ટેટ્સ અપડેટ કર્યું. “સેલિબ્રિટી બનવા શુ કરવું જોઈએ ?”

ત્યાં કંડકટર સાહેબ આવીને બોલ્યા…. “ટિકિટ….”

“પાસ….” પેલા બેય કોલેજીયન યુવક એક સાથે બોલ્યા એટલે હવે મારે જ પર્સ કાઢવાનો વારો હતો. મેં પર્સ નીકાળતા અમદાવાદ ગીતા મંદિર કહ્યું. પંચસોની નોટ આપી અને ટિકિટ લીધી. કંડક્ટર ભાઈએ દશના ગુણકમાં થતી રકમ પરત કરી અને બીજા છુટ્ટા આપવા માટે ખિસ્સા ફંફોળવા લાગ્યા.

“ચાલશે ભાઈ…..” મેં હસીને કહ્યું એટલે વળતી એવી જ સ્માઈલ આપી કંડકટર રવાના થયા….. મને બીજા લોકોની જેમ બે ચાર રૂપિયા માટે કંડકટર પાસે ‘ટિકિટ ઉપર ચાર રૂપિયા જમા છે…’ એવું લખાવવું ગમતું નહિ ! ભલે સરકાર પગાર આપે છે પણ બસમાં ઉભા રહેવું, ટીકીટો આપવી, છુટ્ટા આપવા એ બધું કામ જરા અઘરું તો છે જ ને !

મેં ટિકિટ બેગના એક ખાનામાં મૂકી દીધી અને મોબાઈલમાં ધ્યાન પરોવ્યું. પેલી બંને પોસ્ટ ઉપર લાઈક કોમેન્ટ જોઈ. ગઈ કાલે લોન્ચ કરેલા નવલકથાના પોસ્ટર ઉપર લાઈક કોમેન્ટ જોઈ. પોસ્ટર ઉપર 925 લાઇક્સ અને 100 કોમેન્ટ જોઈને જ મને નવલકથા સફળ રહેશે એવી આશા બંધાઈ ! મારી બુક સારી એવી વેચાશે એ અંદાજ મને આવ્યો….

હું હજુ એ ધ્યાનમાં હતો ત્યાં એકાએક બ્રેક લાગી. પેલા બે કોલેજીયન ઉભા થયા અને બેગો લઈને દરવાજા તરફ જવા લાગ્યા. મેં ફરી ધ્યાન મોબાઈલમાં આપ્યું. ત્યાં ફરી બસ ઉપડી. ધીમે ધીમે બસ ગતી પકડતી હતી એટલે જોલા ખાતી હતી. એમાં મને અવાજ સંભળાયો “અલી જોતો…..”

અવાજ સાંભળી મેં ઊંચી નજર કરી. એક છોકરી કન્ડક્ટર સીટ પાસેની પાઇપ પકડીને પડતા પડતા બચી હતી. એની આસ પાસ બીજી છોકરી હતી નહિ છતાં એ ‘અલી જોતો શબ્દ…’ બોલી એ મને વિચિત્ર લાગ્યું. જોકે એ પડતા પડતા બચી હતી.

એ ધીમે ધીમે પાછળ સરકવા લાગી. મારી આગળ પેલા પાંત્રીસેક વર્ષના કાકા બેઠા હતા એમની બાજુ વાળી સીટ ખાલી થઈ ગઈ હતી એટલે એ છોકરી કદાચ ત્યાં બેસવા આવતી હશે એમ મને લાગ્યું. ના મને એવી કોઈ ઉપર નજર રાખવાની આદત નથી પણ હું લેખક છું એટલે મને દરેક બાબતો ઝીણવટ પૂર્વક જોવાની આદત. કારણ કે લખવામાં એ બધું કામ આવે !

મેં જોયું એ છોકરી સીધી ચાલીને આવી. ખભા પરથી બેગ તો ચાલતા ચાલતા જ હાથમાં લીધી અને મારી આગળની સીટમાં એ બેસવા જતી જ હતી ત્યાં એ એકાએક અટકી ગઈ. મારી આગળ બેઠા પેલા કાકા પણ એકાએક ઝબકયા અને ઉપર જોઈ ઝડપથી એમણે બારી તરફ નજર ફેરવી લીધી…

છોકરીએ મારી સામે જોયું. એ મેકઅપ વગર જ ખાસ્સી એવી સારી દેખાતી હતી. નહિ એ રીતે નહિ. આગળ કહ્યું એમ જ લેખકના નજરીયાથી ! પણ એ બેસવા જતી હતી તો અટકી કેમ ગઈ ? મને એ સમજાયું નહીં. આગળ કાકા મોટી ઉંમરના હતા એની પાસે બેસતા તો એને શુ ખેદ હોય ? મારા જેવો યુવાન હોય તો વાત અલગ છે !

મને કંઈ સમજાયું નહીં. ખેર જે હોય તે. હું ફરી મોબાઈલમાં ધ્યાન પરોવવા લાગ્યો. પણ ઘડી ઘડી મારી નજર એ છોકરી તરફ જતી હતી ! કદાચ એ છોકરીએ પણ એ નોંધ્યું હશે.

એ કેમ ન બેઠી એ વિચાર દૂર કરી મેં ઘરે ફોન જોડ્યો. પણ બીપ બીપ….. થઈ ફોન કટ થઈ ગયો. મેં કાનેથી હટાવી મોબાઈલ નજર આગળ કર્યો તો નેટવર્ક હતું જ નહીં. મેં બારીમાંથી નજર બહાર કરી તો ખેતરો નજરે ચડ્યા. ઓહ સીટ !  ગામડાનો એરિયો શરૂ થયો હતો હવે છેક કોઈ સીટી ન આવે ત્યાં સુધી નેટવર્ક નહિ આવે.

ઘરે વાત કરવા ન મળી એટલે મેં પરિવારના ફોટા જોઈ સંતોષ લેવાનું વિચાર્યું. મેં મોબાઇલની ગેલેરી ઓપન કરી અને મારા ફેમિલી ફોટા જોવા લાગ્યો.

હું ખાસ્સા બે વર્ષથી ઘરથી દૂર હતો. એટલે જ્યારે નવરાશ મળે હું ફોટા જોવા લાગી જતો ! હું ફોટા જોતો હતો છતાં મારા મનમાં પેલો સવાલ તો એમ જ હતો. મેં ત્રણ ચાર વાર એ તરફ આડી નજર કરી હતી. અને મને મારો જવાબ મળી ગયો હતો. એ છોકરી ત્યાં ન બેઠી કારણ કે એણીએ એકાએક મને જોયો હતો. મને જોયા પછી એને લાગ્યું કે જો આગળ બેસી જઈશ તો આ છોકરો મને જોવા નહીં મળે એટલે એ ઉભી રહી હશે. મેં લેખક મનથી એ છોકરીને હું ગમી ગયો છું એવું ધારી લીધું.

હું ફોટા જોતો હતો ત્યારે ફરી એકવાર બસને બ્રેક લાગી. અમારે અહીં એક્સપ્રેસ હોય કે સાદી બસ પણ ઉભી તો રહે જ ! કારણ કે ડ્રાઇવર પેસેન્જરોની સરળતા માટે ખાસ કડક નિયમો નથી રાખતા. બસ ઉભી રહી એટલે આગળ બેઠા પેલા કાકા ઉભા થઇ અને નીકળી ગયા.

કાકા ગયા એટલે છોકરી મારી પાસે આવીને બેઠી. મને હવે નવાઈ લાગી.

મારાથી રહેવાયું નહિ. મેં પૂછી જ લીધું.

“એક્સ્ક્યુઝમી…..” મને ખબર હતી એના હાથમાં બેગ અને એના સ્ટાઈલિશ કપડાં એ ભણેલી છે એવું સાબિત કરતા હતા.

“જી દર્શના…..?” એ મારી સામે ફરી.

“ઓકે દર્શના તમે પહેલા કેમ ન બેઠા ?”

“વેલ, પહેલા અહીં બેસું તો પેલા કાકાને ખોટું લાગે કે આ છોકરી જુવાનિયા જોડે બેઠી મારી જોડે નહિ. મારી ઉંમર જોઈને મારી કદર ન કરી.” એણીએ જવાબ આપ્યો.

“હેલો મિસ દર્શના હું અહી બેસવાનું નથી કહેતો. તમે ત્યાં પણ બેસી શકતા હતા ને ?” એમ તો આ રીતે કોઈ જોડે સવાલ કરાય નહિ પણ મેં કર્યા.

“હું… હું…. તો બસ…..” એ કઈ બોલી ન શકી.

“મિસ કંઈક બહાનું બનાવીને વિચારીને કહેજો ડોન્ટ વરી….” મેં કહ્યું. ત્યારે જો મને ખબર હોત કે હું મિસ અન્ડરસ્ટેન્ડિંગમાં બહુ રુડ બની ગયો છું તો હું ન બનોત.

“હેલો મિસ્ટર તમને શું લાગે છે ? તમે હેન્ડસમ છો એટલે હું અહી આવીને બેઠી છું ?” દર્શના હવે ઉકળી હતી.

“એ તમારી ભૂલ છે મિસ્ટર. તમે જે હોવ તે પણ તમે છોકરાની જાત બસ એ જ ક વાત ઉપર અટકી જાવ છો…. તમારે જાણવું જ હોય તો જાણો હું એ કાકા પાસે ન બેઠી કારણ કે હું આવી ત્યારે ત્યાં બેસવા જતી જ હતી પણ મેં જોયું એ કાકા મોબાઈલમાં ન્યૂડ સાઇટ ખોલીને બેઠા હતા. મને જોઈ એકાએક મોબાઈલ ઉલટો કરી નાખ્યો.”

હું ખરેખર ભોઠો પડ્યો. જે વેધક નજરે મેં એને સવાલ કર્યા એ જ નજર મારે નીચી કરવી પડી.

“એટલે હું ત્યાં ન બેઠી. અને એ કાકા ગયા પછી પણ હું ત્યાં ન બેઠી એનુય કારણ છે.”

“શુ?” મને કઈ સમજાયું નહીં.

“કારણ એ હતું કે જો એમના ગયા પછી ત્યાં બેસું તો આખી બસ વિચારે કે આ કાકા ગયા પછી આ છોકરી કેમ બેઠી ? ત્યાં સુધી કેમ ન બેઠી ? આખી બસ એ કાકા વિશે અટકળો બાંધોત. અને અહીં જેટલી છોકરીઓ છે એમનો વિશ્વાસ ઉંમર લાયક માણસો ઉપરથી ઉઠી જાઓત….”

એના એ વાક્ય ઉપર મેં વધારે ભોંઠપ અનુભવી. ખરેખર છોકરી સમજુ હતું. એનું એકનું નહિ બધાનું વિચારતી હતી.

“મારે એ બધું તમને પણ નહોતું કહેવું  કેમ કે હું નથી ઇચ્છતી કે મારા જેવી છોકરીઓ આવા પિતાની ઉંમરના માણસો ઉપરથી વિશ્વાસ ગુમાવી બેસે પણ તમે તો મને જ કેરેકટર લેશ કહી દીધી એટલે મારે મોં ખોલવું પડ્યું.”

મને થયું આવા ઉંમર લાયક માણસો પણ….

“હા લોકો એમ જ સમજે છે કે અપરિણીત છોકરાઓની જ નજર ખરાબ હોય પણ હકીકત તો એ છે કે પરિણીતની નજર વધારે ખરાબ હોય છે.”

હું મનમાં વિચારતો હતો પણ હું ભૂલમાં જોરથી બોલી ગયો હતો. એ છોકરી પાસે તો દરેક સવાલનો જવાબ પડ્યો હતો. પણ હજુ મને એક વાત ન સમજાઇ અને એટલું બધું થઈ ગયું હતું એટલે એ એક વાત શુ કામ બાકી રાખવી એમ વિચારી મેં પૂછી જ લીધું.

“તો તમે મારી જોડે કેમ બેઠા ? હું ય તમારી સામે જોતો હતો ને ? તો હું ય એવો જ હોઈશ એવો ડર તમને ન લાગ્યો?”

“ના જરાય નહિ….”

“કેમ?” મેં નવાઈથી પૂછ્યું.

“કેમ કે તમે મોબાઈલમાં તમારા ફેમિલી ફોટા જોતા હતા એટલે હું સમજી ગઈ કે જે માણસને ઘર પરિવારની પડી હોય એ માણસ બીજાને પણ સમજશે પણ હું ખોટી પડી….”

જોકે એણીએ પાછળના વાક્યમાં મને ચોપડાવી હતી છતાં મને ગમ્યું કે એણીએ મને સારો માણસ માન્યો. અલબત્ત મને એ પણ સમજાયું કે એ મને નહોતી દેખતી પણ હું મોબાઈલમાં ફેમિલી ફોટા જોતો હતો એ દેખતી હતી. આ છોકરીઓ કેટલું ધ્યાન રાખે છે દરેક વાતનું ? ક્યાં પેલા નફિકરા કોલેજીયન યુવાન ને ક્યાં આ કોલેજ કરતી છોકરી ?!!

“સોરી મેં તમારા વિશે…..”

“ઇટ્સ ઓકે…. તમારી જગ્યાએ હું હોત તો મને પણ એવું જ લાગોત….” હસીને એણીએ કહ્યું.

“થેંક્યું….. બાય ધ વે હું જિમી… જિમી ત્રિવેદી….” કહી મેં હાથ લંબાવ્યો…

“સ્ટુડન્ટ છો?” હેન્ડ સેક કરતા દર્શનાએ પૂછ્યું.

“ના હું લેખક છું. કોલેજ તો ક્યારનીયે પુરી થઈ આ તો સકલ એવી છે બસ….” મેં હસીને કહ્યું ત્યારે બસ ઉભી રહી.

“મહેસાણા…..” કન્ડક્ટરે બૂમ મારી એટલે અમુક લોકો ઉભા થયા અને દર્શનાએ કહ્યું, “મારુ સ્ટેન્ડ આવી ગયું મી. રાઇટર. મારે જવું પડશે…. એની વે નાઇસ મિટિંગ યુ અને તમને વાંચવા હોય તો ક્યાં વાંચવાના ?”

“મારી વેબસાઈટ અને ફેસબુક પેજ ઉપર…” કહી મેં મારું કાર્ડ આપ્યું.

“ઓકે થેંક્યું….. બાય…. સી યુ ઓન ફેસબુક….” બસ ઉપડે એ પહેલાં એ દરવાજા તરફ દોડી ગઈ… હું એના ઉછળતા વાળ જોઈ રહ્યો…..!

બસ ફરી ઉપડી ત્યારે મારી નજર સ્ટેન્ડ ઉપર ઉતરેલી દર્શના તરફ આપમેળે અનાયાસે જ દોરાઈ ગઈ…!!

ગજબની સમજુ અને હાજર જવાબી છોકરી હતી. કલાકમાં જીવનના ઘણા પાઠ ભણાવી ગઈ…. ને મારા ચહેરા ઉપર સ્માઈલ અને મગજમાં એક નવી વાર્તા ઘડાઈ ગઈ..!!! બેગમાંથી લેપટોપ નીકાળી હું બસમાં જ વાર્તા લખવા લાગ્યો….!!!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here