gujarati-varta-manav-manav-kyare-thashe

માનવ માનવ ક્યારે થશે?

ક્યારેક ક્યારેક એમ લાગે છે કે જીવન કેટલું અજીબ છે?

ક્યારેક ક્યારેક લાગે છે માનવ જીવન અને એક સપના વચ્ચે કેટલો ફર્ક છે??

ક્યારેક વિચારું છું કે આ જીવન કઈ રીતે વીતે છે?? કઈકને કઈક કરવામાં – કઈક મેળવવાની દોડમાં ને કઈક બની જવાની ઘેલછામાં…!! કદાચ આપણા સપનાઓને આપના જીવન સાથે એક ગર્ભિત સંબંધ છે. કદાચ સપનાઓ જ જીવનને ચલાવ્યે રાખવા માટેની શક્તિ પૂરી પાડે છે.

હું મારી નવી વાર્તા લખવા બેઠો હતો. નવી વાર્તાનું નામ મેં ‘સપનાઓનું મહત્વ’ રાખવાનું વિચાર્યું.

મેં સપના અને વાસ્તવિક જીવન વચ્ચે કેટલો સંબંધ છે એ સમજાવી શકે તેવી એક વાર્તા લખવાનું વિચાર્યું હતું એટલે ઉપર લખ્યા મુજબની પ્રસ્તાવના બાંધી પણ આગળ કાઈ સુજી નહોતું રહ્યું. હજુ સવારના અગિયારેક જ વાગ્યા હતા અને એટલા સુધીમાં તો મેં ત્રણ વાર ચા પી લીધી હતી છતાં આગળ કઈક સુજી કેમ ન હતું રહ્યું??? મને કાઈ સમજાઈ ન હતું રહ્યું.

હું સપનાઓ અને અભિલાષાઓ વિશે લખવા બેઠો પણ જાણે કલમમાં સાહી જ ખૂટી ગઈ હોય એમ લાગતું હતું. એક વાક્ય વિચારું ત્યાં મગજમાંથી બીજી વાક્ય અદ્રશ્ય થઇ જતું હતું, એક ફકરો પણ પૂરો થવો મુશ્કેલ લાગી રહ્યું હતું. આમ તો લખાઈ રહી વાર્તા??? મેં વિચાર્યું.

હું આમેય કલમ અને કાગળ બાજુ પર મૂકી દેવા માંગતો જ હતો, બસ મારે એક બહાનાની જરૂર હતી કેમકે વાર્તાના શબ્દો મને સુજી નથી રહ્યા એવું સ્વીકારતા મારી અંદર રહેલો લેખક મને રોકી રહ્યો હતો. પણ કહે છે ને જે શોધે તેને મળી રહે. મારું મન બહાનું શોધી રહ્યું હતું ને મારો ફોન રણકી ઉઠ્યો.

હું કાગળ અને કલમ બાજુ પર મૂકી ખુરસીમાંથી ઉભો થયો.  ફોન હાથમાં લીધો. આમ સવારથી ફોન કોણે કર્યો હશે એમ વિચારું એ પહેલા જ સ્ક્રીન પર ધ્યાન ગયું. નંબર પરિચિત હતો. મારા ખાસ મિત્રનો.

“હા, બોલ રાહુલ.” મેં ફોન કાને ધરતા કહ્યું.

“બોલ નહિ ને બાઈક લઈને ઉપડ.” રાહુલે અધૂરું વાક્ય છોડ્યું. રાહુલની આ એક જ આદત મને ન ગમતી. બસ કોઈ વાતની પ્રસ્તાવના ન બાંધે સીધો જ મુદ્દા પર આવી જાય અને એ મુદ્દો પણ એટલા ટૂંકમાં કહે કે ભાગ્યે કોઈવાર જ સમજાય કે એ શું કહી રહ્યો છે. અને હું રહ્યો લેખક માણસ મારે પ્રસ્તાવનાની આદત.

અમને લેખક લોકોને એક અજબ ઘેલું લાગેલું હોય. અમે હું સવારે મોડો ઉઠ્યો એમ ક્યારેય ન કહીએ. એના માટે પહેલા એક ફકરાની પ્રસ્તાવના બાંધીએ – આકશમાં પૂર્વ તરફથી પ્રકાશિત થયેલો આગનો ગોળો ખાસ્સો એવો ઉંચો ચડી ગયો અને એ ગોળાની સાથે ગોળ આખું જગત ને એના જીવ બધા એની સાથે વહેલા ઉઠી જોડાઈ ગયા હતા પણ કોણ જાણે કેમ એ દિવસે હું એની સાથે તાલથી તાલ મિલાવવામાં નિષ્ફળ રહ્યો. બસ આમ પ્રસ્તાવના બાંધી નાની વાતને લાંબી લચ કરીને રજુ કરવી એટલે એક લેખકનું કામ.

એટલે મારી અંદર રહેલો લેખક મને હમેશા એની પ્રસ્તાવના વિનાની વાત સ્વીકારતા રોકતો. આમ તો હું એવા કોઈ વ્યક્તિની ખાસ દોસ્તી પણ ન કરું જે પ્રસ્તાવના વિનાની વાતો કરે પણ શું કરું રાહુલ તો એ સમયનો મિત્ર હતો જ્યારે મનેય પ્રસ્તાવના બંધાતા નહોતું આવડતું. અમે બંને છેક નાના હતા ત્યારથી ભેગું ભણતા મને વાર્તા લખતા તો શું સરખી રીતે વાંચતા પણ ન આવડતું ત્યારની અમારી મિત્રતા હતી એટલે એ પ્રસ્તાવના બાંધે કે ન બાંધે એની વાત સાંભળ્યા વિના કોઈ છૂટકો ન હતો…!!

“હા પણ ક્યા ઉપડું?” મેં એને પૂછ્યું.

“ક્યા શું? બસ સ્ટેશન આવ.” ફરી એણે અધુરી વિગત આપી.

“કેમ?” મેં કહ્યું.

“અલ્યા હું ડીસા આવી રહ્યો છું બસમાં છું. બસ રસાણા તો આવી ગઈ છે હવે જલદી ઉપડ અને બસ સ્ટેશન મને લેવા આવ.”

“એ હા આવ્યો.” કહી મેં ફોન કાપ્યો.

મેં એના પરનો બધો ગુસ્સો ફોન કાપતી વખતે ફોનના બટન પર નીકાળ્યો. બધું પૂછીએ પછી કહે એના કરતા પહેલેથી જ બધી પ્રસ્તાવના બાંધતો હોય તો!!!

મેં ઘર બહાર નીકળતા પહેલા એક નજર મારા કપડા તરફ કરી હજુ કાળી નાઈટી અને લુઝ સફેદ ટ – શર્ટ મેં પહેરેલ હતી. હવે બસ સ્ટેશન સુધી જ તો જવું છે?? કોણ જુવે છે આટલામાં?? એમ વિચારી મેં પી સી ડેસ્ક પરથી બાઈકની ચાવી ઉઠાવી અને બહાર નીકળ્યો.

બહાર આવી પાંચેક મિનીટ કીકો મારી ત્યારે મારું 2004નું ખખડધજ્જ ટી.વી.એસ.સ્ટાર સીટી સ્ટાર્ટ થયું. એનું ખાલી મોડેલ જ સ્ટાર્ટ હતું બાકી એને સ્ટાર્ટ થાતા ય બહુ મુશ્કેલી થતી.

બાઈક સ્ટાર્ટ કરી હું બસ સ્ટેશન તરફ રવાના થયો. સવારના અગિયાર વાગી રહ્યા હતા આકાશ બિલકુલ સાફ હતું. તડકો સારો એવો નીકળેલ હતો પણ હજુ ગરમી કે લુ વાય એવા દિવસોને બહુ વાર હતી.

બજારમાં લોકો પોત પોતાના કામમાં વ્યસ્ત હતા. કેટલાક બાળકો સ્કુલ બેગ ખભે ભરાવી શાળા તરફ જઈ રહ્યા હતા. તો કોઈ કોઈ કોલેજીયન યુવક યુવતીઓ પોતાના કાનમાં ઈયરફોન નાખી રસ્તાની બંને બાજુ બનાવેલ નગરપાલિકાના ફૂટપાથ પર ચાલવાની મજા માણી રહ્યા હતા. કોઈ ઓફીસ તો કોઈ કલાસ કોઈ કોચિંગ તો કોઈ કલબ બધાને ક્યાંકને ક્યાંક જવાની ઉતાવળ હોય એવું લાગી રહ્યું હતું બીજાની શું કામ વાત કરું મારે પોતાને પણ ઉતાવળ હતી. મારે રાહુલને લેવા જવાનું હતું અને એ બસ સ્ટેશન ઉતરે એ પહેલા ત્યાં પહોચી અડધા કલાકથી એની રાહ જોઈ રહ્યો હોઉં એવો ડોળ કરવાનો હતો.

શું કરીએ કેટલાક દોસ્તોને શોખ હોય છે કે એમના દોસ્ત એમની રાહ જુવે??? હવે થોડુક જુઠ્ઠું બોલવાથી એમને ખુશી મળતી હોય તો એ જૂઠને હું સો સત્યથી પણ સારું એવું માનતો.

બસ સ્ટેશન પહોચી મેં રાહુલને ફોન લગાવ્યો.

“કેમ અલા ક્યાય દેખાતો નથી? નીકળી ગયો કે શું?” એણે ફોન ઉપાડ્યો કે તરત મેં કહ્યું.

“શું નીકળું??? બસ ડીસન્ટ આગળ ટાયર ફ્લેટ થઇ ઉભી રહી ગઈ છે હજુ અડધો એક કલાક લાગશે. તું રાહ જો.” કહી એણે ફોન મૂકી દીધો.

અડધા કલાક માટે ઘરે જઈ પાછા આવવા કરતા મેં સ્ટેશનમાં જ બેસી રહેવાનું પસંદ કર્યું. આમેય ઘરે જઈને શું કરવાનું હતું…?? પેલી અધુરી વાર્તા લખવાની હતી, મેં મોબાઈલમાં નોટપેડ ખોલી વાર્તા આગળ લખવાનું શરુ કર્યું.

લખવાની શરૂઆત કરું એ પહેલા મારું ધ્યાન સ્ટેશનની વિશાળ બિલ્ડીંગના પીલારને અઢેલીને બેઠેલ એક મહિલા, તેના ખોળામાં રહેલ બે બાળકો અને એની બાજુમાં બેઠેલ એક દસ બાર વરસના બાળક તરફ ગયું.

એ બધામાં એ તેરેક વરસના બાળકે મારું ધ્યાન વધુ ખેચ્યું. એની પ્રાયમરીમાં જઈ ભણવાની ઉમર હતી અને એ ત્યાં બેઠેલ હતો એ જોઈ મારું હર્દય ભરાઈ આવ્યું. મને થયું ખરેખર આ કચરો વીણનાર અને ગરીબ જીવન જીવનાર લોકોની હાલત કેવી કફોડી છે. કેટલાય લોકોએ રેગ પીકર માટે સુધારા લાવવાનો પ્રયાસ કર્યો છે પણ હજુ સુધાર કેમ નથી આવ્યો?

“મા તે કાલે કહ્યું હતું કે તને બરફ્ગોળો ખાવા માટે રૂપિયા આપીશ. આપને મા?” એ બાળકે એની બાજુમાં બેઠેલ સુકાઈને ઠુંઠા જેવી થઇ ગયેલી સ્ત્રી તરફ જોઈ કહ્યું.

એ ચીથરેહાલ કપડા વાળી સ્ત્રી એની મા હતી એ હું સમજી ગયો.

“ઉગી, તને ખબર તારો બાપ બપોરે આવે ત્યાં સુધીમાં આપણે પચાસ રૂપિયા ભેગા કરી રાખવા પડશે નહિતર એ મારી ખાલ ઉતારી નાખશે?”

“મા એ દારુડીયાને આપવા તું પૈસા ભેગા કરે છે ને મને નથી આપતી? કેમ મા?” એ નિર્દોષના સવાલનો કોઈ જવાબ એને ન મળ્યો પણ હું જાણતો હતો કે એની મા એનો શું જવાબ આપી શકે તેમ હતી. એ જવાબની કલ્પના માત્રથી મારું કાળજું કંપી ઉઠ્યું.

“પણ મા એકવાર ગણી તો જો પચાસ ઉપર થયા હોય તો મને ગોળો ખાવા પાંચ રૂપિયા આપ.” એ બાળકે કહ્યું, હવે હું જાણતો હતો કે એનું નામ ઉગી હતું. ગરીબ પરિવારોમાં એવા નામ સામાન્ય હોય છે.

એક… બે.. ત્રણ… ચાર… એ અર્ધ લાશ જેવી મહિલાએ એના વાડકામાં રહેલા રૂપિયા ગણ્યા. પિસ્તાલીસના આંકડા પર એ પહોચી ત્યાં સુધીમાં એના વાટકા માન બધા સિક્કા પુરા થઈ ગયા હતા.

“મા, પચાસ ઉપર ભેગા થઈ ગયા તો મને આપીશ?” એ બાળકે સવાલ કર્યો.

“હા, બેટા કેમ નહિ?” બોલતા એ સ્ત્રી એકાએક ખાંસી ખાવા લાગી, “જા દીકરા પાણી લઈ આવ……” એણીએ ખાસવાનું ચાલુ રાખતા જ કહ્યું.

એ છોકરો એક પણ શબ્દ બોલ્યા વિના ત્યાં બાજુમાં જ રહેલ નળ પરથી પ્લાસ્ટીકના બાટલામાં પાણી ભરી લાવ્યો.

પેલી સ્ત્રીએ પાણીના બે ઘૂંટડા ભર્યા, એનાથી એને જરાક રાહત થઈ હોય એમ મને લાગ્યું.

“મા, લાવને પાંચ રૂપિયા હું તારા માટે ગોળી લઈ આવું?”

“બેટા ખાંસીથી કાઈ નહી થાયને જો પચાસ ભેગા ન થાય તો એ દારૂડિયો મને પીંખી નાખશે.” એ મહિલાના દરેક શબ્દ સાથે એક નિશ્વાસ બહાર નીકળી રહ્યો હતો.

મેં મારી નાઈટીના ખિસ્સામાં હાથ નાખ્યો. એમાંથી મને દસની એક નોટ મળી. કદાચ ગઈ કાલે સાંજે કઈક લેવા ગયો હોઈશ ત્યારે વધેલા પૈસા નાઈટીમાં જ રહી ગયા હશે. મેં ઉભા થઈ એ નોટ પેલી મહિલાના વાટકામાં સરકાવી.

“લે બેટા હવે પંચાવન થઇ ગયા આ પાંચ રૂપિયા લઈજાને સામેથી ગોળો ખાઈ આવ.” હું પાછો મારી જગ્યા પર બેસું એ પહેલા મને એ સ્ત્રીનો અવાજ સંભળાયો. હું સમજી ગયો કે એણીએ ફરીથી પૈસા ગણ્યા વિના જ કહી દીધું કે પંચાવન થયા એટલે એ જરૂર ત્રણ ચાર ધોરણ સુધી ભણેલી હશે. પણ એનાથી શું ફર્ક પડે મારા જેવા પોસ્ટ ગ્રેજ્યુએટને કોઈ કામ ન મળતું હોય તો ત્રણ કે પાંચ ધોરણ ભણેલને શું કામ મળે?

એમાં પણ એ મહિલા હતી. મહિલાઓને તો ગ્રેજ્યુએશન બાદ પણ કોઈ પુરુષ સમાન વેતન આપવા તૈયાર નથી થતું. ફરી મને એકવાર થયું કે આપણો દેશ માત્ર કાગળિયાં પર જ આઝાદ થયો છે બાકી માનસિક ગુલામી હજુ આપણે છોડી નથી.

“મા તારા માટે ગોળી લાવી દઉં.?”

“ના, બેટા એ આપણે સાંજે લાવીશું. હમણાં તું ગોળો ખાઈ લે.”

“પણ હું ગોળો સાંજે ખાઈ લઈશ કોઈક પૈસા આપે તો?”

“પણ સાંજે ગોળો ખાય તો તને શરદી થઇ જાય તનેય ખાંસી થઈ જાય જ ગોળો ખાઈ લે.” એ સ્ત્રીએ એને સમજાવતા કહ્યું.

માની વાત સાંભળી ઉગીની ખુશીનો કોઈ પર ન રહ્યો. એના પગ એને સામે રહેલ બરફ ગોળાની લારી તરફ લઈ જવા લાગ્યા. એની માની આંખોમાં પણ મને દીકરાનું એક નાનાકડુ સપનું પૂરું કર્યાની ખુશી દેખાઈ રહી હતી, મારી આંખોમાં પણ એક બાળકની ઈચ્છા મારી દસની નોટને લીધે પૂરી થઈ એની મને પણ ખુશી હતી.

ઉગીએ લારી પર જઈ ગોળો લીધો, એ બિચારો લારી પાસે જઈ ખરીદીને વસ્તુ ખરીદતી વખતે પણ એક જાતનો ડર અનુભવી રહ્યો હોય એમ મને લાગી રહ્યું હતું. પણ જેવો તેના હાથમાં ગોળો આવ્યો તેની ખુશી બમણી થઈ ગઈ. એ ઘડીક ગોળા તરફ તો ઘડીક એની મા તરફ જોતો એ સ્ત્રી બેઠી હતી એ પીલ્લર જે એમનું અસ્થાયી ઘર હતું એ તરફ આવવા લાગ્યો.

હું ફરી મોબાઈલમાં ધ્યાન આપવા જતો હતો ત્યાજ મેં જોયું કે એક મારી જેમજ મોબાઈલમાં વ્યસ્ત બેધ્યાન યુવક એ બાળક સાથે અથડાઈ ગયો. ઉગીના હાથમાંથી ગોળો જમીન પર પડી ગયો. બરફ ચારે તરફ વિખેરાઈ ગયો. જમીન પર ચારે તરફ ધૂળ અને પાનની પિચકારીઓ મારેલી હતી એટલે એ જમીન પર વેરાયેલ બરફને એણે નહી ઉઠાવ્યો હોય એમ મને લાગ્યું. આમેય એક વાર વિખેરાઈ ગયેલ બરફ ક્યા હાથમાં આવે જ છે?

મને એ બાળક માટે દુ:ખ થયું. હું એને જોઈ રહ્યો. પેલા યુવકે પોતાની જીન્સ પર ચોટેલ બરફના બે ચાર કણને ખંખેર્યા. ત્યારબાદ એ બાળક સામે જોયું એ બાળક પણ એની તરફ જોવા લાગ્યો.

“સાલા આંધળા જોઇને ચાલી નથી શકતો, સવાર સવારથી દાડો બગાડવા ચાલ્યા આવે છે આવા ભીખારીઓ.” કહી એ યુવકે એ બાળકના ગાલ પર એક સણસણતો તમાચો ઝીકી દીધો, તે તમાચાની વેદના જાણે મારા ગાલ પર ઉપડી હોય એમ મને લાગ્યું.

એ બાળક કાંઈજ બોલ્યા વિના પાછો આવી એની મા પાસે બેસી ગયો. મેં એની આંખોમાં છુપાયેલ આંસુઓને મહેશુશ કર્યા.

“વિકી ક્યા ખોવાઈ ગયો છે? રડે છે કેમ?” રાહુલે મને ખભાથી પકડી કહ્યું.

સાચે જ હુ એટલો ખોવાઈ ગયો હતો કે મને ખબર જ નહોતી રહી કે ક્યારે રાહુલ બસમાંથી ઉતરી મારી પાસે આવ્યો કે ક્યારે આંસુઓ હ્રદયથી ઉભરી મારી આંખમાં આવ્યા.

“કાઈ નહી યાર.. તારી પાસે કેટલા પડ્યા છે?” મેં એની તરફ જોઈ કહ્યું. હું રાહુલ પાસેથી અવાર નવાર પૈસા ઉછીના લેતો એટલે હું શું કહી રહ્યો હતો એ એ સમજી ગયો.

“ચિંતા ન કર નાસ્તાના પૈસા હું ચુક્વીસ.” રાહુલે મજાકમાં કહ્યું, આમેય અમે ગમે ત્યારે નાસ્તો કરવા જતા રાહુલ જ બીલ ચૂકવતો.

“કેટલા છે કહે ને?”

“તારે જુવે છે કેટલા?” એણે સામો સવાલ કર્યો, રાહુલે ક્યારેય મારા કોઈ સવાલનો સીધો જવાબ ન હતો આપ્યો…..

“સો રૂપિયા.” મેં કહ્યું.

એણે સોની નોટ મારા હાથમાં મૂકી અને બીજી જ પળે મેં એ નોટ પેલી સ્ત્રીના વાટકામાં સરકાવી દીધી.

“બેટા, ગોળો ખાઈ લે જે.” મેં એ બાળક તરફ જોઈ કહ્યું.

એ કાઈ જવાબ ન આપી શક્યો, એ બાળક મારી તરફ નવાઈથી જોતો રહ્યો.

હું રાહુલને લઈ ઘરે આવ્યો. મમ્મીને ચા બનાવવાનું કહ્યું.

“હવે કોઈક મિત્ર આવે એટલી વાર નહી લખોને તોય ચાલશે લેખક સાહેબ, કોઈ ઘરે આવે તો બે ઘડી એનાથી વાત પણ કરવી પડે.” મેં હાથમાં કાગળ અને પેન લીધા એ જોતા જ રાહુલ બોલી ઉઠ્યો.

એ મજાકમાં કહી રહ્યો હતો એ મને ખબર હતી.

“આજે જે બસ સ્ટેશને જોયું એ લખવું જ પડશે રાહુલ.” રાહુલ ક્યારેય મારી કોઈ વાતનું ખોટું ન લગાવતો એ મને ખબર હતી. છતાં મેં કહ્યું.

“હા પણ તું પછીયે લખી શકે ને? ભૂલી થોડું જવાનો છે?” એણે દલીલ કરી.

“ભૂલી તો ક્યારેય નહી શકું પણ અત્યારે લખીશ તો શબ્દોમાં એ બાળકનું દુ:ખ અને એ સ્ત્રીના આંસુ વાચકોને દેખાશે પછી લખીસ તો વાર્તા તો લખાશે પણ એમની લાગણીઓ ભૂલી જવાશે. જો લાગણીઓ અદલો અદલ નહી લખાય તો આ વાર્તાથી વાંચકોના મન ઉપર કોઈ અસર નહી થાય એટલે હાલ જ લખવી પડશે…” મેં કહ્યું.

“હવે તમે ઝઘડવાને બદલે ચા પીશો.” મમ્મીએ ટીપાય પર ટ્રે મુકતા કહ્યું.

મેં અને રાહુલે કાંઈજ બોલ્યા વિના ટ્રેમાંથી એક એક કપ ઉઠાવ્યો….. મારા મનમાં એક બે વિચાર હતા…. આજે કોણે કોને ભેંટ આપી છે? રાહુલે મને સો રૂપિયાની ભેટ આપી? મેં પેલા ઉગીને ભેટ આપી? ઉગીએ એની મા ને ભેટ આપી? કે ઉગીએ મને આ વાર્તા લાખો લોકો સુધી પહોંચાડી લોકોમાં દયા અને લાગણી ઉપજે એની ભેંટ આપી?? એક બીજો સવાલ હતો માનવ માનવ ક્યારે થશે??

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

3 Replies to “માનવ માનવ ક્યારે થશે?”

  1. Awesome

    લાગણીઓના બંધન અચૂક તૂટી પડે અને આંખે છુપાયેલા આસૂઓ પણ સરી પડે એવી આ ટૂંકી વાર્તા ઉત્તમ છે.

Comment here