gujarati-varta-lok-parlok

લોક-પરલોક

(સમનર = આત્માને બોલાવનાર  / કોન્જરર = કાળા જાદુનો અભ્યાસ કરનાર)

કેબ હાઈવે પર દોડી રહી હતી. ઘણા સમયની શોધખોળ બાદ મને એ સ્થળ વિશે જાણકારી મળી હતી. એમાં હજુયે મને ખાતરી ન હતી કે ખરેખર હું શોધી રહ્યો એ એજ સ્થળ છે કે કોઈ બીજું?

છેલ્લા એક વરસથી હું એ સ્થળને શોધી રહ્યો હતો અને મારી સાથે એવું ઘણીવાર થયું હતું. હું બહુ રખડપટ્ટી કરીને કોઈ નામ મેળવતો ત્ય્યારબાદ એ નામનું સરનામું અને મળવા માટેનો યોગ્ય સમય પણ જયારે એ સ્થળે જાઉં ત્યારે મને સમજાતું કે એ વ્યક્તિ એ નહોતો જેની હું તલાસ કરી રહ્યો હતો. હું છેલ્લા એક વરસથી એક સમનરની તલાસમાં હતો.

આજે પણ મને એવાજ એક સમનર વિશે ઈન્ટરનેટ પરથી ખબર મળી હતી. મેં નેટ પર એક સાઈટ પરથી એ સમનરનું સરનામું મેળવ્યું હતું. ટેક્ષી ભાડે કરી હું એના ફાર્મહાઉસ તરફ જઈ રહ્યો હતો, એનો મળવાનો ટાઈમિંગ રાત્રીના નવ વાગ્યાનો હતો. સમનરને દિવસના અજવાળામાં મળવાનો કોઈ અર્થ પણ નથી, જો કોઈ તમને દિવસના અજવાળે બોલાવે અને કહે કે તે કોન્જરર છે કે સમનર છે તો માની લેવાનું કે એ ખાલી ફિલ્મો જોઇને તમને બનાવવાની ટ્રીક શીખેલ છે બાકી રીયલ કોન્જરર કે સમનર ક્યારેય દિવસના ઉજાસમાં તેમની કલાનું પ્રદર્શન નથી કરતા.

સાચું કહેવા જઈએ તો દિવસે એ કળાનું પ્રદર્શન થઈ જ નથી શકતું. કેબ પોતાનું પૂરું જોર લગાવી જંગલને રસ્તે આગળ વધી રહી હતી અને એટલાજ જોરમાં વરસાદ ઉપરથી નીચેની તરફ ઝીંકાઈ રહ્યો હતો. હવે મને એમ લાગી રહ્યું હતું કે મારે આવી તોફાની રાતે આમ ઉતાવળ કરીને નહોતું નીકળવું જોઈતું.

જુન મહિનાની શરૂઆતનો સમય હતો એટલે વરસાદ સામાન્ય હતો પણ એ રાત એટલી તુફાની કેમ હતી એ મને નહોતું સમજાઈ રહ્યું. કદાચ મારા મનમાં રહેલી બોજીલતા એમાં ઠલવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. છેલ્લા એક વર્ષથી રીટાના ગયા પછી હું ગાંડાની જેમ એકથી બીજા બિહામણા અને કોઈ જવાની કલ્પના પણ ન કરી શકે તેવા સ્થળોએ સમનરની તલાશમાં ફરી રહ્યો હતો. આમ જોવા જઈએ તો મને કોન્જરીંગમાં છેક્થી જ રસ હતો અને એ કદાચ સારું જ હતું કેમકે મને જો એમાં પહેલેથી જ રસ ન હોત તો મને ક્યારેય એક સમનર શોધવામાં સફળતા મળી ન હોત. જોકે મને કાઈ ખાસ સફળતા મળી એમ ન કહી શકાય. હમણા સુધી તો મોટાભાગના ફેક સમનાર અને બનાવટી કોન્જરર જ મળ્યા હતા. મને સમનર શોધવાનું કામ ફિલોસોફર સ્ટોન કે રીયલ અલ્કેમીસ્ટ શોધવાના કામ જેટલું જ મુશ્કેલ લાગી રહ્યું હતું. એક સાચો સમનર શોધવો કેટલો મુસ્કેલ છે એ તો તમે એની તલાસમાં નીકળો તોજ અંદાજ આવી શકે?

મને ઘણા મિત્રોએ કહ્યું પણ હતું કે બધાજ કોન્જરર અને સમનર બનાવટી હોય છે પણ મેં ક્યારેય એમની વાતનો વિશ્વાસ નહોતો કર્યો કેમકે હું જાણતો હતો કે સાચો સમનર શોધવો મુશ્કેલ છે પણ અશક્ય તો નહી જ કેમકે જો બનાવટી સમનર મને મળ્યા હોય તો એનો અર્થ એજ હતો કે સાચા સમનર પણ હોય છે કેમકે નકલ હમેશા અસલ પરથી જ થાય છે જો બનાવટી સંત છે તો સામે સાચા સંત પણ છે જ!!

ત્રણ દિવસથી સતત વરસાદ હતો અને મને ખબર હતી હજુ બીજા એક બે દિવસ સુધી આકાશમાં સુરજ દેખાવો મુસ્કેલ હતો છતાં મેં એ રાતે નીકળવાનું નક્કી કર્યું. કદાચ એ મારું પાગલપન હતું. કદાચ એ મારું જુનુન હતું કે કદાચ રીટાના ગયા પછી હવે મારા જીવનમાં એટલો અંધકાર થઈ ગયો હતો કે મને અંધકારનો કોઈ જ ડર ન હતો. મેં જીવનમાં સૌથી ડરાવણી ચીજ જોઈ હતી મારી રીટાને મારી આંખો સામે મરતી જોઈ હતી. હવે મને નહોતું લાગતું કે એનાથી ડરાવણી કોઈ ચીજ હોઈ શકે પણ હું ખોટો હતો હું કઈક એવું જોવા જઈ રહ્યો હતો જે રીટાને તડપતી અને મરતી જોવા કરતા પણ ભયાનક હતું એનાથી પણ વધુ દર્દનાક હતું…..!!

કેબના છાપરા પર પડતા વરસાદના પાણીનો અવાજ મને ગ્લૂમી બનાવી રહ્યો હતો. શું આવી રાતે નીકળવું ખરેખર પાગલપન હતું? પણ જો હું એવું ન કરું તો ફરી મારે મહિનાઓ સુધી રાહ જોવી પડે તેમ હતી કેમકે એ સમનર પેરુમાં કોઈ ફિનની મુલાકાત લેવા જઈ રહ્યો હતો અને પાછો આવતા એને છ મહિના જેટલો સમય થઇ જાય તેમ હતો. હું છ મહિના રાહ જોવા તૈયાર ન હતો. મેં એક વરસ રાહ જોઈ હતી, અને જ્યારે એ દિવસ મારી સામે હતો હું માત્ર વરસાદ અને તુફાનના ડરથી એ દિવસને મારાથી છ મહિના દુર કઈ રીતે ધકેલી શકું…..??

ના, ના, મેં જે કર્યું એ યોગ્ય જ હતું, હું ખોટો ન હતો. મારો ફેસલો સાચો હતો. હું બસો પચાસ કિલોમીટર કેબના પૈડા નીચે ખૂંદીને આવ્યો હતો અને હવે છેક મંજિલ સુધી પહોચી મારા વિચારો ડગમગવા દેવા યોગ્ય ન હતા.

રીટાને મરતી જોયા પછી દિવસો સુધી મેં મારી જાતને મારા રૂમમાં જ લોક રાખી હતી. હું ક્યાય બહાર જવા જ નહોતો માંગતો, હું એજ રૂમમાં એજ પલંગ પર જીવન ટૂંકાવી નાખવા માંગતો હતો જે પલંગ પર સુતા સુતા રીટાએ મારાથી વિદાય લીધી હતી.

લગભગ ત્રણ દિવસ સુધી હું એ રૂમમાં જ રહ્યો હતો. ક્યાય બહાર નહોતો ગયો પણ ત્યારબાદ મારો એક મિત્ર આવ્યો, એનું નામ અરનબ હતું અમે ભેગા જ મોટા થયા હતા.

“જયેશ, દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી જેણે પોતાનું કોઈ ગુમાવ્યું ન હોય. આમ ભાંગી પડવાથી કાઈ વળવાનું નથી.” એણે મને સાંત્વના આપતા કહ્યું હતું.

અરનબ જ એક એવો મિત્ર હતો જેનાથી હું બધું સેર કરતો.

“મને એની મોતનો અફસોસ નથી પણ બસ હું એના માટે કઈ ન કરી શક્યો એનો અફસોસ છે. એના બધા જ સપના અધૂરા રહી ગયા… બસ હું એની એકવાર માફી માંગવા માંગતો હતો બસ એને એકવાર ગૂડ બાય કહેવા માંગતો હતો.” હું માંડ માંડ બોલી શક્યો હતો.

“તો એ માટે તારે ઘરથી બહાર નીકળવું પડશે…..” એણે કહ્યું, એનો અવાજ એકદમ સામાન્ય હતો.

“મતલબ?”

“આપણે નાના હતા ત્યારથી જાણીએ છીએ કે એનો મતલબ શું છે, તે કિન્નરીની માને કોન્જરીંગ કરતા જોયેલ છે.”

“શું એ ખરેખર શક્ય છે?” મેં કહ્યું.

“કેમ તને એ શક્ય નથી લાગતું?” એણે પણ સામો એવો જ પ્રશ્ન કર્યો. અને મારો જવાબ  હકારમાં હતો કેમકે મને યાદ હતું અમે નાના હતા ત્યારે મારા મહોલ્લામાં રહેતી કિન્નરી નામની એક યુવતીની મમ્મીને અમે કોન્જરીંગ કરતા જોયેલી હતી. અમને એનાથી ડર લાગતી અમે એના ઘર તરફ પણ ન જતા. મોટાભાગના લોકો એને સમનર સમજતા અને એના ઘરે જવાનું ટાળતા.

“કિન્નરીની મા હવે ક્યાં છે?” મારી જીજ્ઞાશા વધી ગઈ હતી.

“એ મરી ગઈ છે અને કિન્નરી એની મા નો વ્યવસાય જાણતી નથી કે પછી કરવા નથી માંગતી જે હોય તે પણ એ તરફ કોઈ આશા નથી.” એણે કહ્યું.

“તું મને એવા કોઈ બીજા વ્યક્તિને મળાવી શકે?” મેં એને કહ્યું.

“મેં આત્માઓથી વાત કરાવી શકે તેવા વ્યક્તિઓ અને એવી જગ્યાઓ વિશે સાંભળ્યું છે પણ કોઈ ચોક્કસને હું ઓળખતો નથી. છતાં જો તું એની તપાસમાં નીકળે તો એ કામ કોઈ ખાસ મુશ્કેલ નથી.” અરનબે કહ્યું.

અરનબ મને એ બધું કહી ચાલ્યો ગયો પણ એની કહેલ વાતને હું ભૂલી શક્યો નહિ, મેં ઉદાસી ખંખેરી નાખી, મેં કપડા બદલ્યા અને એક કોન્જરરની હન્ટમાં નીકળી પડ્યો.

કદાચ ફરીથી જીવવા માટે મને કોઈ કારણ મળી ગયું હતું, બસ મારે રીટાની માફી માંગવી હતી. એને પ્રોપર ગૂડ બાય કહેવું હતું.

બસ એ દિવસથી એ વાત મારા માટે હકીકત બની ગઈ. મારા મગજમાં એજ વિચાર ચાલતો રહેતો કે શું કોઈ એવી જગ્યા હશે? છેલ્લા એક વર્ષથી હું કેટલાય કોન્જરરને મળ્યો હતો પણ મને હજુ સુધી કોઈ સાચો સોલ કોમ્યુંનીકેટર મળ્યો ન હતો.

મને કોઈ સાચો સોલ કોમ્યુનીકેટર ન હતો મળ્યો પણ એક વરસની એ તલાશમાં હું સમજી ગયો હતો કે આત્માઓ અને આપણી દુનિયા એક જ છે તેઓ કોઈ અલગ દુનિયામાં ચાલ્યા નથી જતા બસ તેમને આપણે જોઈ નથી શકતા. તેઓ અદ્રશ્ય હોય છે પણ એનો અર્થ એ નથી કે તેમનું અસ્તિત્વ નથી!! તેઓ આપણી આસપાસ હોય છે. એ આપણી સાથે જ છે. આપણી સાથે જ સુવે છે એ આપણી સાથે જ જીવે છે બસ એમની હાજરીનો આપણને ખ્યાલ નથી આવી શકતો અથવા તો આપણે એને નજર અંદાજ કરીએ છીએ છતાં ક્યારેક ક્યારેક એમની હાજરીના પુરાવા આપણને મળી જાય છે. આમતો પરામાનસ એટલે કે પેરાનોર્મલ ચીજોમાં કોઈ વિશ્વાસ નથી કરતુ બધા એમ જ કહે છે કે ઓકલ્ટ ચીજો અવાસ્તવિક છે પણ દરેકની અંદર એક પાર્ટ હોય છે જે એ બધાને હકીકત સ્વરૂપે સ્વીકારે છે બસ આપણું જ્ઞાન આપણને એ સ્વીકારતા રોકે છે છતાં અંદરખાને તો બધા એનામાં માનેજ છે અને જો કોઈ આત્મા અને રૂહમાં વિશ્વાસ ન કરતુ હોય તો એ માણસના મરી ગયા બાદ અંતિમ વિધિ કેમ કરે છે? જે લોકો એમ દાવો કરે છે કે આત્મા નામની કોઈ ચીજ નથી એજ લોકો મરી ગયેલા લોકોની આત્મા ન ભટકે તે માટે તેની વિધિઓ કેમ કરાવે છે? પીતૃઓમાં કેમ વિશ્વાશ કરે છે?

ઘણી વખત આપણા હાથમાંથી ભૂલથી ચાનો પ્યાલો નીચે પડીને તૂટી જાય છે ત્યારે આપણે એ માટે ખુદને જવાબદાર માનીએ છીએ બાકી ખરેખર એ આપણા સાથે જ ચાલતી, આપણા સાથે જ ઊંઘતી અને આપણે જેને જોઈ નથી શકતા એવી કોઈ આત્માની ભૂલ હોય છે.

કેબ એક અજાણ્યા ગામમાં પ્રવેશી. ગામમાં પ્રવેશતા જ કેબની હેડ લાઈટના અજવાળામાં મેં બોર્ડ વાંચ્યું. એ ગામનું નામ ઉજાલગઢ હતું. હું ઉજાલગઢના સોલ કોમ્યુનીકેટરને મળવા આવ્યો હતો. ગામમાં પ્રવેશતા જ છાણ અને ઉકરડાની વાસ આવવા લાગી. અને આખરે એ નવી વાસમાં પસાર થઇ કેબ એક અજાણ્યી ગળીમાં વળી. મેં નેટ પરથી એ સમનરના સરનામાનો મેપ મેળવી લીધો હતો કેમકે હું જાણતો હતો કે મારે એને રાત્રે મળવાનું હતું અને રાત્રીના સમયે એવા ગામડા ગામમાં કોઈને રસ્તો પૂછવો યોગ્ય ન હતું.

કેબ ગળીના છેડે ઉભી રહી, મેં કેબ ડ્રાઈવરને ત્યાજ રાહ જોવાનું કહ્યું અને હું કેબમાંથી નીચે ઉતર્યો. મેં સોફરને મોટી રકમનું ભાડું આપવાનું નક્કી કર્યું હતું એટલે હું ક્યા કે શું કામ જઈ રહ્યો હતો એ પંચાતમાં પડવામાં એને જરાયે રસ ન લીધો.

હું એ શેરીમાં ઉતર્યો. શેરીમાં કોઈ માનવ નહોતું દેખાતું. માનવ તો શું કોઈ સજીવ ત્યાં નહોતું દેખાઈ રહ્યું એમ કહો તો પણ ચાલે. મને ગળીના છેડે એક જુનું પણ મોટું મકાન દેખાયું, એ મકાન કોઈ જૂની હવેલી હોય એવું એનું લાકડાનું બાંધકામ રાતની ચાંદનીમાં ભાસી રહ્યું હતું. મને એ સ્થળ જરાક ડરાવણું લાગી રહ્યું હતું પણ મારે એક ડરાવણા સ્થળની જ તો જરૂર હતી કેમકે સાચો સમનર ડરાવણા સ્થળે જ મળે છે.

હું એ ઈમારત તરફ જવા લાગ્યો, મેં ત્યાં પહોચી એક બે બુમ મારી પણ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. મેં દરવાજાને હળવેથી ધક્કો માર્યો દરવાજો ખુલ્લો જ હતો. હું ગેટમાંથી પસાર થઇ ઈમારતના પાથ-વે પર ચાલવા લાગ્યો. મેં ઈમારતના લાકડાના એન્ટ્રન્સ પાસે અટકી ફરી સમનરનું નામ બે ત્રણ વાર જોરથી બોલ્યું. પણ કોઈ જ જવાબ ન આવ્યો.

એ આમ અચાનક ક્યા ચાલ્યો ગયો હશે? મારે ગઈ કાલે જ તો એનાથી વાત થઇ હતી એને મને એપોઇન્ટમેંન્ટ આપી હતી. એણે મને સમય આપ્યો હતો અને હવે એ ક્યાય ચાલ્યો ગયો હોય એમ કઈ રીતે બને?

મેં લાકડાના દરવાજાને હળવેથી ધક્કો આપ્યો, દરવાજો એક મોટા ચી… ચી… ચી….. અવાજ સાથે ખુલી ગયો. મને એમ લાગ્યું કે એ દરવાજો ઘણા સમયથી ખુલ્યો નહી હોય એટલે જામ થઇ ગયેલ હશે. પણ એતો અહી રહેતો હતો તો એ દરવાજો કઈ રીતે જામ હોઈ શકે? કદાચ એ મહિનાઓથી બહાર હસે? જેમ એ હવે છ મહિના માટે પેરુ જવાનો હતો એમ પહેલા પણ કોઈ મોટી ટ્રીપ પર જઈ આવ્યો હશે.. મેં વિચાર્યું.

જેવો દરવાજો ખુલ્યો, અંદરની જૂની અને બફારાવાળી હવા મારા ચહેરા પર ધસી આવી, એ હવામાં એક અજબ વાસ હતી, કોઈક વિચિત્ર વાસ કોઈ ન સમજાય તેવી વાસ!!

હું અંદર ગયો અને દીવાનખંડની રોશની પ્રગટાવી. મારી પાસે મોબાઈલ ટોર્ચ હતી એટલે મને ત્યાં સ્વીચ શોધવામાં તકલીફ ન પડી. મને દિવાન ખંડમાં જુનું લાકડાનું રાચરચીલું દેખાયું. હું જઈ એક સોફામાં ગોઠવાયો, મને લાગ્યું સમનર ક્યાંક આડા અવળો હશે, મેં એને ફોન કરી જોવાનું વિચાર્યું, મેં મારા ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યો. એજ પળે મને એક બીજી વાસ અનુભવાઈ, એ વાસ કોઈ પરિચિત વાસ હતી, મને એવું લાગી રહ્યું હતું એ વાસ મેં પહેલા પણ અનુભવી હતી, બહુ લાંબા સમય સુધી અનુભવી હતી.

અચાનક મને એ રૂમમાં એકદમ ધુમાડો છવાઈ ગયો હોય એમ લાગ્યુ, એકપળ પહેલા જે રૂમ ખાલી હતો એ મને ધુમાડાથી ભરાયેલ લાગ્યો. એ ભૂરા ધુમાડામાં મને એક સફેદ ચહેરો દેખાયો એ ચહેરો એજ ધુમાડાનો બનેલ હોય એમ મને લાગ્યું, છતાં એ ધુમાડાથી જરાક અલગ પડી રહ્યો હતો.

હું એ ચહેરાને જોઈ રહ્યો, એ મારી રીટાનો ચહેરો હતો……………… મને નવાઈ લાગી એ સમનર ત્યાં ન હતો, મેં એને હજુ મારે કોની આત્માથી મળવું છે એ પણ નહોતું કહ્યું તો એણે પહેલેથી જ રીટાની આત્માને કઈ રીતે બોલાવી રાખી હશે?

મેં રીટાની માફી માંગી કે હું એના માટે કાંઈજ ન કરી શક્યો.

પણ રીટાએ કહ્યું કે મેં એને સાચો પ્રેમ કર્યો એ જ એના માટે બસ હતું, બીજા સપનાઓનું તો એમેય ક્યા મહત્વ હોય છે એતો ગમે ત્યારે માર્ગમાં છૂટી જાય છે બસ પ્રેમ જ એક એવી ચીજ છે જેને મૃત્યુનું બંધન પણ રોકી શકતું નથી અને એટલે જ અમે ફરી એકવાર સામ-સામે ઉભા હતા.

હવે તું અહીથી ચાલ્યો જા એના એ શબ્દો સાંભળતા જ મને એમ લાગ્યું કે એ કાયમ મારા સાથે કેમ ન રહી શકે?

પણ એણીએ મને સમજાવ્યું કે એ મારા વિચારો સાંભળી સકતી હતી પણ એ સત્ય ન હતું. જે સત્ય હતું એ મારે સ્વીકારવુ જ રહ્યું. એણીએ મને એ પણ કહ્યું કે હું છેકથી એવો જ છું એની બીમારીમાં પણ ભાંગી પડ્યો હતો, હું તડકામાં ઉભો હોઉં ત્યારે એમ જ વિચારું છું કે મારા પરજ સુરજ તડકો વરસાવી રહ્યો છે કેમકે હું માત્ર સુરજને જ જોઉં છું પણ એણીએ મને સમજાવ્યું કે મારે માત્ર સુરજને બદલે આખા આકશને જોવું જોઈએ અને સમજવું જોઈએ કે એની ગરમી તો આખી દુનિયા માટે છે.

હું સમજી ગયો હતો કે એ શું કહેવા માંગે છે, હું એને ગુડ બાય કહી હવેલીમાંથી બહાર નીકળ્યો, મેં મનોમન એ તાંત્રિક સમનરનો પણ આભાર માન્યો કેમકે એ વ્યક્તિએ ખુદ સામે પણ આવ્યા વિના મને રીટા સાથે મુલાકાત કરાવી આપી હતી. એના વિના એ શક્ય ન બનત. પણ એ ખુદ કેમ ન આવ્યો? કદાચ એ પોતાની ઓળખ છુપાવવા માંગતો હશે, દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જેમને પોતાનું નામ જાહેર ન કરવામાં રસ હોય છે!!!

હું બહાર નીકળ્યો, કેબ હજુ ત્યાજ હતી, હું કેબમાં બેઠો અને કેબ ફરી શહેર તરફ રવાના થઇ, મારા મનમાં ખુસી હતી કે રીટાની માફી માંગી લીધી હતી અને એને ગુડબાય કહેવાનો મને મોકો પણ મળી ગયો હતો.

એકાએક મારા ફોનની રીંગ વાગી મેં ફોન ઉપાડ્યો. અરનબ બોલતો હતો.

“તે કહ્યું હતું ને કે તું જાદવનાથ તાંત્રિકને મળવા જવાનો છે.” એના અવાજમાં ગભરાહટ હતી.

“હા, કેમ?” મેં કહ્યું.

“ત્યાં ન જઈશ, એ માણસને મરી ગયાને એક વરસ થયું છે અને લોકોનું કહેવું છે કે તે ખરાબ તાંત્રિક હતો અને મરી ગયા પછી પણ લોકોને એક અજાણી હવેલી પર બોલાવી મારી નાખે છે અને એમની આત્મા પર કાબુ મેળવી લે છે.”

હું સ્તબ્ધ થઇ ગયો… એ હલો… હલો… કરતો રહ્યો પણ હું કઈ ન બોલી શક્યો… હું સમજી ગયો કે જે રીટા મને એક વરસથી નહોતી મળી એ આમ કોઈ સમનર ના બોલાવ્યા વિના જ કેમ મારી સામે આવી ગઈ હતી!!

એ મને એ તાંત્રિકની ચંગુલમાં જતા રોકવા આવી હતી, એ મને બચાવવા આવી હતી… એણીએ સાચું કહ્યું હતું પ્રેમ એક એવું બંધન છે જેને મૃત્યુ પણ તોડી શકતું નથી!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here