gujarati-varta-khubsurat

ખુબસુરત

એ ભવ્ય અને આહલાદક સવાર હતી. શિયાળાનો સમય હતો એટલે એ સવાર મનને પ્રસન્નતાની સાથે ઉત્સાહ પણ આપી રહી હતી. સૂરજ ઉગવાની તૈયારીમાં જ હતો. પૂર્વ દિશામાં ફેલાયેલી લાલી તેના આવવાની વધામણી આપી રહી હતી. હવાને તાજગી અને ઉત્સાહથી કુદરતે ભરી નાખી હોય એમ લાગી રહ્યું હતું.

નાનકડા મકાન પાસે રહેલ એક વિશાળ બાગમાં પક્ષીઓ પોતાના મીઠા સુરમાં એ સવારનું સ્વાગત ગીત ગાઈ રહ્યા હતા, એ એમનો રોજનો ક્રમ હતો. બાગના વિશાળ વૃક્ષો ઠંડી હવાની લહેરખીઓમાં મસ્તીથી આમતેમ ઝુમી રહ્યા હતા.

કેટલાક લોકો મોર્નિંગ વોકમાં નીકળેલા હતા તો કેટલાક જોગિંગમાં. કેટલાક ભારે શરીરવાળા યુવક યુવતીઓ પોતાની મોંઘીદાટ ગિયરવાળી સાયકલો પર આમતેમ આંટા મારી રહ્યાં હતાં, ક્યારેય પરસેવો ન પાડતા એ શ્રીમંત ઘરના લોકો શરીર ઉતારવા પરસેવે નાહ્યી રહયા હતા.

એ ખુશનુમા વાતાવરણની અસર હોય તેમ એ નાનકડા ઘરમાં પણ આનંદનો માહોલ હતો. ઘરના મુખ્ય ખંડમાં સોફા પર એક ચાલીસી વટાવી ચૂકેલ મહિલા પોતાના હાથમાં એક બોક્સ લઈને બેઠી હતી. તેના ચહેરા પર ખુશીના ભાવ ચોખ્ખા વરતાઈ રહ્યા હતા. તેના હાથમાં રહેલ બોક્સ પણ તેના પેકિંગ પરથી એ કોઈકને આપવા માટેની ભેટ હોય તેવું લાગી રહ્યું હતું. બસ એ સવાર કોઈને ખુશ ન કરી શકી હોય તો એ હતી એ સ્ત્રીની બાજુમાં બેઠેલી તેની વિસ એકવીસ વરસની દીકરી સુમન! તેના ચહેરા પર ઉદાસી વર્તાઈ રહી હતી. એને આસપાસના વાતાવરણની આહલાડકતાથી કઈ જ મતલબ ન હોય તેવું તેની ફિક્કી આંખોમાં જ દેખાઈ રહ્યું હતું.

“સુમન, બેટા આજે તારો જન્મ દિવસ છે.”
“તે વીશ કર્યું મમ્મી. મેં આ આભાર પણ કહ્યું.” સુમને તેની મમ્મી શુ કહેવા માંગતી હતી એ ન સમજી હોય તેવો ડોળ કરતા કહ્યું.

“હું એમ કહેવા માગું છું કે આજે પણ તું ઉદાસ કેમ છે?” મમ્મીના આવજમાં ચિંતા હતી.

“મમ્મી તને ખબર છે ને મારી બદસુરતીએ મારુ જીવન નર્ક બનાવી નાખ્યું છે. ખબર નહિ ભગવાને મને કેમ સુંદર ન બનાવી?”

“તું સુંદર છે બેટા.”

“મમ્મી હું હસું ત્યારે પણ આ ગોળ લાબું નાક મારા હોઠને હરાવી નાખે છે, હું હસું, રડું કે ગમે તે કરું હું ક્યારેય સારી નથી લાગતી.” સુમનની આંખોમાં પાણી આવી ગયું.

“સુંદરતા જોનારની આંખમાં હોય છે. આ ચહેરો બનાવનાર ભગવાને એક જોડ આંખો એવી પણ બનાવી હશે જેને બસ આ ચહેરો જ ગમશે.” મમ્મીએ આશ્વાસન આપતા કહ્યું.

“મને નથી લાગતું. કોઈ છોકરી જ મને પસંદ નથી કરતી, બધી મારી મજાક ઉડાવે છે તો કોઈ છોકરો મને કેમ પસંદ કરશે? તું એક વાર બહાર નીકળી અને જો મમ્મી બીજી છોકરીઓ કેટલી સુંદર હોય છે?” સુમનની આંખોમાં હજુયે પાણી હતું, એ છેલ્લા બે વરસથી કોલેજમાં આવ્યા બાદ અન્ય છોકરીઓ અને છોકરાઓ તરફથી અપમાનિત થઈ રહી હતી.

“ચાલ એ બધું ભુલી જા, હું તારા માટે શું ગિફ્ટ લાવી હશું?” મમ્મીએ વાત બદલી.

“પુસ્તકો હશે.” ગિફ્ટની સાઈઝ જોતા સુમને અંદાજ લગાવ્યો, આમેય હમણાં જ થોડાક દિવસ પહેલા એણીએ વાત વાતમાં મમ્મીને કહ્યું હતું કે એને ગમતી બે ચાર નવલકથાઓ લાવવી છે.

“તું જ જોઇલે.” કહી મમ્મીએ બોક્સ તેના હાથમાં આપ્યું.

સુમને ફટાફટ બોક્સ ખોલ્યું પણ બોક્સ ખોલતા જ તેના ચહેરા પર ફરી ઉદાસી છવાઈ ગઈ.

“શુ થયું? ડ્રેસ ન ગમ્યો?” મમ્મીએ અચાનક ચોકીને કહ્યું.

“એવું નથી મમ્મી, ડ્રેસ સારો છે તને ખબર છે ને આવા ડ્રેસ મને સુટ નથી કરતા એનામાં હું વધારે બદસુરત દેખાઉં છું લોકો હશે છે મારા પર.” સુમને ડ્રેસને બાજુ પર મુક્યો.

“કાશ..!” મમ્મી કાંઈ કહેવા જતી હતી પણ અટકી ગઈ.

“હું ડ્રેસ પહેરીશ મમ્મી. પણ ઘરે, હું એ પહેરી કોલેજમાં કે બીજે ક્યાંય નહીં જાઉં.” મમ્મીને ઉદાસ થતી જોઈ સુમને કહ્યું.

“તારી કોલેજનો સમય આઠ વાગ્યાનો છે, ચાલ ફટાફટ તૈયાર થઈ જા અને આ નહિ તો કઈ નહિ બીજો કોઈ તને ગમતો હોય એ ડ્રેસ પહેરી લે.” મમ્મી બસ એને ખુશ જોવા માંગતી હતી.

સુમન પોતાનો આછા વાદળી રંગના ડ્રેસ પહેરી બેગ લઈ કોલેજ તરફ રવાના થઈ.

કોલેજમાં કોઈને યાદ ન આવે કે મારો જન્મ દિવસ છે તો સારું. કોલેજના ગેટમાં પ્રવેશી ત્યારે બસ સુમનના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો.

“હેય, સુમન. હેપી બેર્થડે.” દરવાજા પાસે ઉભેલ લકીએ કહ્યું.

સુમને ચોકીને એની તરફ જોયું, લકી કોલેજનો સૌથી લકી છોકરો હતો, એ દેખાવડો પણ હતો અને હોશિયાર પણ. લકી કોલેજની કોઈ છોકરી સાથે હસીને વાત કરી લે તો પણ એ છોકરી પોતાને લકી સમજવા લાગતી. પણ એનામાં ઈગો ન હતો એ સુમનને પણ એટલું જ મહત્વ આપતો જેટલું કોલેજની સૌથી સુંદર છોકરીને આપતો. એનામાં બીજા છોકરાઓ જેમ સુંદર છોકરીઓના પાછળ ફરવાના અને સુમન જેવી છોકરીને સતાવવાના લક્ષણો ન હતા. ઉલટાનું સુંદર છોકરીઓ તેની પાછળ ફરતી પણ એ એમના તરફ ખાસ ધ્યાન ન આપતો.

“લકી, પ્લીઝ. ધીમે બોલ.” સુમને એની નજીક જતા કહ્યું.

“કેમ પાર્ટીના ખર્ચાથી બચી જવું છે? પૈસા બચાવવા બર્થડે પર જુના કપડાય પહેરી લીધા?” લકીએ મજાકમાં કહ્યું. લકી કોઈ પણની સાથે વાત કરતા ગભરાતો નહિ, તેના મનમાં આવે તે બોલી જતો.

“એવું નથી.” સુમને ઢીલા અવાજે કહ્યું.

“હું પાર્ટી તો લઈને જ રહીશ, આપણે ક્લાસમેટ છીએ. પાર્ટી તો આપવી જ પડશે.” લકીએ ફરી એજ મજાકીયા મૂડમાં કહ્યું.

“હું તને પાર્ટી આપી દઇશ પણ તું ધીમે બોલ.” કહેતા સુમનની આંખોમાં પાણી આવી ગયું.

“શુ થયું?” લકીનો હસતો ચહેરો એકદમ સિરિયસ થઈ ગયો.

“બધા છોકરા છોકરીઓ મારી હાંસીજ ઉડાવે છે, તું ગઈ સાલ આ કોલેજમાં ન હતો મારા જન્મદિવસ પર હું રડતી ઘરે ગઈ હતી, બસ બધા મને નવા ડ્રેસમાં જૂનું મોડલ અને એવું કેટલુંય કહેતા હતા. હું કોલેજ પણ નથી આવવા માંગતી. મારી બદસુરતી મારી દુશ્મન બની ગઈ છે. પણ મમ્મીનું સપનું છે કે હું ભણું, મારા પપ્પા બેંકમાં ક્લાર્ક હતા મમ્મી મને પણ બેંકમાં ક્લાર્ક બનાવવા માંગે છે. મારા પપ્પાનું પણ એજ સપનું હતું. મારી મમ્મીએ મારા બર્થડે પર નવો ડ્રેસ લોવ્યો હતો પણ હું જુનો જ પહેરીને આવી છું કેમકે હું બને એટલી ઓછી હેરાન થઈ કોલેજ કરવા માગું છું. મને ખબર છે તું એમના જેવો નથી, હું તને પાર્ટી આપી દઈશ પણ પ્લીઝ કોઈને યાદ ન કરાવીશ કે મારો બર્થડે છે.” સુમનની આંખો હજુ ભીની હતી.
“તો ડીલ આજે એન્યુઅલ ફંકશન છે એ પતે પછી તારે મને પાર્ટી આપવાની હું કોઈને યાદ નહિ કરાવું.” કહી લકી ચાલ્યો ગયો.

સુમને  રાહતનો શ્વાસ લીધો અને એન્યુઅલ ડે ફંકશન હતું માટે ક્લાસને બદલે ગ્રોઉન્ડમાં બધા ભેગા થયેલા હતા એ તરફ જવા લાગી.

બધા વિધાર્થીઓ સ્ટેજની સામે ભેગા થયેલા હતા. પ્રિન્સીપાલ એન્યુઅલ ડે પર એક નાનકડી સ્પીચ આપી અને ત્યારબાદ પ્રોગ્રામ શરૂ થયું. કોલેજની હિરોઈન ગણાતી નેહા અને મોનિકાએ સ્વાગત ગીત પર બધાંને મંત્ર મુગ્ધ કરી નાખે તેવું નૃત્ય કર્યું. ત્યારબાદ કોલેજના હીરો લકીનો વારો હતો, એને બે મહિનાથી એન્યુઅલ ડે પર સુલતાન ફિલ્મના ટાઇટલ ગીત પર ડાન્સ માટેની પ્રેક્ટિસ કરી હતી.

લકી સ્ટેજ પર ગયો એટલે છોકરાઓના ભાગમાંથી તેને પ્રોત્સાહન માટે લકી લકી એવી બુમો સંભળાવી. છોકરીઓ પણ લકી માટે એટલીજ ઉત્સાહિત હતી.

લકીએ સ્ટેજ પર જઇ માઇક હાથમાં લીધું. બધા આતુરતાથી એ તરફ જોવા લાગ્યા. લકી કોલેજનો ફેવરીટ હતો.

“આજે હું ડાન્સ ને બદલે મારા બાળપણનો એક કિસ્સો કહેવા માંગું છું.” લકીએ માઈકમાં કહ્યું.

બધા જ ઉત્સાહિત થઇ આનંદની ચિચિયારીઓ પાડવા લાગ્યા. લકી વિશે કોણ જાણવા ન માંગે??!! અને એમાય એના બાળપણનો કિસ્સો સંભાળવા મળશે એ સાંભળીને મોટાભાગની છોકરીઓ તો જાણે ગાંડી જ થઇ ગઈ. સુમન પણ ત્યાં ઉભી એ સાંભળી રહી હતી.

“હું બાળપણથી જ આવો છું દોસ્તો. બધાનો ફેવરીટ.” લકીએ શરૂઆત કરી.

ફરી એક લાઉડ ચીયર સંભળાયો.

“હું દસેક વર્ષનો હતો ત્યારે હું અને મારી બહેન શિવાની એકવાર રોડ પર જઈ રહ્યા હતા. રોડ પરથી શિવાનીને એક ઢીંગલી મળી. શિવાની એ ઢીંગલીને ઘરે લઈ આવી. એ ડોલ તૂટેલી ફૂટેલી હતી અને દેખાવમાં જરાયે સુંદર ન હતી છતાયે શિવાનીએ એ ડોલને શો-કેશમાં લગાવી. મને એ બદસુરત ડોલ જરાયે પસંદ ન આવી. એટલે મેં એ ડોલ બહાર ફેકી દીધી. શિવાની રડવા લાગી. અને બહેન રડે એટલે વાત મમ્મી સુધી પહોચી જ જાય.”

બધા આતુરતાથી વાત સાંભળી રહ્યા.

“મેં મમ્મીને કહ્યું કે આપણે શિવાની માટે દુકાનમાંથી એક મોઘી ડોલ લાવી દઈશું. એ ગંદી હતી એટલે મેં ફેકી દીધી. મમ્મીએ જયારે કહ્યું કે એ ડોલ અમુલ્ય હતી. એવી ડોલ કોઈ મોટી દુકાનમાય ન મળે ત્યારે મને હસવું આવી ગયું. મને હશતો જોઈ મમ્મી સમજી ગઈ કે હું એની વાતને સમજી શક્યો નથી. મમ્મીએ મને નજીક બોલાવી કહ્યું બેટા આ ડોલ રસ્તા પર પડી રહી, લોકોએ એની અવગણના કરી,. એનામાં સુંદરતા ન હતી એટલે કોઈએ એને સ્વીકારી નહી છતાં એ ડોલ એ બધું સહન કરીને પણ જીવે ગઈ જયારે એટલું સહન કર્યા બાદ પણ એ શિવાનીના હાથમાં આવી શિવાનીએ એને પસંદ કરી. એનો મતલબ કે આટલું થયા પછી પણ એનામાં એક સુંદર મોઘી ડોલ એક બાળકને ખુસ કરી શકે એટલી જ ખુસી આપવાની ક્ષમતા હતી. બસ એને સમજનાર કોઈ મળવું જોઈએ શિવાની જેવું.”

“હું દોડીને બહાર ગયો એ ડોલ શોધી પણ મને એ ક્યાય ન મળી. અડધા એક કલાક બાદ શિવાની બધું ભૂલી ગઈ એ ફરી રમવા લાગી પણ મમ્મીની વાત હું ન ભૂલ્યો. હું એ ડોલને શોધતો જ રહ્યો. આજ દિવસ સુધી હું એ ડોલને શોધતો હતો પણ આજે મને એ ડોલ મળી ગઈ ગઈ છે.”

બધા નવાઈથી એકબીજા તરફ જોવા લાગ્યા. ઘણા બધાને તો લકી શું કહેવા માંગતો હતો એ સમજાયું પણ નહિ.

લકી સ્ટેજ પરથી વાયરલેસ માઈક લઇ નીચે ઉતર્યો અને સુમન પાસે જઈ ઉભો રહ્યો.

“સુમન હું જે ડોલને શોધતો હતો એ ડોલ તું છે. શું તને હું પસંદ છું?” લકીએ માઈકમાં કહ્યું.

“હા..” સુમનની આંખો માંથીઆંશુ વહેવા લાગ્યા.

કોલેજની એ ફેશનેબલ છોકરીઓ જોતી જ રહી ગઈ કે લકીએ સુમનને કેમ પસંદ કરી એ ક્યાં અમારા જેવી સુંદર હતી. એ બિચારીઓને પેલી ડોલ વાળી વાર્તા સમજાઈ જ નહિ.

સાચેજ એક સુંદર હ્રદય હજારો સુંદર ચહેરા કરતા અમુલ્ય છે પણ આ વાત ફકત એ લોકોને જ સમજાય છે જેમને પેલી ડોલવાળી વાત ન સમજાઈ હોય એમને નહિ. બધા કાઈ લકી નથી હોતા કે એમને સુમન મળે!!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here