gujarati-varta-kholelu-parbidiyu

ખોલેલું પરબીડિયું !!!        

નવરંગ પુરાની બહુમાળી ઇમારત, “સાર્થ ફ્લેટ”માં મિહિર છેલ્લા ત્રણ વર્ષથી રહેતો હતો. ક્લાર્કની નોકરી મળી ત્યારે ગામડું છોડીને એ અહીં ત્રીજા માળે રતિલાલ જૈનના ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હતો. જો કે ગામડું છોડીને આવવું એ એના માટે સુખદ વાત હતી.

ગામડેથી અહીં આવીને એ એકલો વસ્યો તો ખરા પણ મિહિરને લોકોથી ચીડ ચડતી. કોઈ એને વતળાવે નહિ ! કોઈ એને બોલાવે તો એ ડાચુ ચડાવીને જ જવાબ આપે ! ધીમે ધીમે તો લોકો પણ એનાથી કંટાળી ગયા અને મિહિર નામનો કોઈ વ્યક્તિ ફ્લેટમાં રહે છે એ વાત જ વિસરી ગયા.

લોકો બધા આમ તો સમજુ હતા. બધા જાણતા હતા કે યુવાન છે ઘર પરિવાર છોડીને અહીં એકલો રહે છે એટલે જરા એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. બધા એની સામે નમતું જોખી લેતા પણ ધીમે ધીમે તો મિહિર હદ વટાવવા લાગ્યો.

એકવાર રવિવારે મિહિર મોડા સુધી ઊંઘયો હતો. દૂધ વાળો આવ્યો અને રોજની જેમ એજ લહેકામાં “દૂધ…” એમ બુમ લગાવી પણ મિહિરનો દરવાજો ખુલ્યો નહિ.

શહેરમાં ઘણા ઘરે દૂધ પહોંચતું કરવાનું હોય, જો એક ઘરે સમય વેડફીને મોડું કરે તો બીજા ચાર ઘરે બોલશા સાંભળવી પડે. રખેને કદાચ કોઈ તામસી સ્વભાવની સ્ત્રી હોય તો મહિનો પૂરો થાય એ પહેલાં જ દૂધ બંધ કરી નાખે ! શહેરમાં તો એવી કેટલીયે રૂપિયાની ઘમંડી બાઈઓ મળી રહે!

સાહેબ આજે જાગશે નહિ….. એમ વિચારી દૂધ વાળો પ્રભાત ભાઈના દરવાજે ગયો અને ફરી બોલ્યો, “દૂધ….”

પ્રભાત ભાઈ તો વહેલી પ્રભાતે જ તૈયાર થઈને દૂધની રાહ જોતા હતા. જેવી દૂધ વાળે બૂમ લગાવી કે ફટાક દઈને પ્રભાત ભાઈએ દરવાજો ખોલ્યો.

“શુભ સવાર દીકરા….” મીઠડું સ્મિત આપી પ્રભાત ભાઈ હાથ લાંબો કરી ઉભા રહ્યા.

“એ પ્રભાત કાકા શુભ સવાર…”  એવી જ હળવી સ્માઈલ આપી દૂધ વાળા છગને એમના લંબાવેલા હાથમાં બોટલ મૂકી.

છગન ઉતાવળમાં હતો. તરત પાછો ફરીને ચાલવા લાગ્યો. ત્યાં એને થયું જો સાહેબ જાગશે અને દૂધ નહિ મળે તો કાલે મને ધમકાવી દેશે. સાહેબ આમેય જરા કડક સ્વભાવના છે. છગને દૂધની બોટલ મિહિરના દરવાજે મૂકી દીધી અને નીકળી પડ્યો.

બધું જોઈને પ્રભાત ભાઈ પણ અંદર ગયા. પત્નીને દૂધ આપી અને ચા બનાવવા કહ્યું ત્યાં છાપા વાળો છાપું નાખી ગયો.

પ્રભાત ભાઈની પત્ની સરલા બેન દૂધ લઈ રસોડામાં ચા બનાવવા ગયા અને પ્રભાત ભાઈએ દરવાજેથી છાપું ઉઠાવી અને સોફામાં ગોઠવાઈ હેડલાઈન ઉપર નજર નાખી.

પ્રભાત ભાઈએ છાપાના બે ત્રણ પાના ઉથલાવ્યા ત્યાં ચા તૈયાર થઈને આવી ગઈ.

છાપું જોતા જોતા ચા પુરી કરી અને રવિવારની પૂર્તિના બધા લેખ, વાર્તાઓ અને નવલકથાનો હપ્તો વાંચવા લાગ્યા.

લગભગ કલાક પછી છાપું પત્યું ત્યારે પ્રભાત ભાઈ ઉઠ્યા અને પત્નીને બૂમ લગાવી.

“સરલા, હું વોકિંગમાં જાઉં છું, વળતો મંદિરે જઇ આવીશ….”

“એ ભલે, પણ કોઈ ભાઈબંધ મળી જાય તો બેસી ના રહેતા આજે ઢોકળા બનાવીશ…” અંદરના બાથરૂમમાં કપડાં ધીબતા સરલા બેને મીઠી લાલચ આપી.

“ભલે….” ટેબલ ઉપરથી નંબરના ચશ્મા ઉઠાવી લઈ કાને બેસાડતા પ્રભાત ભાઈ મોઢામાં આવેલ પાણી તરફ ધ્યાન ન આપતા બોલ્યા અને બહાર નીકળી ગયા.

દરવાજો આડો કરી એમણે ચપ્પલ પહેર્યાં કે મિહિરના દરવાજે પેલી દૂધની બોટલ ઉપર નજર પડી. પ્રભાત ભાઈ જરા જુનવાણી વિચારધારા વાળા ખરા એટલે જીવ બળ્યો. “ઉનાળાના દિવસ છે ને આ છોકરો હજુ ઉઠ્યોય નથી, કલાકથી આ દુધ અહીં પડ્યું છે હવે તો બગડી જશે…..!!” મનોમન બોલતા પ્રભાત ભાઈએ બોટલ ઉઠાવી લીધી અને મિહિરના ઘરનો દરવાજો ખખડાવ્યો….!

બે ત્રણ વાર દરવાજો ખખડાવ્યો ત્યાં છંછેડાયેલો મિહિર આવ્યો અને દરવાજો ખોલતા જ બરાડયો, “શુ છે ? કોણ મરી ગયું છે ? આ દરવાજો બંધ છે સમજાતું નથી કે માણસ ઊંઘયો હશે…?”

પ્રભાત ભાઈ એના વિખરાયેલા વાળ અને ચકળવકળ થતી આંખો તંગ થયેલા ભ્રમર જોઈ રહ્યા પછી બોલ્યા, “બેટા દૂધની બોટલ આપવા ખખડાવ્યો…”

“કાકા તમારી એટલી ઉંમર થઈ સમજ નથી પડતી તમને?” ફરી એ જ ઊંચા અવાજે મિહિર આંખો ચોળતા બોલ્યો.

પ્રભાત ભાઈને થયું ખબર પડે છે એટલે જ તો આવડા મોટા શહેરમાં અજાણ્યા જણ સારું કરીને વિચાર્યું નહિતર કોણ પારકી બલા વહોરે ! પણ આ ગરમ ખૂનને એ સમજાવવું વ્યર્થ હતું એટલે પ્રભાત ભાઈએ કઈક બીજું જ કહ્યું, “દીકરા એક કલાક પહેલાં છગન દૂધ મૂકી ગયો છે મને થયું બગડી જશે લાવ મિહિરને જગાડી દઉં, ને બોટલ આપતો જાઉં…” મિહિરને સમજાય એ રીતે પ્રભાત ભાઈએ વાત સમજાવી પણ નિષ્ફળ રહ્યા.

“કાકા તમારી બુદ્ધિ તમારી જોડે રાખો ને તો સારું છે. તમારે તો દીકરો કમાઈને આપે છે બસ સવારે ઉઠવાનું આખો દિવસ જે મનમાં આવે એ કરવાનું ટીવી જોવાની ફરવાનું બસ….”

પ્રભાત ભાઈ સાંભળી રહ્યા.

“પણ અમારે તો આખો દિવસ મજૂરી કરવાની છે મજૂરી….! સમજ્યા સોમથી શનિ સવારે પાંચે જાગીને રાત્રે નવે આંખ બંધ કરીએ, એક માત્ર રવિ મળે એમાંય તમારા જેવા આવીને બરબાદ કરી નાખે….” મોઢું બગાડીને મિહિરે સ્તબ્ધ થઈ ગયેલ પ્રભાત ભાઈના હાથમાંથી બોટલ ઉઠાવી લીધી અને ધબબબબબ કરતા દરવાજો દઈ દીધો….!

ચહેરા આગળ મિહિરના બદલે લાકડું આવી ગયું, પણ જરાય સખત ન લાગ્યું ! પેલો હાડ માટીનો છોકરો તો વધારે કઠણ હતો ને !

“એક દૂધ બગડી જાય તો શું હું મરી જવાનો હતો? કે આ ફ્લેટના માણસો નર્કમાં જઈ ચડોત??!!  બંધ દરવાજામાંથી પણ મિહિરનો કર્કશ અવાજ બહાર આવતો હતો.

ચહેરો સ્વસ્થ કરી પ્રભાત ભાઈ સીડીઓ તરફ ગયા.  જમાનો કેટલો બદલાઈ ગયો છે ? મનમાં વિચાર આવવા લાગ્યા. હું આવડો હતો ત્યારે ગામમાં વડીલો સામે ઊંચી નજર કરતા પણ ગભરાતો હતો ને આજના છોકરા દેખો તો ખરા ! ન કોઈ શરમ ન કોઈ ભાષાની સમજ ! આ કોઈ રીત છે ઉંમરલાયક માણસ સાથે વાત કરવાની ?

રોજ બે કિલોમીટર ચાલતા પ્રભાત ભાઈએ ચાર કિલોમીટર ચાલી નાખ્યું. હનુમાન મંદિરનો લાલ રંગ દેખાતા પ્રભાત ભાઈને ખબર પડી કે વિચારોમાં પોતે રોજ કરતા બમણું અંતર કાપી લીધું છે. મનમાંથી વિચારો ખંખેરી લીધા અને હનુમાનજીના મંદિરમાં જઇને હાથ જોડી, બહાર આવી ત્યાં બાંકડે બેસી ગયા. એકાએક વિચારોમાંથી બહાર આવતા થાક લાગ્યો.

દસેક મિનિટ થાક લઈ ફરી ઘર તરફ વળ્યા. મનમાં હજુ પેલા વિચાર આવ જાવ કરતા હતા.

થોડી વારે શિવજીના મંદિરે પહોંચ્યા. સીડીઓ ચડીને ભોલેનાથના દર્શન કર્યા ત્યાં વિચલિત થયેલું મન જરા સ્વસ્થ થયું અને એકાએક ઢોકળા યાદ આવતા ઘર તરફ નીકળી પડ્યા….

ફ્લેટની સીડીઓ ચડીને ફરી મિહિરના દરવાજા આગળ આવ્યા પણ જરાય એમનું મન વિચલિત થયું નહિ. દરવાજા તરફ જોઈ જરાક હસીને ઢોકળા ખાવા પોતાના ઘરે પહોંચી ગયા.

“સરલા, સરલા…….”

“શુ છે?” રસોડામાંથી બહાર આવતા સરલા બેને પૂછ્યું.

“લાવ ઢોકળા જલ્દી, આજે તો ખાસ્સું ચાલી નાખ્યું ભૂખ લાગી છે કડકડીને…” સોફામાં ગોઠવાતા કહ્યું અને રૂમાલથી મોઢું લૂછયું.

“પણ હાથ તો ધોવો….”

“એ હા, હો એ ભૂલી ગયો આ તારા હાથના ઢોકળા કેટલા દિવસે મળશે એ ખુશીમાં કઈ સૂઝતું નથી મને તો…” ઝટઝટ બાથરૂમમાં જઈ હાથ ધોઈ આવતા ફરી પ્રભાત ભાઈ સોફામાં ગોઠવાયા…

“તમારા લાડલા સુધીરને ઢોકળા ભાવતા નથી એમા હું શું કરું? નહિતર હું તો રોજ ઢોકળા બનાવી આપું…” જમવાનું પીરસતા સરલા બેને કહ્યું.

“સરલા, હવે આ જમાનો છોકરાઓનો છે એમને ગમે એ ખાવા દે ને…!! ખેર આજે તો એ બહાર ગયો છે ને આજે તો ખાવા મળશે અને હા સાંજે સુધીર માટે ભરેલા ભીંડા બનાવી રાખજે આજે બપોરે એ આવી જશે…”

“હે, આજે બપોરે આવશે આપણો સુધીર?” જાણે વર્ષોથી દૂર રહેતો દીકરો ઘરે આવવાનો હોય એમ સરલા બહેને પૂછ્યું.

“સરલા, બે દિવસ પહેલા તો સુધીર ગયો છે, અને એ આજે આવવાનો છે એવું કહીને તો સુરત ગયો હતો ભૂલી કેમ ગઈ.” જમવાનું શરૂ કરતાં પ્રભાત ભાઈએ કહ્યું.

“હા પણ મને તો સુધીર વગર એક દિવસ પણ એક વર્ષ લાગે છે, ખબર નહિ કેવી હાલતમાં હશે મારો દીકરો, ત્યાં એનું જમવાનું, ન્હાવા ધોવાનું અને ખાસ તો સવારની ચા બાબતે એના શા હાલ હશે? બિચારો દુબળો થઈ ગયો હશે નઈ?” સરલા બહેન લાગણીઓમાં તણાતાં હતા.

“આજે આવે એટલે જોઈ લે જે…” હસીને પ્રભાત ભાઈએ કહ્યું અને જમવાનું પૂરું કરી પોતાના રૂમમાં આડા થવા જવા લાગ્યા. પણ ત્યાં જ દરવાજો ખખડયો….

સુધીર આવ્યો હશે કદાચ…. એમ વિચારી દરવાજો ખોલ્યો તો ત્યાં ટપાલી ઉભો હતો…

“મી. મિહિરના નામે ટપાલ છે, એમને આપી દેજો..” કહી ટપાલીએ ટપાલ હાથમાં પકડાવી દીધી અને ઝાપટાભેર ચાલી નીકળ્યો.

પ્રભાત ભાઈ કઈ કહે એવો મોકો જ ન આપ્યો. પ્રભાત ભાઈએ ટપાલ જોઈ અને ફરી મિહિરના દરવાજે ગયા અને જોયું તો દરવાજો બહારથી બંધ હતો.

ક્યાં ગયો હશે આ હવે? રવિવારે ફરવા ગયો હશે કદાચ. લાવ જોઈ લઉં શાની ટપાલ છે વિચારી એમણે પરબીડિયું ખોલીને ટપાલ બહાર નીકાળી..  ખૂણો ફાડેલી ટપાલ જોઈ પ્રભાત ભાઈને ધ્રાસકો પડ્યો ! એ જમાનામાં ખૂણો ફાડેલી ટપાલ તો જ મોકલવામાં આવતી જો ઘરમાં કોઈ નિધન થયું હોય !

પ્રભાત ભાઈએ ટપાલ આખી વાંચી લીધી. આ ટપાલ તો મિહિરને ઝટ આપવી જોઈએ. પણ એને હું ક્યાં શોધું…?

હજુ એ વિચારતા જ હતા ત્યાં તો સુધીર બે મોટા થેલા લઈને આવી પહોંચ્યો.

“દીકરા આવી ગયો તું?” હસીને પ્રભાત ભાઈએ કહ્યું, “સરલા, સુધીર આવ્યો છે….”

સુધીરનું સાંભળતા જ રસોડામાં વાસણ ઘસતા સરલા બેન બહાર દોડી આવ્યા.

“આવી ગયો દીકરા…”

થેલા મૂકીને સોફામાં લંબાવતા સુધીરે કહ્યું, “હા મમ્મી…”

“કેટલો થાકી ગયો છે…” કહેતા સરલા બહેન તરત પાણી લઈ આવ્યા.

પાણી પી ને સ્વસ્થ થઈ સુધીરે કામના કાગળ અને પૈસા કબાટમાં મુકવા કહ્યું.

કાગળ અને પૈસા મૂકીને સરલા બહેને કહ્યું, “બેટા જમવાનું બનાવું છું તરત જ…”

“ના મમ્મી મને ભૂખ નથી હું આરામ કરવા રૂમમાં જાઉં છું.”

“અરે પણ એમ કઈ ખાધા વગર….”

“મમ્મી…. તને ખબર છે બહાર રહેવું એટલે શું હાલત થાય? ત્રાસી ગયો હું બે દિવસ…” મેલા શર્ટની ડાઘ પડેલી બાય તરફ ઈશારો કરી એણે ઉમેર્યું, “આ જોતો ખરા ન ન્હાવાના ઠેકાણા ન ખાવાના અને ખાસ તો સવારની ચા વગર મારુ માથું ફાટી ગયું…”

પ્રભાત ભાઈ દરવાજે ઉભા બધું સાંભળી રહ્યા.

“મમ્મી તું રૂમમાં ચા મોકલાવ પછી હું આરામ કરીશ જમવાનું સાંજે હવે પ્લીઝ…”

“સારું બેટા, તું આરામ કર હું ચા બનાવી લાવું છું.” કહી સરલા બેન રસોડામાં ગયા અને સુધીર એના રૂમમાં.

પ્રભાત ભાઈના મનમાં વિચાર આવતા હતા. થોડી વાર તો પોતે ત્યાં જ ઉભા રહ્યા પણ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો ત્યારે ધ્યાનમાં આવ્યું કે મિહિર આવી ગયો છે.

બહાર જોઈને જોયું તો મિહિર એના ઘરમાં જતો હતો. પોતે એને રોકે એ પહેલાં જ તો મિહિરે દરવાજો બંધ કરી દીધો.

પ્રભાત ભાઈ તરત દરવાજે પહોંચી ગયા અને દરવાજો ખખડાવ્યો.

દરવાજો ખોલતા જ મિહિર ચોંકી ગયો, “કાકા તમે ફરી આવી ગયા?”

“હા બેટા….”

“આવડા મોટા ફ્લેટમાં એક હું જ મળું છું તમને?” કંટાળી જતા મિહિરે કહ્યું.

“હું તો આ ટપાલ આપવા આવ્યો છું દીકરા…” કહી પ્રભાત ભાઈએ ટપાલ આગળ કરી.

ફોડેલું પરબીડિયું જોતા મિહિર ઓર ભડક્યો, “કાકા, ટપાલ સિલ કેમ કરવામાં આવે છે એ ખબર છે તમને? તમે કોઈની અંગત ટપાલ આમ વાંચી લો???”

“બેટા અંગત હોત તો હું ન વાંચત, હું કઈ મૂરખ નથી પણ મને થયું કોઈ જરૂરી ટપાલ હોય તો ઝડપી આપવી પડે નહિતર ઘરમાં ક્યાંક મુકું તો હું ભૂલી જાઉં પછી…” શાંત સ્વરે પ્રભાત ભાઈએ કહ્યું.

“તો શું થઈ જાય? કોઈ મરી તો નથી જવાનું આ ટપાલ મને ન મળે તો…?”

“ટપાલ ન મળે તો મરી તો ન જવાય પણ આ ટપાલ મેં વાંચી ન હોત તો તને અફસોસ જરૂર થાત..”

મિહિર કઈ બોલ્યો નહીં અને ટપાલ જોવા લાગ્યો….

“મિહિર,

“મારુ મોઢું જોવું તને ગમશે નહિ એ મને ખબર હતી એટલે મેં તને મળવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી પણ હવે મરતી વેળાએ મારી ઈચ્છા છે કે તું મને અગ્નિદાગ આપે.”

આ તારા બાપુજીના છેલ્લા શબ્દો હતા મિહિર. મરતી વેળાએ તારા બાપુજીને ખૂબ અફસોસ થયો હતો. સાવકી મા એ તારા ઉપર કરેલા અત્યાચાર એમને છેલ્લે સમજાયા હતા અને મારી પાસે ખૂબ રડ્યા હતા. મને કહેતા હતા કે હું એકાએક મરી જાઉં તો ભલે અગ્નિસંસ્કાર વેળાએ મિહિર ન આવી શકે તો કમસેકમ મારા આ પાપી હાડકા મિહિર એના હાથે તેરવે એવી મારી આખરી ઇચ્છા છે જેથી મારા પાપ ધોવાઈ જાય.

હું એટલા દિવસ તું ક્યાં છે એ કોઈને કહેતો નહોતો પણ તારા બાપુજીના આ શબ્દો સાંભળી મારાથી આ ટપાલ લખ્યા વિના રહેવાય એમ નથી.

તારા બાપુજી ખૂબ અફસોસ કરતા હતા એ વાત તને કહેવાનો જ હતો પણ એ પહેલાં એ ગુજરી ગયા. તારી પાસે માફી માંગવા જેટલો સમય એમને ન મળ્યો.

મિહિર જે થવાનું હતું એ થઈ ગયું છે હવે તારા બાપુજી રહ્યા નથી નફરત ભૂલીને આવી જા, આજે અગ્નિસંસ્કાર તો થઈ ગયા છે પણ ત્રણ દિવસ સુધી એમના ફૂલ તારા હાથે લાવીને તું તેરવી આવ તો એમની આત્માને શાંતિ મળશે…

તું મને જાણે છે મિહિર, છેક નાના હતા ત્યારથી હું તને તારી સાવકી મા ના વિરોધમાં સાથ આપતો હતો અને એના લીધે જ મારા બાપુજી અને તારા બાપુજી વચ્ચે ઝઘડો થયો હતો પણ દોસ્ત હવે એ માણસ જ નથી ત્યારે એ નફરત નો શો અર્થ ?

આશા રાખું છું કે તું મારી વાત માનીશ અને ત્રણ દિવસ પહેલા જ આવી પહોંચીસ…

લી. તારો નાનપણનો ભાઈ બંધ, રણજીત….”

ટપાલ વાંચી ત્યાં મિહિરની આંખ ભીની થઇ ગઇ.

“બેટા, ટપાલ ખોલી અને તારા અંગત જીવન વિશે વાંચ્યું એ બદલ માફ કરજે પણ મને તો જરૂરી લાગ્યું એટલે મેં એ કર્યું..” પ્રભાત ભાઈએ ઠંડા અવાજે કહ્યું.

“કાકા એક મિનિટ…” ગળગળો થયેલો મિહિર માંડ બોલી શક્યો.

“મેં તમને સવારે એટલા હડધૂત કર્યા તોય તમે આ રીતે વર્તન કરો છો?”

“મને પહેલા તો ગુસ્સો આવ્યો હતો પણ મારો દીકરો સુધીર બે દિવસ બહાર રહ્યો એકલો, એમાં એ આટલો કંટાળી ગયો, જે મા ના હાથે ખાવા એ કરગરી લેતો એ મા ને જમવાની ના પાડી ને સુઈ ગયો તો તું તો ત્રણ વર્ષથી અહીં છે તારા ઉપર શુ વિતતિ હશે એ મને સમજાયું.”

મિહિર હવે શાંતિથી પ્રભાત ભાઈને સાંભળી રહ્યો,

“અને આ ટપાલ વાંચ્યા પછી તો મને સમજાઈ ગયું કે આજે મારા સુધીરની જે હાલત થઈ એ તારી તો કેટલાય વર્ષોથી છે!! તો તું જરાક ચિડાઈ જાય એમાં નવાઈ નથી.” હસીને પ્રભાત ભાઈએ કહ્યું.

મિહિર કઈ બોલી ન શક્યો માન્ડ એટલા શબ્દો નીકળ્યા, “કાકા મને માફ કરજો….” અને એના હાથ જોડાઈ ગયા.

તરત એના જોડેલા હાથ ઉપર હાથ મૂકી પ્રભાત ભાઈએ કહ્યું, “માફ કર્યો જા પણ એક શરત છે…”

“શુ?”

“તારા પિતાજીને તુંય માફ કરી દે, અને જા ગામડે એમના ફૂલ લઈ અને તેરવી આવ એમની આત્માને શાંતિ મળશે.”

“હમણાં જ જાઉં છું કાકા…” આંખો લૂછી મિહિર અંદર ગયો, થોડો જરૂરી સામાન અને પૈસા લઈ દરવાજો બંધ કરીને ચાવી પ્રભાત ભાઈને આપી.

“કાકા…..”

“આપણી વાત પછી બેટા, અત્યારે તો તું જા અને તારો ધર્મ નિભાવ…”

મિહિરે પ્રભાત ભાઈના પગે લાગી અને આશીર્વાદ લીધા… અને ગામડે જવા નીકળી પડ્યો….

વિકી ત્રિવેદી “ઉપેક્ષિત”

2 Replies to “ખોલેલું પરબીડિયું !!!        ”

Comment here