gujarati-varta-dushari-maa

“દુસરી મા….”

મારી ખુશી મારા હ્રદયમાં સમાતી ન હતી. મને જેકપોટ મળ્યો હતો. મારી ખુશીને હું બચપણથી જ એક્ટ્રેસ બનાવવા માંગતી હતી. પ્રાયમરીથી જ હું સ્કુલમાં નાટકોમાં ભાગ લેવા માંડી હતી. હાઈસ્કુલમાં પણ હું નાટકોમાં ભાગ લેતી. શિક્ષકો અને સહાધ્યાયીઓ મારી સાથે શરત મારવા તૈયાર હતા કે એક દિવસ હું એક્ટ્રેસ બનીશ.

પ્રીન્સીપાલ સાહેબ તો ઘણીવાર કહેતા, “આરતી, તું એકટ્રેસ બનીશ એમાં કોઈ બેમત નથી. પણ મોટી હીરોઈન બન્યા પછી અમને અને આ શાળાને ભૂલી ન જતી.”

“સર, જો હું હીરોઈન બનીશ તો દર વર્ષે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે આપણી શાળામાં આવીશ અને શાળાના ભૂલકાઓ સાથે નાટકમાં અભિનય કરીશ.”

મારી મમ્મી પણ મારી જેમ જ હું હિરોઈન બનીશ એવું સપનું જોવા લાગી હતી. પિતાજી પણ મને પૂરો સાથ આપતા હતા. હું આંતર-શાળા નાટક સ્પર્ધાઓમાં ભાગ લેવા શહેરની બહાર પણ જવા લાગી હતી. પિતાજીએ મને ક્યારેય હું એક છોકરી છું એવો અહેસાસ થવા દીધો ન હતો. પણ મારું સપનું હાઈસ્કુલ છોડ્યા પછી હાઈસ્કુલમાં જ રહી ગયું.

અમારા શહેરમાં કોલેજ હતી જ નહિ. નજીકમાં પચાસેક કિમી સુધી કોઈ કોલેજ નહિ. કોલેજ હતી એ શહેરમાં સરકારી હોસ્ટેલ હતી છોકરીઓ માટે પણ મારા માટે એ હોસ્ટેલ કઈ કામની હતી નહિ. એ હોસ્ટેલમાં એસ.સી. , એસ.ટી. વર્ગની બાળાઓને મફત રહેવા-જમવાની સુવિધા મળતી. ઓબીસી વર્ગની બાળાઓને મહીને 500 રૂપિયા ફીસ હતી. અને બિન અનામત વર્ગની બાળાઓને મહીને 900 રૂપિયા ફીસ હતી. જે બુદ્ધીજીવીઓ કહે છે કે કોઈ ચોક્કસ જ્ઞાતિમાં જન્મવાથી જ વ્યક્તિ ઉચ્ચ કઈ રીતે ગણાય? એ જ બુધીજીવીઓ કોઈ ચોક્કસ જ્ઞાતિમાં જન્મેલ વ્યક્તિ ગરીબ ન જ હોય કે વંચિત ન જ હોય એ પ્રશ્ન પર પૂર્ણવિરામ મુકવામાં બિલકુલ શરમ અનુભવતા નથી.

પિતાજી એક કાપડના વેપારીને ત્યાં નોકરી કરતા હતા. મેં બારમું પાસ કર્યું ત્યારે મારાથી નાના બે ભાઈઓએ અનુક્રમે 10મુ અને 8મુ પાસ કર્યું. પિતાજીનો પગાર ૩૫00 રૂપિયા હતો. બાપ-દાદાનું ઘર હતું એટલે ભાડું ભરવાનું હતું નહિ અને મમ્મી કરકસરવાળી હતી એટલે ઘરનું ગુજરાન ચાલ્યે જતું. બે નાના ભાઈઓનો ભણવાનો ખર્ચો, ટ્યુશનનો ખર્ચો વગેરે આવતો હતો. પિતાજી મારી હોસ્ટેલની ફીસ ભરી શકવાની સ્થિતિમાં હતા નહિ. મારાથી નાના અલ્પેશને પિતાજી કોમર્સ કરાવવા માંગતા હતા. 11-12 કોમર્સ કરવા માટે પણ બાજુના શહેરમાં પંદરેક કિમી દુર જવું પડતું.

અમારુ શહેર એકદમ નાનું એટલે અગિયારમું બારમું આર્ટસ હતું અને સંખ્યા પણ માપની જ. અર્પિત નવમામાં આવ્યો અને અલ્પેશને કોમર્સ માટે બાજુના શહેરમાં અપ ડાઉન કરવાનું હતું. પિતાજી બે ભાઈઓનો ખર્ચો માંડ કરી શકે તેમ હતા.

મારા માટે કોલેજ સપનું જ રહી ગઈ. ભણતરની સાથે મારો અભિનય પણ છૂટી ગયો. નાતના છોકરા સાથે મારા લગ્ન લેવાઈ ગયા. સુધીર મારાથી આઠેક વર્ષ મોટો હતો પણ એ ગ્રેજયુટ હતો અને પ્રાયવેટ કંપનીમાં કામ કરતો. એનો પગાર મહીને 8000 હતો અમારા લગ્ન વખતે. પણ 3500 કમાતા મારા પિતાજી ને 8000 કમાતો જમાઈ મળ્યો અને ગ્રેજ્યુએટ એટલે એમણે ઉમરનો ફરક ધ્યાનમાં લીધો નહિ. સુધીર એ વખતે દેખાવડો હતો એટલે મેં પણ હા પાડી દીધેલી.

મોટા શહેરમાં 8000 પગાર અને અમારા શહેરમાં 3500 પગાર સરખી જ કિમતના હતા એ મને લગ્ન પછી સમજાયું. લગ્નના બીજા જ વર્ષે ખુશી જન્મી. ખુશીના જન્મ પછી ઘરનો ખર્ચ થોડો વધી ગયો. પ્રથમ સંતાન માટે મા-બાપ કેટલા સપના વિચારીને બેઠા હોય છે પણ અમુક સપના સપના જ રહી જાય છે. ખરેખર, કોઈ પણ વ્યક્તિના બધા સપના પુરા થઇ શકતા નથી. ખુશી એકદમ સુંદર અને નટખટ બાળકી હતી. કેજીમાં જાય એ પહેલા તો હસવું, રડવું, ગુસ્સો કરવો બધા હાવ-ભાવનો અભિનય કરતી. ત્રીજા ધોરણમાં ખુશી એક પાત્રીય અભિનયમાં પ્રથમ વિજેતા બની અને મારા અધૂર અને  વર્ષોથી દબાયેલ સપનાએ માથું ઉચક્યું.

હું તો એક્ટ્રેસ ન બની શકી પણ મારી દીકરીને એક્ટ્રેસ બનાવીશ. પ્રાયમરી પૂરું કર્યું ત્યાં સુધી તો શાળામાં ખુશી એક સારી બાળ-નાટ્યકલાકાર તરીકે ઉભરી આવી. હવે એ હાઈસ્કુલમાં જતી થઇ ગઈ હતી. સુધીરને મેં મારી ઈચ્છા બતાવેલી કે હું ખુશીને હિરોઈન બનવવા માંગું છું પણ એ મારી વાતને મજાકમાં લેતો. સુધીરનો પગાર દર વર્ષે વધ્યા કરતો એટલે ઘર ચલાવવામાં તકલીફ પડતી નહિ.

ખુશી પછી બે વર્ષે આરવ જન્મ્યો. આરવના જન્મ પછી મે કુટુંબ નિયોજન કરાવી લીધું. કારણકે હું બે બાળકોને સારી રીતે ઉછેરવા માંગતી હતી.

એ દિવસે સ્કુલથી ખુશી સાંજે આવી ત્યારે એની ખુશીનો પાર ન હતો. ખુશી 15મી ઓગસ્ટના રોજ ભજવેલ નાટકમાં બેસ્ટ લીડ ફીમેલ એક્ટ્રેસ તરીકે ઉભરી આવી હતી. પરદેશ મુવીની રીમેક જેવું નાટક હતું પણ ખુશીનું પ્રફોર્મેન્સ એટલું સારું હતું કે દર્શકો રડી પડ્યા હતા, મુખ્ય મહેમાન તરીકે આવેલ નયનતારાજી એ ખુશીને 2500 રૂપિયા ઇનામ પણ આપ્યું હતું. નયનતારા નેવું દસકમાં ટીવીના પડદે બહુ ચમકેલી. હવે એ પોતે દિલ્હીમાં એક્ટિંગ ઇન્સ્ટીટ્યુટ ચલાવતા હતા. એ ડાયરેક્ટીંગ પણ કરતા. ખુશીને સ્ટેજ પર ઇનામ આપ્યા પછી નયનતારા સાથે મારી અને સુધીરની મુલાકાત થઇ હતી. નયનતારા આ શહેરની જ હતી અને ખુશીની સ્કુલમાં જ ભણેલી હતી એટલે આવી નાની સ્કુલમાં પણ મુખ્ય મહેમાન તરીકે આવી હતી.

એ વાતને થોડાક દિવસ થયા પછી એ દીવસે ખુશી ઘરે આવીને બોલી, “મમ્મા, નયનતારા તમને યાદ છે?”

“હા, બેટા. તને ઇનામ આપ્યું હતું એ  હિરોઈન. એને હું કદી નહિ ભૂલું…??” મેં કહ્યું.

“હવે તું ભૂલી પણ નહિ શકે મમ્મી. નયનતારાએ મને એમની ઇન્સ્ટીટ્યુટમાં પુરા 15 દિવસની ફ્રી વર્કશોપ ઓફર કરી છે. આજે જ પ્રીન્સીપાલ સાહેબે પ્રાથનાખંડમાં જાહેરાત કરી અને મને અભિનંદન આપ્યા. જવા આવવાનો અને રહેવાનો બધો ખર્ચો પણ એ જ ભોગવશે.” ખુશી બોલી અને મને પ્રિન્સિપલનો લેટર આપ્યો.

મેં સુધીરને પૂછ્યા વિના જ સંમતીપત્ર પર સહી કરી દીધીં. કારણકે મારું અધૂરું સપનું પૂરું થવા જઈ રહ્યું હતું.

“પપ્પા મને દિલ્હી સુધી જવા દેશે?” ખુશીએ પૂછ્યું.

“આવો સોનેરી મોકો બીજીવાર ન મળે બેટા. તારા પપ્પાને હું મનાવી લઈશ.”

મેં સુધીરને વાત કરી. સુધીર થોડી આનાકાની કરી પછી માની ગયો પણ એણે શરત રાખી કે એ ખુશીને લેવા અને મુકવા જશે. ખુશીને એટલે દુર પહેલીવાર મોકલવાની હતી એટલે સુધીરની ચિંતા પણ સ્વભાવિક હતી. એ પંદર દિવસની વર્કશોપ પછી ખુશીની અભિનય ક્ષમતા એકદમ વધી ગઈ. વર્કશોપ પૂરી કર્યાના બીજા જ અઠવાડિયે એ ડીસ્ટ્રીકટ લેવેલ ઇન્ટર સ્કુલ અભિનય પ્રતિયોગીતામાં પ્રથમ નંબરે આવી.

નયનતારાજીને ખુશી સાથે લાગણીનો સંબંધ થઇ ગયો હતો. એ ખુશીને વિકમાં એકવાર કોલ કરતા. હું પણ નયનતારા સાથે ઘણીવાર વાતો કરતી. સુધીર પણ ફોન પર હાય હેલ્લો જેટલી વાત કરતો.

નયનતારા એક શ્રીમંત મહિલા અને અમે એક નોકરિયાત નીચલા મધ્યમવર્ગનું કુટુંબ એટલે હું નયનતારાને ખુબ જ માન આપતી. સુધીર પણ એમની સાથે માન-પૂર્વક વાત કરતો. મારા માટે નયનતારા ખુશીને હિરોઈન બનાવવાની સીડી કે પહેલું પગથીયું જે કહો તે હતું.

નયનતારા ખુશીના ખુબ જ વખાણ કરતા. નયનતારા ફોનમાં મને કહેતી ખુશી એક દિવસ બોલીવુડમાં ધૂમ મચાવશે. બે ચાર મહિના આમ ફોન પર અમારા સંબંધો વિકસ્યા. કોઈ કામથી નયનતારા શહેરમાં આવ્યા હશે એટલે અમારા ઘરે ખાસ ખુશીને મળવા માટે આવ્યા. આટલા મોટા ગજાની વ્યક્તિ મારા ઘરે આવી એ વિચારથી જ હું ગાંડી થઇ ગઈ.

“આવો બેનજી…” મેં કહ્યું.

નયનતારાએ ખુશીને ફોન પર જણાવેલ કે એ એને મળવા ઘરે આવશે એટલે સુધીરે પણ નોકરીમાં રજા રાખી હતી. મેં હોટલમાંથી ખાવાનું મંગાવી લીધું હતું. હાઈ પ્રોફાઈલ લોકોનું જમણ બનાવતા મને આવડશે એટલો મને આત્મવિશ્વાસ ન હતો. મેં રસોડામાં રસોઈનું નાટક કરીને હોટલનું લાવેલું નયનતારાજીને પીરસ્યું.

“જમવાનું સારું બનાવો છો તમે. ફાઈવ સ્ટાર હોટલનો ટેસ્ટ આવે છે…”

“થેંક્યું…” હોટલનું છે તો હોટલનો જ ટેસ્ટ આવશે ને એમ મનમાં વિચારતા મેં કહ્યું.

જમ્યા પછી નયનતારા બોલ્યા, “ખુશી 15 દિવસ મારા જોડે વર્કશોપમાં રહી ત્યારે જ હું એની અન્દરની પ્રતિભા ઓળખી ગઈ હતી. એક દિવસ એ બોલીવુડની ટોપ હિરોઈન બનશે. પણ..”

“પણ શું…..?” મેં અધીરાઈથી પૂછ્યું.

“ખુશીમાં એક ટોપ એક્ટ્રેસ બનવાની પ્રતિભા છે પણ એ પ્રતિભાને સંપૂર્ણ બહાર લાવવા અને વિકસાવવા એને એક્ટિંગ અને મોડેલીંગના કોર્ષ કરવા પડે.”

“મને ખબર છે પણ અમેં એવી ઇન્સ્ટીટ્યુટમાં ખુશીને કોર્ષ કરાવી શકીએ એટલા આર્થિક રીતે સક્ષમ નથી.” મેં નિસાસો નાખતા કહ્યું.

“હું મારી ઇન્સ્ટીટ્યુટમાં ખુશીને મફત પ્રવેશ આપવા માંગું છું. દિલ્હીમાં એ એનું ભણવાનું પણ પૂરું કરશે સાથે સાથે એક્ટિંગ અને મોડેલીંગના કોર્સ પણ સ્ટેપ બાય સ્ટેપ શીખ્યા કરશે. ઇન્સ્ટીટ્યુટમાં એને એક્ટિંગનું દુનિયાનું વાતાવરણ પણ મળશે. એનો રહેવાનો, જમવાનો અને ભણવાનો બધો ખર્ચો હું ભોગવીશ. તમારે માત્ર એને દિલ્હી મોકલવાની છે.”

“અમે વિચારીશું…” હું હા કહેવા જતી હતી ત્યાજ સુધીર બોલ્યો એટલે હું ચુપ રહી.

“વિચારીને મને કહેજો. મારો આમાં કોઈ સ્વાર્થ નથી. ખુશીનું ભવિષ્ય બની જશે.” આટલું કહીને નયનતારાએ વિદાય લીધી.

એમના ગયા પછી મેં સુધીરને પૂછ્યું, “વિચારવાનું શું છે? હા જ કહેવાની હતી. આ દિવસની રાહ હું મારી ખુશી માટે વર્ષોથી જોઈ રહી છું અને તમે…”

“ખુશીને દિલ્હી સુધી મોકલવા હું માંગતો નથી. 15 દિવસની વર્કશોપ અલગ વાત હતી અને આ અલગ વાત છે…..” સુધીર બોલ્યો.

અમારી વચ્ચે ખુશીને દિલ્હી મોકલવા માટેની બાબતે મોટો જઘડો થયો. ખુશી જવા માંગતી હતી. હું મોકલવા માંગતી હતી પણ સુધીર ના કહી રહ્યો હતો. ત્રણ ચાર દિવસ તો હું અને ખુશી સુધીર સાથે અબોલા રહ્યા. આખરે સુધીર માન્યો.

ખુશી દિલ્હીમાં અભિનયની દુનિયામાં આગળ વધવા લાગી. એ એના અભિનયના વિડીઓ બનાવીને સીડીઓ સુધીર ખુશીને મળવા જતો ત્યારે મોકલાવતી. સુધીર એકાદ બે મહીને ખુશીને મળવા જતો. ખુશી પ્રથમ બે વર્ષ તો છ મહીને એકાદ વાર ઘરે આવતી પણ પછી એ વર્ષમાં એક જ વાર આવવા લાગી. અભિનયમાં સખ્ત મહેનતા અને સમય આપવાને કારણે ખુશી ચાલીસ ટકા સાથે બારમું પાસ કરી શકી.

દિલ્હીમાં ચાલીસ ટકા સાથે પાસ કરવું અને આપણા શહેરમાં સીતેર ટકા જેવું જ ગણાય. આપણી સ્કુલોમાં બોર્ડ એક્જામમાં દસ પંદર ગુણનું તો શિક્ષકો લખાવી દે જેથી શાળાનું રીઝલ્ટ ખરાબ ન આવે. દસ પંદરની વિધાર્થી નકલ મારી દે. બારમું પાસ કર્યા પછી વેકેશનમાં ખુશી ઘરે આવી શકી નહિ. એને કોઈ સીરીયલમાં નાનો રોલ મળ્યો હતો એટલે એની તૈયારીમાં લાગી હતી. સીરીયલનું નામ હતું, “દુસરી મા….”

ખરેખર નયનતારા પણ ખુશી માટે બીજી મા બની ને આવી હતી. ગોડ મધર જેવો શબ્દ પ્રચલિત છે નહિ એટલે મને નવી મા શબ્દ જ યોગ્ય લાગ્યો. ખુશીને સીરીયલ મળ્યા પછી તો સુધીર દર મહીને ખુશીને મળવા જવા લાગ્યો. એ ઓફીસમાંથી દર મહીને રજાઓ કઈ રીતે લઇ લેતો એ મને પણ નવાઈ થતી. મને પણ થતું કે સુધીર ખુશીને મળવા જાય એટલે ખુશીને સારું લાગે અને એને ઘરની કે મારી યાદ ન આવે. એ વધુ સારી રીતે અભિનયમાં ધ્યાન આપી શકે. જે એપિસોડમાં ખુશી આવવાની હતી એ એપીસોડ જોવા આખી ગળીની મહિલાઓને મેં મારા ઘરે આમંત્રી હતી.

ખુશીને ટીવી ઉપર જોઇને મને અપાર ખુશી થઇ. સોસાયટીની બધી મહિલાઓની હાજરીમાં હું ખુશીથી નાચી હતી અને ખુશીથી રડી પડી હતી. નયનતારાએ સુધીરને દિલ્હીમાં તેમને ત્યાં હિસાબો સાચવવાનું કામ આપવાની વાત કરી. હું અને સુધીર રાજી રાજી થઇ ગયા. અમે દિલ્હીમાં શિફ્ટ થઇ ગયા.

નયનતારા સુધીરને દિવસે કે રાત્રે ગમે ત્યારે કામ પર બોલાવે સુધીરને હું મોકલી દેતી. નયનતારા નારાજ થાય એવું હું ઇચ્છતી ન હતી. રવિવારે હું નયનતારાજીના સ્ટુડિયોમાં જતી. હવે અમારી વચ્ચે સંબંધો ગાઢ બની રહ્યા હતા. વાત વાતમાં મને જાણવા મળ્યું કે નયનતારાજી કોઈ સામાન્ય પરિવારના યુવકને પ્રેમ કરતા હતા પણ એમના ધનિક પિતાએ એ યુવક સાથે નયનતારના લગ્ન મંજુર હતા નહિ. પછી નયનતારા સીરીયલોમાં હિરોઈન બની ગઈ પણ લગ્ન કર્યા નહિ.

નયનતારાની ભલામણથી ખુશીને એક મોટા બજેટની સીરીયલમાં સાઈડ રોલ મળ્યો હતો.

નયનતારા મને કહેતા, “હવે થોડા સ્ટેપ બાકી છે. સીરીઅલમાં મેઈન રોલ અને પછી સીધી બોલીવુડની દુનિયામાં…..”

ધીમે ધીમે ખુશીનો અભિનયની દુનિયામાં ગ્રાફ ઉંચો ચડતો હતો. ખુશીના અભિનયની નોધ વર્તમાનપત્રોમાં પણ લેવાવા લાગી.

સાઈડ રોલ વાળી સીરીયલ ચાલુ જ હતીને ખુશીને બોલીવુડમાં ડેબ્યુ કરવાનો મોકો મળી ગયો. નયનતારાની ભલામણો અને સીરીયલમાં એના સારા પર્ફોમન્સના કારણે એને નાના બજેટની બોલીવુડ મુવીમાં લીડ રોલમાં પસંદ કરવામાં આવી હતી.

નયનતારાજી આ ખુશીમાં એમના ઘરે પાર્ટી રાખી હતી. અમે બધા પાર્ટીમાં મશગુલ હતા ત્યાજ મને વોમિટીંગ થવા લાગ્યું. નયનતારાજીની હોમ મેકરે મને દવા આપી અને નયનતારાજીના બેડરૂમમાં આરામ કરવા કહ્યું. નયનતારા બીજા મહેમાનો સાથે વાતો કરવામાં મશગુલ હતા.

નયનતારાના બેડરૂમમાં મેં અડધો કલાક આરામ કર્યો એટલે મને સારું ફિલ થયું. મેં હોમ મેકરને નયનતારા, સુધીર કે ખુશીને કઈ કહેવાની ના પડી હતી જેથી એમનો મૂડ ખરાબ ન થાય. હું બેડ પરથી ઉભી થઇ. ત્યાજ મને નયનતારા સાથે થયેલો સંવાદ યાદ આવ્યો.

“તમે હજુ પણ એ યુવકને ભૂલ્યા નથી?”

“ના, મેં એટલે બીજા લગ્ન પણ નથી કર્યા. આજે પણ મારા બેડશીટ નીચે એનો ફોટા હું રાખું છું. રાત્રે એના ફોટાને જોયા પછી જ મને ઊંઘ આવે છે.”

મને થયું લાવને જોઈ લઉં કે એ યુવક કેવો લાગતો હતો જેના માટે નયનતારા આખી જીન્દગી કુવારા રહ્યા. મેં બેડશીટ ઉંચી કરી તો નીચે ત્રણ ચાર ફોટા હતા. ફોટા જુના હતા પણ કલર ફોટા હતા. ફોટામાં જે યુંવક હતો એના ચહેરાને ઓળખતા મને વાર ન થઇ. એ સુધીર હતો. સુધીર સતર અઢાર વર્ષનો હશે ત્યારના એ ફોટા હતા. હવે મને સમજાઈ ગયું કે ખુશી પ્રત્યેનો નયનતારાનો પ્રેમ એ કોઈ પ્રેમ ન હતો પણ સુધીર સાથે મળવા અને રહેવા માટેનું એક બહાનું હતું.

સુધીર અને નયનતારાએ પ્લાનિંગ કરીને બધું કર્યું હતું. કેવું પ્લાનિંગ! એને જે કરવું હતું એ કરાવવા માટે હું એને ઝઘડો કરીને કરવતી હતી.

મારો ગુસ્સો ભડકી ઉઠ્યો. અત્યારે જ ફોટા લઈને બહાર જાઉં અને નયનતારા અને સુધીરનો ભાંડો ફોડી નાખું પણ ત્યાજ મને ખુશીનો ચહેરો દેખાયો. જો નયનતારા સાથે સંબંધ તૂટી જશે તો ખુશી હિરોઈન નહિ બની શકે.

નયનતારાને દુશ્મન બનાવીને હું ખુશીને હિરોઈન ક્યારેય બનાવી શકું તેમ હતી નહિ. ખુશીની આંખોમાં હું માત્ર ખુશીના આંસુ જ જોવા માંગતી હતી. જો નયનતારા ગુસ્સે થાય તો મળેલી ફિલ્મમાંથી પણ ખુશીને કઢાવી મુકે. ખુશીનું સપનું પૂરું થાય એ પહેલા જ તૂટી જાય. મેં બેડશીટ નીચે ફોટા પાછા મુક્યા. આંસુ લુછી હું મહેમાનો હતા ત્યાં પાર્ટીમાં આવી.

નયનતારા અને ખુશી કોઈ મહેમાન સાથે વાતો કરી રહ્યા હતા. મારી સામે જોઇને નયનતારા હસી. હું પણ હસી. મારે ખુશીને હિરોઈન બનતી જોવી હતી. ખુશીના સપના પુરા થતા હોય તો મને મારા સંસારની કોઈ ફિકર ન હતી. હું ખુશીની ખુશી માટે ગમે તે કરવા તૈયાર હતી.

હું પાર્ટી છોડીને ઘરે ગઈ. કેવી ગજબની દુનિયા છે? કદાચ હું પહેલી એવી પત્ની હોઈશ જે પોતાના પતિ વિશે બધું જાણીને પણ ખુશીની ખુશી માટે આંખ આડા કાન કરી દીધા….

લેખક : નારાયણ ત્રિવેદી ‘શ્યામ’

Comment here