એ દિવસો દરમિયાન હું માડકા હાઈસ્કુલમાં ભણતો હતો. હું બારમાં ધોરણમાં હતો. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. પણ મારી ઉમર ઓછી હતી કે અનુભવ ઓછો હતો રામ જાણે પણ હું એ વાતને ત્યારે સમજી શકતો ન હતો. બસ મેં એકજ ગાંઠ વાળી લીધી હતી કે દસમાં ધોરણમાં મારું નીચું પરિણામ આવ્યું તેની પાછળનું કારણ એ હતું કે મમ્મી પપ્પા એ મારા શિક્ષણ પાછળ પુરતો ખર્ચ કર્યો ન હતો મને ભણાવવા માટે જે કાળજી એમણે લેવી જોઈએ એ ન હતી લીધી.
દેશની શિક્ષણ વ્યવસ્થાના એક ભાગ બની ચૂકેલ ટયુશનની મને હમેશા જરૂરત સાલતી. મને હમેશા થયા કરતુ કે કદાચ મને દસમાં ધોરણમાં સારા ટ્યુશન અને રેફરન્સ બૂક ની સગવડ મળી હોત તો મારું પરિણામ સાઈઠ ટકા જેટલું નીચું આવવાવાને બદલે એશી ટકા જેટલું આવત અને હું મારું સાયન્સ સ્ટ્રીમ માં જવાનું સપનું પુરુ કરી શક્યો હોત. જોકે સાઈઠ ટકામાં પણ સાયન્સ સ્ટ્રીમ માં એડમીશન મળી જાય તેમ હતું પણ એમાય એજ ફાઇયનન્સિઅલ સમસ્યા નડી.. ખાનગી શાળાઓમાં શાળાની ફી બે વરસના પચાસેક હજાર હતી. હવે જ્યાં દસમાં ધોરણમાં ટયુશનના દસ હજાર ભરવા મોટી વાત હતી ત્યાં સાયન્સની શાળાની પચાસ હજારની તો વાતજ ક્યાંથી કરવી?
આ વિચારોને લીધે હું મોટા ભાગે ઉદાસ રહેતો હું એ માટે મમ્મી પપ્પાને ક્યારેય કોસતો નહી કેમકે હું જાણતો હતો કે પિતાજી ભણેલા ન હતા અને ત્રણ વીઘાની ખેતીમાં પેટ ભરવુયે મુશ્કેલ હતું. પણ બસ એ વિચારો મારાથી દુર કરી સકવા પણ શક્ય ન હતા. હું નીસહાય હતો.. ધીમે ધીમે એ વિચારોએ મારી માનસિકતા બદલી નાખી…મારું ધ્યાન ભણવા તરફથી ઓછું થઈ ગયું.
મને એવું ઘણું જાણવા મળ્યું હતું કે જેથી મને ભણવા અને શાળા તરફથી લગાવ ઘટવા લાગ્યો હતો.. મેં જાણ્યું કે બોર્ડના પરિણામોમાં પણ ગોટાળા થતા હોય છે.. રીચેકીન્ગમાં પણ માત્ર અને માત્ર ઉપરના ટોટલને ફરી ચેક કરવામાં આવે છે.. કોઈજ પ્રશ્નનું ફરી રેવેલ્યુઅશન થાતુ જ નથી.. એટલે જો કોઈ શિક્ષક ની ભૂલ કે તેની ઉતાવળને લીધે તમારા કોઈ વિષયના માર્ક્સ ઓછા આવ્યાં હોય તો એમાં સુધારો કરવો અશક્ય હતો..મને એ જાણીને ખુબ નવાઈ લાગી હતી કે બોર્ડનું કોઇપણ પેપેર ફરી ચેક કરાવવા માટે સાડા ત્રણસો રૂપિયા ભરાવ પડે છે. કદાચ એ રકમ બહુ મોટી ન કહેવાય કેમકે એ માટે એમને ફરી મહેનત કરવી પડે છે પણ જ્યારે મને ખબર થઈ કે એ રકમ માત્ર ઉપરના સરવાળાને ફરી ચેક કરવ માટે લેવાય છે ત્યારે મને બહુ નવાઈ લાગી કેમકે ઉપરનો સરવાળો ચેક કરવો એ માત્ર એકાદ મિનીટ નું કામ છે અને એ કામના જો સરકાર કોઈ વિધાર્થી પાસેથી સાડા ત્રણસો લેતી હોય તો એમને કરોડો અને લાખોના સરવાળા ચેક કરનાર ક્લાર્ક અને અન્ય કર્મચારીઓને કેટલો પગાર આપવો જોઈએ?
પણ ત્યાં સર્ચ કરીતો ખબર પડી કે નોકરીમાં તો સરકાર ફિક્સ પગાર આપે છે. શાળામાં ગણિતના તાસમાં એવા હજારો સરવાળા કરનાર શિક્ષક્ને તો માત્ર સાતેક હજાર જેટલું મહેનતાણું જ આપવામાં આવે છે. ત્યારે મને થયું કે આ બાકીની રકમ કયા જતી હશે? ત્યારે તો મને સવાલનો જવાબ ન મળેલ પણ વરસો બાદ હવે સમજાય છે કે માત્ર એજ નહી શિક્ષણના નામે હાઉચ કરી જવાતા મોટાભાગના નાણા શિક્ષણ મંત્રીઓના ઘર સીધી પહોચી જતા હોય છે.
કદાચ હું રાજનીતિના પાટે ચડી ગયો છું અને આપને અહીથીજ પાછાં વળી જવું જોઈએ કેમકે રાજનીતિથી કોઈ સામાન્ય માણસને ફાયદો નથી થતો માત્ર અને માત્ર મોટા નેતાઓને જ ફાયદો થાય છે અને હું કે તમે એકેય કોઈ રાજનેતા નથી.
તો આપણે હતા મારું ધ્યાન ભણવા તરફ ખાસ ન હતું રહ્યું.. હું એક વિચારશીલ યુવાન તરીકે હું ઘણા વિચારો કરવા લાગ્યો હતો.
એ બધું કોઈના ધ્યાનમાં આવે કે ન આવે એનાથી કોઈને કાઈ ફર્ક પડે કે ન પડે પણ કહે છે ને કે મા પોતાના બાળકનું દરેક દુખ દરેક ચિંતા સમજી જતી હોય છે. માં પોતાના બાળકનું મન વાંચી લેતી હોય છે કદાચ મારી મમ્મી પણ મારું મન વાંચી ચુકી હતી.
જ્યારે દિવાળી પરની પહેલી પરિક્ષામાં મારું પરિણામ ખરાબ આવ્યું, હું સ્ટેટ અને એકાઉન્ટના વિષયોમાં પાસ થવામાં નિષ્ફળ રહ્યો ત્યારે મમ્મીએ મને કાંઈજ ન કહ્યું. બસ મમ્મીએ એના કાનમાં રહેલ બુટીયા ઉતારીને મારા હાથમાં આપ્યા. લોકો એને ઈયરરીંગ કહે છે ને અન્ય સ્થળે એના માટે કેટલાય શબ્દો વપરાય છે પણ હું એને બુટીયાજ કહીશ કેમકે મમ્મી એને બુટીયા કહેતી, મમ્મી માટે એ બુટીયા હતા.. કદાચ ગરીબ ઘરમાં મમ્મી પાસે કોઈજ સોનાનું દાગીનું હોય તો એ મમ્મી પપ્પાના લગન વખતે મોઘવારી ન હતી ત્યારે સોનામાંથી બનાવેલ બુટીયા હતા.
“આ બુટીયા રમેશ સોની ત્યાં આપી આવ અને ફી ભરી ટ્યુશન બંધાવી દે.”
મા ના આ શબ્દોથી હું કાફી દુખી થઈ ગયો. શું મારા ભણવા માટે મા નું એકમાત્ર ઘરેણું વેચવું જોઈએ?
ના, હું એમ ન કરી શકું મારા મનમાં થયું.
હું જાતે મહેનત કરીને આવતી પરિક્ષામા પાસ થઈશ. મેં વિચાર્યું પણ હું જાણતો હતો કે વાંચવાના વિષયમાં તો હું પાસ હતો અને આ ગણતરી કરવાના વિષયમાં ભણ્યા સિવાય કાઈ આવડવું શક્ય ન હતું. કદાચ શાળામાં કાંઈજ ભણાવતા હોત તોયે વાત અલગ હતી? પણ શાળામાં તો કોઈ ભણાવતા નથી, શાળામાં ભણાવે તો કોઈ ટ્યુશન કેમ જાય? એમાં શિક્ષકોને શું ફાયદો થાય, અને ફિક્સ પગારના એ શિક્ષકો ટયુશનની આવક પર આધાર ન રાખે તો બીજું કરી પણ શું શકે?
એક વિચારશીલ યુવક તરીકે મેં બહુ વિચાર્યું પણ હું એ માટે કોઈને દોશ ન આપી શક્યો.. ન શિક્ષક ની ભૂલ હતી…ન મારી ભૂલ હતી…તો પછી કેમ મમ્મીના ઘરેણા વેચવા પડે તેમ હતા?
મને કોઈજ જવાબ ન મળ્યો.. કદાચ એ માટે આ દેશની વ્યવસ્થા જવાબદાર હતી એમ કહું તો લોકો મને મુર્ખ સમજે.
શું કરવું શું ન કરવું? હું ધર્મ સંકટમાં હતો.
“વિચારે છે શું? બુટીયા જ જાય છે ને, તું ભણીને કોઈ નોકરી લઈલે એટલે ફરી બનાવડાવી દઈશું. વધારે વિચાર નહી આવતી કાલથી ટ્યુશન જવા માંડજે. માર્ચ મહિનો હવે કાઈ દુર નથી..પરિક્ષા આવતા વાર નહિ લાગે.” કહી મમ્મીએ મને ધર્મ સંકટ માંથી ઉગારી લીધો.
મમ્મીએ એટલા પ્રેમ અને દુલારથી મને એ વાત સમજાવી કે હું માને ના ન કહી શક્યો.
બુટીયા વિચે દેતી વખતે મારી આંખોમાં આંસુ આવી ગયા..મને ખુબ દુખ થયું પણ હું આંસુ પી ગયો.. મેં આંસુઓને બહાર ન આવવા દીધા.
સારી રીતે ટ્યુશન લાઈ મેં બોર્ડમાં બ્યાસી ટકા મેળવ્યા, મેં મમીના ઘરેણાના બલિદાનને એળે ન જવા દીધું.
આજે મેં બીકોમ પૂરું કરી નાખ્યું છે… ઘણી બધી સરકરી ભરતીના ફોર્મ ભરું છું…કોઈમાં મેરીટમાં નામ નથી આવતું તો કોઈમાં ઈન્ટરવ્યું પાસ નથી થતો…કોઈ વાર પરિક્ષા પાસ થઇ જાય અને કોલ લેટરની રાહ જોતો હોવ છું ને બીજા દિવસે છાપામાં આવે છે તલાટીની પરિક્ષ માં ફલાણે ઠેકાણે ગોટાળો થયો હતો એટલે પરિક્ષા રદ કરવામાં આવી છે.. પરિક્ષા ફરીથી લેવાશે…
મને થાય છે એક વ્યક્તિ પાસેથી ફોર્મ ભરવાના બસો થી ત્રણસો અને અમુક પોસ્ટ અને ડેપોની પરિક્ષામા તો ફોર્મ ભરવાની ફી પાંચસો રૂપિયા હોય છે.. હવે દરેક પરિક્ષામા લગભગ બે ત્રણ લાખ ફોર્મ ભરાય છે પછી ભલે નોકરીમાં જગ્યા માત્ર બસો જણની હોય!! દરેક વ્યક્તિ બિચારો નોકરી મળવાની આશાથી એ ફોર્મ ભરતો હોય છે..
ફરી મારું મન ગણતરી કરવા બેસી જાય છે બે લાખ ફોર્મની આવક સરકારને ચારસો લાખ જેટલી થાય છે અને એટલા બધા રૂપિયા લીધ પછી પણ એ લોકો નફ્ફ્ટની જેમ એમ કહે કે એક સ્થળે ગોટાળો થયો એટલે પરિક્ષા રદ!! તો ચારસો લાખ રૂપિયા લીધા પછી શું સરકારની જવાબદારી નથી થતી કે એ પરિક્ષા માં ક્યાય ગોટાળા ન થવા દે?
ફરી એજ પરિક્ષા માટે ફોર્મ ભરાય છે અને ફરી ચારસો લાખની કમાણી સરકારને થઈ જાય છે.. એમને શું ફેર પડે?
જે હોય તે હું આજે ફરી પાંચસો રૂપિયા એક મિત્ર પાસેથી ઉછીના લઈ ફોર્મ ભરવાનો છું કેમકે મારે નોકરી લઈ મમ્મી માટે ફરી એ ઘરેણા બનાવડાવવા છે… તમે ઠીક સાંભળ્યું છે હું મિત્ર પાસેથી રૂપિયા ઉછીના લઈને ફોર્મ ભરું છું કેમકે મારામાં હવે મમ્મી પાસે રોજ ફોર્મ ભરવાના પૈસા માંગવાની હિમ્મત નથી..અને મમ્મી પાસે હવે વેચવા માટે પણ કશુજ નથી.!!
હું એક વાત ભૂલી જ ગયો..મેં તમને હું કોણ છું એ ન કહ્યું… હું આજનો યુવાન છું… ધર્મસંકટમાં ફસાયેલો આજનો યુવાન… કોને આ બધા માટે દોષ આપું એજ નથી સમજાતું???
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’
Tamari har ek store jane mari potani hoi evu lage .. jayre pan vachu 6u tyre e sotry ma khovai jav ..😊