gujarati-varta-client-no-101

ક્લાયન્ટ નં. 101

હું ઓફીસમાં એક મહેસુલી ફાઈલની સ્ટડી કરી રહ્યો હતો. મારી ઓફીસ મારા માટે મારા ઘર સમાન હતી. મને ક્યારેય એમ ન લાગતું કે હું ઓફિસમાં છું. ઓફીસ મને ઘર જેવું વાતાવરણ પૂરું પાડતી જગ્યા હતી. હું એ મહેસુલી ફાઈલમાં વ્યસ્ત હતો ત્યાજ ઋત્વિકનો ફોન આવ્યો.

ઋત્વિક પણજીમાં હોટેલ મેનેજર હતો. એ જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે મને મળવા ચોક્કસ આવતો. અમારા વચ્ચે ખાસ ભાઈબંધી. જયારે આવતો ત્યારે હું એને ઓફીસમાં જ મળવા બોલાવતો. અમે ક્લાસમેટ હતા ત્યારથી જ હું એને ઓળખતો એટલે હું એને કયારેય મારા ઘરે લઇ જતો નહી અને એ પણ એ વાત બદલ ક્યારેય ખરાબ ન લગાડતો. એ ખુદ પણ પોતાના કેરેક્ટર પર ગર્વ લેતા કહેતો ઘરમાં બહેન કે પત્ની કે મોટી દીકરી હોય એવો વ્યક્તિ મને ફાઈવ સ્ટાર હોટલનો રૂમ બુક કરાવી આપે પણ મને કદી ઘરે મહેમાન ન બનાવે. ઋત્વિક એક નંબરનો હરામી કિશમનો માણસ હતો પણ ખબર નહિ કેમ હું એને મારો દોસ્ત સમજતો? કદાચ બાળપણ ભેગું પસાર કર્યું હતું એટલે.

“બોલ ઋત્વિક, ઘણા દિવસે ફોન કર્યો?” મેં ફોન ઉપાડતા કહ્યું.

“અમદાવાદ આવ્યો હતો એટલે તને મળી લેવાનું નક્કી કર્યું.” ઋત્વિકે કહ્યું.

“ઓફીસ આવીજાને યાર. બેસીસું અને ગપ્પા મારીશું.” મેં કહ્યું.

“યાર, આજે તો મારો બર્થડે છે. એક જરૂરી કામ હતું એટલે અમદાવાદ આવવું જ પડ્યું. તું હોટલમાં આવીજાને. થોડો એન્જોય કરીશું બેય ભાઈ અને પછી તું ઘરે ચાલ્યો જજે.” ઋત્વિકનો જન્મદિવસ હતો એ બાબત તો હું એકદમ ભૂલી જ ગયો હતો.

“ઓકે. હું ૫.૩૦ વાગ્યે આવી જઈશ. તું કઈ હોટલમાં રોકાયો છે?” મેં પૂછપરછ કરી.

“કોલેજ ટાઈમમાં જ્યાં જતા એ હોટલમાં આવીજા…” એ બોલ્યો.

“ઓકે…” મેં કહ્યું. મને યાદ હતું અમે કઈ હોટલમાં ફ્રેન્ડસનો બર્થડે મનાવવા જતા.

કોલેજ સમયથી જ ઋત્વિક અવળા રસ્તે ચડી ગયેલ હતો. હું પણ કઈ શરીફ તો ન જ હતો. પણ હું કોલેજ કાળથી જ રૂપિયા પાછળ દોડવા લાગ્યો હતો અને એ રૂપ પાછળ. હું એની સાથે હોટેલમાં જતો. અમે જે બ્રાંડ મળે એ બ્રાંડનો વાઈન પીતા. ગુજરાતમાં દારૂ-બંધી છે પણ મને કે ઋત્વિકને દારૂ-બંધી ક્યારેય નડી નથી. અમે બંને બાપના પૈસે લહેર કરવાવાળા હતા. જોકે બીલ મોટે ભાગે ઋત્વિક જ ચૂકવતો. ઋત્વિકે કોલેજ પૂરી કરીને પણજી કોઈ હોટેલમાં મેનેજર તરીકે પોતાની કેરિયર શરુ કરી હતી. મેં સરકારી નોકરી મેળવવા અભ્યાસમાં મહેનત કરી એના કરતા વધુ મહેનત મારા પિતાજીએ લાગવગ કરવામાં કરી અને હું મહેસુલી વિભાગમાં ક્લાસવન અધિકારી બની ગયો. નોકરી મળી ગઈ એટલે છોકરી પણ મળી ગઈ. લગ્ન થઇ ગયા પછી મેં માત્ર નોટો છાપવા પર ધ્યાન આપ્યું. મહેસુલી વિભાગમાં ઉચ્ચ હોદા પર હોવાને કારણે મને નોટો છાપવામાં કઈ તકલીફ ન પડી. હું એને ખોટું પણ માનતો ન હતો. લાંચ-રુશ્વત કે ભ્રષ્ટાચારમાં મને ક્યારેય કઈ પાપ કે અનૈતિકતા જેવું ન લાગ્યું. મારે બે સંતાનો છે. નેન્સી અને મન. નેન્સી કે.જી. કરે છે અને મન હવે ચાલતાં શીખ્યો છે. જયારે પણ ઋત્વિક અમદાવાદ આવે ત્યારે હું એને મારી ઓફીસમાં જ મળવા બોલવું. લગ્ન પછી મારા ઘરમાં ઋત્વિકને મેં ક્યારેય લાવ્યો નથી. ઋત્વિકે લગ્ન નહોતા કર્યા પણ એણે મારા કરતા નોટો વધુ છાપી હતી. એ હવે પણજીથી અમદાવાદ સુધી પોતાની ફોર્ચુનર કારમાં આવતો. એની કારમાં વિદેશી મોંઘી બ્રાંડની શરાબની બોટલ અચૂક જોવા મળતી. એના શુઝ, રિસ્ટ-વોચ, ગળામાંની સોનાની જાડી ચેઈન, એપ્પલનો મોંઘો ફોન વગેરેના કારણે હું એક સરકારી કર્મચારી અને એ કોઈ ઉદ્યોગપતિ હોય એટલો ફર્ક અમારા બંને વચ્ચે આવી ગયો હતો.

અમદાવાદમાં એ આવે ત્યારે એને ઓફિસે બોલાવીને ઓફીસથી રજા લઈ અમે એની કારમાં નીકળી પડતા. કારમાં જ વાઈન પાર્ટી કરીને અમે આખું અમદાવાદ ફરી વળતા. અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલમાં કોઈ નવું વિદેશી પક્ષી આવ્યું હોય તો ગમે તેટલા રૂપિયા ખર્ચીને પણ એ રાત માટે પક્ષીને ખરીદી લેતો. મને ઈર્ષ્યા થતી. હું એને ઘણીવાર પૂછતો કે એક હોટલ મેનેજર તરીકે તું આ બધું કઈ રીતે એફોર્ડ કરી શકે?

એ મને કહેતો સમય આવશે ત્યારે તને જણાવીશ.  હું ગમે તેમ કરીને એનો બીઝનેસ શું છે અને એ કઈ રીતે આટલા જલસા કરી શકે એટલા નાણા કઈ રીતે કમાય છે? એ જાણવા માંગતો હતો પણ એ મને દર વખતે ઉડાઉ જવાબ આપીને વાત ટાળી દેતો.

હું હોટલ પહોચ્યો. એ એક સામાન્ય હોટલ હતી. અહી આવવાનું અમે કોલેજ પછી બંધ કરી નાખ્યું હતું. પણ આજે ઋત્વિકનો જન્મદિવસ હતો એટલે કદાચ એને જુના મિત્રો માટે જુનું સ્થળ પણ પસંદ કર્યું હશે. એમ મને થયું.

હોટલના કાઉન્ટર પર જ ઋત્વિક મને મળી ગયો.

“હાય! હાઉ ઇઝ એવરીથિંગ રનીંગ?” મેં કહ્યું.

“બ્લેસ ઓફ યુ…” એ હસતા હસતા બોલ્યો.

એ મને હોલ તરફ ખેચી ગયો. અમારી એ કોલેજ કાળના સંભારણા સમી હોટલમાં નોન એ.સી. હોલ જ હતો. અમે હોલમાં એક ખૂણામાં રહેલ ટેબલ પાસે ગોઠવાયા. ઋત્વિકે કોફીનો ઓર્ડર કર્યો. અમે કોફી પીધી.

“અહી રાત રોકવાનો છે તું?” મેં એને નવાઈથી પૂછ્યું.

“નહિ, આતો આજે અહી કોફી પીવાનું મન થઇ ગયું એટલે તને અહી જ બોલાવી લીધો. અર્પણામાં મેં પાર્ટી હોલ અને દસ રૂમ બુક કરાવ્યા છે.” એ બોલ્યો.

“દસ રૂમ?” મેં નવાઈથી પૂછ્યું. પાર્ટી હોલ તો સમજી શકાય તેમ હતું પણ દસ રૂમની વાત મને ન સમજાઈ.

“તું જોઇશ એટલે તને સમજાઈ જશે…” કહીને એ ઉભો થયો. કાઉન્ટર પર મેં બીલ ચુકવવાની કોશિસ કરી પણ એ બોલ્યો, “આઈ એમ અ બર્થડે બોય. આઈ મસ્ટ પે ટુડે…”

અમે એની કારમાં અર્પણા હોટલ પહોચ્યા. અર્પણા હોટલ એટલે વૈભવી હોટલ – હાઈ સ્ટેટસ લોકો જ જેમાં એન્ટ્રી મેળવી શકતા હોય તેવું શહેરનું એક માત્ર સ્થળ! અહી આવવું મારા જેવા ક્લાસ વન ઓફિસર માટે પણ સપનું જ ગણાતું.

અમે હોલમાં પહોચ્યા. અભય, પંકજ અને નીરવ બેઠા જ હતા. મેં બધા સાથે શેક-હેન્ડ કર્યું. મોનાલીસાના તૈલચિત્ર નીચેની ડીજીટલ કલોકના બ્લીન્કીંગમાં 7:૦૦ P.M. વંચાતું હતું.

અભય, પંકજ, નીરવ અને મેં ઋત્વિકના બર્થડે પર પહેલું ટોસ્ટ કર્યું અને અમે અમારા ગ્લાસ ખાલી કર્યા ત્યાં સુધીમાં એક એક કરતા અનીલ, હેમંત, નીખીલ, પવન અને મિત પણ આવી ગયા. અમે એકબીજા સાથે શેક હેન્ડ કર્યા અને બધાએ ભેગા મળીને બીજીવાર ટોસ્ટ કર્યું ત્યાં સુધીમાં સાડા આઠ વાગી ગયા હતા. બધા વેલ-સેટ થઇ ગયા હતા એ જાણીને અમને બધાને આનંદ થયો.

“યાર, ઋત્વિક અબ કેક કાટ લે. મુજે દેર હો રહી હે…” હું બે પેગ માર્યા પછી હિન્દી ઉપર આવી જતો.

“કેક પણ તમારે જ કાપવાની છે અને તમારે જ ખાવાની છે…” એ બોલ્યો.

“ચલ મેં કાટ લેતા હું.” હું લથડતો લથડતો ઉભો થયો.

“બેસી રહે. તને ચડી ગયો છે…” બીજા દોસ્તો બોલ્યા. હું પાછો ચેરમાં બેઠો.

“ઋત્વિક, તને યાર કેવો જેકપોટ લાગી ગયો છે અમને તો કહે. બાકી આ હોટલમાં પગ મુકવો અમારા માટે સપનું જ ગણાય…” નીખીલે પૂછ્યું.

“હું એક બીઝનેસ કરું છું. મારી જોડે સારા સારા ક્લાયન્ટ છે…” ઋત્વિક બોલ્યો.

“કેટલા ક્લાયન્ટ છે?” મીતે અધીરાઈથી પૂછ્યું.

“સો જેટલા છે અને આ વિકમાં દસેક વધવાના છે.” ઋત્વિકે જવાબ આપ્યો.

“હવે કેક કાપી દઈએ. રાતના નવ વાગી ગયા છે.” પંકજ બોલ્યો.

“તમને બધાને બહુ ઉતાવળ છે. કેટલા વર્ષે મળ્યા છીએ બધા આપણે. આજે તો રાત અહી જ પૂરી કરવાની છે…” ઋત્વિકે જાહેરાત કરી. બધાએ એની જાહેરાતને તાળીઓથી વધાવી લીધી પણ હું અને પંકજ રાત રોકાઈ શકીએ તેમ હતા નહિ. બાકીના બધાએ ઘરે ફોન કરીને જાણ કરી દીધી. બધા મને અને પંકજને જોરૂકા ગુલામ કહેવા લાગ્યા.

“યાર, બાળકો નાના છે અને એ એકલી રહી ન શકે. મમ્મી પપ્પા ગામડે રહે છે. નહીતર વાંધો ન આવે…” હું પાછો ગુજરાતી પર આવી ગયો હતો. મને દારૂ ચડી પણ તરત જાય અને ઉતરી પણ તરત જાય. પંકજે પણ મારી વાતમાં સાથ પુરાવ્યો.

“અગિયાર વાગ્યા સુધી તો રોકાઈ શકોને?” ઋત્વિક બોલ્યો. આનાકાની પછી હું અને પંકજ અગિયાર વાગ્યા સુધી રોકાવા તૈયાર થયા.

“આજે મારા બર્થ ડે પર તમારા માટે એક ખાસ અલગ પાર્ટીની વ્યવસ્થા કરી છે.” ઋત્વિક બોલ્યો.

“અલગ? શું અલગ?” બધા ઉત્સાહભેર બોલ્યા.

“પહેલા એક ટોસ્ટ થઇ જાય આ વાત પર…” ઋત્વિક બોલ્યો અને બધાએ એની વાતને વધાવી લીધી. અમે બધાએ વળી એક એક પ્યાલો મોધો વિદેશી દારૂ પેટમાં ઉતાર્યો.

“હવે બોલ. જલ્દી જાદુનો પટારો ખોલ…” કોઈક બોલ્યુ.

“ડીનર કરી લો પછી વાત. સરપ્રાઈઝ છે એટલે જેટલી મોડી અપાય તેટલી સારી…” ઋત્વિક બોલ્યો.

વેઈટર આવ્યો. દરેકે પોત પોતાની મરજી મુજબ ઓર્ડર આપ્યા. કેટલાકે તો ક્યારેય ન ખાધી હોય એવી આઈટમ મેનુમાંથી પસંદ કરીને ઓર્ડર કર્યો.

ડીનર પછી ઋત્વિક બોલ્યો, “મેં તમારા બધા માટે એક એક રૂમ બુક કરાવ્યો છે. દરેકને રૂમમાં સરપ્રાઈઝ મળશે.”

બધાએ ચિચિયારીઓ પાડી.

“તું અને પંકજ અગિયારે વાગ્યે નીકળી જજો. હું તમને ઘરના દરવાજા સુધી ડ્રોપ કરવા આવીશ.” મારી સામે જોઇને ઋત્વિક બોલ્યો.

ઋત્વિકે અમને એક એક ચાવી આપી. હું ચાવી લઈને જલ્દી જલ્દી રૂમમાં ગયો. મને એમ કે કોઈ ગીફ્ટ આપી હશે અમને. મેં રૂમનો દરવાજો ખોલીને રૂમની લાઈટ ઓન કરી તો સામે બેડ પર એક વીસ બાવીસ વર્ષની સુંદર યુવતીને જોઇને મારો નશો ઉતરી ગયો. એ યુવતી મારી સામે જોઇને હસી. હું કઈ સમજુ એ પહેલા એ બેડ પરથી ઉઠીને મારો હાથ પકડીને મને બેડ સુધી લઈ ગઈ.

“બેસો..” એ બોલી. કોલેજ સમયમાં આ ધંધા મેં કર્યા હતા પણ લગ્ન પછી આ વિષયને ક્યારેય યાદ પણ નહોતો કર્યો.

“શું છે આ બધું?” હું બોલ્યો.

“એન્જોય એન્જોય એન્ડ એન્જોય…” કહીને એ યુવતીએ તેનો હાથ મારા ખભા પર મુકયો. ભૂતકાળની ખરાબ આદત વર્ષો પછી પણ એક જ  ક્ષણમાં તમને ગુલામ બનાવી નાખે છે. અને મારી સાથે પણ એવુ જ થયું.

“શું નામ છે તારું?” મેં પૂછ્યું.

“ઈશા…” એ મંદ મંદ સ્મિત સાથે બોલી. એણીએ ટીપોય પર રહેલ એક બોત્તલ ખોલીને બે પેગ બનાવ્યા.

“ચીયર્ઝ…” સાથે અમે ગ્લાસ ટકરાવીને પીવા લાગ્યા. મારી આંખો એના ચહેરાને અનિમેષ નજરે જોઈ રહી હતી. દારૂ ગળા વાટે અને એનું રૂપ આંખો વાટે મારામાં ઉતરીને ચડી રહ્યા હતા. હું મદહોશ થઇ ગયો હતો. જયારે મદહોશી ઉતરી ત્યારે અગિયાર વાગવા આવ્યા હતા. બાથરૂમમાં મિરરમાં વાળ સરખા કર્યા અને બહાર નીકળ્યો. પંકજ ઋત્વિકની કાર પાસે ઉભો હતો. અમે કારમાં ગોઠવાઈ ગયા. ઋત્વિક સ્ટેરીંગ સામે ગોઠવાયો ત્યાજ મેં પૂછ્યું, “ઋત્વિક, તુમ ઇતને પેસે કહાસે લાતે હો?” ફરી મને ચડી ગયો હતો.

“તને તરત જ ખબર પડી જશે.” ઋત્વિક બોલ્યો.

“જવાદેને યાર. આ આપણને નહિ કહે. એને આપણા પર વિશ્વાસ નથી” પંકજ મજાકમાં બોલ્યો.

જયારે ઋત્વિકે મને ડ્રોપ કર્યો ત્યારે રાતના સાડા અગિયાર વાગી ગયા હતા. મેં બેલ મારી. મીનાએ દરવાજો ખોલ્યો. હું ઘરમાં દાખલ થયો. નેન્સી અને મિત ઉંઘી ગયા હતા. હું પણ કપડા ચેન્જ કરીને સુઈ ગયો. ક્યારેક ક્યારેક આવી પાર્ટીઓમાં હું જતો અને શરાબ પી ને ઘરે આવતો. મીના જાણતી હતી કે મોટા ઓફિસર માટે આવી પાર્ટીમાં જવું અને પીવું એ સામાન્ય વાત ગણાય એટલે એણીએ કઈ પૂછ્યું નહી.

ચારેક દીવસ પછી હું ઓફીસમાં બેઠો હતો ત્યાજ પ્યુન મને એક કવર આપી ગયો. કવર ઉપર કોન્ફીડેન્શીયલ લખેલ હતું. મોકલનારનારનુ કોઈ સરનામું ન હતું. માત્ર ક્લાયન્ટ નં. 101 લખેલ હતું. મેં કવર ખોલ્યો. મારી આંખો ફાટી ગઈ. મારી અને એ યુવતી વચ્ચે એ રાત્રે અંતરંગ પળોમાં જે થયું હતું એના ફોટા હતા. એક સી.ડી. હતી. એક વ્હાઈટ પેપરમાં ટાઈપ કરેલ લખાણ હતું:

ડીયર રાહુલ,

તને મારા બીઝનેસ વિષે જણાવતા ખુશી અનુભવી રહ્યો છું. નીચે જણાવેલ બેંક એકાઉન્ટમાં દર મહીને 5 તારીખ પહેલા રૂપિયા 10000  જમા કરાવી દેવા વિનંતી જેથી મારે આ ફોટોઝ કે સી.ડી. મીડિયામાં ફેરવવાની મહેનત કરવી પડે નહિ.  તારા જેવા ઓફિસર માટે આ રકમ અન્ડર ટેબલ ઇન્કમના 10 ટકા જ ગણાય.

નીચે બેંક એકાઉન્ટ નંબર અને આઈ.એફ.એસ.સી. કોડ લખેલ હતા.

એની વાત સાચી હતી. આ અઠવાડિયે એણે દસ નવા ક્લાયન્ટ બનાવી લીધા હતા. બીઝનેસ બીઝનેસ જ ગણાય. ભલે ગમે તેવો હોય. અને એનો બીઝનેસ અમારા જેવા લોકોના કારણે ક્યારેય બંધ થાય એમ હતો નહિ. અમારા જેવા ક્લાયન્ટ એને મળી જ રહેવાના. મેં ફોટો અને સી.ડી. કવરમાં ભરીને મારી બેગમાં મુક્યા. મેં કેલેન્ડર સામે જોયું. હજુ 5 તારીખને વીસેક દિવસની વાર હતી. કેલેન્ડર પર મોટા અક્ષરે સુવાક્ય લખેલ હતું:

કૌન ક્યા કર રહા હે, કૈસે કર રહા હૈ, કયો કર રહા હે ઇન સબસે આપ જીતના દુર રહેંગે ઉતના હી ખુશ રહેંગે. એના નીચે લખેલ હતું જૈસી કરની વેસી ભરની..!!!

 નારાયણ ત્રિવેદી ‘શ્યામ’

One Reply to “ક્લાયન્ટ નં. 101”

Comment here