gujarati-varta-chis

ચીસ..!

“સોનલ.” રોશનીએ સોફા પર બેઠા બેઠા જ બુમ મારી.

આમતો રોશનીને ક્યારેય જોરથી બુમ બરાડા પાડવા નહોતા ગમતા. એને આધુનિક અને સભ્ય જીવનશૈલી પસંદ હતી. એ ક્યારેય કોઈ પણ વર્તન એવું ન જ કરતી જેનાથી એ સામાન્ય અને અશિસ્ત લોકો જેવી દેખાય પણ હવે બધું બદલી ગયું હતું.

“જી મેમસાબ.” સોનલ બહાર કપડા ધોતી હતી એ કામ રોકી અંદર આવી, તેના હાથ હજુ ભીના હતા, એ બિચારી ગરીબ ઘરની હતી એનામાં શીસ્ટાચારનું એટલું બધું જ્ઞાન ન હતું, હોય પણ ક્યાંથી? મા એ એના જેમ જ ઘરે ઘરે કામ કરતી અને એના પિતા… દરેક ભણવાની ઉમરે ઘરે ઘરે કામ કરતી છોકરીના પિતા જે કરતા હોય એજ કામ કરતા.. શરાબ, જુગાર અને એવા દરેક કામ જે એક નામર્દને શોભે…!!!!!

“મારુ પર્શ ત્યાં રૂમમાં પડ્યું હશે, લાઈ આવજે.” રોશનીએ કહ્યું. એનો અવાજ એકદમ ફિક્કો હતો.

“જી, મેમસાબ…” ફરી એજ શબ્દો યંત્રવત કહેતી સોનલ અંદર ગઈ અને એ પર્શ લાવી રોશનીના હાથમાં આપ્યું.

“બસ આટલુ જ.”

રોશનીએ તેને ‘જા હવે ફરી કામે લાગી જા’ એવું કહેવાને બદલે યોગ્ય વાક્ય કહ્યું જેથી એ સમજી પણ ગઈ કે એણીએ હવે કામ કરવા જવું જોઈએ. સોનલ પછી પોતાને કામે કપડા ધોવા ચાલી ગઈ.

સામાન્ય દિવસો હોત તો રોશનીએ તેને જાટકી કાઢી હોત, પણ આજે એને કશું કહેવાને બદલે એના ભીના હાથ અડવાથી થોડુક ભીનું થયેલ પર્શ જાતે જ લુછી નાખ્યું કેમકે હવે રોશનીને કોઈક માણસની જરૂર હતી જેને એનું કામ સંભાળે હમણા જ છેલ્લી કામવાળીએ કામ છોડીને જતી રહી હતી. રોશની પાસે હવે નવી કામવાળી જેવું કામ કરે તેવું બસ ચુપચાપ જોઈ રહેવા સિવાય કોઈ રસ્તો ન હતો. આટલા મોટા ઘરમાં એ એકલી હતી, વરસ ભરમાં મળવા આવનારે કોઈ ન હતું.

એક સમય એવો પણ હતો જયારે રોશનીનું આ ઘર લોકોથી ભરાયેલું રહેતું, જાણે કોઈ મેળો જામ્યો હોય એવી ભીડ રહેતી, મહિને બે મહીને તો કોઈને કોઈ મિજબાની આ ઘરમાં હોતી જ! ક્યારેક રોશનીના જનમ દિવસની તો ક્યારેક રોશનીના પ્રમોશનની, ક્યારેક મિત્રોને આમ જ આપેલો જલસો તો ક્યારેક બોસને જમવા પર નીમત્રણ…..

રોશની એ છેલ્લા દસ વર્ષમાં જીવનની દરેક ખુસી જોઈ હતી, કોઈ એવી ચીજ ન હતી કે રોશનીની ઈચ્છા હોય અને એ એને ન મળી હોય! બસ છેકથી એની એજ આદત રહી હતી… પોતાની મરજી મુજબ જીવન જીવવાની. અને કદાચ એટલેજ એ એકલી હતી..

આજે આ મોટા મકાનમાં એની સાથે કોઈ ન હતું… હોય પણ કયાંથી? એણીએ પોતાના સુખના દિવસોમાં કોઈનીયે ફિકર કરી હોય તો કોઈ દુઃખમાં સાથ આપેને?

સોનલે આપેલા પર્સમાંથી પોતાને રોજ લેવી પડતી બે ટેબલેટ બહાર કાઢી અને સામે જ ટીપાઈ પર મુકેલ પાણીની બોટલ હાથમ લીધી.. એને ફરી મનમાં વિચાર આવ્યો આ સોનલ પણ આ ઠંડા પાણીની બોટલ અહી કેમ મૂકી હશે મને ડોકટરે ઠંડુ પાણી પીવાની ના પડી છે..

ફરી સોનલને બુમ મારવાને બદલે એ પોતેજ પાણી લેવા ઉભી થઇ. એ ધીમેથી એ રીતે ઉભી થઇ જાણે કે એ સાઈઠ વર્ષની અશકત વૃદ્ધ હોય! પણ એને તો હજી પીસ્તાલીશ વરસ થયા જ હતા.. આ ઉમરે મોટા ભાગની મહિલાઓ તો કામ કરી શકતી હોય છે. પણ રોશની.. એણીએ છેલ્લા દસ વરસમાં પોતાને ક્યાયની ન હતી છોડી.. રોજની મિજબાનીઓ અને રોજના જલસા.. દારૂની મહેફીલો અને સિગરેટના ધુમાડા ક્યારે એના સુંદર શરીરને અંદરથી કોરીને ખાઈ ગયા એની એને ખબર જ ન પડી…… બસ એકાદ વર્ષ પહેલા એકાએક તબિયત બગડતા ડોક્ટરને બતાવ્યું ત્યારે ડોકટરે કહ્યું કે લીવર અને કીડની લગભગ નકામા જેવા થઇ ગયા છે.. હવે શરાબનું એક ટીપું કે સ્મોકિંગની આદત ગમે તે ઘડીએ એનો જીવ લઇ લેશે…!!

રોશની મજબુત મનની હતી એણીએ ત્યારથી એ બધુ જ છોડી દીધું…. મહેફીલો, જલસા, મિજબાનીઓ બધુજ પણ એ બધાથી શું ફર્ક પડે? એકવાર જે બીમારી શરીરમાં ઘર કરી જાય એ ક્યારેય નીકાળી શકાતી નથી…

“અરે બેનબા, કેમ ઉભા થયા? કાઈ જોઈતું હોય તો મને બુમ મારવી હતી ને?” સોનલે અંદર આવતા કહ્યું. એણીએ રોશનીને રસોડા તરફ જતી જોઈ હશે એટલે એ અંદર આવી.

એકપળ માટે રોશનીના દિલમાં અસીમ ઠંડક થઇ….. કાશ કોઈક તો હતું કે જે એની પરવા કરતુ હતું… પણ બીજી જ પળે એ આનંદ અદશ્ય થઇ ગયો… આ તો કામવાળી છે એનો પ્રેમ તો મેં પૈસાથી ખરીદ્યો છે.. એ પૈસા માટે આ બધું કરે છે…. રોશનીએ વિચાર્યું… પણ પોતે…?? પોતે બધું પૈસા માટેજ તો કર્યું હતું…!! એ સમયે તો એને પ્રેમની ક્યાં પડી જ હતી…?? એ સમયે તો પ્રેમાળ પતિને ઘરથી જાકારો આપ્યો હતો……. એક દ્રશ્ય ખડું થઇ ગયું….. મોડર્ન વસ્ત્રોમાં પોતાના શરીરના આકાર બતાવતી રોશની કમ્મરે હાથ મૂકી ઉભી હતી…..

“રોશની હું તારા આ રોજ રોજના નવા નાટકથી કંટાળી ગયો છું?” અમિતે ગુસ્સાભર્યા અવાજે કહ્યું.

“તું આને નાટક સમજે છે?” હાથમાં રહેલ સિગરેટ ખંખેરતા રોશની બોલી.

“હાશ તો…. આને…. આને નાટક નહી તો શું કહેવાય?” અમિતે ફરી એજ ગુસ્સાથી કહ્યું.

“મારી ઓફીશના લોકો મારા પ્રમોસંની પાર્ટી આપી રહ્યા છે અને તને એ નાટક દેખાય છે?? એ લોકો કેટલા મારી પ્રગતી થીખુશ છે તને ખબર છે?”

“મને ખબર નથી અને મારે જાણવું પણ નાથી.”

“કેમ કે તું મારી તરક્કી જોઈ નથી શકતો. કેમકે તારે મને એ જોબ નથી કરવા દેવી.” રોશની પણ સામે ભડકી હતી.

“મને તારી જોબથી કોઈ જ સમસ્યા નથી…”

“તો શેનાથી છે?”

“તું તારી ઓફિસને ઓફીસ સુધી લીમીટેડ જ રાખ, એ બધું ઘર સુધી લાવવાની કોઈજ જરૂર નથી?”

“તને પ્રોબ્લેમ શું છે? શું તને મારા કેરેક્ટર પર શક છે?” રોશનીએ ભૂરા વાળની લટને કાન પાછળ ખોસતા કહ્યું.

“શક કરવા લાયક હવે કઈ રહ્યું છે?” ગુસ્સામાં પણ અમિતના હોઠ પર જરાક હાસ્ય આવી ગયું.

“તારા કહેવાનો શું અર્થ છે?”

“અર્થ એજ કે તારા પર મારો કોઈ જ હક નથી રહ્યો, તું મારાથી ઘણી દુર થઇ ગઈ છે?”

“તારાથી દુર? તારો મારા પર હક નથી? એવું તું કઈ રીતે કહી શકે, આ શરીર જેને પામવા તો શું જોવાયે બધા તરસે છે એ તારુ જ તો છે ને?”

“તું તારા શરીરને સમજે છે શું?”

“એ તું નહિ સમજી શકે કેમ કે….એઝ અ વાઈફ આઈ ગીવ યુ ઈટ?”

“વોટ યુ થીક, બોડી ઈઝ એવરીથીંગ?”

“યુ ડોન્ટ વેલ્યુ  બીકોજ યુ ગેટ ઈટ એવરી નાઈટ.”

“એન્ડ આઈ કેન હિયર ઓન્લી  રેટલીગ ઓફ બોન્સ બટ ઈટ ઇસ નોટ ફોર ધેટ. ઈટ સુડ પ્રોડ્યુસ લાઈફ ગીવીંગ મ્યુઝીક. એન્ડ આઈ એમ વેઈટીગ ટુ હિયર ધેટ સીન્સ લાસ્ટ ટેન યર્સ.”

“મેં તને કેટલીયે વાર કહ્યું છે કે હું આગળ વધવા માંગું છું બાળકો પેદા કરવા માટે નહી.”

“હા, પણ છેલા દસ વર્ષથી હું આજ સાંભળી રહ્યો છું, અને જોઈ પણ રહ્યો છું તું કેટલી આગળ વધી છે?”

“તું કહેવા શું માંગે છે?”

“એજ જે હકીકત છે, તું પહેલા સિગરેટ અને ધીમે ધીમે આલ્કોહોલ સુધી પહોચી ગઈ છે સારી પ્રગતી કરી છે તે, બહુ આગળ વધી છે તું.”

“એ બધું મોટી પાર્ટીઓમાં કરવુ જ પડે છે, આગળ વધવા કોર્પોરેટ જગતમાં કેટલા દેખાવો કરવા પડે એ તને ક્યાં ખબર છે? અને હા, હું કોલેજ્થીજ હુક્કાબારમાં જતી એ તને ક્યાં ખબર ન હતી? તે મારાથી લવ મેરેજ જ કેમ કર્યા?”

“એજ ભૂલ થઇ ગઈ મારાથી મને એમ હતું કે તું બદલી જઈશ, લગન બાદ પોતાની જવાબદારી સમજીશ.”

“તે મને પૂછ્યું હતું કે હું બદલી જઈશ?”

“દરેક છોકરી કે છોકરો લગન બાદ પોતાની જવાબદારી સમજે જ એમાં પૂછવાનું શું હોય?”

“તો તું આ બધાની દાઝ મારી પાર્ટી પર કાઢે છે?”

“હા, હવે હું ત્રાસી ગયો છું તને અને તારા ઓફીસના માણસોના મારા માથા પર નાચતા જોઇને, એ લોકોને તું દારૂના ગ્લાસ વેઈટરની જેમ આપે છે અને એ લોકો તને કયા ક્યાં નથી અડતા….” અમિતના ચહેરા ઉપર ગુસ્સો સ્પસ્ટ હતો.

“મને લાગે છે હવે આપણે છુટા થઇ જવું જોઈએ.. તું મને ગુલામ સમજે છે…. મોટા લોકોમાં જે જોવા મળે એને તારા જેવા નાના માણસો ન સમજી, શકે મને લાગે છે કે તારા સાથે લગ્ન કરીને મેં ભુલ કરી છે.”

“હા, તો ચાલી જ ઘર છોડીને? અમિત ખરેખર કંટાળી ગયો હતો.

“તું ભૂલી રહ્યો છે અમિત આ ઘર મેં ખરીદ્યું છે મારા રૂપિયાથી તારા વિશ હજારની કમાણીમાંથી તો માંડ ખર્ચોજ ચાલ્યો છે. મારા નામે લોન છે અને ઇન્સ્ટોલમેન્ટ પણ મારા નામે જ ભરાય છે. જો તને મારા સાથે રહેવું ન પોસાય તો તું જઈ શકે છે ક્યાંક ભાડાના મકાનમાં.” છેક ઘમંડથી રોશની બોલી.

અમિત પોતાના કપડા પણ લીધ વગર દરવાજા તરફ ચાલ્યો. એ છેલ્લા દસ વર્ષથી પોતાની જાતને રોશની પ્રત્યેના પ્રેમને લીધેજ એ બધું સહન કરતો હતો પણ હવે એની હદ પૂરી થઇ ગઈ હતી..

“નહી અમિત, મને છોડીને મત જા…” રોશની વર્તમાનમાં ચીસ પડી ઉઠી.

“શું થયું બેનબા..?? કેમ ચીસ પાડી?” સોનલે નવાઈથી પૂછ્યું.

“ચીસ તો મારે પાડવાની જ હતી…. બસ દસ વર્ષ મોડી પડી હું.” રોશનીએ સોનલ તરફ જોઈ કહ્યું.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here