gujarati-varta-chamatkar

ચમત્કાર

હું બાળપણમાં ભગવાનમાં ખુબ જ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતો હતો. મમ્મી પપ્પા પણ ભગવાનમાં ખુબ માનતા. પણ જેમ જેમ ઉમર વધતી ગઈ. મારા માટે અન્ય ચીજોનું મહત્વ વધતું ગયું. હાઈ સ્કૂલ દરમિયાન ભણવામાં બધાથી આગળ રહેવું અને કોલેજ દરમિયાન સૌથી સુંદર છોકરી સાથે અફેર!

મને ખબર જ ન રહી મમ્મી-પપ્પાના સંસ્કારો હું ક્યારે ભૂલી બેઠો. ક્યારે મારા મનમાં રહેલા રામની જગ્યા રૂપિયાએ લઇ લીધી. મને ખબર જ ન રહી ક્યારે મારા માટે રામ કરતા રૂપિયા મહત્વના બની ગયા. બધેજ આગળ રહેવાના, કોલેજમાં અફેરના અને ઉંચી નોકરી મેળવવાના દરેક સપનમાં મેં પુરા કરી લીધા. હું હમેશા મારી ઇચ્છાઓને દૂનીયાની દરેક ચીજથી વધુ મહત્વ આપતો. મારા માટે અન્ય કોઈ ચીજનું ખાસ મહત્વ ન હતું.

કોલેજ દરમિયાન વાંચેલા કેટલાક પુસ્તકો અને કેટલીક ફિલ્મોને લીધે ભગવાનમાં રહેલી મારી રહી સહી શ્રદ્ધા પણ જતી રહી હતી. હું વિચારતો કે માનવે જીવનમાં દરેક ચીજ જાતેજ મેળવવી પડતી હોય છે તો એને ભગવાનની શું જરૂર?

આમેય ભગવાન ક્યા કોઇનીં મદદ કરવા આવે છે. પણ એ દિવસે મને ભગવાનની જરૂરત સમજાઈ હતી. જીવનમાં દરેક કામ પોતાને ભરોસે કરનાર આશુતોષ બેલાણીને એ દિવસે ભગવાનની જરૂરત સમજાઈ હતી.

એ દિવસે હું નર્વસ હતો. કદાચ જીવનમાં અ પહેલા હુ ક્યારેય એટલો નર્વસ ન હતો થયો. મને એક ધમકી મળી હતી. હું ત્યાં કોઈ કારણ સર હતો. હું લીફ્ટમાં હતો. મારી સાથે અન્ય પણ કેટલાક લોકો લીફ્ટમાં હતા. પણ એ વખતે મારી આસપાસ કોણ હતું એ જોવાની મેં દરકાર ન કરી. મારી જગ્યાએ કોઇપણ હોય તોય એ જોવાની દરકાર ન કરે. મારા સાત વરસના દીકરા મોનીલનો જીવ જોખમમાં હતો. મેં ફરી મારા કોટના ખિસ્સામાં હાથ નાખી એક વાર ખાતરી કરી. પાંચ લાખનો ચેક ત્યા સલામત હતો.

બસ મારે એ ચેક એ લોકોને આપવાનો હતો અને એ લોકો મોનીલને મારા હવાલે કરી નાખવાના હતા.  એમણે મને વારંવાર પોલીસથી દુર રહેવાની સલાહ આપી હતી. તેમના છેલ્લા ત્રણેય કોલમાં એક વાત સામાન્ય હતી, તેઓ અચૂક મને સુચના આપતા હતા કે પોલીસને જાણ કરવાની ભૂલ ન કરીશ.

એમના માટે એ મહત્વનું હતું, પણ મારા માટે એ કઈ જ મહત્વનું ન હતું, એમણે મને એ સુચના ન આપી હોત તો પણ હું પોલીસમાં જવાની ભૂલ તો ન જ કરોત. પોલીસમાં જઈ આખા મામલાને કથળી નાખું એટલો મુર્ખ તો હું ન જ હતો.

લીફ્ટ નીચેની તરફ જવા લાગી. મારી ઓફીસ ટેન્થ ફ્લોર પર હતી. એમણે મને પહેલો ફોન સવા દસે કર્યો હતો, ત્યાર બાદ પાંચ પાંચ મીનીટના ગાળે બીજા બે ફોન કર્યા હતા અને આખરી કોલમાં કહ્યું હતું કે હું જો પંદર મીનીટ ચેક લઈ નીચેના કેફેટેરિયામાં નહી પહોચ્યો તો તેઓ ત્યાંથી ચાલ્યા જશે અને મને મોનીલ ક્યારેય નહી મળે.

એમણે આપેલો સમય બહુ ઓછો હતો પણ એમણે મને બહુ દુર ન હતો બોલાવ્યો એટલે ચિંતાની કોઈ વાત નહતી. એમણે મને છેલ્લા કોલ પાછી પંદર મીનીટનો સમય  આપ્યો હતો. પણ એ મારા માટે કાફી હતો. ચેક બુક હમેશા મારી પાસે જ રહેતી અને મારા ફ્લોરથી નીચે આવતા લીફ્ટને પાંચેક મિનીટ પણ લાગે એમ ન હતી, એટલે મારે ચિંતા કરવા જેવું કઈ ન હતું. છતાં મને ડર લાગી રહી હતી. જે આશુતોષ બેલાણી સામે વાત કરતા મોટા મોટા અધિકારીઓ પણ ડરતા હતા એ આશુતોષ બેલાણી ને ડર લાગી રહી હતી. અને એ ડર શેના લીધે હતી એ પણ મને ખબર ન હતી.

લીફ્ટ નીચેની તરફ રવાના થઇ ચુકી હતી. લીફ્ટના અંદરના ડિસ્પ્લે પર નંબરો ધીમે ધીમે ઓછા થતા હતા. દસ…નવ…આઠ…સાત…છ…પાંચ………!!

પાંચ….!!

પાંચ…!!

લીફ્ટ થોભી ગઈ.

ઇલેક્ટ્રિક સિગ્નલ વાઝ ડીસરપટડ…!!

વોટ ધ હેલ વોઝ ગોઇંગ ઓન?

હું ચીસો પાડવા લાગ્યો. મારે નીચે પહોચવું જ પડે તેમ હતું, એ પણ પંદરેક મિનીટથી પણ ઓછા સમયમાં!

મેં ફોન બહાર કાઢ્યો.

ડેમ ઈટ. માય ફોન હેડ નો સિગ્નલ.

આઈ વાઝ ટ્રેપડ. બ્લડી ટ્રેપડ.

બંધ લીફ્ટમાં ફોનનું સિગ્નલ ન હતું મળી રહ્યું. હું તેમને ફોન પણ ન હતો કરી શકું તેમ.

“જો તું સમયસર આવી ચેક નહી આપે તો અમે મોનીલને મારી નાખીશું.” મને કિડનેપરના શબ્દો યાદ આવ્યા.

મારા આસપાસ બધું ગોળ ગોળ ફરી રહ્યું હોય એમ મને લાગવા માંડ્યું, હું બુમો પાડવા લાગ્યો, હું રડવા લાગ્યો. હું મદદ માટે ચીસો પાડવા લાગ્યો.

“સર, સર્વિસ ટીમ આવીને હમણાં લીફ્ટ ઠીક કરી દેશે.” મારી બાજુમાં ઉભેલા કોઈ વ્યક્તિએ કહ્યું.

“કેટલો સમય લાગશે?” મેં ધ્રુજતા અવાજે પૂછ્યું.

“નોટ સ્યોર બટ મેં બી વન અવર.”

હું ધ્રુજવા લાગ્યો.

“સર, આવું અવાર નવાર થાય છે. એમાં ડરવા જેવી કોઈ બાબત નથી.” બીજા એકે મને ગભરાયેલ જોઈ કહ્યું.

હું કેમ ગભરાઈ રહ્યો હતો એ એમને કહેવાનો કોઈ મતલબ ન હતો. હું લીફ્ટના ખૂણામાં બેસી ગયો. મારી પાસે બધું જ હતું, પણ હું મારા મોનીલને બચાવવામાં નિષ્ફળ નીવડવાનો હતો. એ કલ્પના માત્રથી હું ધ્રુજી ઉઠ્યો.

હું મારી જાતને કોશવા લાગ્યો. મેં લીફ્ટ વિશે કેમ ન વિચાર્યું. મહિનામાં એકાદ વાર આવું થતું. હું કઈ રીતે ભૂલી ગયો કે મહિનાનો એ દિવસ આજે પણ હોઈ શકે? ગમે તે દિવસે એ દિવસ હોઈ શકે?

અને બદનસીબે એ દિવસ એ દિવસે જ હતો!

મારું ગળું સુકાવા લાગ્યું. હું માનસિક તનાવ સહન કરવા અસમર્થ બની રહ્યો હતો. મેં મારી આંખો બંધ કરી નાખી. કારણકે એ એક જ ચોઈસ મારી પાસે બચી હતી.

લગભગ એક જમાનો વીતી ગયો હશે મેં ભગવાનને યાદ કર્યાને. પણ આજે ઘણા વરસ બાદ મને ભગવાન યાદ આવ્યા. હું બંધ આંખે ભગવાનની એ મૂર્તિને યાદ કરવા લાગ્યો જેની આગળ બેસી મમ્મી અને હું પ્રાથના કરતા.

હું ભગવાનને પ્રાથના કરતો રહ્યો. બસ મારા મોનીલને કઈ ન થાય. મને સમજાઈ રહ્યું હતું, માનવે દરેક કામ જાતેજ કરવાનું હોય છે તો એમાં ભગવાનની શું જરૂર હોય છે. હું સમજી ગયો હતો કે માનવ કાર્ય કરી શકે છે પણ તેનું ફળ ભગવાન જ આપી શકે છે. માનવ પ્રયાસ કરી સકે છે સફળતા કે નિષ્ફળતા આપવી એ ભગવાનના હાથમાં હોય છે.

અને કદાચ એ દિવસે મારા બધા પ્રયાસ પછી પણ ભગવાન મને નિષ્ફળતા આપવા ઈચ્છતો હતો.

સર્વિસ મેન નો અવાજ સાંભળી મેં આંખો ખોલી. મેં મારી ઘડિયાળ તરફ જોયું. સાડા અગિયાર વાગી ગયા હતા. મને મળેલ સમય તો ક્યારનોય પતિ ગયો હતો. છતાં મારું મન બસ એકજ ચીજ ઇચ્છતું હતું, ફટાફટ એ લીફ્ટ રિપેર થાય અને હું નીચે પહોચું.

કદાચ એ લોકો હજુ નીચે કેફેટેરિયામાં જ હશે. એ લોકો મને ડરાવવા એ બધું કહી રહ્યા હતા, એ લોકો મારી રાહ જોઈ રહ્યા હશે.

લીફ્ટ ફરી ચાલુ થઇ ત્યાં સુધી મેં જેમતેમ કરીને મારા મનને હકારાત્મક વિચારોમાં વ્યસ્ત રાખી. મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.

મારું મન એક્ટીવલી મારા મોનીલ સાથે કઈક ખરાબ થયું હશે એ વિઝ્યુઆલાઈઝ કરતુ હતું અને હું તેને પોઝીટીવ થીંકીંગ તરફ સતત ડાયવર્ટ કરવાની નાકામ કોશીશ કરી રહ્યોહતો. પણ મારું મન મને સતત મોનીલ નું કોર્પસ કેફેટેરીઆમાં પડ્યું હોય એવું વિજ્યુઆલાઈઝ કરી રહ્યું હતું.

હું વારે વારે મારી છાતી પર ડાબી તરફ હાથ મૂકી મારા હ્રદયના ધબકારા તપાસી રહ્યો હતો. પણ હવે એમાં કોઈજ ફેરફાર ન હતો થઇ રહ્યો. કદાચ એનાથી વધુ ધબકારા વધી શકે તેમ જ નહી હોય. કદાચ હાર્ટ બીટ ની પણ કોઈ લીમીટ હશે!

પાંચ…ચાર…ત્રણ…બે…એક…

લીફ્ટ એક બોદા આંચકા સાથે ઉભી રહી. અમે ગ્રાઉન્ડ ફ્લોર પર હતા. દરવાજો ખુલતાજ મેં લીફટમાંથી કોઈ પાગલની જેમ દોટ મૂકી. હું કેફેટેરિયા તરફ દોડ્યો.

કેફેટેરિયામા કોઈજ ન હતું. ન કિડનેપર કે ન કોઈ અન્ય વ્યક્તિ. હું કાઉન્ટર તરફ ગયો. ત્યાં જઈ પુછતાછ કરી પણ હું બરાબર બોલી પણ ન હતો શકતો. બીજું એ કે મારે એમને શું પૂછવું અને કોના વિશે પૂછવું એ પણ મને સમજાઈ ન હતું રહ્યું.

“કોઈ એક સાતેક વરસના બાળક સાથે અહી આવ્યું હતું?” આખરે મને સુજ્યો એવો સવાલ મેં કાઉન્ટર પર બેઠેલ વ્યક્તિને કર્યો.

“હા, તેઓ અડધો એક કલાક બેઠા અને પછી નીકળી ગયા.” તેણે કહ્યું. કદાચ એ દિવસે ઘરાકી ઓછી હતી એટલે એને યાદ રહી ગયું હશે.

“એ બાળક સાથે કેટલા જણ હતા?” મેં પૂછ્યું.

મને થયું ખરેખર મારા મોનીલને કઈ થયું તો એના માટે કિડનેપર કરતા પણ હું વધારે જવાબદાર કહેવાઈશ. એમણે તો મને અપાયેલા સમય કરતા બમણા સમય સુધી રાહ જોઈ હતી પણ હું એટલા સમયમાં ત્યાં પહોચવામાં પણ નિષ્ફળ રહ્યો હતો.

“બે જણ હતા, એ લોકો વારં વાર કોઈને ફોન કરી રહ્યા હતા.પણ ફોન ન હતો લાગી રહ્યો. પછી કોઈ ત્રીજો વ્યક્તિ આવ્યો, એમને ભેગા મળી કોફી પીધી અને પછી એ ચાલ્યા ગયા. પણ થયું છે શું આશુતોષ સાહેબ તમે આ બધું કેમ પૂછી રહ્યા છો?” કાઉન્ટર પર બેઠેલ માણસે મારા ચહેરાનું અવલોકન કરતા કહ્યું. હું ખાસ ક્યારેય કેફેટેરિયામાં ન જતો એટલે એ વ્યક્તિને ન હતો ઓળખાતો પણ એ મને ઉપર જતા આવતા જોતો હશે એટલે મને ઓળખતો હશે.

“કઈજ નહી. એક બ્લેક કોફી આપો.” મેં વાત બદલતા કહ્યું. હું હજી મોનીલ કિડનેપ થયો છે એ વાત કોઈને કહેવા તૈયાર ન હતો. કદાચ વાત ફેલાઈ જાય તો કિડનેપર ગભરાઈને તેમને મારી નાખે. હજુ મને આશા હતી. મોનીલને કઈ નહી થયું હોય.

તેણે કેટલમાંથી પેપર કપમાં કોફી રેડી. પેપર કપ અડધાથી થોડોક વધારે ભરી એણે એ કપ મારી તરફ ખસાવ્યો. હું એ કપ હાથમાં લઈ નજીકના ટેબલ તરફ ગયો. લાકડાની ખુરશીમાં ગોઠવાયો અને મેં કપ ટેબલ પર મુક્યો.

કદાચ મારી શક્તિ હવે ખૂટી ગઈ હતી, કદાચ મારામાં ઉભા રહેવાની તાકાત ન હતી રહી, કદાચ હું ભાંગી પડ્યો હતો. હું એ પેપર કપને જોઈ રહ્યો. એમાંની બ્લેક કોફીને જોઈ રહ્યો. મને મારા જીવનમાં આવવનાર અંધકારની એ ઝાંખી કરાવતી હોય એમ લાગી રહ્યું હતું.

અચાનક મારો ફોન રણક્યો. મેં કોટના ખિસ્સામાંથી ફોન બહાર કાઠ્યો. મેં સ્ક્રીન પરના નંબર તરફ જોયું, એજ સેવ કર્યા વિનાનો અજાણ્યો નંબર હતો. હું એ નંબર ઓળખી ગયો, એ કિડનેપર નો હતો. મને એ  નંબર યાદ થઇ ગયો હતો.

મને કાઉન્ટર પર બેઠેલ માણસના શબ્દો યાદ આવ્યા.

તેઓ વારંવાર કોઈને ફોન કરી રહ્યા હતા પણ ફોન લાગી ન હતો રહ્યો.

તેઓ મને ફોન કરી રહ્યા હશે પણ ફોન નહી લાગ્યો હોય. તેમનો ત્રીજો સાથી ત્યાં આવ્યો હશે અને એ બધાને એમ લાગ્યું હશે કે મેં એમને ડબલ ક્રોસ કર્યા છે. મેં પોલીસને માહિતી આપી દીધી છે એટલે હું ફોન રીસીવ નથી કરી રહ્યો એટલે એ લોકો ગભરાઈને કેફેટેરિયા છોડી ગયા હશે.

ફોન સતત રણકી રહ્યો હતો, મને એ ફોન રીસીવ કરતા ડર લાગી રહી હતી. મેં ધ્રુજતા હાથે આન્સર લખાયેલ ભાગ પર ટેપ કરી ફોન કાને ધર્યો.

“ફોન ઉપાડવાનો પણ સમય નથી, ખરો બીઝનેસ મેન છે તું. લાગે તને દીકરાની તો કઈ પડી જ નથી.”

“હું….હું….” શું બોલવું મને સમજાઈ ન હતું રહ્યું.

“તું ચેક આપવા પણ ન આવ્યો, બીજા વ્યક્તિને મોકલ્યો. અમે તારો દીકરો સલામત તારા ઘરે પહોચી ગયો છે એ કહેવા તને ફોન કર્યો હતો એ રીસીવ કરવાનો પણ તને સમય નથી. મને તો એજ નથી સમજાતું કે તારા જેવા વ્યક્તિએ અમને પૈસા કઈ રીતે આપી દીધા.”

એ બોલી રહ્યો હતો, હું બસ સાંભળી જ રહ્યો હતો, મોનીલ સહી સલામત હતો એ સાંભળ્યા બાદ એ જે કહે તે સંભાળવામાં મને કોઈ જ વાંધો ન હતો. ભલે એ મારું ગમે તેટલું અપમાન કરે હું સહન કરવા તૈયાર હતો.

“કદાચ તારા માટે એ ચેક નું કોઈજ મહત્વ નહી હોય, પાંચ લાખ તારા માટે બહુ નાની રકમ હશે એટલે તે અમને આપી, બાકી તને મોનીલની ચિંતા હોય એવું તો જરાય નથી લાગતું. જે હોય તે પણ અમારા માટે એ બહુ મોટી રકમ છે અને અમને એ મળી ગઈ છે એટલે અમે મોનીલને છોડી મુક્યો છે.”

મેં મારા કોટના ખિસ્સામાં હાથ સરકાવ્યો, ત્યાં ચેક ન હતો.

“હલ્લો…” હું બોલ્યો, પણ ફોન ડીસકનેક્ટ થઇ ગયો હતો. હું એને પૂછવા માંગતો હતો કે એને ચેક કોણે આપ્યો.

મેં ફટાફટ ભારતીને ફોન લગાવ્યો.

“મોનીલ ઘરે આવી ગયો છે?” ભારતીએ ફોન ઉપાડ્યો કે મેં તરત જ પૂછ્યું.

“હા, એ ઘરે જ છે.”

“કોણ ઘરે મૂકી ગયું એને?” મેં બેબાકળા થઇ પૂછ્યું.

“કોઈ અજાણ્યો વ્યક્તિ હતો, પણ તમને ઓળખતો હતો, એણે કહ્યું કે મોનીલ તમારી ઓફીસ નીચે ઉભો હતો. કદાચ એ સ્કુલથી ત્યાં આવી ગયો હતો એટલે તમેજ એને એ વ્યક્તિ સાથે ઘરે મોકલ્યો હશે એમ મને લાગ્યું….”

મેં  ફોન કાપી નાખ્યો. હું સમજી ગયો હતો એ એક ચમત્કાર હતો.

ચમત્કાર થયા પહેલા કોઈ એનામાં માનતું નથી અને થયા બાદ કોઈને એમાં માનવા માટે કહેવું પડતું નથી. કોઈ માને કે ન માને હું માનું છું કે ચમત્કાર થાય છે. અને એ ચમત્કાર બાદ પચ્ચીસ વરસથી રસ્તો ભટકી ગયેલ આશુતોષ બેલાણી ફરી એકવાર ભગવાનમાં શ્રદ્ધા ધરાવતો થઇ ગયો.

હા, હું આશુતોશ બેલાણી ફરી એક વાર વતનના ઘર કે જે વરસોથી સુનું પડ્યું હતું, ત્યાં રહેલી કૃષ્ણની મૂર્તિ સામે ઉભો છું, એજ મૂર્તિ કે જેની આગળ બેસી હું અને મમ્મી પ્રાથના કરતા, કદાચ એની પોતાના દીકરા માટે કરેલી પ્રાથના મારા દીકરાને ખપ લાગી હતી. કેમકે મેં તો વર્ષોથી પ્રાથના કરી જ ક્યા હતી? પણ આજે હું કહું છું કે હું ચમત્કારમાં માનું છું. કોઈ માને કે ન માને.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here