gujarati-varta-bicharo-garib

બિચારો ગરીબ..!

ધીમે ધીમે લોકોમાં હું જાણીતો અને લોકપ્રિય પણ બની ગયો હતો. એ સમયે મારા પુસ્તકો બજારમાં સૌથી વધારે ચાલતા હતા. છેલ્લે છપાયેલ પુસ્તક ‘અગ્નિસાક્ષી’ તો ધૂમ માચાવતું હતું! એ પુસ્તકની પ્રથમ આવૃત્તિના એક હજાર પુસ્તક તો માત્ર છ મહિનામાં જ વેચાઈ ગયા હતા.

એ દિવસે પબ્લીસર ભાનું નિર્મળનો મને ફોન આવેલ. નવી આવૃત્તિ માટે પ્રસ્તાવના, અર્પણ વગેરે આગળના પાનાનું લખાણ નક્કી કરવા મને મળવા બોલાવેલ. તેમજ મારા પુસ્તક માટે ભાનું ભાઈએ મને પાર્ટી સ્વરૂપે ફરવા જવા કહેલું.

બીજા દિવસે ભાનું નિર્મલને ત્યાં જવાનું નક્કી કરી હું એ દિવસે સુઈ ગયો.

બીજા દિવસે જાગ્યો એટલે પથારીમાં પડ્યો રહ્યો. હમણાં સુનંદા ચા લઈને આવશે. દસ મિનિટ ચાદર ચોળતો રહ્યો પણ “લ્યો… આ…. ચા…આ……” શબ્દો સંભળાયા નહિ!

એકાએક યાદ આવ્યું સુનંદા તો પિયર ગઈ છે. ચા વગર મારી સવાર એટલે ગોળ વગરનો શિરો! બધું ફિક્કું ફિક્કું જ લાગે! આમ તો ચા વગર હું જમીન ઉપર પગ ન મુકું પણ ભાનું ભાઈના ખર્ચે મફતમાં મુંબઈ ફરવાનું હતું એટલે પરાણે તૈયાર થઈ ગયો.

એ દિવસે પણ હું સ્વીફ્ટ લઈને નીકળ્યો. એ સમયે મેં નવી નવી સ્વીફ્ટ ડિઝાયર લાવેલી એટલે હું ગાડી લઈને જ નીકળતો. નવો નવો અભરખો હોય ને!

શરદ ચોકડીથી વળાંક લઈને મેં નિર્મળ પબ્લીકેશન આગળ ગાડી થોભાવી. ગાડીમાંથી ઉતર્યો પણ મૂડ ફ્રેશ નહોતો. સુનંદાની ચા નહોતી મળીને? થયું આજે હોટેલની ચા પી ને જ ચલાવી લેવું પડશે! આમ તેમ નજર દોડાવી. જાડા કાચના ચશ્માં આરપાર એક તરુણ છોકરો ચા ઉકાળતો નજરે ચડ્યો! થયું આજે તો પૈસા કાઢવા જ પડશે! કોઈ છૂટકો જ નથી!

આમ તો ભાનું ભાઈની ઓફિસે ચા મળી જાય પણ ત્યાં ચા શુ કામ પીવી? ત્યાં તો એમના તરફથી પાર્ટી છે ને તો કોફી જ મંગાવીશ!

કોફી માટે તેમજ ભાનું ભાઈના ખર્ચે મુંબઈ ફરવા મળશે એ હરખમાં હું ચા માટે પૈસા ખર્ચવા તૈયાર થઈ ગયો! આમ ખરું કહું તો હું કરકસર કરનાર માણસ. લેખક ખરો ને! અધૂરામાં પૂરું મારા પિતાજી યજમાન વૃત્તિનો વ્યવસાય કરતા એટલે યજમાનોનું બધું દક્ષિણામાં આવેલું જ ખાવા પીવાની આદત બાળપણથી જ કેળવાયેલી!

હરખવાયો થઈ હું એની લારી તરફ જવા લાગ્યો. લારીએ ગયો એટલે એ તરુણ છોકરો મને જોવા લાગ્યો. સામાન્ય રીતે ચાની લારી ઉપર કા’તો વૃદ્ધ ભાઈબંધો ચા પીવા આવે કા’તો પછી એકદમ જુવાનિયા. પણ સફેદ શર્ટ અને સિવડાવેલી પાટલુન ઉપર ચામડાંનો જાડો પટ્ટો, માપસરના શિક્ષક જેવા વાળ, શર્ટ ઇન કરેલ, પગમાં કાળા બુટ અને જાડા કાચના ચશ્માં વાળો માણસ પોતાની લારીએ ચા પીવા આવે એવી કદાચ એને કલ્પના જ નઈ હોય!

“એક ચા આપ બેટા?” મેં કહ્યું.

“હા સાહેબ.” હસીને એણે કહ્યું, “ઊકળે છે, બેસો.”

“વારુ કાઈ વાંધો નઈ.” બાંકડા ઉપર બેસતા મેં કહ્યું.

મને ઓળખાણ કાઢવાની આદત. આદત એટલા માટે પડેલી કે કૈક ખરીદી કરવા ગયા હોઈએ ને વાત કરતા કરતા કોઈ ઓળખાણ નીકળી જાય તો સો બસોનો ફાયદો પાક્કો! જોકે આ ચા વાળા પાસેથી તો મારે કાઈ ફાયદો લેવો નહોતો છતાં જૂની આદત પડેલ એટલે પૂછપરછ ચાલુ થઈ ગઈ.

“તારું નામ શું છે અલ્યા?”

“છગનિયો. ને તમે સાહેબ?”

“હું આલોકનાથ, આલોકનાથ ત્રિવેદી.”

મને હતું કે હમણાં મારુ નામ સાંભળતા જ ઓળખી જશે પણ એણે તો કોઈ ધ્યાન આપ્યું નહિ. મારો ચહેરો કેટલો ઝાંખો પડ્યો હશે એ તો આયનો હોત તો જ હું જોઈ શકોત! એણે તો જાણે મને સાવ ઉપેક્ષિત જ કરી દીધો! પણ એનો ક્યાં વાંક હતો જ? એ બિચારો ચાની લારી ઉપર જ રાત દિવસ ગાળે એ મને ક્યાંથી ઓળખે?

મેં આગળની વાતની અસર મન ઉપરથી હટાવવા બીજો પ્રશ્ન કર્યો, “હોટલ તારી છે કે નોકરી કરે છે?”

“ના સાહેબ મારી છે. લારી ઉભી રાખવાના મહિને બે હજાર આલુ છું આ દુકાન વાળાને.” લારી પાછળની દુકાન તરફ ઈશારો કરી છગને કહ્યું.

મારુ મોઢું તો આમ બંધ ન જ થાઓત પણ છગને ગરમ ચાનો કપ મારા હાથમાં આપી દીધો એટલે ચા પીવામાં મારી જીભ વ્યસ્ત થઈ ગઈ.

હું ચા પુરી કરું ત્યાં સુધી છગન ક્યારે કોઈના ઓર્ડર માટે કીટલી લઈને નીકળી પડ્યો એ જ ધ્યાન ન રહ્યું. એક તરફ મારે મોડું થતું હતું અને બીજી તરફ છગન મારા ઉપર ભરોશો કરીને ચાલ્યો ગયો હતો. બા બાપુજીના સંસ્કારને લીધે હું ક્યારેય ચોરી કે બેઇમાની ન કરતો બસ કરકસર કરતો!

મેં પાકિટમાં જોયું પણ છુટ્ટા પૈસા ન મળ્યા. એક માત્ર વીસની નોટ હતી. આજુ બાજુ નજર કરી પણ કોઈ પાનનો ગલ્લો પણ દેખાયો નહિ. ચા ના સાત રૂપિયા આપવાના હતા ને મારી પાસે હતી વીસની કરકડતી નોટ. તેર રૂપિયાનો ઘાટો પડતો હતો! પહેલા તો મન ખચકાયું પણ પછી થયું મફતમાં મુંબઈ જોવાનું છે બિચારા આ ગરીબને સાત રૂપિયાનું નુકશાન કેમ આપવું.

મેં વીસની નોટ લારી ઉપર મૂકીને જવાનો નિર્ણય કર્યો પણ અચાનક યાદ આવ્યું કે પૈસા કોણે મુક્યા એ કેમ ખબર પડશે? ખિસ્સામાંથી બોલ પેન કાઢી ઉપર મારુ નામ લખી દીધું. વીસની નોટ એક કપ નીચે સરકાવી હું ચાલતો થયો.

ત્રીજા માળે ભાનું ભાઈની ઓફીસ હતી. આમ તો લિફ્ટ હતી પણ લિફ્ટ મને ફાવે નહીં. લિફ્ટનો એક ખરાબ અનુભવ મને થયેલો. એક વાર ત્રિકમદાસને ત્યાં જતા લિફ્ટમાં ચડ્યો ને બીજા માળે જતા લાઈટ ગઈ એટલે ત્રણ કલાક એમાં ફસાયેલો પડ્યો રહ્યો. એ તો સારું થયું કે ચોપડો ને પેન જોડે જ હતા એટલે સમયનો સદઉપયોગ કરી દીધો હતો. એક પ્રસંગ કથા એ લિફ્ટમાં જ લખી દીધી હતી.

લિફ્ટને ના કહી હું સીડીઓ ચડવા લાગ્યો. ત્રીજા માળે ભાનું ભાઈની ઓફિસે ગયો.

“આવો ભાઈ આવો.” ભાનું ભાઈએ કહ્યું.

મોટા શ્વાસ લેતો હું બેઠો એટલે ભાનું ભાઈએ મને કોરા કાગળ પકડાવી દીધા. ફટાફટ મેં લખાણ તૈયાર કરીને કાગળ પાછા પકડાવી દીધા.

ભાનું ભાઈએ મને થોડી એડવાન્સ આપી અને પછી મુંબઈ ફરવા જવાનું આવતી કાલે સવારે જ રાખ્યું છે એમ કહ્યું.

રાજીના રેડ થતો હું બહાર નીકળી ગયો. આમ તો હું ક્યારેય ભાનું ભાઈની ઓફિસથી કોફી પીધા વગર નીકળતો નહિ પણ એ દિવસે મુંબઈ ફરવાના ટેસડામાં પહેલી વાર હું કોફી સાવ ભૂલી જ ગયો.

આમ તો મારી પાસે ગાડી ને એક સારું મકાન એ પણ સારા વિસ્તારમાં હતું. હું મારા પૈસે પણ મુંબઈ ફરી આવું પણ મનની વીતી મન જ જાણે. મુંબઈ જોવું કાઈ મોટી વાત નથી પણ હું જે પરિસ્થિતિમાં મોટો થયો હતો એ જોતાં મેં ક્યારેય રાજકોટ કે અમદાવાદ પણ નહોતું જોયું ને અચાનક આમ મફતમાં મુંબઈ ફરવાનું આમંત્રણ મળી જાય એટલે હરખ તો થાય જ ને!

હું વિચારોમાં સીડીના પગથીયા કૂદતો હતો. હજુ ઘરે જઈને સાસરિયે જવું પડશે. આ સારા ટાણે જ આને પિયર યાદ આવે છે. હવે એને આજે ને આજે લેવા જવું પડશે! લેવા ન જાઉં તો એ મુંબઈ જોયા વગર રહી ન જાય? પાંચસોનું ડીઝલ બગડશે! કાઈ વાંધો નહિ બિચારી મારા જેવાને પરણીને એને ક્યારે મુંબઈ દેખવા મળે? અમિતાભ બચ્ચનનો બંગલો ય જોઈ આવશું!

દાદરા ક્યારે પુરા થઈ ગયા એ તો ત્યારે જ ખબર પડી જ્યારે સામેથી કીટલી લઈને આવતો છગન મને ભટકાતો ભટકાતો રહી ગયો!

“અરે સાહેબ તમે? ક્યાં ચાલ્યા ગયા? હું તમને જ યાદ કરતો હતો.” કહી છગને કીટલી નીચે મૂકી ખિસ્સામાં હાથ નાખ્યો.

હું કઈ બોલ્યો નહીં. બસ એને જોતો રહ્યો. ખિસ્સામાંથી એક ચોળાયેલી દસની નોટ કાઢી અને પછી ઉપરના ખિસ્સામાંથી છુટ્ટા ત્રણ રૂપિયા ગણીને મને કુલ તેર રૂપિયા આપી દીધા.

મેં કહ્યું, “રાખ, હવે ચાલશે.”

“ના સાહેબ, મહેનત કે હક વગરનું આપણને ન ખપે!” છગને ગર્વથી કહ્યું, “એમ તો પેલું સામે મન્દિર છે ને ત્યાં બેસું તો ય ઢગલો થઈ જાય.”

મારા હાથમાં પરાણે પૈસા આપી “ચલો સાહેબ ઓર્ડર છે, ચા ઠંડી થાય એ પહેલાં જવું પડશે.” કહી એ સડસડાટ સીડીઓ ચડી ગયો.

મારો હાથ એમને એમ રહી ગયો. ચશ્માંના જાડા કાચ આરપાર મને એ તેર રૂપિયા દેખાતા હતા. છગનના કપડાં મેલા અને ક્યાંક ક્યાંકથી ફાટેલા હતા. આવી ગરીબી ને આવી ખુમારી? મારા કપડાં તો સ્વચ્છ અને નવા! એને લારી છે ને મારે ગાડી! એ આજે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં હું તો વર્ષો પહેલા હતો છતાં એની અસર કાયમ મારા માથે તોલાય છે ને આ છગન આજે ય કેટલો ગર્વથી જીવે છે?

સામેના મંદિર ઉપર નજર કરી હું ગાડી તરફ ગયો. ગાડીમાં બેસી ગાડી હાઇવે તરફ લીધી. ભાગ્યે જ હું ગાડી હાઇવે સુધી લઇ જવાનો ખર્ચ કરતો! પણ એક અજબની શક્તિ મારા મનમાં અસર કરતી હતી. મેં ફોન નીકાળીને સુનંદાને ફોન કર્યો.

“હલો…..”

“હા બોલો. સવારે ચા પીધી હતી કે કેમ? માથું તો નથી ચડ્યુંને? સવારથી તમને ફોન કરતી હતી પણ અહી નેટવર્ક જ નથી આવતું.”

“ખમ્મા કરો દેવી, ને સાંભળ હું આવું છું ત્યાં.”

“હે! કેમ? બે દિવસ તો રહેવા દો અને હું બસમાં આવી જઈશ ખોટું ડીઝલ બાળવાની જરૂર નથી.”

“બે દિવસ શું ચાર દિવસ રહેજે ને પણ મારેય બે દિવસ ત્યાં રહેવું છે.”

સુનંદા સ્તબ્ધ થઇ ગઈ. ને થાય એમાં નવી પણ નહોતી. સુનંદા ગરીબ ઘરની હતી એટલે જ મારી સાથે એના લગન થયા હતા નહીતર મને કોણ આપતું હતું સમાજમાં? અને મને એ વાત ખટકતી એટલે હું ક્યારેય સુનંદાના પિયરે જતો નહી.

“સાંભળ….. હું આવું છું હમણાં ત્યાં અને હા બ બાપુ અને તારા ભાઈને તૈયાર કરી રાખજે.”

“કેમ?”

“અરે આપણે મુંબઈ ફરવા જઈશું, આપણી ગાડીમાં, આપણા પૈસે.”

સુનંદાએ કઈ જવાબ ન આપ્યો. કદાચ એ બિચારી બેભાન થઇ ગઈ હશે!!!!! ને થઇ જાય ને કેમ કે પરણીને આવ્યા પછી હું એને કદી ગામના મંદિર સુધી પણ ગાડીમાં નહોતો લઇ ગયો!!!!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here