gujarati-varta-badsurat

બદસુરત…..

મને સવારથી વહેલા ઉઠવાની ક્યારેય આદત હતી જ નહિ. મને યાદ નથી મેં છેલ્લે ક્યારે સૂર્યોદય થતા જોયો હતો. હા મને સુર્યાસ્ત જોવા ગમતા અને હું સુર્યાસ્ત જોવાનું ચૂકતો પણ નહી. કદાચ સુર્યાસ્તનુ જ મારા જીવનમાં સૌથી વધુ મહત્વ હતું. મારી શીતલ સાથેની પ્રથમ મુલાકાત પણ એક સૂર્યાસ્તના સમયે જ થઈ હતીને!!!

પણ આજે કેટલાય સમયે મેં સૂર્યોદય જોયો. પૂર્વમાંથી રેલાતા સુરજના આહ્લાદક કિરણોને જોવાની મજા એટલે શું એ હું ઘણા સમય પછી જોઈ રહ્યો હતો. છતાં મને સંધ્યાની વેરાયેલ રંગો જેવી ભાત એમાં ન દેખાઈ. કોણ જાણે કેમ હું મુર્ખ હતો કે પણ જ્યાં દુનિયામાં બધા સૂર્યોદયને મહત્વ આપે મારા માટે હમેશા સુર્યાસ્ત જ મહત્વનો હતો.!!

કદાચ એનું એક કારણ મારી નકારાત્મક જિંદગી હોઈ શકે. મેં જીવનના ત્રેવીસ વરસ જીવનમાં કૈક બનવામાં પસાર કર્યા હતા પણ હું જીવનમાં કઈજ બની શક્યો ન હતો. મને એનો અફસોસ ન હતો પણ છેલ્લા નવ મહિનાથી હું શીતલને મેળવવા માંગતો હતો એની સામે મારા પ્રેમનો એકરાર કરવા માંગતો હતો પણ કોણ જાણે કેમ હું એ કરી શક્યો ન હતો.

ગઈ કાલે સુર્યાસ્ત સમયે અમે એ જ પથ્થરના પુલ પાસે મળ્યા હતા જ્યાં અમે પહેલી વાર મળ્યા હતા. નવ મહિના પહેલાનો એક સુર્યાસ્ત મારા જીવનમાં સુરજને ઉદય કરનારો નીવડ્યો હતો. હું ઓફિસથી આવી રહ્યો હતો અને મારી બાઈક એક પથ્થરના પુલ પાસે આવતા વળાંકમાં ખરાબ થઇ ગઈ. એકાદ કલાક મહેનત કરવા છતાં ન તો બાઈક ઠીક થઇ કે ન તો કોઈ અન્ય વાહન મળ્યું જેમાં હું લીફ્ટ લઇ એ બાઈક ત્યાજ છોડી ઘર સુધી આવી શકું.

હું કંટાળીને ત્યાં હભો હતો એટલામાં એક યુવતી ત્યાં આવી તેણીએ સફેદ ચૂડીદાર પહેરેલ હતો. એ દેખાવે એટલી બધી સુંદર ન હતી. ખાસ સુંદર કહી શકાય એમ જ ન હતી એમ કહો તો પણ ચાલે એમ હતી.

પણ જે હોય તે એ દિવસે એ મારા જીવનમાં દેવદૂત બનીને આવી હતી એના એક સ્પર્શની રાહ જોઈ રહ્યું હોય એમ મારું સી.ડી. ડીલક્ષ એના સુવાળા સ્પર્શ સાથે જ સ્ટાર્ટ થઇ ગયું. કોઈ મિકેનિકની અદાથી એણીએ પ્લગ બહાર ખેચી કાઠ્યો એના પર એક બે હળવી ફૂંક મારી ફરી એને જ્યાંથી ખેચી કાઠ્યો હતો ત્યાજ ભરાવી નાખ્યો.

બસ એ મુલાકાત બાદ જાણે એ મારી રાહ જોઇને ત્યાં પથ્થરના પુલ પાસે ઉભી રહેતી હોય તેમ હું ઓફિસથી પાછા ફરતી વખતે એને જોતો. અવારનવાર હું એને જોયા બાદ ત્યાં થોડીકવાર બાઈક ઉભું રાખી દેતો અને ચાવી ઇગ્નીશનમાંથી કાઢ્યા બાદ કીક મારતો જેથી એને એવું લાગે કે મારું બાઈક ફરી બગડી ગયું છે પણ એને એ ખબર પડી જતી હોય તેમ એ ક્યારેય ફરી મારું બાઈક ઠીક કરવા ન આવી.

છેલ્લા કેટલાક દિવસ પહેલા અમારી વચ્ચે ફરી વાતચીત થઇ અને ત્યારબાદ એકાદ મહિનાના સમયમાં મેં શીતલ સાથે અનેક સુર્યાસ્ત જોયા હતા. અમે પથ્થરના એ પુલ પર ઉભા રહી સુર્યાસ્તને જોતા અને એકબીજાથી વધુને વધુ પરિચિત થયે જતા હતા.

એવો જ એક સુર્યાસ્ત અમે ગઈ કાલે જોયો હતો. અમે એ પથ્થરના પુલ પર ઉભા રહી સુર્યાસ્તને નિહાળી રહ્યા હતા. ત્યાજ એણીએ મને કહ્યું કે એ બે દિવસ બાદ ક્યાંક જવાની છે અને ફરી ક્યારેય એ શહેરમાં આવવાની નથી.

બસ હું કાંઈજ જવાબ આપ્યા વિના ત્યાંથી ઘરે પાછો ફર્યો હતો પણ મને આખી રાત ઊંઘ ન આવી. શું હું શીતલને ચાહવા લાગ્યો હતો??

તો જ્યારે એણીએ કહ્યું કે એ શહેર છોડીને જવાની છે ત્યારે મેં એને કહ્યું કેમ નહી કે હું એને ચાહવા લાગ્યો છું??

શું એ ખુબ સુરત ન હતી એ ચીજ મને નડી રહી હતી??

પણ એ સુંદર ન હતી એ તો મેં પહેલે જ દિવસે જોઈ લીધું હતું તો પછી કેમ??

આખી રાત હું એના વિશે જ વિચારતો રહ્યો હતો એટલે જ તો મેં આજે સવારનો સૂર્યોદય જોયો હતો બાકી મારો ઓફીસ સમય દસેક વાગ્યાનો હતો એટલે હું આઠ-સાડા આઠ વાગ્યા પહેલા ક્યારેય ઉઠ્યો જ ક્યા હતો??

આખી રાત હું શીતલ વિશે જ વિચારતો રહ્યો હતો. આખી રાત ચાંદ સીતારાઓને જોયા કર્યા અને શીતલ વિશે વિચારવામાં વિતાવી નાખી હતી પણ હજુ કોઈ ફેસલા પર આવી શક્યો ન હતો.

રાતે ચંદ્રને નિહાળતી વખતે એમ લાગતું હતું કે સવારનો સૂર્યોદય આ ચાંદને ક્યાંક છુપાવી દે છે કેવું અજીબ છે??

સાથે સાથે એ ડર પણ લાગી રહ્યો હતો કે ક્યાંક આવનારો સૂર્યોદય મારા ચાંદને પણ ક્યાંક છુપાવી ન નાખે??? આવનાર સૂર્યોદય મારા ચાંદને પણ મારાથી ક્યાંક દુર ન કરી નાખે???

પૂરી રાત કસ્મકસમાં વીતી ગઈ. સૂર્યોદય થયા બાદ બસ એક જ વિચાર હતો આસમાનના ચાંદને તો જતો નથી રોકી શકતો પણ મારે મારા ચાંદને મારાથી દુર જતા રોકવાનો હતો.

દિવસ આખો એને શું કહીને રોકીશ એ વિચારવામાં વિતાવ્યો.

સુર્યાસ્ત થવાની તૈયારી થઈ એટલે હું ઘરથી એ જ સી.ડી. ડીલક્ષ પર નીકળ્યો.

આ રસ્તાઓ પણ કેટલા અજીબ હોય છે, જ્યારે ક્યાય જવાની ઉતાવળ હોય ત્યારે બહુ લાંબા થઇ જતા હોય છે!!!

હું પથ્થરના પુલ પર પહોચ્યો. બાઈક બાજુ પર ઉભું રાખી હું એ પુલની બાજુમાં લોખંડની પોલી પાઈપોથી બનાવેલી રીલીંગ પકડીને ઉભો રહ્યો. સંધ્યાના રંગો ખીલવા લાગ્યા હતા. આકાશ આખામાં એક અજીબ લાગ રંગ ઘેરાઈ રહ્યો હતો.

સુર્યાસ્ત થવા આવ્યો હતો એ હજુ કેમ ન આવી???

શું એ આજે જ શહેર છોડીને ચાલી ગઈ હશે??

હું મનોમન અફસોસ કરવા લાગ્યો મારે કાલેજ એને મારા મનની વાત કહી દેવી જોઇતી હતી. શીતલે મને કહ્યું પણ હતું કે એ બે દિવસમાં શહેર છોડીને જવાની હતી. મને આછો ઈશારો પણ કરી દીધો હતો કે હું મારા પાસે કોઈ મહત્વની વાત કહેવા માટે હોય તો એને કહી દઉં પણ મેં જ ભૂલ કરી હતી. મેં મારા મનની વાત મારા મનમાં દબાવી રાખી હતી.

“શું વિચારે છે મોહિત?” મારા કાન સાથે શીતલના શીતળ શબ્દો અથડાયા. મેં પાછળ ફરી જોયું, મારી સામે શીતલ ઉભી હતી. સાચું કહું તો એ મને છેલ્લા નવ મહિનામાં ક્યારેય એટલી સુંદર નહોતી દેખાઈ.

“આમ આંખો ફાડીને શું જોઈ રહ્યો છે હું એજ મોટી બદસુરત છોકરી છું જે તને નવ મહિના પહેલા આજ પથ્થરના પુલ પર મળી હતી.” શીતલે મજાક કરતા કહ્યું.

“કોણે કહ્યું તું મોટી અને બદસુરત છે? એકવાર મારી આંખોથી તારી જાતને જોઈ જો તને તારી સામે કોઈ સ્વર્ગની અપ્સરા ઉભી હોય એમ લાગશે.” મેં કહ્યું, મારા શબ્દોમાં મારા હ્રદયનું સત્ય હતું.

“જાણું છું મારે તારી આંખોથી જોવાની જરૂર નથી મને તારી આંખોમાં જ એ દેખાઈ રહ્યું છે આજે મારું સપનું પૂરું થયું છે.”

“હું તને ચાહું છું શીતલ.” મેં મોકો જોઈ એને કહી નાખ્યું.

“બસ આ શબ્દો સાંભળવા જ હું આવી હતી.” શીતલે કહ્યું.

“મતલબ..??” મેં કહ્યું.

“બસ હું આ શબ્દો સાંભળી જવા માંગતી હતી.”

“તો હવે ફરી ક્યારે મળીશું?” મેં કહ્યું.

“બહુ જલ્દી.” શીતલે મારી તરફ એક શીતળ સ્મિત ફરકાવ્યું અને પાછી ફરી જવા લાગી.

એ હંમેશાથી એવી રહસ્યમય હતી. ગમે ત્યારે એકાએક વાત કરતી દુર દેખાતા એના ઘર તરફ ચાલી નીકળતી.

ત્યાર બાદ મેં ઘણા સમય સુધી રાહ જોઈ પણ શીતલ ફરી મને ક્યારેય ન દેખાઈ… એકાદ મહિનો રાહ જોવા છતાં પણ જ્યારે એ મને ન દેખાઈ મેં એના ઘરે જવાનો નિર્ણય કર્યો.

એ દિવસે હું ઓફિસથી બપોરે જ નીકળી ગયો. પથ્થરના પુલ પરથી સીધા જ પસાર થઈ જવાને બદલે મેં બાઈક ડાબી તરફની પગદંડી તરફ વાળ્યું.

જે ઘરમાં હું શીતલને રોજ જતી જોતો એ ઘરને બારણે જઈ મેં બાઈક સ્ટેન્ડ કર્યું અને ઘરનો દરવાજો ખખડાવ્યો.

એક આધેડ વયની વૃધ્ધાએ દરવાજો ખોલ્યો.

“કોનું કામ હતું દીકરા?” એ સ્ત્રીનો અવાજ કોમળ હતો.

“શીતલ અહી રહે છે હું એને મળવા આવ્યો હતો?” મેં સવાલ કર્યો.

“હા, આ શીતલનું જ ઘર છે પણ તમે એને કઈ રીતે ઓળખો છો?” એ સ્ત્રીએ મને પુછ્યું.

“અમે દોસ્ત છીએ, આ શહેર છોડી જતા પહેલા એણીએ મને ફરી મળશે એવું વચન આપ્યું હતું એકાદ મહિનાથી રાહ જોયા છતાં એ નથી મળી એટલે હું એને શોધતો અહી આવ્યો છું.”  મેં એમના પ્રશ્નનો શું જવાબ આપવો એ ઘડીભર વિચાર્યું પણ ત્યારબાદ મને થયું કે જે હકીકત છે એ કહી જ નાખું. આમેય મારી પાસે જુઠું બોલવા માટે કોઈ જ શબ્દો ન હતા.

“અંદર આવ દીકરા.” એ વૃદ્ધાના અવાજમાં મા ના પ્રેમ જેવી મમતા અને શીતળતા હતી. મને થયું કદાચ શીતલના અવાજમાં મીઠાસ એની મા માંથી જ ઉતરી હશે.

હું એ વૃધ્ધા પાછળ ઘરમાં દાખલ થયો. હું ઘરમાં જઈ ફોયરમાં સોફા પર ગોઠવાયો અને એ વૃદ્ધાના દરેક પ્રશ્ન સાચા જવાબો મેં આપ્યા. એ સ્ત્રીએ લગભગ દસેક મીનીટના સવાલ જવાબમાં હું શીતલને ક્યારે મળ્યો અને અમારી વચ્ચે પ્રેમ કઈ રીતે થયો એ બધું જાણી લીધું.

હવે સવાલ કરવાનો વારો મારો હતો.

“માજી તમે મને તો બધું પૂછી લીધું પણ હું જે જાણવા અહી આવ્યો હતો એ ન કહ્યું. શીતલ ક્યા છે?” મેં કહ્યું.

“બસ હવે એજ કહું છું. પણ દીકરા તે એને દિલથી પ્રેમ કર્યો એ બદલ પહેલાતો તારો અભાર માનવા માંગુ છું.”

“એમાં આભાર માનવા જેવું શું છે એ મારા હ્રદયને પસંદ આવી એટલે મેં એને ચાહી છે.” મેં કહ્યું.

“એવું તારું માનવું છે પણ દુનિયાનું નથીં તું જાણે છે શીતલ બાળપણથી જ સુંદર ન હોવાને લીધે દુખી રહેતી હતી. એ માટે નહી કે એ સુંદરતા ચાહતી હતી પણ એ માટે કે દુનિયા એને અપમાનિત કરતી હતી. બધાજ એને નીચી બતાવવાનો પ્રયાસ કરતા રહેતા હતા. શીતલને જ્યારે એની સગાઇ જોવા આવનાર બે ત્રણથી પણ વધુ છોકરાઓએ નાપસંદ કરી એ એકદમ ભાંગી પડી કેમકે એને ચાહનાર એની સાથે પ્રેમ કરનાર તો કોઈ હતું જ નહી, એની સાથે કોઈ લગન કરવા પણ તૈયાર નથી એ સત્ય જાણ્યા બાદ એ એકદમ ભાંગી પડી હતી. એ છોકરીએ પોતાની કમીઓ પૂરી કરવાના અનેક રસ્તા અપનાવ્યા. પણ કોઈ જ રસ્તો કામ ન આવ્યો, એ પોતાની જાતને સુંદર બનાવવામાં નિષ્ફળ રહી આખરે તેણીએ પોતાની જાતને પાતળી અને સુંદર બનાવવા ખાવા પીવાનું અને પોતાના શરીરનું ધ્યાન રાખવાનું પણ બંધ કરી નાખ્યું. એના શરીરમાં એક માનસિક બીમારી ઘર કરી ગઈ હતી, બસ એને એક જ ઘેલું લાગ્યું હતું કે એ પાતળી અને સુંદર બનશે અને એને પણ કોઈ ચાહનાર મળી રહેશે.”

વૃદ્ધાએ જરાક થોભી ભૂતકાળમાં ફરી ડોકિયું કર્યું.

“એના પિતા જીવિત હોત તો પણ એને કઈ સમજાવત પણ હું એની એ જીદ છોડાવવામાં નિષ્ફળ રહી. મેં એને ગુમાવી નાખી..” વૃધ્ધાની આંખમાં આંસુ હતા.

“શું થયું હતું એને?” મેં નવાઈ પામી કહ્યું. મેં મહિનાઓથી એને અહી આવતા જતા જોઈ હતી અને એ વૃધ્ધા કહી રહી હતી કે એ એને છોડીને ચાલી ગઈ.

“એનીએ સામેના પથ્થરના પુલ પરથી પડતું મૂકી એનું જીવન ટૂંકાવી નાખ્યું.” કહેતા એ વૃદ્ધ ઉભી થઇ અને એક રૂમનો દરવાજો ખોલ્યો. હું પણ એની પાછળ એ રૂમમાં ગયો.

રૂમમાં જતાજ મારી આંખો નવાઈથી પહોળી થઈ ગઈ. રૂમની દીવાલ પર શીતલના ફૂલ સાઈઝના ફોટા પર હાર ચડાવેલ હતો.

હું એકપણ શબ્દ બોલી ન શક્યો. હું એ ઘર બહાર નીકળી ગયો. બાઈક ચાલુ કરી એ પથ્થરના પુલ પર આવી ઉભો રહી ગયો. સાંજ સુધી ત્યાજ બેસી રહ્યો.

પુલની કિનાર પકડી ઉભા રહી હું શીતલ વિશે વિચારી રહ્યો હતો ત્યા જ જાણે શીતલ મારી સામે આવી એકાએક ઉભી રહી ગઈ.

“મને માફ કરજે મોહિત પણ જ્યાં સુધી મને કોઈ પ્રેમ કરનાર ન મળે હું આ સંસારનો મોહ છોડી જઈ શકું તેમ ન હતી પ્રેમની અભિલાષા એટલી ઊંડી હતી કે મૃત્યુ બાદ પણ હું એ મેળવવા ભટકતી રહી પણ જ્યારે એ પ્રેમ મને તારી આંખોમાં દેખાયો મારી બધી બદ્સુરતી ચાલી ગઈ, તારી આંખોમાં મેં શીતલને સુંદર અને શીતળ જોઈ. બસ મારી અભિલાષા, મારી આરાધના પૂરી થઈ ગઈ.. હું જાઉં છું મોહિત મને માફ કરજે.”

હું કાઈ બોલી શકવા સમર્થ ન હતો છતાં મેં પોતાની જાત પર જાણે દબાણ કરીને શબ્દો બહાર નીકાળ્યા કેમકે હું જાણતો હતો કે ફરી શીતલના એ શીતળ વેણ સાંભળવા મળવાના હતા નહી.

“ફરી ક્યારે મળીશું?”

“ક્યારે એ તો ખબર નથી પણ ફરી એક સુંદર ચહેરા સાથે તને મળીશ એની મને ખાતરી છે.”

એના શબ્દો હવામાં અદશ્ય થાય એ પહેલા તે પોતે પણ પાતળી હવામાં ઓગળી ગઈ હોય એમ અદશ્ય થઇ ગઈ. બસ જતા જતા મને એક સ્મિત આપતી ગઈ, કદાચ એના જીવનમાં એના ચહેરા પર આવેલું પ્રથમ સુખ અને સંતોષનું સ્મિત જે હું આજે પણ સાચવીને બેઠો છું.

જે સ્મિતના સહારે આજે પણ હું શીતલનો ઇન્તજાર કરી રહ્યો છું.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “બદસુરત…..”

  1. ખૂબ જ સુંદર રીતે લખાયેલી વાર્તા. વાંચતા વાંચતા ક્યારે હું આ કહાનીનું મુખ્ય પાત્ર બની ગઈ એ ખયાલ જ ન રહ્યો…👍

    બધા મોસ્ટલી ત્રીજા પુરુષ એક વચનમાં વાર્તા લખતા હોય છે, અહીં પહેલા પુરુષ એક વચનમાં વાંચીને અતિ આનંદ થયો…બેસ્ટ ઓફ લક 💐

Comment here