gujarati-varta-avatar

અવતાર

હું સ્ટેશન પર બેઠો હતો. હું મારા વિચારોમાં વ્યસ્ત હતો. મને એ દિવસે જાણે દુનિયાની કોઈજ ફિકર ન હતી. જીંદગીના એ મોડ પર હું હતો જયાં મેં એક ફેસલો લીધો હતો. વરસો બાદ કોઈ ફેસલો લીધો હતો.

પણ શું મારો એ ફેસલો યોગ્ય હતો? બસ વાર વાર હું મારી જાતને એ સવાલ પૂછી રહ્યો હતો. હું ઘણા પ્રયાસો કરી રહ્યો હતો પોતાની જાતને સમજાવવાના કે મારો એ નિર્ણય યોગ્ય હતો. હું જે કરવા જઈ રહ્યો હતો એના શિવાય મારી પાસે કોઈજ રસ્તો ન હતો. મેં બધીજ કોશિશ કરી હતી પણ હવે કાંઈજ ફેર પડે એમ ન હતો. પાણી માથાથી ઉપર થઇ ગયું હતું, મેં જીવનભર બહુ સહન કર્યું હતું અને કદાચ એનું કારણ એ હતું કે હું ક્યારેય કોઈ ફેસલો નહોતો લઈ શક્યો, કદાચ એનું કારણ એ હતું કે હું જીવનમાં ક્યારેય એક નિર્ણય પર ન હતો પહોચી શક્યો, ક્યારેય મારી જાતે તો નહિ જ. મેં હમેશા અન્ય લોકોના સલાહ મસવરાથી જ કોઈ નિર્ણય લીધો હતો.

પણ મારો આજનો નિર્ણય અફર હતો. હું મારા મનને વિચલિત થવા દેવા ન હતો માંગતો એટલે મેં વિચારવાનું બંધ કરી મારી આસપાસના વાતાવરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

હું સ્ટેશનની તરપાલ નીચે હતો અને બહારના ભાગમાં વરસાદ પોતાનું પૂરું જોર લગાવી રહ્યો હતો, પણ મુસાફરો પણ જાણે એની સામે જીદે ચડ્યા હોય એમ એક પછી એક આવતા જતા હતા અને ટ્રેનમાં ચડ્યે જતા હતા. મને એ દિવસ યાદ આવી ગયો જ્યારે મારી અને નેહાની મુલાકાત થઇ હતી.

એ દિવસે પણ હું આજની જેમ ઉતાવળમાં હતો, હું સ્ટેશનમાં હતો અને આજ વરસાદ.. બધુ જ જાણે મને પહેલા દિવસની યાદ અપાવવા ત્યાં તૈયાર હોય એમ લાગી રહ્યું હતું.

“આઠ ત્રીસની લોકલ ટ્રેન નીકળી ગઈ?” મેં એક વ્યક્તિને પૂછ્યું હતું પણ એ વ્યક્તિ મારાથી પણ વધુ ઉતાવળમાં હોય એમ નીકળી ગયેલ. મને કોઈજ જવાબ આપવાની દરકાર એને નહોતી કરી.

શું સાડા આઠની ટ્રેન નીકળી ગઈ હતી? મારા મનમાં એક ધ્રાસકો પડ્યો હતો.. નાના એવું ન થઇ શકે એ ટ્રેન નીકળી ગઈ હોય એમ કેમ બને હું તો સવા આઠ થી જ ત્યાં હતો. આઠ ચોવીસની અમરનાથ જવા વળી ટ્રેન પણ મારા સ્ટેશને પહોચ્યા પછી નીકળી હતી તો સાડા આઠની ટ્રેન કઈ રીતે નીકળી શકે?

હું ચિંતાના વાદળોમાં ઘેરાયેલ આમતેમ રઘવાયો થઇ ફરી રહ્યો હતો ત્યાજ મેં સામેથી આવતી એક યુવતીને જોઈ. એ વીસેક વરસની યુવતીના હાથમા એક વજનદાર એવું બેગ હતું અને એની આંખોમાં મારી જેમજ ચિંતા હતી. કદાચ એ પણ મારી જેમ ટ્રેન ચુકી ગઈ હશે એવું મને લાગ્યું.

“આઠ ત્રીસની ટ્રેન નીકળી ગઈ?” એણીએ મારી નજીક આવી પૂછ્યું.

“હું પણ એજ તપાસી રહ્યો છું.” મેં કહ્યું અને અમે બંને ટ્રેનની રાહ જોવા લાગ્યા.

“તમે?” કદાચ ટ્રેન આવે ત્યાં સુધીનો સમય પસર કરવા એણીએ સ્વાભાવિક સવાલ કરેલ.

“નરેશ કાનાણી.” મેં જવાબ આપ્યો, “અને તમે?”

અમારા વચ્ચેની વાત ચિત કોઈ ફિલ્માં દ્રશ્યની માફક ચાલી રહી હતી.

“નેહા, નેહા વસાવા.”

એ દિવસનો પરિચય ત્યારબાદની અવારનવાર થતી સ્ટેશન પરની મુલાકાતોમાં વધતો ગયો અને અમે ક્યારે એકમેકને ચાહવા લાગ્યા અમને પોતાને જ ખબર ન રહી.

એકવાર ટ્રેનમાં ચડતા નેહા પડી જાય તેમ હતી, મેં એનો હાથ પકડી લીધો અને બસ ત્યાર પછી મેં એનો હાથ કાયમી માટે પકડી લીધો હોય એમ અમે એકમેકથી જોડાઈ ગયા.

હું હમેશા એક જ જગ્યા એ થી ટ્રેનમાં ચડતો અને નેહા પણ એજ સ્થળેથી ટ્રેનમાં ચડતી. ટ્રેન આવે ત્યાં સુધી અમે વાતોમાં ખોવાયેલા રહેતા તો ક્યારેક એ મને અનિમેષ પણે જોઈ રહેતી, ધીમે ધીમે હું એના હ્રદયને સમજવા લાગ્યો હતો. આખરે એક દિવસ મેં મારા મનની વાત એને જણાવી દીધી. મેં એને કહી દીધું કે હું મારું બાકીનું જીવન એની સાથે વિતાવવા માંગતો હતો અને મને આશા હતી એ મુજબ એણીએ મારા પ્રસ્તાવને હર્ષના આન્શુઓથી વધાવી લીધો. પણ લગ્ન પહેલાનો એ પ્રેમ લગ્ન બાદ પાંગળો બની ગયો. થોડાક જ દિવસોમાં અમારા વચ્ચે નાની નાની બાબતે મતભેદ થવા શરુ થઇ ગયા.

મારી ઓફીસ થાણેમાં હતી. હું એકલો જતો અને આવતો, લગન પહેલા મારી સાથે સ્ટેશન પર સમય વિતાવનાર નેહા હવે ઘરે મારી રાહ જોઈ રહી હોતી.

ધીમે ધીમે એનો સ્વભાવ મને એકદમ બદલાયેલ લાગ્યો. એના સવાલો મને અકળાવી મારવા લાગ્યા. એ જાણતી હતી કે લોકલ ટ્રેનોનું કાંઈજ નક્કી ન હોય. એ જાણતી હતી કે લોકાન ટ્રેનની મુસાફરી માં વેલા મોડું થાય પણ બસ એને મારી સાથે વિવાદ કરવાનો મોકો જોઈતો હોય એમ એ મારા સાથે ઝગડવા માંડતી. આજે કેમ આટલું મોડું થયું? સ્ટેશન પર કોઈ બીજી નેહા મળી ગઈ હતી કે શું?

બસ મને એના એ શકભર્યા સવાલો ન ગમતા. અમારા વચ્ચેના નાના વિવાદો ધીરે ધીરે મોટા થતા ગયા અને એકાદ બે વાર તો અમારા વચ્ચે ડીવોર્ષ લેવાની વાત પણ થઇ હતી. હું જાણતો હતો કે એ હવે મારી સાથે રહેવા ન હતી માંગતી.

નેહાએ એના મા બાપની મંજુરી વિના મારાથી લગન કર્યા હતા એટલે મારાથી ડીવોર્ષ લઈ એ પિયર પણ જઈ શકે તેમ ન હતી. સાવ એવું પણ ન હતું કદાચ એ એના ઈગોને લીધે એવું નહી કરી શકી હોય કેમકે લગન ના ત્રણેક મહિના બાદ એના ઘરવાળા અમને મળવા આવ્યા હતા.. એમણે અમારા લગનને મંજુરી આપી દીધી હતી, અમે પણ એકાદ બે વાર એના ઘરે મળવા ગયા હતા પણ કેમ નેહામા ઈગો હતો કે ખબર નહી જે કારણ હોય તે એને એના પિયર જવાનું ઓછું ગમતું.

અચાનક મારા ખભા પર મેં એક હાથ મહેસુસ કર્યો. હું નેહાના વિચારોમાંથી બહાર આવ્યો. મેં પાછળ ફરી જોયું. એક દુબળો પાતળો આધેડ વયનો વ્યક્તિ મારી સામે ઉભો હતો.

“બાબુજી કઈક આપીદો બે દિવસથી કાંઈજ ખાધું નથી, બહુ ભૂખ લાગી છે.”

મેં એના ચહેરા તરફ જોયું. તેની હાલત અત્યંત દયનીય હતી, સફેદ અને વિખેરાયેલા વાળ, જુનું પુરાણું મેલું શર્ટ, જે અઠવાડિયાઓથી ધોયેલ નહી હોય આવું લાગતું હતું. ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી, એ વૃદ્ધ ન હતો. હું સમજી ગયો કે એ દરેક કરચલી તેણે ભોગવેલ દુખ અને તકલીફોએ તેના ચહેરાને આપેલી ભેટ હતી. એની આખોમાં અજબ દર્દ હતું, એ દર્દે મને જાણે એની સાથે બાંધી લીધો, જે રીતે પહેલી વાર નેહાને જોઈ અને મારી આંખો એની આંખોથી લોક થઇ ગઈ હતી એજ રીતે એ અજાણ્યા ભિખારીની આંખો સાથે મારી આંખો સાથે મળી.. મેં કદાચ એટલી માયુશ આંખો પહેલા ક્યારેય જોઈ ન  હતી.

“બાબા, કેટલા આપું?” મેં એના તરફ દયા દાખવતા કહ્યું.

“બાબુજી તમારી ઈચ્છા,હું કઈક ખાઈ શકું એટલા આપજો.” મને લાગ્યું કે કદાચ એ ગુજરાતી ન હતો કેમકે એનો ગુજરાતી બોલવાનો સલીકો ગુજરાતીઓ જેવો ન હતો. પણ મને એનાથી શું મારે તો એની મદદ કરવી હતી. અને આમેય મુંબઈના સ્ટેશન પર કોઈ હિન્દીભાષી વ્યક્તિ જોઇને નવાઈ પામવા જેવું ન હતું, ત્યાં મોટાભાગના લોકો મને હિન્દીભાષી જ મળતા.

મેં મનોમન વિચાર્યું, પાંચ દસ રૂપિયાથી બિચારાનું શું થવાનું હતું? મેં ખિસ્સામાંથી પચાસની નોટ કાઢી અને એના હાથમાં મૂકી દીધી.

એણે નોટ હાથમાં લઈ મને હાથ જોડ્યા, મને એકાએક થયું કદાચ એ કાઈ ખસે નહિ તો? મારી ટ્રેનને હજુ અડધાએક કલાકની વાર હતી એટલે હું તેને સામે રહેલ એક હોટલ તરફ દોરી ગયો, અમે જરાક વાર વરસાદમાં ભીંજાતા એ ટાપરી સુધી પહોચ્યા.

“દો ચાય ઔર એક બિસ્કુટ કા પાકીટ દેના.” મેં એ ટાપરી વાળા તરફ જોઈ કહ્યું, મને ખબર હતી કે એ ટાપરી વાળો ભાઈ હિન્દીભાષી હતો. હું ઘણીવાર ટ્રેન મોડી હોય ત્યારે એ ટાપરી પર ચા પીતો.

“બેઈઠો શેઠ.” કહી એણે બે કપમાં ચા લાવી, એક કપ મને આયો અને બીજો કપ પેલા ભિખારી જેવા લાગતા વ્યક્તિના હાથમાં આપ્યો, થોડીક વાર પછી તેને એને બિસ્કીટનું પડીકું આપ્યું.

“બાબા, તુમારી એ હાલત કેસે હુઈ?” મારાથી ચાનો ઘૂંટ લેતા અનાયાસે જ પુછાઈ ગયું.

“મેં…મે…લાડો કો ચાહતા થા વો ભી મુજે બહોત ચાહતી થી પર સાબ હમારે બીચ ના જાને કેસે પર ફાસલા બઢ ગયા..એક બાર ગલત ફહમી કા શિકાર બને મેં ઉસે છોડકર ચલા ગયા…ઉસને અપને તાઉ કે ખિલાફ જાકે શાદી જો કી થી વો મેરે જાને કે બાદ ભી અપને મઈકે નહી ગઈ, કિરાયે કે ઉસી ઘરમે રહને લાગી..મેં મહિનો તક મુંબઈ મેં રહા..ઇધર ઉધર કામ કિયા પર આખિર મુજે પછતાવા હુવા કી મેને ગલત કિયા હે, મેં અપને ઘરકો ચલ પડા..જબમેં ઘર ગયા તો ઘર ખાલી થા. વહાં કોઈ નહી થા..મેને દેખા આગનમેં જો તુલસીકા પોધા થા વો સુખ ગયા થા…મુજે લગા લાડો અપને માઈકે ચલી ગઈ હોગી..મેરે ઘરકે બહાર એક કચનાર કા પેડ થા ઉસકે નીચે જાકે મેં બેઠ ગયા…તભી આસપાસ કે લોગ આયે ઔર મુજે અજીબ તરીકેસે દેખને લગે…આખિર મુજે માલુમ હુવા કી મેરે જાને કે કુછ દિનો બાદ લાડોને અપને આપકો ઉસ કચનારસે લટકા દિયા થા..મેરે હાલત જિસ ઘર કે ઉપર ખપરેલો કા છાજન ન હો એસી હો ગઈ. મેં ફિર વાપિસ મુંબઈ આ ગયા..મેરા મન કિસી કામમે લગ ન પાયા..મેં આધા પાગલ હો ચુકા થા..”

એનાથી આગળ એ ભિખારી જેવા લાગતા વ્યક્તિએ શું કહ્યું એ મને કશુજ સાંભળ્યું નહી, મને લાગ્યું જાણે કે હું મારી આવતી કાલ સામે ઉભો હતો..હું આજે એમજ વિચારીને આવ્યો હતો કે નેહાને છોડીને ક્યાંક ચાલ્યો જાઉં….!! એની કહાનીની વેદના મારી આંખોમાંથી ટપકવા લાગી..હું ખુદને રોકી ન શક્યો હું એ ભિખારીને ભેટી પડ્યો…

હું ઓટોમાં ઘર તરફ રવાના થયો…હું ઘરમાં દાખલ થયો ત્યારે નેહા રસોડામાં હતી મને આવેલ જોઈ તરતજ બહાર આવી અને પૂછવા લાગી, “ક્યા હતા? આટલી વાર કેમ લાગી? આગલું મોડું કેમ થયું?”

“મને રસ્તામાં ભગવાન મળ્યા હતા.” કહેતા હું એને ભેટી પડ્યો.. એના પછી એણીએ કેટલા અને કયા કયા સવાલો કર્યા એ મને યાદ નથી..બસ મને એકજ ચીજ યાદ છે એ દિવસ પછી મને નેહાના કોઈ નકામા સવાલથી કંટાળો કે ગુસ્સો નહોતો આવતો..કદાચ એ વખતે મને પેલા ભિખારી કાકાનો ચહેરો યાદ આવી જતો. હું એ ભિખારી કાકાનો આભાર માનવા ઈચ્છતો હતો પણ ફરી વાર મને એ ક્યારેય ન દેખાયા.. હું નથી જાણતો એ કોણ હતા. મારા માટે એ અવતાર સમાન હતા.. મારે માટે એ કોઈ ભગવાનના અવતરથી કમ ન હતા.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here