gujarati-varta-amulya-bhet

અમૂલ્ય ભેટ..! 

કાળુંને બાપા ગુજરી ગયા એટલે એમા રીત રિવાજો, સમાજ જમાડવામાં ને કુવાસીઓને ઓઢામણા આપવામાં બે વિધાની કટકી ( ખેતર ) વેચવું પડ્યું!

ચોથા દિવસ સુધી કાળું આમ તેમ સગા વ્હાલાઓમાં ફર્યો પણ કોઈએ રાતી પાઈએ આપી નહિ! લાલ ત્રોમ્બીયો મળ્યો નહિ! સવજી ભાટાએ ગામમાં બધાને ત્યાં ટાણે કટાણે ( સારા અને ખરાબ પ્રસંગોએ લગ્ન અને મૃત્યુમાં ) બધાને ત્યાં વાળું પાણી લીધેલા. હવે સવજી ભગવાનને ઘેર ગયા ને જો એ બોજો ન ઉતારે તો કાળુંને જીવતર જાણે ધૂળમાં મળ્યું!

કાળુંએ તો ગામના રૂપસી પટેલ શાહુકાર પાસે જઈને કટકી ગીરવે મૂકીને પચાસ હજાર રૂપિયા લઈ આવ્યો. બાપુજી પાછળ ગામ, સમાજ જમાડયું ને કુવાસીઓને ઓઢામણા કર્યા.

એ પછી તો ભગા પટેલને ત્યાં એક વર્ષ ભાગમાં વાવ્યું પણ પાક સારો થયો નહિ તે માંડ છેડા મળ્યા! રૂપસી પટેલનું દેવું ચૂકવાયું નહિ. શાહુકારોની એક આદત મુદ્દતે નાણાં ન મળે તો તારણમાં મુકેલ ચીઝ લઈ લે! રૂપસી પટેલે પણ એ જ કર્યું. કાળુની બે વિઘાની કટકી કબજે કરી નાખી!

કાળુને ગામથી ને શાહુકારથી નફરત થઈ ગઈ. આ તે વળી કેવા સગા ને કેવા વ્હાલા! કોઈએ મને મદદ ન કરી ભૂંડા! મારા બાપે જીવતા જીવંત કેટલાના કામ કર્યા હતા ને આભ ફાટ્યું તે કોઈ ના આવ્યું!

એ જ દિવસે ભાવનગરથી બોલાયો મોટો ટેમ્પો ને ભર્યો સામાન એમાં. રમી ને કીધું ‘હાલ આપણે અહીં નથી રહેવું, આ ગામ તો હવે મને મસાણ જેવું લાગે!’

રમી પણ મનમાં તો ગામને ગમાંડતી ન’તી તે પતિના બોલે ઝટ તૈયાર થઈ ગઈ!

ભાવનગરમાં કાળુંએ રતન પોળમાં એક રૂમને રસોડાનું મકાન ભાડે લીધું. એમાં રહેવા લાગ્યો. ત્રણ દિવસ ફર્યો શહેરમાં ને ચોથા દિવસે માર્કેટમાં નોકરી મળી ગઈ!

કાળું શાક માર્કેટમાં સવારે ત્રણ વાગે જાય. રમી વહેલી ઉઠી ચા બનાવે. પછી પાછી સુઈ જાય. છ વાગે કાળું આવે એટલે પાછી જાગે. જાગીને સુલેખાને જગાડે!

ત્રણથી છ મા શાકભાજી ઉપાડીને થાકેલા કાળુને દીકરી સુલેખાનું મોઢું દેખવા મળે કે થાક ક્યાંય ગાયબ થઈ જાય! બાપ ખરો ને!

પંદરેક દિવસ ગયા પછી સુલેખાને નજીકની શાળાએ ભણવા બેસાડી. ગામડે ત્રણ ધોરણ તો સુલેખાએ પુરા કર્યા હતા. ચોથાની પરીક્ષા બાકી હતી પણ કાળુએ અહીંના આચાર્યને હાથ જોડી વિનવણી કરી એટલે એને ચોથામાં જ બેસાડી દીધી!

પછી તો સુલેખા ભણવા જાય, કાળું કામે જાય ને રમી ઘરના કામ કરે. સુલેખાને શાળાએ લેવા મુકવા રમી જાય ત્યારે વળતા ઘરનો સામાન પણ લેતી આવે. સરસ રીતે જીવન ચાલવા લાગ્યું. પણ કાળુનું નસીબ થોડું ખરાબ હતું !

એક દિવસ સુલેખાને મૂકીને આવતી વખતે રમીને એક રીક્ષાવાળે અડફેટે લીધી અને ડાબો હાથ ભાંગી ગયો! ભાવનગરની પ્રજા સારી કે તરત દવાખાને લઈ ગયા ! રમીને હાથ સિવાય ક્યાંય વાગ્યું નહોતું એટલે બેભાન ન થઈ. એણીએ માણસોને કાળુનું ઠેકાણું કહ્યું. એક બે જુવાનિયા માણસો કાળુને બોલાવી લાવ્યા.

કાળું પોતાની લારી માર્કેટમાં જ મૂકીને દોડતા પગે દવાખાને ગયો. ડોકટર નરોત્તમ દાસ પણ ભલો હતો એટલે પ્લાસ્ટર વગર પૈસા ચૂકવ્યે જ કરી નાખ્યું!

કાળું પહોંચ્યો ત્યારે ડોક્ટરે બિલ આપ્યું અને કહ્યું કે પંદર દિવસે પગાર થાય એમ નાણાં ચૂકવતો રહેજે. કાળું એ ભગવાન જેવા ડોકટરનો આભાર માન્યો અને ઘરે ગયા.

પંદર વિસ દિવસ પાટો રહ્યો. ફ્રેક્ચર નાનું હતું. હળવી ક્રેક હતી એટલે દોઢેક મહિનામાં હાથ સાજો થયો. પણ ડોક્ટરનું બીલ ચુકવવામાં કાળુને ઘરના છેડા મેળવવા ભારે પડ્યા.

રમી સાજી થઈ ગઈ પણ કાળુને એક વાત ખટક્યા કરે! અહીં પોળમાં રહેવા આવ્યો ત્યારના દસેક દિવસ પછી સાંજના ટાણે સુલેખા ઘરને દરવાજે બેસીને સ્કૂલનું હોમવર્ક કરતી હોય પણ એનું ધ્યાન ક્યાંક બીજે જ રહેતું ! સામેના મોટા બેમાળના મકાનમાં આંગણું હતું ત્યાં બીજા છોકરા ને છોકરીઓ ઢીંગલી, ટેડી બિયર ને મોટર, વિમાન એવા રમકડાથી રમે. સુલેખા કોઈને ઓળખે નહિ એટલે માત્ર એ બધું જોયા કરે!

કાળું એ બાબત દોઢેક મહિનાથી ધ્યાનમાં લેતો હતો પણ પૈસા હતા નહિ રમકડાં લાવવા કેમ ? પોતાની ઢીંગલીને એકેય રમકડું નહિ ! એક તરફ ડોક્ટરનું દેવું, એક તરફ સ્કુલની ફી, એક તરફ ચોપડા વગેરેનો ખરચ ! કેમેય કરતા મેળ પડે નહીં જ !

એક રવિવારે સુલેખા એમ જ બેઠી હતી. ગણિતના દાખલા ગણતી ગણતી ઘરને બારણેથી સામે રમતા છોકરા છોકરીઓને જોઈ રહી હતી…

પાછળથી કાળુંએ આવીને એના માથામાં હાથ ફેરવ્યો.

“બેટા તારે એવા રમકડાં જોઈએ છે ને ?” સુલેખાના વિલા મોઢા સામે જોઈ પૂછ્યું.

“હા પપ્પા….” અહીં ભાવવનગરમાં આવીને સુલેખા પપ્પા બોલતા શીખી ગઈ હતી!

“આવતા મહિને પાક્કું લઈ આવીશ તારા માટે એક રમકડું!”

સુલેખા તો રાજી રાજી થઈ ગઈ. સપનાઓમાં રચવા લાગી ! બાળક હોય જ છે એવું ! કાળું એના ચહેરાની ખુશીઓ જોઈ રહ્યો ! આંસુ પડવા ન દીધા ! પોતે રડે તો નાદાન દીકરી પણ રડે !

એ પછી કાળું ત્રણ વાગ્યે જાય ખરો પણ કાયમ જેમ સવારે છ વાગ્યે પાછો ન આવે નવ દસ વાગ્યે આવે ! એક બે વાર રમીએ પૂછ્યું,

“કેમ હવે એમ મોડું કરો છો ?”

“અરે મારા શેઠનેય તારી જેમ પગ ભાગ્યો છે બિચારાને એટલે દુકાને બધું કામ હું જ કરીને આવું છું.” કાળુંએ એવી રીતે વાત ઉપજાવી કે ભોળી રમીને સાચું જ લાગ્યું !

“બિચારાને ! શેઠ તો ભલા છે તમે કાળજી લેજો. ટાઈમ સર પંદર દિવસે પગાર આપી દે છે બિચારા !”

કાળુ હસીને એની દયાળુ પત્નીને જોઈ રહ્યો.

બીજા દિવસે કાળું સવારે લારી લઈને ગયો. કામ પતાવીને શેઠ પાસે પૈસા માંગ્યા.

“કાળું, તે આ પંદર દિવસ વધારે કામ કર્યું એના બસોને ત્રીસ રૂપિયા થાય છે.” કહી લખન શેઠે પંદર દિવસનો રેગ્યુલર પગાર અને વધારાના બસો ત્રીસ રૂપિયા કાળુને આપ્યા.

કાયમનો પગાર કાળુએ અલગ ખિસ્સામાં મુક્યો. એ ઘર ખર્ચ માટે ને પેલા બસો પાંત્રીસ રૂપિયા અલગ મુક્યા સુલેખા માટે ઢીંગલી ને મોટર ગાડી લેવા !

કાળું હરખાતો હરખાતો લારી લઈને નીકળ્યો. આજે તો બે ત્રણ રમકડાં લઈ જઈશ મારી ઢીંગલી માટે !  પણ માર્કેટના દરવાજે ગયો ત્યાં તો ધડ કરતું લારીનું ટાયર ફાટ્યું ! કાળુંએ જોયું તો ટ્યુબ ટાયર ઘસાઈને ફૂટ્યા હતા ! ઘરની ચિંતામાં કાળું ટાયર પહેરાવવાનું ( બદલવાનું ) તો ભૂલી ગયો હતો. એક તો લારી લીધી હતી જૂનામાં. લારી લીધી ત્યારે જ કરમશીએ કહ્યું હતું , “કાળું લારી મજબૂત છે પણ ટાયર મોળા છે ! પહેરાવવા પડશે !”

પણ કાળું એ વાત ભૂલી ગયો ને આજે ટાયર ફાટ્યું એટલે યાદ આવ્યું… કાળુનો ચહેરો પડી ગયો ! કંમરે બાંધેલું ભેંઠ છોડી મોઢું લૂછયું ! માત્ર પરસેવો લૂછાયો… ચહેરા ઉપરની વ્યાકુળતા એમને એમ રહી ! જરીએ ન ભૂંસાઈ ! ટાયર બદલવામાં પૈસા ખર્ચાઈ જાય તો દીકરીને આપેલા વચનનું શુ ? એ કેવી નારાજ થઈ જાય ? એને ક્યાં મારી તકલીફ ખબર છે એ તો એમ જ સમજે કે બાપુએ મને બનાવી ! છેતરી ! ને જો ટાયર ન બદલું તો કાલે ધંધો કેમ થાય ? ધંધા વગર ઘર કેમ ચાલે !

કાળું બધી બાજુ ભીંસાયો ! પણ લારી કરાવ્યા વગર ચાલે એમ ન હતું ! લારી લઈ ગરાજ તરફ ગયો. અબ્દુલની ગેરેજે જઈ ટાયરના ભાવ પૂછ્યા…

અબ્દુલે ટાયર ટ્યુબ જોયા ! ટ્યુબનો વાલ ફાટી ગયો હતો !

“કાળું ટુપ ( ટ્યુબ ) બદલવી પડશે તારે !”

“પણ અબ્દુલ ભાઈ…..”

“કાળું મારા પૈસા માટે નથી કહેતો પણ તારે વજન ભરવાનું છે ને સામે આવ્યો ઉનાળો. જો આ ટ્યુબને કારી મારીને સાજી કરીશ તો ગમે ત્યારે દગો દેશે… તારો દિવસ આખો બગડશે !”

વાત તો અબ્દુલની સાચી હતી ! વજન ભરવાનું ને એમાંય સામે ઉનાળો આવે એટલી મોટી કારી એય પાછી વાલ પાસે ગરમીમાં કેમની ટકે ? જેવી ટ્યુબ ગરમ થાય કે ધડાકો થાય ! દિવસ આખો બગડે !

“ઠીક છે ટાયર ટ્યુબ બેયનું ભેગું કહો અબ્દુલ ભાઈ…” મન મારીને કાળુંએ તૈયારી કરવી પડી !

“બેયનું ભેગું કહું તો આમ તો બસોને ચાળીસ થાય પણ તું હમણાં ભીડમાં છે, ભાભીને ઠીક નથી તે તારી પાસેથી મૂડી મૂડી લઈશ મજૂરી માફ !” અબ્દુલે હસીને કહ્યું અને હાથમાં પાના લેતા ઉમેર્યું, “બસોને દસમા કરી આપીશ બેય બસ !”

“ઠીક છે અબ્દુલ ભાઈ કરો…” અબ્દુલની સહાય કાળુને સ્વસ્થ કરી શકી નહીં કેમ કે એ બધું કરતાંય એની પાસે વધ્યા માત્ર વિસ રૂપિયા ! વિસ રૂપિયામાં આવે શુ ? એક ઢીંગલી આવે નાની પેલી મોટી ઢીંગલી ( ટેડી બિયર ) ન આવે ન તો મોટર આવે !” કાળું ટેડી બિયરની મોટી ઢીંગલી કહેતો એને નામ આવડે નહિ.

અબ્દુલ કામે લાગી ગયો એટલે કાળું ઓટલે બેઠો. મૂડ વગર ઉદાસ થઈને ! એને સુલેખાનો ચહેરો દેખાવા લાગ્યો ! એ દિવસે રમકડાં લાવી આપવાનું કહ્યું ત્યારે એ કેટલી રાજી થઈ હતી ! એના નાદાન ચહેરા ઉપર કેવી ગજબની ચમક રાજીપો ઉભરાઈ આવ્યો હતો ! હવે એને શુ કહીશ ? મારી દીકરી નારાજ થઈ જશે !

ઉપર જોઈને કાળુએ ભગવાનને બે બોલ કહ્યા, “અલ્યા તું છો ? ભૂંડા મેં કદીક પાપ કર્યા હોય તો મને સજા દે પણ આ નાનકી છોડીએ શુ પાપ કર્યા ?”

પણ એ ક્યાં સાંભળવાનો હતો ? બે આંસુ પાડી કોઈ દેખે એ પહેલાં લૂછી લીધા.

સામે રસ્તા ઉપર મા બાપની આંગળી પકડી બીજા હાથમાં રમકડાં લઈને હસતા હસતા જતા બાળકોને જોયા. ને ફરી આંખમાં ઉભરો આવ્યો ! અરે રે મારી દીકરી કેટલી ડાહી છે તોય એને કઈ નહિ ?

ત્યાં સામે એક ભંગારની દુકાને નજર ગઈ ! કાળુંને મનમાં કંઈક આવ્યું ને તરત ઉભો થઇ એ દુકાન તરફ જવા લાગ્યો !

ભંગારની દુકાને જઈને આમ તેમ વસ્તુઓ જોવા લાગ્યો. લોખંડના તૂટેલા ભંગારમાં તો જોવાનું શુ એટલે કચકડા તરફ નજર કરી. એમાં ખાસ્સી પ્લાસ્ટિકની ઢીંગલીઓ હતી ! એક બે ઢીંગલી જોઈ પણ કોઈની આંખ નહિ તો કોઈના હાથ પગ નહિ ! ફરી કાળુને નિરાશા સાંપડી !

મોટર ને જીપ ને ટ્રક જોઈ તો એમાં પૈડાં નહિ ! આવા તૂટેલા રમકડાં લઈ જાઉં તો તો બાપ શેનો !

ધુવા પુવા થઈ ગયો કાળું ! પહેલીવાર જીવનમાં આટલો કાળ ( ગુસ્સો ) ચડ્યો હતો પણ વ્યાજબીએ હતો જ ને ?!!!!

ઢગલા ઉપર એક છેલ્લી નજર કરી ત્યાં એક ગિટાર નજરે ચડી ! આખ્ખી ગિટાર સાજી માત્ર નેક્સ ( ઉપરનો ભાગ)  તૂટેલી….

કાળુએ તરત ગિટાર હાથમાં લીધી અને ભંગારી પાસે ગયો.

“આનું શુ લેશો ?”

પૈસાની મોટી થપ્પી ગણતો ભંગારી એક આડી નજર કરી કાળુના મેલા કપડાં જોઈ બોલ્યો, “લઈજા એમ ને એમ !”

પણ કાળું મફતમાં લે એવો નહીં .

“ના ના શેઠ એમને એમ તો ન લઉ વ્યાજબી બોલો !”

“નાંખને પેલા ગાયના ફાળા માટે મુકેલા ડબ્બામાં જે નાખવું હોય એ ભાઈ” હસીને શેઠે કહ્યું ને ફરી પૈસા ગણવામાં ધ્યાન પરોવ્યું.

કાળુએ દાનપેટી ઉપર નજર કરી. ખિસ્સામાંથી બસોને ત્રીસ નીકાળ્યા. બસોને દસ અબ્દુલને દેવાના અલગ ઉપરના શર્ટના ખિસ્સામાં મુક્યા ને વીસમાંથી દસની એક નોટ દાનપેટીમાં સરકાવી ને શેઠને હાથથી સલામ કરી નીકળ્યો.

“અબ્દુલ ભાઈ આ વગાડવાનું સાધન છે એનો છેડો ક્યાં સાંધી આપશે ?” અબ્દુલ ભાઈ પાસે પહોંચતા જ કાળુએ પૂછ્યું.

અબ્દુલે ગિટાર હાથમાં લીધી અને તૂટેલો છેડો પકડીને તાર ઉપર આંગળી ફેરવી ! એ જ ઘડીએ રણકાર સાથે ગિટારમાંથી ધૂન ઉપડી !

“કાળું આ કેમ લાવી ? તારે શુ કરવી છે એને ?”

“અરે મારી દીકરી એને વગાડશે ને રાજી થશે નાની છે તમે કહોને આ કેમ સાજી થશે ?”

અબ્દુલ સમજી ગયો કે ગીટારમાં કોઈ ચુક નથી ખાલી નેક્સ તૂટ્યું છે એટલે કોઈ પૈસાદાર ઘરનાએ એને ભંગારમાં આપી હશે.

“કાળું એ તો હુય સાંધી દઈશ!” અબ્દુલે કાળું સામે નહિ એક બાપ સામે જોઈ કહ્યું ને ઉમેર્યું, “આ રહ્યું સોલેશન……”

“તો તો મજા છે !” કાળું રાજી થઈ ગયો.

લારી ને ગિટાર બેય સાજા થઈ ગયા એટલે અબ્દુલને બસો દસ મૂડીને દસ મજૂરી આપીને ઘરે નીકળ્યો !  રવિવાર હતો એટલે સુલેખા ઘરે જ હોય નિશાળ હોય નહીં ! હમણાં જ જઈને આ રમકડું આપું ને એ રાજી થઈ જશે !

ઘરે જઈને સુલેખાને ગિટાર આપી ! મોટું રમકડું જોઈને સુલેખા તો રાજીના રેડ થઈ ગઈ ! એણીએ તરત તાર ઉપર આંગળી ફેરવી ને અંદરથી મધુર અવાજ નીકળ્યો !

“બેટા ઉપરના ભાગને સાચવજે એ તૂટી જશે !”, કાળુએ કહ્યું.

પણ સુલેખા જાણે રમકડામાં ખોવાઈ ગઈ હોય એમ ખાટલા ઉપર બેસી વગાડવા લાગી !

એ પછી તો સુલેખા શાળાએથી આવે કે તરત ગિટાર વગાડવા બેસી જાય ! ઘણી વાર રમી કાળુને બોલતી આ તમે શું લાવ્યું ? આખો દિવસ એમાં જ રમે છે ભણતી નથી. પણ કાળું આંખ આડા કાન કરતો ! વાત ઉડાવી દેતો !

“ક્યાં ખોવાઈ ગયા મી. કાલિદાસ?” થિયેટરની સીટમાં બાજુમાં બેઠા મ્યુઝીક ડાયરેક્ટર રફીક બોલ્યા ત્યારે કાળુને ખ્યાલ આવ્યો કે પોતે ભૂતકાળમાં ભમતો હતો !

“અરે ક્યાંય નહીં રફીક ભાઈ… બસ મારી દીકરી મારી સુલેખા જ્યારે સ્ટેજ ઉપર ગિટાર વગાડે ત્યારે હું ખોવાઈ જાઉં છું !” કાળુએ વાત બનાવી.

“મી. કાલિદાસ ખાલી તમે જ નહિ જેટલી ઓડિયન્સ છે એ બધી ખોવાઈ જાય છે !” હસતા હસતા રફીકે કહ્યું.

કાળુના ચહેરા ઉપર એ વાક્ય સાંભળી આપોઆપ ગજબનું સ્મિત આવી ગયું ! કાળું સમજી ન શક્યો ! એ તૂટેલી ગીટારની ભેટ મેં મારી દીકરીને આપી એ અમૂલ્ય હતી કે આ ગિફ્ટ આ નામ આ રુદબો આ પૈસા આ માન સમમાન સુલેખાએ અમને બધાને આપ્યું એ અમૂલ્ય ભેટ છે ?

થીયેટરમાં બેઠેલી ઓડીયન્સને બાવીસ વર્ષની મિસ. સુલેખા એના મોઘા ગીટાર સાથે દેખાતી હતી પણ કાળુને હજુ એ જ તૂટેલી ગીટાર સાથે હસતી ગાતી દસેકની સુલેખા દેખાતી હતી…..

સ્ટેજ ઉપર માઇક આગળ ઉભી સુલેખાની આંગળીઓ ગિટાર ઉપર ફરતી હતી અને કાળુંની આંખો બધાથી બચીને આંસુ સેરવતી હતી ! જમણી બાજુ બેઠી પ્રખ્યાત ગિટાર કાર અને ગાયક સુલેખાની માતા રમીલા એ આંસુઓ જોઈ ન લે એ માટે કાળુએ દીકરીએ હમણાં જ ભેટ આપેલા શૂટના ખિસ્સામાંથી ચશ્મા નીકાળીને પહેરી લીધા…!!

વિકી ત્રિવેદી ‘ધ અર્બન રાઈટર’

Comment here