gujarati-varta-adafet

અડફેટ

હું એ દિવસે થોડો નર્વસ હતો. ઓફિસે પહોચતા ખબર મળી કે અમારા ડીપાર્ટમેન્ટમાં સુપરીડેન્ટ રઘુવંશી સરની રાતોરાત બદલી થઇ ગઈ હતી. આજે બપોરે કોઈ નવો સાહેબ ચાર્જ સંભાળવાનો હતો. અમારા ખાતામાં બદલીઓ ન થતી એમ ન હતું. પણ કોઈની બદલી થતી તો એકાદ મહિના પહેલેથી ખબર રહેતી. એમાં પણ સુપરીડેન્ટ સાહેબ જેવા ઉપલા હોદાના માણસની બદલી થાય ત્યારે નવો સાહેબ આવી તેમની જગ્યા ન લે  ત્યાં સુધી જુનો સાહેબ જાય નહિ.

નવો સાહેબ આવે એટલે જુનો સાહેબ સ્ટાફના બધા માણસોની નવા સાહેબ સાથે ઓળખાણ કરાવે. અહી કેવી રીતે વ્યવહારો થાય છે એ બધું સમજાવે. મલાઈમાં એમનો હિસ્સો કેટલો અને એમને કઈ રીતે મળી રહેશે એ બધી ફોડ પાડે. મારી ચોવીસ વર્ષની નોકરીમાં ત્રણ ચાર વાર તો મારી બદલીઓ થઇ છે. હું રહ્યો પટાવાળો એટલે મારી બદલી આઠ નવ વર્ષે જતા થાય. અમારા જેવા પટાવાળાનો કોઈને વિરોધ પણ કેમ હોય? પણ હા સુપરીડેન્ટ જેવા મોટા સાહેબને ત્રણ વર્ષ એક જગ્યાએ રહેવા મળી જાય તો ચમત્કાર જ ગણાય. પણ ત્રણ વર્ષ ટકવા જ ન દે.

હવે નવા યુવાનીઓ પોતાને ક્રાંતિકારીઓ સમજવા લાગ્યા છે. કોઈ આર.ટી.આઈ. કરે, કોઈ ફેસબુક કે ટ્વીટર પર હીરો થવાની કોશિશ કરે, અધૂરામાં પૂરું બિલાડીના ટોપની જેમ ઉગી નીકળેલા પત્રકારો અને ટી.વી. રિપોર્ટર કઈક મસાલો શોધતા જ રહેતા હોય છે. કેમ ન શોધે? અમારા ખાતામાં બધા ખાતા જ હોય છે. મબલક અંડરટેબલ કમાણી. લાકડાની એક ટ્રક કાઢી નાખો એટલે લાખ બે લાખ રૂપિયા છુટા થઇ જાય. સંશોધનના બહાને લાખો રૂપિયા ગ્રાન્ટ આવે એ નફામાં. તમેજ સમજી ગયા હશો કે હું વન વૃદ્ધિ ખાતામાં નોકરી કરું છું. પણ આમ અચાનક બદલી થઇ એ મને કે અમારી ઓફીસમાં કોઈને સમજાતું ન હતું.

ડાંગના અંતરિયાળ વિસ્તારમાં અમારી ઓફીસ હતી. ત્રણ રૂમની નાની ઓફીસ કહી શકાય. ઓફીસથી થોડે દુર જ ચાર પાંચ કવાટર હતા. એક ક્વાટરમાં હું મારી પત્ની સાથે રહેતો. પુત્ર ધવલ અને પુત્રી રીન્કુ અહીંથી વીસેક કિલોમીટર દુર વઘઈની એક  હોસ્ટેલમાં ભણતા હતા. મારા ક્વાટરની ડાબી બાજુના ક્વાટરમાં સોમભાઈ એમની પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. એમના બાળકો હજુ સ્કૂલ જતા ન હતા. સોમભાઈ આમતો મારાથી 15 વર્ષ નાના હશે પણ એ ક્લાર્ક અને હું પટાવાળો એટલે હું એમને સોમભાઈ કહેતો. સાહેબ કહેવાની એમણે જ મને ના કીધેલી. મારા ક્વાટરની જમણી બાજુનું ક્વાટર ખાલી હતું. એ ખાલી ક્વાટર પછીના ક્વાટરમાં ડામોર સાહેબ રહેતા હતા. ડામોર સાહેબ અહીના લોકલ આદિવાસી હતા. એ સીનીયર ક્લાર્ક હતા. અમારા ક્વાટરથી થોડેક દુર એક મોટુ પણ એકલું ક્વાટર. એ ક્વાટરમાં બે રૂમ, રસોડું અને હોલ હતા. અમારા ક્વાટરસમાં એક રૂમ, રસોડું અને હોલ જ હતા. એ મોટું ક્વાટર સુપરીડેન્ટ સાહેબ માટે ફાળવાયેલું હતું.

હું છેલ્લા સાતેક વર્ષથી અહી હતો પણ એ ક્વાટર ખાલી જ જોયું છે. બે ત્રણ સુપરીડેન્ટ બદલાઈ ગયા પણ કોઈ સુપરીડેન્ટ અહી રહ્યો નથી. કેમ રહે? ઓફીસ માટે ફાળવાયેલી સરકારી બોલેરો ગાડી તો સુપરીડેન્ટ જ વાપરે જાણે કે એની પોતાની ગાડી હોય. એટલે સુપરીડેન્ટ વઘઈમાં જ રહે પરિવાર સાથે. વઘઈ પોતાની ગાડી હોય તો કઈ દુર ન કહેવાય. વીસેક કિલોમીટર એટલે ગાડીને વીસ મિનીટ માંડ થાય. વઘઈથી અમારી ઓફીસ પાકો ડામરનો રોડ પણ ટ્રાફિક ક્યાં? વઘઈથી અમારી ઓફીસ આવતા આવતા એક બે વાહન તમને સામે મળે કે ઓવેરટેક કરે તો તમે નસીબદાર જ ગણાઓ. સવાર કે સાંજનો સમય હોય તો વઘઈથી પૂર્ણા જતી-આવતી કોઈ સરકારી બસ તમને મળી જાય!

અગિયારેક વાગ્યા હશે. ચોમાસાના કારણે તડકો નીકળ્યો ન હતો. ત્યાજ અમારી ઓફીસ કહો કે ફાર્મ-ઓફીસ એની સામેજ એક કાળા રંગની ડસ્ટર ગાડી આવી. એમાંથી એક પાંત્રીશ વર્ષનો માણસ ઉતર્યો. કાળું પેન્ટ, સફેદ શર્ટ, શર્ટ ઇન કરેલ, પેન્ટના રંગનો જ કાળો બેલ્ટ, એજ કલરના કાળા પાર્ટી શુજ. ક્લીન શેવ અને આછી આછી મૂછો. હાથમાં એક બેગ. હું સમજી ગયો. આ જ નવા સાહેબ. હું દોડતો ગયો. “સલામ સાહેબ” કહીને એમની બેગ લીધી. એમને સુપરીડેન્ટની ઓફીસમાં લઇ ગયો. મેં બેગ નીચે મૂકી.

“બેસો, સાહેબ.” હું બોલ્યો.

મેં તરત એમને બહારથી પાણી લાવીને આપ્યું. “સાહેબ, તમે ચા લેશો કે કોફી?”

“કેટલે દુર છે અહીંથી?”

“સાહેબ, મારા ઘરે જ ચા-કોફી બનાવીએ છીએ. આ અંતરિયાળ વિસ્તાર છે.”

“ચા પણ ખાંડ ઓછી.” તેણે થાકેલા અવાજે કહ્યું.

“ભલે સાહેબ.” કહેતો હું નીકળ્યો.

દસેક મીનીટમાં ચા સાથે હું આવ્યો, “ લો સાહેબ ચા.” અને ચા સાથે મેં બિસ્કીટ પણ પ્લેટમાં મુક્યા. ચા નો ખાલી કપ અને બિસ્કીટની પ્લેટ લઈને હું નીકળ્યો ત્યાજ સાહેબે કહ્યું, “ સ્ટાફને અંદર બોલાવો અને તમે પણ આવજો.”

હું, ડામોર સાહેબ અને સોમભાઈ અદબવાળીને સાહેબના ટેબલ સામે ઉભા હતા.

“હું અભયસિંહ.”

“નમસ્તે સર.” અમે બધા એકી અવાજે બોલ્યા.

“છેલ્લા સાત વર્ષમાં મારી બાર વખત બદલીઓ થઇ ગઈ છે. હું જ્યાં પોસ્ટીંગ સંભાળું છું ત્યાં છ મહિના માંડ માંડ ટકું છું કે સ્ટાફ મને ટકવા દે છે.”

“અમે તમને પૂરો સહકાર આપીશું.” સોમભાઈ બોલ્યા.

“મી. રઘુવંશી એમનો સામાન લઇ જાય એટલે હું અહીજ રહેવાનો છું પરિવાર સાથે. ત્યાં સુધી હું વઘઈની હોટેલમાં રોકાઈશ.”

“સર, રઘુવંશી સર તો વઘઈમાં રહેતા હતા. તમે આહી રહેવાના હો તો હું ક્વાટરની સફાઈ કરી નાખું આજે જ.” મેં કહ્યું.

“ભલે, સફાઈ કરાવી નાખો.” સાહેબે કહ્યું.

એક બે દિવસમાં સાહેબ એમની પત્ની સાથે રહેવા આવી ગયા. એમના બાળકો વિશે અમે કઈ પૂછ્યું નહિ.

અઠવાડિયામાં અમને ખબર પડી ગઈ કે એમની વાત સાચી હતી- એ છ મહિનાથી વધુ ટકે તેમ ન હતા. અને જો એ ટકે તો અમે ટકી શકીએ એમ ન હતા!

એમના ફરમાન ઉપર ફરમાન છૂટતા હતા.

એ અગિયાર વાગે આવી જતા. અમારે એમના પહેલા આવી જવાનું. સ્ટાફ રજીસ્ટર જેમાં મહિનાના અંતે ભેગી સહીઓ કરતા એમાં હવે દરરોજ સવાર સાંજ સહીઓ કરવી પડતી અમારે. સાડા અગિયાર વાગે એમના ટેબલ પર સ્ટાફ રજીસ્ટર હજાર કરવાનું. એ ગઈકાલની ડિપાર્ચર અને આજની ઈનકમિંગ ચેક કરતા. મુલાકાતીઓ માટે પણ એમણે રજીસ્ટર બનવરાવ્યું. સાહેબ સવાર સાંજ જંગલમાં એક ચક્કર મારે- બોલેરો ગાડીમાં. રાતે પણ એક ચક્કર મારી લે. રાતનો કોઈ સમય નક્કી નહિ. મન થાય તો બપોરે પણ જંગલમાં ફરવા નીકળી પડે. જંગલમાંના સુકા લાકડાની હરાજી કરાવે. સરકારી પાવતી ફાડે.

એકાદ મહિનો વીત્યો હશે. અમને હતું કે સાહેબને લાકડાની કમાણીમાં રસ નહિ હોય. પણ ગ્રાન્ટની રકમ પણ એમણે વન વિકાસમાં વાપરી નાખી. મને તો મહીને પાંચ સાત હજાર જ મળતા પણ સોમભાઈ અને ડામોર સાહેબ માટે એ મોટો ફટકો હતો. જંગલના આદિવાસીઓને પણ એ બેરોકટોક મળી લેતા.

મારું કામનું ભારણ વધી ગયું હતું. મારાથી પણ વધુ કંટાળેલ હતા ડામોર સાહેબ. આ નવો સાહેબ બધી ફાઈલો પર પર્સનલ ધ્યાન આપતો. નાની ભૂલ હોય તો પણ ધમકાવી નાખે. અરે! એમ્પ્લોયી રીપોર્ટમાં ડામોર સાહેબના પેજમાં તો બે ત્રણ લાલ શેરો પણ એમણે ટપકાવી નાખ્યા.

***

રવિવારનો દિવસ હતો. નક્કી કર્યા મુજબ બપોર પછી અમે સોમભાઈના ઘરે ભેગા થયા.

“સોમા, હવે કઈક કરવું પડશે.” ડામોર સાહેબે જ વાતની શરૂઆત કરી.

“શું કરીએ?” સોમભાઈ બોલ્યા.

“કઈક તો કરવુ જ પડશે. નથી ખુદ ખાતો નથી ખાવા દેતો. મને એમ હતું કે એકાદ મહિનો સ્ટ્રીકટ રહેશે પણ..” ડામોર સાહેબ બોલ્યા.

“ચાર ચાર મહિના થઇ ગયા. પગાર સિવાય એક રાતી પાઈ પણ ભાળી નથી, સાહેબ.” મેં પણ બળાપો કાઢ્યો.

“વાત વાતમાં ઉતારી પાડે છે.” સોમભાઈ બોલ્યા.

“ઉતારી પાડે એનો તો વાંધો નહિ પણ રજીસ્ટરમાં સીધા લાલ શેરો મારી દે છે મારામાં તો. આ જો ઘણો રહે તો મારું પ્રમોશન તો શું થાય? ડીગ્રેડેશન થઇ જશે!” ડામોર સાહેબ ગુસ્સાથી બોલ્યા.

“તો કરવું શું? આપણે ફરિયાદ પણ કોને કરવી? એ કઈ ખોટું કરતો નથી. કરવું શું?” મેં કહ્યું.

“એક રસ્તો છે. આપણે ફરિયાદ ન કરી શકીએ પણ પબ્લિક કરે તો?” ડામોર સાહેબ બોલ્યા.

“પબ્લિક કેમ કરે? એના આવવાથી પબ્લિકને તો ફાયદો થયો છે. એ આદિવાસીઓને બેરોકટોક ફળ ફૂલ વીણવા દે છે. ઢોર ચરાવવા દે છે. એક જ વાત કહે છે, જંગલના સાચા માલિકો આ આદિવાસીઓ છે. કોઈને એનાથી તકલીફ નથી તો ફરિયાદ કરે કોણ?” સોમભાઈ બોલ્યા.

“જેને ફરિયાદ છે એ કરશે. એને આવતાવેત સુકા લાકડાની હરાજી ચાલુ કરી. ગલબાને મફતના ભાવે લાકડા મળતા હતા એને હવે હરાજીમાં ઉંચો ભાવ આપીને લેવા પડે છે. ઘણીવાર એ હરાજીમાં નથી પણ લઇ શકતો. પટેલ સાહેબની ફેક્ટરીની ફાઈલ એમણે પ્રદુશણનું કારણ ધરીને અટકાવી દીધી છે. પટેલસાહેબે ધારાસભ્યશ્રી સાથે વાતકરી છે. ધારાસભ્યશ્રીએ કહ્યું છે કે જો ગમે તેમ કરીને સથાનિક લોકો જોડે એક બે અરજીઓ કરાવી શકાય એના વિરોધમાં તો એને ચપટી વગાડતામાં અહીંથી ભગાડી શકાય. ગલબો અરજી કરવા તૈયાર છે. એને ત્યાં કામ કરતી એક બે મહિલા આદિવાસીઓ જોડે પણ એ સહી કે અંગુઠા કરાવી લેશે. પટેલ સાહેબ પણ એક બે આદિવાસીઓ જોડે અંગુઠા કરાવી લેશે. આદિવાસીઓને ક્યાં નોકરી જવાનો કોઈ ડર છે. બે પાંચ હજારમાં એ કોઈ પણ અધિકારી સામે રૂબરૂ પણ કહી દેશે કે આ નવો સાહેબ હેરાન કરે છે. પેલી સુજી પણ તૈયાર થઇ ગઈ છે. એતો એમજ કહેવા તૈયાર છે કે આ નવા સાહેબની નજર સારી નથી. એક બે વાર મને રસ્તામાં…. એનો તો બિચારીનો દેશી દારૂનો અડ્ડો જ બંધ થઇ ગયો છે. આ સાલો, દિવસ રાત ગમે ત્યારે જંગલમાં આંટા મારે છે. પેલી બિચારી માલ સંતાડે ક્યાં? આપણે બસ એકજ કામ કરવાનું છે. મેં બે અરજીઓ લખી છે. એકમાં આદિવાસીઓની સહીઓ લેવાની છે. બીજીમાં પેલી બે આદિવાસી મહિલાઓની અને સુજીની સહી. આજે સહીઓ લઈને કાલે સ્પીડ પોસ્ટ કરી દઈએ સીધું ગાંધીનગર. પછી આગળનું બધું પટેલસાહેબ અને ધારાસભ્યસાહેબ સંભાળી લેશે.” ડામોર સાહેબે આખો પ્લાન સમજાવતા કહ્યું.

સારા કામમાં મોડું કેમ કરવું. સાંજના પાંચેક વાગ્યે હું અને ડામોર સાહેબ નીકળ્યા. સાંજના આઠેક વાગ્યા સુધીમાં બધું કામ પતાવીને અમે વળતા આવી રહ્યા હતા. અંધારું થવા આવ્યું હતું. ધીમો ધીમો વરસાદ ચાલુ થઇ ગયો હતો. બંને અરજીઓ મારા ખીસામાં હતી. અમારા ફાર્મ-ઓફીસ ના દરવાજે અમે પહોચ્યા હોઈશું ત્યાજ લાઈટ ગઈ હશે. મુખ્યગેટના દરવાજા પરની બંને ફોકસ-લાઈટ બંધ થઇ ગઈ. અચાનક લાઈટ ગઈ એટલે અમને કઈ દેખાતું ન હતું. ત્યાજ પાછળ કઈક આવાજ સંભળાયો. અમે બંનેએ પાછળ જોયું હશે. શેનો અવાજ છે એ સમજાય એ પહેલાતો મારા મોએથી રાડ નીકળી ગઈ.

પહેલા રાડ નીકળી કે મને ધક્કો વાગ્યો ખબર ન પડી. હું ઉછળીને પડ્યો બાજુમાં. મને લાગ્યું કે કોઈ ગાડીએ ટક્કર મારી છે. મારો એક હાથ ભાંગી ગયો હતો. છાતીમાં જાણે કે કોઈએ હથોડો માર્યો હોય એવી ભયંકર વેદના થતી હતી. ડામોર સાહેબ પણ રાડો પાડતા હતા, “ નાથુંરામ.. નાથુંરામ.”

આ બધું પાંચેક સેકંડમાં થઇ ગયું. મને તમ્મર આવતા હતા છતાં મને દુર કઈક ભાગતું દેખાયું. અંધારામાં પણ એ કાળો મોટો ઓછાયો દેખાતો હતો. એ ઓછાયો ચિઘાડ્યો ત્યારે મને ખબર પડી કે સંકરીયા આખલાએ મને અડફેટે લીધો હતો. ડામોર સાહેબની અને મારી રાડ સાંભળી સોમભાઈ પણ દોડતા આવી ગયા હતા. એમના હાથમાં ટોર્ચ હતી. ટોર્ચના અજવાળામાં ડામોર સાહેબ ડરેલા દેખાતા હતા. મારી હાલત જોઈ સોમભાઈ પણ રાડ પડી ઉઠ્યા. લાઈટ પણ આવી ગઈ હતી. મારા મોમાંથી લોહી અને લાળો નીકળતી હતી. આ બધી રાડા-રાડ સાંબળી મારી પત્ની, ડામોર સાહેબની પત્ની અને ખુદ અભય સર અને એમની પત્ની પણ આવી પહોચ્યા. મારી પત્ની તો મને જોતા જ પોક મુકીને રડવા લાગી. હું ઉભો થવા જતો હતો ત્યાજ અભય સરે એજ કડક અવાજમાં કહ્યું,

“બિલકુલ હલતા નહી.” અને સોમભાઈ તરફ ચાવી ફેકતા બોલ્યા, “ગાડી લાવો ફાટાફટ.”

“સાહેબ, તમે ડસ્ટરની ચાવી આપી છે!” સોમભાઈ ખચકાતા બોલ્યા.

“હા, હા,  ડસ્ટર જ લાવ. જૂની બોલેરોનો શો ભરોસો?”

“પણ સાહેબ..” હું માંડ માંડ બોલ્યો.

“સીટ ખરાબ થશે તો ધોવાઇ જશે. આખેઆખી બદલાઈ જશે. દોડ તું?” અભય સરે સોમભાઈને કહ્યું.

સોમભાઈ ગાડી લઈને આવે ત્યા સુધીતો સાહેબે મને પોતાના હાથમાં લીધો. અભય સર બોલ્યા, “ડામોર, હું અને સોમ વઘઈ જઈએ છીએ. તમે અહીજ રહેજો. એકાદ પુરુષ તો અહી જોઈએ ને.”

સાહેબે મને ગાડીની પાછલી સીટમાં સુવરાવ્યો. પોતે પણ બેઠા. સોમભાઈએ ગાડી હંકારી. હું દર્દથી ઉહકારા ભરતો હતો. હું હવે અર્ધતંદ્રામાં જઈ રહ્યો હતો. વઘઈ મને દવાખાનામાં ભરતી કર્યો. હું થોડો થોડો ભાનમાં હતો. ડોકટરે શર્ટ કાઢવા કહ્યું. અભય સરે મારું શર્ટ કાઢ્યુ. પેન્ટ ગજું ઉપસેલું લાગતા એમણે પેન્ટના ગજવામથી મારું પર્સ અને પેલી અરજીઓ પણ કાઢી. નર્સે મને કૈક ઇન્જેક્શન આપ્યું. હું ધીમે ધીમે નિંદ્રામાંસારી પડ્યો.

જયારે હું ભાનમાં આવ્યો ત્યારે મારા હાથે પ્લાસ્ટર ઓફ પેરીસ કરેલું હતું. મારા છાંતી અને પેટ ઉપર પણ પાટા બાંધેલા હતા. મારી પત્ની, ડામોર સાહેબ અને સોમભાઈ સામે બેઠા હતા.

“હવે કેમ લાગે છે?” ડામોર સાહેબે પૂછ્યું.

“નોકરી જશે.” હું બોલ્યો.

“અલ્યા આખલાએ અડફેટે લીધો છે. હાથે ફ્રેકચર થયું છે તમારે. છાતીમાં માર વાગ્યો છે. બે પાંસળી પણ તૂટી છે. પણ અભય સરે તરત જ પોતાના ખાતામાંથી એક લાખનું પેમેન્ટ કરીને ઓપરેશન ચાલુ કરાવી નાખ્યું એટલે હવે કઈ વાંધો નથી. ઘણો ઘણો તો મહિનો પાછા નોકરીએ આવતા થશે.” ડામોર સાહેબ બોલ્યા.

“પેલી અરજીઓ રાત્રે સાહેબના હાથમાં આવી ગઈ છે.” મેં કહ્યું.

 

ડામોર સાહેબના ચહેરા પરથી હાસ્ય ઉડી ગયું. એ કશું બોલી શક્ય નહિ. ત્યાં જ અભય સર અંદર આવ્યા.

“ડામોર, ડોકટરથી વાત થઇ ગઈ છે મારે. હવે  ખાસ ચિંતા જેવું નથી. ડોકટર અને મેડિકલનું પેમેન્ટ મેં કરી નાખ્યું છે. ડોક્ટર ચારેક દિવસમાં રજા આપી દેશે. લો આ ગાડીની ચાવી. હું બોલેરો લઈને જાઉં છું. તમે ડસ્ટરમાં આવજો. નવી ગાડી છે એટલે જટકા ઓછા લાગશે. આ રોડ ઘણો ઘણો ખરાબ છે. ઠેકઠેકાણે ખાડા પડેલા છે. કઈ પણ જરૂર પડે તો મને તરત જ ફોન કરજો.” આટલું કહીને એ નીકળ્યા.

“એમણે અરજીઓ વાંચી નહિ હોય??????” હું બડબડ્યો.

“તો હવે વાંચી લેશે.” ડામોર સાહેબ લાંબો નિસાસો નાખતા બોલ્યા.

એક અઠવાડિયું મારે બેડ રેસ્ટ કરવો પડ્યો. દરરોજ સાડા દશ વાગ્યે સાહેબ મારી ખબર અંતર પૂછવા આવતા અને પછી ઓફિસે જતા.

***

અકસ્માત પછી આજે પહેલી વાર હું નોકરી પર જતો હતો. હજુ પણ હાથે નાનો પાટો હતો જ.

હું, સોમભાઈ અને ડામોર સાહેબ બેઠા હતા. મેં પૂછ્યું, “સાહેબે, કઈ પૂછ્યું હતું કે કહ્યું હતું?”

“ના, કઈ કહ્યું નથી. પણ કાલે આખો દિવસ કઈક લખતા હતા. આપણો જ રીપોર્ટ તૈયાર કરતા હશે.” સોમભાઈ બોલ્યા.

એટલામાં અભય સર પ્રવેશ્યા. “ગુડ મોર્નિંગ, સર.” અમે બધા બોલ્યા.

“ગુડ મોર્નિંગ અને તમે બધા અંદર આવો.” કહી અભય સર એમની કેબીનમાં ગયા.

અમે પણ પાછળ પાછળ એમની ઓફિસમાં ગયા. સાહેબ એમની ચેરમાં બેઠા. એમણે ડ્રોઅરમાંથી એક કાગળ અને એક કવર કાઢ્યું. કવર પર ગાંધીનગર ઓફિસનું એડ્રેસ લખેલું હતું. કાગળમાં અંગ્રેજીમાં લખેલું હતું. અમે સમજી ગયા કે મારો રીપોર્ટ છે.

“સહી કરો નાથુરામ.” અભય સર બોલ્યા. મેં ચુપચાપ સહી કરી નાખી. મને ખબર હતી કે દલીલ કરવાનો કોઈ અર્થ નથી.

“ડામોર, તમે પણ ભેગા હતાને. અહી સહી કરો.” કાગળ પર એક જગ્યાએ પેન્સિલથી ક્રોસની નિશાની કરી સાહેબ બોલ્યા. ડામોર સાહેબે પણ સહી કરી.

“તમે પણ સહી કરો.” સોમભાઈ સામે જોઇને અભય સર બોલ્યા.

“સાહેબ હું આમાં ભેગો ન હતો.” સોમભાઈએ પોતાનો બચાવ કરતા હાથ જોડીને કહ્યું.

“તમે ભેગા ન હતા પણ તમને ખબર તો છે જ બધી એટલે સહી કરી નાખો.” અભય સર બોલ્યા. સોમભાઈએ પણ સહી કરી.

સાહેબે કાગળ કવરમાં મુક્યો અને બોલ્યા, “ સોમભાઈ, મેં ડોકટર સાથે વાત કરી નાખી છે. તમે અત્યારે વઘઈ જાઓ. ડોક્ટર સર્ટી આપશે તે આની સાથે જોડીને પોસ્ટ કરી નાખજો. પંદર દિવસમાં તો એમ્પ્લોયી ઇન્સ્યોરન્સનો ચેક આવી જશે.”

અમને હાશકારો થયો. સાહેબે પેલી અરજીઓ વાંચી લગતી નથી. “સાહેબ, ડોક્ટરનું બીલ કેટલું થયું હતું?” મેં પૂછ્યું.

“બીલ એક લાખ થયું છે પણ તમારે હાલ આપવાના નથી. વીમાનો ચેક આવે ત્યારે આપી દેજો.”

“સાહેબ, તમે તરત એક્શન ન લીધી હોત કે ડોક્ટરને પેમેન્ટ ન કર્યું હોત તો આખલાની અડફેટમાં નાથુંરામ બચી શકત નહિ.” સોમભાઈ બોલ્યા.

“હા, સોમભાઈ,તમે હવે જાઓ અને લો આ બે તમારી અરજીઓ. નાથુરામના ખીસામાં હતી. એ પણ ભેગા ભેગી પોસ્ટ કરી નાખજો. એકવાર વળી બદલી. તમને ખાવા નથી મળતું એજ તકલીફ છે ને? પણ હું હોઈશ ત્યાં સુધી ખાવા તો નહિ જ મળે. કામ પણ કરવું પડશે. હું ગયા પછી જે કરવું હોય એ કરજો. પણ એક વાત યાદ રાખજો, નાથુરામ આખલાની અડફેટમાંથી બચી ગયો. કેમકે આપણે બધાએ તરત એક્શન લીધી. પણ દેશ નહિ બચે આ ભ્રષ્ટાચારને કામચોરીના આખલાની અડફેટમાંથી, અને જો દેશ નહિ બચે તો પછી તમે કે હું પણ નહિ જ બચીએ.” કહીને સાહેબે પેલી બે અરજીઓ ટેબલ પર મૂકી.

અમે ત્રણે જણા કાપો તો લોહી ન નીકળે એમ સ્તબ્ધ બનીને ઉભા હતા. ડામોર સાહેબે અરજીઓ હાથમાં લીધી અને ફાડીને બારી બહાર ફેકી.

“તમે વાંચી હતી અરજીઓ અને છતાં ડોકટરને તમારા બેંક એકાઉન્ટમાંથી તમે લાખ રૂપિયાનું પેમેન્ટ કરી નાખ્યું મારા માટે? આ વીમા માટે આખો રીપોર્ટ તમે જાતે તૈયાર કર્યો.” હું બોલ્યો. મારી આંખોમાંથી આંસુ વહેતા હતા.

“મને કોઈ વેરભાવ નથી, નાથુરામ. મેં મારી ફરજ બજાવી.” અભય સરના એ છેલ્લા શબ્દો આજે ય મને યાદ છે…..

***

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here