gujarati-varta-adabhut

અદભુત

પરસેવો મારા કપાળ પરથી નીતરી મારી આંખોમાં જઈ રહ્યો હતો. એનાથી મને આંખમાં કાળી બળતરા થઇ રહી હતી. હું વારંવાર પરસેવાને મારા સફેદ ખમીસની બાયથી લુછી લુછીને કંટાળી ગયો હતો. મારી પાસે પરસેવો લુછવા થોભું એટલો સમય પણ ન હતો. તે ઉનાળાની મધરાત હતી અને વાતાવરણ ભેજ વાળું હતું. મને ભેજથી નફરત હતી, મને ગરમીથી નફરત હતી. મને આ બફારાથી તીવ્ર ચીડ હતી, મેં મારા જીવનના મોટાભાગના વરસો સાગરના સીના પર વિતાવ્યા હતા અને એક એજ પક્ષપાત વગર મને શીતળતા આપતો રહ્યો હતો, એને ક્યારે મને ચાચીયો સમજી ક્યારેય મારાથી ભેદભાવ ન હતો કર્યો.

મને એ ભેજવાળા અને ગરમ વાતાવરણથી તીવ્ર ચીડ હતી છતાં હું એ વાતાવરણમાં છેલ્લા ત્રણ કલાકથી કામ કરી રહ્યો હતો. મારે એ કામ કરવુ જ રહ્યું. મેં મારી જાતને કહ્યું. મેં પિતાજી પાસેથી બાળપણમાં એના વિશે સાંભળ્યું હતું, મને એ વાતમાં પણ એંક વખત કરી હતી. મેં પોતાની જાતને પણ એ કિસ્સા અનેક વાર સંભળાવ્યા હતા.

સન.૧૯૨૩માં પિતાજી આકસ્મિક ગુમ થઇ ગયા. એમણે એ ચીજ માટે કેટલી મહેનત કરી હતી, કેટલા પ્રયાસો કર્યા હતા, એ હું જાણતો હતો, માએ મને એ બધી વાતો કહી હતી. હું જાણતો હતો પિતાજી એ એના માટે શું નહોતું કર્યું, અનેક નાનીમોટી લડાઈઓ લડ્યા હતા. અનેક લોકોને એના માટે માર્યા હતા, મિત્રો સાથે દગો કર્યો હતો. વરસો સુધી ઘરથી દુર રહ્યા હતા, પોતાની બધીજ મૂડી તેમાં ગુમાવી નાખી હતી.

ફરી પરસેવો મને મારા કામમાં ખલેલ પહોચાડી રહ્યો હતો. મેં કુહાડી ભોય પર મૂકી અને મારા જમણા હાથ વડે મારું મો લુછ્યું. હાથ પર લાગેલી ધૂળનો કર કરો અહેસાસ મેં મારા ચહેરા પર અનુભવ્યો.

“ડેમ ઈટ.” મારા મોમાંથી શબ્દો ઉતાવળે નીકળી પડ્યા. એ અંગ્રેજી રાજની અસર હતી, એ સમયે ભારત બ્રિટીસ તાજ હેઠળ હતું એની અસર હતી. ગોરાઓ સાથેની ઉઠક બેઠકને લીધે મને અંગ્રેજીમાં ગાળો ભણવાની ને એવા કેટલાય શબ્દો બોલવાની આદત પડી ગઈ હતી. કદાચ ગોરાઓના રાજ કરતા પણ એ માટે ગોરાઓની દોસ્તી વધારે જવાબદાર હતી. એ સ્ટીવની અસર હતી. મેં સત્તર વરસની ઉમરથી સ્ટીવના જહાજ પર કામ કરવાનું શરુ કર્યું હતું. સ્ટીવ આમ તો બહારથી સફેદ પોસ હતો, વેપારી હોવાનો ડોળ કરતો પણ એના મોટા ભાગના ધંધા ભૂરા કોલરને પણ શરમાવે તેવા હતા, એનું એક જહાજ હમેશા ચાંચિયાઓથી ભરાયેલ રહેતું. એ ડચ અને ફિરંગી જહાજો લુટવામાં અમારી મદદ કરતો. હું એના જહાજ પર કપ્તાન હતો. આમ તો સત્તર વરસના યુવાન માટે ગોરા જહાજના કપ્તાન બનવું અશક્ય હતું પણ એના બે કારણ હતા એક તો એ જહાજનો કપ્તાન કોઈ અંગ્રેજ અધિકારી રહી શકે તેમ ન હતો કારણ એ જહાજ પર ચાંચિયાઓનો જંડો ફરકતો હતો, અને બીજું એકે મારા બાપુ વિક્રાંતસિંહનું નામ ચાંચીયાઓની દુનિયામાં ખુબ જ મોટું હતું.

મારા પિતાજી ચાંચિયાઓમાં નામ ધરાવતા હતા એટલે મને એ જહાજના સુકાનીનું પદ સહેલાઈથી મળી ગયું. મેં સાત વરસ સુધી એના જહાજ પર કામ કર્યું, અનેક જહાજો લુંટ્યા, અનેક ખર્વાઓના જીવ લીધા અને કેટલુય સોનું ભેગું કર્યું હતું પણ મને એ બધામાં રસ ન હતો, મારા માટે એ સોનું નકામું હતું એમ કહો તો પણ કોઈ ફેર ન પડે.

મારા માટે એ બધું નકામું હતું કેમકે મારા પિતાજી વિક્રાંતસિંહને પણ દરિયામાં કોઈ જ રાશ ન હતો. એમને એમના જીવનના છેલા આઠ વરસ જમીન ઉપર વિતાવ્યા હતા. તેઓ કોઈ ચીજની તલાસમાં હતા, એ કોઈ તીલસ્મી ચીજ હતી. તેમને એ ચીજ મેળવવા ખુબ જ રજળપાટ કરી હતી. મારી રગોમાં પણ એ જ જોશીલું ખૂન હતું. હું નાનો હતો ત્યારે કહેતો કે પિતાજી હું પણ તમારી જેમ આ સાગરનો સમ્રાટ બનીશ ત્યારે પિતાજી કહેતા રણવીર આ સાગરમાં કાંઈજ નથી. આ ખારા પાણીનું અફાટ રણ છેલ્લે કોઈને કાંઈજ નથી આપતું. એણે અનેક જહાજોને દુબાવ્યા છે, અનેક માલવીઓને દુબાવ્યા છે, એને તો ખારવા અને નાના માંલમનેય નથી છોડ્યા તો આપણે તો રહ્યા ચાંચીયા એ આપણને ક્યારે બક્ષાવાનો હતો..!!

હું કહેતો, “પણ પિતાજી એ દુબાવે એ પહેલા તો આપણે એના પેટાળમાં રહેલા અનેક રહસ્યો ઉકેલી નાખીશું. કહે છે એના સીનામાં અનેક ખજાના દફન થયેલ છે, બસ એ નીકાળવા છાતી જોવે કે કોઈ એની છાતી ચીરીને એ ખજાના લઈ આવે. હું એની છાતી ચીરી એ ખજાના લઈ આવીશ.”

પિતાજી કહેતા, “તારી વાત સાચી છે પણ આ ધરતી જ્યાં બસ પથ્થર અને રેતી જ દેખાય છે, આ માટી પણ પોતાનામાં અનેક એવા રહશ્યો દફન કરીને સુતી છે બસ એમાંથી એક રહસ્ય કળી જવાય તો ફરી એ ખારા પાણીના રણમાં ગોથા ખાવાની જરૂર ન રહે દીકરા.”

“એવા શું રહસ્યો છે પિતાજી?” હું પૂછતો.

“એ સમય આવ્યે તને કહીશ.” પિતાજી કહેતા અને ખરેખર સમય આવ્યે એમણે મને એ કેહેલ, એ રહસ્ય જેની શોધમાં ગયેલ વિક્રાંતસિંહ જેવો ભડ માણસ પાછો ન આવ્યો…..!! જે ચાંચીયાને દરિયો ડુબાવી નહોતો શક્યો, જે ચાંચીયાને અંગ્રેજ કે ફ્રેંચ ગોળી પોતાનો શિકાર નહોતી બનાવી શકી એને પોતાનો શિકાર બનાવી નાખ્યો, એ રહસ્યએ એને પોતાનામાં સમાવી નાખ્યો..!!!

ધરતીના કયા ખૂણામાં દફન કરી નાખ્યો એ કોઈને ખબર પણ ન પડવા દીધી. હું સમજી ગયો હતો એ રહસ્ય એમ જ ઉકેલી શકાય તેવું ન હતું. જો એ કોઈ રીતે ઉકેલી શકાય તેમ હોત તો વિક્રાંતસિંહ ગોમોર એને ન ઉકેલી શકે એવું ન બને.

એ કામ મેં ધાર્યું એનાથી પણ અઘરું નીકળ્યું હતું. મેં મારી પૂરી તાકત ભેગી કરી કુહાડાનો ઘા કર્યો. એક બુઠ્ઠો રણકાર થયો હું સમજી ગયો હતો કે કુહાડી માટીમાં રહેલ કોઈ નક્કર ચીજ સાથે અથડાઈ હતી, લગભગ બે કલાકથી હું કોદાળી વડે ખોદી રહ્યો હતો અને મેં છ ફૂટ જેટલું ખોદી નાહ્યું હતું.  હવે હું એ છ બાય  ચારના ખાડામાં હતો, હવે એનાથી ઊંડી એ ચીજ ન હોઈ સકે હું જાણતો હતો હવે એ ચીજ હાથ વેતમાં જ હોવી જોઈએ મને ખબર હતી એટલે મેં કોદાળીને બદલે કુહાડીના ઘા કરવાનું વિચાર્યું જેથી કદાચ તાબૂત સાથે હુહાડી ટકરાય તો પણ અંદર રહેલ એ ચીજને કોઈ નુકશાન ન થાય.

એ રણકાર સાંભળી મેં ખુશીની લાગણી અનુભવી. હું એક પળ માટે અટક્યો. મારા હ્રદયની આસપાસ એક ભય પણ વીંટળાયે જતો હતો. હું ખાડાની કિનાર પકડી જરાક ઉંચો થયો મેં ચારે તરફ એક નજર કરી, દુર દુર સુધી મારે ચારે તરફ માત્ર અણ માત્ર કબરો ફેલાયેલી હતી, હું એક કબ્રસ્તાનમાં હતો. ચારે તરફ અંધકાર હતો. એવું લાગી રહ્યું હતું જાણે કે ચારે તરફની કબરો મને જ જોઈ રહી હતી..!!! મધરાતનો સમય હતો અને આકાશમાં ચંદ્ર વાદળો વચ્ચે સંતાકુકડી રમી રહ્યો હતો. જ્યારે એકાએક તે વાદળો વચ્ચે છુપાઈ જતો ત્યારે એ ખાડામાં ઘોર અંધારું થઇ જતું અને લાગતું હતું કે ઉપરના ભાગે કોઈ મોટો શેતાની છાયો આવ્યો છે, કાચા પોચાની છાતી ફાટી જાય એવી એ રાત હતી પણ હું ચાચીયો હતો, મારા હ્રદયમાં કોઈ ડર ન હતો, એ ઘૂઘવતા સાગરની કાળી અંધારી રાત મને ડરાવી નહોતી શકી તો આ જમીન પરની દહેશત મને ક્યાંથી ડરાવી શકે?

એમ પણ એટલા સુધી આવ્યા બાદ ડરવાનો કોઈ અર્થ પણ ન હતો, મેં આ સ્થળ સુધી પહોચવા શું નહોતું કર્યું? અનેક તકલીફો વેઠી હતી, અનેક પ્રપંચો કર્યા હતા. પિતાજીના આકસ્મિક ગુમ થયા બાદ મારા જીવનનું એક જ લક્ષ્ય હતું કે પિતાજી જે તીલસ્મી ચીજ મેળવવા માંગતા હતા હું એ મેળવું. પણ એ કયા સ્થળે હતી એ મને ખબર ન હતી. પિતાજી એ કામ પૂરું ન કરી શક્યા એટલે હું જાણી ગયો હતો કે એ કામ બળથી થઇ શકે તેમ ન હતું કારણ બાહુબળમાં પિતાજીથી વધુ સમર્થ વ્યક્તિ મેં હજુ સુધી જોયો ન હતો.

કોઈ અંગ્રેજ પહેલવાનમાંય દમ ન હતો કે એ મારા પિતાજીને માત કરી શકે, ઘણીવાર જહાજ પર મેં ગોરાઓના મુખેથી મારા પિતાજીના વખાણ સાંભળ્યા હતા. તેઓ કહેતા કે વિક્રાંતસિંહ, ગીડી અને વિલિયમ જેવા અંગ્રેજ પહેલવાનોને પણ પછાડી દેતો…!!!

મેં એ કામ કરવા માટે અલગ માર્ગ અપનાવ્યો હતો, હું જાણતો હતો કે એ તીલસ્મી ચીજ એક રાણીનો કટિબંધ હતો. એનામાં અનેક તીલસ્મી શક્તિઓ હતી પણ એ ખરેખર કયા સ્થળે હતો એ મને ખબર ન હતી, મેં એ કામ પૂરું પાડવા એક ગોરા વ્યક્તિની શોધ આદરી, મને એવો ગોરો વ્યક્તિ દેખાયો સ્ટીવ જે કોઈ લાલચ માટે ગમે તે હદ સુધી જાઈ શકે તેમ હતો. મેં એના જહાજ પર કપ્તાનની નોકરી સ્વીકારી એનો વિશ્વાસ જીત્યો. એને મારો મિત્ર બનાવ્યો અને ત્યાર બાદ મેં મારી સતરંજનો પહેલો દાવ ફેક્યો.

એ દિવસે ડેક પર હું અને સ્ટીવ બંને એણે લાવેલ વિદેશી શરાબની લહેજત માણી રહ્યા હતા, એના પેટમાં ચાર પેગ પડવા દીધા બાદ મેં વાતની શરૂઆત કરી.

“સ્ટીવ સાંભળ્યું છે કે રાજસ્થાનની ધરતીમાં એક તીલસ્મી કટિબંધ દફન છે જેમાં અનેક ચમત્કારી શક્તિઓ છે.”

મારું વાક્ય સાંભળતા જ જાણે એનો બધો નશો ઉતરી ગયો, ગોરાઓના સ્વભાવથી હું વાકેફ હતો, એમને ચમતકારી અને જાદુઈ ચીજોમાં ગજબનો રસ હોય છે.

“સાંભળ્યું તો મેં પણ છે, સાર્જન્ટ જોન અને કેપ્ટન ડગલર એ તીલસ્મી કટિબંધની શોધમાં નીકળ્યા હતા પણ હજુ પાછા નથી આવ્યા, લોકો તો એમ પણ માને છે કે એ કટિબંધ શાપિત છે જેના હાથમાં જાય છે એ વ્યક્તિનું અહિત થાય છે.” શ્રાપથી જાણે એ ગોરો પણ ડરી ગયો હોય એમ મને લાગ્યું.

“એ શ્રાપ સિવાયની બધી બાબતો સાચી છે. લોકો જે ચીજથી દુર રહેવા માંગતા હોય એની સાથે ભૂત અને શ્રાપની અવનવી કહાનીઓ જોડી દેતા હોય છે.” મેં કહ્યું.

મારે સ્ટીવને એ કટિબંધની તલાશમાં નીકળવા માટે રાજી કરવા ઘણો સમય ન બગાડવો પડ્યો, એ ગોરો પોતાની જાદુ અને તીલસ્મી ચીજોથી મોહિત થવાના સ્વભાવથી બાકાત ન હતો, હું જાણતો જ હતો કોઈ ગોરો કોઈ ખજાનો કે જાદુઈ ચીજ શોધવામાં તમારી સાથે આવવાની ના ન જ પાડે.

અમે લગભગ એક વરસ રાજસ્થાનમાં ભટક્યા. આખરે અમને માહિતી મળી કે એ તીલસ્મી કટિબંધ કોઈ રાણીનો હતો પણ મોઘલ કાળ દરમિયાન એ રાણીનો એ તાવી જ મોઘલ સલ્તનતના હાથમાં ચાલ્યો ગયો હતો અને આખરે અમને એ મોઘલ બાદશાહ વિશે જાણકારી મળી જેના હાથમાં એ કટિબંધ ગયો હતો. અમે એ નવાબના વંશજો વિશે તપાસ કરી તો માલુમ પડ્યું કે એનો છેલ્લો વંશજ કોઈ પણ ઓલાદ વિના વીશેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો. અંત સુધી કટીબંધ એમના પાસેજ હતો એટલે એમની તબાહી થઇ હતી અને એ જ્યારે મર્યો ત્યારે એની પાસે કોઈ મહેલ કે સંપતિ ન હતી, એને ડચ લોકો સાથે લડાઈ થઇ હતી એને એ બધું ગુમાવી બેઠો હતો.

આખરે અમે એની કબર શોધી લીધી હતી, એ સ્થળ પર આવ્યા બાદ હું જાણતો હતો કે મારે પહેલું કામ શું કરવું જોઈએ, મેં સ્ટીવને એની પિસ્તોલ બહાર કાઢવાનો મોકો આપ્યા વિના છરીના એક જ ઘા એ ઉપર પહોચાડી દીધો..!!! જોકે સ્ટીવ ને કોઈ અણસાર જ નહોતો કે હું એને એ રીતે મારી નાખીશ, જો એને એવો અંદાજ હોત તો એને માત કરવામાં મારે ઘણું લડવું પડોત.

ત્યાર બાદ છેલ્લા ત્રણ કલાકથી એ કાળી રાતમાં એ કબર ખોદી એ તાબૂત મેળવ્યું હતું. મેં તાબૂત ખોલ્યું, એ સાથે જ આકાશમાં, વાદળોમાં છુપાયેલો ચંદ્ર એકાએક બહાર આવ્યો, કદાચ એ વાદળો સાથે સંતાકુકડી રમીને કંટાળી ગયો હતો કે કદાચ હવે એની સાથે એ રમત રમવા કોઈ વાદળ આસપાસ ન હતું.

મેં તાબુતની ચીજો પર નજર કરી, મને એમાં રહેલ કન્કાલના હાથમાં એ કટિબંધ દેખાયો, મેં એની મુઠ્ઠી ખોલી એ કટી બંધ મારા હાથમાં લીધો. પણ એ કંકાલ મને ત્રીસ વરસ જુનું ન લાગ્યું, મેં એ કંકાલને ફરી જોયું, મને અચાનક યાદ આવ્યું, મેં એના હાથની આંગળીમાં કઈક જાણીતી ચીજ જોઈ હતી, વીંટી.

મેં એના હાથ ફરીથી તપાસ્યા, હું સાચો હતો એના હાથ પર વીંટી હતી જે હું ઓળખતો હતો, એના હાથમાં જે વીંટી હતી એ મારા પિતા વિક્રાંતસિંહની હતી, એ કંકાલ મારા પિતા વિક્રાંતસિંહનું હતું.

હું જાજુ વિચારવા રહ્યા વિના એ ખાડાની બહાર આવ્યો, એ કટીબંધ હજુ મારા હાથમાં જ હતો… એકાએક મારા ધ્યાનમાં આવ્યું સ્ટીવની લાશ ત્યાં ન હતી.. .એ અહી જ એના પેટમાં મારી છરી સાથે પડ્યો હોવો જોઈતો હતો… મને એ અંધકારને ચીરતો આગનો તેજ લીશોટો નજીકના એક વ્રુક્ષ તરફથી આવતો દેખાયો અને એના સાથે જ ત્યાની નીરવતાને ચીરતો એક અવાજ મને સંભળાયો..

બીજી જ પળે મેં મારી જાતને ત્યાજ ઢગલો થઇ પડતી જોઈ.. હું સમજી ગયો કે સ્ટીવના શરીરમાં જીવ રહી ગયો હતો.. એ કદાચ બેભાન થયો હશે… એ મર્યો નહિ હોય… એ હું કબરમાં હતો ત્યારે ભાનમાં આવ્યો હશે અને હું કબરમાંથી બહાર આવું ત્યાં સુધી એ જાડને ટેકે બેઠો હશે કેમ કે ઉભા થઇ કબરમાં આવવાની તેનામાં શકતી નહિ હોય… હું અને સ્ટીવ બંને ત્યાં પડ્યા હતા અમે બંને મરી રહ્યા હતા… હું સમજી ગયો કે મારા પિતાજીનું કંકાલ એ કબરમાં કેમ હતું અને એમના હાથમાં પણ એ કટિબંધ કેમ હતો… ધીરે ધીરે મારી આંખ મીચાવા લાગી… બસ મને એક વાત ન હતી સમજાઈ રહી એ કટિબંધ ખરેખર શાપિત હતો કે અમે પિતા પુત્રએ અમારા કર્મનું ફળ ભોગવ્યું હતું?

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here