gujarati-varta-acharaj

અચરજ

ભાભી! આ શબ્દને પુસ્તકોમાં બહુ મહત્વ નથી આપવામાં આવ્યું. કોણ જાણે કેમ આ શબ્દ હજુ સુધી લેખકોના અને કવિઓના જહેનમાં નથી આવ્યો. જે હોય તે પણ મને કવિઓ અને લેખકો તરફથી આ શબ્દને અન્યાય થયો હોય એવું લાગી રહ્યું છે.

આ શબ્દમાં કેટલી મીઠાસ છે એ શબ્દોમાં વર્ણન કરવી મુશ્કેલ નહી અશક્ય જ છે! એ અપૂર્વ છે, અલોકિક છે, તે શાશ્વત છે, તે અદભુત છે, તે મધ જેવું મીઠું અને શેરડીના રશ જેવું રુચિકર છે.

એ સાકરના સ્વાદ જેવું છે, એ ગંગાના જળ જેવું છે, એ મા ના સ્તનપાન સમાન છે. તે મારા માટે અમૃત અમૃત અને અમૃત છે કેમ કે મને મા એ નહી પણ મારી ભાભીએ મોટી કરી હતી.

દુનિયાભરમાં, ટીવીમાં ,સીરીયલમાં, ફિલ્મોમાંને વાતોમાં મેં બસ નણદ અને ભાભી વચ્ચે ઝઘડા થતા જોયા હતા પણ મારા જીવનમાં એનાથી ઉલટું હતું. મને યાદ નથી મને ક્યારેય મારી ભાભીએ ઊંચા અવાજે કાઈ કહ્યું પણ હોય!

કહે છે આ સંસાર અજીબ છે એનામાં ક્યારે શું થાય એ કહેવું મુશ્કેલ છે અને મારા જીવનમાં પણ એ પળ ત્યારે આવી જ્યારે હું દસ વરસની હતી. મા ચાલી ગઈ. મારા મોટાભાઈ રાઘવના લગ્ન એ સમયે થયેલા હતા અને લોકો કહેતા કે હવે મા વગરની દીકરી પર ભાભીના જુલમ શરુ થઈ જશે. ભાભી એના પર અત્યાચાર કરશે અને એનું જીવન નરક કરી દેશે.

પણ એવું કાંઈજ ન થયું. મારી ભાભી સુરેખાએ મારી મા ની ખોટ પૂરી કરવાની જવાબદારી લઇ લીધી હોય એમ એ મને મા ની જેમ સાચવવા લાગી. મને એમ જ થતું કે એ મારી મા જ છે સાચું કહું તો એનો પ્રેમ મા થી પણ કઈક વિશેષ હતો. હું તેના પેટમાં નવ મહિના તો ન હતી રહી પણ એના ખોળામાં એટલો સમય રમી હોઈશ કે કદાચ કોઈ બાળક પોતાની મન ખોળામાં પણ એટલો સમય નહી રમ્યું હોય!!!

ક્યારેક ક્યારેક ભાઈ ગુસ્સે થતો ત્યારે ભાભી ભાઈનેય વઢવા લાગતી કે જે કહેવું હોય તે મને કહેજો પણ મારી દીકરી જીનલને કાઈ ન કહેતા.

ભાભીએ મારા જીવનમાં દરેક ચીજનું ધ્યાન રાખ્યું હતું. ભાભીએ મને કોલેજમાં પણ ફોર્સ કરીને મોકલી હતી, એનું માનવું હતું કે આજના જમાનામાં છોકરી ગ્રેજ્યુએટ તો હોવી જ જોઈએ. ભાભી પોતે પણ ગ્રેજ્યુએટ છે. મને કોમર્સ પસંદ હતું એટલે ભાભી મને સાયન્સમાં મુકવા માંગતી હતી છતાં પણ મારી પસંદને પોતાની પસંદ બનાવી મને કોમર્શ કોલેજમાં જ મૂકી હતી.

મેં ભાભીમાં એક મા, એક બહેન, અને એક સખી દરેક છબી જોઈ હતી. પણ કહે છે ને કે કર્મે લખ્યું કથીર તો સોનું ક્યાંથી મળે?.

કોલેજ બાદ મારા લગન થયા અને જેમ મારા નસીબમાં મા નો પ્રેમ ન હતો એમ જ કદાચ પતિનો પ્રેમ પણ ન હતો, અશોકથી મારા લગન બાદ મને સમજ્યું કે મારી દુનિયા બદલાઈ ગઈ હતી. અશોકથી મને અન્ય કોઈ સમસ્યા ન હતી, બસ એ ક્યારેય મારું સમ્માન જાળવી નહોતા શકતા. મારી વાત નથી એ કોઈ મહિલાનું સમ્માન કરવામાં અસફળ રહે એમ હતા. એમના વિચારો બહુ સંકુચિત હતા. એ એમ જ સમજતા કે મહિલા ગમે તેટલી હોશિયાર હોય ભણેલી હોય એને માત્ર અને માત્ર ઘરનું કામ કરવું જોઈએ. ધંધો નોકરી એના માટે નથી.

મેં એમની વાત સ્વીકારી પણ લીધી હતી. મને એક ખાનગી શાળામાં નોકરી મળી રહી હતી પણ મેં અશોકના અહંકારને ઠેસ ન પહોચે એ માટે એ નોકરી ન લીધી. મને શાળામાં બાળકોને ભણાવવું ખુબ જ પસંદ છે, શાળામાં બાળકોને સારા સંસ્કારો આપવા અને એમને સાચું શિક્ષણ આપવું એ મારું સપનું હતું છતાં મારે અશોકનું મન ન હતું એટલે મારું મન મનાવવું પડ્યું.

ભાભીના સંસ્કારોએ મને એક વાત શીખવેલી હતી કે દુ:ખ પછી હમેશા સુખ આવે જ છે. અને બસ હું એ સુખની રાહ જોઈ રહી હતી.  હું મારા રોહનમાં ભાભીએ મારામાં સિંચેલા સારા સંસ્કારોનું સિંચન કરવામાં વ્યસ્ત રહેતી. હું નહોતી ઇચ્છતી કે રોહન એના પિતાની જેમ પૂર્વગ્રહથી પીડાતો અને અહંકારી વ્યક્તિ બને એટલે એ માટેની દરેક કાળજી હું લઈ રહી હતી.

રામાયણ અને મહાભારતના કિસ્સાઓ અને ગીતાના ઉપદેશથી લઇ વ્યવહારુ જ્ઞાન સુધી દરેક ચીજ મેં રોહનના જહેનમાં ઉતારી હતી. સદભાગ્યે રોહન મારા સંસ્કારોને સરળતાથી પોતાનામાં ગ્રહણ કરી લેતો હતો. બસ મને એક જ વાતની ચિંતા હતી એના ગુસ્સાવાળા સ્વભાવની એ પણ અશોકની જેમ જ જટથી કાઈ પણ બોલી જવામાં માનતો હતો. કદાચ બાપના ગુણ બેટામાં આવ્યા વીના નથી રહેતા એ વાત સચી જ છે. રોહન હજુ સાતમાં ધોરણમાં આવ્યો હતો ને છતાય ઘણીવાર મારી અને અશોકના સામે દલીલ કરવા લાગતો.

ગરમીના દિવસો હતા, હજુ સવારના અગિયારેક વાગ્યા હતા પણ ગરમી એવી હતી જાણે કે ખરા બપોર થઈ ગયા હોય!! બપોરની લુ સવારથી જ શરુ થઇ ગઈ હતી અને સવારથી જ બહાર નીકળવું બહુ મુશ્કેલ હતું. એવું લાગી રહ્યું હતું જાણે કે સુરજ દેવ પોતાની ક્રોધમય અગ્નિ ધરતી પર વરસાવી રહ્યા હતા. ખુલ્લા પગે તો જમીન પર પગ મુકવો પણ મુશ્કેલ હતો.

હું ઘરના ફોયરમાં ખુરસીમાં બેઠી બહારનો કુદરતી નજારો જોઈ રહી હતી. અશોક મારી સામે જ સોફા પર બેસી પોતાનો હિસાબ કરી રહ્યા હતા અને એ પોતાના હિસાબની ગડમથલમાં ઊંચા અવાજે બોલી રહ્યા હતા. એમનો સ્વભાવ ગુસ્સાવાળો હતો એટલે જ્યારે પોતાનો હિસાબ ન મળે ત્યારે એ ઊંચા અવાજે બોલતા હિસાબ કરતા.

રોહન પોતાના રૂમમાં બેસી પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. એકાદ અઠવાડિયા બાદ તેની લેખિત પરીક્ષા શરુ થવાની હતી અને એ સમયે એની મૌખિક ચાલુ હતી. એને ફાઈનલ પરીક્ષા બાદ બે મહિનાનું વેકેશન મળવાનું હતું એ ખુશીમાં એ મહેનત કરી રહ્યો હતો.

“હું કઈક મદદ કરું?” મેં અશોકને પોતાના હિશાબમાં અકળાતા જોઈ કહ્યું.

હું બી.કોમ થઈ હતી અને એકાઉન્ટીંગ મારો મુખ્ય વિષય હતો એટલે મને લાગતું હતું કે હું તેની મદદ કરી શકું તેમ હતી. પણ જવાબમાં દરેક વખતની જેમ એજ કઠોર જવાબ સાંભળવા મળ્યો.

“તું તારા રસોડાના કામમાં ધ્યાન રાખ. આ બધામાં માથું મારવાની તારે જરૂર નથી.” અને ફરી એકવાર યુનિવર્સીટીમાં ફર્સ્ટ આવેલ મારે જે વ્યક્તિને બરાબર હિશાબ કરતા પણ નહોતું આવડતું એની સામે એક પણ શબ્દ બોલ્યા વિના ચુપચાપ બેસી રહેવું પડ્યું.

હું કાંઈજ ન બોલી શકી. મારી પાસે બોલવા માટે કોઈ જ શબ્દો ન હતા કે પછી શબ્દોનો કોઈ અર્થ જ ન હતો એ હું જાણતી હતી.

ત્યાજ રોહન પોતાના રૂમમાંથી બહાર આવ્યો, તેના ચહેરા પરની પરેશાની પરથી હું કળી ગઈ કે એને જરૂર કોઈ સવાલ હતો, કદાચ કોઈક પ્રશ્નમાં એ ગૂંચવાયો હશે. અને મારો અંદાજ સાચો હોય તો એ ગણિતના જ કોઈ સવાલમાં ગૂંચવાયો હશે કેમ કે એના પપ્પા જેમ એનું પણ ગણિત કાચું હતું.

“શું થયું બેટા?” મેં એને જોતા જ કહ્યું.

“મને આ ગણતરીમાં કાંઈ જ ખબર નથી પડી રહી. ગાઈડની રીતથી દાખલો ગણીને જઈએ તો શાળામાં સાહેબ શિક્ષા કરે છે અને એની રીતમાં કાંઈ જ સમજ પડતી નથી.” રોહને ગુસ્સાથી કહ્યું.

“અહી આવ હું શીખવાડી દઉં.” અશોકે એના તરફ જોતા કહ્યું.

“તમે રહેવા દો પપ્પા. તમારો હિશાબ પતાવો. ગયા વખતે તમે દાખલા ગણાવ્યા એ વખતે ગાઈડમાંથી ગણીએ ને માર પડે એનાથી પણ વધુ માર પડી હતી.” રોહને એમના તરફ જોયા પણ વિના કહ્યું અને મારી પાસે આવ્યો, “મમ્મી એમાં શું કરવાનું? એનો જવાબ કાઈ રીતે આવે?”

બે એક મહિના પહેલા હું ભાભીની તબિયત સારી ન હતી ત્યારે એમના ખબર પૂછવા ગઈ હતી એ વખતે રોહને હોમવર્ક કરવામાં એના પપ્પાની મદદ લીધી હતી અને જ્યારે હું પાછી આવી ત્યારે મને રોહને કહ્યું હતું કે પપ્પાએ ગણાવેલા મોટાભાગના દાખલા ખોટા હતા અને એને શાળામાં માર ખાવો પડ્યો હતો.

મારા ચહેરા ઉપર એક સ્મિત ફરકી ઉઠ્યું, આંખોના જે ખુણાઓ પર દુ:ખના અશ્રુ બિંદુઓ હતા ખુશીમાં ફેરવાઈ ગયા. હું રોહને એના પપ્પા પાસે દાખલા ન ગણાવ્યા એમાટે ખુશ ન હતી પણ હું એ માટે ખુશ હતી કે મને મારો દીકરો સમજતો હતો.

“બેટા, પપ્પા સાથે આ રીતે વાત ન કરાય.” મેં એને ઠપકો આપતા મેં એની નોટ હાથમાં લીધી. હું ક્યારેય અશોકને નીચા બતાવવા નહોતી માંગતી, દુનિયાના કોઈ વ્યક્તિ સામે નહિ તો પછી હું એમને એમનાજ દીકરા સામે કઈ રીતે નીચા બતાવી શકું એટલે મારે રોહનને ઠપકો આપવો પડ્યો.

કદાચ આ પણ મારામાં ભાભીએ સિંચેલા સંસ્કારોમાંનો એક સંસ્કાર હતો.

હું રોહનની નોટબૂક હાથમાં લઈ મારું મનગમતું કામ કરવા લાગી. દાખલો ગણવાનું અને એ દાખલો એક બાળકને શીખવવાનું. મેં તમને કહ્યું હતું ને, મને બાળકોને ભણાવવાનું ખુબજ પસંદ છે. હું શાળાની શિક્ષિકા તો ન બની શકી પણ રોહનના લીધે મારું એ સપનું પૂરું થયું. મને ખુશી છે કે દરેક મા નું શિક્ષક બનવાનું સપનું એમના રોહનને લીધે પૂરું થતું હોય છે.

ખરેખર મને અચરજ થાય છે કોઈ કેમ આ વાસ્તવિકતાને સમજતું નથી? દરેક વ્યક્તિ પોતાની બહેનને હોશિયાર સાબિત કરવા માંગે છે, પોતાની દીકરીને હોશિયાર સાબિત કરવા માંગે છે પણ પોતાની પત્નીને ??? કેમ?? આ ભેદભાવ કેમ?? પત્ની પણ કોઈની દીકરી છે… કોઈની બહેન છે.. અને તેના પરિવારે બહુ મહેનત કરી હોય છે એને ભણાવવા માટે.. એને હોશિયાર બનાવવા માટે…. માટે એના શિક્ષણને સમજો.. એની હોશિયારીની કદર કરતા શીખો.. કોઈ સ્ત્રી ક્યારેય પોતાના પતિથી ચડિયાતી દેખાવા માટે કાંઈજ નથી કરતી બસ એનો ઈરાદો પોતાના પતિની, પોતાના પરિવારની સહાયતા કરવાનો હોય… બસ એ પણ પોતાના પરિવારને મદદ રૂપ થવાનો પ્રયાસ કરે છે.

કદાચ આપણા ઋષિ મુનીઓ આ બાબત સમજતા હતા એટલે જ તેમને કહ્યું છે કે યત્ર પૂજયન્તે નાર્યા તત્ર રમયંતે દેવતા… અને એથી જ કદાચ કહેવાય છે કે નારી તું નારાયણી…!!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here