gujarati-varta-aarati

આરતી

હું કોલેજ બાદ ખુદથી થોડીક ડીસકોન્ટેન્ટ હતી કેમકે કોલજમાં સારા સ્કોરિંગ સાથેનું પરિણામ મેળવવા છતાં હું કોઈ પ્રાયવેટ જોબ પણ મેળવી શકી ન હતી. આમતો મારે કોઈ જોબની જરૂર ન હતી, અમારે ઘરની કંપની હતી અને હું જ એ કંપનીની વારસદાર હતી. હું એક જ હતી પણ બસ કંપનીની ડોર હાથમાં લેતા પહેલા મારે ક્યાંક જોબ કરી અનુભવ લેવો હતો. મને એજ નહોતું સમજાતું કે મારા દરેક ઇન્ટરવ્યુમાં ક્યા કચાસ રહી જતી હતી. મોટા ભાગે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ એમ જ કહેતા અમે પછી ફોન કરીશું. કોઈ પહેલી વાર ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ કદાચ એનો મતલબ ન જાણતો હોય પણ હું એ શબ્દોથી ટેવાઈ ગઈ હતી. હું જાણતી હતી કે અમે પછી ફોન કરશું કહેનારા ક્યારેય ફોન કરતા નથી!

હું મારી જોબને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉદાસ અને અસમંજસમાં હતી. હું ખિન્ન હતી પણ કહેવાય છે ને કે બીજાનું દુ:ખ જુઓ તો તમને તમારું દુ:ખ બહુ નાનું દેખાશે. મારી સાથે પણ એવુ જ થયું હું મારી બેસ્ટ ફ્રેન્ડ આરતીનું દુ:ખ જોયા પછી હચમચી ગઈ.

સોમવારનો સમય હતો હું આરતીના ઘરે ગઈ.સવારનો સમય. ઓગસ્ટનો મહિનો અને આકાશમાં મેઘનું મંડાણ એવું લાગી રહ્યું હતું કે જેટલું પાણી ઉપર છે એટલું એકજ દિવસે વરસી જશે. સામાન્ય સંજોગોમાં તો હું ઘર તરફ પાછી ફરત પણ છેલ્લા એક મહીનાથી આરતીને જોઈ ન હતી. અરે એનાથી વાત પણ ન હતી થઇ. આરતી ખોવાઈ ગઈ હતી. એના મમ્મી પપ્પાએ એની ખુબ શોધ કરી પણ એ નહોતી મળી. અને એ દિવસે મહિનાઓ બાદ મને નેહા એ ફોન કરીને કહ્યું કે આરતી ઘરે આવી ગઈ છે. મેં નેહાથી વાત કર્યા બાદ આરતીને ફોન લગાવ્યો પણ છેલ્લા એક મહિનાથી જે કેસેટનું રેકોર્ડીંગ સંભળાતું હતું એજ સાંભળ્યું આપ જિસ નંબર સે બાત કરના ચાહતે હે વો અસ્તિત્વ મેં નહી હૈ.

છેક રાતથી વરસાદ હતો બહાર નીકળવું પણ મુશ્કેલ હતું છતાં મેં નિર્ણય કર્યો કે મારે આરતીને મળવા જવુ જ છે. પણ આ સ્થિતિમાં મમ્મી મને એકલા જવાદે તેમ પણ ન હતું. મમ્મી શું મને પણ આશંકા હતી કે જરૂર કોઈ અપ્રિય ઘટના ઘટશે. મને આફતનો અણસાર આવી ગયો હતો કે કેમ? જે હોય તે પણ હું રામબાબુને મારી સાથે કારમાં લઈને નીકળી. રામબાબુ અમારા ઘરના જુના અને વફાદાર માણસ હતા. મમ્મી કહેતી કે એ મારી ઉમરના હતા ત્યારે ગામડેથી ભાગીને શહેર આવી ગયેલ. સાવકીમાંના ત્રાસથી કંટાળી ગયા હતા અને એમાય ભણવાનું મગજમાં ન ઉતરતું એટલે બાપ પણ મા સાથે ભળી જતો અને સાવકીમાને ચડાવે દીકરા પર જુલમ ગુજારતો. જોકે મને આ વાત મમ્મીએ કહી હતી મેં ક્યારેય રામબાબુને આ વાત પૂછી ન હતી, એ મને દીકરીની જેમ રાખતા અને હું પણ તેમના ખોળામાં મોટી થઈ હતી એમ કહું તોય ચાલે.

હું એમની દીકરી જેવી હતી અને એક દીકરી થઈને બાપને એની સાવકી માનાં જુલ્મો વિશે પૂછવું મને યોગ્ય ન લાગતું.

હું રામબાબુને સાથે લઈને નીકળી એટલે મમ્મીને પણ સંતોષ હતો. અમે દામોદર નદીને કિનારે જ રહેતા હતા. આટલા વરસાદમાં એ ગમે ત્યારે ગાંડી થઈ જાય તો કોઈ અણધારી વાત ન કહેવાય એટલે રામબાબુને સાથે લીધા વિના નીકળવું મને મૂર્ખાઈ ભર્યું લાગ્યું.

રામબાબુ કાર ચલાવી રહ્યા હતા. વરસાદને લીધે રસ્તા પર જરાય ભીડ ન હતી પણ છતાયે વરસાદનું જોર એટલું વધારે હતું કે એમાં કારને સાઈઠ પર દોડાવવી પણ મુશ્કેલ હતીં.

મારા મનમાં નેહાનું એક જ વાક્ય ધુમ્યા કરતુ હતું. નેહાએ ફોનમાં કહ્યું હતું કે આરતી પાગલ થઇ ગઈ છે એ કોઈને ઓળખાતી નથી. શું થયું હશે? એ કોઈને કેમ નહી ઓળખાતી હોય? શું એ સાચે જ પાગલ થઇ ગઈ હશે? શું એ મને પણ નહી ઓળખે?

મારા મનમાં આવતા સવાલો મને પાગલ કરી રહ્યા હતા મને ગૂંગળાવી રહ્યા હતા. હું એમનાથી બચવા ભૂતકાળને વાગોળવા લાગી. આરતી પાગલ થઇ ગઈ છે એ વિચાર માત્ર મને ધ્રુજાવી નાખવા માટે પુરતો હતો મેં એને બદલે આરતી સાથે વિતાવેલ દિવસોની મીઠી યાદોને વાગોળવાનું વધુ પસંદ કર્યું.

આરતી એક ભોળી અને ભલી છોકરી હતી. એની ઉમર દસ અગિયારેક વરસની હતી જ્યારે અમારો પરિચય થયો. હરણી જેવી ચંચળ. ગરીબ પરિવારમાં એનો ઉછેર થઇ રહ્યો હતો છતાં એ મારાથી સુંદર દેખાતી એને જોઇને કોઈ એમજ કહે કે એ મારા બંગલામાં જન્મી હશે અને મોટી થઇ હશે અને હું એના નાનકડા ઘરમાં.

ભગવાને મને બધું આપ્યું હતું પણ રૂપ નહોતું આપ્યું જ્યારે આરતીને રૂપ આપ્યું હતું પણ બીજું કાઈ નહોતું આપ્યું. એના ચહેરા પર તેજ રહેતું, એ બોલતી તો જાણે ફૂલ ખરતા. એના આવવાજમાં મધની મીઠાસ હતી. હસતી તો ગાલ પર ખંજન પડતા અને એવું લાગતું જાણે તેજ હવામાં ગુલમહોર પરથી ફૂલ જરી રહ્યા હોય! દૂધ જેવા સફેદ દાંત, કાળા વાદળ જેવા વાળ અને એની સલુકાઈથી ગુંથેલી બે ચોટીઓ. એની આંખો પણ ભગવાને આકર્ષિત બનાવેલી ને બોલવાની તો એવી ચબરાક કે ન પૂછો વાત. તમને ક્યાંક મળી જાય તો એવા એવા સવાલો તમારી સામે ધરી દે કે તમે ચુપ થઈ જાઓ. મને હમેશા થતું કે જો પેલા ઇન્ટરવ્યુ લેનારનો ઇન્ટરવ્યુ આરતી લે તો એમને આરતીના એક પણ સવાલનો જવાબ ન આવડે. એ બધા એની સામે નિષ્ફળ રહે, નાપાસ રહે!

તમે એની સાથે ગુફ્તગૂમાં લાગી જાઓ તો સમય ક્યા ગયો એનો કોઈ અંદાજ ન રહે. ધણીવાર તો એ મમ્મીને વાતોમાં એટલી ગૂંચવી દેતી કે મમ્મીને યાદ ન રહેતું કે કયું કામ થઇ ગયું છે અને કયું બાકી.

રામબાબુની પણ એ વહાલી હતી. એ મારા ઘરે આવતી ત્યારે હું અને એ રામબાબુ સાથે બગીચામાં રમતા, રામબાબુ અમને કામ કરવાની ના પાડતા. કહેતા કે એ કામ મારે કરવાનું છે પણ અમને ઝાડના સુકાઈ ગયેલા પાંદડા વીણવા અને જમીન સરખી કરવી જેવી બાબતો કામ ન લાગતી અમને એમાં અમારી રમત દેખાતી અને અમે એ કામે લાગી જતી. એ સમયે એ અમારા માટે કામ ન હતું એ અમારા માટે કોઈક નવી જ રમત હોતી અને અમે થાકી જઈએ ત્યાં સુધી એ રમત રમતા.

એનું ઘર નદીની પાસેની વસ્તીમાં હતું. ત્યાં બધા ગરીબ અને મજુર વર્ગના લોકો દબાણ કરીને રહેતા. નગરપાલીકાને ત્યાં કોઈ લેવા દેવા ન હતી, એમને ત્યાં કોઈ શોપિંગ કે કોઈ ઈમારત નહોતી બનાવવાની એટલે એમના ઘર સલામત રહ્યા હતા.

એની મમ્મી અને પપ્પા નદી કિનારે શાકભાજી ઉગાડતા અને એ દિવસે ટોકરામાં શાકભાજી લઈને વેચવા નીકળતી. બસ એકવાર એ મારી વસ્તીમાં શાકભાજી વેચવા આવેલી અને મમ્મીએ એની પાસેથી આખો ટોકરો શાકભાજી ખરીદી લીધેલી. એમાં વાત એવી થઇ હતી કે મારાથી એક મોટી બહેન હતી જે દસેક વરસની ઉમરે અમને છોડીને ચાલી ગઈ હતી, જ્યારે આરતી શાકભાજી વેચવા આવી ત્યારે એવી ચપડ ચપડ બોલતી હતી કે મમ્મીને મારી બહેન યાદ આવી ગઈ, મમ્મી એની સાથે વાતોમાં ખોવાઈ ગઈ અને કલાક સુધી આરતી અને મમ્મી અલક મલકની વાતો કરતા રહ્યા. મમ્મીએ એનું નામ સરનામું બધું જાણી લીધું હતું.

હું તો બસ બાજુમાં બેસી એમની વાતો સાંભળતી જ રહી હતી. મને પણ એ છોકરી ગમી ગઈ હતી, પૈસાદાર ઘરમાં ઉછરી એટલે મારી પાસે રમકડા ઘણા હતા પણ મિત્રો બહુ ઓછા. મને ખાસ ક્યારેય બહાર રમવા પણ જવા ન મળતું. મોઘા મોઘા રમકડા ઘરમાં લાવી દેવામાં આવતા. અને મમ્મી પપ્પાને એમ લાગતું કે બહાર ધૂળમાં રમવા જવાનો શું ફાયદો. પણ આરતી એ મારાથી એ દિવસે દોસ્તી કરી અને બધું બદલાઈ ગયું. મને બહારની ધૂળમાં રમવાનો મોકો મળ્યો, કદાચ આરતી મારા જીવનમાં એક દોસ્ત ન બની હોત તો હું પણ બીજી અમીર છોકરીઓની જેમ ઘમંડી અને પોતાનું જ વિચારનાર બની હોત પણ આરતીએ મને શીખવ્યું હતું કે દોસ્તી કોને કહેવાય, ખરેખર આરતીએ એક મોટી બહેનની ગરજ સારી હતી.

મમ્મી સાથે કલાક વાતો કર્યા બાદ એ એકદમ ગભરાઈ ગઈ અને બોલી, “હાય રામ હું વાતોમાં રહી ગઈ હવે મોડું થઈ ગયું આ શબ્જી કોણ ખરીદશે?”

એ નાની વસ્તીમાં રહેતી જ્યાં અમુક લોકો હિન્દી બોલતા એટલે એના ગુજરાતીમાં જરાક હિન્દીની છાટ રહેતી.

મમ્મીએ તેને ઉદાસ જોઈ આખો ટોકરો શાકભાજી ખરીદી લીધી. અને ત્યાર બાદ એ ફરી કલાક અમારે ત્યાજ રહી. એનું કહેવું હતું કે હવે તમે બધી શબ્જી ખરીદી લીધી છે આમેય મારે એ સબ્જી વેચવા હજુ કલાક સુધી ટોકરો ઉપાડી ફરવું પડત. એના બદલે હું કલાક તમારા ઘરનું કામ કરીશ.

મમ્મીએ એને નાના નાના કામ ભળાવ્યા. આરતીએ એ જ ચટર પટર ચાલુ રાખી. એ કામ કરે ગઈ. હું સમજી ગઈ હતી કે મમ્મી એની ચટર પટર સાંભળવા માટે જ એની પાસે કામ કરાવી રહી હતી.

ત્યાર બાદ તો એ દરરોજ અમારા ઘરે શાકભાજી વેચવા આવતી અને જ્યારે આવે ત્યારે મારા માટે લાલ બોર કે કોઈ અન્ય એવી ચીજ લઈને આવતી. એ લોકો તો ખાલી શાકભાજી જ વાવતા પણ એ એમની વસ્તીની બીજી મહિલા કે છોકરીઓ પાસેથી એ બધું માંગીને લાવતી. મને એના વર્તનથી શાળામાં શિક્ષકે ભણાવેલ કાબુલી યાદ આવી જતો. હું એને કહેતી હું તારી મિનિ અને તું મારો કીસમીસ લાવનાર કાબુલી છે પણ એ બિચારી ભણતી ન હતી એટલે એને કાબુલી કોણ એ ખબર ન હતી.

મને જ્યારે ખબર પડી કે એ ભણતી ન હતી એટલે મેં જીદ કરી કે જો આરતી શાળાએ જશે તોજ હું જઈશ. અને મોટા ઘરમાં બાળકોની કેવી ગાંડી ગાંડી જીદ પૂરી કરાતી હોય છે એ કદાચ તમને ખબર નહી હોય પણ બે ત્રણ દિવસ પછી આરતી શાકભાજી વેચવાને બદલે શાળાએ આવવા લાગી. મને પાછળથી ખબર પડી હતી કે એ મારી જીદને લીધે નહી પણ મમ્મી પપ્પાના સારા સ્વભાવને લીધે અને આરતી તેમને પણ ગમતી હતી એટલે શક્ય થયું હતું. જે હોય તે બાળપણમાં તો હું ભરમમાં જ રહેતી કે આરતીને મારી જીદને લીધે શાળામાં મોકલી છે.

ધીમે ધીમે અમારી મિત્રતા ગાઢ બનતી ગઈ. અમે એકબીજાની સાથે રહેવા લાગ્યા. મમ્મી પપ્પા પણ એનું ખુબ રાખતા. દિવાળી હોય કે દુર્ગાપૂજા જેટલી કિમતના કપડા મારા માટે લાવતા એટલી જ કિમતના કપડા આરતી માટે પણ હોય જ!

અમે બંને સહેલીઓ મોટી થઇ ગઈ, નદીની રેતમાં ઘર બનાવવાનું ને ઘરને એક નામ આપવાનું, બીજા અઠવાડિયે બીજું નામ આપવાનું ને વળી બીજું રેતનું ઘર બનાવવાનું ચાલ્યા કરતુ.

“બેટી, આરતીનું ઘર આવી ગયું.” રામબાબુએ કહ્યું, હું મારી બાળપણની યાદોમાંથી બહાર આવી.

હું અને રામબાબુ આરતીના ઘરમાં ગયા. મને જોતા જ આરતીની મમ્મીની આંખોમાં પાણી આવી ગયું.

“આરતી ક્યા છે?” મને આરતી ન દેખાઈ એટલે મેં અધીરી થઇ પૂછ્યું.

“અંદર ના ઓરડામાં.” કહી તે અમને અંદરના ઓરડામાં લઇ ગયા.

અંદર જતા જ અમારી આંખો ફાટી ગઈ, અમારી સુંદર સુશીલ આરતી ગાંડાની જેમ પથારી પર પડી હતી. તે છતને જોઈ રહી હતી, અમે રૂમમાં ગયા એનું પણ એને ધ્યાન ન આપ્યું. એના ચહેરા પર ઠેક ઠેકાણે ઘા અને ઉજરડા હતા. એની હાલત ખરેખર કોઈ પાગલ જેવી થયેલી હતી.

હું એની નજીક ગઈ.

“આરતી.” મારા ગળામાંથી માંડ અવાજ નીકળ્યો, મને ડૂમો ભરાઈ ગયો હતો.

“નહી અમિત મને માર નહી, નહી અમિત મને માર નહી.”

“હું રોશની છું આરતી. તને શું થયું છે?” મેં આંસુભરી આંખે કહ્યું.

“નહિ અમિત છવ્વીસ હજાર કોઈ મોટી રકમ નથી એટલા માટે તું મને એ નરાધમોને હવાલે ન કર, હું તને પ્રેમ કરું છું મને વેચ નહિ.” એ બોલી.

મારી આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, આરતીના આંસુ સુકાઈ ગયા હતા, કદાચ એ એક મહિનાના સમયગાળામાં એણીએ એટલું સહન કર્યું હતું કે એના આંસુ સુકાઈ ગયા હતા.

“એ પાછી આવી ત્યારથી બસ આમ જ બબડે છે, કોઈને ઓળખતી પણ નથી.” જસોદાબેને કહ્યું.

“તમે અમને ખબર કેમ ન કરી?” મેં કહ્યું.

“શું કહીએ? એને બહાર કેવી રીતે લઈ જઈએ?” જસોદા બેને કહ્યું, “શું થયું છે એ પણ કાઈ સમજાતું નથી? કોઈક ભુવા પાસે દોરા ધાગા કરાવવા પડશે, કદાચ કોઈ વળગાડ હોઈ શકે.”

હું સમજી ગઈ. તેઓ જુના વિચારના હતા, એમાં એમનો વાંક પણ ન હતો, નાની વસ્તીમાં રહેતા અભણ લોકો એવુ જ વિચારે છે.

એમને ખબર નહતી પણ હું જાણતી હતી કે અમિત કોણ હતો અને આરતી સાથે શું થયું હશે. એણીએ મને એક બે વાર કહેલું કે એ અમિત નામના કોઈ છોકરાને ચાહે છે. હું સમજી ગઈ હતી કે અમારી ભોળી આરતીને છેતરીને એ હરામખોર ક્યાંક વેચી આવ્યો હશે. ત્યાં એના પર જુલમ ગુજાર્યા હશે, એ જેમ તેમ કરી બચીને અહી ભાગી આવી હશે પણ આઘાતને લીધે પાગલ થઇ ગઈ હશે. મેં પપ્પાને ફોન કર્યો, પપ્પા ને વાત કરી.

પંદરેક મીનીટમાં પપ્પાની લેન્ડરોવર આરતીના ઘરને દરવાજે ઉભી રહી. અમે આરતીને એક સાયકાટ્રઈસ્ટ પાસે લાઈ ગયા. એકાદ મહિનાની ટ્રીટમેન્ટ અને પચાસેક હજારના ખર્ચ બાદ અમને અમારી આરતી પાછી મળી ગઈ. તેના પર થયેલા જુલમ અને સિતમે તેની સેન્સને ખોરવી નાખી હતી પણ ટ્રીટમેન્ટ બાદ એણીએ અમિત તેને દિલ્હી વેચી આવ્યો હતો અને એ હોટલમાં એકવાર રેડ પડીને પોતે કઈ રીતે બચી આવી એ બધી વાત કરી.

આરતીના બયાનના આધારે અમિતને તેની સજા મળી ગઈ, તેને છ વરસની સજા થઇ. પણ એનાથી આરતીએ જે ભોગવ્યું, જે સહન કર્યું એમાં તો કોઈ ફેર ન હતો પડ્યો.

અને આ બધું થાય છે આજની ફિલ્મો, આજની નવલકથાઓ અને આજની ટી.વી. સીરીયલો પર બતાવાતા પ્રેમના એકતરફી અને સારા પાસાને લીધે. એવા ખોટા પ્રેમ અને ખોટી વાતોમાં ફસાઈને રોજ કેટલીયે આરતીઓ હોટલોમાં વેચાતી હોય છે કોઈ પાગલ બનતી હોય છે તો કોઈ પ્યાદું. કોઈ તો મરે ત્યાં સુધી આજાદી મેળવી શકતી નથી.

ખરેખર આપણે પ્રેમ શું છે એ સમજવાની જરૂર છે કોઈના પર આંધળો ભરોસો મૂકી દેવો એનું નામ તો પ્રેમ નથી જ.

હું ખુશ છું કે મને મારી આરતી, મારી સહેલી પાછી મળી ગઈ, પણ દરેક ને તેમની આરતી, તેમની બહેન કે તેમની સહેલી પાછી મળતી નથી. માટે બને તેટલી આ વાત વધુ લોકોને સમજાય તે જરૂરી છે, ખાસ તો કોડભરી આરતીઓને, એ બિચારી કેટલાય સપના લઈને પ્રેમની એ ગાંડી રમતમાં હોમાઈ જતી હોય છે.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here