gujarati-varta-aaradhana

આરાધના

અમદાવાદમાં પુસ્તક વિમોચન માટે મોટો હોલ શોધવો કોઈ મુશ્કેલ કામ નથી અને એમાય મારું નામ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં સવારના સૂર્યના કોમળ કિરણો જેમ ઝડપથી ચો તરફ ફેલાય એમ ફેલાઈ ગયું હતું કે ભાગ્યે જ કોઈ એ ન જાણતું હોય. હું લગભગ જ્યાં જતો ત્યાં મારા ફેન અને ફોલોવરસની એક ઉદગાર સમી ભીડ જમા થઇ જતી! મોટા ભાગની લાયબ્રેરીઓમાં બહુ ટૂંકા સમયમાં મારા સાતથી આઠ પુસ્તકો પહોચી ગયા હતા. લેખક તરીકેની નામના મને દુધમાં સાકર ગળે એટલા સમયમાં મળી ગઈ હતી, માત્ર સાત વર્ષમાં!

આ વખતે તો મારે હોલ શોધવાની પણ કોઈ માથાકૂટ કરવી નહોતી પડી. મારા માટે એ કામ એક સંસ્થાએ જ કર્યું હતું. હું એ સંસ્થમાં મારા પુસ્તકોની કમાણીમાંથી થોડું ઘણું ડોનેશન આપતો એટલે એ સંસ્થાના ટ્રસ્ટીઓ મારા માટે ઘણી સુવીધાઓ ચપટીમાં કરી આપતા. જોકે એ ડોનેશન કોઈ સોદો ન હતો, હું ઘણી વાર તેમને કહેતો કે એ બધું  તો હું જાતે કરી લઈશ ત્યારે તેઓ વિવેક કરતા કે જો તમે સંસ્થા માટે એ બધું કરી શકતા હોવ, તો સંસ્થા તમારા માટે કેમ કાઈ ન કરી શકે? એ સંસ્થા ગરીબ બાળકોને ભણવામાં સહાય કરવી અને કુપોષણનો શિકાર બનતા બાળકોના સ્વાસ્થ્ય અંગે પગલા લેવા જેવા સેવાના કાર્યોમાં જોડાયેલ હતી એટલે એમાં ડોનેટ કરવું મને ગમતું જ નહિ પણ મારા જેવા હસતા માણસ ઉપર નજર કરીને પણ એનું દુઃખ સમજી શકનાર માટે શોભતું!

આજે પણ એ સંસ્થાએ મારા નવા પુસ્તક આરાધનાના વિમોચન માટે લોટરી ક્લબનો હોલ ભાડે રાખી આપ્યો હતો.

એ જગ્યા બહુ વિશાળ હતી છતાં એકલા અમદાવાદમાં જ મારા એટલા વાચકો હતા કે એમાંથી અમુક પણ જો આવી જાય તો એ જગ્યા નાની પડે અને થયું પણ એવુ જ હતું. જે હોલમાં પાંચસો લોકો બેસી શકે તેવી જગ્યા હતી એ હોલ સાતસો – આઠસો લોકોથી ભરાઈ ગયો  હતો. લોકોએ બેસવા ન મળ્યું તો ઉભા રહેવાનું પણ પસંદ કર્યું હતું. મારા વાચકોની ભીડ જોઈ હું સતત ગર્વ અને ખુશીની લાગણી અનુભવી રહ્યો હતો.

મારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અને હોલ તાળીઓના ગગડાટથી ગુંજી ઉઠ્યો! ત્યારબાદ એન્કરે પુસ્તક વિશે થોડીક જાણકારી આપી અને મને સ્ટેજ પર આવવા માટે વિનંતી કરી.

હું સ્ટેજ પર ગયો, માઈક હાથમાં લીધું અને જેવા મારા મો માંથી શબ્દો નીકળ્યા, “વાચક મિત્રો…..” આખો હોલ અવાજોથી ભરાઈ ગયો.

હું જેટલી ખુશી અનુભવી રહ્યો હતો એનાથી પણ ગર્વ વધુ થઇ રહ્યો હતો.

“આરાધના એ મારું અગિયારમું પુસ્તક છે… મેં આગળના બધા પુસ્તક પણ પ્રેમ વિશે જ લખ્યા છે કેમકે આપણા જીવનમાં સૌથી મહત્વની ચીજ પ્રેમ છે.”

હોલમાં એકદમ ચુપકીદી હતી, હજારોની ભીડવાળા એ હોલમાં ટાંકણી પડે તો પણ અવાજ થાય એવી નીરવતા હતી. કદાચ મારા વાંચકો મારો એક પણ શબ્દ મિસ નહોતા કરવા માંગતા.

“આજ સુધીના પુસ્તકો મેં કોઈ અન્યના કિસ્સાઓ અને મારી કલ્પનાને આધારે લખ્યા હતા છતાં પણ તમે દરેકે એને હરખભેર વધાવી લીધા છે, તમને મારા પુસ્તકો વાંચવા ગમે છે એ મારી ખુશનસીબી છે. મારા આગળના દસ પુસ્તકોમાંથી બધાએ અલગ અલગ પુસ્તકોના પાનાઓ ઉત્સુકતાથી ઉથલાવ્યા હશે, કોઈએ મિત્રતા વિશેનું તો કોઈએ સાચા પ્રેમ વિશેનું, કોઈને મારી ટૂંકી વાર્તાનો સંગ્રહ પસંદ આવ્યો હશે તો કોઈને મારી સસ્પેન્સ સ્ટોરી પણ આ પુસ્તક હું દરેકને વાંચવા માટે ખાસ સૂચન કરીશ કેમકે આ પુસ્તક મેં મારા પોતાના જીવન પર પર લખ્યું છે, આ પુસ્તકમાં મારી પોતાની પ્રણય કથાનો સમાવેશ થયો છે, આ મારું પહેલું પુસ્તક છે જેમાં કોઈ કલ્પના નથી માત્ર પાત્રોના નામ કાલ્પનિક છે બાકીની પૂરી કહાની માત્ર અને માત્ર વાસ્તવિકતા છે.”

ફરી હોલની નીરવતા થોડીક વાર માટે  હણાઈ, બધા આનંદિત થઇ ગયા, મારા વાચકો મારા જીવન વિશે જાણવા માંગતા હોય એમાં કોઈ નવાઈ ન હતી, કદાચ હું મારી કહાની એમના સમક્ષ રજુ કરવા જેટલો ઉત્સાહિત હતો તેટલો જ ઉત્સાહ તેમને પણ હતો.

“મારા આ પુસ્તકની પચાસ હજાર કોપીઓ પહેલી જ આવૃત્તિમાં પ્રિન્ટ થઇ છે અને હું એની બધી જ કમાણી ગરીબ બાળકોના વિકાસ માટે ચાલતી સંસ્થાને દાન કરવા માંગું છે. અલબત હું એમને એડવાન્સમાં ત્રણ લાખનો ચેક આપી રહ્યો છું.” કહી મેં મારી બાજુમાં જ એક ખુરસી પર બેઠેલ સંસ્થાના ટ્રસ્ટીને ત્રણ લાખનો ચેક આપ્યો. તે મને નવાઈથી જોઈ રહ્યા. પણ એ નવાઈભરી આંખો મારા ચહેરા પરથી ટૂંક સમયમાં સ્ટેજ આગળથી આવતા તાળીયોના ગડગડાટ તરફ ફેરવાઈ!

પુસ્તકના વિમોચન વખતે હોલમાં તાળીઓનો જેટલો ગગડાટ થયો એનાથી પણ વધુ તાળીઓ મેં ચેક આપ્યો ત્યારે પડી. પુરા હોલમાં મારી વાહ વાહ થવા લાગી. જોકે મે કોઈ વાહ વાહની ઇચ્છાથી એ ચેક નહોતો આપ્યો. હું દર વખતે એ સંસ્થાને ડોનેટ કરતો હતો પણ સાચું કહું તો આ વખતે ડોનેસન પાછળના મારા વિચારો સંકુચિત હતા. જે છોકરીએ મને સાચો પ્રેમ ન કરી શકી એના નામની કહાનીથી હું પૈસા નહોતો કમાવા માંગતો, કે પછી મને મારા જ પ્રેમનું પુસ્તક વેચી પૈસા બનાવવાનું નહોતું ગમ્યું. જે હોય તે પણ હું એ પુસ્તકથી એક પણ રૂપિયો કમાવા નહોતો માંગતો.

પરંતુ એ મારા મનના વિચારો હતા, લોકો એનાથી અજાણ હતા, એટલે બધા નવાઈ પામ્યા કારણકે એક નવા લેખકનું આટલું મોટું ડોનેશન નવાઈ કહેવાય. ઊંડી અને દાર્શનિક વાતો લખવાવાળા લેખક લેખક રહી જાય છે એ હું જાણતો હતો. હું જાણતો હતો કે આમ પૈસાની ઉજાણી કરી હું બાળપણથી જોયેલ બીઝનેસ મેન નહી બની શકું. પણ એ બાળપણ નું સપનું તો મેં બાળપણમાં જ છોડી દીધું હતું. બસ હવે તો માત્ર સમાજિક ઉદેશ્ય જ રહ્યો હતો.

કાર્યક્રમ સમાપ્તિ પર હતો, ત્યાં મોજુદ દરેક વ્યક્તિના હાથમાં આરાધનાની એક કોપી હતી. પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર ઘઉના ખેતરમાં એક સાંજનું ચિત્ર હતું. ચિત્રમાં એ ઘઉંના સુવાળા ખેતરમાં એવી જ એક કોમળ અંગીની છોકરી ઉગતા સુરજ તરફ જઇ રહી હતી. ચિત્રમાં જઇ રહી એ છોકરીનું ચિત્ર મેં જ પસંદ કર્યું હતું કેમ કે મારા જીવનમાંથી પણ આરાધના ગઈ હતી.

હું બધાની તરફ હાથ હલાવતો, હોઠો પર સ્મિત સાથે બહાર નીકળ્યો. જીવનમાં અનેક સંઘર્ષ કર્યા બાદ મેં સફળતા મેળવી હતી. કોઈ બીજા પુસ્તકનું વિમોચન હોત તો હું બહુ ખુશ હોત પણ એ આરાધના વિશે હતું એટલે મને બહુ ખુશી ન હતી. મારા મનમાં મારા પુસ્તકની પ્રથમ લાઈન રમતી હતી. પ્રેમ ક્યારેય ખોટો નથી હોતો પણ તમે જેને પ્રેમ કર્યો હોય એ પાત્ર ખોટું હોઈ શકે.

“ત્રણ લાખનું દાન… તું આજે પણ એ જ છે. હજુ દુનિયાદારી નથી સમજતો.” તાળીયોના ગગડાટમાંથી બહાર આવતા જ મને એ શબ્દો સંભળાયા.  મેં પાછળ ફરીને જોયું.

વાહ રે જીંદગી! ક્યારે કયા સમયે જીવનને પાછું હતું ત્યાં લાવી ઉભું કરી દે છે ખબર નથી પડતી! ક્યારે ક્યાં મોડ પર જુના સાથીઓને સામે લાવી દે છે ખબર નથી પડતી!

મારી સામે આરાધના ઉભી હતી.

પણ એ હવે ક્યા મારી સાથી હતી?

“તું પણ ક્યા બિલકુલ બદલી હોય એવું લાગે છે. કદાચ તે મારું નવું પુસ્તક કઈ રીતે લખાયું એ નહી સાંભળ્યું હોય. નહી જ સાંભળ્યું હોય ખેર જવા દે!” મેં કહ્યું.

“હા, મેં સાંભળ્યું એ આપણા પ્રેમ વિશે તે લખ્યું છે અને એટલે જ હું અહી આવી છું.” આરાધનાએ જરાક ગુસ્સાથી કહ્યું. એને છેકથી ગુસ્સે થવાની આદત હતી.

“ના, મેં ક્યાંક એક શાયરી વાંચી હતી કે ઉનકી મહોબત મેં મરને કા ઈરાદા થા હમારા પર વો બેવફા નીકલે તો હમને ઈરાદા બદલ દિયા.” મેં ફિલ્મી કલાકારની અદાથી કહ્યું, એક લેખકમાં અનેક કલાકારો છુપાયેલા હોય છે એ મને ત્યારે જ ખબર પડી.

“ન તું મને એ દિવસે સમજી શક્યો હતો કે ન આજે સમજી શકીશ. મારે અહી આવવુ જ નહોતું જોઈતું.” આરાધનાએ ઉદાસીથી કહ્યું.

“હા, એ દિવસે જાણે મારો વાંક હતો, જાણે મેં ના પાડી હતી તારાથી લગન કરવાની. ઉલટાનો હું તારા માટે ટાઈમ પાસ હતો. જયારે મેં તને લગન કરવાનું કહ્યું તો તે ના પાડી. પછી પછી કરીને બધું ટાળતી રહી. હું સમજી ગયો કે તું કઈ ટાઈપની છોકરી હતી. તું મારા પુસ્તકની પહેલી લીટીમાં જેનું વર્ણન છે એમાંની છોકરી હતી પણ અભાર તું મારા જીવનમાં ન આવી હોત તો કદાચ હું આજે આટલો મોટો લેખક ન હોત. પ્રેમ વિશે મને લખતા ક્યારેય ન આવડત.” મેં કહ્યું. મારા અવાજમાં એક વ્યંગ હતો.

“કોન્ગ્રેચ્યુલેશન લેખક સાહેબ. પણ તમને ખાલી લખતા જ આવડે છે મેં તમારા દરેક પુસ્તક વાંચ્યા છે દરેક ટૂંકી વાર્તાઓ વાંચી છે.. તમારા પાત્રો તો એકબીજાના હ્રદયની વાત એકબીજાને કહ્યા વગર જ સમજી જતા હોય છે પણ તમે. તમે માત્ર પ્રેમને લખી જાણો છો પણ પ્રેમ કરી ન જાણ્યા, મી. ઓથર.” એ પણ એવા જ વ્યંગમાં બોલી કે પછી એ એના હ્રદયના શબ્દો હતા એ મને સમજાયું નહી.

“તું કહેવા શું માંગે છે?” મેં ગુસ્સાથી કહ્યું.

“એ જ કે હું લગન કરવાની ના કેમ પાડતી હતી એ જાણવાની તે ક્યારેય કોશિશ કરી? મારી શું મજબુરી હતી એ જાણવાની ક્યારેય તે પરવા કરી? ક્યારેય એ સમજવાની કોશીસ કરી કે મારો પરિવાર તારી જેમ લાખોના દાન કરી શકવા સમર્થ ન હતો. તે ક્યારેય એ જાણ્યું કે મારા પપ્પા પેરેલેસીસ હતા અને ઘર પરિવાર માટે નાનો ભાઈ જ્યાં સુધી ગ્રેજ્યુએશન પૂરું ન કરે ત્યાં સુધી મારે નોકરી કરવી જરૂરી હતી? તે એ જાણ્યું કે મારા માથે પ્રેમ કરતા પણ મોટી જવાબદારી હતી? પ્રેમ એટલે શું એ લખવું સહેલું છે કેમકે એના પાત્રો આપણે ઘડવાના હોય છે, એમના જીવનમાં સુખ દુ:ખ આપણે મુકવાના હોય છે પણ સાચી પ્રેમ કથાના પાત્રો ઉપરવાળો નક્કી કરી છે એમને સુખ દુ:ખ ભગવાન આપે છે એ કોઈ લેખક કે તેની કલમના હાથમાં નથી હોતા.” આરાધના એક લેખકના પાત્રની માફક બોલી ગઈ.

હું ચુપચાપ ઉભો રહી ગયો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા..મેં એ બધું જાણવાની કોશીશ કેમ ન કરી? કેમ એને છોડીને સુરત ચાલ્યો ગયો? કેમ ત્રણ વરસ સુધી પાછો અમદાવાદ ન આવ્યો? કેમ? કદાચ ત્યારે હું લેખક ન હતો. કદાચ ત્યારે મને સમજ ન હતી કે પ્રેમ શું છે. કદાચ આરાધના સાચી છે મને પ્રેમ વિશે લખતા જ આવડે છે… કદાચ આરાધના સાચી છે કે પ્રેમ વિશે લખવું અને પ્રેમ કરવો એ બંને અલગ અલગ વાતો છે. પ્રેમની સાચી વાતો લખવી અને સાચો પ્રેમ કરી જાણવો એ કદાચ અલગ બાબત છે.

“સોરી આરાધના મને માફ કરીદે.” મેં કહ્યું.

“સોરી કહેવાની જરૂર નથી, મને ખબર છે તું સુખી ઘરે જનમ્યો છે. તે દુ:ખ નથી જોયા એટલે દુનિયાદારી નથી સમજતો.” કહેતા કોમલ મને ભેટી પડી.

એટલી વારમાં હોલમાંથી બહાર આવેલા કેટલાક લોકોનું ટોળું મારી આસપાસ જમા થઇ ગયું હતું, અને જ્યારે અમે એકબીજાને ગળે મળી રડવા લાગ્યા ત્યારે કોણ જાને કેમ બધાને ખબર પડી ગઈ કે તેમના હાથમાંના પુસ્તકના બંને પાત્રો તેમની સામે જ ખડા થઇ ગયા હતા. આખો હોલ અમારી ચારે તરફ વીંટળાઈ વળ્યો.

“એક સવાલ આરાધના મેમ?” એક વાચકે આગળ વધી કહ્યું.

“તમે મારું નામ કાઈ રાતે જાણો છો?” કોમલે મારા ગળા પરથી હાથ અલગ કરતા એના તરફ જોઈ નવાઈથી કહ્યું.

“ક્મકે મેં પુસ્તકના ખાસ્સા પાના વાચ્યા છે.” એણે જવાબ આપ્યો.

“હા, હું સમજી ગઈ પણ તમારો સવાલ શું હતો?” આરાધનાએ પૂછ્યું.

“એ જ કે તમે લગન કર્યા છે હજુ?”

“ના.”

“કેમ?”

“કેમ એ તમે પુસ્તક પૂરું વાંચશો ત્યારે સમજી જશો.” આરધનાએ હસીને કહ્યું.

“લો આ પુસ્તક એના પાછળનું એક પાનું કોરું છે એના પર કહાની નું હેપી એન્ડીંગ પણ લખી નાખો એટલે વાંચવાની મજા આવે.” કહી તે વાંચકે પુસ્તકની કોપી અને એક પેન આરાધનાના હાથમાં આપી.

આરાધનાએ હાથમાં પેન લઈ એ પુસ્તકના છેલ્લા કોરા પેજ પર લખી આપ્યું,

“અંતમાં બધી ગલતફેમીઓ દુર થઇ ગઈ. ગલતફેમીનું કાળું વાદળ ખાસતા જ પ્રેમનો તેજસ્વી સુરજ ઝળહળી ઉઠ્યો. આરાધના અને લેખકે પોતાના વાચકોની સમક્ષ એકબીજાને પતિ પત્ની તરીકે સ્વીકાર્યા, આરધનાની આરાધના ફળી તે પોતાના આરાધકમાં સમાઈ ગઈ અને વાચકોએ તેમના પર આશીર્વાદ વરસાવ્યા.”

“તમે તમારા ગમતા લેખક સાહેબને પુસ્તકનો અંત ભાગ લખવા કેમ ન કહ્યું એ મને ન સમજાયુ?” આરાધનાએ એ વાચકને પુસ્તક પાછું આપતા કહ્યું.

“કેમકે એમને અંત ભાગ લખવા આપું તો પાછળ બીજા પચાસ પાના જોડવા પડે તેઓ તમને જોયા ત્યાંથી વર્ણન ચાલુ કરોત અને વાચકને તમારા લગન થતા જોવા માટે વચ્ચેના પચાસ પાના રાહ જોવી પડત અને બીજું એ કે આપણી પાસે એક જ પાનું કોરું હતું.” વાંચકે કહ્યું.

ને ફરી એકવાર તાળીઓના ગગડાટમાં આરાધના અને આરાધના બેયને વધાવી લેવાયા!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here