gujarati-true-story-chocolate-ni-chavi

ચોકલેટની ચાવી !!!!!  (સત્ય ઘટના ઉપર આધારિત વાર્તા…..)

ચાળીશ વિધા જમીનવાળા ભીમજીનું રામપુર ગામમાં નામ પડે કે બધાના મોમાંથી “ઓહો ! દયાળુ ભીમજી ભાઈને?” એક જ વાક્ય નીકળે.

રામપર ગામે કોઈ બહારથી મહેમાન આવે ને ગુંદરે નામ પૂછે “ભીમજી દોંગાનું ઘર કઈ બાજુ પડે?” તો ગુંદરે બેઠા રાજેશભાઈ, મનીષભાઈ, લાલજીભાઈ કે ભૂરાભાઈ પટેલ જટ કહે, “ભીમજીના પરોણા છો?”

બધાં રામ રામ કરે પછી ગામ તરફ અંદર જતા કાચા રસ્તે આંગળી ચીંધીને કહે, “શેરીયો પૂરો થાય એટલે ડાબી બાજુ ધાબાવાળું મકાન દેખાય એ ભીમા પટેલનું…..”

આ તો હતી ભીમજી દોંગાની પ્રસ્તાવના કે ઓળખ પણ વાર્તામાં વાત છે ભીમજી પટેલની દીકરી શીતું એટલે કે શીતલની!

શીતું રામપરમાં ભણી, મોટી થઈ. ઘરના અને ખેતરના કામ સાથે મોટી થઈ અને છેક એમ. એ. બી. એડ. કર્યું. ગામમાં તે’દી તો દીકરીઓને ભણાવવા કોઈ રાજી ના થાતું પણ શીતું ઉપર મૂળજી પટેલને મૂછોના દોરા જેવો ભરોસો ને શીતુંની મા સુશીલાબેને દીકરીને સંસ્કાર આપીને જ ઘડી હતી. ઘરે એવી દીકરી જન્મી એનું ય કારણ ખરું, બ્રાહ્મણને જમાડવા હોય કે ચકલાને ચણ નાખવું હોય મૂળજી પટેલ પાછા ન પડે!

શીતું ભણી અને પછી શીતુંને શિક્ષકની નોકરી લાગી ને સારા ઘરે લગનેય થયા. જમાઈ પણ ભોળો ને સીધો જ મળ્યો! ગામ આખું હરેશ સંઘાણીને ઘરે ચા પીવા લઇ જાય એવા જમાઈના માણ! ને આમ શીતું દોંગા થઇ ગઈ શીતું સંઘાણી! ને શીતું ને બદલે નામ પડ્યું શીતું બેન! લગન બાદ શિતુંબેનને નોકરીએ જવાનું થાય. જામનગરથી નજીકના ગામ લાલપુરમાં અપડાઉન કરવાનું. શિક્ષકોને એક જબરી આદત હોય ગમે ત્યાં કરકસરવાળો માપદંડ શોધી જ લે ! શીતુબેને પણ અપડાઉન માટે એવું જ સાધન શોધી લીધું.

શિક્ષકોની એક ગાડી સવારે લાલપુરની એ જ સ્કૂલમાં જતી એટલે શીતુંબેને પણ એમાં ભાગ લીધો. ખરું કહીએ તો કઈ કરકસર માટે નહીં પણ બધા શિક્ષક ભાઈ અને શિક્ષિકા બહેનો સાથે જવું જ હિતાવહ હતું! શરૂઆતમાં તો બસમાં અપડાઉન કર્યું પણ ધીમે ધીમે ઓળખાણ થઈ એટલે પછી સાથી શિક્ષકની ગાડીમાં જ બધા શિક્ષકો જતા શીતું પણ એમાં જ જવા લાગી.!

નોકરીને લગભગ બે મહિના થઈ ગયા હતા ત્યાં શીતુંને એક છોકરો વારંવાર ધ્યાનમાં આવતો ! નામ હતું મિતરાજ.

મિતરાજને બીજા બાળકો પરેશાન કરતા પણ એ અહિંસક હતો! ના તો વળતો જવાબ આપે ન શિક્ષકને ફરિયાદ કરે અને એટલે જ બીજા બાળકો એનો ફાયદો ઉઠાવી લેતા ! મનીષે એકવાર એવું જ કર્યું. શીતુંબેન ક્લાસમાં દાખલ થયા ને હાજરી લીધી ત્યાં મનીષ ઉભો થયો ને બોલ્યો, “ટીચર ! ટીચર ! આ મિતરાજ હરિસિંહની દુકાને આખો દિવસ ટી.વી. દેખે છે!”

શીતુંબેન જરાક ગુસ્સે થઈ ગઈ ! મિતરાજ સામે જોઇને કહ્યું, “મિતરાજ ! અહીં આવ, અને તારી નોટબુક લેતો આવજે.”

મિતરાજ ગભરાતો ગભરાતો ઉભો થયો. નોટબુક લીધી અને હળવે પગલે શીતુંબેન આગળ જઇ નોટ એક હાથમાં પકડી એક જ હાથની અદબ વાળીને ઉભો રહ્યો.

“તારું હોમવર્ક પૂરું છે ?” શિક્ષક જેમ જ કડક બની શીતુંબેને પૂછ્યું.

“ના ટીચર……”

“કેમ? ટીવી જોતા પહેલા હોમવર્ક પૂરું ન કરી શકાય? મા બાપ એટલા માટે પૈસા બગાડે છે?” એ જ શિક્ષકનો જૂનો ઘસાયેલો ડાયલોગ શીતુંબેન પણ બોલ્યા પણ અહિંસક શિક્ષકની જેમ શીતુંબેન મારવા ન મંડી ! કેમ કે એ જાણતી હતી કે બાળકના જીવનમાં પણ ઘણી તકલીફો હોય છે જે મોટેરા ક્યારેય જોઈ શકતા નથી !

“ટીચર હું ટીવી જોઉં છું હરિસિંહની દુકાને….” મિતરાજે નજર નીચી રાખીને કહ્યું, “પણ હું તો મહાભારત સિરિયલ આવે એ જ દેખવા જાઉં છું બીજું ક્રિકેટ કે ફિલ્મો નથી જોતો.”

શીતુંબેનને લાગ્યું છોકરો ચાલાક છે. ધાર્મિક વાતો કરીને બચી જવા માંગે છે એટલે બીજો સવાલ ધરી દીધો, “તો પછી હોમવર્ક કેમ બાકી છે ?”

“એ તો ટીચર મને એમ કે તમે દર સોમવારે નોટ દેખો છો એટલે હું રવિવારે પૂરું કરું છું.”

“કેમ રવિવારે ? રોજનું કામ રોજ કેમ નહિ?”

“એ તો હું કામે જાઉં છું ટીચર, જગતસિંહની વાડીએ કામે જાઉં. અહીંથી નિશાળ છૂટે એટલે સીધો વાડીએ જાઉં કામ કરીને પછી ઘરે જાઉં ને ખાઈને સુઈ જાઉં!”

“ને સવારે શુ કરે?”

“સવારે તો ઘરે કામમાં મદદ કરું….”

શીતુંબેનને છોકરો ચાલાક લાગ્યો પણ મનમાં એક પ્રશ્ન એય થયો કે તેર વર્ષનો છોકરો કઈ આટલું બધું જૂઠ આમ ફટાફટ બોલી ન શકે. વાત સાચી જ હશે નહિતર ક્યાંક તો એને જવાબ આપતા સમય લાગોત જ !

“ઠીક છે જા બેસી જા…..”

મિતરાજ હસતો હસતો જઈને એની પટલીએ બેસી ગયો. શીતુંબેને પાઠ શરૂ કર્યો અને વર્ગમાં પ્રશ્નો પૂછ્યા તો મિતરાજને ખાસ્સા જવાબો આવડી ગયા પણ પેલો ફરિયાદ કરવાવાળો મનીષ એકેય જવાબ આપી ન શક્યો એટલે શીતુંબેનને ખાતરી થઈ ગઈ કે મનીષ જુઠ્ઠું બોલ્યો છે બાકી આ છોકરો મિતરાજ તો ડાહ્યો છે, સમજુ છે ને મહેનતુ છે.

એ દિવસ એમ જ નીકળી ગયો. બીજા દિવસે શીતુંબેન હાજરી લેતા હતા ત્યાં દરવાજે મિતરાજ આવ્યો.

“અંદર આવું ટીચર?” ગામડે હજુ મેં આઈ કમીન કહીને શિક્ષકનો જવાબ મળે એની પહેલા વર્ગમાં ઘુસી જવાનો રિવાજ આવ્યો નહોતો એટલે પ્રશ્ન પૂછીને મિતરાજ એમ જ ત્યાં ઉભો રહ્યો.

“આવી જા પણ કેમ લેટ આવ્યો?” હાજરી પત્રક ટેબલ ઉપર મૂકી શીતુબેને સવાલ કર્યો. મનના એકાદ ખૂણામાં શીતુબેનને લાગતું હતું કે જો છોકરો કદાચ ખોટું બોલતો હોય તો આજે પકડાઈ જશે!

“ટીચર બાપુને રોટલા આપવા વાડીએ ગયો તો એમાં મોડું થઈ ગયું!”

શીતુંબેને જોયું તો મિતરાજના શ્વાસોશ્વાસ તેઝ હતા. એ જરૂર દોડતો આવ્યો હતો એની ખાતરી એની નાનકડી છાતીમાં જોરથી ધબકતા કોમળ હૃદય ઉપરથી થઈ ગઈ. એના ચહેરા ઉપર અત્યાર સુધી કાઈ નહોતું. પણ દોડ્યા પછી એકાએક વર્ગમાં પહોંચી ઉભો રહ્યો એટલે પરસેવાના બુંદો ઉપસી આવ્યા.

“જા બેસી જા…..” શીતુંબેને કહ્યું પણ ત્યાં અચાનક એમની નજર મિતરાજના પગ ઉપર ગઈ. એના પગ ઉઘાડા હતા ચપ્પલ હતા જ નહીં !

“તારા ચપ્પલ ક્યાં છે?” શીતુંબેને પૂછ્યું એટલે મિતરાજ એની પાટલી પાસે જઈને અટકી ગયો. વળતો ફરીને શર્ટની બાયથી પરસેવો લુછી અને બેગ ઉતારીને મુકતા એ બોલ્યો, “ચપ્પલ તો હમણાં તૂટી ગયા…”

શીતુંબેન કાઈ બોલ્યા નહિ અને એ દિવસે ભણાવ્યું. સાંજે ઘરે ગયા ત્યાં સુધી મનમાં એક જ વાત ફરતી રહી ! આ છોકરાને ભગવાને થોડું મારા ભાગનું આપી દીધું હોત તો ?

બીજા દિવસે શીતુંબેન વર્ગમાં ગયા અને મિતરાજને નવા ચપ્પલ આપ્યા જે સવારે જ જામનગરની માર્કેટમાંથી લઈ આવ્યા હતા. મિતરાજ ખુશ ખુશ થઈ ગયો અને ચપ્પલ સાચવીને બેગના પાછળના ખાનામાં મૂકી દીધા.

એ દિવસે તો મિતરાજ આખો દિવસ હસતો હસતો જ ભણ્યો. પણ બીજા દિવસે ફરી એ લેટ પડ્યો ને શીતુંબેને જોયું તો એના પગમાં ચપ્પલ નહિ ! એના કપડામાં શર્ટની બાય ઉપર કોણીના ભાગે થિંગડું મારેલું પણ એ જ દિવસે નજરમાં આવ્યું.

“તારા ચપ્પલ ક્યાં ગયા?” શીતુંબેને નવાઈથી પૂછ્યું.

“અરે ટીચર ચપ્પલ તો ઘરે છે.” હસતા હસતા એ બોલ્યો.

“કેમ ઘરે?”

“ટીચર નવા ચપ્પલ તો નિશાળમાં ચોરાઈ જાય એટલે!” કહેતો એ એની પાટલી ઉપર ગોઠવાઈ ગયો. શીતું બેનને તો કઈ બોલવા જેવું રહ્યું જ નહીં. વિચારોમાંને વિચારોમાં ભણાવ્યું.

કાલનો અધુરો પાઠ પૂરો કરીને આખરે ફરી મિતરાજ પાસે જઈને પૂછ્યું, “આ તારો યુનિફોર્મ ફાટી ગયો છે નવો કેમ નથી લાવતો? પૈસા હું આપીશ નવો લાવી દેજે.”

“ના ટીચર…. ” એ તો એમ જ હસતો હસતો બોલ્યો, “આઠમા ધોરણમાં છું ને ટીચર, આવતા વર્ષે તો નવમાં જઈશ એટલે યુનિફોર્મ બદલાઈ જશે. ચાર મહિના માટે નવો લાવીને શુ કરું?” એની એ જ અદામાં ખભા ઉછાળી એ બોલ્યો! જાણે કોઈ પુખ્તવયનો સમજુ છોકરો ન હોય?

ફરી એકવાર એ નાનકડા છોકરાના પ્રશ્ન સામે શીતુંબેન કઈ બોલી શક્યા નહી!  શું ઉમરને બુદ્ધી અને સમજદારી સાથે કાઈ લેવા દેવા નથી એ વાત ખરી હશે? એક સવાલ મનમાં ફરવા લાગ્યો!

એમને એમ દિવસો ચાલતા હતા. રોજ કાંઈક નવું નવું થતું. એમાં એક દિવસ મનિષે મિતરાજને માર્યો અને ઉપરથી શિક્ષકને ફરિયાદ કરી.

શીતુંબેન જાણતા હતા કે મનીષ અળવીતરો છે એટલે એમણે મનીષને જ થોડો ફટકાર્યો. એ દિવસે તો મિતરાજ ખુશ થઈ ગયો અને પોતાના જીવનની સૌથી મોંઘી વસ્તુ શીતુંબેનને સોંપી દીધી.

રિશેષ દરમિયાન શીતુંબેન સ્ટાફરુમમાં બેઠા હતા. બીજા સિક્ષકો બધા ગ્રાઉન્ડમાં ગયા હતા ત્યારે મિતરાજ દરવાજે આવીને બોલ્યો, “ટીચર અંદર આવું?”

શીતુંબેનને ફાળ પડી કે જરૂર ફરી આ છોકરાને પેલા નાલાયકે માર્યો હશે પણ એના ચહેરા ઉપર મરમાળ સ્મિત જોયું એટલે લાગ્યું કે વાત કઈક અલગ છે.

“આવ…..”

પરવાનગી મળતા જ મિતરાજ અંદર આવ્યો. એના હાથમાં એક પ્લાસ્ટિકનો ડબ્બો હતો. શીતુંબેનને એ ડબ્બો આપવા એણે હાથ લાંબો કર્યો…..

“શુ છે આ?” શીતુંબેનને નવાઈ લાગી.

“આ ડબ્બામાં હું ચોકલેટ રાખું છું બેન, હું બધી ચોકલેટ એમાં ભેગી કરું અને પછી એને તાળું મારી દઉં એટલે ખવરાઈ ન જાય………”

“પણ એ બગડી નહિ જાય?”

“કઈ ના બગડે ટીચર. અને તમારે આ ડબ્બો ને ચાવી તમારી પાસે રાખવાના મને દિવસમાં એકવાર જ ચાવી આપવાની એટલે હું બધી ચોકલેટ ખાઈ ન જાઉં…..!”

શીતુબેને ડબ્બો ખોલીને જોયો તો એમાં અલગ અલગ ચોકલેટ હતી. “આટલી બધી ક્યારે ભેગી કરી?” શીતુંબેને સાવ કૃત્રિમ હાસ્ય લાવી પૂછ્યું.

“છેક ગઈ ઉતરાયણથી આ ઉતરાયણ સુધીમાં આ બધી ભેગી કરી……” મિતરાજ હસીને બોલ્યો.

“સારું તું જા……” શીતુંબેન બસ એટલું જ બોલી શક્યા અને જેવો મિતરાજ ગયો કે એમની આંખો ભરાઈ આવી !

આ તે કેવુ જીવન ? આવા નિર્દોષ બાળકને આવી તે કેવી સજા ? ને શીતુંબેનનું હૃદય ભારે થઈ ગયું !

***

એ પછી હવે તો રોજ શીતુંબેન એ ડબ્બામાં એક નવી ચોકલેટ ખરીદીને શાળાએ જતા પહેલા મૂકીદે છે અને રોજ એકવાર એ ચોકલેટ મિતરાજને આપે છે. એની ચોકલેટ તો બગડી ગઈ હોય ને ? પણ મિતરાજ એ નથી જાણતો અને ખુશ છે. એના પછી તો મિતરાજની બીજી કળા પણ શીતુંબેને જાણી. હમણાં જ એક ટ્યુબલાઈટ બગડી તો મિતરાજે એને રીપેર કરી દીધી ! પૂછ્યું કે કયા શીખ્યો ? તો કહ્યું કે ગામમાં જગતસિંહની ઇલેક્ટ્રિકની દુકાને ગયા વેકેશનમાં હું આ બધું શીખ્યો હતો !
પછી તો શીતુબેન જ નહિ પણ મિતરાજની સમજ અને હોશિયારી છેક આચાર્ય સાહેબ રાજુસીહ સુધી પહોંચી ગઈ. અત્યારે શીતુબેન મિતરાજને 26 મી જાન્યુઆરી માટે બોલવા માટે તૈયાર કરે છે. મિતરાજ ભલે પૈસે ગરીબ હોય પણ એ એના મા બાપ એના સિક્ષક અને એની શાળાનું નામ રોશન કરે છે…..!!!!! આજે કારગીલ વીર શહીદ અશોક્સીહ ગોવુભા જાડેજા શાળાનું ગૌરવ કહેવાય છે મીતરાજ!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

નોંધ : આ વાર્તા સત્ય ઘટના ઉપર આધારિત છે જેમાં વાર્તામાં રસ પુરવા માટે અમુક ફેરફાર કર્યા છે તેમજ ફોટો ઈન્ટરનેટ પરથી લીધો છે જે વાર્તામાંના  બાળકનો નથી. વાર્તાની કડી મને મારા શિક્ષક મિત્ર શીતું બેન સંઘાણીએ આપી છે જે જામનગરના છે અને ત્યાંના એક અંતરિયાળ ગામ લાલપુરમાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. વાર્તામાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે જેથી એ વાર્તા લાગે. મિત્રો આ બાળક માટે દુવા કરજો….. આ વાર્તા વસ્તુ મને આપવા બદલ અને લોકો સુધી પહોંચાડવા બદલ શીતું (શીતલ) બેનનો આભાર જય શ્રી કૃષ્ણ…..

Comment here